← ‘મલ’ શબ્દનો અર્થ? બીરબલ વિનોદ
બુદ્ધિસાગર
બદ્રનિઝામી–રાહતી
કોણ જીતશે ? →


વાર્તા ૧૩૮.
બુદ્ધિસાગર.

રૂમના બાદશાહે બીરબલની બુદ્ધિમત્તાની અત્યંત પ્રશંસા સાંભળી તેને પોતાને ત્યાં મોકલવા, તેણે અકબર બાદશાહને પત્ર લખ્યો. અકબરે તે પત્ર વાંચી બીરબલને ઘણાજ ઠાઠમાઠથી ત્યાં મોકલાવ્યો. બીરબલે રાજધાની પાસે પહોંચતાં અગાઉથી બાદશાહને કાસિદ સાથે ખબર મોકલાવી.

બાદશાહે બીરબલની પરિક્ષા કરવા ખાતર પોતાના બધા દરબારીયોને પોતાના જેવાજ વસ્ત્રાભૂષણો પહેરાવી એવી રીતે બેસાડયા કે, ખરા બાદશાહને ઓળખવો મુશ્કેલ થઈ પડે. જ્યારે બધી તૈયારી થઈ ચુકી ત્યારે બીરબલને દરબારમાં બોલાવ્યો. બીરબલે દરબારમાં આવી આવો પ્રકાર જોયો એટલે તરતજ તેણે મનમાં ધારી લીધું કે 'અહીં પણ બુદ્ધિની પરિક્ષા લેવાય છે.' તેણે ચારે તરફ એકવાર જોઈ લીધું અને પછી ધીમે પગલે ચાલતે ચાલતો બધાને જોતો જોતો પેલા ખરા બાદશાહ પાસે પહોંચી ગયો અને તેને સલામ કરી.

પેલો બાદશાહ અત્યંત પ્રસન્ન થયો અને ઘણાજ આનંદપૂર્વક તેનો સત્કાર કર્યા બાદ પૂછયું “ બીરબલ ! તમે મ્હને કેવી રીતે ઓળખી કાઢ્યો ?"

બીરબલે કહ્યું “હુઝુર ! બધાની દૃષ્ટિ આપના પ્રત્યે હતી અને આપ બધાને જોતા હતા. એ ઉપરથી મ્હે આપને ઓળખી લીધા.” આ ઉત્તર સાંભળી સુલ્તાન બહુજ ખુશ થયો અને બીરબલને “ દરીયાએ અકલ” (બુદ્ધિનો સાગર)ની ઉપાધિથી વિભૂષિત કર્યો. ત્યાર પછી ઘણા દિવસ સુધી તેને મહેમાન રાખ્યો અને પછી ઘણુંજ દ્રવ્ય આપી હીંદુસ્થાન તરફ રવાના કર્યો.