બીરબલ વિનોદ/રજપૂતાણીનું પતિવ્રત

← પાંચ પ્રશ્નો બીરબલ વિનોદ
રજપૂતાણીનું પતિવ્રત
બદ્રનિઝામી–રાહતી
બાદશાહનો પોપટ →


વાર્તા ૧૫૯.
રજપૂતાણીનું પતિવૃત.

અકબરે એવો ધારો બાંધ્યો હતો કે જેટલા રજપુત રાજાઓને તેણે જીત્યા હોય તેટલાની પાસેથી છ મહીના ચાકરી લેવી. તે રજપુત રાજા છ મહીના પોતાના ગામમાં રહે અને છ મહીના બાદશાહની પાસે દરબારમાં રહે. એવા ઘણા રજપુત રાજાઓ રહેતા હતા. જેમાં એક અમરસિંહ રાઠોડ નામનો રાઠોડ વંશનો રજપુત રાજા પણ હતો.

એક દિવસ બાદશાહને પોતાની અમુક બેગમની ચાલ ચલગત વિષે શંકા ઉત્પન્ન થઈ અને તેની બારીકાઈથી તપાસ કરતાં માલુમ પડી આવ્યું કે તે બેગમે પોતાની નીતિમત્તા ધુળમાં મેળવી છે. આ ઉપરથી બાદશાહે વિચાર કર્યો કે ‘મ્હારા દરબારીયોમાંથી કોની સ્ત્રી પતિવૃતા છે એ જાણવું જોઈયે.’ બીજે જ દિવસે તેણે દરબારમાં આવીને હુકમ કર્યો કે “સભામાં એક બીડો મૂકો કે કોની સ્ત્રી પતિવ્રતા છે. જેની સ્ત્રી તપાસ કરતાં તેવી સાબિત થશે તો તેને હું ઘણું જ માન આપીશ. પણ જો એથી વિરૂદ્ધ હશે તો ગરદન મારવામાં આવશે.”

બીરબલે બાદશાહની આજ્ઞા મુજબ બીડો ફેરવ્યો, પણ કોઈ ઉઠ્યું નહીં, કેમકે કોઈનેય પોતાની સ્ત્રી વિષે પોતાના મનમાં ખાત્રી ન હતી. જયારે કોઈ ન ઉઠ્યું ત્યારે બાદશાહ બોલ્યો “અરે, શું આટલા બધા મોગલ સરદારો, હીંદુ રાજાઓ, સરદારો અને અમીરો અત્રે બેઠા છે તેમાં કોઈનીયે સ્ત્રી પતિવૃતા નથી ? ખરેખર, તમને ધિક્કાર છે !!”

બાદશાહનું આવું બોલવું સાંભળી અમરસિંહ રાઠોડે ઉભા થઈ કહ્યું “જહાંપનાહ ! આપ શું બોલો છો ? શું રાજપૂતોનું શૌર્ય સમુળગુંજ નાશ પામ્યું છે ? શું કોઈને પણ પોતાની સ્ત્રી વિષે ખાત્રી નથી ? શું દુનિયામાં પતિવૃતા સ્ત્રીયો જ રહી નથી ? હુઝૂર ! આપ એકદમ બધાને ન ધિક્કારો. મ્હારી પોતાની સ્ત્રી સતી, મહા સાધ્વી પતિવૃતા છે.”

અમરસિંહને ઉશ્કેરાયલો જોઈ બધા દરબારીયો ચુપ થઈ ગયા. અમરસિંહે બીડો ઉઠાવી લીધો એટલે બધા દરબારીયોનાં મોઢાં ઉતરી ગયાં, કોઈએ ઉંચી આંખ સરખીચે કરી નહીં. બધા માંહે માંહે કહેવા લાગ્યા કે “આ રજપૂતે તો આપણા સર્વની આબરૂ લીધી, માટે કોઈ ઉપાય યોજી કાઢવો જોઈએ.”

એક કાણીયો અમીર તો ઘણોજ તપી ગયો હતો. તે જેમ તેમ હીંમત આણી ઉોભો થઈ બોલ્યો “જહાંપનાહ અમરસિંહ આટલી બધી શેખી મારે છે પણ હું એમની સ્ત્રીને સારી પેઠે ઓળખું છું અને એમના ઘરનાં બધાં છિદ્ર હું સારી રીતે જાણું છું. જો આપ મ્હને રઝા આપો તો હું આપની ખાત્રી કરી આપીશ.”

બાદશાહે તેને રઝા આપી એટલે કણીયાએ અરઝ કરી “હુઝૂર ! જ્યાંસુધી હું એમના ગામથી પાછો ન આવું ત્યાં સુધી અમરસિંહને અહીંચાં પુરતા ચોકી પહેરામાં રાખવા જોઈયે, નહીં તો કદાચ એ સંદેશ મોકલાવી પોતાની સ્ત્રીને ચેતાવી દેશે.”

બાદશાહે કહ્યું “ભલે, એમ કરવામાં આવશે. પરંત જો તું અમરસિંહની સ્ત્રીને પતિવ્રતા પણાનો ભંગ કરનારી સાબિત નહીં કરી શકે, તો ત્હારો શિરચ્છેદ કરવામાં આવશે. માટે હજી પણ એકવાર વિચાર કરી લેવાની તને રઝા આપવામાં આવે છે.

કાણીયો જુસ્સામાંને જુરસામાંજ બોલી ઉઠ્યો “હુઝૂર ! એ વાતનો પૂરતો વિચાર કરી રાખેલો છે. આપના ચરણના પ્રતાપે હું એ વાત સાબિત કરી બતાવીશ.”

એટલે બાદશાહે તેને જવાની પરવાનગી આપી અને અમરસિંહને નઝર કેદ તરીકે રાખ્યો. બધા અમીર ઉમરાવો ઘણો જ આનંદ પામ્યા અને કાણીયો અમરસિંહના ગામ તરફ રવાના થયો. ગામમાં પહોંચી તેણે તજવીઝ કરી તો માલુમ પડ્યું કે, ગામમાં કોઈયે પણ અમરસિંહની સ્ત્રીનું મોઢું સરખુયે જોયું ન હતું. એટલું જ નહીં, બલ્કે તેના મહેલમાં શું છે એ પણ કોઈ જાણતું ન હતું. અમીર સાહેબને હવે પસ્તાવો થવા લાગ્યો અને પોતાના શિરચ્છેદ થવાના સ્વપ્નો જોવા લાગ્યો. તેણે આડકતરી રીતે ઘણા પૈસા બરબાદ કર્યા, પણ કાંઈ વળ્યું નહીં. આખરે તેણે એક માલણને શોધી કાઢી જે અગાઉ અમરસિંહને ત્યાંજ નોકર હતી, પણ કાંઈ ગુન્હાસર તેને કાઢી મૂકવામાં આવી હતી. માલણે પૈસાની લાલચે એ કાર્યનો આરંભ કર્યો. મહેલની રચના અને બધા પ્રકારની નિશાનીયો તે સારી પેઠે જાણતી હતી એટલે અમીર સાહેબે બધી વાતો તેને મોઢે સાંભળી લખી લીધી, પણ એટલેથીજ કામ પાર પાડે તેમ ન હતું. અમરસિંહની સ્ત્રીના અંગપરની કોઈ ગુપ્ત નીશાની લાવવા તેણે માલણને કહ્યું, માલણે પ્રથમ તો આનાકાની કરી, પણ અમીર સાહેબે ઘણી મોટી રકમ ઈનામ આપવાની લાલચે તેને એ કાર્ય બજાવવા માટે રાઝી કરી લીધી. માલણને મહેલમાંથી વાંકસર કાઢી મૂકેલી હોવાથી તેને મહેલનાં દરવાઝામાં પણ પગ મૂકવાની રઝા ન હતી એટલે તેણે એક બીજી યુક્તિ શોધી કાઢી. તેણે સારો ગૃહસ્થીનો પોષાક પહેર્યો અને અમીર સાહેબના રથમાં બેસી, સિપાહીયોને સાથે લઈ જાણે બ્હાર ગામથી આવી હોય તેમ ગામના મુખ્ય દરવાઝેથી દાખલ થઈ. સારો પોષાક પહેરેલો હોવાથી તેની આકૃતિ અને રૂપમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો હતો. તેણે અમરસિંહના મહેલ પાસે આવી પોતાનો રથ વાડામાં છોડાવી રાણીને અબર મોકલાવી કે તેના પતિની ફોઈ તને મળવા આવી છે.

રાણી આ ખબર સાંભળી વિચારમાં પડી ગઈ. કેમકે અમરસિંહે પોતાની ફોઈ હોવાની વાત કદિપણ તેને કહી ન હતી. તે મનોગત્ કહેવા લાગી “એમણે મ્હને કદિપણ પોતાની ફોઈ હોવાની વાત કરી નથી, છતાં આ ફોઈબા ક્યાંથી ફાટી નીકળ્યા ? પણ હશે, કદાચ તેમણે મ્હારી આગળ પોતના ફોઈના અસ્તિત્વની વાત ભૂલથી નહીં કરી હોય, માટે લાવ એમને આવકાર આપું.” એમ વિચાર કરી તેણે ફોઈબાને મહેલની અંદર તેડાવ્યા. ફોઇબા ભારે ઠાવકાપણા અને ગંભીરતા સાથે અંદર દાખલ થયા, રાણીયે તેને પગથી માથા સુધી ટીકી ટીકીને જોઈ, પણ તેમાં રાજપૂતાણીનું એકે લક્ષણ જણાયું નહીં. છતાં અમરસિંહની ખાતર તેને આવકાર આપી મહેમાન તરીકે ઘણા માન સાથે મહેલમાં રાખી.

ફોઈબાએ બે ત્રણ દિવસમાં બધો પ્રકાર જાણી લીધો, અમરસિંહે પોતાની રાણીથી ગમે તેમ થાય તોય જુદા ન થવાના વચન તરીકે રાણીને એક રૂમાલ અને એક કટાર આપ્યાં હતાં. રાણી એ વસ્તુઓ હંમેશા પોતાની પાસેજ રાખતી. એ વસ્તુઓ પર ફોઈબાની નઝર પડતાં તેમણે તેની માગણી કરી, પણ રાણીએ આપવા ના પાડી. ફોઈબા આથી રીસાયા અને ચાલ્યા જવાને તૈયાર થયા. રાણીએ વિચાર્યું કે, હવે આપ્યા વગર છૂટકો નથી, એટલે તેમને મનાવ્યાં અને કટાર તથા રૂમાલ આપતાં કહ્યું “ફોઈબા ! તમે જ્યારે આ તુચ્છ વસ્તુઓ માટે આટલી બધી રકઝક કરો છો તો લો. જોકે એ વસ્તુઓ કીંમતી નથી, છતાં આપના ભત્રીજાની નિશાની તરીકે છે એટલે મ્હેં આપવા માટે ના પાડી હતી.”

ફોઈબા પણ કાચું કાપે એવી ન હતી. તેણે હવે નખરાં શરૂ કર્યા અને કહ્યું “નારે બાઇ ! હવે તો એ મ્હારે ન જોઈએ ! શું મ્હારે ઘેર એવી વસ્તુઓની ખોટ પડી છે કે ત્હારી પાસે આવી તુચ્છ વસ્તુઓ માટે સવાલ કરું ? મ્હેતો જાણ્યું કે લાવ, વહુની યાદગીરી લઈયે, પણ વહુ આપે કેમ ?!”

રાણીયે ઘણો પસ્તાવો કરી તેના કાલાવાલા કરી સમજાવી અને રૂમાલ, કટાર લેવા માટે રાઝી કરી, આટલેથી પણ કામ ખતમ ન થયેલું હોવાથી ફોઈબા તો નીરાંતે મહેલમાં મહેમાન પડ્યા અને નિત્ય આમ તેમના ટોળ ટપ્પા મારી રાણીને ફોસલાવવા માંડી. એક દિવસ પોતે રાણીને ન્હવરાવવા બેઠી અને તેના ગુહ્ય ભાગના ચિન્હો જોઈ લીધા. ત્યાર પછી બે ત્રણ દિવસ ત્યાં વધુ રોકાયા બાદ ફોઈબા ત્યાંથી વિદાય થઈ અમીર સાહેબ પાસે ગયા અને રથ, સિપાહીયો, રૂમાલ, કટાર આપી દીધું. અમીર સાહેબે ગુપ્ત નીશાનીયો પૂછતાં તેણે ઈનામ માગ્યું. અમીર સાહેબે તરતજ રૂપીયા ગણી આપ્યા એટલે માલણે બધી વાત ખુલાસાવાર કહી સંભળાવી; ગુપ્ત ચિન્હો પણ કહી આપ્યાં.

કાણીયાએ અત્યંત આનંદ પામી બીજે જ દિવસે દિલ્હી તરફ કૂચ કરી અને મજલો કાપતો પંદરમે દહાડે બપોરે દરબારના વખતે જ શહેરમાં આવી પહોંચ્યો. પૂરેપૂરી નિશાની અને રૂમાલ તથા કટાર મળેલાં હોવાથી તે ઠંડે કાળજે ઘેર ગયો અને બરાબર ખાઈ પીને, કપડાં લત્તાં પહેરી દરબારમાં “હુઝૂર સલામત !” કરતો જઈ પહોંચ્યો, અને જાણે પોતે મ્હોટો વાઘ માર્યો હોય તેમ મૂછોપર તાવ દેતો છાતી કાઢીને બેઠો. બાદશાહે અગત્યનું કાર્ય ખતમ થતાં કાણીયાને પૂછ્યું “કેમ, તમે ખાત્રી કરી શક્યા કે નહીં ?”

અમીરે કહ્યું “જહાંપનાહ ! આપના પ્રતાપે હું અમરસિંહને ગામ ગયો, ત્યાં રાણીએ મ્હને મહેમાન તરીકે રાખ્યો. બે મહીના અમે ઘણા ઘણા પ્રકારની આનંદ ક્રીડામાં વીતાડ્યા."

બાદશાહ વચમાં જ બોલી ઉઠયે “એની સાબિતી શી છે ?”

કાણીયાએ કહ્યું “હુઝુર ? રાજા સાહેબના મહેલમાં દાખલ થવાના સાત દરવાઝા છે. તે દરેક દરવાઝા પર સો રજપુતો ચોકી ભરે છે. ત્યાર બાદ દાસીયોનો પહેરો આવે છે. રંગ મહેલના બારણા પાસે એક આરસી જડેલી છે, જેમાં માણસનું આખું શરીર દેખાય છે. રંગ મહેલમાં ચાર ઝરોખા છે અને સાત બારીયો છે. વચમાં રૂપેરી કુરસીયો ગોઠવી છે, જેની ઉપર કિનખાબ જડેલું છે. રાણીનું સૌન્દર્ય તો એટલું બધું અલૌકિક છે કે, તે વર્ણવી બતાવવા માટે પૂરતા શબ્દો નથી. તેના પરસેવામાં ગુલાબના અત્તરની સુગંધ આવે છે. મહેલના ઉદ્યાનમાં અનેક પ્રકારના મનોહર વૃક્ષો ઉગેલા છે. વચ્ચે એક ફુવારો પણ છે, જેમાંથી પાણી ચક્કરી ખાઈ દસ હાથ ઉંચે ઉડે છે. વળી અનેક જાતના પક્ષીઓના પાંજરા પણ ગોઠવેલા છે.” આટલું બોલી કાણીયો ચુપ થઈ ઉભો.

બાદશાહે રાઠોડને પૂછ્યું “કેમ અમરસિંહ ! હવે તમે શું કહેવા માગો છો ?” અમરસિંહે કહ્યું “જહાંપનાહ ! એમાં તે શું મ્હોટી વાત કરી ? એટલું તો મ્હારી પ્રજા પણ જાણે છે અને ત્યાંના વતનીઓ અહીંયાં રહે તેઓ પણ આ બધી વાત આપને કહી આપશે. જો કોઈ ગુપ્ત ભેદ અમીર સાહેબ બતાવે તોજ એમની વાત માન્ય કરી શકાય.”

કાણીયો એટલું તો ઈચ્છતોજ હતો. તેણે બાદશાહ પૂછે તે પહેલાંજ ભરડવા માંડ્યું “ જહાંપનાહ ! મ્હારી પાસે એવી ગુપ્ત સાબિતીયો પણ છે. (પેલો રૂમાલ અને કટાર બતાવી) હુઝૂર ! આ રૂમાલ અને કટાર રાણીએ મ્હારા પર પ્રસન્ન થઈ મ્હને ભેટ આપ્યા છે. એ વસ્તુઓ રાજા સાહેબે રાણીને દિલ્હી આવતી વખતે પોતાની યાદગીરી તરીકે આપી હતી.”

બીરબલે તે વસ્તુઓ અમરસિંહને આપી કહ્યું “અમરસિંહ ! જુઓ, એ તમારીજ ચીઝો છે કે નહીં, તેની ખાત્રી કરી લો.”

અમરસિંહ તે વસ્તુઓ ઓળખી લીધી. હવે તો તેને પણ પોતાની સ્ત્રીની ભ્રષ્ટતાની ખાત્રી થવા લાગી. પણ પછી મીયાંએ કોઈ પ્રપંચદ્વારા એ વસ્તુઓ મેળવી હોય એમ ધારી તેણે બાદશાહને અરઝ કરી કે “હુઝૂર ? આ વસ્તુઓ છે તો મ્હારીજ, પણ કદાચ કોઈ અન્ય પ્રપંચદ્વારા તે હસ્તગત્ કરાઈ હોય તો તે સંભવિત છે, માટે કોઈ બીજો વધુ સજ્જડ પુરાવો મળવો જોઈએ.”

કાણીયો બોલી ઉઠ્યો “જહાંપનાહ ! જો આને પ્રપંચદ્વારા મેળવેલી જાણી રાજા સાહેબ વધુ સજ્જડ પુરાવો માગતા હોય, તો હવે લાચારીયે પણ હું છેલ્લી નિશાની તરીકે રાણીના શરીર પરના ચિન્હો કહી આપુ છું. જે સાંભળ્યા બાદ મ્હને સંપૂર્ણ ખાત્રી છે કે રાજા સાહેબ પોતાની સ્ત્રીની પવિત્રતાનો ખ્યાલ સરખોયે મનમાં નહીં લાવે. સાંભળો, રાણીની ડાબી જાંગ ઉપર ત્રણ કાળા તલ છે !!” કાણીયો ચુપ થયો. અમરસિંહની નઝરો નીચી નમી ગઈ. બાદશાહ તેમજ બધા સભાસદોની હવે સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ કે કાણીયાએ રાણીના સતીત્વનો અવશ્ય ભંગ કરેલો હોવો જ જોઈએ, નહીં તો શરીરના ગુપ્ત ભાગનાં ચિન્હો એ ક્યાંથી બતાવી શકે ?!

બાદશાહે અમરસિંહે આપેલા વચન પ્રમાણે તેને દેહાન્ત દંડની શિક્ષા કરવાની સભાસદો પાસે સલાહ માગી. અમરસિંહ બોલ્યો “નામદાર ! આપે હવે સલાહ લેવાની આવશ્યકતા નથી. મ્હારી સ્ત્રીની અપવિત્રતા સિદ્ધ થયા પછી આ જગતમાં મ્હારે માટે જીવવું અત્યંત નામોશી ભરેલું છે. હું અત્યારેજ ફાંસીયે લટકી જવા તૈયાર છું. પણ એક ઉમ્મેદ રહી છે તે જો આપ આજ્ઞા આપે તો કહું.”

બાદશાહે કહ્યું “ અમરસિંહ ! મ્હને તમારા જેવા વિશ્વાસુ માણસને ખોઈ બેસવાનો ખ્યાલ આવતાં લાગી આવે છે, પરંતુ મરદનાં વચન મિથ્યા ન જાય એજ મ્હોટો વાંધો છે. ખેર, તમારી શી ઉમ્મેદ છે તે કહી સંભળાવો.”

અમરસિંહે કહ્યું “હુઝૂર ! મ્હને મ્હારી સ્ત્રી ઉપર ઘણોજ વિશ્વાસ હતો અને આપના દરબારમાં દુષ્ટા સાબિત થઈ, માટે મ્હારે તેને ધિક્કાર આપવો છે, જો આપ આજ્ઞા આપો તો મ્હારે ગામ જઈ મ્હારી ઉમ્મેદ પૂર્ણ કરું.”

બાદશાહે કહ્યું “અમરસિંહ ! એમ ન બની શકે ! હાલમાં તમે અહીંથી મુક્ત થઈ તમારે ગામ જાવ અને ત્યાં તમારા મનમાં કાંઈ જુદોજ ખ્યાલ આવતાં સ્ત્રીને ધિક્કારવાને બદલે મ્હારી સ્હામેજ બળવો જગાડો તો મ્હને નકામી મહેનત પડે. તે શિવાય કદાચ તમે રાણીની હત્યા કરો તો તેનું પાતક પણ અમારે માથે આવે, માટે એતો નહીં બને !!”

આ સાંભળી અમરસિંહ બોલ્યો “હુઝૂર ! એવું કદાપિ નહીં બને. અમે રજપૂત છીએ, અમારો ટેક કદી ન ફરે. બોલ્યું વચન ન પાળીયે તો અમારા તુખમમાં ફેર ગણાય. હુ મ્હારા પૂર્વજોનો કોલ આપવા તૈયાર છું.”

બાદશાહે કહ્યું “એમ હું ન માનું. જો તમે કોઈ સારા આસામીને ઝામીન તરીકે મુકી જાઓ તો તમને એક માસની મુદ્દત આપી શકું.”

અમરસિંહ બોલ્યો “જહાંપનાહ ! આ પરાયા પરદેશમાં મ્હારો ઝામીન કોણ થઈ શકે ? તેમજ મ્હારી શિક્ષા પણ મુકરર થઈ ચુકી છે એટલે લોકો ઝામીન થતાં બ્હીયે પણ ખરા !!”

એવામાં અમરસિંહના ગામનો વતની મોતીચંદ સાહુકાર ઉભો થઈ બોલ્યો “જહાંપનાહ ! અમરસિંહને જવાની આપ રઝા આપો, હું એમનો ઝામીન થાઉં છું. જો એક મહીનામાં એ નહીં આવી શકે તો હું સુખેથી ફાંસીએ ચઢવા તૈયાર છું.”

બાદશાહ સહ સર્વ દરબારીયોએ મોતીચંદની હીંમત અને પરમાર્થબુદ્ધિ માટે અસંખ્ય ધન્યવાદ આપ્યા. અમરસિંહને રઝા મળતાં તે તરત જ પોતાના ગામ તરફ રવાના થયો. ચૌદમે દિવસે તે પોતાના ગામમાં પહોંચી ગયો. મહેલ પાસે આવતાં તે ઘોડા ઉપરથી ઉતરવાની તૈયારી કરતો હતો, તેવામાં ઘોડાએ ખોંખાર કર્યો એટલે રાણી તરતજ મહેલના ઝરોખામાં આવી. તેણે પોતાના પતિના ઘોડાનો ખોંખાર ઓળખ્યો હતો, એટલે વિયોગ પીડિત રાણી કોઈ દિવસ નહી ને એજ દિવસે ઝરોખામાં દોડી આવી. અમરસિંહને રાણીના આ વર્તન ઉપરથી વિશેષ શંકા ઉત્પન્ન થઈ, તેથી તેણે ઘોડા પરથી નીચે ન ઉતરતાં રાણી તરફ જોઈ કહ્યું “વાહ, વાહ ! શાબાશ છે !!” આટલું કહી તેણે ઘોડાને પાછો ફેરવ્યો અને ગામમાં કોઈની સાથે વાત સરખીચે કરવા ઉભો ન રહેતાં સીધો દિલ્હી તરફ રવાના થયો.

રાણી આ બધો પ્રકાર જોઈ અત્યંત વિસ્મય પામી. તેણે પોતાની દાસીને કારભારી પાસે ખબર કાઢવા મોકલાવી, પણ કારભારીએ અમરસિંહને જોયોએ ન હતો, તે પાછી ફરી અને રાણીને જણાવ્યું “બા ! આ કાંઈ ગોટાળો થયેલો દેખાય છે. પેલા ફોઈબાનું તો કદાચ આ કાવત્રુ નહીં હોય ?!”

રાણીને પણ એ વાતમાં સત્યતા જણાવા લાગી. કદાચ રૂમાલ અને કટારે આ તોફાન ઉભું કર્યું હશે, એમ ધારી તેણીએ પાલખી તૈયાર કરાવી અને પોતાની દાસીયો અને થોડાક સ્વારોને લઇ આડે પરંતુ ટુંકે રસ્તે દિલ્હી તરફ જવા નીકળી. અમરસિંહ ક્રોધાવેશમાં રસ્તે ભૂલી આડે રસ્તે ચઢી ગયો એટલે રાણી તેના કરતાં એક દહાડો વહેલી દિલ્હી પહોંચી અને સીધી બીરબલને ઘેર ગઈ. બીરબલ સારે નસીબે ઘરમાં જ હતો. તેણે રાણીને ભારે આવકાર આપ્યો. રાણીએ બધી બીના તેને સ્વિસ્તર કહી સંભળાવી.

બીરબલે એ બધી બીના બરાબર સાંભળી લીધા પછી કહ્યું “રાણી બા ! ઠીક થયું જે આજે તમે આવી પહોંચ્યાં. પણ અમરસિંહ તમારા કરતાં અગાઉ નીકળી ચુક્યા છે એમ તમે જણાવો છો, છતાં અહીં કેમ ન આવી શક્યા ? શું તેઓ મોતથી ડરી જઈ ક્યાંક બીજે પલાયનમ્ કરી ગયા ? કાલે એમને ફાંસીએ ચઢવાનો દિવસ છે, જો તેઓ કાલ સૂધીમાં નહીં આવી પહોંચેતો બીચારો મોતીચંદ શાહુકાર ફાંસીએ લટકશે. ખેર, તમે હમણાં બેકીકર રહો. જો અમરસિંહ કાલે આવી પહોંચે તો હું તમને દરબારમાં તેડાવીશ એટલે તમે ત્યાં આવી બાદશાહ આગળ બધો ખુલાસો કરજો. અથવા જો અમરસિંહ ન આવે તો મોતીચંદને બદલે તમે ફાંસીએ ચઢવાનું કબુલી લઈ બીચારા મોતીચંદને છોડાવવો એટલે બાદશાહને કહીને હું તમને પણ છોડાવીશ.” રાણીયે તેમ કરવા કબુલાત આપી.

બીજે દિવસે સ્હવારમાંજ મોતીચંદને ફાંસી આપવા સ્મશાનભૂમિ તરફ લઇ જવા લાગ્યા. બીરબલના ઘર પાસેથી પસાર થતાં કોતવાલે બીરબલને ખબર આપી. બીરબલે તેને બધો પ્રકાર સમજાવી દીધો અને ઉતાવળ ન કરવાની સૂચના આપી. સ્મશાનભૂમિમાં પહોંચી કોતવાલે મોતીચંદને કહ્યું “શેઠ ! અમરસિંહ અત્યારસુધી આવ્યા નથી, માટે આપને હવે ફાંસીએ ચઢવું પડશે.” આ સાંભળી મોતીચંદે આનંદપૂર્વક ઉત્તર આપ્યો “હું અત્યંત ખુશ છું. જો મ્હારા ભોગે પણ મ્હારો મિત્ર બચી જવા પામે તો હું મ્હારા જીવનનું એમાંજ સાર્થક માનીશ.”

લગભગ નવ વાગ્યા સુધી કોતવાલે વાટ જોઈ, પછી સમય વીતી જતો હોવાથી તેણે મોતીચંદને ફાંસીને લાકડે ચઢાવ્યો અને દોરી ગળામાં નાંખી દીધી. એવામાં બીરબલની સૂચના મુજબ રાણી પાલખીમાં બેસી ત્યાં જઈ પહોંચી અને મોતીચંદને બદલે પોતાને ફાંસીએ ચઢાવવા કોતવાલને વિનંતિ કરી, પણ કોતવાલે આનાકાની કરતાં રાણીએ વધારે હઠ પકડી. આ પ્રકાર ચાલતો હતો તેવામાં દુરથી “સબુર, સબુર” નો અવાઝ આવ્યો. સૌનું ધ્યાન તે તરફ આકર્ષાયું, તો અજાયબી વચ્ચે અમરસિંહને ઘોડો દોડાવતો તે તરફ આવતો જોયો. અમરસિંહે દોડતા ત્યાં આવી પહોંચી મોતીચંદને ફાંસી પરથી ઉતારી પોતે ફાંસીપર જઈ ઉભો, કોતવાલે કહ્યું “હવે તો ફરીથી બાદશાહનો હુકમ મળ્યા વગર મ્હારાથી કાંઈ કરી શકાય તેમ નથી.”

અમરસિંહને દુરથી આવતો જોઈ રાણી ત્યાંથી ચાલી ગઈ હતી એટલે અમરસિંહે તેને જોઈ ન હતી. આ તરફ કોતવાલ અમરસિંહ અને મોતીચંદને લઈ બાદશાહ પાસે ગયો. બાદશાહ અમરસિંહની આવી સાચવટ જોઈ ઘણોજ આશ્ચર્ય પામ્યો. કોતવાલે રાણીની પણ હકીકત બાદશાહને કહી સંભળાવી. બીરબલે તરતજ માણસ મોકલી રાણીને દરબારમાં તેડાવી. થોડી જ વારમાં રાણી દરબારમાં આવી પહોંચી. તેને જોતાંજ કાણીયા અમીરના તો હોંસ કોશજ ઉડી ગયા. અમરસિંહ પણ દાંત કચકચાવવા લાગ્યો, પણ ભર દરબારમાં શું કરી શકે ?!

બીરબલે ઉભા થઈ બાદશાહને અરઝ કરી “જહાંપનાહ અમરસિંહને અત્યારે જ બંધન મુક્ત કરી દેવા જોઈએ. આ સ્ત્રી એમની રાણી છે ( સૌ વિસ્મય પામ્યા) અને તે ખરેખર સતી પતિવૃતાજ છે. ” આટલું કહી તેણે બધો વૃત્તાંત બાદશાહને કહી સંભળાવ્યો. અમરસિંહનો પણ પોતાની સ્ત્રી પ્રત્યેનો ગુસ્સો નરમ પડ્યો. બાદશાહ કણીયા પ્રત્યે ઘણોજ ક્રોધે ભરાયો અને તેને સંબોધી કહેવા લાગ્યો “બદમાશ, નાલાયક ! તું આવાં જ કાવત્રાં કરી લોકોની આબરૂ ધુળમાં મેળવવા માટે અવતર્યો છે ? દુષ્ટ પાપી ! હવે તારે ફાંસીએ ચઢવું પડશે. તારી બધી માલ મીલ્કત સરકારમાં ઝપ્ત કરવામાં આવશે.”

કાણીયો ધ્રુજી ઉઠયો. તેણે બાદશાહની ઘણી ઘણી માફી માગી પણ બાદશાહ ન માન્યો. આખરે અમરસિંહે હાથ જોડી અરઝ કરી “ હુઝૂર ! એણે જે બદમાશી કરી તે જોતાં તો એ ફાંસીને લાયકજ છે, પરંતુ ઈશ્વરે તેને તેની બદમાશીને બદલો આપી દીધો. હું એને માફ કરૂં છું માટે આપ પણ દયા લાવી માફી બક્ષો અને તેને જીવતો રહેવા દો.”

બાદશાહે કહ્યું “અમરસિંહ ! તમારા કહેવાથી હું તેને ફાંસીએ ચઢાવતો નથી, પણ એવા દુષ્ટ માણસનું મારા રાજયમાં કામ નથી, એવા નાલાયકને તો દેશપાર જ કરવા જોઈયે. કાણીયા ! અમરસિંહના કહેવાથી હું તને ફાંસીએ ચઢાવતો નથી પણ તારે અત્યારે જ મારા રાજ્યમાંથી ચાલ્યા જવું અને તારી બધી દોલત સરકારમાં ઝપ્ત કરવામાં આવે છે.”

ત્યારપછી બાદશાહે રાણીને ધન્યવાદ આપ્યા અને અમરસિંહને પચાસ ગામ ઈનામમાં આપ્યા. થોડાક દિવસ સુધી અમરસિંહને તથા રાણીને પોતાના મહેલમાંજ મહેમાન રાખ્યા અને ત્યારબાદ તેમને પોતાને ગામ જવા રઝા આપી.