બીરબલ વિનોદ/હાથી કે ગવૈયો ?!
← કાળીનું કૌતુક | બીરબલ વિનોદ હાથી કે ગવૈયો ?! બદ્રનિઝામી–રાહતી |
એનું નામ તે મસ્ખરી!! → |
વાર્તા ૯૨.
કાળીનું કૌતુક.
એક પ્રસગે કાલિકા દેવીએ બીરબલને બ્હીવરાવવાનો વિચાર કર્યો, અને હઝાર માથાવાળું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તે તેની પાસે ગઈ. બીરબલે કાલિકાને પોતાની સ્હામે આવેલી જોઈ, તરતજ ઉભા થઈ, નમન કર્યું અને પછી દિલગીર થયાનો ઢોંગ કર્યો. દેવી તો વિચારમાંજ પડી ગઈ, તે મનોગત કહેવા લાગી કે “મ્હારા આવા ભયંકર સ્વરૂપથી તે સ્હેજ પણ ડર્યો નહીં. એટલું જ નહીં, બલ્કે પ્રથમ હસ્યો અને બાદમાં દિલગીર થયો એનું શું કારણ?” તેનાથી એ ભેદ ઉકેલાયો નહીં એટલે તેણે બીરબલને તેનો ખુલાસો કરવા કહ્યું. બીરબલે મસ્તક નમાવી કહ્યું “દેવી ! આપે આપના દર્શન દીધા તેની ખુશાલીમાં હું હસ્યો, પણ દિલગીર થવાનું કારણ કાંઈ કહેવા યોગ્ય નથી, માટે તે વિષયને પડતોજ મૂકો તો સારૂં.”
આ ઉપરથી દેવીને તે કારણ જાણવાની વધુ ઉત્કંઠા થઈ અને તેણે વધુ આગ્રહ કર્યો, એટલે બીરબલે કહ્યું “માતા ! મહારા બે હાથ અને એક નાક છે, છતાં સલેખમ થાય છે ત્યારે નાક સાફ કરી કરીને મ્હારા હાથ દુઃખી આવે છે. તો પછી આપના માત્ર બેજ હાથ અને હઝાર માથા ઉપર હઝાર નાક એટલે આપને સલેખમ થતાં આપની શી વલે થતી હશે અને કેવું દુઃખ ભોગવવું પડતું હશે ? એમ જાણી હું દિલગીર થયો.”
બીરબલની આ વિચિત્ર હાઝરજવાબી જોઇ દેવી તેને આશિર્વાદ આપી અલોપ થઈ ગઈ.