બુદ્ધ અને મહાવીર/મહાવીર/ઉત્તરકાળ

← ઉપદેશ બુદ્ધ અને મહાવીર
ઉત્તરકાળ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
નોંધ →




ઉત્તરકાળ

શિષ્ય-શાખા
૧. મહાવીરે જૈન ધર્મમાં નવું ચેતન રેડી એની પુનઃપ્રતિષ્ઠા કરી. એમના ઉપદેશને પરિણામે પ્રજા વળી પાછી જોરથી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઈ; વૈરાગ્ય અને અહિંસાનો નવો જુવાળ દેશ ઉપર ફરી આવ્યો. અનેક રાજાઓ, ગૃહસ્થો અને સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસધર્મ ગ્રહણ કર્યો. એણે કેવળ જૈન ધર્મમાંથી માંસાહાર સદંતર બંધ કર્યો એટલું જ નહિ પણ એ ધર્મને પરિણામે વૈદિક ધર્મમાં પણ અહિંસા પરમ ધર્મ મનાયો, અને શાકાહારનો સિદ્ધાંત મોટે ભાગે હિન્દુ પ્રજાઓએ સ્વીકાર્યો.


જમાલિનો
મતભેદ
.સંસારનો ત્યાગ કરવામાં એમનો જમાઇ જમાલિ અને પુત્રી પ્રિયદર્શના પણ હતાં. આગળ જતાં મહાવીર અને જમાલિ વચ્ચે મતભેદ પડવાથી એણે જુદો પંથ સ્થાપ્યો. કૌશામ્બીના ઉદયન રાજાની મા મૃગાવતી મહાવીરની પરમ ભક્ત હતી, અને પાછળથી જૈન સાધ્વી થઇ હતી એમ કહેવાય છે. બુદ્ધના ચરિત્રમાં ઉદયનની પટ્ટરાણીઓ બુદ્ધનું અપમાન કરવા પ્રયત્ન કર્યો હતો એમ કહ્યું છે. એ ઉપરથી જૈનો અને બુદ્ધો વચ્ચે મતપંથની ઇર્ષ્યાના ઝઘડા ચાલતા હોય એમ સંભવે છે.


નિર્વાણ
. બોંતેર વર્ષની વય સુધી મહાવીરે ધર્મોપદેશ કર્યો. એમણે જૈન ધર્મને નવું સ્વરૂપ આપ્યું. એમના કાળમાં પાર્શ્વનાથ તીર્થંકરનો સંપ્રદાય ચાલતો. પાછળથી મહાવીરે અને પાર્શ્વનાથી અનુયાયીઓએ પોતાના ભેદોને સમાવી દઇ જૈન ધર્મને એકરૂપતા આપી, અને ત્યારથી મહાવીરને સર્વે જૈનોએ અંતિમ તીર્થંકર તરીકે સ્વીકાર્યાં. બોંતેરમે વર્ષે કારતક વદ અમાસને દિવસે મહાવીરનું નિર્વાણ થયું


જૈન સંપ્રદાય
. મહાવીરના ઉપદેશનું પરિણામ પોતાના સમયમાં જ કેટલું ભારે હતું, એ જાણવું મુશ્કેલ છે. પણ એ સંપ્રદાયે હિન્દુસ્તાનમાં પોતાનો પાયો સ્થિર રાખ્યો છે. એક કાળમાં વૈદિકો અને જૈનો વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા; પણ આજે બન્ને સંપ્રદાયો વચ્ચે કશો વૈરભાવ રહ્યો નથી. આનું કારણ એ છે કે જૈન ધર્મનાં કેટલાંક તત્વો વૈદિકોએ- અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયો અને પૌરાણિકોએ - એટલાં પૂર્ણપણે પોતાનામાં મેળવી દીધાં છે, અને તે જ પ્રમાણે જૈનોએ પણ દેશકાળ અનુસાર એટલા વૈદિક સંસ્કારો સ્વીકારી લીધા છે કે એ બે ધર્મો વચ્ચે ભારે પ્રકૃતિનો કે સંસ્કારનો ભેદ હવે રહ્યો નથી. આજે હવે જૈનોને વૈદિક થવાનું કે વૈદિકને જૈન થવાનું ભારે કારણ પણ નથી, અને તેમ થાય તો કોઈ જાતના જુદા જ વાતાવરણમાં પ્રવેશ કરવા જેવું લાગે એમ પણ નથી. તત્ત્વજ્ઞાનને સમજાવવાના વિષયમાં બેના જુદા વાદોx છે. પણ એમ તો વૈદિક ધર્મમાં પણ અને વાદો છે. પણ બેનો

x પાછળ 'વાદ' ઉપર નોંધ જુઓ. અન્તિમ નિશ્ચય તેમજ સાધનમાર્ગ પણ એક જ પ્રકારનો સમજાય છે. વૈદિક ધર્મ આજે બહુધા ભક્તિમાર્ગી છે, અને જૈન પણ ભક્તિમાર્ગી જ છે. ઇષ્ટ દેવતાની અત્યંત ભક્તિ વડે ચિત્ત શુદ્ધ કરી, મનુષ્યત્વની સર્વે ઉત્તમ સંપત્તિઓ સંપાદન કરી, છેવટે તેનું પણ અભિમાન તજી આત્મસ્વરૂપમાં સ્થિર રહેવું એ બન્નેનું ધ્યેય છે. બન્ને ધર્મોએ પુનર્જન્મના વાદને ગૃહીત કરીને જ પોતાની જીવનપદ્ધતિ રચી છે. સંસાર વ્યવહારમાં આજે જૈન અને વૈદિકો અત્યંત ગાઢ પ્રસંગમાં રોજ રોજ આવે છે; ઘણેક ઠેકાણે બન્ને વચ્ચે રોટી-બેટી વ્યવહાર પણ હોય છે. છતાં એક બીજાનાં ધર્મો વિષે અત્યંત અજ્ઞાન અને ગેરસમજુતી પણ સાધારણ છે. વૈદિક ધર્મ, અવતારો, વર્ણાશ્રમવ્યવસ્થા વિશે જૈન ધર્મ કશું ન જાણતો હોય એવું વધારે ઓછું હોય છે; પણ જૈન ધર્મના તત્ત્વો, તીર્થંકરો ઇત્યાદિ વિષે વૈદિકો કાંઈ જ ન જાણતા હોય એવું અત્યંત સામાન્ય છે. એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી. સર્વ ધર્મોનું - સર્વ ગ્રન્થોનું અવલોકન કરી, સર્વ મત પંથો વિષે નિર્વૈર રાખી, પ્રત્યેકમાંથી સારાસારનો વિવેક કરી સારનો સ્વીકાર અને અસારનો ત્યાગ કરવો, એ મુમુક્ષુને માટે આવશ્યક છે. કોઇ ધર્મ એવો નથી કે જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ઇત્યાદિકનો સ્વીકાર ન હોય; કોઇ ધર્મ એવો નથી કે જેમાં કાળે કરીને અશુદ્ધિઓ પેઠી ન હોય. માટે જેમ વર્ણાશ્રમવ્યવસ્થાના ધર્મો પાળ્યા છતાં એનું મિથ્યાભિમાન રાખવું ઉચિત નથી, તેમજ પોતાના ધર્મને અનુસર્યા છતાં એનું મિથ્યાભિમાન ત્યાજ્ય જ છે.