ભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૨ જો

←  અંક ૨: પ્રવેશ ૧ ભટનું ભોપાળું
અંક ૨: પ્રવેશ ૨
નવલરામ પંડ્યા
અંક ૨: પ્રવેશ ૩ →


પ્રવેશ ૨ જો
(સ્થળ - ગામનું ગાંદરૂં.)

ભોળા૦-ઓ ! ધગડું ક્યાંથી આવ્યું ? કાંઈ નહિ હમણાં મિળાવી લઈએછ. (મોટેથી) અહિં ! મિયા સાહેબ ! તબીયત અચ્છી હૈં.

કમા૦-મહારાજ, આપકા ગુલામ અચ્છા હૈં.

ભોળા૦-નારે, મિયાં સાહેબ, અમે તમારા ગુલામ.

કમા૦-હમેરા બડા નશીબ કે આપકી મુકાકાત હુઈ.

ભોળા૦-નહિરે, મિયાં સાહેબ, અમરા નસીબ. (મનમાં) પૂરાં ભોગ ! ભારા છીનવી લઈ જવનો. કોઈ સ્હસ્હરાની સ્હવારી બવારીની મ્હોંકાણ પડી હોસ્હે. કમા૦-મહારાજ, અમપર મહેરબાની કરનેકા કામ આપકે હાથમેં હૈ. મહારાજ, તુમેરી પાસ એક કામમે મદદ મંગનેકુ અમ આયે હૈ.

ભોળા૦-અચ્છા ચિલમ ચહીતી હૈં? બના દેતાહું, મેરા ફક્કડ દોસ્ત. જેસ્હી ઓ દીન બનાઈથી તેસ્હી. (મનમાં) આ ધગડું તો કંઈ નવી તરેહનું દેખું રે! આમના સુરજ આમ ઉગે, પણ જોગલું કે તરકડું નરમાસથી બોલે નહિ.

કમા૦-મહારાજ, ગરીબકું ઉડાનેકી બાત?

હરિ૦-તમારા સરખા માણસને અમે શોધતા આવિયે એમાં કંઈ નવાઈ જેવું નથી. તમારા જેવા માણસ કંઈ ઢાંક્યા રહેછ?

ભોળા૦- (મનમાં) ઓહો ! કચેરીને સીધાં પાણી જોઈતાં દેખું! ભોળાભટ પાસેજ? દહાડો વળ્યો. (કમાલખાંને) અરે, મિયાંસાહેબ, તમે જાણો છો હુંતો ગરીબ મનખછું. આ વેચીને પૈસા લાવા ત્યારે જ હું રોટલા પામા.

હરિ૦-વા ! મહારાજ, એમ સું બોલછ!

ભોળા૦-મિયાં સાહેબ, જૂઠું નથી કહેતો. જાઓ ! બે આના આપજો. આ ભારો તો જુઓ!

કમા૦-સિર મત પાકાઓ સીધી બાત કરો.

ભોળા૦-મિયાં સાહેબ, તમે બધીજ મ્હોબત ભૂલી ગયાકે ?ફિકર નહિ. (પાસે જઈને) લે દોસ્ત પૈસાની તાડી પીજે જા. (પૈસો આપવા માંડે છે.) હવે સીધી બાત થઈ.

હરિ૦-મહારાજ, કાંઈ કરતાં સમજો. સમજો.

ભોળા૦-(ગુસ્સો બતાવી) હાંડી ધોયા, તું દબાવવા આવ્યો છ કે? બચ્ચા, કાયદો કપરો છે, કપરો છે. મોતે માર્યા જશો. આ મિયાં સાહેબ તો અમારા જુના દોસ્ત છે. ક્યું? મિયાં સચને ? ઓ દીન નદીકે કીનારે -

કમા૦-બમન, મેરી સાથ એ બાત નહિ ચલેગી.

ભોળા૦-ત્યારે લઈ જાઓ ભારો. દામ લેવાશે તો લઈશ.

હરિ૦-મહારજ, તમે શું ને ભારો શું?

ભોળા૦-(ચ્હીડીને) સીધાંપાણી જોઈતાંતાં તો જઈએની સ્હસ્હરા પટેલને ત્હાં કે વેરાગીનું ઝુંડ લખીને તેરા ધરમ તેરે દુવાર કરત. આ હું તો ચાલ્યો. આગળ લગીની હિંમત હોય તે આવી અટકાવે. હું મામલતદાર ને કલેક્ટરના બાપને ઠેઠ પહોંચાડું એવોછું.

હજા૦-વૈદરાજ !વૈદરાજ ! એ માથાફોડ મુકીદો.

ભોળા૦-આ કોઈ બેવકૂફ છે કે સ્હું ?

કમા૦-મહારાજ મ્હેં ઈતની અરજ કરતાહું કે મ્હેરબાની કર કર સબ ઢોંગ છોડદો.

હરિ૦-તમને અમે ઓળખ્યા તો ખરા, ઢોંગ હવે શું કામ કરોછો?

ભોળા૦-ઓળખ્યા? હું કોણછું?

હરિ૦- અમે શું નથી જાણતા ? તમે મોટા વૈદ છો. ભોળા૦-લવેછ સ્હું રે ? હું સ્હસ્હરો વૈદ કહાંથી થિયો.

કમા૦-એ તો જીદ નહિ છોડેગા. મહારાજ, મ્હેં પગડી ઉતારકર કહેતા હું, કે અબ ઢોંગ છોડદોજ, નહિતો અમકુ-ક્યા ઓ તો તુમકું માલમ હૈં - ઓ કરનેકી જરૂર પડેગી.

ભોળા૦-સ્હું તે જો મને માલમ હોય, તો મારા બાપના સ્હમ ! પણ એટલું તો માલમ છે, કે હું વૈદ નથી.

કમા૦-ઓ ઈલાજ બિગર કુચ છુટકા નહિ હૈ.

હરિ૦-કરતા હોય તે કરો, ને છાસની દહોંણી ભરો.

કમા૦-ક્યું તુમ બૈદ નહિ ક્યા?

ભોળા૦-ના!

કમા૦-ક્યું તુમ બૈદ નહિ!

ભોળા૦-ના, ને કદાપિ વૈદ હોઈશ તોપણ ત્હારું ઓસડ મારાથી નહિ થાય. પલાસ્ટાર મરાવ જા છોડ.

કમા૦-(ચ્હમકીને) હા. કબુલતો જરા હુવા.

હરિ૦-વૈદરાજ, ચલો, ચલો, ઓસડ કરો, કરોતો ખરા.

ભોળા૦-જા, જા, હું નથી કરવાનો; કરું તો મારી જનોઈના સમ. સમજ્યા સૂઅરના સાળાઓ?

કમા૦-(ગુસ્સે થઈને.) અચ્છા, અચ્છા, હરિયા દેખતા હૈ ક્યાં? (બંને ભોળા ભટને મારે છે.)

ભોળા૦- આપણ ખાસી. (ભોલાભટના માથાપરનો ભારો પડી જાયછે. મારંમરા ચાલે છે, હરિઆને એક હડસેલો મારી પાડી નાખેછે) આવો બચ્ચા, આવો બચ્ચા. તમારું દીવાનપણું દોઢ ગાઊ કહાડી નાખું એવો હું છઊં. ઓળખોછો ભોળાભટને?

કમા૦-(ભોળાભટનો તોટો પકડી) અબી આતા હૈં કે નહિ ? બોલ. (હરિયો આવીને ઉપરથી સપાટા લગાવે છે.)

ભોળા૦-ઓરે! મિયાંસાહેબ જાનેદો, જાનેદો. મીયાં કહા કહેતે હો! તે મેં હું, મિયાંસાહેબ? જાનેદો, મર જાતા હું.

હરિ૦-ત્યારે, મહારાજ, હાથે કરીને એમ શું કામ કરાવતા હશો?

કમા૦- મ્હેં ખચિત કરકર કહેતા હું કે મ્હેં બહુત દિલગીર હું.

ભોળા૦-આ તે સ્હસ્હરા ગાંડા કે ડાહ્યા કાંઈ સ્હમજાતું નથી. (મ્હોટેથી) મ્હેં પણ ખચિત કર કર કહેતા હું કે હું પણ દલગિર છું. પણ મિયાં સાહેબ, મને મારી મચરડીને વૈદ કરવામાં તમને શો લાભ છે.

કમા૦-ક્યા ! તુમ ફિર હકીમાકા ઈનકાર કરતે હો?

ભોળા૦-હું જો હકીમો હોઊં , તો તારી જુવાનીના જ સ્હમ.?

કમા૦-કમબખ્ત, મેરે જવાનીકા સોગન કાયકે બાસ્તે ખાતા હૈ? બોલ ! તું વૈદ નહિ?

ભોળા૦-મુસલમાનના પેટાનો હોય કે જૂઠું બોલે. (પાછા મારે છે.) ઓ મારા બાપલા રે ! અરરર! ઓ મારા દાદા !ખોદાને માટે જવાદોરે! ઓરે ! મિયાંસાહેબ, હું વૈદછું,-જોસ્હીછું- ગાંધીછું-ગવંડરછું-હજામછું-કલેક્ટરછું-મોચીછું- કહોતે છું.

હરિ૦-મ્હોંથી કહો કે હું વૈદછઉં.

ભોળા૦-હા ભાઈ, હા હું વૈદછું. અશ્વિનકુમારનો અંશ ને અફલાતુનનો અવતાર.

કમા૦-તુમેરી એસીબાત સુનકર મ્હેં બોત ખુશ હુવા. તસ્દી તો હુઈ, મગર માફ કરિયો.

ભોળા૦-નહિ રે, ભાઈ, મને કંઈ તસ્દી નથી પડી; તસ્દી તો તમારા હાથને પડે. પણ હું વૈદ છું તેનો તમને ભરોસો છે?

કમા૦-મહારાજ, તુમતો દુનિયામાં એકી હો.

ભોળા૦-બીજો અક્કર્મી કહાંથી હોય?

હરિ૦-મહરાજ, તમે તો ભલભલા રોગ સારા કીધા છે.

ભોળા૦- હોય, ભાઈ. તું જાણે તે ખરું.

હરિ૦-મહારાજ. તમેતો એવાછો કે એક બૈરીને બાંધીને બાળવા લઈ ગયેલા તેને સારી કરેલી.

ભોળા૦-ઓત ત્હારીની.

હરિ૦-તમે તો એક છોકરાની ડોકી ભાંગીને આધી પડીતી તેને જતાં વારને સારૂં કીધુંતું.

કમા૦-જીભ બિગરકી એક ઓરતકું તુમને બોલતી કીઈ હૈ.

હરિ૦-મહારાજ, તુમારા તો ભાએગ ઉઘડ્યાં એમજ જાણો. અમારા શેઠ તમને જે માગશે તે આપશે.-

ભોળા૦-તમારો શેઠ તોકોણ જાણે કેવો હશે? તેને તો શિંગડાં છે ખરાં કેમ?

હરિ૦-વૈદરાજ, આખો દહાડોજ મજાક? શેઠ સુરતથી આજેજ આવ્યા છે. વૈદનું કામ પડ્યુંછ તેથી તમને તેડવા મોકલ્યાછ.

ભોળા૦-(મનમાં) અરે ત્હારીની. આતો કાંઈ આંધળે બહેરૂંજ કુટાયછે જો.

કમા૦-ઓ તો લખપતિ હૈ. તુમ મુખસે માગોગે ઓ સબ દેગા.

ભોળા૦-(મનમાં) ચલો ત્યારે બેઘડી મઝાછે, હેં? જે માંગુ તે આપશે?

હરિ૦-હા, એમાં તે કંઈ શક?

ભોળા૦-ત્યારે તો હું વૈદ છું એમાં પણ કાંઈ શક. હું ભૂલી ગયો તો, પણ હવે મને સાંભર્યું. વારૂ શો રોગ છે?

હરિ૦-શેઠાણીની જીભ બંધ થઈ ગઈ છે.

ભોળા૦-ગભરાઓ નહિં, મહારાજ ન્હરાજ લઈને ઉઘાડે ત્યારેજ ખરા. પણ રાખો હું મારી કોથળી લઈ આવું. કોથળી વિના વૈદને કે હજામને એક ઘડી ચાલે નહિ. કમા૦-મહારાજ અબ જલદી કરો.

ભોળા૦-તમારી શેઠાણી કેટલાએક વરસની છે.

હરિ૦-જાઓ, જાઓ. કોથળી લઈને આવો, રસ્તામાં જે પૂછશો તે કહીશું.

ભોળા૦-જુઓ હું આવું તો છઊં પણ આટલી સરત, - રસ્તામાં હું જે પૂછું તે તમારે કહેવું, પછી બધી હકીકત સાંભળીને મ્હારી નજરમાં આવે તો આવું, ને નહિ તો પાછો ચાલ્યો જાઉં જો.

કમા૦-અચ્છ અચ્છા જૈસી મરજી.

હરિ૦- જલદી લઈ આવો. જલદી લઈ આઓ.

કમા૦-જાને તો નહિ દઊંગા.ચલો મે સાથ આતા હું.

ભોળા૦-ઓ ! કોથળી તો જડી. ચલો ત્યારે હરાહરા મહાદેવ!

-૦-