મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ રેહાન અલ બિરૂની
← અબુલ વફા અલ બુઝજાની | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો અબૂ રેહાન અલ બિરૂની સઈદ શેખ |
અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની → |
(જ. ૧૫/૯/૯૭૩, કાથ ખ્વારિઝમ (ઉઝબેકિસ્તાન, મૃ. ૧૩/૧૨/૧૦૪૮, ગઝના (અફઘાનિસ્તાન)
પોતાના સમયના સૌથી મોટા વિદ્વાન ગણાતા અબૂ રેહાન મુહમ્મદ ઇબ્ને અહમદ અલ બિરૂની ને 'અલ ઉસ્તાદ'(The Master)નો લકબ આપવામાં આવ્યો હતો. બહુમુખી પ્રતિભા ધરાવતા અલ બિરૂનીએ ગણિત, ખગોળ, જ્યોતિષ, ભૌતિક વિજ્ઞાન, ફાર્મોકોલોજી (ઔષધશાસ્ત્ર), કોસ્મોલોજી, મિનરોલોજી, ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપ્યું.
અલ બિરૂનીએ નાની ઉંમરમાં જ વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરી દીધો હતો અને એમને ભણાવનાર ગુરૂ હતા ખ્વારિઝમના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી અબૂ નસ્ર મન્સૂર. માત્ર સત્તર વર્ષની ઉંમરે કાથ (એમન જન્મભૂમિ) શહેરના સૂર્યના મહત્તમ રેખાંશની મદદથી અક્ષાંશ શોધી કાઢ્યા હતા.
ઈ.સ. ૯૯૫ ની પહેલાં અલ બિરૂનીએ યુવાનવયે બીજી પણ ઘણી રચનાઓ કરી હતી. એમાંથી હાલમાં એક રચના ઉપલબ્ધ છે એ નકશાશાસ્ત્ર (કોર્ટોગ્રાફી) વિશે રર વર્ષની ઉમરે અલ બિરૂનીએ ઘણા બધા ભૂગોળના પુસ્તકો વાંચી નાખ્યા હતા. ઈ.સ. ૯૯૫માં આંતરવિગ્રહ ફાટી નીકળતા અલ બિરૂની તહેરાન પાસેના રૈય શહેરમાં આવી વસ્યા. એ વખતે અહીં બુવાહિદ રાજકુમાર ફખ્રુદ્દીનદૌલાનું શાસન હતું. એણે ખગોળશાસ્ત્રી અલ ખુજન્દીને રૈના પર્વત ઉપર મોટું ષષ્ટાંક (ખૂણાના માપ ઉપરથી અંતર માપવાનું યંત્ર, - Sextant) બનાવવાનો આદેશ આપ્યો, આનું નામ 'ફખરી ષષ્ટાંક યંત્ર' રાખવામાં આવ્યું હતું. અહીં બિરૂનીએ દક્ષિણાયન અને ઉત્તરાયણના રેખાંશોનું અવલોકન નોધ્યું હતું. અને આ અંકોની મદદથી ecliptic ની વક્રતા (obliquity) શોધી કાઢી હતી, તથા રૈ શહેરના અક્ષાંશો પણ શોધ્યા હતા, જે સંપૂર્ણપણે ચોક્કસ ન હતા.
જૂન ૧૦૦૪માં અલ બિરૂની પોતાના વતન ખ્વારિઝમમાં હતા એ વખતે અલી ઇબ્ને મામૂન પછી એનો ભાઈ અબૂલ અબ્બાસ મામૂન રાજગાદીએ આવ્યો આ બંને શાસકો વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના આશ્રયદાતા હતા અને ઘણા વૈજ્ઞાનિકોને પોતાના દરબારમાં રાખ્યા હતા. ૧૦૦૪માં અબૂલ અબ્બાસ મામૂન ગાદીએ આવ્યો. એ પછી પણ એણે અલ બિરૂનીના વૈજ્ઞાનિક કાર્યોની કદર જ ન કરી પરંતુ એમને ખૂબ જ મદદ પણ કરી. અલ બિરૂનીએ અબૂલ અબ્બાસની મદદથી જુરજાનીયામાં એક વેધશાળા પણ બાંધી હતી જ્યાં દક્ષિણયાન અને ઉત્તરાયણના ૧પ અવલોકનો નોંધ્યા હતા.
ઈ.સ. ૧૦૧૭માં મહમૂદ ગઝનવીએ કાથ ઉપર હુમલો કરી જીતી લીધું. અલ બિરૂની અને એમના ગુરૂ અબૂ નસ્ર મન્સૂરને વિજયી મહેમૂદની ફોજ સાથે જવાની ફરજ પડી. ઘણા ઇતિહાસકારો માને છે કે અલ બિરૂનીના મહમૂદ ગઝનવી સાથે સારા સંબંધ ન હતા. પરંતુ એ વાત પણ સ્વીકારે છે કે મહમૂદે અલ બિરૂનીને એમના વૈજ્ઞાનિક કાર્યો માટે ખૂબ મદદ કરી હતી. તેથી જ તો 'યામીની રીંગ' નામક સાધનની મદદથી અલ બિરૂનીએ ગઝના શહેરના અક્ષાંશો ૧૦૧૮ થી ૧૦૨૦ દરમિયાન નોંધ્યા હતા.
મહમૂદ ગઝનીને લીધે અલ બિરૂનીને ઘણી વખત ભારત આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું હતું. અલ બિરૂનીએ આ દરમિયાન પંજાબ અને કાશ્મીરની આસપાસના શહેરોનાં અક્ષાંશો શોધી કાઢ્યા હતા. ભારત જેવા વિશાળ દેશમાં રહીને અલ બિરૂનીએ 'ઈન્ડીયા' નામક ગ્રંથની રચના કરી હતી. જેમાં ભારતના ધર્મો, ફિલસૂફી, વર્ણવ્યવસ્થા, લગ્નના રિતરિવાજો વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય સાહિત્ય અને ભૂગોળનો પણ એમણે સારો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ખગોળશાસ્ત્ર, જયોતિષશાસ્ત્ર, અને પંચાંગ વગેરે વિશે પણ માહિતી મેળવી હતી.
અલ બિરૂનીએ ભારતીય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે કેટલાક સંસ્કૃત ગ્રંથોનો અરબી અનુવાદ પણ કર્યો હતો.
૧૦૩૦માં સુલ્તાન મહમૂદનું અવસાન થતા એનો પુત્ર મસૂદ ગાદીએ બેઠો. એણે પણ બિરૂનીની કદર કરી. બદલામાં બિરૂનીએ ખગોળશાસ્ત્રના પોતાના વિખ્યાત ગ્રંથ 'અલ કાનૂન અલ મસૂદી' ગ્રંથની રચના કરી અને અર્પણ કર્યું. બિરૂનીએ પોતાના જ પુસ્તક 'અલ આસારલ બાકિયા'માં પોતાના ૧૧૪ પુસ્તકોનો ઉલ્લેખ કરેલ છે. એમના કલ પુસ્તકોની સંખ્યા ૧૪૫ જેટલી છે. એમણે પોતાના વિખ્યાત પુસ્તકમાં લખ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને તેમણે આ બાબતની વૈજ્ઞાનિક છણાવટ પણ કરી હતી. અલ બિરૂનીનો રસ ઘણો વિશાળ હતો, અને એ સમયની જાણીતી વિજ્ઞાનની શાખાઓનો એમણે અભ્યાસ કર્યો હતો. ગાણિતિક પૃથ્થકણને લગતા વિજ્ઞાનમાં એમને વધારે રસ પડતો હતો. આ ઉપરાંત એમણે મિનરોલોજી, ઔષધશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા વગેરે વિષયોનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું અને ઘણા વિષયોમાં એમણે ગ્રંથોની રચના કરી હતી. એમણે ખગોળશાસ્ત્રમાં ૩૫, એસ્ટ્રોલેબ વિશે ૪, જ્યોતિષ શાસ્ત્રમાં ૨૩, ભૂગોળમાં ૧૯, ગણિતમાં ૧૫, ઇતિહાસમાં ૪ ને ભારત વિશે ૨ ગ્રંથોની રચના કરી હતી. આ ઉપરાંત તબીબી શાસ્ત્ર, ઔષધિશાસ્ત્ર, મિનરોલોજી, જાદૂ સાહિત્ય, ધર્મ અને ફિલસૂફી વિશે પણ ગ્રંથોની રચના કરી.
એમના પ્રસિદ્ધ ગ્રંથોની સૂચિ ના મુજબ છે :−
(૧) 'કિતાબ ફિલ ઈસ્તિલાબ અલ વુજુહ ફી સનત અલ અસ્તૂરલાબ' - એસ્ટ્રોલેબ વિશે છે.
(૨) 'રિસાલા ફી ફહરિશ્ત કુતૂબ મુહમ્મદ બિન ઝકરીયા અલ રાઝી' - મુહમ્મદ બિન ઝકરીયા અલ રાઝીના પુસ્તકોની સૂચિ છે.
(૩) અલ કાનૂન અલ મસૂદી’ - અંગ્રેજીમાં canon ના નામે ભાષાંતર પ્રસિદ્ધ છે આમાં ૬૦૦ સ્થળોનાં અક્ષાંસ (co-ordinates) ના કોષ્ટક આપવામાં આવ્યો છે.
(૪) 'અલ આસાર અલ બાકીયા મિન અલ કુરુન અલ ખાલીયા' નું અંગ્રેજીમાં અનુવાદ સચાઉ (sachau) એ 'Chronology of Ancient Nations' નામે કર્યું છે.
(૫) 'મકાલાત ફિલ નિસાબ અલ્લતી અલ ફિલ્લીઝાત જવાહિર ફિલ હઝમ' (Treatise on the Ratios between the volumes of metals & jewels) ધાતુઓ અને રત્નોના કદના ગુણોત્તર બાબત છે.
(૬) 'કિતાબ અલ જમાહિર ફી મારિફત અલ જવાહિર' અંગ્રેજીમાં ‘Gems' નામે અનુવાદ થયું છે. રત્નો અને ખનીજો વિશે છે.
(૭) 'ગુરત અલ ઝીજાત' એ સંસ્કૃત ખગોળશાસ્ત્રમાં વિજયાનંદ કૃત ‘કર્ણતિલક'નો અરબી અનુવાદ છે. અમદાવાદની પીર મુહમ્મદશાહ દરગાહની પુસ્તકાલયમાં આની હસ્તપ્રત મોજૂદ છે.
(૮) 'કિતાબ ફી તહકીક મ લિલ હિન્દ' ઈ. સચાઉ એ 'Al Biruni's India' નામે અંગ્રેજીમાં અનુવાદ કરેલ છે. (૯)'તહદીદ નિહાયત અલ અમાકિન લી તશ્હીશ મશાફાત અલ મસાકીન' જમીલ અલીએ 'The Determinaiton of the coordinates of cities' નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
(૧૦)'અલ-તફનીમ' (Elements of Astrology) ખગોળશાસ્ત્ર વિશે છે.
(૧૧) 'કિતાબ અલ અયદાના' તબીબી શાસ્ત્રમાં ઉપયોગી ઔષધો વિશે છે.
અલ બિરૂનીએ એસટ્રોલેબ વિશે ઘણા પ્રબંધો લખ્યા હતા એમણે પ્રકાશની ગતિ વિશે રસપ્રદ અવલોકન કરતા જણાવ્યું હતું કે અવાજની ગતિ કરતા પ્રકાશની ગતિ વધુ હોય છે. અલ બિરૂની પ્રસિદ્ધ ફિલસૂફ, તબીબ અને વૈજ્ઞાનિક ઇબ્ને સીના સાથે પત્ર વ્યવહાર કરી ચર્ચા વિચારણા કરતા હતા. એમની ચર્ચાના મુખ્ય વિષય ફિલસૂફી, ખગોળશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાન હતા.
અલ બિરૂનીને કેટલાક વિજ્ઞાન ઈતિહાસ લેખકો બહુ મહાન વૈજ્ઞાનિક માનતા ન હતા પરંતુ એક વાતતો બધા જ સ્વીકારે છે કે અલ બિરૂનીએ પોતાના અનુભવો અને અવલોકનોના આધારે જે કાંઈ રજૂ કર્યું એ ખૂબ ગણનાપાત્ર હતું. અલબિરૂનીએ રેખાંશ અને અક્ષાંશ બાબતે જણાવ્યું અને કુદરતી ઝરણા વિશે વિશ્વમાં સૌ પ્રથમવાર એ પુરવાર કર્યું કે ધરતીના પેટાળમાં થતા વિદ્યુત - રાસાયણિક પ્રક્રીયાને લીધે તેઓ ઉદ્દભવે છે. એમણે પૃથ્વીની ત્રિજયા ૬૩૩૯.૬ કિમી છે એવું શોધી કાઢ્યું હતું, જેના વિશે છેક ૧૬મી સદી સુધી યુરોપિયનોને જાણકારી ન હતી ! એમણે નદીઓ ને સમુદ્રની ઊંડાઈ માપવાની પધ્ધતિ પણ વિકસાવી હતી. આ ઉપરાંત સંખ્યાબંધ જડીબુટીઓના ઔષધીય ગુણોની શોધ કરી વિભિન્ન ભાષાઓમાં એમના નામ જણાવ્યા હતા. અલ બિરૂની એ જ મુસ્લિમ વૈજ્ઞાનિક હતા જેમણે એ શોધી કાઢ્યું હતું કે સિંધુ નદીના ખીણ પ્રદેશ કોઈ પ્રાચીન છીછરા સમુદ્રનું તળિયું હતું જે ધીમે ધીમે માટીથી ભરાઈ ગયું હતું. આધુનિક ભૂસ્તરશાસ્ત્ર અલ બિરૂનીની આ શોધનું સમર્થન કરે છે. ઈ.સ. ૧૦૪૮માં અલ બિરૂનીનું અવાસન થયું તેઓ ઇસ્લામી વિશ્વના મહાન વૈજ્ઞાનિક હતા. આમ, બિરૂનીનું વિવિધ વિષયોમાં પ્રદાન મહત્વનું ગણાતું રહેશે.
અલ બિરૂનીએ પોતાના સુવિખ્યાત પુસ્તકમાં લખ્યું છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને તેમણે એ બાબતની વિગતે વૈજ્ઞાનિક છણાવટ પણ કરી હતી.