બીરબલ વિનોદ/બળદનું દૂધ
← ચાતુર્યની પરિસીમા | બીરબલ વિનોદ બળદનું દૂધ બદ્રનિઝામી–રાહતી |
વ્હાલામાં વ્હાલી વસ્તુ → |
વાર્તા ૨૪.
બળદનું દુધ
એક દિવસે રાજ્યસંબંધી કાર્યોથી નિવૃત થયા પછી બાદશાહ નિત્યના નિયમાનુસાર બીરબલ જોડે હાસ્ય વિનોદ કરવા લાગ્યો. ઘણે વખત એમાં પસાર થઈ ગયો એટલે બીરબલે ઘેર જવાની આજ્ઞા માગી. બાદશાહે રજા આપતાં કહ્યું “બીરબલ ! હું ઘણા દિવસથી તમને એક વાત કહેવાનું ભૂલી જાઉં છું. મારે માટે હકીમે એક પુષ્ટિકારક ઔષધ બતાવ્યું છે, જેમાંની બધી દવાઓ મળી આવી છે પણ બળદના દુધની ખોટ છે. માટે કોઈ પણ પ્રકારે તે લાવવું જોઈએ ."
બીરબલ તરતજ બાદશાહની અસલ નેમ કળી ગયો, તેણે આઠ દિવસમાં લાવી આપવાનું વચન આપ્યું. બાદશાહ બોલ્યો " જો એકાદ દિવસ વધારે થઈ જાય તોએ ચિંતા જેવું નથી, પરંતુ દૂધ લાવવું જોઈયે. ” બીરબલ "બહુ સારૂં જહાંપનાહ !” કહી ત્યાંથી ઘેર આવ્યો, અને શું કરવું એ વિચારમાં પડ્યો. બીરબલની સ્ત્રી ઘણી જ ચતુર હતી, તેણે પોતાના પતિને વિચાર ગ્રસ્ત જોઈ પૂછ્યું “દેહાધાર ! આજે આપ કેમ મુંઝવણમાં કેમ પડ્યા છો?” બીરબલ તેની બુદ્ધિમત્તાને સારી પેઠે જાણતો હતો, છતાં આ કાર્ય તેનાથી પૂર્ણ નહીં થઈ શકે એવો વિચાર કરી તેણે કહ્યું “કાંઇ નહીં. એતો સહેજ વિચાર કરતો બેઠો હતો."
પરંતુ તેની સ્ત્રી એવી ભળી ભટાક ન હતી કે સ્હેજમાં સમજી જાય, તેણે હઠ પકડી એટલે લાચારીએ બીરબલે બાદશાહની આજ્ઞા કહી સંભળાવી. તેની સ્ત્રીએ કહ્યું “એમાં તે વળી વિચારવાની શી જરૂર હતી ? લો, હું બાદશાહનો એ સવાલ પૂરો કરી આપીશ અને આઠ દિવસની અંદરજ બાદશાહને બળદનું દુધ મોકલાવી આપીશ.” આ સાંભળી બીરબલને બહુ જ આનંદ થયો અને પોતાની પ્રેમભાગિનીને પ્રેમાલિંગન આપી પ્રેમને સાક્ષાત્કાર કરાવ્યો.
ત્રણ ચાર દિવસ પછી બીરબલની સ્ત્રી દસ વીસ મેલા ફાટેલાં કપડાંની ગાંસડી લઈ અર્ધ રાત્રિને સમચે નદીએ ધોવા ગઈ, અને નદી તીરે આવેલા બાદશાહના મહેલની સ્હામે જ માટે સાદે “સીયો રામ ! સીયો રામા ” કહેતી કપડાં ધોવા લાગી. બાદશાહની નિદ્રાનો એ શબ્દોએ ભંગ કર્યો, તેણે જાગી ઉઠતાં અત્યંત ક્રોધ દર્શાવી સીપાહીઓને કહ્યું"એવો કયો ધોબી છે, જે આ સમયે મારા મહેલની પાસે આટલે મોટે સાદે બૂમો પાડી મારી નિદ્રાનો ભંગ કરે છે? જાવ, જલ્દીથી તેને પકડી લાવી મારી આગળ હાઝર કરો.” આજ્ઞા મળતાં જ ત્રણ ચાર સિપાહીઓ દોડ્યા, તેમને પોતા તરફ આવતા જોઈ બીરબલની સ્ત્રી જાણે કાંઈ જાણતી જ ન હોય તેમ વધુને વધુ જોરથી “સીયોરામ ! સીયોરામ ! !” કરવા લાગી. અર્ધરાત્રિને સમયે નદી તીરે એક યુવાન સૌંદર્યવતી સ્ત્રીને એકલી કપડાં ધોતી જોઈ સીપાહીઓ સહેજ આશ્ચર્યચકિત થયા. તેઓ તેની પાસે જઈ પહોંચ્યા, છતાં તેણી તો બેફીકર પોતાનું કામ કર્યે જતી હતી. તેને પોતાના કાર્યમાં એવી દત્તચિત્ત જોઈને એક સિપાહીએ જોરથી કહ્યું “હે સ્ત્રી! તું કોણ છે? આ સમયે અહીંયાં કેમ કપડાં ધોવા આવી છે? તેં બાદશાહની નિદ્રાનો ભંગ કર્યાથી બાદશાહે તને પકડી મંગાવી છે. માટે ચાલ અને તારા કર્મનું પ્રાયશ્ચિત કર.”
એ સ્ત્રી તો એટલું જ ઈચ્છતી હતી, છતાં થોડીવાર માટે આનાકાની કર્યા પછી, મેલાં કપડાં ત્યાં જ પડતાં મૂકી સીપાહીઓ સાથે બાદશાહ આગળ ગઈ અને અત્યંત નમ્રતાપૂર્વક સલામ કરી ઉભી રહી. તેને જોતાં બાદશાહ ઘણો જ ગુસ્સે થયો અને બોલી ઉઠ્યો “હે અભાગિની ! તું કોણ છે? અર્ધરાત્રિને સમયે આ સ્થળે કેમ કપડાં ધોવા બેઠી છે?"
બાદશાહને અત્યંત ક્રોધિત જોઈ પ્રથમ તો તે સ્હેજ ગભરાઈ, પણ પાછી હીંમત લાવી બેલી “પૃથ્વિનાથ!… પૃથ્વિનાથ! હું તો.....” બાદશાહે તેને આટલા બધા ગભરાટનું કારણ પૂછ્યું અને સાથે જ ધમકી બતાવતાં કહ્યું
“તું આટલી બધી ભયભીત કેમ છે? સાચે સાચું કહી આપ નહીં તો તારી બહુજ દુર્દશા થશે.”
આ સાંભળી પેલી સ્ત્રી હીંમત આણી બેલી “પૃથ્વિનાથ ! મને અત્યંત આવશ્યક્તા હોવાને કારણે જ આવા સમયે કપડાં ધોવા આવી છું.” બાદશાહ વધુ ગુસ્સે થતો બોલ્યો “એવી કેવી આવશ્યક્તા હતી જેણે તારા જેવી સાૌંદર્યવાન સ્ત્રીને આવા સમયે કપડાં ધોવાની ફરજ પાડી? સ્ત્રીએ કહ્યું “કૃપાનિધાન મારા પતિએ પુત્રને અત્યારે જન્મ આપેલ હોવાથી પોતડાઓની ( બલોતીઆંની ) આવશ્યક્તા હતી.”
આ વિચિત્ર વાર્તા સાંભળી બાદશાહને હસવા સાથે આશ્ચર્ય પણ ઉત્પન્ન થયું, તેણે કહ્યું “રે, દીવાની સ્ત્રી ! તારું ભાન ઠેકાણે છે કે નહીં ? પુરૂષ જાતિએ તે વળી કાંઈ બાળકને જન્મ આપેલો સાંભળ્યો છે ?”
પેલી સ્ત્રીએ તરત જ ધીમે સાદે કહ્યું “પૃથ્વિનાથ ! જો પુરૂષને પેટે બાળક ન જન્મે તો પછી બળદનું દુધ મળવાનું ક્યાંથી જ સંભવિત હોય?”
આ શબ્દો સાંભળતાં જ બાદશાહને પોતે બીરબલને આપેલી આજ્ઞાનું સ્મરણ થઈ આવ્યું એટલે તે વધુ આશ્ચર્યથી પૂછવા લાગ્યો “હે સુન્દરી! તું કોણ છે?” તેણે ઉત્તર આપ્યો “કૃપાનાથ! બીરબલ મારા ધર્મ પતિ છે.” બાદશાહે એથી પ્રસન્ન થઈ તેણીને અત્યંત ધન્યવાદ આપ્યા અને તેના ચાતુર્ય બદલ તેને ભારે પારિતોષિક આપી વિદાય કરી. બીરબલ પણ પોતાની સ્ત્રીના આવા ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયો.