ભદ્રંભદ્ર/૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન

← ૧૯. વલ્લભરામના દાવા ભદ્રંભદ્ર
૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૨૧. રાત્રિમાં થયેલા અનુભવ →


૨૦ : ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન

ભદ્રંભદ્રને થયેલી ઈજાઓ પર કેટલાકની સલાહથી જે ઉપચાર કર્યા હતા તેથી નિદ્રા જશે કે દુઃખ વધશે એ વિષે મને સંદેહ હતો અને એ સંદેહનો નિર્ણય, બ્રાહ્મણને પ્રેતાન્ન જમાડ્યાથી તેને અજીર્ણ થશે કે નરક મળશે એવા એક વખત મને થયેલા સંદેહના નિર્ણય સમાન વિચાર કરતાં પણ કરવો મુશ્કેલ હતો; તે છતાં વાર્તા કે વર્ણન સાંભળવાની મને એટલી બધી ઉત્કંઠા થઈ કે અત્યારે તેમની નિદ્રા જાય અને સવારે દુઃખ વધે એમ ઇચ્છા કરી એ સંદેહ મેં દૂર કર્યો અને સ્વસ્થ ચિત્તે બધાની સાથે પથારીમાં બેઠો. દીવા વિષે, તકિયા વિષે, પવન વિષે, ઘડિયાળ વિષે, કેટલીક નિરર્થક વાતો કરીને અમારી જિજ્ઞાસાને તીવ્ર કર્યા પછી અને ઘણાએક ખોંખારા કર્યા પછી ભદ્રંભદ્રે લીલાદેવીના મંદિરમાં જોયેલા ચમત્કારનાં વર્ણનનો આરંભ કર્યો. તે બોલ્યા કે,

'વ્યાઘ્રાદિ પ્રાણીની હિંસાના સંબંધમાં શાસ્ત્રાર્થ કરવાને અમારી નાત મળી હતી. તેમાંના કેટલાકના અજ્ઞાનથી હું એટલો બધો પ્રસન્ન થયો કે મારો કોપ વધવાથી હું તેમને હાનિ કરી બેસું નહિ એટલા માટે હું ત્યાંથી ચાલ્યો ગયો અને તેઓ પાશ્ચાત્યાપ કરી ક્ષમા માંગવા તથા મને પાછો તેડી જવા આવી પજવે નહિ, તેટલા માટે હું ઘેર ન જતાં નગર બહાર જતો રહ્યો. મધ્યરાત્રિ થઈ ગઈ હતી તેથી બીક લાગી નહોતી, પણ એકાંતમાં મને જોઈ કોઈ બીશે એમ ધારી કેટલેક દૂર ગયા પછી હું પાછો ફર્યો, પણ દરવાજા બંધ હોવાથી પ્રતીતિ થઈ કે વિધિએ જ નિર્મિત કર્યું છે કે આ રાત્રે મારે નગર બહાર રહેવું, તેથી ચોર ન ગણાવા સારુ મહોટા માર્ગ મૂકી દઈ પગ લેઈ ગયા તેમ ગયો. કેટલાંક ખેતર અને ખાડા, કાંટા કે ઊંડાઈની ગણના વિના ઓળંગ્યા પછી અને કેટલાંક ઝાડ સાથે ભૂલ વિના જાણી જોઈ અથડાયા પછી આઘે એક દીવો હાલતો જોયો. વધારે પાસે જતાં અસંખ્ય દીવાના પાંદડાંવાળું એક મહોટું વૃક્ષ જોયું. આ દિશામાં સ્મશાન નથી એમ પ્રતીત હોવાથી સંકલ્પ કર્યો કે ભૂતથી મારે બીવું ન જોઈએ, વળી બ્રાહ્મણથી ભૂત પણ ડરે છે એ વિદિત હોવાથી જનોઈ હાથમાં લઈ જોઈ હું બ્રાહ્મણ છું એમ ખાતરી કરી હું અગાડી ચાલ્યો. મારા જવાથી કોઈને અડચણ ન થાય એમ ધારી પાછા ફરવાનો વિચાર કર્યો, પણ જેમ યુદ્ધમાં શૂરવીરો ધસતાં છતાં પાછું ફરી જોઈ શકતા નથી, તેમ મને પણ પાછું ફરી જોવાની શક્તિ મારામાંથી જતી રહેલી લાગી. દીવાઓની વધારે પાસે જવાથી કંઈ ફળ નથી, અને

નકામો કાલવ્યય થશે એમ ધારી હું જરા આડો ફંટાઈને અગાડી ગયો. વૃક્ષોની ઘટામાંથી થોડા થોડા દીવા દેખાયા કરતા હતા, પણ દૂરતા એ ભયનાશકનું કારણ છે અને દૂર રહ્યેરહ્યે દૈત્યનો પણ તિરસ્કાર થઈ શકે છે એ શાસ્ત્રાધાર વિદિત હોવાથી અંતર વધારવા હું ત્વરાથી ચાલ્યો. અગાડી જતાં પગ પાણીમાં પલળવા લાગ્યાં તેથી નીરિક્ષણ કરતાં જણાયું કે નાની તળાવડી આવેલી છે. સરોવરની શાસ્ત્રાનુસાર પૂજા કરવા પ્રદક્ષિણા કરતો હતો તેવામાં સામે ગગનમાં પહોંચતી બે ઊંચી આકૃતિઓ સ્થિર ઊભેલી જણાઈ. તેઓ કોઈ પ્રાણી હોય તો મને જોઈ અદૃશ્ય ન થઈ જાય માટે પ્રદક્ષિણા કરવાનું બંધ રાખી કેટલાંક ઝાડવાંને ઓથે નિઃસ્વન થઈ જલની સમીપ હું બેઠો. તેવામાં આઘેથી કોઈ મારા ભણી આવતું જણાયું. ગભરાવાનું કારણ શું છે તે મને સમહાયું નહિ. તેથી ધીરજ ન રાખવા માટે હૃદયને મેં ઠપકો આપ્યો. મારા ગુપ્ત જ્ઞાનમાં વધારો કરવા સારુ આ ચમત્કારનું તાત્પર્ય જાણવા તે આવનારને પ્રશ્ન પૂછવાનો હું વિચાર કરતો હતો, તેવામાં જાણે મારી અધીરાઈ તે જાણી ગયો હોય તેમ મારા તરફ તે ધસી આવ્યો અને ઉચ્ચારેલા શબ્દોને મારી શ્રવણેન્દ્રિયે પહોંચતા વિલંબ થશે એમ જાણી તત્કાલ મારા બે કાન હાથ વડે તેણે પકડ્યા અને ખેંચ્યા. તેણે કાન ખેંચ્યાથી હું ઊભો થયો કે તે પહેલાં મારી મેળે ઊભો થઈ ગયો તેની મને સ્મૃતિ રહી નથી, કેમકે તે જ ક્ષણે પાછળથી બીજા કોઈએ મારા પગ ઝાલ્યા અને મારી ઈચ્છા ઉપરાંત મને આ જંગલની ગાદીએ બેસાડવા લઈ જતા હોય તેમ તેઓ ટાંગાટોળી કરીને મને લઈ ચાલ્યા.'

'લોકો કહે છે કે આવે પ્રસંગે જીવ તાળવે રહે છે. પણ મને આ સમયે થયેલા અનુભવથી જણાયું કે જીવ તાળવામાં નહિ પણ બે કાકડા થઈ પગની પાનીઓમાં આવીને બેસે છે. કેમ કે માથું તો મડદાના જેવું નિર્જીવ દેખાતું લબડે છે, પણ પગ ગતિ કરવા અને છૂટા થવા અત્યંત પ્રયત્ન કરે છે અને જીવના પ્રવેશનાં ચિહ્ન દર્શાવે છે. મને લઈ જનારને બિચારાને આ અનુભવસિદ્ધ નિયમની જાણ ન હોવાથી જીવના માનને અર્થે તેઓ મારા શીર્ષને અસ્પૃશ્ય રાખતા હતા અને પગને સ્વસ્થ રાખવાની મિથ્યા પ્રયત્ન કરતા હતા તથા કોઈ કોઈ વાર ઘટે તે કરતાં વધારે પ્રહાર કરતા હતા. તેમને આ સંબંધી સત્ય જ્ઞાન આપવું મને ઉચિત જણાયું નહિ, કેમકે તેઓ અધિકારી હશે કે નહિ એ વિશે મને સંશય હતો અને અધિકારી ન હોય તેને જ્ઞાન આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે. તેથી ચિત્તમાં ભીતિ ન છતાં મેં મૌન ધારણ કર્યું અને મૌનવૃત્તિમાં જે આનંદ મનાય છે તેનો મને એવો અનુભવ થવા લાગ્યો કે, થોડે ગયા પછી એક ત્રીજાએ આવી મારી આંખોને પાટા બાંધ્યા અને મારા મ્હોંમાં ડૂચો ઘાલ્યો તો પણ મેં મૌનભંગ કર્યો નહિ. વલી ગાઢ અંધકારમાં કંઈ દેખાતું નહોતું ત્યાં નયનો બંધ થવાથી કંઈ વિશેષ હાનિ નહોતી અને બોલવાની ઈચ્છા નહોતી ત્યાં મ્હોં બંધ થવાથી તે ઈચ્છા સફળ કરવામાં ઊલટી સહાયતા થઈ. તેથી કંઈ પણ અપમાન થયું ન ગણતાં મેં ધીર પુરુષની પેઠે સર્વ સહન કર્યું. મહાપુરુષો વિપત્તિઓને હરાવે છે તે આ જ રીતે. મારી મુનિવૃત્તિ એટલી વધી કે કોઈએ મારા ગજવાં તપાસ્યાં તો પણ ધનહરણ અટકાવવા મેં પ્રયત્ન કર્યો નહિ તથા તે હરણ કરનારને જોવાની ઈચ્છા કરી નહિ. ધનહરણ કર્યા પછી પણ મારો ત્યાગ તે લોકોએ કર્યો નહિ, તેથી નિશ્ચય થયો કે હું પોતે ઘણો મૂલ્યવાન છું. માત્ર એમ જણાયું કે આ લોકો એમ સમજતા હતા કે પ્રહારથી મૂલ્ય વિશેષ વધે છે. વિચાર કરતાં મને લાગ્યું કે તેમની આ ભ્રાંતિનું કારણ એ હોવું જોઈએ કે લોહ, સુવર્ણ, મણિ ઇત્યાદિનું મૂલ્ય પ્રહારથી અને છેદથી જ વધે છે, આ ઉપરથી એ લોકોના ધંધા વિષે અનુમાન કરતો હતો તેવામાં અમે પગથિયાં ઊતરવા માંડ્યા એમ જણાયું. પગથિયાં ઘણા હશે એમ લાગતું હતું, તેથી મારા પગને શ્રમ આપ્યા વિના આ લોકો મને અધ્ધર ઉપાડીને ઊતરતા હતા. તે માટે ઉપકારવૃત્તિ મારા હ્રદયમાં સ્ફુરતી હતી. તેવામાં તેઓ એકદમ અટક્યા અને મને પગથિયા પર ઢળતો સુવાડ્યો. મારાં મ્હોંમાંથી ડૂચો કહાડ્યો. મારી આંખોના પાટા છોડ્યાં અને જાણે હું ત્યાં જ રહું તેમાં તેમને વાંધો ન હોય તેમ મારા શરીરને નીચે ગગડાવવાની જોરથી ગતિ આપી તેઓ એકાએક જતા રહ્યા. તેઓ શા માટે જતા રહ્યા તે વિચાર કરવાનો અવકાશ મને મળ્યો નહિ, કેમકે હું એવો ઝપાટામાં નીચે ચાલ્યો કે મારી ગતિ વિનાની બીજી બધી વાત મારા ચિત્તમાંથી ખસી ગઈ. અટકવાને મેં બહુ પ્રયત્ન કર્યો. પણ ઢોળાવ સીધો હતો અને આસપાસ હાથ ફેલાવતાં કંઈ ઝાલી લેવાય એવું જડતું નહોતું. પગથિયાં સાંકડાં હતાં અને બે બાજુની ભીંતો સીધી હતી. પાતાળમાં વીજળી ઊતરે તેમ હું વેગથી ચાલ્યો. પગથિયે પગથિયે માથું કુટાવાથી તથા કોઇ કોઈ ઠેકાણે શરીર અથડાવાથી વાગતું હતું ખરું, પણ ત્વરા ઓછી થતી નહોતી. અંધારામાં ગોળ કડવો લાગતો નથી અને જીભ બંધ થઈ જતી નથી એ અતિ પ્રયાસે શોધી કહાડેલા મહાન સિદ્ધાંતો વિદિત હોવાં છતાં શ્રોતા કોણ છે તે ન જાણવાથી મારી અમૃતમય વાણીનો ઉચ્ચાર કરવો યોગ્ય લાગ્યો નહિ.'

'એવામાં હું એકાએક અટક્યો અને મારા પગ કોઈને જોરથી વાગ્યા. તે માણસ બેઠો હતો તે ઊથલી પડ્યો એમ લાગ્યું અને કેટલાંક વાસણ પણ ખખડ્યાં. તે માણસે "ક્યા હૈ" એવી એકાએક બૂમ પાડી, અને હું બેઠો થઈને ઉત્તર દેવો કે નહિ તેનો વિચાર કરી રહું તે પહેલાં તો એક દંડ વતી તેણે મને સ્પર્શ કરી તથા ખસેડી જોઈ "કોન હે" એવી બદલાયેલા અર્થની બીજી બૂમ પાડી અને હું થાક્યો હઈશ એમ ધારી તે દંડથી તત્કાળ મારો થાક ઉતારવા માંડ્યો. બોલવામાં કંઈ સાર નથી અને બોલ્યું કોઈ માને એમ નથી એમ નક્કી જાણ્યા છતાં મારાથી ભાવિ હતું તે થઈ ગયું. માણસ પરતંત્ર છે, કર્મને વશ છે. માણસ કશું કરી શકતો નથી, કશા માટે જવાબદાર નથી. માણસ બગાસું ખાય છે તે પણ પૂર્વજન્મના કર્મનું પરિણામ હોય છે. લખ્યા લેખ ટળતા નથી તેથી મારાથી બોલાઈ ગયું કે "હું છું." દંડ પ્રહાર ક્ષણભર બંધ રાખી તે માણસે દીવો પ્રગટાવ્યો અને મારા મુખનું દર્શન કર્યું. પળવાર તે મારા ભણી તાકી જોઈ રહ્યો. તેને મારું મુખ સૂર્ય જેવું લાગ્યું કે મેઘ જેવું તે તેણે કંઈ કહ્યું નહિ, પણ મને તો તેનું મુખ કાળ જેવું લાગ્યું. મારા મનમાં ઊભી થયેલી ઉપમા તે જાણી ગયો કે શું પણ હું ઊભો થતો હતો તેવામાં લાત લગાવી તેણે મને પાછો નીચે પાડ્યો તે એક રીતે ઠીક થયું કે શરીરને શ્રમ આપ્યા વિના હું આસપાસ સર્વ વસ્તુઓનું નિરીક્ષણ કરી શક્યો. પડ્યે પડ્યે મેં દીપપ્રકાશની સહાયતાથી દ્રષ્ટિ ફેરવી તો જણાયું કે વગર નોતરે હું જેનો પરોણો થઈ પડ્યો હતો તે અસાધારણ શરીર પુષ્ટિવાળો બાવો હતો. ભોંયરું ઘણું જ સાંકડું ને નહાનું હતું. એક પાસે દેવીની મૂર્તિ હતી, એક પાસે સાદી ભીંત હતી. એક પાસે ભીંતમાં ગોખલામાં ખીંટી હતી અને એક પાસે હું જે માર્ગે આવી યશસ્વી કૂચ કરીને આવ્યો હતો તે સીડી હતી. ભોંય પર એક મૃગચર્મ, એક મદિરાની શીશી, એક ત્રિશૂળ, બે ખોપરીઓ, બે દીવાઓ અને ત્રણ-ચાર વિચિત્ર આકારના ત્રાંબાના વાસણ પડેલાં હતાં. ઉપર છતમાં બે જાળીઓ હતી અને વચમાં એક કોડિયું ઊંધુ ટીંગાવ્યું હતું. તેમાં ગરોળી જેવું કંઈ તરફડતું બાંધેલું હતું. તેથી ખોપરીઓમાં સાપના અને દેડકાનાં ડોકા જેવા કકડાઓ બહુ જ દુર્ગંધ મારતા હતા, તેથી ત્રાસ પામી મેં દેવી ભણી દૃષ્ટિ કરી. દેવીની મુખાકૃતી પ્રસન્નતાવાળી હતી અને વદન પર કંઈ પણ ચંડતા નહોતી. સસ્મિત નયનવિકાસ હતો. તેના કેશ છૂટા હતા, પણ તે પર ફૂલ ગોઠવેલાં હોવાથી ચંડીસ્વરૂપની એ સાધારણ સામગ્રીથી સૌંદર્યમાં જ વધારો થતો હતો. જમણા હાથમાં શસ્ત્ર હોવાને બદલે એક કમલની આકૃતિ હતી અને હાથનો અગ્ર ભાગ કોણી આગળથી ગાલ ભણી વળેલો હતો. ડાબો હાથ સરળતાથી સીધો નીચો રાખેલો હતો. શરીરે કસુંબલ ચૂંદડી પહેરાવેલી હતી. શીર્ષ પર મુગટ હતો. કપાળે ચાંલ્લો હતો, હાથે બંગડીઓ હતી. દેવીનું આસન વાઘ કે મહિષ પર નહોતું પણ એક પગ સીધો અને એક સહેજ વાંકો રાખ્યાથી કંઈક રમ્યતા જણાતી હતી. મૂર્તિ શ્વેત પાષાણથી ઘડેલી હતી અને તે પર પીઠીનો લેપ કર્યો હતો એમ લાગતું હતું. આખી પ્રતિષ્ઠામાં કાળો પથ્થર કોઈ ઠેકાણે નહોતો.

'હું આ નિરીક્ષણ કરતો હતો તે વખતે બાવો બીજી દીવીમાં તેલ રેડવામાં તથા દીપ પ્રગટાવવામાં રોકાયો હતો. બંને દીવામાંનું તેલ કોઈ પ્રાણીને પીલીને કહાડેલું હોય એમ લાગતું હતું, તથા દીવા તડતડ થતા હતા. બીજો દીવો સળગાવી બાવાએ તરત દેવીની આરતી ઉતારી. તે વખતે માલૂમ પડ્યું કે તેની ડોકે એક સાપ વીંટાળેલો ઝૂલતો હતો, આવી ત્રાસદાયક સામગ્રીથી આવી સૌમ્યાકૃતિ દેવીની શા માટે ઉપાસના કરતો હશે તે વિસ્મયની સાથે આ ગુપ્ત મંદિરમાં આવવાનું મારું વૃતાંત બાવો પૂછે તો શી રીતે આપવું તે હું મનમાં ગોઠવતો હતો. તેવામાં તે બાવાએ આરતીવાળો દીવો હોલવી નાંખ્યો અને દીવી પર પાછો મૂક્યો. એકાએક ડોક પરથી સર્પ કહાડી ગોખલાની ખીંટી પર મૂક્યો. બીજો દીવો હાથમાં લઈ તેની જ્યોત ખીંટીને થોડી અડકાડી. બીજે હાથે તે ખીંટી નીચે ખેંચી એટલે તરત કડાકો થયો. છતમાં ટીંગાવેલું કોડિયું નીચે પડીને ભાંગી ગયું. ગરોળી પૂંછડીની દોરી સાથે દોડી ગઈ. છતમાંની એક જાળી ખસી બીજી જાળીની અડોઅડ આવી અને તેની જગ્યાએ એક બાંકું પડી રહ્યું. એક પગ ખીંટી પર મૂકીને એક હાથે જાળીના સળિયા ઝાલી બીજા હાથમાં દીવા સાથે બાવો ઉપર કૂદી ગયો અને પછી જાળી ખસી આવી. અંધારું થઈ ગયાથી બીજું શું થયું તેની મને ખબર પડી નહિ, પણ ખીંટી પર સર્પ હતો તેથી ત્યાં સ્પર્શ કરી બાવાના જેવો પ્રયોગ કરવાની ઇચ્છા મને થઈ નહિ.'

'દીવો ફરી પ્રગટાવવાનું સાધન ત્યાં કંઈ હોય એમ મારા જાણવામાં નહોતું. તેમ અંધારામાં તે માટે ખોળ કરવાની પણ વૃત્તિ થઈ નહિ. મૂર્તિ દેખાતી નહોતી પણ ત્યાં મૂર્તિ છે એ જ્ઞાનથી મને બીક લાગવા માંડી. ફાંફા મારી સીડી શોધી કહાડી અને ઉપર ચઢવા માંડ્યું. હેઠળ આવતી વેળા શ્રમ વિના કેવો સપાટામાં આવ્યો હતો તેની સ્મૃતિ થઈ, પણ તે પ્રમાણે આ વેળા કોઈ મારે શરીરે દોરડાં બાંધી મને ઉપર ખેંચી લે એવી ઈચ્છા ઉત્પન્ન થતાં જ તે અસ્વીકાર્ય થઈ. બ્રાહ્મણના પેટમાં માઈ શકતા મોદકની સંખ્યા પેઠે પગથિયાંની સંખ્યા અપાર જણાતી હતી. નીકળવાનું મૂળ સ્થાન અંધકારમાં શોધી કાઢવા સારુ પશુઓ જેવી ઘ્રાણશક્તિની મને ઈચ્છા થઈ અને તેથી મેં સિદ્ધાંત કર્યો કે પુનર્જન્મમત સામે પૂર્વજન્મની સ્મૃતિના અભાવનો વાંધો સુધારાવાળા ઉઠાવે છે તે કેવળ ભ્રાંતિ છે. કેમ કે આ જન્મમાં પશુ પેઠે ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ કદી કર્યા વિના મને થયેલી આ ઈચ્છા પૂર્વજન્મનો સંસ્કાર જ સિદ્ધ કરતી હતી. સંસ્કારજાગૃતિ મહાપુરુષોને જ થાય છે તેથી સુધારાવાળાઓનો આ વાંધો પાછું સિદ્ધ કરે છે કે તેઓ મારા જેવા મહાપુરુષ નથી. આવા વિચારોમાં પગથિયા ચઢતાં હું ઊંચે હાથ રાખવાનું ભૂલી ગયો અને મારું માથું એકાએક કશા સાથે બહુ જોરથી અથડાયું. હું કળ ખાઈ બેસી ગયો, પરંતુ માર પડતાં પણ એટલો લાભ થાય છે કે દંડના સ્વરૂપનું જ્ઞાન થાય છે. વેદના છતાં મને જ્ઞાન થયું કે સીડીને મથાળે હું આવી પહોંચ્યો છું અને ઉપરનું ઢાંકણ બંધ છે. વળી, અંધકારમાં આ જ્ઞાન થયું તેની અજ્ઞાનને અંધાકારની ઉપમા આપવી એ કેટલી મહોટી ભૂલ છે તે સમજાયું.'

'વેદના પૂરેપૂરી બંધ થાય ત્યાં સુધી વાટ જોવાનું બની શકે તેમ નહોતું, કેમકે અંધકારમાં જ્યાં ભૂત, ભવિષ્ય ને વર્તમાન અભેદજ્ઞાનથી એક થઈ ગયેલા લાગતા હતા ત્યાં કાલની બહુ અછત હતી. તેથી આ એકાએક આવી પડેલા ભારથી શિર મુક્ત થયું તે પહેલાં તેના પર એક બીજો ભાર વધારવો પડ્યો અને બહાર શી રીતે નીકળવું એ ચિંતનમાં વ્યાપ્ત થવાથી શિરને આજ્ઞા કરી. એ નિર્ણય કરવો કંઈ સહેલો નહોતો. ભલભલા શાસ્ત્રીઓ પણ ગોથાં ખાઈ જાય એવો પ્રશ્ન હતો અને શાસ્ત્રીઓ કરતાં કંઈ વધારે જ્ઞાનવાળું હોઈ શકે નહિ, શક્યું નથી અને શકવાનું નથી, એ તો અનાદિ કાલથી સિદ્ધ થઈ ચૂકેલું છે. દિવસ થતાં સુધી વાટ જોવી એ પણ આશાસ્થાન નહોતું કેમકે આ ભોંયરામાં દિવસ અને રાત્રિનો ભેદ પડતો હોય એમ લાગતું નહોતું, અને અંધકાર જ પારમાર્થિક અભેદ જ્ઞાનનું મૂળ થઈ ચૂક્યું હતું. અંતે તર્કબળ વાપર્યું અને હું સંભાળીને ઊભો થયો. ઢાંકણું કેવા પ્રકારનું છે તે જાણવા સારું ન્યાયાનુસાર અનુમાન બાંધવું આવશ્યક હતું. તેથી ઢાંકણાને હસ્તથી સ્પર્શ કર્યો. ડગે નહિ એવડી મહોટી શિલા છે એ જાણતાં જે નિરાશા પ્રાપ્ત થઈ, તેથી થતી મુખ પરની ગ્લાનિ દર્પણને અભાવે મારાથી જોવાય તેમ નહોતું અને બીજું કોઈ તે જોનાર નહોતું તેથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો નહિ, પણ શિર પર છત્ર થઈ રહેલી શિલાસમ ચિત્તને પણ દૃઢ કરવાનો પ્રયત્ન આરંભ્યો; કેમકે અરણ્યમાં રુદન વ્યર્થ છે એ શાસ્ત્રવચન વિદિત હોવા છતાં રુદનનો કંઈક સંભવ જણાતો હતો. અશ્રુપાતનો આરંભ એકાએક થઈ વરસાદને બદલે તીડની ઉપમાને પામી શરીરના વિકાસને ક્ષીણ કરી નાખશે તો આર્યભૂમિનું શું થશે, જગતના ઉદ્ધાર માટે ઉત્પન્ન થયેલું આ અલૌકિક અપૂર્વ દેહવૃક્ષ નિઃસત્વ થશે, તો આટલા વર્ષથી પોષેલાં અને પક્વ થવાં આવેલાં તેનાં તર્કફલ લોકથી અજ્ઞાત રહ્યાં રહ્યાં જ કેવાં શુષ્ક થઈ જશે, જે પરમ તત્વો લોક કલ્યાણ માટે મેં શોધી કહાડ્યાં છે તે સમજવાનું મારામાં બળ ક્યાંથી રહેશે અને મર્ત્યલોક પ્રતિ સ્વર્ગનું દ્વાર સદાને માટે બંધ થતું કેમ જોવાશે; આવી પરહિતની ચિંતાઓ આપત્તિમાં પણ મારું મહાપુરુષત્વ સિદ્ધ કરતી હતી. તેવામાં એકાએક ઉપરથી કોઈએ શિલા ખસેડી અને મારા શિર પરનો ભાર મારા તર્ક સાથે ખસી ગયો. અંદરના અને બહારના અંધકારને સરખાવી જોવામાં ખોટી થવું ઠીક ન લાગ્યું. કેમ કે ઢાંકણું પાછું બંધ થઈ જાય તો તો ઘીનો ગાડવો મહોડે ધર્યા પછી ચામડાની ગંધથી નાક ઊંચું કરતાં ઘી ઢોળી નાખ્યા જેવું થાય, તેથી આંખો મીંચીને મેં કૂદકો માર્યો અને એક આખું પગથિયું ઓળંગી જઈ હું ઉપર આવ્યો.

'ઉપર આવ્યા પછી શિલા ખસેડનારનો ઉપકાર માનવો એવો સંકલ્પ શિલા ખસી તે પહેલાંનો મેં કરી મૂક્યો હતો, પરંતુ ઉપર આવ્યો ત્યારે કોઈ ત્યાં હતું નહિ અને કોઈ દૂર જતા જણાયા. તેમને અંધારામાં પાછા આવવાનો પરિશ્રમ આપવો અને શિલા ખસેડનાર તે તે જ છે એમ જાણ્યા વિના તેમને ઉપકારના ઋણમાં નાખવા એ ઉચિત નહોતું; તેથી ઉપકારવૃત્તિને મેં રોકી રાખી. પૃથ્વીને નક્ષત્રી કર્યા પછી બાહુચાંચલ્યને રોકી રાખવું જેમ પરશુરામને કઠણ પડ્યું હતું, સૂર્યના કિરણ જણાયા પછી કૂકડેકૂક બોલવાની ઈચ્છા રોકી રાખવી જેમ મરઘાને કઠણ પડે છે, વેદધર્મની પુનઃસ્થાપના થયા પછી ઈક્ષુ, સુરા, સર્પિસ, દધિ તથા દુગ્ધના સમુદ્રોનું પાન સર્વત્ર પ્રચલિત થતાં જલપાનની તૃષા બંધ થઈ જવાથી નિરર્થક થયેલી નદીઓને પોતાનો પ્રવાહ રોકી રાખવો જેમ કઠણ પડશે; તેમ આ ઉપકારવૃત્તિ રોકી રાખવી મને કઠણ પડી. તે છતાં આટલી આપત્તિમાં એટલું દુઃખ વધારે એમ સમજી મેં મૌન ધારણ કર્યું. ભોંયરાના મુખ આગળ બેસી રહેવું તો ઉચિત નહોતું જ; કેમકે જેમ બળદો વાઘની ગંધથી દૂર હઠતા છતાં તેમનું બળદપણું જતું નથી, જેમ વિદ્વાનો ભોજન અને વસ્ત્રની ગંધથી દૂર હઠતા છતાં તેમનું વિદ્વત્ત્વ ઓછું થતું નથી, તેમ શૂરવીરો ભયની ગંધથી દૂર હઠતાં છતાં તેમનું શૂરવીરત્વ બંધ પડતું નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. હાથી જેમ અનેક કાંટાવાળા વેલાઓ પગે ઘસડતો ચાલ્યો જાય તેમ અનેક ક્લેશકર સ્મૃતિઓ પછાડી ઘસડાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. ક્યાં જવું તે નક્કી નહોતું, પણ ગરુડ પર બેઠેલા વિષ્ણુએ ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? ભૂખ્યા થયેલા ભિખારીને ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? નાદ કરતા જાતિબંધુઓની વચ્ચે પૂંછડી નીચી કરી સંકોચાઈ ગયેલા કૂતરાને ક્યાં જવું તે ક્યાં નક્કી હોય છે? દેવ, મનુષ્ય અને પશુ સર્વને ગતિની આ અનિશ્ચિતતા છે, તેથી ગભરાયા વિના હું નાકની દાંડીની દિશામાં ચાલ્યો. કોઈ મળે તો સારું કે ન મળે તો સારું તે મનમાં પૂરેપૂરું નક્કી કર્યું નહોતું, તેથી નયનો વડે આસપાસ દૃષ્ટિ કરવામાં ઉદાસીન થઈ નયનને સીધી દિશામાં જ વ્યાપૃત કર્યાં. ખોરવાયેલા અજાદિ પ્રાણીની પેઠે કેટલુંક ઉદ્દેશરહિત ભ્રમણ કર્યાં પછી, તથા કુશલ વાદ કરનારની પેઠે કેટલાંક સંદેહાકુલ સ્થાનો દૂરથી જ ત્યાજ્ય કર્યા પછી સૂર્યોદયનાં ચિહ્ન પૂર્વ દિશામાં જોઈ પ્રભાત થયે સૂર્યની સલાહ લઈ હવે અગાડી પગલું ભરવું એમ નક્કી કરી શકે સ્થાને પદ્માસન વાળી હું બેઠો.

'પદ્માસનનું ફળ પ્રાપ્ત થયા વિના રહ્યું નહિ. કેટલીક વારે મારી ઈચ્છા પ્રમાણે પૂર્વમાં સૂર્યનો ઉદય થયો અને પદ્માસનનું શાસ્ત્રોક્ત મહત્વ ન માનનારા સુધારાવાળા ખોટા પડ્યા. આંખો મીંચી સૂર્ય ભણી દૃષ્ટિ કરતાં ચક્ષુ ઉપર જે આકૃતિઓ દેખાઈ તેનો સાર એવો સમજાયો કે સૂર્યની સલાહ એ હતી કે હવે ઊઠીને ચાલવા માંડવું અને માર્ગ દેખાય તે ભણી જવું. આ અમૂલ્ય શિખમણનો પ્રત્યુપકાર વાળવા સૂર્યને વચન આપ્યું કે આજે તને બેવડો અર્ધ્ય આપીશ. નિત્ય આપતા અર્ધ્ય સૂર્ય ક્યાં એકઠાં કરી મૂકતો હશે તેનો વિચાર કરતો હું માર્ગ શોધવા લાગ્યો. એક તળાવડીને કિનારે ઢોર પાણી પીતાં હતાં, ત્યાં જઈ સહુ ઢોરને ડચકારાથી અને લાકડીથી જલપાનનો વિધિ શીખવનાર એક પુરુષ પાસે જઈ હું બેઠો. તળાવડીની એક પાસે બે ઊંચા તાડ ઊગેલાં હતાં, તે જોતાં રાત્રે મારા હરણના અધ્યાયનો અહીંથી આરંભ થયો હશે એમ વિચાર આવતાં ભયંકર જણયેલી બે આકૃતિઓ તે આ તાડ જ હશે એમ પ્રતીતિ થઈ. એ પ્રતીતિને પરિણામે અભેતવ્યથી ભય પામ્યો માટે માનભંગ થયો એટલું જ નહિ, પણ ભૂત ન માનનારા સુધારાવાળાને દેહરહિત વિચિત્ર પ્રાણીઓના સાક્ષાત્ દર્શનના પ્રમાણ સાથે આપવાનો એક ઉત્તર જતો રહ્યો તેથી ખેદ થયો. બીજા ઘણા આર્યપક્ષવાદીઓએ ભૂત જોયેલાં છે તેથી સુધારાવાળાને જય પામવાનો અવકાશ છે જ નહિ; પરંતુ, રાત્રે ભૂત દીઠાં હોય ત્યાં દિવસે જવું નહિ એ શિખામણ કેટલી અમૂલ્ય છે તે સમજાયું અને આર્યપક્ષને ભૂત વિના ચાલે એમ નથી એ પ્રતીતિ હોવાથી આ શિખામણનો વિશેષ પ્રચાર કરવાનો સંકલ્પ કર્યો. ઢોરના મનુષ્યરૂપ સહચારીને એ સ્થાન વિષે કેટલાક પ્રશ્ન પૂછ્યા પછી તે સુધારાવાળો નથી એમ વિશ્વાસ થતાં તે સ્થાનનું નામ સાંભળી આશ્ચર્યપૂર્વક સ્મૃતિ થઈ હોય એવી મુખાકૃતિ કરી મેં પૂછ્યું. "ઓહો, ત્યારે ભોંયરામાં દેવીના મંદિર વિષે સાંભળ્યું છે તે અહીં જ કે?"

મંદિર સંબંધમાં "ક્યા હે" અને "કોન હે" એ બે જ વાક્ય મેં સાંભળ્યા હતાં, અને બાકીનું બધું તો ચક્ષુ વડે જોયું હતું અને ત્વચા વડે અનુભવ્યું હતું; છતાં મારા પ્રશ્નમાં અસત્યનો અંશ લેશમાત્ર પણ નહોતો, કેમકે આ ઘડીએ જે પ્રશ્નનું વાક્ય હું બોલ્યો તે મેં સાંભળ્યું હતું અને એ મનુષ્યે પણ સાંભળ્યું હતું, અને તેથી મંદિરની વાર્તા મારા વાક્યના ઉચ્ચારને અંતે શ્રવણનો વિષય થઈ ચૂકેલી હતી. સત્ય ભાષણના બચાવ માટે આર્યપક્ષને આવા તર્કપ્રયાસની કેવી આવશ્યકતા છે તે આ મનુષ્યના મનમાં ઠસાવવાની અગત્ય હતી. પણ વાચાલતાને મૌનમાં લીન કર્યા વિના મારા હરણનો ઇતિહાસ ગુપ્ત રાખી શકાય તેમ નહોતું. અને તે ગુપ્ત રાખ્યા વિના મારું ગૌરવ જળવાય તેમ નહોતું, અને વળી મારું ગૌરવ જાળવ્યા વિના મારાથી આર્યભૂમિના ઉદ્ધારક રહી શકાય તેમ નહોતું. ધર્મોદ્ધારકોમાં ચરિત જ તેમને રહસ્યપ્રીતિ કરાવે છે. એ વાતની સત્યતા મને આ સમયે સમજાઈ. ગુપ્તતાનું માહાત્મ્ય લક્ષમાં રાખી મેં માત્ર મુખાકૃતિથી મારી જિજ્ઞાસાનું આધિક્ય દર્શાવ્યું. ભેદ કંઈ પામી ગયો હોય તેમ તેણે ઉત્તર દીધો,

"ભોંયરુ તો કહેવાય છે, પણ મંદિર તો દેઠું હોય તે જાણે, તમે કહીંથી આવ્યા?"

શાસ્ત્રીઓની સભામાં પ્રતિસ્પર્ધીઓના કઠિન પ્રશ્નના ઉત્તર દેતા હું કોઈ દિવસ ગૂંચવાયો નથી, પરંતુ આ પ્રશ્ને મને વિશેષ વિષમતામાં નાખ્યો. "ભોંયરામાંથી આવ્યો" એમ કહેવાની ઈચ્છા નહોતી અને બીજે કંઈથી આવ્યો એમ કહેવું સત્ય નહોતું; તેથી કેટલોક વિચાર કરી ડોકું ફેરવી દિશા દેખાડી કહ્યું કે, "આમથી આવ્યો."

'આ ઉત્તરથી પૃચ્છકને સંતોષ થયો હશે કે નહિ એ શંકાથી મારા ચિત્તમાં થતી વ્યથા દૂર કરવા મેં તળાવના પાણી વિશે વાત કહાડી અને તે એકલાં ઢોર જ પીએ છે કે માણસો પણ પીએ છે. માણસો અને ઢોર સાથે પીએ છે કે ભિન્ન ભિન્ન કાળે પીએ છે, રાત્રે માણસો પીવા આવે છે કે નહિ, ઇત્યાદિ પ્રશ્નો પૂછી તેને વાચાલતા ઉઘાડવાના પ્રયત્ન કર્યા. પણ, આ રીતે આ સ્થળ વિશે માહિતી મેળવવાના પ્રયત્ન સર્વ મિથ્યા ગયા. "પીવું હોય તે પીએ" એ ઉત્તર ઉપરાંત વધારે જ્ઞાન તે દર્શાવી શક્યો નહિ, ફરી એક વાર મેં પ્રયત્ન કર્યો અને કહ્યું,

"આ ઠેકાણું બહુ ઉજ્જડ દેખાય છે. રાત્રે-ચોર ભૂત ફરતાં હશે."

તેની મુખરેખા પર વિસ્મય ઉદ્ભૂત થયેલો જોવાની મારી આશા સફળ ન કરતાં કંઈ પણ ભય કે ચિંતાનાં ચિહ્ન વિના તે બોલ્યો,

"ચોર તો કંઈ ચોરવા જેવું હોય અને ખબર પડે તો આવે, આ ભણી ભૂતનું કોઈ કહેતું નથી, પણ આથમણી કોર કૂવા-કાંઠે પીપળો છે ત્યાં આગીઆ કીડા ઊડે છે તેથી જાણે દેવા કર્યા હોય એવું રાતે દેખાય છે, તેને ભૂતની દિવાળી કહે છે. અને ત્યાં જતાં લોક બીહે છે."

'ભૂતના અસ્તિત્વનું એક બીજું પ્રત્યક્ષ પ્રમાણ નષ્ટ થયું જાણી મારી નિરાશા વધી. પણ, "ભૂતની દિવાળી" એ પદ આર્યપક્ષને કેટલું ઉપયોગનું થઈ પડશે, એ પરથી ભૂતભાવના આર્યપ્રજામાં અનાદિકાળથી છે એમ સિદ્ધ કરવું કેવું સુગમ થઈ પડશે; "ભૂતની દિવાળી" નો ખરેખરો માર્મિક અર્થ શો છે તથા કેવા અધિકારી મહાત્માઓ જ જોઈ શકે છે એ વિશેનાં વ્યાખ્યાન આ સ્થળના સંબંધ વિના અમેરિકામાં કેવા વિસ્તારથી આપવામાં આવશે અને આકાશમાં દેહ વિના ફરતાં સત્ત્વોના આ આત્મિક વ્યાપારની શોધ કરવાનું કેવું મહોટું માન થિઓસૉફીની વ્યવસ્થાથી મને મળશે; આ સર્વ વિચારથી પ્રફુલ્લિત થઈ મેં પૂછ્યું:

"એ કૂવા અને ઝાડ પાસે બધાથી જઈ શકાય છે કે કંઈ સામર્થ્ય સાવધાનીની અપેક્ષા પ્રતીત થયેલી છે?"

સંભાષણ ચાલતં છતાં હજી સુધી તે ગ્રામ્ય પુરુષની દૃષ્ટિ મારી ભણી નહોતી. ઘણુંખરું તેનાં ઢોર ભણી હતી. પણ આ પ્રશ્ન સાંભળી મારું મૂલ્ય પણ તેના ધ્યાનમાં આવ્યું અને એકાએક મારા ભણી તેણે દ્રષ્ટિ કરી. પશુ પરથી મનુષ્ય પ્રતિ ક્રમણ થયું છે એ વાત ભૂલી જઈ અપ્રસન્નતા અને અધીરાઈ ગુપ્ત ન રહે એવી આકૃતિ ચાલુ રાખી તે બોલ્યો.

"ડાહ્યલું જણાય છે તો જતું હોય તો જા ને. કૂવે જવાની કોણ ના કહે છે? ઝાડ પર એ ચડજે ને."

'આ વાક્યને અંતે તેણે ડાંગ ઉપાડી. ઘણું કરીને એક ભેંસ આઘી જતી હતી, તેને શાસન કરવાનો તેનો ઉદ્દેશ હતો. પણ, તે તેને પૂછી નક્કી કરવાનો આ સમય નથી એમ ધારી હું ઊઠીને નાઠો. મને જોઈને ભેંસ બરાડા પાડતી આગળ નાઠી, અને મારી ખાતર અથવા તો ભેંસની ખાતર તે પુરુષ ડાંગ લઈને મારી પાછળ બૂમો પાડતો દોડ્યો. બેની વચ્ચે હું મૂંગો મૂંગો દોડ્યો જતો હતો અને દક્ષના યજ્ઞમાં મૃગ અને શિવની વચ્ચે ઊડતી નિરપરાધી અને શિવચરણથી પાવન થતી ઘૂલીની ઉપમાને પામતો હતો. સદ્ભાગ્યે આ ખેલ જોવા લોકો ભેગા થાય તેમ નહોતું. તેથી ડાંગ વિના બીજા કશાની મને ચિંતા નહોતી અને નિશ્ચિંત ચિત્તને લીધે ઠીક દોડાતું હતું. ડાંગધારીએ પોતાનો શ્રમ કંઈક બચાવવા ડાંગ છૂટી અગાડી ફેંકી, તે આઘે પડતાં તે, તે લેવા રહ્યો એટલે હું આડો ફંટાઈ ડાંગ, ભેંસ અને તે બંનેના સ્વામી એ જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞતા સમ ત્રિપુટીથી મુક્ત થઈ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને મને બ્રહ્મત્વની સ્ફુરણા થઈ. આવું અગત્યનું જ્ઞાન મને જેણે આપ્યું તેનાથી આવી રીતે વિયોગ થવાનું સર્જેલું જાણી ખેદ થયો. પણ, સમજફેરની બીકને લીધે તેનું ફરી દર્શન કરવું યોગ્ય લાગ્યું નહિ. બ્રહ્મત્વમાં આવો વિશેષ પ્રવેશ થયો તે સમયે પલાયનરૂપ કાયરતા સાધનભૂત બની એ માટે ગ્લાનિ થવા દેવી ઉચિત નહોતી, કેમ કે પરમાર્થમાં સાધનની યોગ્યાયોગ્યતા જોવાની નથી; બ્રહ્મત્વ પ્રાપ્ત કરવામાં પાપ, પુણ્ય, દુરાચાર, સદાચાર બંનેની સરખી છૂટ છે, તો કાયરતા અને શૂરતાનો ભેદ ક્યાંથી ગણનામાં લેવાય? આ અભેદ જ્ઞાનથી પોતાને શૂર માની લઈ સંતુષ્ટ થતાં પ્રેમની સ્મૃતિ થઈ અને ગૃહ પ્રતિ ગમન કરવાની વૃત્તિ થઈ. પણ "ભૂતની દિવાળી"નું સ્થાન ફરી જોવા આવવાનું મન નહિ થાય એવી મનની હઠ જાણી લઈ, ડાંગપતિએ દર્શાવેલી તેની દિશા ભણી મેં ગતિ કરી.

'કૂવા અને પીપળા પાસે આવી પહોંચતાં મને જે હર્ષ થયો તેને બે ઉપમાન સાથે જ સરખાવી શકાય: - એક પાશ્ચાત્ય દેશોની કલ્પિત કથામાં અમેરિકાનું પ્રથમ દર્શન થતાં કોલમ્બસને થયેલ હર્ષ, અને બીજું આર્યદેશના વાસ્તવિક રીતે બનેલા ઇતિહાસમાં વિંધ્યાચલને ઊંચો વધતો અટકાવવા તેને માથું નમાવવાનું કહી અગસ્ત્યને ફલંગ મારતા જોઈ સૂર્યને થયેલો હર્ષ. પહેલાં શ્રમમાં હર્ષ ભૂલી ગયો હતો તેમ હવે હું હર્ષમાં શ્રમ ભૂલી ગયો અને ત્વરાથી કૂવા-કિનારે જઈ ઊભો. કૂવો ઈંટેરી હતો, તેનું મ્હોં સાધારણ કરતાં વધારે પહોળું હતું, અને પીપળાની કેટલીક ડાળીઓ કૂવા પર લટકતી હતી એ વિના બીજી કંઈ વિશેષતા નહોતી. આગિયા કીડા એ સમયે જણાતા નહોતા માટે 'મેં તે જોયા નથી, પણ ભૂતની દિવાળી જોયેલી છે.' એમ કહી ભૂતપક્ષનું સમર્થન કરવાનો માર્ગ હું મનમાં ગોઠવતો હતો; તેવામાં ઝાડ પર ચઢવાની ડાંગધારી શત્રુરૂપ મિત્રે કરેલી સૂચના સાંભળી અને તેમ કર્યાથી ભૂતની દિવાળી વિશે વધારે જાણી શકાશે એમ લાગતાં તત્કાળ ઝાડ પર ચઢવાનો સંકલ્પ કર્યો.

'ઝાડનું થડ કૂવાના મ્હોં પર એટલું બધું પાસે હતું કે થડ પરથી ચઢવામાં કૂવાને ગોઝારો કરવાનો ભય હતો અને અપરાધ વિના તે કૂપને ભરતભૂમિના ભાનુના નાશનું હતબાગ્ય નિમિત્ત બનાવવો એ અન્યાય ભરેલું હતું. તેથી મને પોતાને ભય નહિ છતાં ઝાડ પર ચઢી જવાનો બીજો પ્રકાર શોધી કહાડ્યો. થડને બીજે પાસે એક ડાળ નીચે લટકી રહી હતી. તે ભણી જઈ તે ડાળ ઝાલીને લટક્યો તથા મારા શરીર તથા ગૌરવને અનુરૂપ ઉછાળા મારી ઉપર જવા લાગ્યો. હું આમ થોડેક ઊંચે ગયો તેવામાં કોઈ ભૂતે દુષ્ટ ખેલ કર્યો તેથી અથવા તો વિધાતાએ કર્મફળનો ઉદય પ્રગત કર્યો તેથી, અથવા તો મારા સાંનિધ્ય માટે કૂપ અને વૃક્ષ વચ્ચે ટંટો થતાં બંનેએ સમાધાનનો મધ્યમ માર્ગ શોધી કહાડ્યો તેથી, હું ચડતો હતો તે ડાળી આંટો ખાઈને કૂવાના મહોં ઉપર વહી આવી અને તેની મધ્યમાં આવી અટકી અને કૂપનું વૃત્તાંત પૂછવા વૃક્ષમાંથી નીકળી આવેલ અધિદેવ સમ હું કૂપ ઉપર ટીંગાઈ રહ્યો. ઉપર જવા કૂદકા મારવાનું ચાલુ રાખતાં ડાળી તૂટી જવાની હવે બીક લાગવા માંડી અને નીચે ઊતરવાનો તો વિચાર કરવો જ વ્યર્થ હતો, કેમકે કૂવાના પહોળાણને લીધે ભૂમિનો સ્પર્શ કરી શકાય એમ હતું નહિ. તરફડિયાં મારવાથી લાભ નહોતો છતાં આજ્ઞા વિરુદ્ધ થઈ પગ સહેજાસાજ હાલતા હતા. આ સ્થિતિ બહુ વાર ટકશે તો મારાથી ડાળીને ઝાલી રેવાશે નહિ એ સંશય મારા ચિત્તમાં વ્યાપિ રહ્યો. નીચેનું પાણી ઘણું ટહાડું હશે કે કેમ, ડૂબકીઓ ખાવાથી પાણી મ્હોંમાં જાય કે કેમ, લાંબો કાળ તરતા રહી શકાય કે કેમ, ઈત્યાદિ વિચાર ચિત્તમાં પ્રવેશ કરી એ સંશયનો અવકાશ ઓછો કરતા હતા. એવામાં ડાળી ધીમા કડાકા સાથે મારી આશા પેઠે મૂળમાંથી ઊતરવા લાગી અને હું ધબકતા હ્રદય સાથે કૂવામાં અનિચ્છાપૂર્વક ઊતરવા લાગ્યો. ડાળીનો વૃક્ષ સાથેનો સંબંધ કેટલો બાકી રહ્યો છે તે દેખાતું નહોતું. તેથી ગમે તે થાય પણ ડાળીને પકડબળથી ઝાલી રાખવાનો મેં નિશ્ચય કર્યો.

'એવામાં એક ઠેકાણે મારા પગ કૂવાની ભીંતને અડક્યા અને ત્યાં ગોખલાથી વધારે પહોળી જગા છે એમ લાગવાથી દૃષ્ટિ ફેરવી તો જણાયું કે મનુષ્ય ઊભો રહીને પ્રવેશ કરી શકે એવડું બારણું હતું અને તેમાં વચ્ચે દોરડું લટકતું હતું. વેદાંતજ્ઞાનનો આ પ્રસંગ ન હતો તેથી રજ્જુ સર્પની ભ્રાંતિનો વિચાર ન કરતાં એક હાથ છૂટો કરી મેં દોરડું પકડ્યું અને બારણામાં પગ મૂકી સ્થિર ઊભો રહી બીજે હાથે ડાળી પણ મૂકી દીધી. ડાળીની અને મારી મૈત્રી દીર્ઘકાળની નહોતી તેથી ડાળીનું શું થયું તે જોવા હું ન રહ્યો, પણ બારણું મૂકે અગાડી અંદર ગયો.

'અંદર સર્વ સુખની જ સામગ્રી હશે એમ માનવાને કંઈ કારણ નહોતું અને શરીરકષ્ટ મારી પેઠે ભલું પડેલું હોવાથી મારે ને તેનો ઘડી ઘડી અકસ્માત મેળાપ થઈ જતો હતો એમ મને વિચાર કરતાં હવે લાગતું હતું. કૂવાની વચમાં આવેલી આ વિચિત્ર જગામાં અંદર જતાં એવા કષ્ટના પ્રસંગ સાથે ફરી મેળાપ થઈ જવાનો સંભવ હતો. પણ, કૂવાના મુખ પર જવાનું બને તેમ નહોતું અને તળીએ જવું ઉચિત નહોતું. તેથી આકાશમાં જવાને અસમર્થ તથા પાતાલમાં પેસવા ન ઈચ્છતા વિંધ્યાચળ પેઠે હું આમ આડો ફંટાયો. વળી, આ માર્ગે બહાર નીકળવાની કંઈ આશા રહેતી હતી તેથી, પાંજરામાં પુરાયા છતાં ચારે બાજુએ ઘૂમનાર ઉંદરની સમાન હું ઉત્સાહપૂર્ણ બન્યો, એવા ઉમંગથી અગાડી વધતાં સામી એક ભીંત સાથે હું અથડાયો, પણ, નાક અને માથું પંપાળી લઈ તત્કાળ સાવધ બન્યો અને મારો વિચાર ભીંત જાણી ન જાય માટે તેને શાંત કરવાને બહાને તેના પર હાથ ફેરવી અગાડી જવાનો માર્ગ ખોળવા લાગ્યો. મારી બુદ્ધિના પ્રકાશના જેટલો સૂર્યનો પ્રકાશ ત્યાં નહોતો, પરંતુ સૂર્યની શક્તિ વિચારમાં લેતા તેનો દોષ કહાડવો એ યોગ્ય નહોતું; કેમ કે મારી ગતિ સમ તેની ગતિ રાત્રિમાં, અંધકારમાં, ભોંયરામાં અને કૂવામાં પ્રસરી શકતી નથી એ વિશે મને નિશ્ચય થયો હતો. મારો પોતાનો પ્રકાશ જોઈએ તેટલો હતો: તેથી મને સૂર્યની ખોટ જણાતી નહોતી પણ તેનો વિયોગ સાલતો હતો.

'ભોજન સમયે આંધળાના હાથ જેમ નયનની સહાયતા વિના મુખ જડી આવે છે તેમ મને ભીંત પર ફંફોસતાં સૂર્યની સહાયતા વિના જોઈતો માર્ગ જડી આવ્યો, લોકકલ્યાણાર્થ નિરંતર વહી જતી નદી જેમ પર્વત ઊતરતાં જે માર્ગ જડે તે માર્ગે ચાલી જાય છે, તેમ બ્રહ્માંડમાં સકલ સિદ્ધાંત સ્થાપી તેના સાર વડે વિશ્વનો ઉદ્ધાર કરવા સર્જાયેલો હું પણ વધારે વિચાર કર્યા વિના આ માર્ગે ચાલ્યો. માર્ગ વાંકોચૂંકો હતો, પણ ગાયનું પૂંછડું ઝાલી વૈતરણીમાં તરવા માંડ્યો. પહેલો સીધો માર્ગ કોને હાથ લાગે છે? માર્ગમાં વચ્ચે વચ્ચે ઊંચેથી થોડો પ્રકાશ આવતો હતો તેથી જણાયું કે સૂર્ય પણ બહાર વિયોગાકુલ થઈ મને મળવા આવવા પ્રયત્ન કરતો હતો. પરંતુ એ પ્રકાશદ્વાર એટલા ઊંચા હતાં કે નિસરણી અને દોરડાં વિના ત્યાં જઈ સૂર્યને સંતુષ્ટ કરવાનું બને તેમ નહોતું. નિસરણી બનાવવાની લાકડીઓ સારુ મારા હાથ-પગ હતા અને દોરડા સારુ મારાં આંતરડાં હતાં, પણ એ સર્વનો મારે બીજો ખપ હતો અને નિસરણી તથા દોરડું બનાવવા બેસું તો કાલવ્યય થઈ જાય; તેથી સાધનસમેત હોવા છતાં સાધનહીન જેવો થઈ હું ગતિ કરવા લાગ્યો.

'કેટલેક અંતર ગયા પછી એકાએક શિવના અટ્ટહાસ્ય જેવો ઘોષ સંભળાયો. મહાદેવ મને સહાય થવા આવી પહોંચ્યા છે એ જ કલ્પના મારા સરખા ભક્તને ઉચિત હતી અને વળી ચિત્તને આશ્વાસન આપે તેવી હતી, પરંતુ ભાવક ભક્ત વિપત્તિમાં છતાં શંભુને હાસ્યની વૃત્તિ થાય એ અસંભવિત છે તથા જગતમાં એક પણ શિવભક્ત સંકટમાં ન હોય અથવા તો મદ્યસેવનથી ચિંતા ભૂલી જવાતાં તાંડવ નૃત્યની વૃત્તિ થઈ હોય ત્યારે જ ગિરિજાપતિ અટ્ટહાસ્યથી કલ્લોલ કરે છે, એમ સાંભરી આવ્યાથી રુદ્ર કરતાં કોઈ ઓછા સુખકારી સત્ત્વના સાંનિધ્યની અપેક્ષા કરી હું વિશ્રામ લેવા ઊભો રહ્યો. અટ્ટહાસ્યનું વધારે મહોટું મોજું ફરી ધસી આવ્યું, તેમાં અનેક સ્વરનું સંમિલન હોય એમ લાગ્યું અને મનુષ્યવાણીના વિવિધ શબ્દો પણ સંભળાયા. તેથી જે ભય મને થયો જ નહોતો તેની અવગણના કરી એ મનુષ્યમંડળી પાસે જઈ પહોંચવા હું અગાડી વધ્યો.

'ગલીના બે-ત્રણ આંટા ફર્યા પછી વધારે પ્રકાશ જણાયો અને નાતમાં શાકાદિ બંધ થઈ એકાએક લાડુ દર્શન દે તેમ લાંબી ચાલતી આવેલી ભીંત બંધ થઈ એકાએક દ્વાર દૃષ્ટિએ પડ્યું. દ્વારમાં પ્રવેશ કરતાં લંબાણમાં ઘણો વધારે અને પહોળાણમાં ઘણો ઓછો એવો એક ઓરડો આવ્યો. ઓરડામાં પચીસેક પુરુષો હતા, પણ, તેઓનું ફરીનું (મારા સાંભળવામાં ત્રીજું) અટ્ટાહસ્ય તે જ ક્ષણે આરંભાયેલું હતું તેથી તેઓનાં શરીર એટલાં ડોલાયમાન હતાં કે તેઓની મુખાકૃતિ તત્કાળ હું જોઈ શક્યો નહિ અને કોઈની દૃષ્ટિ મારા ઉપર પડી નહિ. સર્વનાં મ્હોં પહોળાં હતાં, દૃષ્ટિ ઊંચી હતી અને સર્વ બેઠાબેઠા પોતાનું ધડ હલાવી કમરથી તાળવા સુધીના ભાગને ત્રિજ્યા બનાવી અર્ધવર્તુલ રચતા હતા. બધાનાં માથાં ઉઘાડાં હતાં અને માથાંમાં ગુલાલ પડેલું જણાતું હતું. બોંય પર કંઈ ફાટુંતટું પાથરેલું હતું, તે ઉપર ગુલાલ વેરાયેલું હતું અને મદિરાની શીશીઓ તથા ભોંયરાના મંદિરમાં મેં રાત્રે જોયાં હતાં તેવાં વિચિત્ર આકારનાં તાંબાનાં વાસણો પડ્યાં હતાં. શરીરકમ્પનાં મોજાં બંધ થવાં આવ્યાં એટલે બધાંના લૂગડાં ગુલાલથી છંટાયેલાં જણાયાં. હાસ્ય પુરું થઈ રહેતાં સર્વ સ્વસ્થ થયા, પરંતુ મને ત્યાં આવેલો જોઈ કોઈને વિસ્મય થયેલો જણાયો નહિ. મેં ઊભા ઊભા કૌતુકભરી દૃષ્ટિ ફેરવી તો જે પુરુષને મેં રાત્રે ભોંયરામાં મારાથી ડરાવી નસાડી મૂક્યો હતો તે સર્વની મધ્યમાં બેઠેલો હતો. હું આશ્ચર્યથી ચકિત થયો અને આ સમયે તે પુરુષ સામું વેર વાળી મને ડરાવી નસાડી મૂકશે કે કેમ એ શંકા મને થઈ અને બીજો શરીરભાગ કરતાં મારા પગને તે પુરુષનો અને તેના દંડનો વિશેષ સ્પર્શ થયો હશે તેથી કે કોણ જાણે શાથી મારા પગ વિશેષ કંપવા લાગ્યા.

'તેવામાં વળી એક બીજું આશ્ચર્યકારક થયું. હજી લગી બધા પુરુષો જ છે એમ મેં જાણ્યું હતું, પણ એક પાસેની હારના છેડા નજીક એક સ્ત્રી બેઠેલી જણાઈ અને ભોંયરામાં જે દેવીની મૂર્તિ મેં જોઈ હતી તેના જ સમાન આ સ્ત્રીની આકૃતિ હતી. હું આર્ય છું તેથી હું માનું છું કે મૂર્તિપૂજા એ આ દેશની કીર્તિસ્તંભભૂત વ્યવસ્થા છે અને અતિસૂક્ષ્મ બુદ્ધિથી શોધી કહાડેલું પરમ રહસ્ય છે અને તે જ માટે મૂર્તિઓમાં દિવ્યતા છે અને તેઓ હાલી શકે છે, ચાલી શકે છે, ભોજન ખાઈ શકે છે, બગાસાં ખાઈ શકે છે, વિચાર કરી શકે છે અને પોતાના ભક્તો પેઠે ઢોંગ પણ કરી શકે છે, એમ હું માનું છું અને એમ માનવા કારણ ન માગવાને હું બંધાયેલો છું. છતાં આ મૂર્તિ સ્વસ્થાન તજી અહીં આવી મનુષ્યો સાથે બેઠેલી જોઈ એથી મને આશ્ચર્ય થયું. તે સુધારાવાળાના આર્યધર્મોચ્છેદક વચનોના સતત શ્રવણનું પરિણામ હોવું જોઈએ અને તેમના જ ભ્રષ્ટ પાસ બેઠેલો તેથી મૂર્તિમાં ચમત્કારિક શક્તિ હોય છે તે માટે જ તે રૂપ ધરી આવ્યાથી આમ થયું છે એ સંભવને બદલે, ભોંયરામાં દીઠેલી આકૃતિ મૂર્તિ જ નહોતી પણ સ્ત્રી હતી એ સંભવ મને વધારે માન્ય થવા લાગ્યો. મૂર્તિના જે ચમત્કાર માટે મેં વિકત્થન કરેલાં તે ચમત્કારના પ્રથમ દર્શને જ હું સુધારાના પાશમાં લપટાઈ ક્ષણભર અનિચ્છાપૂર્વક આર્યપક્ષને આમ અયોગ્ય બનતો જોતો હતો, તેવામાં તે દેવીની બે પાસે બેઠેલા બે પુરુષો પર મારી દૃષ્ટિ ગઈ. તેઓ મારો દૃષ્ટિપાત સહન કરી શકતા ન હોય એમ લાગ્યું અને - અરે, હવે આજ તો લાગે છે કે એમાંનો એક આપ વલ્લભરામ જેવો જ હતો અને- બીજો પણ આપ ત્રવાડીના જેવો હતો. મને નિશ્ચય થાય છે કે આપ બંને જ ત્યાં હતા. વાહ! ત્યારે તે ઘડીએ કેમ નહિ! મેં તે સમયે આપને ઓળખ્યા નહોતા. બંને ઠગ તો ખરા!'

આ વાર્તા અહીં સુધી આવવા માંડી ત્યારના ત્રવાડી વ્યાકુલ થયેલા જ હતા અને અગાડી કહેતાં ભદ્રંભદ્રને અટકાવવાની ઈચ્છા ત્રવાડીના નાસિકાવિકારના પ્રાદુર્ભાવથી જણાતી જ હતી. તેવામાં 'ઠગ'નું ઉપનામ સાંભળી તેમને રોષ દર્શાવવાનો પ્રસંગ મળ્યો અને દેવને પણ અસ્પર્શયોગ ભદ્રંભદ્રના શરીરનું ગૌરવ ભૂલી જઈ જે હસ્ત તેમના ભણી નમસ્કાર માટે લાંબો થવો જોઈએ તે હસ્ત દુષ્ટ આશયથી લંભાવી ભદ્રંભદ્રના ગાલ પર તેમણે જોરથી તલપ્રહાર કર્યો. ભદ્રંભદ્ર અસાવધ બેઠા હતા તેથી ઈચ્છા ઉપરાંત જમીન સરસા ચત્તા થઈ ગયા. પણ પથારીમાં હતાં તેથી વાગ્યું નહિ અને જગતમાં ઉત્પાતસૂચક આ મહાન અધર્માચાર જોઈ ન શકવાથી હું દૂર ખસી ગયો હતો તે પાછો પાસે આવી પહોંચી સહાય થાઉં તે પહેલાં તો શૂરત્વ વાપરીને તે પોતાની મેળે બેઠા થઈ ગયા.

ભદ્રંભદ્રને ગબડી પડતા જોઈ ઉત્પન્ન થયેલું હાસ્ય દબાવી રાખી વલ્લભરામે ત્રવાડી તરફ કોપભરી દૃષ્ટિ કરી. તેને કાન પકડી પથારી પરથી આઘો ઘસડ્યો અને ભદ્રંભદ્રના સ્વસ્થાને પાછા આવેલા પગમાં નમસ્કાર કર્યા. આ સર્વ એક ક્ષણમાં બન્યું. હજી ભદ્રંભદ્રના કપોલ પર દોડી આવેલી રતાશ કાયમી હતી અને તેમની પાઘડી ગગડી જતી અટકી નહોતી. પણ એટલી થોડી વારમાં પણ હિંમત ધરી ભદ્રંભદ્ર મુક્કી વાળી ઊભા થઈ ગયા. પાઘડીને પડતી મૂકી ત્રવાડી તરફ ધસ્યા અને ગુસ્સાથી કે ડરથી જીભ લચકાતાં છતાં અસ્પષ્ટ કોપવચનો ઉચ્ચાર્યાં. વલ્લભરામે તેમને ઝાલી રાખ્યા અને હું ધારું છું કે તેમને ઝાલી રાખવા માટે જેટલા જોરની જરૂર હતી તે કરતાં ઘણું જોર કરી તેમને દબાવ્યા. ભદ્રંભદ્રે અકળાઈને છૂટવાનો પ્રયત્ન કર્યો; પણ વલ્લભરામે પ્રશ્રયનો ડોળ કરી બેહદ જોર વાપરી તેમને બેસાડી દીધા અને હું ન જાઉં તેવી રીતે નયન પલકારવાનો પ્રયત્ન કરી ત્રવાડીને પાસે બોલાવી તેના પર સ્મિત સાથે લત્તાપ્રહાર કર્યો. વલ્લભરામે પીડા કરવા સારુ જાણી જોઈને બહુ જોર વાપર્યું હતું કે ભદ્રંભદ્રને અતિબળવાન ધારી તેમ કર્યું હતું તે વિશે ભદ્રંભદ્રનો અભિપ્રાય પછીથી પૂછવા છતાં તેમણે મને કહ્યો નથી, પણ તે વાત જાણે લક્ષમાં જ ન હોય તેમ ભદ્રંભદ્રે ત્રવાડીની કુચેષ્ટા માટે જ ક્રોધવૃત્તિ પ્રકટિત કરી. આ મૂક વ્યાપાર આખરે બંધ કરી વલ્લભરામે કહ્યું, 'ત્રવાડીએ એવી મૂર્ખતા કરી છે કે તે માટે શિક્ષા નહિ પણ ક્ષમા જ ઘટે છે.'

ભદ્રંભદ્ર કહે, 'પ્રહર મૂર્ખતાથી કરવામાં આવે છે તે હું સમજી શકું છું અને તે માટે ક્ષમા કરવાનો મેં પોતાને અભ્યાસ પાડ્યો છે. પરંતુ મારો એક નિયમ છે કે સૂઈ જતાં સુધી પાઘડી માથા પર જ રાખવી અને ઊંઘની અપેક્ષાએ જ તે કહાડવી, એ નિયમ આજે જ ભગ્ન થયો છે. પાશ્ચાત્ય લોકો ઘડી ઘડી શિરોવેષ્ટન કહાડે છે તે પાપમય છે. કેમેકે આપણે તેમ કરતા નથી, માટે તેથી ઊલટું આર્યત્વ સ્થપિત કરવા સતત શિર પર પાઘડી રાખવાનો અને પાશ્ચાત્યો પેઠે સભ્યતાની ઈચ્છાથી નહિ પણ બેભાન થવાના ભયથી જ કહાડવી એવો નિશ્ચય કરી આ પ્રમાણે મેં વર્તન રાખ્યું છે. પ્રથમ તો ઊંઘમાં પણ પાઘડી માથે રાખવાનો વિચાર થયો હતો, પણ મારા અનુયાયીએ હું ઊંઘુ તે સમયે પાઘડી મારે માથે ઝાલી રાખવાની પોતાની અશક્તિ જણાવી તેથી વિચાર ફેરવવો પડ્યો; અને ઊંઘમાં ભાન રહેતું નથી એમ શાસ્ત્રમાં આપણા ઘરડાઓ કહી ગયાં છે તેથી એવી અવસ્થામાં પાઘડીનો વિયોગ અનુચિત નથી એમ ઠરાવ્યું. તેમ છતાં મારી પાઘડી આ રીતે શયન અને નિદ્રાથી ઇતર કારણથી પડી ગઈ તેથી મારા આર્યત્વને આજે હાનિ થયેલી સમજું છું અને તે માટે ક્ષમા કરવી કઠણ છે. જે સુધારાવાળાઓ મારા સરખાં આર્યોચિત કારણ વિના શરીરસુખ અથવા રુચિના હેતુથી પાઘડીનો વિયોગ કરે છે અને ટોપી આદિ શોક્યોના સાલથી દુઃખિત થયેલી તેમની પાઘડીઓ મારે ઘેર આવી પોક મૂકી મારા કોમળ હૃદયને કેવું વ્યથિત કરી નાખે છે તે ધ્યાનમાં લેતા નથી તેમને હું ક્ષમા કરી શકતો નથી અને "ઋષિઓ પાઘડીઓ નહોતા પહેરતા, કેટલીક પાઘડીઓ મુસલમાનોના પહેરવેશ પરથી લીધેલી છે, પાઘડી કેવી પહેરવી એ વિષે શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી અને પ્રકૃતિમાં તેના નિયમ જણાવેલા નથી, પ્રત્યેક ગામ અને પ્રત્યેક નાતનાં મનુષ્યોના માથાંની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ અને તાળવાનું ઘટપણું લક્ષમાં લઈ પાઘડીઓના આકાર અને ભાર સૃષ્ટિના આરંભથી નક્કી થયેલા છે તથા તેમાં ફેરફાર કર્યાથી માથું વશ નથી રહેતું એ વાત ખોટી છે." એવી એવી રૂઢિભક્તોનું કાળજું છટકાવી નાખનારી દલીલો આપનારા એ વેદવિરોધીઓને ક્ષમા કરવાની કલ્પના પણ હું સહન કરી શકતો નથી. શિર અને શિર પર ભારરૂપ થવાને વિધિએ સર્જેલી પાઘડી વચ્ચેનો સંબંધ ન સ્વીકારનારા આપણા પૂર્વજો માથે ઘંટીના પડ મૂકતા તેનો પુરાવો હાલની પણ કેટલીક પાઘડીઓના આકારથી મળે છે. માટે પ્રાચીન રીતિની પુનઃસ્થાપના કરવા સારુ પાઘડીઓ વધારે હલકી નહિ પણ ભારે કરવી જોઈએ એમ ન માનનારા અને 'છૂટ' શબ્દ આર્ય પ્રજાએ કદી સાંભળવો જ ન જોઈએ એ ભૂલી જઈ માથે પહેરવામાં ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે છૂટ માગનારા-એ આર્યશત્રુઓને પાઘડીઓના વિયોગ માટે ક્ષમા કરવી એમાં હું સનાતન ધર્મનું ઉલ્લંઘન સમજું છું. તો પછી એક આર્યપક્ષવાદથી જ મારા આર્યત્વની હાનિ થાય તે માટે પ્રમાણભાવ છતાં ક્ષમા હું કયા શાસ્ત્રાધારે કરું? હું શાસ્ત્રાધાર વિના પાણી પીતો નથી. ઘરડાઓ શાસ્ત્રમાં કહી ગયા છે કે તરસ લાગે ત્યારે પાણી પીવું તે માટે જ હું જલપાન કરું છું. શરીરને અને ગળાને પાણીની આવશ્યકતા છે એવા સુધારાવાળાના અનાર્ય તર્ક હું લેશમાત્ર માનતો નથી.'

ભદ્રંભદ્ર બોલી રહ્યાં છે એવી ખાતરી કરવા એક ક્ષણવાર વાટ જોઈ વલ્લભરામ બોલ્યો, 'એ જ આર્યત્વ છે, એ જ આર્યત્વનું ભૂષણ છે. શાસ્ત્રાધાર વિના ડગલું પણ કેમ ભરાય? આર્યપક્ષવાદીએ તો પાપ કરવાની ઈચ્છા થાય ત્યારે પણ પાપ શાસ્ત્રને આધારે કરવાં જોઈએ. એવા આધાર ન મળે તેમ નથી. પાઘડીપ્રતિષ્ઠા વિષે જે કહો છો તે અક્ષરશ: સત્ય છે અને આર્યત્વમાં કેવી ઝીણી ઝીણી બાબતોમાં ઊતરવાની ખૂબીદાર શક્તિ છે તે આથી સિદ્ધ થાય છે. હું તો કહું છું કે હજામ પાસે નખ લેવડાવવામાં પણ આર્યત્વ છે. બીજી પ્રજાઓમાં એવો રિવાજ ન હોય તો આર્યપ્રજા તેમ શાસ્ત્રાધાર વિના કરે નહિ, કરી શકે નહિ, કરી શકે એમ ઘટે નહિ. પણ આમ પાઘડી પડી ગઈ તેમાં આર્યત્વને હાનિ થઈ સમજો છો એ ભૂલ છે. બેભાન થવાને સમયે તો પાઘડી કહાડવી જ જોઈએ કે તે રગદોળાઈ તેનું સનાતન આર્યધર્મ વિરુદ્ધ અપમાન ન થાય એ આપનો પણ નિશ્ચય છે, તો ત્રવડીએ તમાચો માર્યો તે પછી આપ બેભાન થયેલા ગણાઓ, કેમ કે માર ખાઈને સર્વ કોઈ બેભાન થાય છે એમ અંગિરસસ્મૃતિમાં લખ્યું છે અને વળી આપના આર્યત્વની હાનિ કરવાની તે કોનામાં તાકાત હોય! શું રાવણ રામચંદ્રને ગભરાવીને, રડાવીને અને હંફાવીને પણ તેમના અવતારસ્વરૂપને હાનિ કરી શક્યો હતો? શું પાર્વતીના સ્નાન સમયે શિવને ઘરમાં અટકાવવા ગણપતિએ તેમને "જટા સાહીને પાડી નાખ્યા અને ઢીંકાપાટુ ને ગડદા" લગાવ્યા તેથી શિવના મહાદેવત્વને હાનિ થઈ હતી? શું પાતાળમાં અહિરાવણના દ્વારપાળ મકરધ્વજે પોતાના પિતા હનુમાનને "બહુ ક્રોધથી મુષ્ટિકા હણી" તેથી હનુમાનના મુરુત્સુતત્વમાં હાનિ થયેલી કદી મનાઈ હતી? એવા પુરુષોની કુચેષ્ટા તો પ્રહાર સમયે પણ આપ જેવાના મહત્ત્વની અચલતા સાબિત કરવા માટે જ થાય છે, એ લોકોના લાતમુક્કા અભિનંદનીય થાય છે. આપ જેવાના સંબંધથી એ પામરજનો ધન્ય થાય છે. કહે છે કે ગોવર્ધન ઊંચકતાં શ્રીકૃષ્ણની ટચલી આંગળી એ પથ્થરની ધારથી છોલાઈ ત્યારથી તે પથ્થર શ્રીકૃષ્ણની સ્મૃતિમાં રહી જવાથી વિષ્ણુપદ પામી ગયો અને ત્યારથી ગોવર્ધન પર્વતમાંનો દરેક પથ્થર ખેદ કરે છે કે મારાં ધન્યભાગ એવાં કેમ નહિ કે હું શ્રીકૃષ્ણને ન વાગ્યો અને ગોવર્ધન પર્વત જાતે પણ ખેદ કરે છે કે મેં કેમ ભૂલ કરી કે હું તે વખતે શ્રી કૃષ્ણ પર તૂટી ન પડ્યો. મહપુરુષોને તો કચરી નાખવામાં પણ પુણ્ય છે. મહાપુરુષો ક્યાં છે? આપ તો પૂર્વજન્મના સુકર્મે અમને મળી ગયા છો.'

ભદ્રંભદ્રને કચરી નાખવાનો આ લોકોનો વિચાર જાણી મેં સભય આકૃતિએ ભદ્રંભદ્ર તરફ દ્રષ્ટિ કરી, પણ ભદ્રંભદ્ર તો પ્રસન્ન થઈ બોલ્યાં, 'એ તો યથાર્થ છે, પોતાને કૃતાર્થ કરવાનો એવો ત્રવાડીઓ આશય હોય તો તેમનો પ્રયાસ સ્તુતિપાત્ર છે અને હું ક્રોધાવિષ્ટ થયો માટે ક્ષમા માંગુ છું, પણ પ્રહાર જરા ધીમેથી કર્યો હોત તો ચાલત.'

વલ્લભરામ કહે, એમાં જ મૂર્ખતા થઈ એમ હું કહું છું. બાકી આશય વિશે તો સંશય મને છે જ નહિ.'

પોતાની પ્રમાણિકતા માટે સંશય થવાથી ખોટું લાગ્યું હોય એવી આકૃતિ કરી ત્રવાડીએ ભદ્રંભદ્ર તરફ જોઈ રહ્યું, 'મારા આશય વિશે શક લાવવો આપને ઘટે છે? આવો પ્રહાર કરવો એ જ આશય અને તે ધીમેથી કેમ થાય? अधिकप्याविकं फलम् એવો લોભ તો સર્વને હોય જ. પણ આપ જે વાર્તા કહો છો તે બંધ રાખો તો કેમ?'

ભદ્રંભદ્રે પણ પાઘડી પહેરતાં પહેરતાં એવી જ મરજી જણાવી, પણ વલ્લભરામ ત્રવાડી ભણી જોઈ બોલ્યા, 'હજાર વાર રહસ્ય સમજાવ્યા છતાં તું સમજતો નથી. દેવથી કથા તે અધૂરી રખાય! સત્યનારાયણની કથા અધૂરી સાંભળી ઊઠી જનાર હજારો મનુષ્યો તત્કાલ મૃત્યુ પામ્યાના દાખલા શું આપણે કલ્પી શકતા નથી? એવા દાખલા બન્યા નથી તેનું કારણ એટલું જ કે કોઈ એમ ઊઠી ગયું નથી. પણ માટે સિદ્ધાંત ખોટો નથી. ઊલટી ઉદાહરણ વિના સિદ્ધ થઈ શકવાની એ સિદ્ધાંતની ખૂબી જ પ્રકાશિત થાય છે અને લીલાદેવીનું માહાત્મ્ય કંઈ એથી ઓછું નથી કે કથા અધૂરી રાખતાં એવા કોપની ભીતિ ન રહે.' ભદ્રંભદ્ર તરફ જોઈ વલ્લભરામ બોલ્યા, 'મહારાજ, આપ એ વૃત્તાંત અગાડી ચલાવોને. ત્યાં અમે જણાયા એવી ભ્રાંતિ આપને કેમ થઈ તે આ પૂરું થયા પછી સમજાવીશું. એટલે ઠગ કોણ તે આપોઆપ જણાશે. ઠગ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત સ્થગ્ ધાતુ પર જ છે. જે છાનું રાખે, ખરું ન કહે, ખરી વાત ન કહે, પછી જાણી જોઈને, ભૂલથી કે ભ્રાંતિથી તે ઠગ. જે ખરી વાત જાણે તે ઠગ કહેવાય નહિ, કેમકે ખરું જાણવું તે ખરું કહ્યા બરોબર છે; જાણવું અને જણાવવું તે એક જ છે. કારણ કે જાણ્યા વિના જણાવી શકાતું નથી અને જ્ઞાતા જ્ઞાનક્રિયા સાથે વિશ્વમાં સર્વવ્યાપ્ત છે. આપના રસિક સુભાષિત અને મનોરંજક વૃત્તાંતમાં આ સર્વનું જ્ઞાનનું મૂળ છે. માટે તે અગાડી કહી અમને કૃતાર્થ કરો.'

આ વચનો સાંભળતાં ભદ્રંભદ્ર કંઈક વિચારમાં પડ્યા, કંઈક ગૂંચવાયા તથા 'મનોરંજક' શબ્દ સાંભળી ચમક્યા. છતાં આખરે કંઈક રાજી થયા અને વાર્તા ફરી શરૂ કરી બોલ્યા કે,

'દેવીની બે પાસે બેઠેલા બે પુરુષો વિશેની મારી કલ્પના ખરી હશે કે ખોટી હશે, પણ મારું ત્યાં જવું તેઓને રુચ્યું નહોતું એમાં સંશય નથી. ક્ષોભ મૂકી દઈ બેમાંથી એકે મને પાસે બોલાવવાની સાન કરી. હું સભય આશ્ચર્યથી એવો સ્તબ્ધ થઈ ગયેલો હતો કે અનાયાસે જ મેં તેની ઈચ્છાને અનુસરી તેના ભણી ગતિ કરી. એવામાં એકાએક બીજાએ મરા મુખ પર ખોબો ભરી ગુલાલ નાખ્યું. ચિંતાથી મારા મુખ પરથી પદ્મસમ રક્તતા ઊડી ગયેલી દેખાયાથી મારી મુખલક્ષ્મી પાછી આણવા તેણે આમ કર્યું હશે અને વૈકલવ્ય છતાં મારું મહાપુરુષત્વ જણાઈ જવાથી પોતાના મંડળની પ્રતિષ્ઠા વધારવા માટે અને તે મંડળમાં લઈ લેવા તે ઉત્સુક હશે; પણ મને પ્રથમ પૂછવું જોઈતું હતું કે હું મારી આંખોની સંમતિ મેળવી લેત. આંખોની સંમતિ વિના ગુલાલ અભ્યાગત થઈ તેમને આવાસે ઘૂસી ગયું તેથી મને ક્રોધ ચડ્યો અને તેમને મનાવવા હું નીચો વળી આંખો લૂછવા લાગ્યો. મારો શ્રમ બચાવવાના હેતુથી અથવા જે કૂવાના જલથી દૂર રહેવા હું ઉત્કંઠિત હતો તેને મારો પાવન સ્પર્શ થવો સમૂળગો રહી ન જાય એ ઈચ્છાતી કોઈએ મારા પર પુષ્કળ પાણી રેડ્યું. અભિષેક બસ કરવાની સંજ્ઞા કરવા મેં ઊંચુ જોયું તો એક મનુષ્યે જળપાત્ર નાખી દીધું અને બીજા કેટલાક તેને આવી મળતાં તેઓ કૂંડાળુ વાળી મારી આસપાસ ચક્કર ફરવા લાગ્યા. હસ્તના અનિયંત્રિત ઉલ્લાસ સહિતની તેમની ત્વરિત ગતિ વખાણવા જોગ હતી, પણ તે બહુ વાર ટકી નહિ. એક પુરુષ કૂંડાળામાંથી નીકળી મારા બે ખભા પર જોરથી હાથ મૂકી મને બેસાડી જઈ મારા પરથી કૂદી ગયો અને તે પછી બાકીના સોબતીઓએ પણ તેમ કર્યું. ખભા પર આટલા બધા આંચકા લાવ્યા છતાં હું ઊથલી ન પડ્યો એ નવાઈ જેવું હતું. તે લોકોની કૂદવાની કુશળતા અથવા મારી બેસવાની કુશળતા એ બેમાંથી એકનું પરિણામ તો એ હતું જ. બળતી આંખો, ભીનાં લૂગડાં, દુખતા ખભા ભૂતકાળનો શ્રમ અને વર્તમાનકાળની અસ્વસ્થતા. એ સર્વ સાથે આ કુશળતા કોની તેનો નિર્ણય કરવામાં ચિત્તને લગાડવાનું બની શકે તેમ નહોતું અને બીજા કોઈ નિષ્પક્ષપાત નિર્ણય કરે એવી આશા નહોતી તેથી કોઈ વધારે ન્યાયાનુકૂળ સ્થળમાં જતા રહેવા નિશ્ચય કરી મેં ધૈર્ય ધરી સર્વ ભણી દૃષ્ટિ ફેરવી કહ્યું,

"હું આ કૂવામાં અકસ્માત્ ઊતરી આવેલો છું અને બહાર નીકળવાનો માર્ગ શોધું છું."

'રાત્રે ભોંયરામાં જે અસાધારણ પુષ્ટિવાળો પુરુષ મને મળ્યો હતો તે સુભાગ્યે મારા પરથી કૂદી જવામાં નહોતો પણ દૂર બેઠો નિરીક્ષણ કરતો હતો. આ સમયે તે બાવા જેવો નહોતો લાગતો પણ સર્વ પેઠે સાધારણ વેશમાં જ હતો, તેનું મૌન અપૃચ્છામાં ન માઈ શક્યાથી તે બોલે ઊઠ્યો,

"રાત્રે દેવીના મંદિરમાં મારી પૂજામાં વિધ્ન કરવા તું આવ્યો ત્યારે પણ અકસ્માત્ આવ્યો હતો અને માર્ગ શોધતો હતો ખરું વારુ?"

'ઊભો થઈ અગાડી આવી બધા ભણી જોઈ તે બોલ્યો, "લીલાદેવીના મંદિરનો તળાવ તરફનો પગથિયાવાળો માર્ગ અને કૂવા માંહેલો ગલીનો માર્ગ આ માણસ જાણી ગયેલો છે. એ મારી શંકા ખરી ઠરે છે અને કોઈ રીતે ભોંયરાનું ઢાંકણું ઉઘાડવાનો વિધિ પણ એ જાણી ગયો છે, માટે હવે એને પાછો જવા દેવો એ સલામત નથી. બે તરફને માર્ગે આવજા કરતો એને અટકાવવો જ જોઈએ. માટે એના શરીરના અઠ્ઠાવીસ કકડા કરું છું, તેમાંથી એકેક તમો સત્તાવીસ નક્ષત્રમાંના દરેકને અને એક સોમસ્વરૂપ લીલાદેવી! તને બલિદાન આપું તે માટે પરવાનગી આપ. મારી પૂજાની ઈર્ષ્યા નક્ષત્રોમાંથી પણ કોઈકને હશે અને તેમાંથી કોઈએ ભંગ કર્યો હોત તો તેની શિક્ષા દેવી! તું કરત. પણ પાતાળમાં કૌતુક જોવા નીકળેલા આ સાહસિક દુષ્ટને તો મને જ શિક્ષા કરવા દે. મંદિરમાં તળવાની સામગ્રી હોત તો હું ત્યાં જ એનો વધ કરત અને વ્રતભંગ પછી મંદિરમાં પગ મૂકવાનો નિષેધ ન હોત તો એને ત્યાંથી ઉપાડી લાવવાની ગોઠવણ કરત. ચંદ્રમંડળ બહારના મનુષ્યના સ્પર્શ અને દર્શનથી દૂર રહેવાનું મારું વ્રત છેક છેલ્લી રાત્રિએ આ દુષ્ટે ભગ્ન કર્યું છે તેથી મારો કોપ એનો વધ કર્યા વિના નહિ શમે."

'ચંદ્રમંડળમાં ફરી અટ્ટહાસ્ય વ્યાપી રહ્યું, પણ તે પહેલાં જેટલું લાંબું ચાલ્યું નહિ. લીલાદેવીની પાસેના બે પુરુષોએ ઊઠીને કેટલાકને ઘસડ્યા, કેટલાકના કાન આગળ બૂમો પાડી અને સર્વને હાસ્યના કેફમાંથી જગાડ્યા. બેમાંથી જે આપ વલ્લભરામના જેવો હતો તેણે સ્વસ્થ થયા પછી મારા ભણી આંગળી કરી દેવીને કહ્યું.

"આ મનુષ્ય સ્વાદિષ્ટ કેવો હશે કે નહિ તે વિજ્ઞાયા અગા. તેને ભક્ષવાની નક્ષત્રોને ફરજ પાડવી એ અવિહિત છે. જ્ઞાન વિના આનંદ સંભવતો નથી. વળી મદિરાપાન વિના માંસાહારની વાત કરવી એ પાપ છે. બ્રહ્મજ્ઞાન પ્રમાણે મદિરા અને અમૃતનો અભેદ છે, માટે અધિકારીઓ બંનેને જ્ઞાનવારુણીને નામે ઓળખે છે. વારુણીનું આવું જ્ઞાન સ્વરૂપ છે તેથી તે માંસાહારને દોષરહિત કરે છે અને તે વિના એ આહાર કરવો નિષેધ્યો છે, શાસ્ત્રમાં માંસનો નિષેધ છે અને મદિરાનો નિષેધ છે, પણ બંને સાથે લેવાનો નિષેધ કોઈ પણ સ્થળે નથી, તેનું આ જ કારણ અધિકારીઓએ માન્યું છે. વારુણીનું જ્ઞાન સ્વરૂપ સમજવું મુશ્કેલ છે; માટે જ સામાન્ય મનુષ્યોને વારુણીનો સમૂળગો નિષેધ લખ્યો છે. દુનિયામાં બધે સામાન્ય મનુષ્યો જ વસે છે. માટે જ સર્વત્ર ઉભયની શાસ્ત્રાધારે સપ્ત મના આગ્રહવી પડે છે. પણ આ અધિકારી ચંદ્રમંડળ સમક્ષ સત્ય કહેવામાં હરકત નથી. આ સ્થળે તો સત્ય અસત્ય થઈ જાય એવી ભીતિ નથી, બહારની દુનિયામાં તેમ ભગવાનની ભિતીને લીધે સત્ય અસત્યની ઝાઝી દરકાર રાખવી ઘટતી નથી. પણ આ મંડળમાં દેવી તમને શાસ્ત્રમાં દૃઢવવાની ફરજ છે. "મને આશ્ચર્યથી ચમકી ઊછળતો જોઈતે વળી બોલ્યો, "ઉપરના સર્વ વિચાર મેં જતે કર્યા નથી અને તે મારા પોતાના છે એમ હું કોઈને ભાષતો નથી અને એમ માનવાનું કોઈને કારણ આપ્યું નથી, પરંતુ આપણા શાસ્ત્રમાં જે બહુ બહુ વાતો કથી છે તે કહેવાનું ઉદ્દેશું છું. શાસ્ત્રથી ડાહ્યા થવાને હું ઘૃષ્ટતો નથી."

'શાસ્ત્રમાં મનુષ્યમાંસ ખાવાની આજ્ઞા છે કે નહિ તે ચાલાકીવાળા વચનોથી જણાતું નહોતું. પરંતુ તેવી આજ્ઞા હોય તોપણ ન માનવી જોઈએ એટલી શાસ્ત્રવિરુદ્ધ બુદ્ધિ મને આ સમયે થઈ તેનું કારણ કદાચ આત્મરક્ષણની ઈચ્છા હશે. આ વિનાશકારી ઈચ્છા આ વેળા મને સહાયભૂત થઈ, અને મને સૂઝાડ્યું કે શાસ્ત્રાનુસરણ માટે મથનાર એ માણસનો પ્રયત્ન ખરેખરી રીતે મને બચાવવા માટે નહોતો, પરંતુ મારા ભાગ પાડી વહેંચી લેતા પહેલાં મને ચાખી જોવાનો અને મારો આહાર કરતાં પહેલાં મદિરાપાન કરવાનો અથવા અથવાતો આહાર અને પાન બંને સાથે કરવાનો હતો. મારે શાસ્ત્રાર્થ કરવાનો આ સમય નહોતો અને શાસ્ત્રાર્થીએ મહોટા ભૂદેવને જ ખાવા તત્પર થાય તે શાસ્ત્રને કેમ છોડે એ ભિતીને લીધે મને લાગ્યું કે તેની સમક્ષ શાસ્ત્ર મૂકવામાં શાસ્ત્રના રક્ષણને હાનિ છે. તે પોતે તો શાસ્ત્રની આજ્ઞા કે નિષેધની અપેક્ષા વિના ભૂખતરસને જ અનુસરતો હોય અને માત્ર બીજાને પ્રસન્ન કરવા તથા મહોટાઈ મેળવવા માટે જ શાસ્ત્ર નામનો ઉપયોગ કરતો હોય એમ લાગતું હતું. માટે રોગી જેમ વ્યાધિના ત્રાસથી યમનું શરણ માગે તેમ તેને પડતો મૂકીને મારો આહાર કરવાની મૂળ સૂચના કરનાર પર અસર કરવાનો મેં વિચાર કર્યો, તેની સાથે હસ્ત જોડી એ નમસ્કાર મને પોતાને કરું છું એમ મનમાં સમજી લઈ મેં કહ્યું,

"આપ નક્ષત્ર કેમ છો, આ સોમસ્વરૂપ લીલાદેવી કેમ છે, તે હું જાણતો નથી. રાત્રે મંદિરમાં આવ્યા તે પહેલાં મંદિર વિશે હું કશું જાણતો નહોતો અને હમણાં આપે કહ્યું ત્યારે જ જાણ્યું કે આ કૂવામાંથી મંદિરમાં જવાય છે. અહીંથી બહાર કેમ નીકળાશે તે પણ હું જાણતો નથી. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનું મારું અજ્ઞાન મને નિરાપરાધી ઠેરવે છે. દેવીના મંદિરમાં મારું ઊતરી આવવું ઈચ્છાપૂર્વક નહોતું, બે-ત્રણ માણસો અંધારામાં મને સીડીમાં નાખી ગયા હતા અને તે પછીની મારી ગતિ મારા શરીરની છતાં મારી ઈચ્છાને અનુસાર નહોતી. તેમનો હેતુ શો હશે તે હું જાણતો નથી અને તે વિષે તેમને પૂછી જોવાનું બની શક્યું નથી. હું પાછો બહાર નીકળ્યો ત્યારે પણ તેઓ કે બીજા કોઈ દૂર ચાલ્યા જતા હતા અને સીડીનું બારણું ઉઘાડનાર અમે છીએ કે અમે નથી એટલું પણ કહેવા ઊભા રહ્યા નહોતા. તે પછી શત્રુરૂપ કુતૂહલથી ભમાઈ વૃક્ષ પર ચડતાં ડાળી ભાંગ્યા પેઠે આડી વળી જવાથી હું કૂવામાં લટકી આવ્યો અને તે દશામાંથી છૂટવા અકસ્માત આ માર્ગના બારણામાં ઊતરી પડ્યો છું. આપ સર્વ વિશે જાણતો હોઉં તે છતાં હું અહીં આવું એમ તો આપ પણ માની શકો નહિ. મેં જે કષ્ટ અને વેદના સહ્યાં છે તે લક્ષમાં લેતાં હું કોપને નહિ પણ દયાને પાત્ર થાઉં છું. તમારા સર્વનું અટ્ટહાસ્ય અખંડિત રહો, પણ તે હાસ્યની શ્વેતતા મારા રુધિરથી રક્ત કરવી ઘટતી નથી. મારું શરીર રોગવાળું તથા દુર્બળ છે, તે ભક્ષ કરવાથી તમારી ક્ષુધા તૃપ્ત નહિ થાય. મને બહાર નીકળવાનો માર્ગ જડે તો આ દિશા ભણી મારા પગ ફરી વાળ્યા પણ વળે નહિ એવો મને તો નિશ્ચય થયો અને આપને પણ થવો જોઈએ.

'મારું માન સચવાય નહિ એવી રીતે મારા પેટ પર તથા શરીર પર બે-ત્રણ ઠેકાણે આંગળીઓ દબાવી તથા ઠોકી તેણી ઉત્તરમાં કહ્યું,

"આ શરીર રોગી કે દુર્બલ હોય એમ માની શકાતું નથી. પણ માંહેની માટી હલકી જાતની હશે ખરી. તે વિના આવું કાયરતાપણું હોય નહિ. એવી માટી કૂતરાને જ નાખવા જોગ છે. તારો વાંક નથી. પણ અદેખા નક્ષત્રોનું એ કામ છે. હવે તો તને બહાર કહાડ્યા પછી જ ઘટતા ઉપાય લઈ શકાશે. પણ બહાર નીકળવાની યુક્તિ તો તને બતાવાય નહિ. જા બેસ, તને કોઈ નહિ છેડે. માથાનાં બે ફાડ્યાં કરાવવાં હશે તે જ હવે આ કોથળામાં ભરેલી માટીનાં આહાર માટેના શાસ્ત્રાધારનું ઓથું પકડી મારા વ્રતભંગમાં થયેલા દગાની વાત ઉડાડવા પ્રયત્ન કરશે."

'શાસ્ત્રમાંની બહુ બહુ વાતો કહેનાર ભણી મારાથી જોવાઈ ગયું, પણ તેમને ધ્રૂજતા અને બેઠા બેઠા સ્વસ્થાનમાં પાછા હઠતા જોઈ મેં બીજા નક્ષત્રો ભણી દૃષ્ટિ કરી. નિરાશા, ભય, કુતૂહલ ઇત્યાદિ વિવિધ ભાવોની રેખા તેમના મુખ ઉપર જોઈ છુટકારાનો સમય પાસે આવ્યા છતાં કંઈ અનિષ્ટની શંકા થવાથી વિચારશૂન્ય થવાનો પ્રયત્ન કરતો હું એક ખૂણામાં બેઠો.

'તે પ્રચંડ પુરુષની સંજ્ઞાથી એક એક નક્ષત્રો ઊઠ્યા અને શીશીઓમાંથી ત્રાંબાનાં પાત્રોમાં મદિરા રેડવા લાગ્યા. મદિરાપાનથી મંડળી પાછી કેવી દશામાં આવશે અને તે દશાથી મારા ભાગ્યમાં શું પરિણામ થશે એ વિચારથી ચિત્તમા વ્યથા થવા લાગી. પણ મદિરાથી ભરેલાં પાત્ર લીલાદેવીની આસપાસ સાપ, વીંછી ઈત્યાદિ જેવી વિધવિધ રચનાથી નક્ષત્રો ગોઠવવા લાગ્યા તે જોતાં ચિત્ત સભય કુતૂહલની અવસ્થામાં આવ્યું. પાત્ર ગોઠવાયા પછી વહેંચવાની આજ્ઞા મને કરી. દેવીને પ્રથમ નમસ્કાર કરી એક પાત્ર આપ્યા પછી પ્રત્યેક પાત્ર દેવીની પ્રદક્ષિણા કરી રચનાને અમુક ખૂણાથી ઉપાડી હારેહાર બેઠેલા નક્ષત્રોને એક પછી એક આપવાનું હતું. આ સેવા કરવાના કે ન કરવાના વિષયમાં મને ઈચ્છા વાપરવાની છૂટ આપી જ નહોતી. તેથી એ સેવાની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરવામાં મેં કાલ કહાડ્યો જ નહિ. પાત્ર લેતી વેળા નક્ષત્રો કંઈક અનુનાસિક ઉચ્ચાર કરતા હતા. પાત્રની આકૃતિ એવી વાંકીચૂંકી હતી કે, તેમાં મદિરા રેડ્યાં છતાં હાથમાં લેતાં તે મારાથી દેખાતો નહોહો, તેથી પાત્રમાં શી રીતે પાન કરશે તે જોવાની મને ઉત્કંઠા થઈ. પણ પ્રત્યેકે મ્હોં પર લૂગડું આડું ધરી પાત્ર ઢાંકેલું રાખીને ઠાલવી દીધું. આ જ વિધિએ મદિરાપાન બીજી વાર કરવામાં આવ્યું.

'નક્ષત્રોમાં ઉન્મત્તતા વધશે એટલે નાસી જવું અનુકૂલ પડશે એમ ધારી ક્યે દ્વારથી ચાલ્યા જવું તે નક્કી કરી રાખવા હું ચારે મત જોતો હતો, એવામાં એક નક્ષત્ર મદિરા પાત્ર લઈ મારી પાસે ધસી આવ્યો. કદાચ તે પીવાને આગ્રહ કરે તો દેવીને અર્પિત કરવાથી દોષરહિત થયેલ મદિરા, પણ પાત્રમાં પ્રથમ પીનારની જાત જાણ્યા વિના કેમ પીવાશે એ આશંકાથી હું દૂર હઠવા લાગ્યો. બીજા બે-ત્રણ નક્ષત્રો ત્યાં દોડી આવ્યાં. ભયનો માર્યો મારું મહત્ત્વ ભૂલી જઈ હું આમતેમ દોડવા લાગ્યો. મારી પાસે આવવાનો હેતુ તેમને પૂછવાનું ગભરાટમાં મને સાંભર્યું નહિ. આ દેખાવ જોઈ ફરી પાછું અટ્ટહાસ્ય વ્યાપી રહ્યું. એ છેલ્લું જ અટ્ટાહાસ્ય મેં સાંભળ્યું. દોડતાં દોડતાં ઠોકર વાગવાથી કે કાંઈ આંટી આવવાથી હું પડી ગયો, પડી ગયો તેવો જ મને ઉપાડી એક અંધારી ઓરડી ઉઘાડી તેમાં નાખ્યો. ત્યાં પડતાં માથું એકાએક ઘણું અફળાયું એમ લાગ્યું તે પછી શું થયું તેનું મને ભાન રહ્યું નહિ.

'હું શુદ્ધિમાં આવ્યો ત્યારે આંખો ઉઘાડીને જોયું તો એક કૂતરો મારું મ્હોં સૂંધતો હતો. તેનો આ કુચેષ્ટાવાળો વ્યાપાર અટકાવવા મેં તેના મ્હોં પર મુક્કી મારી અને તેને અપમાન ભરેલા શબ્દ સાથે દૂર કહાડ્યો. બેઠા થઈ આસપાસ દૃષ્ટિ ફેરવતાં કૂવો કે ભોંયરું કંઈ જોવામાં આવ્યું નહિ. એક પડખે નગરનો ઊંચો કોટ હતો, બીજે પડખે ઉકરડો હતો. ઉકરડા ઉપર કાગડાઓ બેઠા બેઠા જાણે કૂતરાને મારી ખબર કહાડવા તેમણે મોકલ્યો હોય તેમ મારા ભણી અને જિજ્ઞાસુ વદને ઊંચા કાન અને નીચી પૂંછડી કરી મારી સામે આઘે સ્થિર ઊભા રહેલા કૂતરીજાયા ભણી, તેઓ સર્વ જોઈ રહ્યાં હતા. પશ્ચિમમાં સૂર્ય રક્ત થઈ મારા લોહીલોહાણ થયેલા શત્રુવર્ગ પેઠે અસ્ત પામતો હતો તથા પૂર્વમાં આઘે નગરમાંથી બહાર નીકળતાં ગાડાંની ધૂળ મારા યશ પેઠે આકાશ ભણી ઊડતી હતી અને બે વચ્ચે આવેલો હું યુદ્ધ અને યશ વચ્ચે આવેલા વિજયની ઉપમા પામતો હતો. રાક્ષસના હાથમાંથી છૂટી નગર પાસે આવ્યો એ જ વિજય હતો, પરંતુ એ વિજય શી રીતે મળ્યો એ હજુ સુધી અજ્ઞાત રહ્યું છે. મને શું સવારનો કોઈ બહાર લાવ્યું હશે અને શું સવારથી સાંજ સુધી આ દુર્ગન્ધી સ્થાનમાં આ કૂતરાની સંભાવના પામતો હું અહીં અલક્ષિત પડ્યો રહ્યો હોઈશ, એ શંકાનિવારણ કરે એવું કોઈ ત્યાં હતું નહિ અને હજુ સુધી મળ્યું નહિ. કૂતરો મને શબ ધારીને આવ્યો હશે કે મારા મ્હોંમાંથી નક્ષત્રોના મદિરા સરખી જે વાસ આવતી હતી તેનાથી આકર્ષાઈને આવ્યો હશે એ એ પણ મહોટો પ્રશ્ન હતો અને તેના ઉત્તરમાં અનેક વાતોનું નિરૂપણ થઈ શકે એમ હતું, પણ, ઉત્તર દેનારનો અભાવ જોઈ એ પ્રશ્નનું ચિંતન પડતું મૂક્યું. ઉદ્વેગના આવેશમાં તે પ્રશ્ન એકાદ વાર કૂતરાને મારાથી પૂછાઈ ગયો પણ મારું માથું ઘૂમતું હતું તે જ એમ થવાનું કારણ હતું. કૂતરાઓ મનુષ્ય સાથે સંભાષણ કરી શકે છે એવો મારો મત થયો નહોતો. મદિરાની વાસ શી રીતે મુખમાં પેસી ગઈ તે સમજાતું નહોતું. પણ જોયેલા ચમત્કારોમાં સમજાય તેવું કેટલું ઓછું છે એ લક્ષમાં લઈ આ જીજ્ઞાસાને મેં પ્રબલ થવા દીધી નહિ. કોઈ મને આ સ્થાનમાં જુએ તો અનુચિત શંકાઓ કરે, તથા જે અજ્ઞાની જનોની પીડાથી દૂર રહેવા હું નગર બહાર જતો રહ્યો હતો તેઓ હવે મને પ્રાપ્ત કરવાના વિષયમાં નિરુત્સાહ થયા હશે એમ ધારી મેં નગરમાં પ્રવેશ કર્યો. આ સર્વ વૃત્તાંત આર્યપક્ષની વિજયયાત્રાના રૂપમાં ગોઠવતો હતો, તેવામાં જ્ઞાતિના વિગ્રહના સંબંધમાં દુષ્ટોના છલથી મારું રક્ષણ કરવા રક્ષકો મને આગ્રહ કરી કારાગૃહમાં લઈ ગયા. તે પછી આ ચમત્કારોના સંબંધમાં કંઈ વધારે જણાયું નથી. હવે તો નિદ્રાનો સત્કાર કરવો જોઈએ.

વલ્લભરામ કહે, 'હા મહારાજ, નિદ્રાવશ થાઓ. નિદ્રામાં જેવા આપને સ્વપ્ન જણાશે તેવું આપે વર્ણન કર્યું તે સર્વ સ્વપ્ન જ જ હતું. રાત્રે દરવાજા બહાર નીકળ્યા પછી દીવાઓ જોઈ ભય લાગવાથી આપ કોઈ ઠેકાણે પડીને ઊંઘી ગયા હશો અને પછી કોઈ પ્રકારે સ્વેચ્છાએ નહિ તો પરેચ્છાએ મદિરાપાન થયું હશે. આ બેભાન દશાઓનાં જે સ્વપ્ન તથા ભ્રાંતિ થયાં તેમાં હું ને ત્રાવડી પણ આપની નજર આગળ તરી આવ્યા તે આપના ચિત્તમાં અમે કેવા દૃઢ વસ્યા છીએ તે દર્શાવે છે. એવી ભ્રમણાને આપ ખરી માનતા હો તો અમારા પર દ્વેષ હોવાથી આપ એમ કહો છો એમ તો અમે નહિ જ માનીએ, કેમ કે અમારા પર આપનો સદ્ભાવ અમે જાણીએ છીએ, પણ આપ વેદાંતજ્ઞાનમાં કાચા છો એમ જ ન છૂટકે માનવું પડશે.'

નિદ્રાને હવે વધારે વાર અટકાવવા ભદ્રંભદ્ર બિલકુલ રાજી નહોતા, તો પણ આવા આરોપ સાથે સકલ શ્રમની સમાપ્તિ થવા દેવાય તેમ નહોતું. તેથી આંખો મીચવી થોડી વાર મુલતવી રાખી હુશિયાર થઈ તેમણે ઉત્તર દીધો.

'સુધારાવાળા પેઠે આપ પણ અદ્ભૂત વાતોને સ્વપ્ન ને ભ્રાંતિ કહી તેમની અદ્ભૂતતા ખૂંચાવી લેવાને પ્રયત્ન કરવો યોગ્ય ધારો છો એ નવાઈ જેવું છે. સૃષ્ટિક્રમ વિરુદ્ધ અથવા અમાનુષ શક્તિવાળું જે કાંઈ જણાય તેને સાધારણ બનાવી નાખનાર "ખુલાસો" તો કદી સાંભળવો જ નહિ - એ એકેએક આર્યનું કર્તવ્ય છે. ચમત્કારો ખોટા પાડવાના ગમે તેટલા પુરાવા સુધારાવાળા લાવે તો એ જ ઉત્તર દેવો ઘટે કે "ચમત્કારો ખોટા પડી શકે જ નહિ," છતાં આ અનાદિ સિદ્ધાંતની અવગણના કરવાની અનાર્યવૃત્તિ આપ ધારો છો એ જોઈ ખેદ થાય છે. વેદાંતજ્ઞાનમાં હું કાચો છું કે પાકો તે તો પરીક્ષા કરી શકે એવો કોઈ મળશે ત્યારે હું નક્કી કરાવી લઈશ. ભ્રાંતિ માનવામાં હું કોઈથી જાઉં એવો નથી. સર્વ કોઈના ડહાપણને અને અભિમાનને હું ભ્રાંતિ જ માનું છું. ને- પછી-તમે- આપણે- હું કહેતો હતો કે- હવે- તો- બીજે કોઈ સમયે વાદ કરીશું."

આટલું કહી ભદ્રંભદ્ર સૂતા. પણ સૂતા સૂતા સાંભળે છે એમ ધારી ઊઠવાની તૈયારી કરતાં વલ્લભરામ બોલ્યા:

"મહારાજ, આપ ઊંઘમાં આવ્યા છો માટે સૂઈ જાઓ. ચમત્કારનો "ખુલાસો" ન ખોળવો જોઈએ. માટે જ આપે મદિરાપાન ન કર્યા છતાં તેની દુર્ગંધ, વિસ્મૃતિ, ઉન્મત્તતાદિ થયેલી અસરો આપનામાં જણાઈ તેમાં હું અશ્રદ્ધા નથી કરતો અને મદિરાજન્ય જેવી જ વિસ્મૃતિ થઈ એમ માનું છું. અદ્ભુતતા ન માનતો હોય તો મદિરાપાન થયું હોવું જોઈએ એવો આગ્રહ કરત અને ભ્રાંતિ વિશે તો આપ ખરું જ કહો છો, આજકાલ સંભળાયાં જાય છે તેવો જ આપનો વેદાંતવાદ છે એમાં લેશમાત્ર શક નથી.'

આ વાક્યો પૂરાં થયાં તે પહેલાં ભદ્રંભદ્ર તો નિદ્રાવશ થઈ ગયા હતા. તેથી સગવડ વિશે કેટલીક સૂચનાઓ મને આપી વલ્લભરામ તથા ત્રવાડી અમારા સૂવાના ઓરડામાંથી ચાલ્યા ગયાં.