બુદ્ધ અને મહાવીર/બુદ્ધ/મહાભિનિક્રમણ

બુદ્ધ અને મહાવીર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા



મહાભિનિષ્ક્રમણ


જન્મ
૧. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. []શાક્ય કુલના શુદ્ધોદન રાજાની એ રાજધાની હતી. શુદ્ધોદન []ગોતમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેનો જોડે પરણ્યો હતો. માયાવતીને પેટે એક પુત્રનો જન્મ થયો, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાનો ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો.



  1. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે ઓળખાય છે.
  2. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે ઓળખાય છે.

એણે બાળકને પેટના દીકરા પ્રમાણે ઉછેર્યો અને એ બાળકે પણ એને સગી માની જેમ ચાહી.

નામ
૨.કહેવાય છે કે આ બાળકનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું હતું. કેટલાકને આ વિષે શંકા છે, પણ એનું બીજું કોઈ નામ હતું તેમ જણાયું નથી, માટે આપણે એને સિદ્ધાર્થને નામે ઓળખવામાં હરકત નથી.


સુખોપભોગ
૩.બાપનો એકનો એક ખોટનો છોકરો, તેથી એણે સિદ્ધાર્થને અતિ લાડમાં ઉછેર્યો. એણે રાજકુમારને છાજે એવી એને કેળવણી આપી ખરી, પણ સાથે સાથે સંસારના વિલાસો પૂરા પાડવામાં યે મણા રાખી નહિ. યશોધરા નામે એક ગુણવાન કન્યા જોડે એનું લગ્ન થયું હતું અને રાહુલ નામે એક છોકરો એને પેટે થયો હતો. પોતાના ભોગોનું વર્ણન સિદ્ધાર્થે આ પ્રમાણે આપેલું છે : -
"હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે

મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શીયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલ હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતાં, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સંભાળી કાલક્રમણ કરતો. બીજાઓને ત્યાં સેવકોને હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ મારે ત્યાં દાસદાસીઓને ઉત્તમ ભાત અપાતો હતો."


વિવેક
૪. આ રીતે એનો યુવાકાળ ચાલ્યો જતો હતો. પણ આટલા એશઆરામમાં યે સિદ્ધાર્થનું ચિત્ત ચોક્કસ હતું. બાળપણથી જ એ વિચારશીલ અને એકાગ્ર ચિત્તવાળો હતો. જે નજરે પડે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એની ઉપર અત્યન્ત વિચાર કરવો, એવો એનો સહજ સ્વભાવ હતો. સદૈવ વિચારમાં જાગ્રત રહ્યા વિના કયા પુરુષે મહત્તા મેળવી છે ? અને કયો પ્રસંગ એવો તુચ્છ હોઈ શકે કે જે સદૈવ વિચારશીલ પુરુષનાં જીવનમાં અદ્‍ભૂત ફેરફાર કરી મુકવા સમર્થ ન થાય ?*[]



  1. *પાછળ 'સિદ્ધાર્થનો વિવેક' એ નોંધ જૂઓ.
વિચારો
૫.સિદ્ધાર્થ જુવાની કેવળ ભોગવતો જ ન હતો, પણ જુવાની એટલે શું, તેના આરંભમાં શું અને તેના અન્તમાં શું, એ વિચારતો પણ હતો. એશઆરામ ભોગવતો હતો એટલું જ નહિ, પણ એશઆરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુ:ખ કેટલું, એ ભોગનો સમય કેટલો, એનો વિચાર પણ કરતો હતો. એના વિચારો આ પ્રમાણે હતા :-
"આવી સંપત્તિનો ઉપભોગ લેતાં લેતાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે ઘડપણના સપાટામાં આવવાનો છે તોપણ ઘરડા માણસ તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું ઘડપણના ફાંસામાં ફસાવાનો છું, માટે જો સામાન્ય મનુષ્યની જેમ જરાગ્રસ્ત માણસથી કંટાળું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારને લીધે મારી જુવાનીનો મદ સમૂળગો જતો રહ્યો.

અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે વ્યાધિના સપાટામાં સપડાવાનો છે છતાં વ્યાધિગ્રસ્ત મનુષ્ય તરફ જોઈને કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે

છે ! પરંતુ હું જાતે વ્યાધિના સપાટામાંથી છુટ્યો નથી, અને વ્યાધિગ્રસ્તથી કંટાળું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો આરોગ્યમદ સમૂળગો જતો રહ્યો.

અવિદ્વાન્ સામાન્ય મનુષ્ય પોતે મરણધર્મી હોવા છતાં મૃત શરીર તરફ જોઈ કંટાળે છે અને તેનો તિરસ્કાર કરે છે ! પરંતુ હું પણ મૃતધર્મી છું, છતાં સામાન્ય મનુષ્યની પેઠે મૃતશરીર તરફ જોઇ કંટાળું છું કે તેનો તિરસ્કાર કરૂં તો તે મને શોભે નહિ. આ વિચારથી મારો જીવિતમદ તદ્દન ગળી ગયો."

મોક્ષની જિજ્ઞાસા
૬. જેની પાસે ઘર, ગાડી, ઘોડા, પશુ, ધન, સ્ત્રી,પુત્ર, દાસ-દાસી વગેરે હોય તે આ જગતમાં સુખી મનાય છે. મનુષ્યનું સુખ આ વસ્તુઓને આધારે છે એમ માનવામાં આવે છે. પણ સિદ્ધાર્થ વિચારવા લાગ્યો : "હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મી છતાં, શોકધર્મી છતાં, જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું એ ઠીક નથી." જે પોતે દુ:ખરહિત નથી, તેનાથી બીજાને સુખ કેમ થઇ શકે ? માટે જ્યાં જરા, વ્યાધિ, મરણ કે શોક ન હોય એવી વસ્તુની ખોળ કરવી યોગ્ય છે અને એનો જ આશ્રય લેવો જોઇયે.
વૈરાગ્યની વૃત્તિ
૭. આ વિચારમાં જે પડે તેને સંસારનાં સુખોમાં શો રસ લાગે ? જે સુખ નાશવંત છે, જેનો ભોગ એક ક્ષણ પછી જ કેવળ ભૂતકાળની સ્મૃતિરૂપ થઇ રહે છે, જે ઘડપણ, રોગ અને મરણને નજીકને નજીક ખેંચી લાવે છે, જેનો વિયોગ શોકને કરાવવાવાળો છે, એ સુખ અને ભોગમાંથી એનું મન ઉદાસ થઈ ગયું. જેના ઘરમાં કોઈ પ્રિય મનુષ્ય દીવાળીને દહાડે 'હમણાં મરશે' એવી સ્થિતિમાં હોય, તેને તે દિવસે પકવાન્ન વહાલાં લાગે ? કે રાત્રે દીપાવલિ જોવા જવાની ઈચ્છા થાય ? તેમ સિદ્ધાર્થને દેહનું જરા, વ્યાધિ, અને મરણમાં થનારૂં આવશ્યક રૂપાન્તર ક્ષણે ક્ષણે દેખાતું હોવાથી એને સુખોપભોગ તરફ કંટાળો આવી ગયો. એ જ્યાં ત્યાં એ વસ્તુઓને નજીક આવતી જોવા લાગ્યો અને પોતાનાં સગાંવહાલાં, દાસદાસી વગેરેને એ સુખની પાછળ જ વલખાં મારતાં જોઇ એનું

હૃદય કરુણાથી ભરાઇ જવા લાગ્યું. લોકો આવા જડ કેમ હશે? વિચાર કેમ કરતા નહિ હોય ? આવા તુચ્છ સુખ માટે કેમ આતુર થતા હશે ? પણ આ વિચારો ક્યારે કહી શકાય ? એ સુખને બદલે બીજું કોઇક અવિનાશી સુખ બતાવી શકાય તો જ એ વાતો કાઢવી કામની છે. એ સુખ શોધ્યે જ છુટકો. પોતાના હિત માટે એ સુખ મેળવવું જોઇયે અને પ્રિય જનો ઉપર ખરૂં હેત બતાવવું હોય તો પણ અવિનાશી સુખ જ શોધવું જોઇએ.

મહાભિનિષ્ક્રમણ
૮. આવો વિચાર કરતાં કરતાં કેટલોક વખત ગયા પછી, જોકે તે વખતે સિદ્ધાર્થ (૨૯ વર્ષનો) જુવાન હતો, એનો એક પણ વાળ પાક્યો ન હતો, અને એનાં માબાપ એને પરવાનગી દેતાં ન હતાં, આંખોમાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમના ગાલ ભીંજાઈ ગયા હતા, તો પણ તે શિરોમુંડન કરી, ભગવાં પહેરી, ઘરમાંથી બહાર નીકળી ગયો.


સિદ્ધાર્થની કરુણા
૯. આમ સગાંસંબંધી, માતાપિતા, પત્નીપુત્ર વગેરેને છોડવામાં સિદ્ધાર્થ કાંઈ નિષ્ઠુર ન હતો. એનું હૃદય તો પારિજાતકથી પણ કોમળ થયું હતું. પ્રાણીમાત્ર તરફ પ્રેમભાવથી છલકાતું હતું. જીવવું તો જગતના કલ્યાણને માટે જ એમ એને લાગવા માંડ્યું હતું. કેવળ પોતે મોક્ષ પ્રાપ્ત કરવો એટલી જ ઈચ્છાથી એ ગૃહત્યાગ માટે પ્રેરાયો ન હતો, પણ જગતમાં દુ:ખનિવારણનો કોઈ ઉપાય છે કે નહિ એનો શોધ આવશ્યક હતો, અને તેને માટે જે ખોટાં જણાયાં છે એવાં સુખોનો ત્યાગ ન કરવો તે તો મોહ જ ગણાય એમ વિચારી સિદ્ધાર્થે સંન્યાસધર્મ સ્વીકારી લીધો.