ભદ્રંભદ્ર/૪. આગગાડીના અનુભવ (ચાલુ)

← ૩. આગગાડીના અનુભવ ભદ્રંભદ્ર
૪. આગગાડીના અનુભવ (ચાલુ)
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૫. મોહમયી મુંબાઈ →


૪ : આગગાડીના અનુભવ (ચાલુ) : અમૂલ્ય ઓળખાણ

મારી સામે બેઠેલો એક જણ મારી સાથે વાત કરવાને બહુ ઇન્તેજાર હોય એમ જણાતો હતો; પણ વાત કેમ કહાડવી તે વિશે ગૂંચવાતો લાગતો હતો. તેથી મેં તેની મુશ્કેલી દૂર કરવા તેને પૂછ્યું, 'હવે કયું સ્ટેશન આવશે ?'

તેણે કહ્યું, 'મને બરાબર ખબર નથી. વડોદરાને તો વાર છે. તમારે ક્યાં ડાકોરજી જવું છે?'

મેં કહ્યું, 'ના, અમે તો મુંબઈ જઈએ છીએ. ત્યાં માધવબાગ સભા છે.'

'ક્યાં રહેવું?'

'અમદાવાદ'

'બ્રાહ્મણ હશો.'

મેં 'હા' કહી ભદ્રંભદ્ર ભણી જોયું કે તેમને વિશે કંઈ પુછે તો એમના ગુણ વર્ણવું; પણ તેણે ફરી નજર મળતાં પૂછ્યું, 'છોકરાં છે કે ?' મેં 'ના' કહી એ વાત બંધ કરાવવા આડું જોયું.

પણ તેણે ફરી પૂછ્યું, 'બાયડી તો હશે ?'

મેં ના કહેવા ડોકું ધુણાવી મારી પોટલી કાઢી, પણ તેણે તો પ્રશ્ન જારી જ રાખ્યા.

વળી પૂછ્યું, 'પરણેલા જ નહિ કે મરી ગઈ છે ?'

મેં બહુ જ નાખુશીથી જવાબ દીધો, 'મરી ગઈ છે.'

એની જોડે વાત કહાડી તે માટે હું પસ્તાવા લાગ્યો, ભદ્રંભદ્ર જાગે એમ ઇચ્છવા લાગ્યો, બીજો કોઈ એને વાતમાં વળગાડે તે માટે યુક્તિ શોધવા લાગ્યો પણ તે ડગે તેવો નહોતો.

'સુવાવડમાં મરી ગઈ ?' એમ પુછ્યું ત્યારે તો એમ થયું કે પૂછું કે તારે કંઈ કામ છે ? પણ એટલી હિંમત ચાલી નહિ તેથી ભદ્રંભદ્રની પાઘડી ભણી જોઈ કહ્યું કે 'તાવ આવતો હતો.' મેં ઠરાવ કર્યો કે હવે પૂછશે તો જવાબ નહિ દઉં. વળી મેં ધાર્યું કે હવે શું પૂછશે, પૂછવા જેવું રહ્યું છે શું ? માધવબાગની વાતમાં તેને નાંખવા શરૂ કરતો હતો તેટલામાં ફરી પૂછ્યું.

'કોઈ સારો વૈદ નહિ મળ્યો હોય, કે દાક્તરનું ઓસડ કરતા'તા ?' મેં ટૂંકમાં જ કહ્યું, 'વૈદનું.'

'કયા વૈદનું ?'

હું ગભરાઈ ગયો અને આ કંટાળાથી ક્યારે છુટાશે એમ નિરાશાથી વિચારવા લાગ્યો; વળી જરા હિંમત લાવી જવાબ દીધો:

'તમે નહિ ઓળખો.'

'પણ નામ તો કહો ?'

આનો પાર આવત જ નહિ, પણ એવામાં સ્ટેશન આવ્યું. ગાડી અટકી તેથી ભદ્રંભદ્રની આંખો ઊઘડી ગઈ. તેમને પાઘડી આપી મેં વાત કરાવવા કહ્યું, 'તાપ લાગે છે.'

ભદ્રંભદ્ર કહે કે 'હોય, ઋતુના ધર્મ ઋતુ કરે છે, આપણે આપણા કરીએ છીએ.'

ગાડી ચાલવાની તૈયારી થઈ એટલે પેલો માણસ નીચે ઊતર્યો હતો, તે પાછો આવી બેઠો. બીડી સળગાવી પીવા લાગ્યો. ધુમાડો નાપસંદ કરી મેં મોં પરથી તેને કંટાળો બતાવ્યો. ભદ્રંભદ્રને અને મને તેણે એકેકી બીડી આપવા માંડી. ભદ્રંભદ્રે તેનો સ્પર્શ ન થાય માટે સંકોચાઈ કહ્યું, 'અમે બ્રાહ્મણ છીએ. અમારાથી ન લેવાય.'

તે કહે, 'લેવાય નહિ પણ પીવાય ખરી. ઘણાએ બ્રાહ્મણ બીડી પીએ છે.'

ભદ્રંભદ્ર કહે કે 'તે તો ભ્રષ્ટ, પતિત, પાપી, સુધરેલા.'

'એમ કેમ કહેવાય ? શાસ્ત્રમાં તો બીડી પીવાનું બહુ પુણ્ય લખ્યું છે.'

ભદ્રંભદ્ર કહે, 'હોય નહિ, જૂઠી વાત.'

'નહિ કેમ ? જુઓ,'

धूम्रपानं महादानं गोटे गोटे गौदानम् |
अग्निहोत्री महायागे पुनर्जन्मस्य नाशनम् ||

'એવું ધૂમ્રપુરાણમાં લખ્યું છે. મુખ પર અગ્નિ મૂકવાનું મહાપુણ્ય છે. તેથી મડદાંની અવગતિ થતી નથી.'

ભદ્રંભદ્ર જરા વિચારમાં પડ્યા. શંકાશીલ થઈ પૂછ્યું, 'તમે એ પુરાણ વાંચ્યું છે ?'

'જાતે જ. નહિ તો શ્લોક કહું ક્યાંથી ?'

ભદ્રંભદ્રે નોટબુક કહાડી પુછ્યું, 'મને એ શ્લોક લખાવશો ? હું વિચાર કરી જોઈશ.'

'બહુ ખુશીથી. કહો તો લખી આપું.'

'ના લખાવો.'

તેણે ધીરે ધીરે શ્લોક લખાવ્યો તે ભદ્રંભદ્રે લખી લીધો. લખ્યા પછી ભદ્રંભદ્રે કહ્યું, 'મને આ શ્લોક પાછળથી ઉમેરેલો લાગે છે. શાસ્ત્રમાં આવી આજ્ઞા હોય જ નહિ. પણ શ્લોક છે તેથી વિચાર કરવો પડશે.'

એમના મુખ તરફ જોઈ એક-બે પળ પછી એ માણસ ફરી બોલ્યો,

'મહારાજ ! કંકુ બહુ સોંઘું છે.'

ભદ્રંભદ્ર કહે, 'અત્યંત. દેશમાં પાછો ધર્મ સજીવ થવાનું એ ચિહ્ન છે. તિલક વિના ધર્મ કેમ પળાય ?'

'એમ કહો કે ધર્મ વિના તિલક કેમ કરાય. ટીલું કરવું એ કંઈ સહેલ વાત નથી. હું રોજ બે કલાક મથું છું ત્યારે ટીલું કરવા પામું છું. ઊંધે માથે ઊભો રહી રસોઈ સામે જોઈ રહું છું ત્યારે મન ચોંટે છે અને પછી ટીલું ચોંટે છે. એમ ને એમ કરો તો ઊખડી જાય, તમે તો પૂર્વજન્મમાં બહુ પુણ્ય કર્યાં હશે, તેથી આમ કંકુના લપેડા ચોંટી રહ્યા છે.'

ભદ્રંભદ્ર ખુશી થયા પણ મોટા માણસની સાદાઈથી કહ્યું, 'શંકરની કૃપા.'

તે બોલ્યો, 'શંકરના ભગત છો કે ? આપણે તો ગણપતિની જ પૂજા કરવી.'

ભદ્રંભદ્ર કહે, 'તે પણ શંકરના જ પુત્ર છે.'

'પણ ફેર બહુ. હું એક વખત શિવના મંદિરમાં જઈ પોઠિયા પર બેઠો એટલે શિવ મારવા ઊઠ્યા ને હું નાઠો. મને મારી નાખત પણ ગણપતિએ મને બચાવ્યો. ગણપતિને એવું કાંઈ નહિ. એના ઉંદર આવીને રોજ મારું ટીલું ઊંઘમાં ચાટી જતા, પણ મેં બિલાડી પાળી તે દહાડાના ઉંદર મારે ત્યાં ફરકે નહિ, તેથી બિચારા ગણપતિ ચાલતા મારી પૂજામાં આવે. પણ કોઈ દહાડો બિલાડી બાબત બોલવું નહિ ! વાહ ! ગણપતિ મહારાજ, કલ્યાણ કરજો.'

ભદ્રંભદ્ર આ માણસની શ્રદ્ધાથી આશ્ચર્ય પામ્યા. કયા શિવ મંદિરમાં પોઠિયા પર બેઠેલા એ પૂછવા જતા હતા એટલામાં તે વળી બોલી ઊઠ્યો,

'મુંબઈ જવાના ખરું કે ?'

ભદ્રંભદ્ર કહે, 'હા.'

'પહેલાં કોઈ વખત ગયેલા કે પહેલી વાર જ જાઓ છો ?'

'ના, પહેલી વાર જ — ત્યાં કાલે માધવબાગમાં સભા ...'

તે બોલી ઊઠ્યો, 'હું તો બહુ વાર જઈ આવ્યો છું. મુંબાઈ જેવું શહેર દુનિયામાં નથી. ફરતો દરિયો છે અને ઊંટની ડોક જેવો બેટ છે. એટલું મોટું ગામ કે ભૂલા પડો તો પત્તો જ નહિ, તે માટે ઠેરઠેર ટપાલ સારુ લોઢાના થાંભલા દાટેલા છે. રસ્તો ના જડે તો કપાળે ટિકિટ ચોડીને સરનામુ લખી ત્યાં ઊભા રહેવું એટલે ટપાલની ગાડી આવે તેમાં આપણને લઈ જઈ મૂકી આવે. મારે એમ એક વખત ટપાલવાળા જોડે તકરાર થઈ. તે કહે કે, 'તારા ભાર કરતાં ટિકિટ ઓછી છે.' મેં કહ્યું કે 'મેં લાડુ ખાધેલા છે તેનો ભાર કાપી લેવો જોઈએ, કેમ કે લાડુ ટપાલમાં મફત જાય છે.' પછી મને નોટપેડમાં લઈ ગયા. મેં અરજીઓ કરી તે બે મહિને પૈસા પાછા મળ્યા, રોકડા ન મળ્યા, પણ ટપાલ ઑફિસને ઓટલે ચાર દહાડા ભાડા વિના મફત પડી રહેવા દીધો. પાંચમે દહાડે પોલીસ જોડે તકરાર થઈને ત્યાંથી હું જતો રહ્યો. અરજી કરવાની હિંમત જોઈએ.'

ભદ્રંભદ્ર કહે, 'એ ખરું છે. માધવબાગ સભામાં પણ અરજી જ કરવાની —'

તે ઉતારુ વચમાં બોલી ઊઠ્યો, 'મારે માધવબાગ પાસે થઈ મારબાવડીએ બહુ વાર જવાનું થતું. ત્યાં બહુ મોટો મહેલ છે. સાત તો અગાસી છે. ત્યાંના લોક ડગલા કાળા જ પહેરવાના. હું ના મળું તેના શોકમાં મારા બેટા ચાલાક બહુ. મારવાડીનો, ફિરંગીનો, મોગલનો, ચીનાનો, ગમે તેનો વેશ પહેરું પણ મને પારખી કહાડે. હું તો દર વખતે એમ જ કહું કે, 'હું આબરૂદાર જેન્ટલમેન છું. ગાડી વિના હું આવતો નથી. જે લેશે તે આપીશ.' બે સિપાઈમાંથી એક ગાડી લેવા જાય એટલે આપણે ફુટન્તી. એકના શા ભાર ? પણ હંમેશ એ યુક્તિ ના ચાલે. મારે ત્યાં બહુ ઓળખાણ છે. તમારે કોઈ પણ ભલામણ જોઈએ છે ?'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'ધર્મના કાર્ય પર અમારે જવાનું છે. ત્યાં ભલામણની શી જરૂર છે ? અમારે કંઈ ધનની આશા નથી, રાજ્યનો લોભ નથી. વૈભવની તૃષ્ણા નથી, જે સભામાં ભાગ લેવા હું જાઉં છું તેનું પ્રયોજન તો તમને વિદિત હશે. માધવબાગ સભાનું પ્રયોજન એવું છે, એ પ્રયોજન ધ્યાનમાં રાખવાની એવી સર્વોપરી આવશ્યકતા છે કે જે મોટા મહેલના ધનમત્ત નિવાસીઓ માત્ર તમારા વિરહદુ:ખે શ્યામવસ્ત્ર ધારણ કરે છે, તેમની માયાલિપ્ત દૃષ્ટિ તમને ગૂઢ રૂપે રહ્યા છતાં પણ ઓળખી કહાડે છે, તેમને એ પ્રયોજન વિશે સમજણ પડે તો એ પ્રયોજન —'

ભદ્રંભદ્રને અટકાવી તે ઉતારુ કહે, 'પ્રયોજન એટલે પ્ર અને યોજન. યોજન એટલે આઠ કોસ. આઠ કોસથી જેની પ્રકર્ષથી ચિંતા થાય તે પ્રયોજન. મુંબાઈ હજુ આઠ કોસથી વધારે દૂર છે. ત્યાંના પ્રયોજનની વાત હમણાં થાય નહિ. ન્યાયવિરુદ્ધ છે. હું ન્યાય શીખેલો છું. અમારા શાસ્ત્રી બહુ વિદ્વાન હતા. હું ત્રણ વર્ષ તેમની પાસે શીખ્યો. અંતે ધૂળ જેવી તકરારમાં અમારો સંબંધ તૂટ્યો. શાસ્ત્રી મહારાજના ઘરની પાંચ-દસ પાઘડીના તોરા એક પછી એક ગુમ થયા. મેં કહ્યું કે "એ તોરા અનિત્ય હતા. જે વાસ્તવિક રીતે હોય નહિ તે જ નાશ પામી શકે." શાસ્ત્રી મહારાજ કહે કે, "જે ખરેખરું હોય તે જ નાશ પામી શકે; હોય નહિ તેનો નાશ શાનો ?" મેં કહ્યું કે "તે ન્યાયે પણ નાશકારી કારણ વિના નાશ શાનો ?" શાસ્ત્રી કહે, "તું જ કારણભૂત છે." જડમનુષ્ય ભાવરૂપ નાશનું કારણ થાય તે મારા મનમાં ન આવ્યું તેથી મેં શાસ્ત્રીનો સંગ મૂકી દીધો, ઊલટું મારા ગયા પછી શાસ્ત્રીનો ખેસ ખોવાયેલો માલમ પડ્યો. કારણને અભાવે જ વિનાશ !"

ભદ્રંભદ્ર કહે, 'આપ ન્યાય શીખેલા જણાઓ છો. આપના જેવા વિદ્વાનનો સંગ આમ સહજ થઈ જશે એમ મને આશા નહોતી.'

તે કહે, 'મને પણ આશા નહોતી, આપ જેવા કોઈક જ હોય. ધાર્મિક, વિદ્વાન, પુણ્યશાળી, અકલમંદ મનુષ્ય દુનિયામાં ક્યાંથી હોય ! આપના દર્શનનો લાભ એ તો મહાભાગ્ય.'

એવામાં ટિકિટ હાથમાં હતી તે મૂકી દેવા તેણે ગજવામાંથી વાટવો કહાડ્યો. તે ખાલી હતો તે જોઈ તે બોલી ઊઠ્યો, 'અરેરે ! આમાં પચાસ રૂપિયાની નોટ પડી ગઈ ! કોણ જાણે ક્યારે પડી ગઈ ! મારે વડોદરામાં ઊતરી ખર્ચ કરવાનો છે. આ તો ફજેતી. મેં મંદિરમાં બ્રહ્મભોજન કરાવવાનું કહ્યું છે. બિચારા બ્રાહ્મણો ભૂખ્યા રહેશે. નિસાસા મૂકશે તે તો નફામાં. એ તો ઓડકાર પછી હેડકી જેવું. મારી કેવી બેદરકારી !'

ભદ્રંભદ્ર કહે, 'આપને કેટલાક રૂપિયા જોઈએ ?'

'મારે તો હવે થોડેથી જ કામ ચલાવવું પડશે. પાંચ જોઈએ પણ પાછા લેવાનું વચન આપો તો લઉં. પ્રસિદ્ધ રીતે મેળવેલું ધન મારે શિવનિર્માલ્ય છે. મારી આંગળીએ દોરડો જોયો ? મેં વ્રત લીધેલું છે.'

ભદ્રંભદ્ર કહે, 'આપ જેવા વિદ્વાનને સહાયતા કરવી એ ધર્મ છે. પણ ધન એમ ને એમ લીધાથી આપના ધર્માચરણમાં ભંગ થતો હોય તો યોગ્ય લાગે ત્યારે પાછા મોકલજો, હાલ પાંચ રૂપિયા લ્યો.'

ઉતારુ લેતાં કચવાતો હોય તેમ જણાયો. તે કહે, 'સારા માણસને કોઈ વખત આમ શરમાવા જેવું થાય છે.'

ભદ્રંભદ્ર કહે, 'એમાં શરમાવાનું કંઈ નથી. આપ જેવા સદ્ગૃહસ્થને ઘણા ઓળખીતા મળે. લ્યો, અવશ્ય લ્યો.'

તેણે જરા વિચાર કરી કહ્યું, 'ત્યારે તો સાત આપો. સંખ્યા પણ પુણ્ય છે અને મારી ગણતરીમાં પણ ભૂલ ન પડે. લાવો મહારાજ કૃપા થઈ. માફ કરજો, મારું નામ હરજીવન છે. વડોદરાનું સ્ટેશન હમણાં આવશે. મને તેડવા આવનારને મારે ક્યાં ઊતરવાનું તે પૂછી લઈશ. પછી મારું ઠેકાણું આપને કહીશ - આપનું પણ લખી લઈશ. ભાઈ સાહેબ ! ઊતરવાનું કંઈ નિશ્ચિત નહિ. એકને ત્યાં ઊતરીએ તો બીજાને ખોટું લાગે. શું કરીએ ? વડોદરામાં મારે ઝાઝું ઓળખાણ છે.'

ભદ્રંભદ્ર કહે, 'હોય, કેમ ના હોય !'

હરજીવન કહે, 'પાછા આપવાની શરત તો ખરી. પણ તોય રૂપિયા લેતાં મને શરમ આવે છે. એટલો લાભ પણ લીધો કહેવાય. લ્યો, મહારાજ, પાછા લ્યો.'

ભદ્રંભદ્ર આ ટેક જોઈ ચકિત થઈ ગયા. તે બોલ્યો, 'એક મનુષ્યમાં વિદ્વત્તા, સુજનતા, પ્રમાણિકતા ઇત્યાદિ સર્વ મહાગુણો સાથે રહી શકે તે આજ લગી મારા માનવામાં નહોતું, હવે નિશ્ચય થયો. ના મહારાજ, રૂપિયા હાલ રાખો. એટલી મારા પર કૃપા કરો.'

હરજીવને આનાકાનીથી રૂપિયા રાખ્યા. તે કહે, 'મહારાજ, રૂપિયાને બદલે એક લાભ આપને આપવા દો. એથી મને સંતોષ થશે; મુંબાઈમાં મારે એક શ્રીમંત મિત્ર છે. તેના વાલકેશ્વરના બંગલામાં શિવનું ગુપ્ત મંદિર છે. લોકોને તે વિશે ખબરે નથી. તેનાં દર્શન કોઈને તે કરાવતો નથી. રોજ પૂજાસામગ્રીમાં રોકડા હજાર રૂપિયા થાય છે. સાક્ષાત્ શિવ ત્યાં પધારે છે. મારે તો પોઠિયા બાબત લડાઈ, નહિ તો નિત્ય દર્શન જરૂર થાય. પણ એ તો મારો જીવજાન દોસ્ત છે. મારો જામીન હંમેશ એ જ થાય છે, પણ ફક્ત નામ બદલવાં પડે.'

ભદ્રંભદ્રે પૂછ્યું, 'શેના જામીન ?'

હરજીવને હસીને કહ્યું, 'એ તો મારાથી કહેવાઈ જવાયું. ફિકર નહિ. આપ જેવાને કહેતાં હરકત નહિ. એ તો શિવ અને ગણપતિની તકરાર. જેવા આપણે ઘેર ટંટા તેવા દેવને ઘેર પણ હોય જ તો. કાર્તિકસ્વામીની બાબતમાં તકરારમાં અંતે સલાહ થાય ત્યારે ગણપતિનો જામીન હું થાઉં અને મારો જામીન એ મારો મિત્ર થાય. એના પર આ ચિઠ્ઠી લખી આપું છું. એ તમને દર્શન કરાવશે. તમને આસ્થા છે.'

આમ વાત કરતાં વડોદરાનું સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી એટલે હરજીવન એક પોટલું ભદ્રંભદ્રને સોંપી નીચે ઊતર્યો અને કહ્યું કે 'આ રાખો, હું આવું છું.' થોડી વારે પાછા આવી પોટલું લઈ કહ્યું કે, 'શું કરું મહારાજ ? ઊતરવાનું હજી નક્કી નથી. કોને ખોટું લગાડીએ ? લ્યો આ પેન્સિલ અને કાગળ. એ પર આપનું સરનામું લખી રાખજો. મારું નક્કી કરી જેને ઘેર ઊતરવાનું ઠરે તેના ચાકરને મારું સરનામું લખી આપી મોકલું છું. તેની જોડે પેલી કાળી પેટી મોકલજો. હાથે કેટલું ઉપાડું ! લ્યો મહારાજ ! રામ ! રામ ! કૃપા થઈ. વારુ એક બીજો રૂપિયો આપો તો.'

રૂપિયો લઈ ભદ્રંભદ્રને નમસ્કાર કરી અને મને આંખ મારી તે ચાલતો થયો અને ઉતારુઓના ટોળામાં ગુમ થઈ ગયો. ગાડી ઊપડવાનો ઘંટ થયો પણ કોઈ પેટી લેવા આવ્યું નહિ. ભદ્રંભદ્રે પોતાનું સરનામું તૈયાર કરી રાખ્યું. તેમને હરજીવનની પેટી રહી જશે એવી ફિકર થવા લાગી.

મને કહે, 'એ પેટી ઉપર કહાડી મૂક કે લેવા આવે કે તરત આપી દેવાય.'

હું પેટી લેવા ગયો કે એક બીજો ઉતારુ જે ગાડીમાં આવી નીચે ઊતરી ફરી આવીને તરત જ પાછો આવેલો હતો તે કહે, 'કેમ, પેટીને કેમ અડકે છે ?'

ભદ્રંભદ્ર કહે, 'તારે શી પંચાત ? ધણી અમને કહી ગયો છે.'

તે ઉતારુ કહે, 'ધણી વળી કોણ ? પેટી તો મારી છે.'

ભદ્રંભદ્ર કહે, 'અસત્ય ભાષણ કેમ કરે છે ? એ તો હરજીવનની છે.'

'વળી સાળો હરજીવન કોણ છે ? પેટી મારી પોતાની છે.'

હું ભદ્રંભદ્રના કહેવાથી પેટી લેવા જતો હતો, પણ પેલો ઉતારુ ઊભો થઈ કહે, 'દૂર રહે નહિ તો માર ખાઈશ. એ સિપાઈ ! આ જો !'

આ તકરાર થતાં ગાડી ઊપડી ને ચાલી. હરજીવનનું કોઈ માણસ જણાયું નહિ તેથી અમે વધારે તકરાર કરવી દુરસ્ત ધારી નહિ.

અમને પેલો ઉતારુ લુચ્ચા ધારે નહિ માટે અમે બે, તે સાંભળે એમ હરજીવનની વિદ્વત્તા, ધાર્મિકતા, ચપળતા, વાચાળતા, બ્રહ્મભોજન, ટેક વિશે માંહોમાંહે વાત કરવા લાગ્યા. તેનું માણસ કેમ ન આવ્યુ, તે રૂપિયા હવે શી રીતે પાછા મોકલાવશે, બિચારાનો ટેક કેમ રહેશે, એના વ્રતમાં ભંગ પડશે વગેરે ચિંતાઓ ભદ્રંભદ્ર દર્શાવવા લાગ્યા.

અમે ઠરાવ કર્યો કે મુંબઈના પેલા હરજીવનના મિત્રને ચિઠ્ઠી આપતી વખતે હરજીવનનું ઠેકાણું પૂછી લઈ તેના પર પત્ર લખવો કે બિચારો મૂંઝવણમાંથી છૂટે અને પૈસા મોકલાવી શકે.

આ વાતોથી પેલા ઉતારુના મનમાં કંઈ અસર થઈ જણાઈ નહિ, તેથી અમે વિવિધ વાતો કરી અંધારું થયે સૂઈ ગયા. રાતમાં કોઈ વખત લાત વાગે, કોઈ નવો ઉતારુ સામાન અથડાવી વગાડે તે સિવાય અમે જાગતા નહોતા. પણ ઘણો ભાગ ટૂંટિયાં વાળી સૂઈ રહેવામાં કહાડ્યો. જોતજોતામાં સવાર થયું અને મુંબાઈના ધુમ્મસ અને ધુમાડા જોતાં જોતાં ગ્રાંટરોડનું સ્ટેશન આવી પહોંચ્યું.