બુદ્ધ અને મહાવીર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા




હૃદ્ગત


લેખોને હું નિસ્સંકોચપણે છાપવાની પરવાનગી નથી આપી શકતો. છાપવાની કળાથી પાંડિત્ય અને ભૌતિક વિજ્ઞાન વધ્યાં છે. એ હું ના પાડી શકું નહિ, પણા સદ્‌વિદ્યા વધી જ છે એમ મારી ખાત્રી નથી થઇ; નથી જ વધી, એમ પણ મારો અનુભવ હોત, તો પુસ્તક ન જ છાપવું એ નિર્ણય ઉપર હું આવત.

પુસ્તક લખવા અને છપાવવાની પ્રવૃત્તિ કરનારમાં કાંઇક જ્ઞાનની કચાશ અથવા તેનો મદ કે અહંકાર હોય જ. અને મદ કે અહંકારમાં લખાયલાંમાં પૂર્ણપણે સત્ય ન હોવાનો, અથવા સત્યની એક જ બાજુને અતિભાર આપવાપણાનો દોષ રહ્યો જ છે. પૂર્ણ સત્ય લખી શકાતું જ નથી. એટલે તેટલા દોષમાંથી ટળી શકાય એમ નથી. પણ સત્યની એક જ બાજુને અતિભાર આપવાથી કોઈકની હિંસા થવાની પણ ભીતિ રહે છે. અને એ ભીતિ પણ પુસ્તકને છપાવવમાં સંકોચ આણે છે.

તેથી આ પુસ્તકમાં જે જે કાંઈ નવા વિચારો છે તેને માંડવામાં મેં મારી શક્તિ અને દૃષ્ટિ પ્રમાણે અત્યંત કાળજી તો લીધી જ છે, છતાં આ લેખોથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિક ભાવ ઉત્પન્ન થાય. કોઇનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાઓ. જે માર્ગે પોતાનું અત્યંત કલ્યાણ મનાયું હોય તે માર્ગને બુદ્ધિ પૂર્વક વિશેષ સારો માર્ગ દેખાયા વિના છોડવાની પ્રવૃત્તિ ન થાઓ. એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે, તો હું એનો વિચાર કર્યા વિના નહિ રહું.

આટલો દોષ થયા વિના કોઇની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે, અને એના દૃષ્ટિબિંદુને નવું વળણ મળે એ ઇષ્ટાપત્તિ જ છે. આપત્તિ એટલા માટે

કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચત્તર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યંત કષ્ટ ભોગવાવનારો છે. બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય, અને તેમાં મન, વાણી અને શરીરથી નિષ્ઠા થાય એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે. અને એ કાળ પૂર્વ માનસિક સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે. એ લડાઇનું દુઃખ રણસંગ્રામનાં દુઃખ કરતાં યે વિશેષ તીવ્ર હોય છે. પણ એ દુઃખ ભોગવ્યા વિના છુટકો જ થતો નથી. પ્રસૂતિની પીડા જાણ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી નથી; જેટલું પૂર્વારોગ્ય સારૂ એટલી પીડા ઓછી એટલું જ. તેમ કોઇનો ઝઘડો દીર્ઘ કાળ ચાલે, કોઇને ટુંકો સમય પણ ઝઘડો લીધે જ છૂટકો ઉન્નતિની તીવ્ર ઈચ્છા રાખનારા પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે, એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે. એ વેદના કરાવવામાં હું નિમિત્તભૂત થાઉં, તેનું યે મને દુઃખ લાગે છે; પણ એ વિષે નિરુપાય છું.એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સમભાવ રહેલો છે એટલું જ એને હું આશ્વાસન આપી શકું. આથી કરીને મારી ઇચ્છા પણ જણાવી દઉં. આ પુસ્તકની હજારો નકલ ખપી જાય, અને એની આવૃત્તિઓ કાઢતાં છાપખાનાવાળાઓ થાકે જ નહિ, એ ઉપરથી હું એ પુસ્તકની પ્રજાએ કરેલી કિમ્મતનો આંક નથી બાંધતો. હું કેટલાં પુસ્તકો કબાટમાં ભરૂં છું, કેટલાંક ઉપર આંખો દોડાવી જાઉં છું, કેટલાંને સ્મૃતિપટમાં કેટલોક સમય સુધી ઉતરી નાંખુ છું અને કેટલાને જીવન સાથે વણી આંખું છું, તે જાણું છું. જેટલાં હૃદયમાં કોઈ પુસ્તકના ભાવો કોતરાઇ જાય છે એટલી જ એની નકલો ખપી જાય છે. એમ હું માનું છું. બીજી નકલોનો ઉઠાવ લોકોનાં કબાટોને કાગળોથી ભરવાવાળો અને છાપખાનાંવાળાની તિજોરીને નોટોથી ભરવાવાળો હોઇ, અને કદાપિ આંખો અને સ્મૃતિને પણ ભાર રૂપ હોઇ, તેની મને કિમ્મત નથી લાગતી.

જે ભાવનાઓથી પ્રેરાઇને આ લખ્યું છે તથા જે ભાવનાઓથી પ્રેરાઇને આ ચરિત્ર-નાયકોની જીવના-લીલા રમાઇ ગઇ તે ભાવનાઓનો ઉત્કર્ષ થાઓ (ૐ शांति) :

સત્યાગ્રહાશ્રમ
સા બ ર મ તી
}
:કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા