ભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૫ મો

←  અંક ૩: પ્રવેશ ૪ ભટનું ભોપાળું
અંક ૩: પ્રવેશ ૫
નવલરામ પંડ્યા


પ્રવેશ ૫ મો
(સ્થળ-ઝુમખાશાહનો ઉતારો)

ઝુમ૦-વારૂ, વૈદરાજ, ઈનું મન પાછું ઠેકાણે આવશે ખરૂં ?

ભોળા૦-એ વિદ્યાર્થી બહુ હોશિયાર છે. જુવો કલાક અડધા કલાકમાં એ એવું કામ કરશે કે તમારે બોલવું જ નહિ રહે.

ઝુમ૦-જોયું કની કેવી રાંડ હઠીલી છે ?

ભોળા૦-હોય. છોકરીઓનાં કામ એવાંજ હોયછ.

ઝુમ૦-અરે ! રોંડ છગનિયાની પછાડી ઘેલી થ‌ઇ ગઈછ.

ભોળા૦-હોય, જુવાનીનો જુસ્સો છે. પણ ગાંડી કે આવા પૈસાદારને પરણવાની ના કહેછ. આનંદ પછી કહાં જતો રહેવાનોછ ? એટલી એનામાં બીજાં બૈરાં જેટલી સમજ નહિ.

ઝુમ૦-મ્હેં જે દહાડાનું જાણ્યું કે છગનિયાને પરણવાનું મન છે ત્યારની એને તાળામાંજ રાખી હતી.

ભોળા૦-બહુ ડાહ્યું કામ કીધું. તાળામાં મહા ગુણછે, દેવાયતો.

ઝુમ૦-મ્હેં એમને જરી મળવા નથી દીધાં. લઈને હરામખોર નાશી જાય તો પછી આપણે શું કરીયે ?

ભોળા૦-પછી આપણે તો શું કરિયે ?

ઝુમ૦-શોડીઓને કાયદામાં રાખવામાં તો હું હુંશિયાર છું. બધાને માલમછે કે બૈરાંને દાબમાં રાખવાની કળા તો મ્હારી પાસે છે. ને વૈદરાજ, એ કળા કંઈ સહેલી નથી. બહુ બુદ્ધિનું કામછે. હંકારતો રાજા રાવણના નથી રહ્યા. પણ હંકાર કરૂં તોએ ચાલે એવું છે. બીજો કોઈ બાપ હોય કની તો તેના હાથમાંથી ક્યારની નજર ચુકવીને રોંડ છગનિયાની સાથે પરણી બેઠી હોત.

(શિવકોર આવે છે.)

શિવ૦-પેલો લુચ્ચો, જુઠો, પાપી, ઢોંગી, વૈદ કહાંછ ?

ઝુમ૦-અરે ! આ કુણ આવ્યું ?

શિવ૦-કેમ કેમ ! પીટ્યા મને મારી નાખવી ધારીતી કે ?

ભોળા૦-અરે આ ગાંડી બૈરી કોણ છે ? કહાંથી આવી ?

ઝુમ૦-વૈદરાજ, ગરીબ જાણીને બચારીને કંઈ ઓશડ કરો.

ભોળા૦-દક્ષણા વગર ઓસડ થાય નહિ તો. તમે દક્ષણા આપતા હો તો હમણાંને હમણાં એને સારી કરૂં.

શિવ૦-પીટ્યા મને ઓસડ કરવા નિકળ્યો છે કે ? આવતો ખરો.


ગરબી.

તુંતો જાણે ભાંજું ભવની ભાવટ સ્હેજમાં જો;
મુરખ તું પુરો; શું આવું હું તુંજ પેચમાં જો ?
ત્હારિ ગોળિ ખાધે હોળિ નહીં દેખિયે જો;


હમે ચતુર વિચિક્ષણ તનેજ વેચિયે જો;
ઓસડ ધણી તણાં જો વામા ખાતી હોય કદા જો;
જગતમાં બધા કરેજ વૈદું સદા જો.

ભોળા૦-(શિવકોરના કાનમાં) રાંડ, રોજ બરફી બરફી કરતી તે તને બરફી ખવડાવી. બૂમ શેની પાડેછ ? રૂપિયો મને આપ.

શિવ૦-ઉભો રહે, પીટ્યા, તને રૂપિયો આપુંછ.

(હરિયો અને કમાલખાં આવેછે)

હરિ૦-દગો થયો ! દગો થયો ! આનંદલાલ વિદ્યાર્થીનો વેશ લઈને આવ્યો હતો તેની સાથે ચંદા તો પરણી, અને આ ચોર વૈદે-

નથ્થુ૦-હેં ! હેં ! હેં ! પકડો તો કમબખ્તને ! મ્હારી સાથે દગો કીધો ? જાતો કમલખાં, ઢોંડોબા દાદાને ત્હાં. હમણાં એ સુબા પાસે એની ખબર લેવાડુંછ, એનું આપણે ત્હાં ખાતુંછે એટલે એતો આપણા કાચા સુતરનો બાંધેલોછ.

ભોળા૦-કે તુટતાં વાર નહિ લાગે.

નથ્થુ૦-હમણાં એને સુળીએ દેવડાવુંછ.

કમા૦-હકીમજી, અબ તો તુમેરી આવી બની. (જાય છે.)

ભોળા૦-ભાઈ, ત્હેં મારીને વૈદ કીધો તો તે હવે મને પાછો મારીને ખેડુત કરાવાના જો, રાંડ, હવે શી વલે થવાની.

શિવ૦-તમારી પાસે રૂપિયા છે તે મને આપી દો નહિ તો તમને સુળીએ પણ દેશે ને રૂપિયા પણ પીટ્યા જપત કરશે.

ભોળા૦-જા રાંડ, હિયાંથી, મને દુઃખ નહિ દે.

શિવ૦-હું તો તમને સુળી આગળ હિંમત આપવા ઉભી રહીશ. તમારા દેહમાંથી પ્રાણ જશે ત્યારેજ ડાઘુને તેડવા જઈશ. ગભરાતા નહિ, તમારૂં સબ અભડાવવા નહિ દઊં, મ્હારે પુતળું કરવું પડે તો.

(આનંદલાલ અને ચંદા આવેછે)

ચંદા૦-હવે ગમે તે કરો. હું આવી.

ઝુમ૦-રોંડ, મીંઢળ ને પાનેતર કહાંથી લાવી. પરણી કે ?

આનંદ૦-બધું થઈ ચૂક્યું, હવે થુંક ઉરાડશો તે મિથ્યા ?

નથ્થુ૦-હરિયા, આ ચોરને પણ પકડ ! આવા દગાનાં કામ કરે છે !

આનંદ૦-શેઠ, લોટમાં પાણી પડ્યું તે નહિ પડ્યું થવાનું નથી.

નથ્થુ૦-છિ.-તને બતાવું છું. કમાલ ઓ આવ્યો !

કમા૦-શેઠ, આ કાગજ તાકીદકા હૈં, બાંચો ખેપિયા લેકર આયાહૈં.

નથ્થુ૦-હેં ! કોઈની દુકાન તો ભાગી નથી. (વાંચેછે.)

"સવસતશ્રી ઘેડીઆ ગામ મહાસુભસ્થાને પુજારાધે સરવે ઉપમા જોગ શી પાંચ શાહા નથ્થુચંદ કેસુરચંદ પ્રતે શુરતબંદરથી લા. શાહ મકનદાશ કાહાનદાશના જેગોપાળ વાંચવા અત્રે ખેમકુશળછે તમારી ખેમકુશળીના કાગળ લખવા કે મળ્યા સમાન લાભ થાય ઠાકોરજીના પુનથી આપણી પેઢીનું કામ સારૂં ચાલે છે ફકર ચંતા કરવી નહિ બીજું લખવા કારણ એછે કે કારતકશુદી પાંચમને મંગળવારને રોજે આપણી નાતનું શાજનું મળું હતું તેમાં એવા ઠરાવ ઉપર એકડા થયા છે કે નથ્થુકાકા આપણી નાતનો ધારો તોડી વીવાહ કરેલી છોકરીને પરણવા ગયા માટે એમને નાતબહાર મુકવા માટે ભાઈજી તમે લગન કીધાં નહિ હોય તો કરતા નહિ કામ ભારી છે નહિ કીધાં હોએ તો પણ તમારા વેરી એવા છે કે બે ત્રણ કોથળી ખરચાવા વના નાતમાં કોળીયો કરવાના નથી એજ જોઈતું મંગાવજો ૧૯૧૨ના કારતક શુદી ૬ને બુધે "અરર ! આ મોકાણ જબરી આવી.

આનંદ૦-શેઠ, હું તો મજાક કરતો હતો. હું પરણ્યો હજી નથી. તમારે પરણવું હોય તો પરણો.

નથ્થુ૦-નારે ભાઈ, હવે જાણ થયા પછી કેમ પરણાય. હાય ! હાય ! મારા નસીબમાં એ સુખ નહિ તે કોઈ શું કરે ?

આનંદ૦-રંગ છે ! વૈદ્યરાજ ! આજ તમે ખૂબ કીધી !

ઝુમ૦-એક ઘડીમાં મારૂં ધાર્યું ધૂળ થઈ ગયું. હેમત ચલાવી આટલે લગી અવ્યો તે બધું પોંણીમાં ગયું. જો એ કદી કાગળ મોડો પુગો હત તો પછી ન્યાત જખ મારત. કરી કરીને કરત શું ? સૌ પાંચદશ વરશે કુટાતા કુટાતા નેકાલ આવત.

ચંદા૦-મહારાજ, તમે તો મને જીવતદાન આપ્યું. અમારી ખાલના તમને પગરખાં કરીને પહેરાવીએ તો એ તે ઓછું છે.

આનંદ૦-ખરે ! મહારાજ, અમે તમારા શી પેરે ઓશિંગળ થઈયે !

ભોળા૦-મને તમે ખરેખરો વૈદ કરો એટલે થયું.

આનંદ૦-તમે મને તમારો વિદ્યાર્થી કર્યો તેને પેટે જે ન કરીયે તે ઓછું, પણ એ તો મ્હારાથી કેમ બની શકે ?

શિવ૦-આ વૈદે તો ભલું વૈદું કીધું જણાય છે ! ભટના ભાખુ થયા !! કંઈ ઝાઝો ફેર નથી તો !

ભોળા૦-આનંદલાલ, તમારાથી બની સકો કે નહિ, પણ મ્હારું આજે આટલું નામ થયુંછે, એટલે હવેથી મ્હારૂં વૈદું ધડધડાટ ચાલવાનું. પહેલાં હું લહિયાનો ધંધો કરતો હતો ત્યારની એક બે વૈદકની ચોપડી લખી રાખીછ, તેપરથી મ્હારી ગાડી ચલાવી લઈશ.

ઝુમ૦-ભટ્ટા, વૈદકછું કે કુણ છું ?

ભોળા૦-વા ! ઠુમકાશાહ ! તમને તે એ બોલવું ઘટે ? આજે તમારી છોડીને આટલો ચમત્કાર કરી બોલતી કીધી તેતો વિચારો !

શિવ૦-પણ એ પરતાપ કોના તે કહો, મ્હારા ભાખુ ભટ !

ઝુમ૦-ગ-દાઝ્યાપર મીઠું છાંટેછ કે ?

ભોળા૦-હું તો વૈદ એટલે ખરૂંજ ઓસડ બતાવું તો; -ઠુમકા શાહ ! અને ઓ રંડા, હું વૈદરાજ થયોછ માટે હવે જો ત્હેં લાંબી જીભ કરી કની તો બે આંગળ ભરીને કાપી નાંખા.

શિવ૦-ફુલણજી ! હવે ખોટી ફુલાશ જવા દે, તારા જેવું વૈદું કરતાં તો મને ય આવડે. બોલનારી બોલતી થઈ તેમાં કંઈ વૈદને લેવા દેવા નહિ; એતો બાવાએ ભૂત કહાડ્યું તેનો પ્રતાપ.


(ગરબી.)

કોમળ બાળા, મદનની જ્વાળા, મ્હાંય રૂંધાયે જારે જો;
હજાર વૈદ્યે આવી નાડી, જોઈ કરે શું ત્યારે જો ? ૧
તુરી માત્રા, તીખા ઉકાળા, ને વળી કડવા કવાથ જો;
આપી બાપડીનું ગળું બાળે, મુવા ! એનું શું જાય જો ? ૨
મરેલીને મારીને ખીસાં, તર કરી એતો જાય જો;
ઉગારવાનું ઔષધ શું ભટ, તારાથી સમજાય જો ? ૩
ઔષધ તારૂં રામબાણ બની, ટપ કરશે આરામ જો;
બાવો બનાવી જો તું લાવીશ, પ્રીતમ એની પાસ જો. ૪

સમજ્યો ? મૂર્ખા ? મારી પાસે રહ્યો તોયે આટલું સમજ્યો નહિ ?


-૦-