← બુદ્ધિનું પરાક્રમ બીરબલ વિનોદ
મીઠી મસ્ખરી
બદ્રનિઝામી–રાહતી
સ્વભાવનું ઓસડ →


વાર્તા ૮૮.

મીઠી મસ્ખરી.

બીરબલ માંસ, ઇંડાં વગેરે વસ્તુઓને હાથ અડકાવતો નથી, એટલું જ નહીં, પણ તે બધાની મશ્કરી (મસ્ખરી) સુદ્ધાં કરીને બધાને લજવે છે, માટે એને કોઈ પ્રકારે બનાવવો શાહઝાદાઓ અને કેટલાક દરબારીઓએ વિચાર કર્યો. એક દિવસે બાદશાહ પોતાના શાહઝાદાઓ તેમજ થોડાક ખાસ ખાસ દરબારીયો સાથે યમુના કિનારે ફરવા ગયો. બીરબલ પણ સાથેજ હતો. એટલે તેના વિરોધીઓએ લાગ જોઈ ચુપ ચાપ એક માણસને થોડાંક મરઘીનાં ઇંડાં લાવવા માટે મોકલ્યો. ઈંડાં આવી પહોંચતાં પેલા શાહઝાદાઓએ પોતાની ન્હાવાની ઈચ્છા પ્રગટ કરી. બાદશાહે “હા પાડી એટલે સૌ કોઈ અકેક ઈંડું લઈ જઈ ન્હાવા પડયા, બીરબલ પણ ન્હાવા લાગ્યો, બાદશાહ ઘાટ ઉપર બેસીને બધો તમાશો જોતો હતો. પ્રથમથી કરી રાખેલી ગોઠવણ મુજબ શાહઝા- દાઓ તેમજ અન્ય કેટલાક દરબારીયો એક પછી એક પાણી- માંથી નીકળી બાદશાહ આગળ ઈંડું લાવીને મૂકતા. બીરબલે આ પ્રકાર જોયો એટલે સૌને બનાવવાને ઈરાદે જ્યારે તેનો પોતાનો વારો આવ્યો, ત્યારે તેણે નદીમાં ડુબકી મારી કૂકડાની ગરદનના આકારે પોતાના હાથની આકૃતિ કરી “કુકડૂકૂ" કરવા લાગ્યો. તે જોઈ બાદશાહે પૂછયું કે “બીરબલા આ શો ધતીંગ?” બીરબલે હાથ જોડી કહ્યું “ હુઝૂર ! કૂકડા વગર મરઘીઓ ઈંડાં ક્યાંથી આપી શકે? માટે આ સઘળી મરઘીઓ વચ્ચે હું એક મરધો છું અને બધી મરઘીઓને ઇંડાં આપતી જોઈ હર્ષને લીધે ” કુકડૂ કૂ કરૂં છું.”

આવો વિનોદી પ્રત્યુત્તર સાંભળી બાદશાહ પોતાના હાસ્યને અટકાવી ન શક્યો, શાહઝાદાઓ અને બીજા દરબારી પણ શરમાઈ જઈને નીચું ઘાલી ઉભા. બીરબલને બનાવવા જતાં પોતેજ બની ગયા. મશ્કરી (મસ્ખરી) કરવી અને રીસ ચઢાવવી એ કેમ બને ? એટલે ચુપચાપ પોતાના ખેલમાં ગુંથાયા.