બીરબલ વિનોદ/બીરબલનું જીવનચરિત્ર

બીરબલ વિનોદ
બીરબલનું જીવનચરિત્ર
બદ્રનિઝામી–રાહતી
અનુક્રમણિકા →


બીરબલ ચરિત્ર.

સુજ્ઞ વાંચકો ! પ્રસ્તુત પુસ્તક “બીરબલ વિનોદ ” માં બીરબલ અને બાદશાહની બુદ્ધિમત્તા, રસજ્ઞતા અને નીતિમય વિનોદ રૂપી રસીલી અને બોધક વાર્તાઓ વાંચતાં પહેલાં બાદશાહ અને બીરબલના જીવનચરિત્રોથી વાકેફ થવું આવશ્યક હોવાને કારણે એ ઉભય મહાપુરૂષના ટુંક જીવનચરિતત્રો અત્રે રજુ કરવાનું અમે ઉચિત ગણીયે છીયે.

અકબર.

મોગલ સલ્તનતના પિતા બાબરનો પુત્ર હુ'માયુ બંગાળના સૂબા શેર અફગન (શેરશાહ) થી હાર પામી નાઠો, ત્યારે સિંધમાંથી પસાર થતાં અમરકોટના કિલ્લામાં તેની બેગમ ' રીયમ મકાની બેગમ ઉર્ફે 'મીદાબાનુ ' એ હીજરી સન ૯૨૯ ના રજબ માસની ૫ મી તારીખે (વિક્રમ સંવત ૧૫૯૮ અથવા તા. ૧૫ મી ઓકટોબર સ. ઈ. ૧૫૪૨) પુત્રને જન્મ આપ્યો. જેનું નામ ' લાલુદ્દીન મોહંમદ ' રાખવામાં આવ્યું, જે પાછળથી દિલ્હીના તખ્ત ઉપર આવતાં “ અકબર'” નામથી પ્રખ્યાત થયો. તેણે હીંદુ તથા મુસલમાનોને એક સરખા હકો આપ્યા અને અનેક દુષ્ટ રિવાજો દૂર કરી તેમજ પ્રજાના સુખને માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી જગતમાં સારી ખ્યાતિ મેળવી.

સાથેજ સાથે તેણે પોતાના દરબારમાં વિદ્નવાનોનો જાણે ભંડાર ભર્યો હોય એમ જ હતું. બીરબલ, બુલફઝલ, બુલફૈઝી, તાનસેન, ગંગકવિ, ગન્નાથ પંડિત વગેરેને “નવરત્નો ” એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. કબરે ન્યાય, કૃષિકારવિદ્યા, ગણિતશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના અનેક પુસ્તકો લખાવી એ શાસ્ત્રોને નવજીવન બક્ષી ભારતવર્ષ ઉપર મહા ઉપકાર કરવા સાથે પોતાની એક રાજ્યકર્તા તરીકેની ખ્યાતિમાં સહસ્ત્ર ગણો વધારો કર્યો, અને એજ કારણે અત્યારપર્યત સર્વ કોઈ તેના ગુણગાન કરે છે. ઇ.સ. ૧૬૦૫ માં ૬૩ વર્ષની ઉમ્મરે પ૧ વર્ષ રાજ્ય કરી પોતાના પાટવી કુંવર સલીમ ઉર્ફે જહાંગીરને રાજ્ય સોંપી આ ફાની જગતનો તેણે ત્યાગ કર્યો.

બીરબલ.
જન્મ.


પ્રિય વાંચકો ! મહાગૌરવશાળી મોગલ શહેનશાહ અકબરના આ ટુંક પરિચય પછી જ્યારે આપણે ભારતમાર્તંડરૂપ બુદ્ધિશાલી બીરબલના જીવન પ્રત્યે દષ્ટિ કરીશું તો ખેદ સાથે આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના નહીં રહે, કેમકે એ મહાપુરૂષનો જન્મ કયારે અને કયે સ્થળે થયો તે વિષે હજુ કોઈ ચોક્કસ નિર્ણય કરી શકાયું નથી, તેમજ જાતિ વિષે પણ એજ ગોટાળો નઝરે પડે છે. અમે કેટલીક જુદી જુદી દંતકથાઓ નીચે રજુ કરીયે છીયે જે ઉપરથી વાંચકો પોતેજ યોગ્ય ફેંસલો કરી શકશે.

દંતકથા-(૧) કેટલાક બીરબલને કાન્યકુબ્જ બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે, અને કેટલાક એમને ચોબા જાતિના ગણે છે. ચોબા લોકો એ મહાપુરૂષને પોતાનો સજાતિય કદાચ એટલા માટે ગણતા હોય કે તે ચોબા લોકોની પેઠે મશ્કરીબાજ (મસ્ખરીબાઝ) હતા, તો એ બનવા જોગ છે. અને વળી ચોબા જાતિના પ્રથમ પુરૂષ વિષે જે દંતકથા ચાલે છે તેવી જ એક દંતકથા બીરબલ વિષે પણ ચાલે છે અને તે એકે, બીરબલે પ્રસિદ્ધીમાં આવ્યા પૂર્વે પોતાની કવિતા અને ગાયનથી દેવી દુર્ગાને પ્રસન્ન કરી એટલે તેણે વરદાન આપ્યું કે 'તૂ જે પહેલો વહેપાર કરીશ એથી જ તને ઘણો લાભ થશે' આવું વરદાન મળતાં બીરબલે મીઠાની ગુણો ભરી સાંભર મોકલી એટલે દેવીએ કહ્યું “ત્હેં મ્હારીજ મશ્કરી કરી, માટે તને જે કંઈ મળશે એ મશ્કરી કરવાથી જ મળશે. ” એમ કહેવાય છે કે એજ દિવસથી બીરબલ મશ્કરી કરવામાં, લોકોને હસાવવામાં તેમજ હાઝરજવાબી વગેરેમાં અત્યંત કાબેલીયતવાળો થયો.

દંતકથા-(૨) મારવાડના લોકો બીરબલને મકરાનાના બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. એમ કહેવાય છે કે ત્યાં સંગે મરમરની જે ખાણ છે તેને પતો સૌથી પહેલાં બીરબલેજ સાંભરના હાકેમને આપ્યો. એટલે ત્યાંથી પત્થરો લઈ બાદશાહનો મહેલ બાંધવામાં આવ્યો, તેમજ બીરબલને પણ બાદશાહ સુધી પહોંચવાનું મળ્યું,

દંતકથા--(૩) યપુર રાજ્ય નિવાસીયો એમ બતાવે છે કે બીરબલનો જન્મ અજમેરની પાસે, એક પર્વતની તળેટીમાં અગાઉ એક ન્હાનકડું ગામ આબાદ હતું ત્યાં થયો હતો. એના માતાપિતા ઘણીજ દીન અવસ્થા ભોગવતાં હતાં. મકાન પર્વતની તળેટીમાંજ હોવાથી બીરબલ દરરોજ પહાડ ઉપર જઈ લાકડાં કાપી લાવતો. એક દિવસ લાકડાં બાંધવાનું દોરડું ઘરમાં જ રહી ગયું અને બીરબલે પહાડ ઉપર લાકડાં એકઠાં કર્યા પણ દોરડું પોતે ઘરમાં ભૂલી ગયાનું ભાન થતાં ઉપરથીજ માતાને દોરડું મોકલવાને સાદ કર્યો. માએ કહ્યું “દોરડું તો ઘરમાં છે પણ મોકલું કોની સાથે ?” ત્યારે બીરબલે કહ્યું કુતરાના ગળામાં બાંધી દો.” માતાએ તે પ્રમાણે કર્યું એટલે બીરબલે કુતરાને ઉપર બોલાવી દોરડું લઈ લાકડા બાંધ્યા. સંયોગવશાત એજ પહાડની પાસે કબરબાદશાહે પડાવ નાખ્યો હતો, તેણે આ છોકરાની અજબ ચાલાકી જોઇ પોતા પાસે બોલાવી મંગાવ્યો. બીરબલ માથે લાકડાને ભારો લઈ બાદશાહના સિપાહીઓ સાથે બાદશાહના તંબુ તરફ આવવા લાગ્યો, રસ્તામાં એક નાળું આવતું હતું, તે સાથે લાકડાનો ભાર હોવા છતાં બીરબલ છલંગ મારી ઓળંગી ગયો. આ બધો બનાવ બાદશાહે પોતાની નઝરે જોયો. જ્યારે બીરબલને બાદશાહ સન્મુખ રજુ કરવામાં આવ્યો ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ તેને શાબાશી આપી તેમજ ઇનામ વગેરે આપી વિદાય કર્યો. જતી વેળા બીરબલને નાળું ઓળગવામાં વાર લાગી એટલે બાદશાહે તેને પાછો બોલાવી પૂછ્યું “હે છોકરા ! અહીં આવતી વખતે તો તું ઘણું જ સપાટાબંધ નાળું ઓળંગી ગયો હતો અને જતી વખતે કેમ વાર થઇ?”

બીરબલે બન્ને હાથ જોડી કહ્યું “ આવતી વખતે હું હલકો હતો, પરંતુ જતી વેળા આપની કૃપાને કારણે વજન વધી ગયું.”

બાદશાહે કહ્યું “આ છોકરો કેવળ બુદ્ધિમાન જ નથી બલ્કે વાતચીત કરવામાં પણ ચતુર છે.” અને 'બીરબલને પોતાની પાસે રાખી લીધો.

દંતકથા-(૪) કેટલાક કહે છે કે બીરબલ દિલ્હીના એક બ્રાહ્મણનો પુત્ર હતો. તેનું અસલ નામ સુપ્રનાથ હતું. એક દિવસ નિશાળેથી તે ઘેર આવતો હતો તે વેળા રાજમહેલમાં બાદશાહની આગળ એક બહુરૂપી (વેષ બદલનાર ) ખેલ કરતો હતો. એ ખેલ જોવા માટે અમીર ઉમરાવો, રાજા મહારાજાઓ, સરદારો તેમજ ધનિક પુરૂષોને આમંત્રણ અપાયાં હતાં. અન્ય નાગરીકોની પણ ઠઠ જામી હતી એટલે સુપ્રનાથ પણ તે તમાશો જોવા ઉભો રહી ગયો. બહુરૂપીએ તે વખતે બળદનો વેશ લીધો હતો તે એવો કે, જાણે ખરેખર બળદજ ન હોય?! કોઈ પણ પ્રકારની તેમાં ન્યૂનતા ન હતી. એ સ્વાંગ જોઈને લોકોએ ચારે તરફથી બહુરૂપીને ધન્યવાદ આપ્યા, બાદશાહ તો એટલો બધો પ્રસન્ન થયો કે પોતે ઓઢેલી ઝર્રીન શાલ અને શેલું બક્ષીસ આપી દીધું. સુપ્રનાથે આ તમાશો જોઇ વિચાર્યું કે બાદશાહે તો કાંઈ પણ પરિક્ષા કર્યા વગર ઈનામ આપી દીધું, પણ મારે તો એની પરિક્ષા કરી જોવી કે એનામાં બળદનાં લક્ષણો છે કે નહીં. એ વિચાર આવતાં સુપ્રનાથે એક નાની કાંકરી લઈને પેલા બળદના વાંસા ઉપર મારી, તે લાગતાં બહુરૂપીએ તે ઠેકાણે પોતાના શરિરને થથરાવ્યું. એથી સુપ્રનાથની ખાત્રી થઈ કે બહુરૂપી ઘણોજ ગુણવાન છે, માટે એને બક્ષિસ આપવી જોઈએ. એમ વિચારી પોતાને માથે પહેરેલી જુની ટોપી તેણે પોતાની ગુણગ્રાહકતા દેખાડવા માટે ઉતારી બહુરૂપી ઉપર ફેંકી અને ' વાહ વાહ' 'શાબાશ, શાબાશ' પોકારવા લાગ્યો.

એ ઉપરથી બહુરૂપી બહુજ ખુશ થયો અને પોતાનો વેષ કાઢી નાંખી તે ટોપી હાથમાં લઈ બાદશાહ આગળ જઈ બોલ્યો પૃથ્વિનાથ ! આ ટોપીનો માલિક ઘણોજ ચતુર અને ગુણગ્રાહક છે. આપે મને આપેલા હઝારો રૂપીયાના ઈનામથી મને જેટલો આનંદ ન થયો તેટલો આનંદ આ ટોપી મળવાથી થયો છે. તેની પાસે ફકત આ ટોપી જ હતી અને તે તેણે ગુણ જોઇને આપી. ગુણ જોઈને આપવું તે વગર ગુણ જોયે આપવા કરતાં લાખગણું વધારે છે.” બાદશાહે તે છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને ઘણીજ નરમાશ અને માયા ભરેલી રીતે તેણે પરિક્ષા કેમ કરી તે પૂછયું, સુપ્રનાથે બધી વાત કહી સંભળાવી. બાદશાહે એ ઉપરાંત પણ જેટલા સવાલો પૂછ્યા તેના સુપ્રનાથે વગર અચકાયે–ગભરાયે જવાબ આપ્યા. બાદશાહ અને અન્ય અમીરો તથા સરદારોની પણ ખાત્રી થઈ ગઈ છે, એ છોકરો ઘણોજ ગુણવાન અને ચતુર છે. બાદશાહે છોકરાનું નામ નિશાન પૂછી લઈ તેને સારાં કપડાં લત્તાં આપી હંમેશા કચેરીમાં આવવાનું કહી વિદાય કર્યો. સુપ્રનાથ ઘણો જ પ્રસન્ન થતો થતો ઘેર ગયો અને બીજે દીવસથી બાદશાહના દરબારમાં જવા લાગ્યો.

એક દિવસે રાજમહેલમાં જ્યારે એ જ બહુરૂપી ખેલ કરતો હતો, ત્યારે અકબર બાદશાહે તેને વાઘનો વેશ લેવાનું કહ્યું. બહુરૂપીએ હાથ જોડીને કહ્યું “મહારાજ ! મારે વાઘને વેશ લેવો ત્યારે તે બરોબર રીતે બજાવવો જોઈએ. માટે આપ જો દરબાર માંહેલી એક માણસના ખૂનની માફી બક્ષો તો હું તે વેષ લાવું." બાદશાહે તેના કહ્યા પ્રમાણે દરબારીયોની સલાહ લઈ માફી બક્ષી પછી થોડીવારમાં જ્યારે બધા લોકો જોવાને એકઠા મળ્યા, ત્યારે તે બહુરૂપીએ નાના પ્રકારના વેશ લેવા માંડયા. છેવટે વાઘનો વેષ લીધો, તે આબેહુબ વાધ જેવોજ જણાતો દરબારીયો તેમજ અન્ય પ્રેક્ષકો ભયથી ધ્રુજવા લાગ્યા. તે વખતે એ બહુરૂપીએ વિચાર કર્યો કે “જો કઈ ગરીબ માણસને મારીશ તો તેનું કુટુંબ રખડી મરશે, મારવો તો કોઈ અમીર ઉમરાવને કે જેના વંશજો તેની દોલત ખાય. આડું અવળું જોતાં તેની નઝર અકબરના મામા શેખ હુસેન ઉપર પડી, તેને મારવામાં કાંઈ અડચણ નથી, એ વિચાર કરીને વાઘ તરતજ તેની ઉપર કૂદયો અને પંજો મારી તત્કાળ તેનો જીવ લીધો. આ બનાવથી લોકોમાં હાહાકાર વર્તી રહ્યો. અકબરની મા ત્યાં ઉપરના ભાગમાં પડદો નાંખી આ તમાશો જોવા બેઠી હતી. તે એક મોટી ચીસ પાડી બેશુદ્ધ થઈ પડી. દાસીએ ગુલાબજળ છાંટી તેને હુશીયાર કરી. તેણે હુશીયાર થતાં જ કહ્યું કે “મારા ભાઈને જેણે માર્યો તેનો પ્રાણ લેવો જોઈએ.” બહુરૂપીએ પોતાનો વેશ કાઢી નાંખ્યો, સભા બરખાસ્ત થઈ ગઈ, લોકો ત્યાંથી વિખરાઈ ગયાં. બાદશાહ મહેલમાં ગયો, પણ તેની માતા રીસાઈ બેઠી, તેણે અન્ન પાણી લેવાનું મૂકી દીધું, અકબરે પોતાની માતાને ઘણુંએ સમજાવ્યું, પણ તે કોઇ રીતે ન માની. આખરે અકબરે પ્રધાન સાથે મસલત કરીને ફરીથી કચેરી બેલાવી, બધા અમીર ઉમરાવ અને પંડીત વગેરેના મત લીધા પણ કાંઈ યોગ્ય નીવેડો આવ્યો નહીં. બાદશાહે આપેલા વચનનો ભંગ થાય નહીં અને માતાનું મન રાજી થાય એવી યુક્તિ કોઇને સુઝી નહીં. આ સઘળે વખત પેલા બ્રાહ્મણને છોકરો સુપ્રનાથ, જે એક ખૂણામાં બેઠો બેઠો બધું સાંભળતો હતો, તે આગળ આવ્યો અને હાથ જોડીને બાદશાહની સ્હામે ઉભો રહ્યો. બાદશાહે તેની તરફ નઝર કરતાં તે બેલી ઉઠયો “કૃપાનિધાન ! જો આપની આજ્ઞા હોય તો આપના વચનને ધકકો ન લાગતાં માતાજી પ્રસન્ન થાય એવી એક યુક્તિ મને સૂઝી છે તે જણાવું.” આ સાંભળી સૌ કોઈ એ બાળકને અજાયબી ભરેલી નઝરે જોવા લાગ્યા. બાદશાહે છોકરાને તે યુક્તિ કહી સંભળાવવા કહ્યું એટલે સુપ્રનાથે કહ્યું “મહારાજ ! જે બહુરૂપીએ વાધને વેશ લીધો હતો, તેને સતીનો વેષ લેવાનું કહો એટલે તમારા વચનને કાંઈ પણ અડચણ ન આવતાં તેનો પ્રાણ જશે અને માતાજી પણ પ્રસન્ન થશે.

આવા ન્હાની ઉમ્મરના છોકરાએ બતાવેલી એ આબાદ યુક્તિએ સર્વના મોઢે ' શાબાશ, શાબાશ ' કહેવડાવ્યું, બાદશાહે બહુરૂપીને બોલાવી સતીનો વેષ લેવા કહ્યું. બહુરૂપી આ હુકમ સાંભળતાં જ મનમાં સમજી ગયો કે ' હવે મોત આવી પહોંચ્યું છે.' તેણે બાદશાહને કહ્યું “ જહાંપનાહ ! કાલે આપની આજ્ઞા પ્રમાણે સતીનો વેષ લઇશ.” એમ કહી તે ઘેર ગયો અને બાલબચ્ચાંને પાસે બોલાવીને સર્વ વાત અથઇતિ કહી સંભળાવી, આશ્વાસન આપ્યું. બીજે દીવસે તે મરવાની સઘળી તૈયારી કરીને જ રાજબાગમાં ગયો. એ દિવસે ત્યાં લોકોની પણ ભારે મેદની ભરાઈ હતી. બાગની વચ્ચોવચ્ચ ચીતા ખડકી હતી. થોડી વારમાં પેલો બહુરૂપી સતીનો વેષ લઈને આવી પહોંચ્યો. તેણે શરીર જરીનો સાળુ પહેર્યો હતો, માથાના કેશ છૂટા કર્યા હતા. કપાલમાં કંકુની આડ કરી હતી અને 'જય રણછોડ, જય રણછોડ' કરતો આવતો હતો તે પ્રેક્ષકોમાં જેઓ બ્રાહ્મણ હતા તેમને દક્ષિણા આપી, સતીના ધર્મ પ્રમાણે દાન કર્યું અને પછી ચીતાની પ્રદક્ષિણા કરી જેવો જ તે તેમાં પડવા જતો હતો એટલામાં બાદશાહની માતાએ તેને પકડી લેવાની આજ્ઞા કરી અને દાસી સાથે તેને શાબાશી આપવા સાથે કહેવડાવ્યું ' ધન્ય છે તને ? તારો વેષ તેં યથોચિત રીતે ભજવ્યો, હવે બસ કર. મારા ભાઈના નસીબમાં એવા જ પ્રકારે મોત લખાયું હશે, એમાં તારો લગારે દોષ નથી. માટે હવે તું તારો જીવ નકામો દઈશ નહીં.” બહુરૂપીએ જવાબમાં કહેવડાવ્યું “બેગમ સાહેબા ! મેં જ્યારે વાઘનો વેષ લીધો હતો ત્યારે તમારા ભાઇનો પ્રાણ લેતાં હું અચકાયો ન હતો, અત્યારે મ્હારો પોતાનો પ્રાણ છે એટલે મારાથી પાછા તો નજ ફરાય, માટે મારો પ્રાણ બચાવવાને માગ્રહ ન કરતાં મ્હને મહારો વેષ પૂરેપૂરો ભજવવા દો.”

બેગમે તેમજ બાદશાહ સુદ્ધાંએ તેને ઘણોએ સમજાવ્યો, છતાં તે પોતાની વાતથી ન ફર્યો અને આખરે “ જય રણછોડ, જય રણછોડ” કરતો પેલી ચીતામાં પડી જોતજોતામાં ભસ્મ થઈ ગયો. સઘળા લોકો આ વિચિત્ર વેષ જોઈ ઉદાસ બની વિખરાયા, કચેરી પણ બરખાસ્ત થઈ. રસ્તે જતાં લોકો તરેહવાર વાત કરતા હતા. કેટલાક બહુરૂપીની હીંમતના વખાણ કરતા, ત્યારે કોઇ તેની હઠ માટે તેને વગોવતો, ત્યારે વળી કેટલાક સુપ્રનાથે બતાવેલી યુક્તિ માટે તેને ધન્યવાદ આપતા.

બીજે દીવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે બાદશાહે તે બ્રાહ્મણ પુત્ર ઉપર અતિશય પ્રસન્ન થઈને કહ્યું “આ છોકરાને વીરનું બળ ઘણું છે માટે એને બીરબલ નામથી બોલાવો.” એ દીવસે પણ બાદશાહે તેમજ બાદશાહની માતાએ સુપ્રનાથને ભારે કીમતી ઈનામ આપ્યું.

દંતકથા–(૫) બુદેલખંડના લોકો બીરબલને ત્યાંનો વતની દર્શાવે છે. તેમની માન્યતા મુજબ બીરબલ બુંદેલખંડ તાબાના ટેહરી ગામનો સનાઢ્ય બ્રાહ્મણ હતો, તે બાળવયથી જ અત્યંત બુદ્ધિમાન અને પ્રબળ સ્મરણશક્તિવાળો હતા. એકવાર જે કાંઈ વાંચવામાં આવ્યું તે મોઢે યાદ થઈ જતું. જ્યારે તેને ભણાવવા કાબેલ કોઈ ગુરૂ ટેહરીમાં ન રહ્યા ત્યારે બીરબલને કાશી જઇ વિદ્યાભ્યાસ કરવો પડયો. કાશીમાં સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ જ્ઞાન મેળવી બીરબલે દિલ્હી આવી અરબી તથા ફારસી ભાષાનું પણ સાધારણ જ્ઞાન મેળવ્યું, એવામાં દિલ્હીમાં બીરબલને કોઈ રોગ લાગુ પડતાં તેણે એક હકીમ ( વૈદ્ય ) પાસે દવા કરાવી, હકીમે રાજા ટોડરમલ જોડે બીરબલની મુલાકાત કરાવી આપી. રાજા ટોડરમલે બીરબલની ચાતુર્યતા, ચોગ્યતા અને બુદ્ધિમત્તા જોઇ બાદશાહ સાથે ભેટ કરાવી, બાદશાહે તેની વાતથી પ્રસન્ન થઈ તેને પોતા પાસે રાખી લીધો.

દંતકથા-(૬) કેટલાક વળી એમ પણ કહે છે “ બીરબલ કાશીનો બ્રહ્મભટ હતો અને તેનો જન્મ કાશીમાં જ સંવત ૧૬૧૭ માં થયો હતો". પરંતુ, જન્મની સાલ એ વાતને ખોટી ઠેરવે છે; કેમકે સંવત ૧૬૨૬ થી બીરબલ બાદશાહના દરબારમાં ઉપસ્થિત રહેવાનું ઇતિહાસ ઉપરથી જણાઈ આવે છે. એ સાલમાં જ બીરબલે મલબારના રાજા જલીના વકીલની બાદશાહ જોડે મુલાકાત કરાવી હતી.

જોધપુર રાજ્યના મુનસિફ મુન્શી દેવીપ્રસાદજીએ બીરબલ વિષે એક પુસ્તકમાં લખ્યું છે કે “ બીરબલનું અસલ નામ બ્રહ્મદાસ હતું, તે જાતે બ્રાહ્મણ હતો. સંસ્કૃતનું એને સંપૂર્ણ જ્ઞાન હતું અને ફારસી, અરબીથી પણ માહીતગાર હતો. પહેલાં તો એ કાલપી, કલિંજર અને રીવાંના રાજાઓની પાસે રહેતો, જ્યારે કબર બાદશાહ પાસે આવ્યો ત્યારે તેને પોતાના ચાતુર્ય અને વિનોદીપણાથી મોહી લીધો અને તે એટલે સુધી કે બાદશાહને બીરબલ વગર ચેન પડતું નહીં.”

રાજાની પદ્વિ.

બીરબલ કેવળ સભાચતુર અને હાઝર જવાબી જ ન હતો, બલ્કે કવિત્વશક્તિ પણ ધરાવતો હતો, તેનાં કાવ્યો તે ઝમાનાને જોતાં ઉત્તમ પંક્તિમાં મૂકી શકાય એમ છે. ઘણીક વેળા તે પોતાના મધુર અને અલંકારપૂર્ણ કાવ્ય વડે બાદશાહને પ્રસન્ન કરી દેતો. તે સમયના કવિ પણ બીરબલની કવિત્વ શક્તિથી ચકિત થઈ જતા. બાદશાહે એકવાર એની એક કવિતાથી અતિશય પ્રસન્ન થઈ “ કવિરાય” ની પદ્વિ આપી અને પછી “રાજા” ની ઉપાધિ બક્ષી પોતાને ત્યાંના અમીરોમાં તેને નિયત કર્યો.” "નગરકોટની પાસે બીરબલને એક સારી જાગીર આપવામાં આવી અને જ્યારે બે લડાઈયોમાં તેણે વીરતા દાખવી ત્યારે બાદશાહે તેનું નામ “ બીરબલ” ને બદલે “વીરવર પાડયું. તે સમયે નગરકોટમાં કટોચ જાતિનો રાજપૂત રાજા યચન્દ રાજ્ય કરતો હતો, તે હમેશા બાદશાહની સેવામાં રહેતો. એક વખત બાદશાહે તેનાથી ગુસ્સે થઈ સંવત ૧૬૨૯ માં તેને કેદ કર્યો અને તેનું રાજ્ય બીરબલને સોંપી પંજાબના સુબેદાર હુસૈન કુલીખાંને નામે નગરકોટ ખાલી કરવાનો હુકમ મોકલાવ્યો.”

“જ્યારે રાજા બીરબલ એ આજ્ઞાપત્ર લઈ લાહોર ગયો, એટલે હુસૈન કુલીખાં પોતાની સેના લઈ બીરબલની સાથે નગરકોટ તરફ રવાના થયો, અને નગરકોટના રાજપૂતોથી લડતો લડતો કાંગડા સુધી પહોંચી ગયો. રાજા યચન્દ પુત્ર વિધિચન્દ્રે કિલ્લામાં ભરાઈ મુકાબલો કર્યો. થોડા સમય સુધી બન્ને તરફથી ઝબરદસ્ત હુમ્લાઓ થયા. જ્યારે કિલ્લો ફતેહ થવાની તૈયારીમાં હતો, એવામાં બાદશાહી સેનામાં એવા સમાચાર મળ્યા કે મીરઝા બ્રાહીમે બળવો કરી લાહોર ઉપર ચઢાઈ કરી છે, એટલે હુસૈન કુલીખાંએ બીરબલની સલાહ માંગી. બીરબલે કહ્યું “બાદશાહનું કામ પ્રથમ થવું જોઇયે. આ ઉપરથી હુસૈનકુલીખાંએ વિધિચન્દ્રને કહેવડાવ્યું “ આ રાજ્ય બાદશાહ તરફથી બીરબલને મળ્યું છે. જો તમે રાજા બીરબલને પ્રસન્ન કરી લો તો અમે ઘેરો ઉઠાવી લઈશું.” વિધિચન્દ્ર સલાહ કરવાનું ઉચિત ગણી બીરબલે માગ્યા તેટલા રૂપિયા તેને આપ્યા અને બાદશાહ માટે પાંચમણ સોનું મોકલાવ્યું.

"નગરકોટ ઉપરથી ઘેરો ઉઠાવી બાદશાહી સેના મીરઝા બ્રાહિમની પૂંઠે ગઈ, મીરઝા બ્રાહીમ લાહોર છોડી નાસી જતો હતો તેને મુલતાન આગળ પકડી પાડયો. મીરઝા લડાઈના મેદાનમાંથી નાસી ગયો, તેનો ભાઈ સઉદ કેદ પકડાયો અને શત્રુસેનામાં નાસભાગ થઈ ગઈ. બીરબલ અને હુસૈન કુલીખાં સઉદને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે પ્રસન્ન થઈ હુસૈન કુલીખાને “ખાંન જહાં" અને બીરબલને :"મુસાહિબે દાનિશવર” અર્થાત ' બુદ્ધિમાન મંત્રી’ ની પદવી આપી.

બીજે વર્ષે મીરઝા બ્રાહીમના ભાઈ મુહમ્મદ હુસેને ગુજરાતમાં બળવો કરી ગુજરાતના સુબેદાર ખાઝમને અમદાવાદમાં ઘેરી લીધો, ખાઝમની સહાયતા માટે બાદશાહ સ્વયં પોતાના મંત્રીઓને સાથે લઈ નવ દિવસમાં અમદાવાદ આવી પહોંચ્યો. એ સમયે બીરબલ પણ સાથે હતો. બાદશાહે પોતાના મહેલની નિકટમાં જ બીરબલ માટે મકાન બંધાવી આપ્યું હતું. મકાન સંવત ૧૬૪૯ માં તૈયાર થતાં જ્યારે બીરબલ ત્યાં રહેવા ગયો, ત્યારે બાદશાહને નિમંત્રણ આપતાં બાદશાહે તેના મકાન ઉપર ભોજન કર્યું*[] બીજે વર્ષ બાદશાહે પ્રયાગમાં કિલ્લો બનાવી નગર વસાવ્યું જેના આનંદમાં બીરબલે મજલિસ ભરી તેમાં બાદશાહ ઉપરથી ઘણા નાણાં નિછાવર કર્યાં અને કેટલુંક કીમતી નજરાણું બાદશાહ આગળ ધર્યું. આથી બાદશાહ બહુજ પ્રસન્ન થયો.

રીવાંનો રાજા રામચન્દ્ર બહુજ મગરૂર હતો. તેણે એક દિવસે તાનસેનને એક કરોડ રૂપીયા આપી દીધા હતા, અને દિલ્હીના બાદશાહ સુલ્તાન બ્રાહીમ લોદી માટે બધો બાદશાહી સામાન તૈયાર કરાવી આપ્યો હતો. +[]કબરના સમયમાં પણ તેની ઉદારતા અને ગર્વિષ્ઠતા ઉભયની ખ્યાતિ હતી. તે કદિપણ કબર પાસે હાઝર થયો નહતો, જે કાંઈ નજરાણું વગેરે મોકલવાનું હોય તે પોતાના પુત્રો સાથે મોકલાવતો. જ્યારે કબરે પ્રયાગમાં રહેઠાણ કર્યું ત્યારે તેને રીવાંના રાજાની યાદ આવી, કેમકે ત્યાંથી રીવાનું રાજ્ય બહુજ પાસે હતું બાદશાહે તેને બોલાવી લાવવા સેના મોકલવાનો વિચાર કર્યો, પરંતુ રીવાંનો રાજકુમાર તે વેળા ત્યાંજ ઉપસ્થિત હતો તેણે નિવેદન કર્યું કે “ સેના મોકલવાની કશી પણ આવશ્યકતા નથી, કોઈ પણ મંત્રીને મોકલી દો એટલે મારા પિતાશ્રી


  1. કબરનામા.
  2. + 'મુન્તખિબુત્તવારીખ ' મુલ્લા બ્દુલ કાદિર કૃત.
તેની સાથે અહીં આવી જશે." બાદશાહે એવા મોટા રાજાની

પ્રતિષ્ઠાનો વિચાર કરી રાજા બીરબલને ત્યાં મોકલ્યો. બીરબલના બાંધર્વગઢ પહોંચવાની ખબર સાંભળી રાજા રામચન્દ્ર પેશવાઈ કરી અને અત્યંત સન્માન સાથે તેને પોતાના મહેલમાં લઈ ગયો, અને બાદશાહ પાસે પણ હાઝર થયો.

બીરબલ સેનાપતિ.

રાજા બીરબલે બાદશાહનો સ્વભાવ જીતી લીધો હતો, બાદશાહ તેને કદિપણ પોતાની પાસેથી ખસવા દેતો નહીં, પરંતુ જ્યારે મોતનો ઘંટ વાગવા લાગ્યો ત્યારે બીરબલને પણ અન્ય અમીરોની પેઠે અફઘાનિસ્થાનમાં યૂસુફઝઈ પઠાણો સ્હામે લડવા જવું પડ્યું. એ પઠાણો ઘણાજ તોફાની હતા, સ્વાદબુનેર અને બાજોર વગેરેમાં લડાઈ અને ધીંગાણું કરતા હતા. બાદશાહે તેમને ઠેકાણે લાવવા પ્રથમ ઝેનખા કોકા (કોકા એટલે દુધભાઈ) ને મોકલ્યો હતો, પરંતુ તેની પાસે અધિક સેના ન હોવાથી પઠાણેને પહોંચી વળવાનું અશક્ય હતું. 'કબરે ઘણીવાર મદદ માટે સેના મોકલી છતાં પણ તે ઓછી પડતી. છેવટે સંવત ૧૬૪ર માં રાજા બીરબલને મોકલવાનો વારો આવ્યો જેનું વિસ્તર વર્ણન નીચે આપવામાં આવ્યું છે:

“જ્યારે બાદશાહને જણાયું કે યુસુફઝઈ પઠાણોને સર કરવા માટે વધુ લશ્કર મોકલવાની આવશ્યકતા છે, ત્યારે શેખ અબુલફઝલે પોતાને મોક્લવાનું બાદશાહને સુચવ્યું અને રાજા બીરબલે પોતા માટે આજ્ઞા માગી. બાદશાહે બનેના નામની ચીઠ્ઠી નાંખી ત્યારે બીરબલને ત્યાં જવાનું ઠર્યું. બીરબલ સાથે કાસમખ્વાજા, હમદબેગ, હાજીતાશ બેગ અને ખ્વાજા હિસાબુદીનને પણ મોકલવામાં આવ્યા,

બીરબલે યુદ્ધ સ્થળે પહોંચી પહાણોને મારી હઠાવ્યા અને પહાડી પ્રદેશમાં પ્રવેશ કર્યો. કેટલાક પર્વતો ઓળંગ્યા બાદ તેમણે જોયું કે પઠાણોએ ચારે બાજુના પર્વતો ઉપર કબ્જો કરી લશ્કર ગોઠવી દીધું છે, બાદશાહી સેના આવી સ્થિતિ જોઈ કાંઈક હતાશ બની, ત્યાં ઘોર યુદ્ધ જામ્યું જેમાં બાદશાહી સેનાને ભારે હાનિ સાથે પાછા ફરવું પડયું. બીજે દિવસે પાછું યુદ્ધ જામ્યું, એવામાં બાદશાહનો મોકલેલ હકીમ બુલફત્હ ઝેનખાંની સહાયતા માટે સેનાને મલકન્દના ઘાટમાંથી હઠાવી લઈ ઝેનખાં પાસે લઈ જવા માટેની આજ્ઞા મેળવી સનબેગ, મુલ્લા ગૈયુરી અને મોહનદાસ આદિ અમીરો સાથે આવી પહોંચ્યો. હકીમ બુલફત્હ બાજોરમાં આવી બીરબલને મળ્યો અને બીરબલને સેના સહિત સાથે લઇ જગદરમાં કોકાને જઈ મળ્યો. દુર્ભાગ્યવશ એ ત્રણેમાં અણબનાવ ઉત્પન્ન થયો, મનમાં ગુપ્ત રહેલો દ્વેષ પ્રકટ થયો બાદશાહી કામ બગડવાનું ધ્યાન પડતું મુકાયું, કોકાની કઈ યુકિત ન ચાલી, રાજા અને હકીમનો વિરોધ વધી ગયો. એવામાં લડાઈમાં ઉતરેલી સેના પણ આવી પહોંચી એટલે રાજાએ કોકા અને હકીમને કહ્યું કે “તમે આ સેનાને લઈ કિલ્લામાં બેસો અને હું પઠાણો ઉપર ચઢાઈ કરૂં છું, અથવા તમે જાઓ અને હું અહીંયાં રહું. પરંતુ રાજા અને હકીમ એ બન્ને કોઈ પણ રીતે એકમત ન થયા. હકીમે કહ્યું કે બાદશાહની આજ્ઞા આ દેશને લુટવાની અને બરબાદ કરવાની છે, ખાલસા કરવાની નથી, માટે આપણે બધા શત્રુઓને મારતા કાપતા દિહીં ચાલ્યા જઈશું. ” ઝેનખાંએ કહ્યું “ અફસોસ ! જે દેશ એટલો બધો પરિશ્રમ વેઠી અને અસંખ્ય પ્રાણની આહુતિ આપી ફતેહ કર્યો છે, તે આમ સ્હેજમાં જતો કરીયે ?! અને છતાં પણ જો એવીજ ઇચ્છા હોય તો, જે માર્ગે આવ્યા છીએ એજ માર્ગે પાછા વળીએ. ” બીરબલે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને બીજે દિવસે કૂચ કરી, આથી બીજા સરદારો ૫ણ પોતપોતાની સેના લઈ સાથે ગયા. તે દિવસે પાંચ ગાઉની મુસાફરી કરી. બીજે દિવસે આગળ એક સાંકડા રસ્તાવાળો દુર્ગમ ઘાટ આવતો હોવાથી અડધો ગાઉ મુસાફરી કરવાનું ઠર્યું, પરંતુ જ્યારે હીરાવલ ઘાટ ઉપર પહોંચ્યા એટલે ત્યાં પઠાણોએ આવી હુલ્લડ મચાવ્યું, જેમને મહામુશીબતે હરાવી નસાડી મૂકયા, આ ખબર સાંભળી બીરબલે જ્યાં મુકામ કરવાનો હતો ત્યાં મુકામ ન કરતાં આગળ વધવા માંડ્યું. બીરબલને જતા જોઈ પહાડોમાં રહેવાથી તેમજ રાત દિવસની લડાઇથી થાકી ગયેલા સિપાહી પણ તેની પાછળ જવા લાગ્યા. એમ થવાથી સેનાની વ્યવસ્થા ન જળવાઈ ઝેનખાંને પણ લાચારીએ બીરબલની સાથે જવું પડયું, એટલે જે લોકો અગાઉથી ત્યાં પહોંચી ગયા હતા તેઓ પણ તંબુ વગેરે ઉપાડી લઈ આગળ વધ્યા. આ લાગ જોઈ સંતાઈ રહેલા પઠાણોએ એક દમ છાપો મારી લુંટકાટ ચલાવી. બાદશાહી સેના આગળ તેમજ પાછળ એમ બન્ને બાજુ એથી ઘેરાઈ ગઈ હતી. માણસોમાં ગભરાટ વધી પડવાથી તેમજ આગળ સાંકડો માર્ગ હોવાથી કોકાએ પોતાની સેનાની વ્યવસ્થા જાળવી લઈ લડવા માંડ્યું, પણ તેમાં ઘણા માણસો માર્યા ગયા તેમજ ઉંટ અને બળદ ઉપર લાદેલો બધો સામાન લુંટાઈ ગયો. એવા પ્રકારે લડતાં લડતાં બાદશાહી સેના છ ગાઉ સુધી પહોંચી ગઈ, અને પઠાણો પણ લાગ જોઇ ત્યાંથી નાસી ગયા. બીજે દિવસે કોકા બીરબલના તંબુમાં ગયો, ત્યાં બધા માણસો સલાહ કરવા ભેગા થયા, ઘણાએ પાછા ફરવાની સલાહ આપી. કોકાએ કહ્યું “ આગળ તેમજ પાછળ સાંકડા ઘાટ આવેલા છે, લશ્કરના માણસો પણ થાકી પાકી ગયા છે, પઠાણોએ સઘળા રસ્તા ઘેરી લીધા છે. આપણે આ ઠેકાણે મુકામ કર્યો છે એ એક રીતે આપણે માટે બહુજ સારું છે, કેમકે અહીંયા આપણને ઘાસ ચારો અને રસદ વગેરે મળી શકે તેમ છે; એટલે થોડા દિવસ મુકામ કરી-થાક ઉતારી, ત્યાર બાદ પઠાણોને એકદમ મારી હઠાવીશું. જો આ વાત માન્ય ન હોય તો પછી પઠાણો જોડે સંધિ કરી લઈ તેમનો બધો માલ અસ્બાબ અને કેદીઓ પાછા દઈએ અને જો એમ પણ ઇચ્છા ન હોય તો પછી આ મુકામે જ આપણે એટલા દિવસ સુધી પડાવ નાંખવો જોઈએ કે ઘાટોની રક્ષા માટે આપણે સર્વ એહવાલ દિલ્હી લખી મોકલી લશ્કર મંગાવી શકીએ, એટલે કોઈ પણ પ્રકારની હાનિ વિના અહીંથી આપણે નીકળી શકીશું.” વિધાતાના લેખ ઉપર મેખ મારનાર કોણ હોય ? કોઇએ કોકાની સલાહ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. બીજે દિવસે બધાએ કૂચ કરી, પણ બીચારો કોકા હતાશ તેમજ લાચાર બની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર પહોંચતાં જ પઠાણો આવી લાગ્યા અને ચારે બાજુથી હુમ્લો કરવા લાગ્યા. બીચારો કોકા તેમનો મુકાબલો કરતો, તેમના તીરો સહન કરતો બીજાઓને બચાવતો આગળ વધ્યે જતો હતો. સાયંકાળના સમયે પઠાણોએ બહુજ ધસારાબંધ હુમલો કર્યો અને બાદશાહી લશ્કરમાં ખળભળાટ મચી ગયો, માર્ગ એટલો બધો સંકુચિત હતો કે બે સવારો સાથે ચાલી શક્તા નહીં. પઠાણો ચારે તરફથી તીર અને પત્થરો વરસાવતા હતા, હાથી, ઘોડા અને ઉંટ એક બીજા ઉપર પડતા હતા, અસંખ્ય મનુષ્યો માર્યા ગયા. ઝેનખાં લજ્જિત થઈ ઝેર ખાવા તૈયાર થઈ ગયો, પરંતુ ચાલીસ યોદ્ધઓ તેને સંભાળપૂર્વક સમરક્ષેત્રથી છેટે લઈ ગયા. માર્ગમાં હાથી, ઘોડા અને ઉંટ એટલા બધા પડ્યા હતા કે ઘોડા ઉપર જવું તેમને ભારે પડ્યું એટલે ઘોડાઓને ત્યાંજ પડતા મૂકી ઇચ્છિત સ્થાને પહોંચી ગયા. બીજા માણસો પણ જુદી જુદી બાજુએ ન્હાસી ગયા, જેમાંના કેટલાક તો સહીસલામત આવી મળ્યા અને બાકીના પઠાણોના હાથમાં કેદ પકડાયા, કીમ બુલફત્હ પણ મહા મહેનતે જીવનું જોખમ ખેડી નાસી આવ્યો; પરંતુ રાજા બીરબલનો ક્યાંય પત્તો ન લાગ્યો. એ લડાઈમાં ત્રણ હઝારથી અધિક માણસો માર્યા ગયા, જેમાં બીરબલ સીવાય સનખાં ન્ની, દાબેગ, રાજા ર્માંગદ, મુલ્લાં શેરી અને સંગ્રામખાં આદિ હતા.

શેબુલફઝલે કબરનામામાં બાદશાહના ગાદીએ બેઠા પછીના ત્રીસમા વર્ષનું વર્ણન કરતાં લખ્યું છે કે “ સ્વાદ પર્વતની લડાઈ શીઘ્ર સમાપ્ત કરવા માટે બાદશાહ એક સેના હંમેશાં કોઈ બાદશાહ પાસે રહેનાર વિશ્વાસુ માણસની સરદારી હેઠળ મોકલવાનો વિચાર કરતા હતા, ત્યારે મેં (બુલફઝલે) નિવેદન કર્યું કે “હું આપની પાસે રહેવા કરતાં કોઈ બીજી વાતને મારા માટે ઉત્તમ ગણતો નથી, છતાં આપથી છુટા પડવાથી હું આપની કોઇ મહાન સેવા બજાવી શકતો હોઉં તો તે મારે માટે અધિક આનંદદાયક થઈ પડશે. ” મારા ઉત્તરમાં બાદશાહે કહ્યું કે “ આ વેળા ઘણા બહાદુર સિપાહીયો સાથે તમનેજ મોકલવામાં આવશે. પરંતુ જે દિવસ લડાઇ ઉપર જવાનો નિયત થયો હતો, તેના ત્રીજે પહોરે બાદશાહે બીરબલના અને મારા નામની ચીઠ્ઠીયો નાંખી એટલે રાજા બીરબલને જવાનું ઠર્યું. અમે બન્ને આ વાતથી ઉદાસ થયા. રાજાને માહે સફરની તા. ૧૦ મી (માઘ શુક્લ ૧૨ શુક્રવાર ) એ વિદાય થવાનું ફરમાન થયું. રાજા સાથે કાસમખાં, દાબેગ, હમદ બેગ, ખાજા હિસામુદીન, તાશબેગ વગેરેને પણ જવાનો હુકમ થયો. પ્રાતઃકાળમાં શિકાર કરી પાછા ફરતી વેળા બાદશાહે રાજાના તંબુમાં દાખલ થઈ રાજા ઉપર ઘણીજ કૃપા દર્શાવી."*[]

રાજાએ સ્વાદ પહોંચી પઠાણોને સારી પેઠે હરાવ્યા. જે આધીન થયો તેને અસલી જગ્યાએથી હઠાવી બીજે સ્થળે વસાવ્યો અને જેણે મુકાબલો કર્યો તેને તલવારને બળે પાંસરો કર્યો.

પઠાણો પાસે માત્ર એક કારાકુઈનો ઘાટ બાકી રહ્યો હતો, જેને સર કરવા ઝે;;;નખાને બાદશાહ પાસે વધુ સેનાની સ્હાય માગી. બાદશાહે બીરબલના કુચ કર્યાને નવમે દિવસે હકીમ બુલફત્હને મોકલ્યો. બીરબલ અને કોકાને અગાઉથી જ અંદરખાને દ્વેષ હતો, એજ પ્રમાણે કીમ અને બીરબલને પણ અણબનાવ હતો. બાદશાહની કૃપા પોતા કરતાં બીજા પર વધુ જોઈ ઇર્ષ્યાગ્નિમાં બળી મરતા, એટલે પછી એ ત્રણે એકઠા થતાં બધું ઊંધું વળે એમાં શી નવાઈ !

રાજા પોતાના સાથીને કહ્યા કરતો કે “હવે આપણો સમય બદલાયો છે. મને તો એમ લાગે છે કે કોકા અને કીમની સાથે સાથે આ રક્તના તરસ્યા જંગલો અને પર્વતોમાં આથડવું પડશે, જોઈશું કે પરિણામ શું આવે છે. ”


  1. *કબાલનામા ઉપરથી.

બીરબલના મૃત્યુ સમાચાર,

શુભ સમાચાર પહોંચે અથવા પહોંચવામાં વિલંબ થઈ જાય, કાંતો મનુષ્ય પોતાની કૃપણતાને કારણે એને છુપાવે છે, પરંતુ અશુભ સમાચાર તીરની પેઠે સીધાજ પહોંચે છે, લોકો તેને પહોંચાડવામાં ઘણાજ ઉદાર બની જાય છે. જે માણસો બીરબલ સાથે મળતા હતા, તેમજ જે તેના પ્રત્યે પ્રેમ ભાવ રાખતા તેઓ બીરબલના મૃત્યુ સમાચાર બાદશાહને સંભળાવતાં અચકાતા હતા, પરંતુ બીરબલના ઉત્કર્ષથી જેઓ નાખુશ હતા અથવા તેથી જેમને કોઈપણ પ્રકારનું કષ્ટ થયું હતું, તેમણે બે ધડક એ સમાચાર બાદશાહને પહોંચાડ્યા.

જ્યારે બાદશાહે બીરબલના મૃત્યુના હૃદયવિદારક સમાચાર સાંભળ્યા, ત્યારે તે અવાક બની ગયા, જાણે તેનામાં હાલવા ચાલવાની ગતિ રહી જ ન હોય તેમ પાષાણની પ્રતિમા સમાન સ્તબ્ધ બની ગયો. તેણે ખાવા પીવાનો પણ ત્યાગ કરી દીધો, બે દિવસ સુધી એક ખૂણામાંજ બેસી રહ્યો, તેની પાસે કોઈ જઈ શકતું પણ નહીં તેમજ તે કોઇનાથી વાત સરખી પણ કરતો નહીં. ત્રીજે દિવસે બાદશાહની માતાએ આવી તેને સંસારની અનિત્યતાનું ભાન કરાવ્યું અને બીજી પણ ઘણી રીતે સમજાવ્યું તેમજ અમીર ઉમરાવોએ પણ બહુ જ સમજાવ્યો ત્યારે તેણે ખાધું અને તે જ વખતે પ્રણ લીધું કે “ હું પોતે એ સાંકડા ઘાટમાં જઇશ અને જે લોકોએ બીરબલને માર્યો છે તેમનો મારે હાથે વધ કરી મારા હૃદયના કોપાગ્નિને શાંત કરીશ. ” પરંતુ, પાસેના શુભ ચિન્તકોએ તેને જવા ન દીધો. મુન્તખિબુત્તવારીખના લેખક જણાવે છે કે, તે લડાઈમાં ઘણા મોટા મોટા અમીરો માર્યા ગયા હતા, પરંતુ બાદશાહને બીરબલ માટે જેટલો શોક હતો તેટલો કોઈના માટે પણ ન હતો. તે વારંવાર એજ કહેતો “ હાય ! હાય !! તેના મૃતદેહને તે ઘાટમાંથી કોઈ બહાર કાઢી ન લાવ્યો જેથી તેનું શબદહન તો થઈ શકત ! ?" પાછો એક ગાઢ ઠંડો નિશ્વાસ નાંખી નીચેના શબ્દો ઉચ્ચારી મન વાળતો કે “ તે સંપૂર્ણ બંધનોમાંથી છૂટી જીવનમુક્ત થઈ ગયો હતો એટલે પછી એને અંતિમ સંસ્કારની કશિ પણ આવશ્યક્તા ન હતી, સૂર્યદેવનો તેજોમયી અગ્નિજ એને માટે બસ હતો.”

રાજાના મૃત્યુ પછી બાદશાહે ગુજરાતના સૂબા નવાબ ખાનખાનાને નામે એક ફરમાન મોકલાવ્યું હતું, જે અક્ષરસઃ અબુલફઝલની ‘મનશીયાત' માં નકલ કરવામાં આવ્યું છે. એ ફરમાન વાંચવાથી બાદશાહનો શોક અને વ્યાકુળતાનો સંપૂર્ણ પરિચય થઈ જાય છે, એટલે એ ફરમાનનો થોડોક ભાગ અમે અત્રે વાંચકો આગળ રજુ કરવાનું યોગ્ય ધારીએ છીયે--

એ દિવસો ઘણા જ આનંદ અને ઉલ્લાસના હતા જ્યારે ચારે બાજુએથી વિજયના જ સમાચાર મળતા હતા, પરંતુ દુર્ભાગ્યવક્ષ જે સેના સ્વાદ અને બાજોર સર કરવા મોકલવામાં આવી હતી તે કારાકુઈના સાંકડા ઘાટમાં કુસમયે ઘેરાઈ ગઈ. એ બને દેશો સંપૂર્ણ રીતે તાબે થઈ ચુક્યા હતા, પઠાણો પોતાનો જીવ બચાવવા પર્વતની ખીણમાં જઈ ભરાયા હતા. આપણા સરદારો વિજયપ્રપ્તિના આનંદમાં લૂટફાટ મચાવતા પાછા ફરતા હતા, એવામાં દૈવચક્ર ફર્યું. સદા સરખા દિવસો રહેતા નથી, ઉદય અસ્ત એકમેકની પાછળ રહેલાજ છે. થવાનું થઈને જ રહે છે, મોટા મોટા બુદ્ધિમાનોની અક્કલ બહેર મારી જાય છે. સેનાના મોટા મોટા બુદ્ધિમાન અધ્યક્ષો ચોકડી ભૂલી કુસમયમાં કૂચ કરવા લાગ્યા, સેનાની વ્યવ્સ્થા જળવાઈ નહીં, પઠાણો રસ્તો ભુલાવી દેતા, લોકો પહાડ પરથી ગબડી પડતા. એવા સમયે અમારી સભાના સુપ્રસિદ્ધ બહુ મુલ્ય રત્ન, અમારા દરબારના સ્થંભ, બુદ્ધિમાન મંત્રી રાજા બીરબલ કે જે પોતાને અમારી મિત્રતામાં હારી ચુક્યા હતા તે એકાએક આ અસાર સંસારનો ત્યાગ કરી ગયા. આ દુઃખથી અમારો આનંદ નાશ પામ્યો, હવે અમને સંસાર જનશૂન્ય દેખાય છે.

સેવક પોતાના સ્વામીના કાર્ય માટે પ્રાણ સુદ્ધાંનો ત્યાગ કરવાથીજ ઉચ્ચ પદ્વિ પ્રાપ્ત કરી શકે છે, બીરબલે પોતાનો પ્રાણ અમારે માટે ત્યાગી દીધો; પરંતુ એ વાત અમારી આશા વિરૂદ્ધ થઇ. અમને આશા હતી કે એવો બનાવ કે મહાન કાર્યમાં કદાચ બનવા પામશે પણ મનુષ્યના વિચારો દિ સફળ થતા નથી, જે વસ્તુનો વિચાર કરીએ છીએ; તે પ્રાપ્ત થતી નથી અને જેની ઇચ્છા હોતી નથી એ વસ્તુ આપણી પાસે ચાલીને આવે છે. આ અણધારી આફતે અમારા હૃદયને સખ્ત આઘાત પહોંચાડ્યો છે. શોક; મહા શોક ! ! સંસારસુખ રૂપી મદિરામાં દુઃખરૂપી કચરો ભરેલો છે ! ! ! અહીંયાની મિઠાઇયોમાં વિષ ભળેલું છે, સંસાર ખરેખર અસાર જ છે એને મૃગજળની ઉપમા આબાદ બંધબેસ્તી આવે એમ છે. આ જગતમાં સુખની પાછળ દુઃખ અને સંપદા પાછળ વિપદ રહેલાં જ છે. તૂરાનના એલચી (દૂત ) અને અન્ય અન્ય વિદેશી મહેમાનોના આગમને અમને બીરબલનો મૃતદેહ પોતે તે પ્રદેશમાં જઈ જોવાનો અવકાશ ન આપ્યો, કે જેથી અમે અમારી જે કૃપા એની ઉપર હતી તે બતાવી શક્યા હોત. એમ થવાથી સર્વસાધારણને અમારી કૃપા અને અનુગ્રહનો પરિચય મળવા સાથે તેઓ જાણી શક્યા હોત કે, જે મનુષ્યે અમારે માટે પોતાનો પ્રાણત્યાગ કર્યો છે તેને અમે કેટલી હદ સુધી ચાહીયે છીએ. હૃદયની આંખો એ બધું જોઈ શકી છે અને બુદ્ધિમાન લોકો એ વાત સારી પેઠે સમજી પણ ગયા છે; પરંતુ કામ સર્વસાધારણથી છે, એટલે મનની વાત મનમાંજ રહી ગઈ.

એવું કયું હૃદય છે જે આ શોકથી વ્યાકુળ ન થયું હોય ? અને તે કઇ આંખ છે જે આ દુખથી અશ્રુ વરસાવી ચુકી નહીં હોય ? આ માટીનો ઢગ ( દુનિયા અથવા દેહ ) ત્યાગવા યોગ્ય છે અને બધા સંસારીક સંબંધ તોડવા યોગ્ય ! તે પરલોક વાસિનો વિચાર રાત્રિ દિવસ અમારી આંખો સ્હામે તરવરે છે અને તેના ગુણ સર્વદા અમારા દરબારમાં ઉપસ્થિત છે, તો પછી તેના ક્ષણભંગૂર દેહના નષ્ટ થવાથી શું અંતર પડી શકે એમ છે? પરંતુ, સંસારિક રીતે તેના વિરોગનો કારમો ઘા અમારા હૃદયમાં એવા પ્રકારનો અને એટલો બધો ઉંડો લાગેલો છે, જે ન તો વર્ણવી શકાય એમ છે નતો સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાય એમ છે, તેમજ તેને સમજનાર પણ કોઇ દેખાતો નથી. જો વિચાર પૂર્વક જોવામાં આવે તો જેનો જન્મ થયો છે એનું મરણ પણ સાથે જ જનમ્યું છે. જ્યારે સૃષ્ટિકર્તાએજ એ એક નિયમ ઘડેલો છે તે પછી કલ્પાંત કરવા કરતાં ચુપ રહેવું અને ગભરાવા કરતાં શાંતી ધારણ કરવી એજ ઉત્તમ અને ઉચિત છે. એવા પ્રસંગે સંતોષ રાખી ઇશ્વરેચ્છા ઉપરજ પ્રસન્ન રહેવા સિવાય કશો અન્ય ઉપાય નથી. તમે પણ શાંત ચિત્ત રહી પોતાની ઈચ્છા કરતાં ઈશ્વરની ઈચ્છાને બળવાન ગણો. કદિપણ ઇશ્વરના ધ્યાનથી અચેત ન રહો. તમે પોતે જ્ઞાની છો અને જાણો છો કે તે પરલોકવાસિના હોવા છતાં તમે અમારા કૃપાપાત્ર હતા અને અમે તમને ઈશ્વરના આપેલા ઉત્તમ પદાર્થોમાંના એક તરીકે ગણતા હતા. અને હવે તો તમે પોતે જ જોઈ શકો છો કે તમારી હસ્તી કેટલે દરજ્જે ઉત્તમ નીવડશે. પરમાત્મા તમને અમારી છત્રછાયામાં કૃતાર્થ કરે અને અમને તમારા માથે સલામત રાખે. રાજા બીરબલના દેહાન્ત પછી અમે દેશરત્ન રાજા ટોડરમલને એક મોટી સેના સાથે ત્યાં મોકલ્યો છે, તે અત્યંત વીરતાપૂર્વક પઠાણોને બરાબર સજા કરી તે પ્રદેશ ઉપર બહુજ જલ્દી કબ્જો કરશે. હવે થોડા દિવસમાં રાજધાની અમારા શુભાગમનથી સુશોભિત થશે.”

પ્રિય વાંચક ! આ આજ્ઞાપત્ર ઉપરથી બાદશાહના મનમાં બીરબલ માટે કેવી અને કેટલી બધી પ્રીતિ હતી તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, જો બાદશાહ એ યુદ્ધ સ્થળે હોત તો બીરબલને બચાવવા ખાતર જરૂર પોતાના પ્રાણ હોમી દેત.

સંવત ૧૬૪૦માં એક દિવસે બાદશાહ હાથીની લડાઈ જોતો હતો. એવામાં લચાચુર નામનો હાથી લડતાં લડતાં ગુસ્સે ભરાઈ એક માણસ તરફ દોડ્યો, પણ એવામાં બીરબલ સ્હામે આવી ગયો. હાથીએ બીરબલ ઉપર સુંઢ ઉગામી એવામાં બાદશાહ ઘોડો દોડાવી ત્યાં આવી પહોંચ્યો અને બીરબલને બચાવી લીધો અને હાથી થોડે દૂર સુધી બાદશાહ પાછળ દોડ્યો, પણ બાદશાહ પોતાના ઘોડાને ત્વરિત ગતિએ દોડાવી બચી ગયો. પોતાના જીવના જોખમે બીરબલના પ્રાણ બચાવવાની બાદશાહની આ કોશિષ પૂર્ણ પ્રેમનું પ્રમાણ છે.

બીરબલનો શોક બાદશાહના મનમાં એટલો બધો સજજડ બેસી ગયો હતો, કે તુરાનના બાદશાહનો એલચી ઘણા દિવસ સુધી કબરના મહેમાન તરીકે પડ્યો રહ્યો, પરંતુ બાદશાહ જોડે તેની મુલાકાત ન થવા પામી.

‘ઈકબાલનામએ જહાંગીરી’ માં લખ્યું છે કે “રાજા બીરબલના દેહાન્તથી બાદશાહને અનહદ ખેદ થયો હતો. સિંહાસનારૂઢ થયા પછી આજસુધી એમને કદાપિ આવો શોક થયો ન હતો.”

એમ પણ કહેવાય છે કે બાદશાહે બીરબલના શોકને લગતા કેટલાંક કાવ્યો અને પદો પણ રચ્યાં હતાં. નીચેના બે પદ એની સાબિતી રૂપ છે.-

દીન જાન સબ દીન, એક દુરાયો દુસહ દુઃખ,
સો અબ હમકો દીન, કુછ નહી રાખ્યો બીરબર.
પીથલ*[] સોં મજલિસ ગઈ તાનસેન સોં રાગ;
હંસીબો, રમીબો, બોલીબો, ગયો બીરબર સાથ,

રાજા બીરબલનો દેહાન્ત ફાગણ સુદ ૨ ગુરૂવારે થયો હતો. ૭ શુકલ મંગલવારે કોકા અને હકીમ પણ બાદશાહના પ્રિય મન્ત્રીને ખોઈ બેસવાથી લજ્જિત થતા બાદશાહ પાસે અટકથી બનારસ જઈ પહોંચ્યા. બાદશાહ એ બન્ને ઉપર બહુજ ગુસ્સે થયો અને ઘણા દિવસ સુધી એમને દરબારમાં બોલાવ્યા પણ નહીં, ત્યાર પછી લોકોના સમજાવ્યાથી તેમનો અપરાધ ક્ષમા કરી દીધો.

બાદશાહ મનુષ્યના જીવનને બહુ મુલ્ય ગણતા હતા. જ્યારે કોઈ ઠેકાણે લશ્કર મોકલવું પડતું, ત્યારે પ્રથમથી જ એવી આજ્ઞા આપવામાં આવતી કે કોઇને પણ નાહક મારવો નહીં; પરંતુ ક્રોધના આવેશમાં મનુષ્યની મતિ ગતિ સ્થિર નથી રહેતી, ધૈર્ય જતું રહે છે. બાદશાહે પણ એ પ્રમાણે ક્રોધાવેશમાં પઠાણોનો ‘કત્લેઆમ’ કરવાની આજ્ઞા આપી દીધી. આ આજ્ઞા રાજા માનસિંહને ખૈબર ઘાટમાં તારીકી પઠાણો જોડે લડાઈ મુલતવી રાખી સ્વાદબુનેર જવાની આજ્ઞા સાથે મળી. એટલે એક તરફથી રાજા માનસિંહ અને બીજી તરફથી રાજા ટોડરમલે પઠાણોનો ‘કત્લેઆમ’ શરૂ કરી દીધો અને જેઓ કેદ પકડાયા તેમને તુર્કસ્થાન મોકલી ગુલામ તરીકે વેચી નાંખ્યા.

બનાવટી બીરબલ.

બીરબલ જ્યારે જીવતો હતો ત્યારે ઘણીવાર પોતાના મરણના ખોટા સમાચાર તે પોતે પ્રસિદ્ધ કરી દેતો, ઘણીવાર દરબારમાંથી કોઈને કાંઈ પણ કહ્યા સાંભળ્યા વગર ચાલી જતો અને ઘણા દિવસ સુધી ક્યાંક સંતાઈ રહેતો; અને જ્યારે બાદશાહ તેને ઘણા દિવસ સુધી ન જોવાથી બેચેન થઈ જઈ, શોધ કરાવતો ત્યારે તે દરબારમાં હાઝર થતો. એવી જ રીતે આ પ્રસંગે પણ જ્યારે, બીરબલના શોકથી બાદશાહ ઘણોજ વ્યાકુળ થતો, ત્યારે તેને કોઈ બીરબલના જીવતા હોવાના સમાચાર પહોંચાડતો. કોઈ કહેતું કે ‘બીરબલ મરણ પામ્યા નથી, બલકે ઘાયલ થઇ બચી જવા પામ્યા છે.’ કોઈ કહેતુ કે ‘મેં બીરબલને સન્યાસીના સમૂહમાં કથા વાંચતા જોયા છે.’ વળી કોઈ યાત્રી આવીને ખબર આપતો કે ‘હું હમણાંજ જ્વાલાજીથી આવ્યો છું, જ્યાં બીરબલને મેં યોગીના વેષમાં યોગીયો સાથે જોયો છે.’ સારાંશ એજ કે નિત્ય નવી નવી ગપ ઉડતી, બાદશાહનું વ્યાકુળ મન દરેક વાતને કબુલ કરી લેતું અને કોઈ કોઈ વેળા બાદશાહ પોતેજ કહેતા કે “તે સંસારિક સંબંધોથી અલગ અને ઘણો જ લજ્જાશીલ હતો, એટલે પરાજ્યથી લજ્જિત બની યોગી બની ચાલ્યો ગયો હોય તો તે સર્વથા બનવા યોગ્ય છે.”

જ્વાલાજીમાં બીરબલના હોવાની ખબર મળતાં બાદશાહે ત્યાં માણસ મોકલ્યો, પરંતુ ક્યાંય પtતો લાગ્યો નહીં.

બે વર્ષ પછી સીઢે ગામમાં કોઇ બ્રાહ્મણે પોતાને બીરબલ તરીકે ઓળખાવવા માંડ્યો. તે કહેતો હતો કે “ હું બીરબલ છું, પઠણો જોડે યુદ્ધ કરતાં હું ઘવાયો હતો; પરંતુ એક સાધુએ મારા પ્રાણ બચાવ્યા. “ એ બ્રાહ્મણનો ચહેરો બીરબલને મળતો જ હતો, તેમજ તે જે વાત કહેતો એ પણ બરાબર હોવાથી બાદશાહે તેને પોતાની પાસે બોલાવી, મંગાવ્યો, ૫ણ રસ્તામાં જ તે મરણ પામ્યો. આ બીના ‘અકબરનામા’ માં વર્ણવી છે.

‘મુન્તખિબુત્તવારીખ’ માં લખ્યું છે કે “સને ૩૯૯ હી. ( સંવત ૧૬૪૪) માં એવી અફવા ઉડી કે બીરબલ લડાઈમાં ઘાયલ થઇ નગરકોટના પર્વતોમાં ચાલ્યો ગયો હતો, અને હવે સાધુ બની ગયો છે. પરંતુ બાદશાહે ત્યાં માણસ મોકલતાં એ વાત જુઠી ઠરી. એ પછી એવા સમાચાર મળ્યા કે બીરબલ કલિન્જરમાં સંતાઈ રહેલો છે. ( આ કિલ્લો બીરબલની જાગીરનો હતો ). બાદશાહે ત્યાંના કોતવાલને નામે બીરબલને શોધી કાઢવાનો હુકમ મોકલ્યો. તેણે એક યાત્રીને બીરબલ ગણી સંતાડી રાખ્યો હતો, એટલે ભેદ ઉઘાડો ન પડે એટલા માટે તેણે પેલા યાત્રીને મારી નાંખી બાદશાહને લખી મે કહ્યું કે “થોડા દિવસ થયાં અત્રે બીરબલ છુપા વેશે આવ્યો હતો, તેને મેં અત્રે સન્માનપૂવક રાખ્યો હતો; પરંતુ કોણ જાણે શાથી તે એકાએક મરણ પામ્યો.” આ રીપોર્ટ સાંભળી બાદશાહને વધુ શોક થયો અને ક્રોધના આવેશમાં કોતવાલ તેમજ બીજા પણ કેટલાક માણસોને ખબર ન આપવાના અપરાધ માટે કેદ કર્યા અને પછી હઝાર હઝાર રૂપીયા દંડ લઈ છોડી મૂક્યા.

બીરબલની પ્રકૃત્તિમાં ઈશ્વરે સર્વ ગુણ એકત્ર કરી મૂક્યા હતા. દરબારના અન્ય અમીર તેની બરાબરી કરી શકે એમ ન હતું. દરેક વિષયમાં, પછી ભલે તે વિષયનું તેને જ્ઞાન હોય કે ન હોય, પરંતુ માથું મારવા બીરબલ તૈયાર, ધર્મસબંધી શાસ્ત્રાર્થોમાં હાજર, પ્રબંધકારિણી સભાઓમાં અને હીસાબના કામમાં દખલ દેવા તૈયાર, રાજ્યકારોબારમાં પોતાની સલાહ આપવામાં જાણે પોતાના સમયનો ગ્લેડસ્ટોન અથવા પ્રિન્સ બિસ્માર્ક હતો. તલવાર વિના લડવામાં અને વગર તોપે તોપખાનું ઉડાવી દેવામાં જાણે તે સમયનો મહાત્મા ગાંધી, શિકારમાં પણ પ્રવીણ, નાચરંગના જલસાઓને પણ સુશોભિત બનાવનાર. ટુંકમાં એટલું જ કે દરેક કામમાં બીરબલ દરપળે તૈયાર, અને બાદશાહનું મનરંજન કરવા પ્રતિક્ષણ ઉત્સુક એવા ચપળ અને વિદ્વાન મંત્રી માટે બાદશાહને એટલો બધો શોક થાય એ સ્વાભાવિકજ કહેવાય.

બીરબલ કવિ તરીકે.

રાજા બીરબલ કાવ્ય રચનામાં બહુજ નિપૂણ હતો, સમસ્યાપૂર્તિ બહુજ શીધ્ર કરતો, પોતાના કાવ્યમાં નામને બદલે “બ્રહ્મ” શબ્દ લખતો. બીરબલના કાવ્યો ભાષાલંકાર પરિપૂર્ણ અને ચમત્કારી છે, એના કાવ્યો છુટા છવાયા ક્યાંક જુના પુસ્તકોમાંથી મળી આવે છે; પરંતુ પુસ્તક આકારમાં પ્રગટ થયાં નથી, વાંચકોની જાણ ખાતર એક કાવ્ય અમે નીચે આપીયે છીયે

સવૈયા.

પૂત કપૂત, કુલક્ષણ નારી, લરાક પરોસ, લજાવન સારો,
ભાઇ અદેખ, હિતૂ કચલંપટ, કપટી મીત, અતીત ધુતારો;
સાહબ સુપ્ર, કિસાન કઠોર, ઓર માલિક ચોર,દિવાન નકારો,
"બ્રહ્મ" ભનૈસુનશાહ અકબર, બારહુ બધી સમુદ્રમેં ડારો-૧


ગર્ભ ચઢે, પુનિ સૂપ ચઢે; પલના પૈ ચઢે, ચઢે ગોદ ધનાકે;
હાથી ચઢે, ફિર અશ્વ ચઢે, સુખપાલ ચઢે, ચઢે જોમ ધનાકે;
વૈરી ઔ મિત્રકે ચિત્ત ચઢે કવિ “બ્રહ્મ” ભનૈ દિન બીત પનાકે;
ઈશ્વર કૃપાલુ કો જાનિયો નાહીં, અબ કાંધે ચઢ ચલે ચાર જનાકે-૨


જબ દાંત ન થે તબ દૂધ દીયો, જબ દાંત ભયે તો અનાજહુ દૈહે,
જીવ બસેં જલ ઓર થલમેં, તિનકી સુધિ લેત સો તેરીહુ લૈહે;
ક્યૂં અબ સોચ કરે મન મૂરખ, સોચ કરે કુછ હાથ નઐહે,
જાનકો દેત, અજાનકો દેત, જહાનકો દેત, સો તોહુકો દૈહે. ૩




યદ્યપિ દ્રવ્યકો સોચ કરે, કબ ગર્ભમેં કે તોહ ગાંઠિતે ખાયો,
જા દિન જન્મ લિયો જગમેં, જબ કેતિક કોટિ લીયે સંગ આયો;
વાકો ભરોસો ક્યોં છોડે અરે, મન જાસોં અહાર અચેત પાયો,
‘બ્રહ્ય’ ભનૈ જનિ સોચ કરે, વોહી સોચિ હૈ જો બિરૂલા ઉલહાયો. ૪

રાજા બીરબલની ન્યાય પ્રત્યે અધિક રૂચિ હતી, તેણે ઘણી વેળા બાદશાહને સંપૂર્ણ રીતે દરેક ગુનાહની તપાસ કર્યા પછી જ ન્યાય આપવાની સલાહ આપી અનેક ગરીબોને ધનાઢ્યોના નાનાવિધ અત્યાચારોમાંથી ઉગાર્યા હતા.

“ અકબરનામા ” માં લખ્યું છે કે સંવત ૧૬૩૮ માં બાદશાહે નવરોઝના ઉત્સવ પ્રસંગે પોતાના અમીરોને રાજા તેમજ પ્રજા ઉભયને લાભકારક નિવડે એવી એક એક વાત બતાવવાની આજ્ઞા આપી. તે સમયે બીરબલે કહ્યું “કેટલાક નિસ્વાર્થી અને ન્યાયી માણસોને મુકરર કરવા જોઈયે, જેઓ દર વખતે એવા માણસોની શોધમાં રહે જેમની ઉપર અત્યાચાર ગુઝારવામાં આવ્યો હોય, અને તેમની સત્ય હકીકત પોતા તરફથી એક શબ્દ પણ ઉમેર્યા વગર દરબારમાં રજુ કરે.” બાદશાહે એ વાત અત્યંત પ્રસન્નતાપૂર્વક માન્ય રાખી, એ કાર્ય માટે બીરબલને જ નિયત કર્યો. બે વર્ષ પછી ( સંવત ૧૬૪૦ ) ન્યાય આપવાનો પણ કેટલોક ભાર બીરબલને માથે નંખાયો અને તેના મદદગાર તરીકે કાસમખાં, હકીમ હુમામ અય મશેરખાં કોતવાલને નીમ્યા અને ચિટનીસનું કામ બુલફઝલને સોંપાયું અને એવી આજ્ઞા કરવામાં આવી કે ‘સોગંદ અને સાક્ષી ઉપર ભરોસો ન કરતાં બુદ્ધિ અને અનુભવનો પણ ઉપયોગ કરવો અને અભિયોગની સંપૂર્ણ તપાસ કરવામાં કદી પણ ઢીલ ન કરવી.’

બીરબલની શારીરિક દશા.

બીરબલનો રંગ શ્યામ હતો, લલાટ વિશાળ, અંગ સુડોલ અને બળવાન હતું અને મુખપર શીતલા (માતા)ના ડાઘ હતા. તેને સ્વભાવ અત્યંત સરળ, સાદો અને મળતાવડો હતો. પારકાને પોતાનો બનાવતાં તેને ઝાઝો સમય ગાળવો પડતો નહીં, વાતોમાંને વાતોમાં જ તે લોકોનું મન હરી લેતો. તેણે શાહી દર્બારમાં ઉચ્ચ પદ્વિ પ્રાપ્ત કરી લોકો સાથે સદ્વ્યવહાર અને ઉપકાર કર્યો તેમ જ બીજાં પણ અનેક સારાં કાર્યો કરી પોતાની નામના અમર કરી. તેણે ઘણા ગામોમાં બ્રાહ્મણને સુખી બનાવી દીધા, ગૌહિંસા બંધ કરાવી, હીન્દુ મુસલમાનોનો પરસ્પર મેળ મિલાપ કરાવી વિરોધાગ્નિને શાંત કર્યો. મુલ્લા બદાયની લખે છે કે “ બીરબલની સ્મરણશક્તિ ઘણી જ પ્રબલ હતી, હાઝર જવાબી અને વિનોદી વાતો કહેવામાં તે અનુપમ હતો. કોઈ વાર ઈશારા અને ચેષ્ટાથી જ તે બાદશાહના મનની વાત સમજી જતો. ”

વળી એક જગ્યાએ રાજાના બ્હીકણપણા વિષે લખતાં મુલ્લા બદાયૂની લખે છે કે “ રાજા ઘણાજ બ્હીકણ હતા. સન. હીં. ૯૯૧માં એક દિવસે બાદશાહ નગર ચીનના મેદાનમાં ચૌગાન (પૉલૉની રમત જે ઘોડા પર બેસી રમવામાં આવે છે તે) રમતા હતા, તેવામાં રાજા ઘોડા પરથી પડી ગયો. બાદશાહે પાસે જઈ ઘણી કોશિષ કરી પણુ રાજાની શુદ્ધિ ન આવી. ઘોડા ઉપરથી પડી જવાને કારણે મૂર્ચ્છા આવી ગઈ અથવા રાજાએ પોતેજ શ્વાસ અટકાવી રાખ્યો એ તો પ્રભુ જાણે. અને તેને ત્યાંથી ઉપડાવી ઘેર મોકલાવી દીધો. ”

બીરબલની ઉદારતા.

જે મનુષ્ય પ્રથમાવસ્થામાં દીન હોય છે તે ધન પ્રાપ્ત થતાં ઉદાર નથી બનતો, પરંતુ બીરબલ વિષે એમ ન હતું. તે પોતાના સમયનો મહાદાની કહેવાતો. હીંદુ કવિઓએ તો બીરબલની ઉદારતા અને પરદુઃખભંજનતાના સેંકડો ગીત ગાયાં છે, પરંતુ મુસલમાન લેખકોએ પણ બીરબલની દાનવીર તરીકે ભારે પ્રશંસા કરી છે. "માઅસિરૂલઉમરા” માં લખ્યું છે કે “ રાજા બીરબલ પોતાના સમયમાં એકમાત્ર દાની પુરૂષ હતો, બીજો કોઇ તેની બરાબરીએ આવે તેમ ન હતું.”

બીરબલની ઉદારતાએ તેની ખ્યાતિમાં ઘણોજ વધારો કર્યો હતો. તેની પ્રશંસા તરીકે કવિ ગંગ લખે છે —

કબિત,

દિલ્લીસે ન તખ્ત બખ્ત મુગલનસે હોય હેં,
હોય હેં નગર ન કહુ આગરે નગરસે;

ખાનનમેં ખાનખાના, રાજનમેં રાજા માન,
હોં હેં ન વઝીર કહું, ટનડન ટોડરસે;

કવિ ગંગસે ગુની, ન તાનસેન તાનધારી,
બૂચનસે ન કાનૂંગો, ન દાતા બીરબરસે,

સાતદ્વીપકે મઝાર, સાતહુ સમુદ્રપાર,
હોં હેં ન જલાલુદ્દીન, ગાઝી અકબરસે.

રાજાની ઉદારતાની પ્રશંસા એટલે સુધી છે કે, તે ક્યારેક સીમાનું પણ ઉલંધન કરી જેતે. ઉર્ચ્છાના રાજા ઈંદ્રજિતને ત્યાં કેશવદાસ નામનો એક મહા કવિ રહેતો હતો, તેને કોઈ કામ પ્રસંગે બાદશાહના દરબારમાં આવવું પડ્યું, અહીંયાં નાણાંની જરૂર પડતાં, રાજા તેની આવશ્યકતા પૂર્ણ કરી શકશે એમ વિચારી તેણે બીરબલને ઘેર જઈ હાક મારી. બીરબલ તે પ્રસંગે અજીર્ણના રોગથી પીડાતો હતો, એટલે અંદરથી કહેવડાવ્યું “મને અજીર્ણને કારણે અત્યંત પીડા થતી હોવાથી બ્હાર આવી શકું એવી સ્થિતિમાં નથી.” આ સાંભળતાં જ કેશવદાસે નીચેનો દોહરો બીરબલને લખી મોકલ્યો :-

જસ જારયો સબ જગત્‌કો, તોય અજીરન હોય;
અપયશકી ગોલી દઉં, તત્કાલે સુધ હોય.

એ દોહરો બીરબલના કાળજામાં તીર સમાન વાગ્યો, ઘરની અંદર બેસી રહેવાનું તેને માટે અસહ્ય થઈ પડ્યું, તરતજ તે બ્હાર

નીકળ્યો. તેને જોતાં જ કેશવદાસે નીચેના સવૈયો કહ્યો :–

ભૂ, રવિ, પક્ષિ, પસૂ, નર, નાગ, નદિ, નદ, લોક રચે દશચારી,
કેશવ દેવ અદેવ રચે, નરદેવ ર રચના ન નિવારી,
રચિકે નૃપનાથ ભલી બલબીર, ભયો કૃતકૃત્ય મહા વૃતધારી,
દૈ કરતાર પનો કર તોહિ, દઈ કરતાર દુહું કરતારી.

એ સવૈયાને સાંભળી બીરબલ એટલો બધો પ્રસન્ન થયો કે પોતાના શાલી રૂમાલમાં છ કરોડ દામ (લગભગ સાડાબાર લાખ રૂપીયા) ની હુંડીયો બાંધેલી હતી તે ખોલીને તે જ વખતે કેશવદાસને આપી દીધી, જે માટે ધન્યવાદ તરીકે કવિએ બીજો સવૈયો કહ્યો:–

કેશવદાસકે ભાલ લિખ્યો બિધિ, રંકકો અંક બનાય સંવારયો,
ધોયે ધુયો નહીં છોડે છુટ્યો, બહુ તીરથકે જલ જાય પખારયો;
વ્હૈં ગયો રંક્કો રાય તંબૈ, જબ બીરબલી નૃપનાથ નિહારયો,
ભૂલી ગયો જગદી રચના, ચતુરાનન ફારી રહ્યો મુખ ચારયો.

રાજા બીરબલના જે શોકગીતો લખાયાં છે તેમાં પણ ઉદારતા વર્ણવામાં આવી છે. અમે બાદશાહે બનાવેલો જે મરસીયો અગાઉ લખી ગયા છીએ તેના પ્રથમ દોહરામાંથી પણ એજ ધ્વનિ નીકળે છે. કવિ કેશવદાસે તો સ્પષ્ટ શબ્દોમાં લખી દીધું છે કે “ બીરબલના મૃત્યુથી દારિદ્રતાને અત્યંત આનંદ થયો.” તે લખે છેઃ–

સવૈયા.

પાપકે પુંજ પખાવજ કેશવ, શોક કે શંખ સુને સુખમામેં,
ઝુંઠકી ઝાંઝર, ઝાંઝ અલોકકી, કૌતુક ભૌ કલિકે કુરમામેં;
ભેદકી ભેરિ બડે ડરકે ઢફ, આવજ યુત્થ ન જાની જમામેં,
જૂઝતહી બલબીર બજે બહુ, દારિદ્ર કે દરબાર દમામેં.

બીરબલની આવી ઉદારતા (કેશવદાસ પ્રત્યે બતાવેલી ) નું વર્ણન સાંભળી લોકો બહુજ આશ્ચર્યચકિત થાય છે. તે સમયના સાધારણ માણસો પણ બીરબલની પદ્વિ અને પગારને જોતા તેની જગવિખ્યાત ઉદારતાથી એજ પ્રમાણે આશ્ચર્ય પામતા, કેમકે બાદશાહી કૃપાથી બીરબલને રાજાની પદ્વિ મળી ગઈ હતી; પરંતુ તે પદ્વિ બે હઝારીથી વધુ પગારની નહતી. તેમાં વળી બે હઝાર સ્વારો રાખવાનો ખર્ચ બાદ કરતાં જે કાંઈ વધે એજ ખરો પગાર ગણાય. છતાં એક દિવસમાં જ સાડાબાર લાખ રૂપીયા દાન કરવું, એ આશ્ચર્ય પમાડવા માટે પુરતું છે. પરંતુ, ખરી બીના એથી જુદી જ હતી, બે હજારીની પદવી તો નામ માત્રની હતી, પણ પોતે બાદશાહનો કૃપા૫ત્ર હોવાથી ધારે તે કરી શકે એમ હતું.

“મુન્તખિબુબ્લુબા બ (એશિયાટિક સોસાયટી એ છાપેલો) માં લખ્યું છે કે ” રાજા બીરબલની પદ્વિ બે હઝારીથી વધુ થવા પામી નહતી, પરંતુ તેણે પોતાની હાઝર જવાબી અને અક્કલ હોંશીયારીથી બાદશાહને મોહી લીધો હતો, દર માસે અને દર વર્ષે તે ઝવેરાત વગેરે ઈનામમાં મેળવતો જે લાખોની કીંમતના ગણાતા નજીક તેમજ આઘેના અમીર ઉમરાવો બહુ મૂલ્ય ભેટો મોકલતા.

તેમજ એકાન્ત અને આરામને વખતે બાદશાહને મળવા માટે બાદશાહના અન્તઃપુર (ઝનાના)માં પણ તેને જવાની છૂટ હતી. ”

બીરબલનો ધર્મ.

બીરબલ જાતે હીંદુ હતો, પણ પાછળથી અકબરે કાઢેલા બનાવટી “દીને ઇલાહી” પંથમાં ભળી ગયો હતો અને તે પંથના ચુસ્ત માનનારાઓમાં તે ગણાતો; છતાં એટલો બધો નિડર હતો કે હસવામાં એ બનાવટી ધર્મને વગોવી નાંખતો. એથી મુસલમાન અમીરો જેઓ તે પંથમાં જોડાયા હતા બહુજ ગુસ્સે થતા અને કોઈ કોઈ વેળા તે ઈસ્લામ ધર્મ ઉપર પણ મસ્ખરીમાં આક્ષેપ કરી બેસતો એટલે અન્ય મુસલમાન અમીરો પણ છેડાઈ જતા. અને જ્યારે બાદશાહ પણ બીરબલની વાતમાં ભળતો, ત્યારે તેઓ એટલુંજ કહીને રહી જતા કે “ બીરબલજ બાદશાહના નિયમનો ભંગ કરે છે.”

મુલ્લા બ્દુલ કાદિર એક ઠેકાણે લખે છે કે “ બીરબલે બાદશાહના મનમાં એવું ઠસાવી દીધું કે સૂર્ય એ ઈશ્વરનો સંપૂર્ણ આદર્શ છે. અન્ન પકવવું, ખેતી ઉગાડવી, પુષ્પને ખીલવવા, વૃક્ષોને પોષવા એ એનો પ્રભાવ છે. સારા જગત્‌ના પ્રકાશ અને જીવ માત્રનું જીવન એનેજ આધીન છે, એટલે એજ પૂજનીય અને માન્ય છે એના ઉદય તરફ મુખ રાખવું જોઇયે.”

મહાત્મા ર્તુહરીએ બે હઝાર વર્ષ પૂર્વે કહ્યું હતું કે “ आरंभ गुर्वीक्षियिणी क्रमेण लध्वी पुरावृद्धिमतीच पश्चात् । दिनस्य पूर्वार्द्ध परार्द्ध भिन्ना छायेव मैत्री खल सज्जनानाम्॥ ” અર્થાત્ “સજનોની પ્રીતિ પ્રથમ થોડી હોય છે અને પછી દિવસે દિવસે વધતી જ જાય છે અને ખલોની પ્રીતિ પ્રથમ એકી સાથે વધી જઈને પછી દિવસે દિવસે ઓછી થતી જાય છે. ”

આ વાક્યની સિદ્ધી કબર જેવા ચક્રવર્તી બાદશાહે બીરબલ જેવા દીન, હીન અને કંગાલ જોડે પ્રીતિ સાંધી તેને પોતાના જેવો જ રાજા બીરબલ બનાવી દઈ કરી બતાવી. બાદશાહની અસીમ કૃપાને કારણે બીરબલ ઘણોજ અટકચાળો અને બેપરવાહ બની ગયો હતો, તે બાદશાહની પણ કોઈ કોઇવાર દરકાર રાખતો નહીં. ભલી કે ખોટી જેવી મનમાં આવે તે કહી બેસતો, પરંતુ બાદશાહે બીરબલ જ્યારે કંગાલ દશામાં હતો ત્યારે જે વચન આપ્યું હતું કે “તું મારો મિત્ર છે, તને કદિપણ અળગો નહીં કરું” એટલે એ “મિત્ર” શબ્દ કહેવાનો બાદશાહને ઘણો પક્ષપાત હતો, બીરબલની ખરાબ વાત ઉપર પણ ધ્યાન આપતો ન હતો. ખરેખર જેને એકવાર પોતાનો બનાવી લીધો, જેનો હાથ એકવાર ઝાલી લીધો, જેને એકવાર મિત્ર બનાવી લીધો તેને બાદશાહે પોતાના તનમનથી ન ભૂલાવ્યો. લોકો બીરબલ વિરૂદ્ધ અનેક વાતો બાદશાહ આગળ પહોંચાડતા, અનેક આક્ષેપો અને દોષો તેને માથે થોપાતાં; પરંતુ બાદશાહ કદિપણ એવા જુઠાણાંથી ભોળવાયો નથી. તેની પ્રીતિનો અંકુર તેના મનમાં એવાં ઉંડા મૂળ ઘાલી બેઠો હતો કે તેના મૃત્યુ સમાચાર સાંભળતાંજ બાદશાહ ચોધાર અશ્રુએ રડી પડ્યો, ખાનપાનનો ત્યાગ કર્યો અને મરણ પર્યન્ત તેણે “હંસીબો, રમિબો, બોલિઓ, ગયો બીરબર સાથ.” એ ટુંક વારે ઘડીએ બોલવાનો ત્યાગ નજ કર્યા.

બીરબલની સંતતિ.

રાજા બીરબલની સંતતિ વિષે પૂરેપૂરો ખુલાસો મળતો નથી “અકબરનામા” અને “ઈકબાલ નામએ જહાંગીરી"માં લાલા અને રિહરરાય એ બે પુત્રોનાં નામ આવે છે. લાલા વિષે લખ્યું છે કે “તે ઘણો જ ઉડાઉ હતો, જ્યારે માસિક વેતનમાં તેનાથી પોતાનું ખર્ચ ચલાવી ન શકાયું, ત્યારે બાદશાહની રજા લઈ સંવત ૧૬૫૮ માં શાહઝાદા સલીમ પાસે ચાલ્યો ગયો. રિહરરાય બાદશાહની સેવામાંજ રહેતો હતો. સંવત ૧૬૫૯ માં શાહઝાદા 'દાનીયાલને લેવા માટે તેને આગ્રાથી દક્ષિણમાં મોકલવામાં આવ્યો હતો.

રાજા બીરબલના મરવા પછી બાદશાહે બીરબલના પુત્રને (જે સંસ્કૃત ભાષાનો મહાવિદ્વાન હતો) પૂછ્યું “રાજા સાથે કેટલી રાણીયો સતી થઈ?” ત્યારે તેણે ઉત્તરમાં નિવેદન કર્યું “ જહાંપનાહ ! વીરતા, બુદ્ધિમાની અને ઉદારતા એ ત્રણે સતી થઈ ગઈ અને પ્રશંસા જીવતી છે.” બાદશાહ આ ઉત્તરથી અત્યંત પ્રસન્ન થયો અને કહ્યું “બરાબર છે, એને તો રહેવું જ જોઈએ. એના જીવતા રહેવામાં દોષ નથી, બલ્કે એના મરવામાં દોષ છે.”

રાજા બીરબલ, અમે જણાવી ગયા તે પ્રમાણે અજબ વિદ્વત્તા ધરાવનાર પુરૂષ હતો. અકબરના દરબારમાં મોટા મોટા જાણીતા વિદ્વાનો અને શૂરવીરો વગેરે અનેક પ્રકારના માણસો રહેતા હતા, છતાં રાજા બીરબલનો કદિપણ કોઇથી પરાજય થયો નહતો. જે વાત એના મોઢામાંથી નીકળતી, તેને સાંભળીને બધા દિંગ્મૂઢજ બની જતા અને કોઈ કોઈ વેળા તો મોટા મોટા વિદ્વાનો અને કવિઓને લજ્જિત ૫ણ થવું પડતું.

બીરબલના વિનોદ વચનો વાંચવા, સમજવા અને તે ઉપરથી થોડું ઘણું યથાબુદ્ધિ અને યથાશક્તિ જ્ઞાન કેળવવાની વાંચકોની તીવ્ર ઉત્કંઠાને વધુ વખત રોકી ન રાખતાં આ સંક્ષિપ્ત, છતાં ખુલાસાવાર જીવનચરિત્રને અત્રેજ સમાપ્ત કરીયે છીયે,

  1. *બીકાનેરના રાજા સયસિંહના ભાઈ પીથલ ( પૃથ્વિરાજ ) પર તેની કાવ્યરચના અને ચાતુર્યને કારણે બાદશાહની બહુ પ્રિતિ હતી.
    (જુઓ અકબરનામા)