બોધકથા:ઈશ્વર ક્યાં છે ?

બોધકથા:અકબર અને ગાય
[[સર્જક:|]]



બોધકથા:ઈશ્વર ક્યાં છે ?

એક બાદશાહે તેના કાજીને પ્રશ્ન કર્યો : “ ઈશ્વર ક્યાં બેસે છે? કઈ દિશામાં મુખ રાખે છે? અને શું કરે છે ?” આવા પ્રશ્નો સાંભળી કાજી અકળાઈ ગયા. “ કાલે જવાબ આપીશ” એમ કહી તેઓ ઘેર ગયાં. ઘેર ગયાં પછી પણ તેમને ક્યાંય ચેન ન પડે અને તેઓ દુઃખી થવા લાગ્યાં. એવામાં કાજીનો એક શાણો ચાકર ત્યાં આવ્યો. તેણે કાજીને દુઃખનું કારાણ પૂછ્યું. કાજી એ ઘટેલી બીના કહી. નોકરે કાજી ને કહ્યું : “ તમે ચિંતા કરશો નહિ એના જવાબો હું જ રાજાને આપી દઈશ.” બીજે દિવસે કાજીનો ચાકર કચેરીમાં ગયો અને કહ્યું કે : “ આવા મામૂલી જવાબ તો અમે કાજીના ચાકરો પણ જાણીએ માટે હું જ તમને એ પ્રશ્નોનાં ઉત્તરો આપી દઉં. પણ તેમાટે મને યોગ્ય સ્થાન મળવું જોઈએ. વક્તાથી નીચે શ્રોતાએ બેસવું જોઈએ એ એક નીતિ છે.” રાજા એ તેમ કર્યું. ચાકરને ગાદી ઉપર બેસાડયો અને પોતે નીચે બેઠો. ત્યારબાદ ઈશ્વર ક્યાં રહે છે? એ પ્રશ્નનો ખુલાસો આપાવા નોકરે દૂધ મંગાવ્યું અને રાજાને પૂછ્યું કે “ આમાં માખણ કઈ જગ્યાએ છે ?” ત્યારે રાજાએ કહ્યું, “ સર્વત્ર છે.” નોકરા બોલ્યો : “ તેજ પ્રમાણે ઈશ્વર સર્વત્ર છે. દહીંનું મંથન કરી જેમાં માખણ કઢાય છે, તેમાં ભક્તો હ્રદય-મંથન કરી પ્રભુને પ્રકટ કરે છે.” ઈશ્વર કઈ બાજુ મુખ રાખે છે? તે પ્રશ્નના જવાબ આપવા ચાકરે એક દીવો મંગાવ્યો અને રાજાને પૂછ્યું : “ આ દીવાનું મુખ કઈ બાજુએ છે ?” રાજા બોલ્યો : “ બધી બાજુએ છે.” ચાકર બોલ્યો : ”દીવાની જેમ જ ઈશ્વર પણ બધી બાજુએ પ્રકાશ આપે છે” ત્રીજા પ્રશ્નનો જવાબ આપવા માટે ચાકરે રાજાને કહ્યું કે તમે વજીરની જગ્યા પર બેસો અને વજીર તમારી જગ્યા પર બેસે. રાજા એ તેમ કર્યું, એટલે નોકર બોલ્યો કે “જેમ તમારી મેં બદલી કરી તેમ જ ઈશ્વર પણ મનુષયોના કર્મ અનુસાર રાજાનો રંક અને રંકનો રાજા કરે છે.” બાદશાહ ચાકરના જવાબોથી અતિ પ્રસન્ન થયો અને તેને યોગ્ય શિરપાવ આપી વિદાય કર્યો.