મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/બનૂ મૂસા
← અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની | મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો બનૂ મૂસા સઈદ શેખ |
ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી → |
ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી
બનુ મૂસા શાકિર (હિ.સ. ૨૧૩/ઈ.સ. ૮૩૧) એ. એક ધાડપાડુ તરીકે કારર્કિદીની શરૂઆત કરી હતી. કોઈ સૂફી સંત સાથે ભેટો થતાં લૂંટફાટ છોડી ગણિત અને ભૂમિતિનો અભ્યાસ કર્યો. એમની વિદ્વતાથી પ્રભાવિત થઈને ખલીફા અલ મામૂનએ પોતાના ખાસ દરબારીઓમાં સામેલ કર્યા હતા.
મૂસા શાકિરના ત્રણ પુત્રો એહમદ, મુહમ્મદ અને હસન પણ ગણિત અને વિજ્ઞાનનું પ્રખર જ્ઞાન ધરાવતા હતા. ખલીફા મામૂને આ ત્રણે ભાઈઓની શક્તિ પારખીને પોતના ‘જ્ઞાનગૃહ' (House of wisdom) કે જે વિશ્વની પ્રથમ વૈજ્ઞાનિક સંસ્થા તરીકે ઓળખાય છે એમાં દાખલ કરી લીધા હતા. અહીં ત્રણે ભાઈઓ ગણિત, ખગોળ અને યંત્રશાસ્ત્ર (મિકેનીકસ)માં સૌથી વધુ કાર્યશીલ રહ્યા. તેમણે બગદાદમાં ખગોળીય અવલોકનો પણ નોંધ્યા અને ઘણા બધા વૈજ્ઞાનિક ગ્રંથોના ખાસ કરીને ગ્રીક ગ્રંથોના અરબીમાં અનુવાદ કર્યા, જે વિજ્ઞાનના વિકાસમાં મહત્વના સાબિત થયા. કેટલાક પ્રસિદ્ધ ગ્રીક ગ્રંથો હવે માત્ર અરબી ભાષામાંજ જીવિત છે.
એ સમયનાં ઘણા પ્રસિદ્ધ ભાષાંતરકારોએ મુસા ભાઈઓના હાથ નીચે કાર્ય કર્યું. જેમાં હુસૈન ઇબ્ને ઈશ્હાક અને સાબિત ઇબ્ને કુર્રા જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે. મુસાભાઈઓ પ્રથમ આરબ વૈજ્ઞાનિકો હતા જેમણે ગ્રીક ગણિતશાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો અને અરબી ગણિતશાસ્ત્રનો પાયો નાંખ્યો.
હકીકતમાં મૂસા ભાઈઓનું જૂથ એ ઇતિહાસમાં પહેલું એવું જૂથ હતું જેણે સાથે મળીને વૈજ્ઞાનિક સંશોધનો કરી 'ટીમવર્ક' દ્વારા પરિણામો જાહેર કયો.
ત્રણે ભાઈઓના કાર્યોને અલગ અલગ વર્ણવવા મુશ્કેલ છે પરંતુ એ ત્રણેની વિશેષતાઓ આપણે જાણી શકીએ છીએ.
અહમદ બિન મૂસા શાકિર (હિ.સ. ૨૪૦/ઇસ ૮૫૮) યંત્ર શાસ્ત્ર (ઇલ્મુલ હિયલ)માં પ્રવીણતા ધરાવતો હતો અને વિશ્વનો સૌ પ્રથમ ‘મિકેનિકલ એન્જિનીયર' હતો. અહમદે યંત્ર શાસ્ત્રમાં વિશ્વનું સૌ પ્રથમ પુસ્તક ‘કિતાબ અલ હિયલ'ની પણ રચના કરી હતી. સદીઓ સુધી વૈજ્ઞાનિકો આ પુસ્તકને માનભરી દૃષ્ટિથી જોતા આવ્યા છે. તેમના ચારસો વર્ષ પછી ઇબ્ને ખલ્દુને આને યંત્ર વિદ્યામાં ‘'સીમાચિહ્નરૂપ' ગણાવ્યું હતું આ પુસ્તકમાં સૌથી વધુ વિવિધ દેશી યંત્રોના 'મોડેલ' રેખાકૃતિઓ દ્વારા વર્ણવવામાં આવ્યા છે. અર્વાચીન યુગના ઈજનેર ડૉનાલ્ડ આર. હીલ કે જેમણે બનૂ મૂસાના પુસ્તકનું અનુવાદ કર્યું છે એ લખે છે કે યંત્રવિજ્ઞાનમાં આ પુસ્તક આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ખલીફા મામૂન રશીદે જે ઘડિયાળ ફ્રાન્સના તત્કાલીન શાસકને ભેટમાં મોકલી હતી તે એહમદ બિન મૂસાનું જ સંશોધન હોવાનું ઇતિહાસકારો માને છે.
એહમદ બિન મુસા શાકિરે કદમાં નાના અને નાજુક યંત્રોની રચના કરી હતી. તેઓ એક સારા સિવિલ એન્જિનીયર પણ હતા અને ગણિતશાસ્ત્રમાં પણ નિપુણતા ધરાવતા હતા.
અબૂ જાફર મુહમ્મદ બિન મૂસા શાકિર (હિસ. ૨૫૩/ઇસ ૮૭૨)ને ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં વધુ રસ હતો. અને પ્રખર જ્ઞાન ધરાવતો હતો. તેણે કોઈ પણ બે પરિમાણો વચ્ચે બે પ્રમાણસરની સંખ્યાઓ જાણવાની સરળ રીત શોધી કાઢી હતી, જેના લીધે ગણિત અને ખાસ કરીને આંકડાશાસ્ત્રમાં ભારે સુવિધા થઈ ગઈ હતી. મુહમ્મદ બિન મુસા શાકિરે એક રાસાયણિક ત્રાજવાની શોધ કરી હતી, જેમાં ઓછામાં ઓછી માત્રાના પદાર્થોનું સચોટ વજન જાણી શકાતું હતું. આ ત્રાજવાનો ઉપયોગ હીરા-ઝવેરાત અને ઔષધોના વજન જાણવામાં બહુ જ ઉપયોગી નીવડ્યું હતું.
હસન બિન મૂસા શાકિર (હિસ ર૫૪/ઇસ ૯૭૩)ને ભૂમિતિમાં ઘણો રસ હતો. તે એક સારો સિવિલ એન્જીનીયર હતો. તત્કાલીન શાસકે એમને એક નહેર બનાવડાવવાની કામગીરી સોંપી હતી.
હસન ખગોળશાસ્ત્ર અને ભૂમિતિમાં પ્રખર જ્ઞાન ધરાવતો હતો. ત્રણે ભાઈઓના નામે ઘણા મહત્વના કાર્યો નોંધાયા છે જેમાં ભૂમિતિનું પ્રબંધ 'Book on the measurement of plane and spherical figures’ સૌથી મહત્વનું છે. આ હસ્તપ્રત મધ્યયુગમાં યુરોપ અને મુસ્લિમ દેશોમાં ખૂબ પ્રસિદ્ધ હતી. ૧૨મી સદીમાં આનો લેટીન ભાષામાં ક્રેમોનાના જેરાર્ડે અનુવાદ કર્યો હતો. આ પ્રબંધનો મુખ્ય વિષય ક્ષેત્રફળ અને કદ, શોધવાની ગ્રીક પદ્ધતિ કઈ હતી એ છે. આમાં વર્તુળ અને દડા ના માપ શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂસા ભાઈઓએ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની પોતાની રીત અપનાવી જે આર્કમિડીઝની રીત કરતાં અલગ હતી.
મૂસા ભાઈઓએ એપોલોનિયસના 'શંકુ' વિશેના પ્રબંધને સુધારીને નવા પ્રબંધની રચના કરી હતી. આ ઉપરાંત સંગીતના સિદ્ધાંતો વિશે પણ એક પુસ્તકની રચના કરી હતી. 'કોનીકલ વાલ્વ' નો ઉપયોગ કરનારા તેઓ પ્રથમ હતા.
તેમણે ‘ડબલ કોન્સેન્ટ્રીક સિફોન'ની પણ શોધ કરી હતી.