મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની

← અબૂ રેહાન અલ બિરૂની મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની
સઈદ શેખ
બનૂ મૂસા  →




અલ બત્તાની, અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઇબ્ને
જાબીર ઇબ્ને સીનાન અલ રકકી અલ હર્રની અલ સાબી
(ઈ.સ. ૮૫૮ – ૯ર૯)
અલ બત્તાનીનો જન્મ હિ.સ. ૨૪૪ / ઈ.સ. ૮૫૮માં હર્રાનમાં અને એક બીજી માહિતી મુજબ હર્રાનના રાજ્ય બત્તાનમાં થયું હતું. અલ બત્તાની પશ્ચિમી જગતમાં Albategnius અથવા Albatenius તરીકે ઓળખાય છે. પોતાના સમયના સૌથી મહાન અને મધ્યયુગના મહાન ખગોળશાસ્ત્રોમાંથી એક ગણાય છે. અલ બત્તાનીને સૌ પ્રથમ એમના પિતા જાબીર ઇબ્ને સીનાને શિક્ષણ આપ્યું, જેઓ પોતે પણ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. અલ બત્તાની ઉત્તર સીરીયામાં યુક્રેટીસ નદી કિનારે વસેલા રક્કા શહેરમાં વસ્યા અને વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નવમી સદીના અંતભાગમાં તેઓ સમારા (ઈરાક) ગયા અને મૃત્યુપર્યત ત્યાં જ રહી કાર્ય કર્યું.

અલ બત્તાનીએ ઈ.સ. ૮૭૭ થી રક્કા શહેરમાં ખગોળશાસ્ત્રમાં ઘણા સંશોધનો કર્યા. પ્રોફેસર ફિલીપ હિત્તીના મત મુજબ "અલ બત્તાનીએ ટૉલેમીના ઘણા કાર્યોમાં સુધારા વધારા કર્યા અને ચંદ્ર તથા બીજા ગ્રહોની ભ્રમણકક્ષાની ગણતરીઓમાં પણ સુધારા કર્યા. એમણે વાર્ષિક સૂર્યગ્રહણની શક્યતાની સાબિતીઓ આપી, ઋતુઓના ફેરફારને ચોકસાઈપૂર્વક માપ્યા અને ગરમ પ્રદેશમાં ઋતુઓ, વર્ષની લંબાઈ તથા સૂર્યના ખરી અને સરેરાશ કક્ષાની માપણી કરી."

અલ બત્તાનીએ શોધેલા સૂર્ય વર્ષની લંબાઈ ૩૬૫ દિવસ ૫ કલાક, ૪૬ મિનિટ અને ૨૪ સેકન્ડસ આધુનિક અંદાજથી એકદમ નજીક છે. એમણે શોધી કાઢ્યું કે સૂર્યકલાથી પૃથ્વીનું દુરમાં દૂર બિન્દુનું રેખાંશ ટૉલેમીના સમયથી અત્યાર સુધી ૧૬°૪૭' છે. આ બાબત સૂર્યકક્ષાના સૌથી દૂરના બિન્દુની ગતિ અને સમયના સૂત્રમાં નજીવા ફેરફાર તરફ દોરી ગઈ. અલ બત્તાની સંપાત (દિવસ રાત ૨૦ માર્ચ અને ૨૨ સપ્ટેમ્બરે એક સરખા થાય છે તે - ઈકિવનોક્સ) ના સ્પદંનમાં માનતા ન હતા. જ્યારે કે એમની ઘણા સદીઓ પછી થયેલા ખગોળશાસ્ત્રી ર્કાપરનીકસ આ ભૂલભરેલી માન્યતામાં વિશ્વાસ ધરાવતા હતા ! ટૉલેમીથી વિરૂદ્ધ અલબત્તાનીએ સૂર્યના કોણીય વ્યાસની ચલયમાનતા અને વાર્ષિક સૂર્યગ્રહણની શક્યતાને સાબિત કરી. ઈ.સ. ૧૭૪૯માં ડનથોર્ન નામક ખગોળશાસ્ત્રીએ અલબત્તાનીના ચંદ્ર તથા સૂર્યગ્રહણના અવલોકનોના આધારે ચંદ્રની ગતિનો વેગ માપવાનો પ્રયાસ કર્યો હતો. અલ બત્તાનીએ ઘણા ખગોળીય અચલાંકો ચોક્કસતાપૂર્વક શોધ્યા હતા. દા.ત. સૂર્યકક્ષાનું નમ ૨૩°૩પ', અલ બત્તાનીએ ગોળાકાર ત્રિકોણમિતિના ઘણા પ્રશ્નો Orthographics projection (જોડણી પ્રક્ષેપ) ની મદદથી શોધવાના ચાતુર્યભર્યા ઉકેલ આપ્યા હતા. અલ બત્તાનીના સ્થિર તારાઓની ગતિના સિદ્ધાંતો ઉપરથી જ હેવિલીયસે ચંદ્રની વર્તુળાકાર ગતિનું તફાવત શોધ્યું હતું.

અલ બત્તાનીએ એ પણ પુરવાર કર્યું કે સૂર્યની ફરતે પૃથ્વી જે ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે એ વર્તુળની જેમ એકદમ ગોળ નથી પરંતુ ઈંડાની જેમ લંબગોળ આકારની છે. આથી જ પૃથ્વીની પ્રદક્ષિણા દરમિયાન એક સ્થિતિ એવી આવે છે જ્યારે સૂર્ય પૃથ્વીની સૌથી વધુ દૂરના અંતરે હોય છે.

અલ બત્તાનીને સૌથી વધુ ખ્યાતિ તો ત્રિકોણમિતિના ગુણોત્તરોને લીધે મળી. એમણે ગ્રીક Chord ના બદલે Sine નો ઉપયોગ કર્યો અને Cotangent ની વિભાવના વિકસાવી તથા એમના કોષ્ટકો અંશોમાં રચ્યા.

જોસેફ હેલે યોગ્ય જ નોંધ્યું છે "ત્રિકોણમિતિ ક્ષેત્રે sine, cosine અને tangent નો સિદ્ધાંતો આરબોનો જગતને વારસો છે. આરબ ગણિતશાસ્ત્રીઓના પાયાના અને સંશોધનરૂપ શ્રમ વિના આપણે રેજીઓ મોન્ટેનઅના પ્યુરબાક કે કોપરનીક્સના કાર્યોને યાદ રાખી શક્યા ન હોત" !

અલ બત્તાની ભૂમિતિ, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એમણે ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિ વિશે ઘણા ગ્રંથો લખ્યા. એમનું સૌથી પ્રસિદ્ધ ગ્રંથ ખગોળશાસ્ત્રીય કોષ્ટકો વિશે છે જેનું લેટીન અનુવાદ ૧૨મી સદીમાં ટીવોલીયાના પ્લેટોએ De scienta stellarum - De Numeris stellarum et motibus નામે કર્યું હતું. આમાં પાંચ ગ્રહોની ગતિ તથા બીજી આવશ્યક ગણતરીઓ આપી છે. "ડીક્ષનરી ઑફ સાયન્ટીફીક બાયોગ્રાફીકસ' ના સંપાદકો નોંધે છે કે "તારાઓ અને એમની ગતિના પૃથાવલોકન કરવામાં આટલી ચોકસાઈ સુધી બીજો કોઈ મુસ્લિમ ખગોળશાસ્ત્રી પહોંચી શકયો ન હતો."

એમના ખગોળશાસ્ત્રીય પ્રબંધો પનુ:જાગૃતિકાળ સુધી યુરોપમાં ખૂબજ પ્રચલિત અને ચર્ચાસ્પદ હતા અને એમનો ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ચંદ્ર પર એક ખાડા (crater) નું નામ અલ બત્તાનીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અલ બત્તાનીના ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિમાં મૂળભૂત સંશોધનોએ વિજ્ઞાનની પ્રગતિમાં મહત્વનાં પરિણામો આપ્યા. કોપરનીક્સે પોતાના પુસ્તક 'De Revolutionibus orbium clestium' માં અલબત્તાની નો ઋણ સ્વીકાર કર્યો છે. એવી જ રીતે પ્યુરબાક, ટાયકોબ્રાહે, કેપ્લર તથા ગેલીલીયોએ પણ અલબત્તાનીના કાર્યોમાંથી ઘણી પ્રેરણા મેળવી હતી.