બીરબલ વિનોદ/બખ્તરની પરિક્ષા

← વખત તેવાં વાજાં બીરબલ વિનોદ
બખ્તરની પરિક્ષા
બદ્રનિઝામી–રાહતી
બુદ્ધિનું પરાક્રમ →


વાર્તા ૮૬.

બખ્તરની પરિક્ષા.

એક સમયે બાદશાહે લુહારને એક બખ્તર બનાવી લાવવા કહ્યું. બીચારા લુહારે પોતાની પુરતી અકકલ હોશીયારીથી સારામાં સારૂં બખ્તર બનાવી આપ્યું. બાદશાહે તેની પરિક્ષા કરવા સારૂ ઝમીન ઉપર મૂકી ગોળી મારી એટલે બખ્તર ભાંગીને ભૂકેભૂકા થઈ ગયું. એ જોઈ શાહે ગુસ્સે થઈને કહ્યું કે “જો ફરીથી આવો નકામો બખ્તર બનાવી આપીશ તો તેને સૂળીએ ચઢાવી દઈશ, માટે મઝબુતમાં મઝબુત બનાવી લાવ.”

બાદશાહનો આ કરપીણ હુકમ સાંભળતાંજ બીચારા બખ્તરની પરિક્ષા. લુહારાના તો હાંજાજ ગગડી ગયા, અને કંપવા લાગ્યો. મહેનત અકારત ગઈ તેની ફિકર ન કરતાં હવે મોતના મુખમાંથી કેવા પ્રકારે છટકવું એ વિચારમાં તે પડ્યો. ઘેર જતાં રસ્તામાં બીરબલનું મકાન આવ્યું. તેણે બીરરબલ આગળ હાઝર થઈ, બધી વાર્તા કહી સંભળાવી. અને એ અણધારી આફતમાંથી બચવાનો માર્ગ બતાવવા અરઝકરી.

બીરબલે પેલા લુહારની દયાજનક કથા સાંભળીને કહ્યું "બીજું બખ્તર બનાવી તારા શરિરપર ધારણ કરી દરબારમાં આવજે અને જ્યારે બાદશાહ પરિક્ષા લેવા માટે માગે ત્યારે કહે જે કે હુઝૂર ! બખ્તરની પરિક્ષા ઝમીન પર રાખીને નથી લેવાતી, બલ્કે શરિર પર લેવાય છે. માટે હું પહેરીને ઉભો છું, આપ જોઈએ તેટલી ગોળીઓનો પ્રહાર કરી પરિક્ષા કરી જુઓ એટલે તે શરિરનું કેવું સારી રીતે રક્ષણ કરે છે, એ તરત જણાઈ આવશે. જો તું આ પ્રમાણે કરીશ તો તારૂં કામ સફળ થશે.”

બીરબલના કહેવા પ્રમાણે લુહાર બીજો બખ્તર બનાવી શરિરે પહેરી દરબારમાં હાઝર થયો અને જ્યારે બાદશાહે બખ્તર પરિક્ષા કરી જોવા માગ્યું એટલે પેલાએ બીરબલે સમજાવ્યા પ્રમાણે જવાબ આપ્યો.

બાદશાહ તરતજ સમજી ગયા કે, એ યુક્તિ કોઈ બીજાએ બતાવેલી છે, એટલે તેણે લુહારને તે બાબત પૂછી જોતાં જણાઈ આવ્યું કે, બીરબલનું જ એ કારસ્થાન છે. શાહ એ જાણી ખુશ થયો અને લુહારને ઈનામ આપી વિદાય કર્યો.