મહાત્માજીની વાતો/જીવનદોરી કિંવા દેવદૂતની વાત

← જીવનદોરી કિંવા દેવદૂતની વાત મહાત્માજીની વાતો
જીવનદોરી કિંવા દેવદૂતની વાત
ગાંધીજી
પ્રેમા પટેલની વાત
કિંવા માણસ કેટલી જમીનનો માલીક હોઈ શકે ?
 →


જીવન દોરી

કિંવા

દેવદૂતની વાત.


પ્રકરણ ૧ લું.


એક શહેરમાં નથુ નામનો મોચી રહેતો હતો. જે ગરીબ સ્થિતિનો હતો. શહેરમાં એક ઘર ભાડે રાખી તે પોતાની સ્ત્રી તથા છોકરાંઓ સાથે રહતો હતો. પોતાના ધંધામાંથી જે કંઈ પેદાશ થતી તેમાંથી ભાગ્યેજ પોતાના કુટુંબનું તે પોષણ કરી શકતો. શહેરની અંદર મજૂરી અત્યંત સસ્તી હતી અને કામ ઘણુંજ થોડું મળતું હતું, વળી શહેરમાં મોંઘવારી પુષ્કળ હોવાથી પોતાના કુટુંબનું પોષણ કરવું એ મહા મુશીબતનું કામ હતું. પોતાને પોતાની સ્ત્રી અને છોકરાંઓને માટે ભાગ્યેજ પુરતાં કપડાં પહેરવાનાં પણ ખરીદી શકતો. જ્યાં ખાવાનાજ વાંધા પડે ત્યાં બીજી અગવડતાનું પુછવુંજ શું! પોતાની પાસે એક જુની બંડી લગભગ ત્રણ વરસની હતી, જે તદ્દન હવે ફાટી ગઇ હતી, અને બીજી નવી ખરીદવાના વિચારમાં તે હતો. કારણ કે શિયાળાની રૂતુ આવી પહોંચી હતી. શીયાળાની રૂતુ નજીક આવતી હોવાથી પોતાને માટે તથા પોતાની સ્ત્રી અને છોકરાં માટે કપડાં ખરીદવા વાસ્તે પૈસાનો સંગ્રહ અગાઉથી કરવાનો તેણે નિશ્ચય કીધેલો હતો, અને તે નિશ્ચય પ્રમાણે તે થોડા ઘણા પૈસા મહા મુશીબતે એકઠા કરી શક્યો હતો પરંતુ તે કપડાં લેવા માટે પુરતા તો ન જ હતા. શહેરની અંદર એક બે ઘરાકો પાસે તે પૈસા માગતો હતો, જેથી તેણે વિચાર કર્યો કે જો હું ઉઘરાણી લઇ શકું તો પુરતાં કપડાં ખરીદી શકાશ. આમ વિચાર કરી તે પોતાના ઘરાકોમાં ઉઘરાણી કરવા માટે નીકળ્યો, તેની સ્ત્રીએ સવારમાં ખાવાનું કરી, તેને પોતાને માટે તેમજ છોકરાંઓ માટે દેહ ઉપર મારો કાબુ નથી, તમારી ઇચ્છામાં આવે એવી આજ્ઞા કરો શું શું કપડાં લેવાં, તેની યાદી કરી આપી. તેમજ તે પૈસાનો કપડાં લેવા સીવાય બીજા કોઇ પણ કામમાં ઉપયોગ ન કરવો, એ વિષે સખત સુચના કરી. કારણકે નથુ મોચીને દારૂ પીવાની ટેવ હતી, અને શીઆળામાં દારૂના વ્યસનીઓ તે વિશેષ પીએ છે. નથુ પોતાની સ્ત્રીની સલાહ સ્વીકારી શહેરમાં ઉઘરાણી નીકળી પડ્યો, પ્રથમ એક ઘરાકને ઘેર ગયો, ત્યાં ઘરનો ધણી હાજર નહોતો. પરંતુ તેની સ્ત્રી ઘરમાં હતી. તેણે કહ્યું કે આવતા અઠવાડીઆમાં પૈસા મોકલી આપશે. એટલે ત્યાંથી નિરાશ થઈ બીજા ઘરાક પાસે ગયો. તેણે સોગનપુર્વક કહ્યું કે તેની પાસે તે વખતે એક ફુટી બદામ પણ ન હતી. નથુએ તેને ઘણો સમજાવ્યો કે પોતાને કપડાં લેવાં છે, પણ ઘરાકે લાચારી બતાવી. આ ઉપરથી નથુ તદ્દન નિરાશ થઇ ઘરાકને ત્યાંથી ચાલી નીકળ્યો. કોઇ વેપારી ઉધાર માલ આપે એવું પણ નહતું. કપડાં ખરીદવાનો મુખ્ય આધાર ઉઘરાણીના પૈસા પર હતો. પણ ઉઘરાણી બીલકુલ ન મળવાથી નિરાશ થઈ ગયો, અને રસ્તે ચાલતાં વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ? ચાલતાં ચાલતાં પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યો ને એક દારૂના પીઠા આગળ આવી ઉભો. પુરતાં કપડાં ખરીદવાને પાસે પૈસાન હોવાથી વિચારવા લાગ્યો. “મારી પાસે પૈસા છે. એ જુજ છે. અને એમાંથી કપડાં ખરીદી શકાય એમ છે જ નહીં, માટે ઉત્તમ રસ્તો એ છે કે પીઠામાં જઇ દારૂ પી ઘેર પાછા ચાલ્યા જઇએ. અને એમ વિચાર કરી પોતાની પાસે જે જુજ પૈસા હતા તે દારૂ પીવામાં વાપરી દીધા, અને ઘર તરફ પાછું ચાલવા માંડ્યું.

થંડી અત્યંત જોશથી પડતી હતી, પરંતુ દારૂ લેવાથી હવે તો શરીરમાં ગરમી આવતી હતી. જેથી નથુએ મનમાં ખ્યાલ કર્યો કે “હવે કપડાંનો શી જરૂર છે? હવે તો બંડી સિવાયે ગરમી થાય છે. માટે એજ ઉત્તમ રસ્તો છે કે વિશેષ થંડી હોય તે દિવસે દારુ પીઇ લેવો, એટલે કપડાંની જરૂર રહેશે નહી. હવે તો આખી જીંદગી હું કપડાં સિવાય સુખશાંતિમાં ગાળી શકીશ. ફક્ત ઘરમાં સ્ત્રી છે, એ જરા મોં મરડશે, પણ તેને તો દબાવી દેઇશું. સ્ત્રીઓ એ બાબતમાં શું સમજે? કમાવાવાળા તો આપણેજ છીએને !” નથુ દારૂની ધૂનમાં આવા વિચારો કરતો રસ્તામાં એક ગલીની અંદર આવી પહોંચ્યો. અંધારું થવા આવ્યું હતું અને ગલીમાં બત્તીનાં કોઇ પણ જાતનાં સાધન ન હોવાથી ત્યાં બધે અંધકાર હતો. ત્યાં આગળ તેણે કેટલેક છેટે દીવાલની નજીક હવેલી પાસે કંઈક સફેદ આકૃતી જોઈ. નથુ આગળ વધતો અટકી બારીકાઇથી જેવા લાગ્યો. પરંતુ તે શું છે, તે જાણી શક્યો નહીં, તે રસ્તાથી પરીચયવાળો હોવાથી વિચાર કરવા લાગ્યો કે “આ જગ્યાએ કઈ પત્થર જેવું તો દીવસે જોવામાં આવતું નહોતું. આ શું છે? કાંઇ જાનવર છે! એવું તો કંઈ લાગતું નથી, મસ્તક તો મનુષ્યના જેવું લાગે છે. પરંતુ તે અત્યંત સફેદ લાગે છે. પરંતુ આ સમયે આવા અંધકારમાં અત્રે મનુષ્ય શામાટે આવે?” નથુ ચાલતા ચાલતા હવે તો છેક નજીક આવી પહોંચ્યો, હવે તે એને ચોખ્ખી રીતે જોઈ શકતો હતો. હવે તેની ચોક્ક્સ ખાત્રી થઇ કે એ તો નક્કી કોઇ મનુષ્યજ છે. પછી મરી ગએલું હોય કે જીવતું, વળી તે જોઇ શક્યો કે તેના શરીરપર બીલકુલ વસ્ત્ર પણ નથી, અને તદન નગ્નાવસ્થા છે અને તે માણસ ભીંતને ટેકવી સ્તબ્ધ ઉભો રહ્યો છે. આ વિચિત્રતા જોઈ નથુ મનમાં ગભરાયો અને વિચાર કરવા લાગ્યો કે કોઇએ આ માણસને મારી નાંખી ભીંત સાથે ટેકાવી ઉભો રાખ્યો છે. ઘણોએ વિચાર કરીને નથુ આખરે ત્યાંથી ચાલવા લાગ્યો અને થોડેક છેટે ગયા બાદ પાછું ફરી જોયુ તો તે માણસને બેસી ગયેલો અને આમ તેમ હાલતો જોયો. નથુ જરા નજીક પાછો આવીને જોવા લાગ્યો. તો તે માણસ પોતાના તરફ તાકીને જોતો માલુમ પડ્યો. નથુ અગાઉના કરતાં વધુ બીવા લાગ્યો, અને વિચાર્યું કે “શું હું ચાલ્યો જાઉં કે આ મનુષ્યની સાથે કંઇ બોલું ? હું એની પાસે જાઉં તો એ શું કરશે? પરમાત્મા જાણે કે એ કોણ છે, અને અત્રે આવા અંધકારમાં બેસીને શું કરે છે? હું ધારૂં છું કે અહીંયાંથી ચાલ્યોજ જાઉં. આવા નગ્ન ભીખારી જેવા પાસે જઈ મારે શું કરવું ? આમ વિચાર કરી તે પાછો ચાલવા લાગ્યો અને થોડેક છેટે ગયા બાદ પાછો ઉભો રહ્યો. અને પોતાના અંતઃકરણ સાથે વિચાર કરવા લાગ્યો: “અરે હું શું કરૂં છું? એક તદ્દન નગ્નાવસ્થામાં અને ગરીબ ભીખારી નીરાધાર મનુષ્યની નજીક થઈને કંઈ પણ લાગણી સિવાય હું ચાલ્યો જાઉં? શું મનુષ્ય જાતિને માટે મારા અંતઃકરણમાં કંઇજ લાગણી નથી ! ગરીબ અને નીરાધારને મદદ કરવી એ શું મનુષ્ય કર્તવ્ય નથી? જો એ મનુષ્યની ફરજ હોય તો મારી ફરજ છે કે તે મનુષ્ય પાસે જઇ તેને પુછ્વું કે તે કોણ છે, અને શું કરે છે.” નથુનું અંતઃકરણ તે મનુષ્યની આવી સ્થિતી જોઈ પ્રેમ અને દયાથી ઉભરાઈ આવ્યું અને હીંમત ધરીતે પેલા માણસ ભણી ચાલવા લાગ્યો.


પ્રકરણ ૨ જું.


નથુ હવે તે માણસની તદ્દન નજીક આવી પહોંચ્યો અને તેને બારીકાઇથી જોવા લાગ્યો. તે મનુષ્ય તદ્દન યુવાન અને મજબુત બાંધાનો હતો. તેના શરીર ઉપર કઈં પણ ઘા જેવું લાગતુ નહોતું. ફક્ત તે ભયભીત અને થડીથી અડકાઇ ગએલો લાગતો હતો તે નથુના તરફ દૃષ્ટિ પણ કરતો નહોતો. કેમ જાણે કે પોતાની આંખ ઉઘાડવાને પણ અશક્ત હોય. નથુ તેની એકદમ નજીક આવ્યો, અને એકાએક તે મનુષ્યને જાગૃત થઇ ગએલો અને ગંભીરતાથી પેાતાના તરફ જોતો જોયો, નથુના અંતઃકરણમાં તેને પોતાના તરફ અમી દૃષ્ટિથી જોતા જોઇ અત્યંત સ્નેહ ઉપજી આવ્યો, પોતે પહેરેલી જુની બંડી ઉતારી નાંખી, પગમાંથી જોડા ઉતારી નાંખ્યા અને કહ્યું, “કંઇપણ વ્યર્થ વાતમાં વખત ગુમાવવો એ નકામું છે, માટે જલદી કરો, અને આ બંડી અને પગરખાં પહેરી લો.”

નથુએ તેનું નામ પુછતાં તેણે જણાવ્યું કે “મારૂ નામ દેવદુત છે.” નથુએ તેને ઉઠાડવામાં મદદ કરી અને જોડા તથા બંડી પહેરાવ્યાં. દેવદુતની મુખાકૃતિ અત્યંત તેજસ્વી હતી. અને શરીર પણ મજબુત બાંધાનું હતું. નથુને તેને જોતાં જ અંતઃકરણમાં અત્યંત સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો, નથુએ તેને પોતાનાં કપડાં બુટ પહેરાવ્યાં પછી કહ્યું “ભાઈ દેવદૂત! હવે તારે કોઇપણ જાતની ચિંતા રાખવી નહીં. તું મારી સાથે ચાલી શકશે ? નથુનું બોલવું દેવદૂત સમજી શક્યો અને એક પણ શબ્દ બોલ્યા સિવાય તેની સાથે ચાલવા લાગ્યો. બંનેએ નથુના ઘર તરફનો રસ્તો લીધો.

નથુએ તેને પુછ્યું: “ભાઈ દેવદુત, તું કેમ બોલતો નથી, આપણે હવે ઘેર જઈએ છીએ. જો તારાથી ચાલી ન શકાતું હોય તો આ મારી લાકડી લે અને એના ટેકાથી ધીમે ધીમે ચાલ.”

દેવદુત લાકડી હાથમાં લઇ ધીમે ધીમે ચાલવા લાગ્યો. રસ્તે ચાલતાં નથુએ પૂછ્યું: વહાલા ભાઈ દેવદુત, તું ક્યાં આગળથી આવે છે ?”

દેવદુતે જણાવ્યું: “હું આ ભાગોમાંથી આવ્યો નથી.”

નથુએ કહ્યું: “હા, આટલામાં તો હું બધાને ઓળખું છું. પણ પ્રથમ તું મારા જોવામાં કદી આવ્યો નહોતો. આ ગલીની અંદર હવેલી આગળ તું કેવી રીતે આવી ચઢ્યો ?

દેવદુતે કહ્યુઃ “તે હું કહી શકતો નથી.”

નથુએ પુછ્યું: “હું ધારું છું કે તને કોઇએ ઇજા કરી છે.” દેવદુતે કહ્યુ: “કોઇ પણ મનુષ્યે મને ઈજા કરી નથી. પરંતુ પરમાત્માએ મને શિક્ષા કરી છે.”

નથુએ કહ્યું: “હા, મનુષ્યની સ્થિતિ પોતાના કર્તવ્ય અનુસાર જ મળે છે, અને પરમાત્મા હંમેશાં ન્યાયી અને દયાળુ છે, તારૂં જીવન હવે તું કેમ ગાળવા માગે છે, અને તું ક્યાં જવા ધારે છે?”

દેવદૂતે જણાવ્યું: “મને બધું સરખું જ છે.” નથુ જરા આશ્ચર્ય પામ્યો. અને પોતાના અંતઃકરણ સાથે વિચારવા લાગ્યો કે આ મનુષ્ય કોઇપણ પ્રકારે દુરાચારી લાગતો નથી, એનું બોલવું તદ્દન શાંતિ ભરેલું છે. પરંતુ પોતાની હકીકત કહેતાં એ ડરે છે, હશે ગમે એ હોય, હું એને મારે ઘેર તો તેડી જઇશ. એમ વિચારી દેવદુતને કહ્યું: “ભાઇ, તું મારી સાથે ઘેર ચાલ, અને ઠંડીથી તું અકડાઇ ગયેલો છે, માટે આગ પાસે બેસી જરા આરામ લે. પછી તારે જે કહેવા કરવાનું હોય તે નીરાંતે મને કહેજે.”

હવે નથુનું ઘર નજીક આવવા લાગ્યું. એટલે તેને પોતાની સ્ત્રી સાંભળી આવી અને મનમાં વિચારવા લાગ્યોઃ “સ્ત્રી ને છોકરા માટે હું કપડાં ખરીદવા ગયો. કમભાગ્યે પૈસા ન મળવાથી કપડાં લઈ ન શક્યો, અને પાસે જે જુજ પૈસા હતા તેનો આવી ઠંડીમાં દારૂ પી લીધો. રસ્તે ચાલતાં આ નગ્ન ભીખારીને સાથે ઉપાડી આવ્યો, ઘરમાં ખાવાનું પણ પુરતુ નહીં હોય, એટલે સ્ત્રી ગુસ્સો તો કરવાની જ છે, હરી ! હરી !! જે અને તે ખરૂં.” નથુ જ્યારે જ્યારે દેવદૂતના મોઢા સામું જોતો એટલે તેના અંતઃકરણમાં કુદરતી પ્રેમ ઉત્પન્ન થઈ આવતો હતો. તેથી બધા વિચારો તે ભુલી જતો હતો. આવી રીતે વિચારમાં ચાલતાં ચાલતાં દેવદુત સાથે નથુ ઘરની નજીક આવી પહોંચ્યો.


પ્રકરણ ૩ જું.


નથુની સ્ત્રીએ ઘરનું સરવે કામકાજ આટોપી લીધું હતું. પોતે બળતણ પાણી વિગેરે લઇ આવી હતી, અને છોકરાઓને ખવરાવી કામકાજમાંથી પરવારી હતી; અને પોતે પણ થાડુંક ખાઇને વિચાર કરતી બેઠી હતી. “નથુ ગામમાં ગએલ છે. એટલે ગમે તે જગ્યાએ ખાઇને જ આવશે. એટલે ખાવાનું તેના ભાગનું બાકી રહશે. તેથી આવતી કાલે બધાને ચાલી રહે એટલું ખાવાનું તો છે. આમ વિચારો કરી તે પોતાના ધણીનું એક જુનું કુડતુ જે તદ્દન ફાટી ગયું હતું તે સીવવા બેઠી, અને તરંગો કરવા લાગી, “મારો ધણી હમણાં આવશે અને મારે સારૂં તેમજ છોકરાઓને સારૂં કપડાં લઇને જ આવશે, હું ધારું છું કે ઉઘરાણી મળી હશે, અને જરૂર કપડાં લઇ આવશે. પહેરવાનાં કપડાં ન હોવાથી મારાથી તેમજ છોકરાંઓથી બહાર પણ નીકળાતું નથી. જો ઉઘરાણી નહીં મળી હોય તો પાસે જે જુજ પૈસા છે. તે દારૂ પીવામાં તો ન ઉડાડી દે ! આટલી જ મને ધાસ્તિ છે.” આમ ઘોડા ઘડતી હતી. તેવામાં બારણે ઓટલા ઉપર પગલાંનો અવાજ સંભળાયો. તે કુડતું એક બાજુએ મુકી ઉઠી, એટલે નથુને એક માણસ સાથે બારણામાં પેસતો જોયો.

પોતાના ધણીના જોડા અને અંગરખુ પણ તે પુરૂષે પહેરેલાં જોઇ વિચાર વમળમાં પડી, પોતાના ધણીની પાસે ઉભી રહેતાં તુરતજ તેને દારૂની વાસ આવી. નથુની પાસે કંઇપણ સામાન ન જોયો. તેનો ચહેરો ઉદાસીન અને ફીક્કો પડી ગયેલો જોઇ વિચાર્યું કે પોતાની પાસેના પૈસાનો દારૂ પી ગયો છે, અને સાથે આ રસ્તે ચાલતા ભીખારી દારુડીઆને પણ ઉપાડી આવ્યો છે. નથુ અને દેવદુત આગળ ઓરડા તરફ્ ચાલવા લાગ્યા અને સ્ત્રી પણ પાછળ વિચાર કરતી ચાલી. એણે પોતાનું અંગરખુ આને પહેરાવ્યું છે, અને કોટ નીચે કુડતું પણ એની પાસે દેખાતું નથી અને માથાપર ટોપી પણ નહોતી. દેવદુત ઓરડામાં પેઠો કે એક જગ્યાએ હાલ્યા ચાલ્યા સિવાય ફક્ત નીચી નજર રાખી ઉભો રહ્યો. નથુની સ્ત્રીએ વિચાર્યું કે એ સારો માણસ નથી અને પીધેલા જેવો લાગે છે. એમ વિચાર બાંધી પોતે રસોડામાં ગઇ, અને શું વાતચીત થાય છે તે સાંભળવા લાગી. નથુ પોતાની ટોપી ઉતારી બાંકડા પર બેસી ગયો. તે સમજ્યો કે ઘરમાં સ્ત્રીનો મીજાજ ગયો છે. થોડીવાર પછી પોતાની સ્ત્રીને કહ્યું: “અમને હવે કંઇ ખાવાનું તું આપશે ?”

તેણે સાંભળ્યું જ ન હોય તેમ તે બરબડી. અને રસોડામાંથી ચુલા પાસેથી ઉઠીજ નહીં, તેતો પોતાના ધણી તરફ જોઇ નિશ્વાસ નાખ્યા કરતી હતી.

નથુએ આ કંઇ બાબત ધ્યાનપરજ ન લીધી. તે દેવદુત પાસે જઈ કહેવા લાગ્યો: “ભાઇ અહીં એક બાજુએ શું કામ ઊભો રહ્યો? આવ, અને આ ગુણીઆપર બેસ, આપણે હવે વાળુ કરીશું.” પોતાની સ્ત્રીને પુછવા લાગ્યો: “કેમ કંઇ આજે રાંધ્યું છે કે નહીં ?”

સ્ત્રીએ કહ્યું: “રાંધ્યું છે, પરંતુ તમારે માટે તે નથી. દારૂ પી પી તમે તમારી બુદ્ધિજગુમાવી છે! તમે શહેરમાં મારે સારૂ તેમજ છોકરાંઓ સારૂ કપડાં લેવા ગયા તે ન લાવતાં દારૂ પી પીને રસ્તે ચાલતાં આ નગ્ન રખડતા ભીખારીને સાથે ઉપાડી આવ્યા. તમને કઈ શરમ નથી આવતી? તમારા જેવા પીધેલને માટે મારી પાસે ખાવાનું નથી.”

નથુ જરા ગુસ્સાના આવેશમાં બોલ્યો: “હવે એટલું બસ થશે. જરા જીભને ટુંકી કર. પ્રથમ તું પુછ તો ખરી કે એ કેવો માણસ છે ?”

સ્ત્રીએ કહ્યું: “તમે તે પૈસાનું શું કર્યું તે તો કહો !” દારૂ પીતાં થોડા પૈસા રહ્યા હતા તે નથુએ તેના તરફ ફેંકી દીધા અને જણાવ્યું કે ઉઘરાણી બીલકુલ મળી નહીં. આવતા અઠવાડીયામાં વાયદો કર્યો છે. ત્યારે કપડાં વિષે જોઇશું.

આ સાંભળી સ્ત્રી વધુ ગુસ્સે થઇ, અને એક નગ્ન ભીખારીને પરમાં આણેલો જોઇ તે નથુપર ગાળો વરસાવવા લાગી. પાસે પડેલા પૈસા લઇ તે નથુને કહેવા લાગી કે “મારી પાસે ખાવાનું નથી, આવા રઝળતા ભીખારીને તમે ઘરમાં લાવ્યા કરશો અને હું ખાવાનું ક્યાંથી આપીશ ?”

નથુએ ગુસ્સાથી કહ્યું “તું એકદમ ચુપ રહે, અને મારે જે કહેવાનું છે તે સાંભળ.”

સ્ત્રી કહેવા લાગી કે તમારા જેવા પીધેલ એવા પાસેથી શું અક્કલની વાત સાંભળવી હતી. પૈસા લઇ કપડાં લેવા ગયા. તેનો દારૂ પી રસ્તામાંથી રઝળતા ભીખારીને ઉપાડી તમ ઘેર આવ્યા, અને હવે મારૂં કર અને મારા પુનીયાનું પણ કર !! આ તમારી કુટેવો હું સહન કરી શકતી નથી.” અત્યંત ગુસ્સાના આવેશથી તે સળગી ઉઠી હતી અને જેટલાં વેણ કહેવાય તેટલાં બધાં કહ્યાં.

નથુ આ સર્વ શાંત ચિત્તથી સાંભળી રહ્યો, કારણ કે આ દેખાવ કંઈ નવો નહોતો. ગુસ્સામાં ને ગુસ્સામાં સ્ત્રીએ ચાલી જવાનો ત્યાંથી વિચાર કર્યો પરંતુ આ અજાણ્યો પુરૂષ કોણ હતો તે જાણવાની તેણીની ઉત્કંઠા હતી તેથી રસોડામાંજ બેઠી.


પ્રકરણ ૪ થું.


નથુ તથા દેવદુત બાંકડા ઉપર બોલ્યા ચાલ્યા સિવાય બેસી રહ્યા હતા. સ્ત્રીએ પાતાના મનનો ઉભરો વચનબાણ વડે ખાલી કર્યો, અને આખરે થોડોક સમય વિત્યાબાદ શાંત પડી, અને નથુને કહેવા લાગી કે “જો આ ભલો મનુષ્ય હોય તો આવી નગ્નાવસ્થા અને અધમાવસ્થામાં કેમ હોય ? પાસે પહેરવાનું એક પેરણ નથી. આવુ ઉત્તમ પુરૂષરત્ન તમે ક્યાંથી શોધી લાવ્યા. નથુ બોલ્યો-હું તને પ્રથમથીજ આ મનુષ્ય વિષે કહેવાની કોશીષમાં હતો. પરંતુ તારો ઉભરો ખાલી કર્યા સિવાય તું કોઇનું સાંભળે એમ ક્યાં છે ? હું સામે છેટેની ગલીમાં થઈને અંધારામાંથી ચાલ્યો આવતો હતો. ત્યાં આગળ પેલા દેવળ નજદીક ભીતને અઢેલી બેઠેલા આ માણસને મેં તદ્દન નગ્નાવસ્થામાં જોયો. થંડીથી એ તદ્દન અકડાઇ ગએલો હતો. પ્રથમ તો મને આવી સ્થિતિમાં મનુષ્યને જોઇ ધાસ્તી લાગી આવી, અને હું ઘર તરફ ચાલ્યો આવવા લાગ્યો. પરંતુ પરમાત્માએ મને પ્રેરણા કરી કે એક દુઃખી મનુષ્યને આવી સ્થિતિમાં જોઈ તેના પાસેથી કંઇપણ તજવીજ કર્યા સિવાય કેવી રીતે ચાલી આવું ? તેથી હું પાછો ફર્યો અને તેની પાસે ગયો. ઇશ્વરે જ મને એની પાસે મોકલ્યો. નહીં તો એ થંડીમાં અકડાઈને મરી જાત. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે એના ઉપર શું મહાન કષ્ટ ઉતરી પડ્યું છે? જેથી મેં એને મારૂં અંગરખું અને પગરખાં પહેરાવ્યાં, અને અહીંઆં લઇ આવ્યો. હવે તારા અંતઃકરણમાં જરા દયા રાખ. આપણે સર્વને એક વખત મરવુંજ છે. તો પાપાચરણ કરતાં તરત અટકવું જોઈએ.” આ સાંભળી સ્ત્રીના અંતઃકરણમાં પાછો ઠપકો દેવાનું મન થઈ આવતું હતું. પરંતુ તેણે નવા આવેલા શખસની સામે જોયું અને કંઇ બોલી નહીં. દેવદુત બાંકડાના એક ખુણા ઉપર આંખ મીંચી મસ્તક નીચું રાખી હાલ્યા ચાલ્યા સિવાય ઉંડા વિચારમાં નિમગ્ન થઇ બેઠેલો હતો. નથુની સ્ત્રી પણ શાંત થઇને બોલ્યા ચાલ્યા સિવાય ઉભી રહી હતી.

નથુએ કહ્યું: “શું તારા અંતઃકરણમાં ઇશ્વરનો વાસ નથી?” આ શબ્દોથો સ્ત્રીનુ અંતઃકરણ એકાએક નરમ થઈ ગયું અને તેણી દેવદુતના તરફ જોવા લાગી અને તેના તરફ પ્રેમવૃત્તિ ઉત્પન્ન થઈ. તે તરતજ રસોડામાં ગઈ અને બન્નેને માટે ખાવાનું લઇ આવી. નથુએ દેવદુતને પાસે બોલાવ્યો અને રોટી ખાવા આપી, અને બંને જણા સાથે બેસી ખાવા લાગ્યા. સ્ત્રી પણ એકબાજુ ઉભી રહી, દેવદુતને બારીકાઇથી જોવા લાગી, અને તેને માટે દિલમાં સદ્ભાવ ઉત્પન્ન થયો. એકાએક દેવદુતના મોં ઉપર પ્રકાશ ઉત્પન્ન થયો. તેની આંખો ચળકવા લાગી અને તે સ્ત્રીને જોઇ મ્હોં મલકાવ્યું. નથુ તથા તેની સ્ત્રી બંને આશ્ચર્ય પામ્યાં. દેવદુત અને નથુ જમી રહ્યા પછી એ વાસણ ધોયાં, અને તે પાછી દેવદુત પાસે આવીને પુછવા લાગી “ભાઇ, તમે ક્યાંથી આવેા છો ?”

“હું આ વિભાગમાં વસતો નથી.” દેવદુતે કહ્યું.

“તમો આ રસ્તા ઉપર ક્યાંથી આવી ચઢ્યા ? હું તે કહી શકતો નથી.” દેવદુત બોલ્યો. સ્ત્રી કહે “શું આપને કોઇએ લુંટી લીધા છે? ” દેવદુત બોલ્યો “પરમાત્માએ મને શીક્ષા કરી છે.”

સ્ત્રી કહે–શું આપ ત્યાં આગળ નગ્નાવસ્થામાં બેભાન સ્થિતિમાં પડ્યા હતા ? દેવદુત કહે– “હા, હું તદ્દન નગનાવસ્થામાંજ હતો, અને અત્યંત થંડીથી અકડાઈ ગયો હતો. તમારા ઉદાર અને પરોપકારી ધણીએ મારા ઉપર દયા કરી અને પોતાનો કોટ મને પહેરાવી અહીં લઈ આવ્યા અને તમે પણ સ્વાદીષ્ટ ભોજન આપી સંતોષ્યો અને મારાપર દયા કરી. પરમ દયાળુ પ્રભુ એનો બદલો તમને અવશ્ય આપશે.

નથુની સ્ત્રીએ પોતાના ધણીનુ જે જુનું પેરણુ સાંધ્યું હતું તે દેવદુતને પહેરવા આપ્યું. અને એક જુની ઇજાર પણ આપી, અને કહ્યું કે આપને માટે હું રસોડામાં પથારી ચુલાની નજદીક કરૂં છું ત્યાં સુઈ જાઓ. રસોડામાં ગરમી હોવાથી આપને રાત્રે ઠંડી લાગશે નહીં.

દેવદુત કપડાં પહેરી રસોડામાં સુઇ ગયો. નથુ અને તેની સ્ત્રી પણ સુઈ ગયાં. નથુની સ્ત્રી સુઇ ગઇ પરંતુ તેને બીલકુલ નિંદ્રા આવી નહીં. દેવદુત વિષેના વિચાર તેના મગજમાંથી બીલકૂલ ખસતા નહતા. હવે તેણીને આવતી કાલની ચિંતા થઈ કારણ કે રોટી બીલકુલ રહી નહતી. વળી પોતાના ધણીની ઇજાર અને પેરણ પણ દેવદુતને તેણે આપી દીધાં, આથી તે નિરાશ થઇ. પરંતુ દેવદુતની દયામણી સ્થિતિ જોઇ દીલમાં લાગણી પણ ઉત્પન્ન થઈ આવતી હતી. આવા વિચારમાં ને વિચારમાં તે મોડી રાત સુધી ઉંઘી નહિ. તેણે પોતાના ધણી નથુને પણ જાગતો જોયો. નથુએ પુછ્યું. “કેમ તું પણ જાગે છે કે ?”

સ્ત્રીએ કહ્યું.“હા. તમો બંને જણાએ બધી રોટી ખલાસ કરી છે. હવે કાલે શું કરીશું તેના વિચારમાં હું પડી છું. હું ધારૂં છું કે પાડોશીને ત્યાંથી કાલે ઉછીની લેવી પડશે તે સિવાય બીજો રસ્તો નથી.”

નથુએ કહ્યું: “ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધીની આપણી ફીકર તે પરમ દયાળુ પિતાને જ છે.” કીડીને કણ અને હાથીને મણ,’ એમ સૌ સૌની જરૂરીઆત પ્રમાણે તે આપે છે. તે તારી અને મારી ચિંતા શું કામની છે ?

સ્ત્રી આ સાંભળી શાંત થઇ અને થાડીવાર પછી પુછવા લાગી “આ દેવદુત ભલો માણસ દેખાય છે. પરંતુ એ પાતાના વિષેની હકીકત કેમ આપણને જણાવતો નથી ?”

નથુએ કહ્યું: “એ નહીં કહી શકે એવી સ્થિતિમાં હશે. એટલે આપણે જાણવાની શી જરૂર છે ? સ્ત્રીએ કર્યુ: “એ તેા ઠીક, પરંતુ આપણે બીજાઓને આપણી સ્થિતિ પ્રમાણે મદદ આપીએ છીએ. ત્યારે આપણને કેમ કોઈ આપતું નથી ?”

નથુને આનો શું જવાબ દેવો એ સુઝ્યું નહીં અને કહ્યું કે: “બસ હવે વાતો બંધ કર, અને સુઈ જા. મને ઉંઘ આવે છે.” એમ કહી નથુ બોલતો બંધ પડ્યો, અને થોડીવારમાં સૌ નિદ્રાવશ થયાં.


પ્રકરણ ૫ મું.


નથુ સવારના પહોરમાં જલદી ઉઠ્યો. તેની સ્ત્રી પાડોશીને ત્યાં ઉછીની રોટી લેવા ગઇ. દેવદુત ઉઠીને મ્હોં વિગેરે ધોઈ બાંકડા ઉપર બેઠો હતો. તેનો ચહેરો આજે ઘણોજ તેજવાન લાગતો હતો. નથુએ આવીને પુછ્યું: “વહાલા ભાઇ દેવદુત આપણાં પેટ ખાવાનું માગશે અને શરીર પહેરવાનાં કપડાં માગશે. માટે તમારે તે સાધનો મેળવવા કામ કરવું પડશે. તમો શું કરી શકો એમ છો ?

“હું કંઇપણ જાણતો નથી.” દેવદુતે કહ્યું.

નથુ અજાયબ થયો, પણ કહ્યું કે “તમો કંઇ જાણતા નથી એ ઠીક, પરંતુ મનુષ્ય પોતાની દ્રઢ ઇચ્છાથી બધુ શીખી શકે છે.”

“બીજા કરે છે તેમ હું પણ કરીશ ” દેવદુતે કહ્યું:

“ભાઇ દેવદુત તું તારી કોઇ પણ હકીકત કહેતો નથી એ તારી મરજી, પરંતુ તારો જાત નીભાવવા માટે—તારી જીંદગીના સાધન મેળવવા માટે તારે કમાવું જોઇશે. હું જેમ બતાવીશ એમ તું કામ કરશે તો હું તને મારે ત્યાંજ રાખીશ.”

“ઇશ્વર તમને તેનો બદલો આપશે હું કામ કરીશ. મારે શું કરવું તે મને બતાવો.”

નથુએ દોરી લીધી અને પોતાની આંગળી વચ્ચે રાખી મીણ કેમ લગાડવું તે બતાવ્યું. દેવદુત અત્યંત ચાલાક માણસ હતો. કોઈ પણ કાર્ય તેને એક વખત બતાવ્યું કે તે તરતજ ધ્યાનમાં લઇ શીખી જતો હતો. નથુએ તેને જોડાનાં તળીયાં કેમ શીવવાં, ચુકો કેમ મારવી, વિગેરે બતાવ્યું, અને દેવદુત તે તરતજ શીખી ગયો. ત્રણ દિવસમાં તો એક હુશીયાર મોચીની સાથે હરીફાઇ કરી શકે એટલું તેને આવડી ગયું. નથુ તેની ચાલાકી જોઇ અત્યંત રાજી થયો. હવે દેવદુત આરામ લીધા સિવાય અત્યંત ઉલટથી કામ કરવા લાગ્યો, એને ખાવાનું પણ તદ્દન થોડુંજ જોઈતું હતું. જ્યારે કામ ખલાસ થતું કે તદ્દન શાંત થઈ બેસતો અને આકાશ તરફ જોયા કરતો. તે કવચીત્ જ ઘરમાંથી બહાર રસ્તા ઉપર નીકળ્યા હશે. જરૂર હોય તેનાથો કદી વધુ વાત કરી નથી. કદી હસ્યો પણ નથી, કે કદી કોઈની મશ્કરી કરી નથી. નથુ અને તેની સ્ત્રીએ ફક્ત તેને એકજ વખતે હસ્તો જોયો; અને તે જ્યારે પહેલવહેલે દિવસે નથુ સાથે રાતના આવ્યો અને તેની સ્ત્રીએ જ્યારે પ્રથમ ખાવાનું આપ્યું ત્યારેજ.


પ્રકરણ ૬ ઠું


દિવસ ઉપર દિવસ, અઠવાડીઆં ઉપર અઠવાડીઆં એમ પસાર થવા લાગ્યા. અને દેવદુત નથુને ત્યાંજ સુતો, ખાતો, અને કામ કરતો. દેવદુતના આવ્યા પછી નથુના કાર્યની ખ્યાતી શહેર બાર પણ પ્રસરવા લાગી. લોકો વાત કરવા લાગ્યા કે નથુ મોચીના જેવા જોડા બીજું કોઇ બનાવી શકે એમ નથી. કામ ઘણુંજ મજબુત ટકાઉ અને ચોખ્ખું થાય છે, અને એને લીધે પાડોશના શહેર ને ગામડામાંથી પશુ નથુને પગરખાં વિગેરે બનાવવાની વરધી દિન પ્રતિદિન વધુ ને વધુ મળવા લાગી.

એક દિવસ નથુ અને દેવદુત પોતાના કામમાં બેઠા હતા. ત્યાં આગળ એક ગાડું આવીને ઉભું રહ્યું. તેમણે બારીમાંથી બહાર જોયું તો ગાડાંને પોતાનાજ ઘર આગળ ઉભું રહેતું જોયું, ગાડામાંથી એક માણ્સ નીચે ઉતર્યો એટલે ભારે કપડાં પહેરેલ એક શેઠીઓ બહાર નીકળ્યો. નથુ બારણું ઉઘાડી સામો ઉતાવળથી ગયો, અને તે શેઠીઓ નીચા વળી બારણામાં પેઠો. પોતે શરીરે હૃષ્ટપુષ્ટ હતો. તે બાંકડા ઉપર બેઠો, અને પુછ્યુ કે દુકાનનો ધણી કોણ છે? નથુ આવકાર સહિત બોલ્યો, “હું છુ, મહેરબાન, કાંઇ હુકમ?’ શેઠીઆએ પોતાના નોકરને બોલાવ્યો અને ગાડીમાંથી ચામડુ લઇ આવવાની આજ્ઞા કરી. નોકર તે લઇ આવ્યો અને શેઠીએ તે છોડી નથુને આપ્યું અને કહ્યું: “આ ચામડુ તેં જોયું ? તું સમજે છે કે એ કેવી જાતનું ચામડુ છે ?”

નથુએ કહ્યું: “કે સાહેબ, બહુજ સુંદર ચામડું છે.

શેઠીયાએ કહ્યુ: “તારી જીંદગીમાં પણ આવું ચામડું તેં જોયું નહીં હોય, એ બહુજ કીંમતી છે. હવે આમાંથી તું મારે માટે જોડા બનાવી આપ.”

નથુએ કહ્યું: “હા સાહેબ.”

શેઠીઓ બોલ્યો: આટલું તારે ખાસ યાદ રાખવાનું છે કે તું કેવા સરસ ચામડાંમાથી અને કોને સારૂ જોડા બનાવવાનો છે. તારે એવા સરસ જોડા બનાવા પડશે કે એક વરસ સુધી ઘાટ બદલાયા સિવાય ચાલે, તારાથી એવી રીતે બનતું હોય તોજ ચામડું કાપજે, નહીં તો રહેવા દેજે. હું બીજી જગ્યાએ આપીશ. જો એક વરસની મુદ્દતમાં જોડા ફાટી ગયા કે આકાર બદલાયો તો હું તને જેલમાં મેાકલીશ એ ધ્યાનમાં રાખીને જોડા બનાવવાનું માથે લેજે. અને જો એક વરસ સુધી આકાર બદલાયા સિવાય ચાલશે તો તને બમણું દામ આપીશ.

નથુ તો આથી ગભરાઈ ગયો હતો તે દેવદુત્ત પાસે જઈ કાનમાં કહેવા લાગ્યો કે “કેમ આ કામ લઇએ ને ?”

દેવદુત હા પાડી, એટલે શેઠીઆને કહ્યું કે “તમારી શરત મુજબ જોડા બનાવી શકીશ.” શેઠીએ પગનું માપ લેવાનું કહ્યું: નથુ માપ લેતો હતો. એટલામાં તે શેઠીઆએ દેવદુત ભણી નજર નાંખી પુછ્યું: “આ કોણ છે ?” નથુએ જણાવ્યું કે મારો નોકર છે. શેઠીએ કહ્યું કે એવા સરસ જોડા બનાવજે કે એક વરસ સુધી ચાલે.

દેવદુતે સાંભળ્યા કર્યું. તેની નજર શેઠીઆની ઉપર હતી. અને કેટલીક વખત તેના માથાની ઉપર ઉંચે જોયા કરતો હતો, કેટલોક વખત સુધી એમ જોયા પછી તે હસી પડ્યો. અને તેનો આખો ચહેરો પ્રકાશમાન જણાવા લાગ્યો.

શેઠીએ દેવદુતને કહ્યું: “તું શું હસે છે? કંઈ જંગલી જેવો લાગે છે. એટલું બરાબર ધ્યાન રાખજે કે વખતસર જોડા તૈયાર કરવાના છે.”

દેવદુતે કહ્યું: આપને જ્યારે જોઈએ ત્યારે હું હાજર કરીશ.

શેઠીઆએ બીજી આપવા જેવી સુચના આપી ત્યાંથી પોતાની ગાડામાં બેસી વિદાય થયો.


પ્રકરણ ૭ મું


નથુએ દેવદુતને જણાવ્યું કે “જો, આપણે આ કામ હાથમાં લીધું છે, પરંતુ એવા સરસ જોડા બનાવવા જોઇએ કે આપણે કાંઇ હરકતમાં આવી ન પડીએ. આ ચામડું ઘણુંજ ઉત્તમ છે.અને શેઠીઓ ઘણો કડક મગજનો લાગે છે, કોઇ પણ જાતની ભુલ ન થાય એને માટે અત્યંત કાળજી રાખવાની છે. તું મારા કરતાં વિશેષ હુંશીઆર છે, માટે એ કામ તુજ હાથમાં લે.” દેવદુતે સરસ જોડા બનાવવાનું કામ પોતાના ઉપર લીધું. ચામડું લઇ તેને નરમ બનાવવા લાગ્યો અને પછી તેને કાપવાનું શરૂ કીધું. નથુની સ્ત્રી તેની પાસે આવીને બેઠી અને દેવદુત શું કરે છે, તે જોવા લાગી. અને અજાયબ થઇ કે દેવદુત કેવી રીતે કાપે છે! કારણ કે નથુની સ્ત્રીને પણ તે કામનો મહાવરો હતો. તેણી જોઈ શકી કે દેવદૂતે તે જોડાને માટે ચામડું કાપવાનું મુકી સપાટ બનાવવાના કકડા કાપ્યા. છતાં તેણીએ વિચાર કર્યો કે કદાચ આદમીના જોડા કેવી રીતે બનાવવા તેની તેને ખબર ન હશે, દેવદુત અમારા બધા કરતાં હુશીયાર છે. માટે જેમ એની મરજીમાં આવે તેમ કરવા દેવું. હવે દેવદુત સપાટને માટે ચામડુ કાપી રહ્યો અને એકવડા દોરાથી તે શીવવા લાગ્યો. નથુની સ્ત્રી ફરી અજાયબ થઇ. કારણ કે તેણી જાણતી હતી કે સપાટ બનાવવા માટે બેવડો દોરો વાપરવો પડે છે. પરંતુ હજી પણ તેણી ચુપ બેસી રહીને દેવદુત શું કરે છે, તે ફક્ત જોવાજ લાગી. થોડીવાર પછી નથુ આવ્યો અને તેણે જોયું કે તે શેઠીઆના ચામડાંમાંથી જોડા બનાવવાનું મુકી સપાટ બનાવે છે, નથુ એકદમ દિલગીર થઇ ગયો અને વિચાર્યું કે દેવદુત એક વરસ થયાં કામ કરે છે અને કોઇ દિવસ કાંઇ પણ ભુલ કરી નથી અને આજે શું કરે છે? તે શેઠીઆએ જોડા બનાવવાનું કહ્યું છે, અને આ તો સપાટ બનાવે છે, હવે તો તેણે ચામડું પણ કાપીને બગાડ્યું છે, હવે તે શેઠીઆને શું જવાબ દઇશ ? એમ મોટી ફીકરમાં પડ્યો. કારણ કે એવું ચામડું બીજી જગ્યાએથી મળી શકશે નહીં. અત્યંત શોકાતુર થઇ તેણે દેવદુતને કહ્યું: “મારા દોસ્તદાર, આ તેં શું કર્યું? તે મારા સર્વસ્વનો કીધો છે. તે શેઠીઆએ જોડા બનાવવાનો હુકમ આપ્યો છે, અને તેં તો સપાટ બનાવ્યા. હવે હું શું કરીશ ? તે શેઠીઓ કોઈ મોટો પુરૂષ છે, અને મને કેદમાં નાંખશે, અને મારાં બાયડી છોકરાંનું શું થશે! નથુ આમ વાતચીત કરે છે. એટલામાં બારણે કોનો અવાજ સંભળાયો. બારીમાંથી નથુએ બહાર જોયુ. તો કોઇ ઘોડા ઉપરથી ઉતરી દુકાનમાં આવે છે, તેણે જઇ બારણું ઉઘાડ્યું, તો તેજ શેઠીઆનો નોકર આવ્યો. તે કહેવા લાગ્યો કે મારી શેઠાણીએ જોડા વિષે કંઈ સુચના કરવા મને મોકલ્યો છે.

નથુએ પુછ્યું કે “શું છે?”

નોકરે કહ્યું કે “શેઠ તે દિવસે આવ્યા હતા, પરંતુ એકાએક ગુજરી ગયા છે.”

નથુએ કહ્યું કે “એવું તું શું બોલે છે?”

નોકરે કહ્યું કે “શેઠ ગાડીમાં બેસી તારે ઘેરથી ગયા કે રસ્તામાંજ ગાડીમાં તે એકાએક ગુજરી ગયા છે. ગાડું ઘર આગળ પહેચ્યું, ત્યારે હું ગયો અને જોઉં છું તો શેઠ ચત્તાપાટ પડેલા અને શ્વાસ પણ બંધ થઇ ગએલો. અમોએ ગાડામાંથી નીચે ઉતાર્યા, પરંતુ તેમનામાં જીવ નહોતો. આ આશ્ચર્યકારક તેમજ ખેદકારક બનાવ છે. મારી શેઠાણીએ તરતજ મને કહ્યું કે મોચીને ત્યાં પાછો જા અને જોડા બનાવવાના હુકમ આપ્યો છે, તેને બદલે તેજ ચામડામાંથી શબ વાસ્તે સપાટ બનાવવાનું કહી આવ અને જ્યાં સુધી તે તૈયાર થાય ત્યાં સુધી થોભજે અને તારી સાથેજ લઇ આવજે. જેથી હું તમારી પાસે કહેવા આવ્યા છું.”

દેવદુતે સપાટ તૈયાર જ કરી રાખી હતી તેને સાફ કરીને બીજા ચામડાંના ટુકડા વધેલા હતા તે એકઠા કરી એક બેગી તે નોકરને હવાલે કરી દીધી. નોકર તેમને સલામ કરી ત્યાંથી ચાલી નીકળ્યો.


પ્રકરણ ૮ મું.


એક વરસ પુરૂં થયું, બે પુરાં થયાં, અને દેવદુતને નથુને ત્યાં રહેવાને હવે ૫ વરસ થઈ ગયાં. દેવદુત અગાઉની માફકજ રહેતો હતો. તે કદી બહાર ગયો નથી. કદી બીનજરૂરી વાત કરી નથી અને સઘળા વખતમાં ફક્ત બેજ વાર હસ્યો છે. પહેલીવાર જ્યારે નથુને ઘેર આવ્યો અને નથુની સ્ત્રીએ તેને ખાવાનું આપ્યું ત્યારે, અને બીજી વખત જ્યારે તે શેઠીઓ દુકાનમાં આવીને બેઠો હતો ત્યારે. નથુ દેવદુતના કાર્યથી એટલો બધો આનંદ પામ્યો હતો કે તેને ફક્ત એટલીજ ચિંતા રહેતી હતી કે દેવદૂત તેની પાસેથી ચાલ્યો ન જાય. નથુએ તેને કદી પૂછ્યું નહીં કે તું ક્યાંથી આવે છે.

એક દિવસ તેઓ ઘરમાં બેઠા હતા. નથુની સ્ત્રી ઘરકામમાં હતી અને છોકરાંઓ રમતા હતાં. નથુ પોતાનાં હથીઆર ઘસતો હતો, અને દેવદુત શીવવાના કામમાં ગુંથાયેલો હતો. નથનો એક છોકરો બહારથી દોડતો આવી દેવદુતને ગળે વળગી કહેવા લાગ્યો: “કાકા, જુઓ, બહાર એક વેપારીની સ્રી આવે છે અને તેની સાથે બે છોકરીઓ છે. જેમાંથી એક બીયારી લુલી છે.”

છોકરાએ આ કહ્યું કે દેવદૂતે તરતજ પોતાનું કામ પડતું મૂક્યું અને બારીમાંથી આતુરતાથી જોવા લાગ્યો. નથુ આશ્ચર્ય પામ્યો, કારણ કે દેવદુત કદી પણ પોતાનું કામ છોડી કંઈ પણ જોવા ઉઠતો નહોતો. તે સ્ત્રી નથુને ત્યાંજ આવતી જણાઈ. દરવાજો ઉઘાડી તે અંદર આવી. બન્ને છોકરાં માની પાસે બેઠાં, એક છે।કરી લુલી હતી. તેઓને સ્વચ્છ કપડાં પહેરાવેલાં હતાં. નથુએ તેમને આવકાર આપી બાંકડાપર બેસાડ્યાં. ને સ્ત્રીએ કહ્યું કે આ બન્ને છોકરીઓ માટે જોડા બનાવવાના છે. માટે તમે બનાવી શકશો? ” નથુએ કહ્યું: “ઘણી સારી વાત. મે કોઇ દિવસ બનાવ્યા નથી; પરંતુ આ મારો માણસ છે એ બનાવી શકશે. માટે એમને આપો.”

નથુ દેવદુતના તરફ જોવા લાગ્યો. દેવદુત પોતાનું કામ એક બાજુએ મુકી બન્ને છોકરીઓ તરફ તાકી તાકીને જોયા કરતો હતો. નથુ આથી આશ્રર્ય પામ્યો. બન્ને છોકરીઓ ઘણીજ સુંદર હતી. છતાં પણ નથુ સમજી શક્યો નહીં કે દેવદુત આટલું બધું તાકી તાકીને છોડીઓને શા માટે જુવે છે? નથુએ તે બન્ને છોકરીઓનાં માપ લીધાં. સ્ત્રી કહ્યુ કે “છોકરીના એક પગ વાંકો છે માટે જોડો બીજાથી ન્હાનો કરવાનો છે. અને ત્રણ સરખાજ કરવાના છે. કારણ કે બન્ને છોકરીના પગ સરખાજ છે. તેઓ જોડે જન્મેલાં બચ્ચાઓ છે.”

નથુએ માપ લીધા બાદ સ્ત્રીને પુછ્યું કે “આ છોકરીનો પગ લુલો શાથી થયો છે? શું જન્મથીજ એવો હતો ?”

તે સ્ત્રીએ કહ્યું: “ ના,એની માથી ભાંગી ગયો હતો.” નથુની સ્ત્રી પણ એ વાતમાં ભળી, અને તેણે પુછ્યું: ત્યારે તમે એમના મા નથી ?”

તે સ્ત્રીએ જવાબ આપ્યો: “ના હું એની મા નથી, તેમજ કંઇ સગી પણ નથી, એ છોકરાઓ મને તદ્દન અજાણ્યાં હતાં. મેં તેમને દત્તક લીધાં છે.”

“ત્યારે તમારા છોકરાં નથી છતાં તમે એને એટલાં બધાં ચાહો છો ?”

હું એમને ચાહ્યા સીવાય કેમ રહું ? મેં મારૂં દુધ પાઇ એમને ઉછેર્યા છે, મારૂં એક પેાતાનું ક્ષ્હોકરું પણ હતું પરંતુ તે ઇશ્વરે પાછું લઈ લીધું.”

“ત્યારે આ છોકરાં ખરી રીતે કોનાં છે?”


પ્રકરણ ૯ મું


તે સ્ત્રીએ પછી બન્ને છોકરાંઓની વાત કરવા માંડી. ૭ વરસ ઉપર આ છોકરાંઓ એકજ અઠવાડીઆમાં માબાપ વગરનાં થઇ ગયાં. એમના પીતાનો અગ્નિદાહ મંગળવારે થયો હતો, અને માનો શુક્રવારે થયો હતો. એમનો જન્મ એમના પીતાના ગુજરી ગયા પછી ત્રણ દિવસે થયો હતો અને મા એકજ દિવસ જીવતી રહી હતી તે વખતે હું મારા પતી સાથે એકજ ગામમાં રહેતી હતી કે જ્યાં આગળ આ છોકરાંનાં માબાપ રહેતાં હતાં. એમનું ઘર અમારા ઘરની નજીકમાંજ હતું. એમનો બાપ ગરીબ સ્થિતિનો હતો અને જંગલમાં લાકડાં કાપવાનું કામ કરતો હતો. એક દિવસે એક ઝાડ તે કાપતો હતો, અને એકાએક તે ઝાડ ઉપર પડ્યું અને તે છુંદાઈને મરી ગયો. જંગલમાંથી ઘેર આવતાં સુધી પણ તે જીવ્યો નહીં, જે અઠવાડીયામાં તે ગુજરી ગયો તેજ અઠવાડીયામાં તેની સ્ત્રીએ બે બચ્ચાને સાથે જન્મ આપ્યો. તે ગરીબ બીચારી સ્ત્રી કોઇના પણ આધાર સિવાયની થઈ ગઇ હતી. જે દિવસે છોકરાંને તેણે જન્મ આપ્યો તેજ દિવસે હું તેને જોવા ગઇ અને તેનું શરીર મને એકદમ થંડું લાગ્યું. તેણી મરવાની અણીપર હતી, કદાચ તેની પથારીમાં દુઃખને લીધે આમ તેમ પાસું બદલતી હશે તેમાં આ છોકરીનો કુમળો પગ છુંદાઇ ગયો હશે. પાડોશીઓ તરતજ ત્યાં આવ્યા અને શરીરને ધોયું અને મૃતક દેહને વાસ્તે બીજી સર્વ તૈયારીઓ તેમણે કરી અને સ્ત્રીને અગ્નિદાહ દીધો.

પડોશીઓ સર્વ ભલાં માણસ હતાં તેમણે હવે વિચાર્યું કે આ કોમળ બાળકોનું શું કરવું ? સર્વ લોકોએ એકઠા થઈ વિચાર્યુ કે છોકરા હાલ તરત તો મને સાંપવાં, કારણ કે મને એક નાનું છોકરૂં હતું એટલે હું દુધ આપી શકું. પછી શું કરવું તે સર્વ લોકોએ મળી વિચાર કરવાનું રાખ્યું. મેં બંને છોકરાંને દુધ આપ્યું અને ત્રીજું મારૂં છોકરૂં તેને પણ હું ધરાવતી. હું તે વખતે યુવાન અને મજબુત હતી અને સારો ખોરાક લેતી હતી અને પરમાત્માએ મને એટલું બધું દુધ આપ્યું કે ત્રણે છોકરાંને હું ઉછેરી શકી. પરંતુ મારૂં છોકરૂં બે વરસની ઉમરનું થયું એટલે તે ગુજરી ગયું અને ત્યાર પછી ઇશ્વરે મને બીજું છોકરૂં આપ્યું નથી. પાડોશી લેાકોએ પણ પાછળથી વિચાર કરી ઠરાવ્યું કે એ છોકરાંઓને મારેજ રાખવાં, હવે એ મારાં છોકરાંઓને ચાહ્યા સીવાય કેવી રીતે રહું? જેવી રીતે મીણબત્તીને જેટલું મીણ છે, તેવી રીતે આ છોકરીઓ મને છે. ત્યાર પછી તેણે લુલી છોકરીને પોતાની પાસે લીધી અને આંખમાંનાં આંસુ લુછી નાંખ્યાં.

આ વાત સાંભળી નથુની સ્ત્રીને તે છોકરાંઓ પ્રત્યે અત્યંત દયા ઉપજી અને તે કેહવા લાગી “બેન, એક કહેવત છે તે ખોટી નથી, કે માબાપ સિવાય બીજા પણ ચાહી શકે છે, પરંતુ જિવાડવું એ તો ઇશ્વરનાજ હાથમાં છે. આ રીતે જ્યારે વાત તેઓ કરતા હતા ત્યારે એકાએક જાણે દેવદુત બેઠો છે તે ખુણામાંથી આવતા પ્રકાશથી ઓરડો પ્રકાશમાન થઈ ગયો. આ બધાં દેવદુત તરફ જોવા લાગ્યાં. આ દેવદુત પોતાના બે હાથ જોડી ઊંચુ જોઇ હસ્યા કરતો હતો.


પ્રકરણ ૧૦ મું


તે સ્ત્રી છોકરાંઓને સાથે લઇ ચાલી ગઇ. દેવદુત પોતાના બાંકડા ઉપરથી ઉભો થયો, પોતાનું કામ એક બાજુએ છોડી દીધું. નથુ અને તેની સ્ત્રીને તેણે વાંકા વળી નમન કીધું અને બોલ્યો: “હવે આપની પાસેથી રજા માગું છું. ઇશ્વરે મને હવે માફી આપી છે. મેં કઈપણ ખોટુ કર્યું હોય તો આપ પણ મને માફી આપશો?” અને તેઓ બન્નેએ જોયું કે દેવદુતના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. નથુ તુરતજ ઉભો થયો, દેવદુતને નમન કર્યું અને બોલ્યો: “ભાઇ દેવદુત, હું જોઉં છું કે આપ કંઈ સાધારણુ માણસ નથી. આપને હું રહેવાની ફરજ પાડતો નથી. યા કઇ સવાલ પુછતો નથી છતાં એટલું તો ફક્ત મને કહોજ કે જ્યારે હું આપને મળ્યો અને મારે ઘેર બોલાવી લાવ્યો ત્યારે તમે દિલગીર હતા અને મારી સ્ત્રીએ ખાવાનું આપ્યું ત્યારે હસી પડ્યા અને આપ તેજમાન દેખાવા લાગ્યા વળી પાછું જ્યારે તે શેઠીઓ આવ્યો ત્યારે પણ આપ બીજી વખત હસ્યા અને વધુ પ્રકાશમાન દેખાવા લાગ્યા ! અને હવે જ્યારે આ સ્ત્રી નાની છોકરીને લઈને આવી ત્યારે તમે ત્રીજી વખત શા માટે હસ્યા, અને આટલા બધા હવે તેજવાન કેમ લાગે છો ? ભાઇ દેવદુત આપ મને કહો કે આપનામાંથી આટલું બધુ તેજ કેમ પ્રકાશે છે? અને આપ શા માટે ત્રણવાર હસ્યા ?”

દેવદુતે કહ્યું: હાલમાં મારામાંથી તેજ પ્રકાશે છે તેનું કારણ એટલુંજ કે મને શીક્ષા થઈ હતી પરંતુ ઇશ્વરે હવે માફી બક્ષી છે અને હું ત્રણ વખત એટલા માટે હસ્યો કે ઇશ્વરના ત્રણ શબ્દો મારે શીખવા જોઇએ, એવી આજ્ઞા મને થઈ હતી, અને હવે એ ત્રણે શબ્દો હું જાણું છું. પહેલો શબ્દ હું જ્યારે આપની સ્ત્રીએ મારાપર દયા કરી ત્યારે શીખ્યો, અને તેથી પહેલીવાર હસ્યો. બીજો શબ્દ જ્યારે પેલો પૈસાદાર શેઠીઓ જોડા બનાવવા હુકમ આપી ગયો ત્યારે શીખ્યો. અને તેથી બીજીવાર હસ્યો અને હવે જ્યારે આ છોડીઓને જોઇ ત્યારે ત્રીજો શબ્દ શીખ્યો અને તે છેલ્લો હતો. અને તેથી ત્રીજી વખતે હસ્યો.”

નથુએ પુછ્યુ: “ભાઇ દેવદુત, ઇશ્વરે તને શા માટે શીક્ષા કરી, અને ત્રણ શબ્દો તે કયા છે? તે કહે તો હું પણ તે જાણી કંઈક તેમાંથી શીખું.”

દેવદુતે કહ્યું: “ઇશ્વરે મને સજા એટલા માટે કરી કે હું તેની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો. હું સ્વર્ગમાંનો ફીરસ્તો હતો, અને હું ઇશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો હતો. હું જે વખતે સ્વર્ગમાં ફીરસ્તો હતો તે વખતે ઈશ્વરે મને એક સ્ત્રીનો આત્મા લઇ આવવાની આજ્ઞા કરી. હું પૃથ્વી ઉપર ગયો, અને તે સ્ત્રી પાસે ગયો તે એકલી અને માંદી હતી. તેણીએ તરતજ બે નાની છોકરીઓને જન્મ આપ્યો હતો. અને છોકરીઓ અત્યંત દયામણી રીતે રોતી હતી, માતા એટલી બધી નબળી હતી કે તેણી બચ્ચાંઓને લઇ ધવડાવી શકતી નહોતી, તે સ્ત્રીએ મને જોયો અને તરતજ સમજી ગઈ કે ઈશ્વરે મને તેનો પ્રાણ લેવા મોક્લ્યો છે, જેથી તે અત્યંત રોઇ અને કહેવા લાગી ‘ઇશ્વરના ફીરેસ્તા મારો ધણી એક બે દિવસ ઉપરજ ગુજરી ગયો છે. જંગલમાં એક ઝાડ તેના ઉપર પડ્યું અને તરતજ તેમના પ્રાણ ગયા, મારે મા નથી માસી નથી કે બેન નથી, કે જે આ છોકરાંની સંભાળ લે, માટે મારો આત્મા તું ન લે, મારાં છોકરાંને ઉછેરી મોટાં કરવા દે, અને આ સંસારમાં તે પોતાની જીંદગી શરૂ કરી દે એવી સ્થિતિમાં આવવા દે. આ ગરીબ છોકરાંઓ માબાપ સિવાય કેવી રીતે જીવી શકશે?’ તે સ્ત્રીએ એક છોકરીને તેની છાતી ઉપર મુકાવી અને બીજીને બીજા હાથમાં આપી, અને હું સ્વર્ગ તરફ પાછો કર્યો. ઇશ્વરની પાસે જઇ મેં કહ્યું કે તે સ્ત્રીનો પ્રાણ લઇ આવી શક્યો નથી. તેનો ધણી જંગલમાં એકાએક ગુજરી ગયો. તે તેણીને બે જોડે જન્મેલાં બચ્ચાં છે, અને તેનો આત્મા હાલમાં ન લેવા એમ વીનંતી કરે છે. તેણીએ કર્યું કે મને છોકરાંને ઉછેરી મોટાં કરવા દે. માબાપ સિવાય તે કેવી રીતે જીવી શકે ? આ જોઇ મારાથી તેના પ્રાણને લઇ શકાયો નહીં’ ઈશ્વરે કહ્યું ‘તું તરત પાછો ચાલ્યો જા. અને તે સ્ત્રીનો પ્રાણ લઇ આવ. અને તું ત્રણ શબ્દ શીખીશ. (૧) મનુષ્યમાં શું સમાએલું છે (ર) મનુષ્યને શુ બક્ષવામાં આવ્યું નથી. (૩) અને મનુષ્યો શાથી જીવી શકે છે. જ્યારે તું આ શબ્દો શીખી રહે ત્યાર બાદ તું સ્વર્ગમાં આવજે,’ હું પૃથ્વીપર તરતજ ચાલ્યો આવ્યો! અને તે સ્ત્રીના પ્રાણ લીધા. બચ્ચાંઓ માની છાતીએથી છુટાં પડ્યાં. હું તે સ્ત્રીના આત્મને મારી સાથે લઈ ઈશ્વર પાસે જવા ઉંછો ચઢ્યો. પરંતુ ભારે પવન ફૂંકાતો હોવાથી મારાથી ઊંચે ચઢી શકાયું નહિ, મારી પાંખો તુટી પડી. તે સ્ત્રીનો આત્મા એકલોજ ઇશ્વર પાસે ચાલ્યો ગયો. અને હું આપે જે દેવળની સામે રસ્તાની બાજુએ પહેલો મને જોયો હતો ત્યાં નગ્નાવસ્થામાં પડ્યો.”


પ્રકરણ ૧૧ મું.


હવે નથુ અને તેની સ્ત્રી જોઇ શક્યાં કે તેમણે ઘરમાં કેવા મનુષ્યને રાખ્યો હતો, અને કેવા મનુષ્યની સાથે તેઓ રહેતાં હતાં. થોડો વખત થયા પછી દેવદૂતે કહ્યું કે “હું તે ગલીમાં દેવળ પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો સંસારમાં મનુષ્ય પ્રાણીઓને શેની શેની જરૂર છે ? દરિદ્રતા અને ભુખ, થંડી અને ગરમી એ શું છે ? ટુંકામાં મનુષ્ય પ્રાણી બને શું શું આવશ્યકતા છે તેની મને કંઇજ સમજણ નહોતી. અને તમારી સાથે રહ્યાથી હવે હું મનુષ્ય થયો છું. દેવળ નજીક હું અત્યંત ઠંડીથી અકળાઇ ગયો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારે શું કરવું. હું દેવળમાં જવા ઇરાદો રાખતો હતો પરંતુ દરવાજાને અંદર તાળુ વાસેલું હોવાથી હું અંદર જઈ શક્યો નહીં. જેથી હું આખરે દેવળની ભીંતની નજીક બેસી ગયો. સાંજ પડી ગઇ અને મને થંડી અને ભુખ લાગવા માડી. એકાએક એવામાં મેં રસ્તાની બાજુએ એક માણસને આવતાં જોયો. તે આપજ હતા. હું પૃથ્વી ઉપર મનુષ્ય થઇને પડ્યો પછી કોઇપણ માણસને પહેલાં જોયો હોય તો આપજ હતા. પ્રથમ તો આપનો ચહેરો જોઈ મને અત્યંત ભય ઉત્પન્ન થતો અને હું પાછળ ફરીને બેઠો. આપ આપની સાથેજ વાત કરતા હતા કે આવી સખત થંડીમાંથી કેવી રીતે બચવું : સ્ત્રી અને છોકરાંઓ સારૂ ખાવાનું કેવી રીતે મેળવવું; આ સર્વ હું સાંભળતો હતો. અને મેં વિચાર્યું કે હું પણ થંડી અને ભુખથી અતિશય પીડાઉં છું. આપે મને જોયો અને આપને ધાસ્તી ઉત્પન્ન થઈ ને થોડીવાર વિચાર કરી આપે ચાલવા માંડ્યું. આ જોઈ હું અત્યંત નિરાશ થઈ ગયો. એવામાં એકાએકજ આપ મારી તરફ પાછા વળ્યા, અને મારી નજીક આવ્યા, પ્રથમ આપનો ચહેરો મેં જોયો ત્યારે તે ધાસ્તીથી ભરેલો મને લાગતો હતો અને હું જોઇને બીધો હતો. પરંતુ આપ ફરીથી આવ્યા ત્યારે આપનો ચહેરો ઘણોજ શાંત દેખાતો હતો અને આપના અંતઃકરણમાં ઈશ્વર અને દયાનો વાસ છે. એમ હું જોઇ શક્યો, આપે મને કપડાં પહેરાવ્યાં અને મને આપને ઘેર લઈ આવ્યા. ત્યાં આગળ આપની સ્ત્રીને પ્રથમ જોઈ ત્યારે તે તો આપના કરતાં પણ મને અત્યંત ભયંકર લાગી. તેણીની ઇચ્છા મને પોતાના ઘરમાંથી બહાર ભયકર થંડીમાં કાઢી મુકવાની હતી અને મેં જાણ્યું કે જો તેણી એમ કરશે તો તેનું મૃત્યુ નજીકજ છે. આપે તેમને પરમાત્મા વિષે યાદી આપી, અને મનુષ્ય શરીર નાશવંત છે તે પણ જણાવ્યુ અને તે સાંભળી તેની વૃતિ એકદમ બદલાઇ ગઇ. તેણીએ જ્યારે મને ખાવાનું આપ્યું અને મારા તરફ પ્રેમવૃત્તિથી જોવા લાગી ત્યારે મે તેણીના તરફ જોયુ અને તેના ચહેરા પરથી મને દીસ્યું કે મૃત્યુ તેને માટે ઘણું દુર છે તેણીના અંતઃકરણમા ઇશ્વરનો વાસ છે તે પણ મેં જોયું અને ઇશ્વરનો પહેલો શબ્દ “મનુષ્યની અંદર શું રહેલું છે તે તું શીખશે” એ મને તરતજ યાદ આવી ગયું અને હું સમજ્યો કે મનુષ્યનામાં અપુર્વ પ્રેમ રહેલો છે. અને એ જાણી હું અત્યંત રાજી થયો. પરમાત્માએ મને જે વચન આપ્યું તે તેણે મારી આગળ પ્રકાશીત કર્યું છે. અને હું પહેલ વાર હસ્યો. પરંતુ મનુષ્યને શું નથી આપવામાં આવ્યું અને મનુષ્યો શાથી જીવે છે આ બે બાબત મેં જાણી નહોતી. હું આપની સાથે રહેવા લાગ્યો. આપની સાથે રહતાં એક વર્ષ થયું કે એક ગૃહસ્થ આપની દુકાનમાં બુટ બનાવવાનો હુકમ આપવા એક દિવસ આવ્યા તેણે જોડા બરાબર એક વરસ સુધી, આકાર બદલાયા સીવાય ચાલે એવી જામીની સાથે બનાવવા કહ્યું. મેં તે ગૃહસ્થના તરફ જોયું અને એકાએક તેની પછવાડે અંતરીક્ષમાં મેં મારા દોસ્તદાર યમરાજ (જીવ લેનાર દુત) ને જોયા. મારા સીવાય બીજા કોઇએ તેને જોયા નહતા. અને મેં જાણ્યું કે સંધ્યાકાળ અગાઉ આ પૈસાદાર ગૃહસ્થનો પ્રાણ મારા મિત્ર યમરાજ લેશે, અને મેં તેજ વખતે વિચાર કર્યો કે આ ગૃહસ્થ, જોડા વરસ દિવસ સુધી પહોંચવા જોઇએ એમ કહેવા માગે છે, પરંતુ તે પામર મનુષ્ય જાણતો નથી કે આજે સંધ્યાકાળ અગાઉ તો તેનું મૃત્યુ છે. મને તરતજ ઇશ્વરનો બીજો શબ્દ યાદ આવ્યો કે “મનુષ્યને શું નથી આપવામાં આવ્યું તે તું શીખશે.” મનુષ્યમાં શું રહેલું છે એની તો મને ખબર પડીજ હતી, હવે મનુષ્યને શું આપવામાં નથી આવ્યું તે પણ સમજાયું, મનુષ્યને એ જાણવાની શક્તિ આપવામાં આવી નથી કે તેમનાં દેહને માટે તેમને શાની જરૂર પડશે. એ જાણવાથી હું બીજી વખત હસ્યો. મારા મિત્ર યમરાજને જોવાથી હું અત્યંત રાજી થયો હતો, તેમજ પરમાત્માએ તેમણે જણાવેલા બીજા શબ્દ વિષે પણ મારાપર પ્રકાશ પાડ્યો જેથી હું અત્યંત રાજી થયો. પરંતુ હજી પણ ઇશ્વરનો ત્રીજો શબ્દ “મનુષ્ય શાથી જીવે છે.” એ સમજ્યો નહોતો. એ શબ્દનો અર્થ મને પરમાત્મા પ્રકાશીત કરી બતાવે ત્યાં સુધી મેં થોભવાનોજ વિચાર રાખ્યો. અને છઠે વરસે બે સાથેજ જન્મેલી છોકરીઓને લઇ એક સ્ત્રી દુકાનમાં આવી. મેં તેમને ઓળખ્યાં હતાં અને તે બચ્ચાંઓ કેવી રીતે જીવી શક્યાં તે પણ મેં જાણ્યુ હતું. હું જ્યારે તે છોકરાની માના પ્રાણ લેવા ગયો હતો ત્યારે તેણી આજીજીથી કહેતી હતી કે ‘માબાપ સિવાય આ બચ્ચાંઓ કેવી રીતે જીવી શકે ?’ અને હું પણ એમ માનતો હતો કે માબાપ સિવાય તરતનાં જન્મેલાં બચ્ચાં જીવી શકશે નહીં અને છતાં પણ એક તદ્દન અજાણી સ્ત્રીએ તે છોકરાંઓનો સારવાર કરી ઉછેર્યાં, અને તે સ્ત્રી છોકરીઓના દુર્દૈવ માટે વિલાપ કરી કહેતી હતી કે તે બાળકો તેના નથી. છતાં તે બચ્ચાઓ, પ્રત્યે તેનો અનહદ પ્યાર અને માયા મેં જોયાં, અને હું જોઇ શક્યો કે તેના અંતઃકરણમાં ઈશ્વરનો વાસ છે. અને “મનુષ્યો શાથી જીવી શકે છે” તે પણ જાણ્યું. પરમાત્માએ ત્રીજા શબ્દનો ભાવાર્થ પણ આમ મને સમજાવ્યો, અને અને માફી મળી ગઈ જેથી છેવટે હું ત્રીજીવાર હસ્યો.


પ્રકરણ ૧૨ મું.


દેવદુતે આટલી વાત કર્યા પછી તેના શરીર ઉપરથી બધાં કપડાં નીચે પડી ગયાં, અને તેના શરીરમાંથી એટલો બધો પ્રકાશ પડતો હતા કે તેની સામું જોઇ શકાતું નહોતું. જ્યારે દેવદૂત બોલતો ત્યારે તેનો અવાજ જાણે ઊંચે સ્વર્ગમાંથી આવતો હોય એમ જણાયું. હવે દેવદુત પાછો બોલવા લાગ્યો કે “હવે હું શીખ્યો છું કે: દરેક મનુષ્ય પોતાની જ સંભાળથી જીવી શકતો નથી, પરંતુ એક બીજા સાથેની પ્યારની લાગણીથી જીવે છે ! પોતાનાં વહાલાં બચ્ચાંઓની જીંદગી વાસ્તે શાની શાની જરૂર પડશે તે તેમની માતાને પણ જાણવાની શક્તિ આપેલી નથી. પૈસાદાર ગૃહસ્થને પણ ખબર નથી કે પોતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે ! કોઇ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે ! કોઇ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાના જીવીત દેહને માટે તેને કપડાં ખરીદવાની જરૂર છે કે સાંજના પોતાના મૃતક દેહને ઓઢાડવા રેશમનાં કપડાંની જરૂર પડશે. જ્યારે હું મનુષ્ય તરીકે દેવળની પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો, ત્યારે હું મારી પોતાની સંભાળથી કંઈ જીવી શક્યો નહોત. પરંતુ આપ તથા આપની સ્ત્રીએ મારા ઉપર અત્યંત સ્નેહ બતાવ્યો અને આપના અંતઃકરણમાં પ્યાર અને દયાની લાગણી હતી, તેથી જ આપે મારી સારવાર કરી મને સુખી કર્યો. પેલાં જોડે જન્મેલાં માબાપ વિનાના બાળકો શા માટે જીવી શક્યાં ? કારણ કે એક અજાણી સ્ત્રીએ તેમના પર પ્યાર રાખી અત્યંત સ્નેહથી ઉછેર્યાં. આ ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે મનુષ્ય માત્ર ફક્ત પોતાની જ સંભાળથી જીવી શકતા નથી, પરંતુ જે સ્વાભાવિક પ્યાર એકબીજાનાં અંતઃકરણમાં વસી રહેલો છે, તેથી જ જીવી શકે છે. પ્રથમ હું જાણતો હતો કે પરમાત્માએ દરેક મનુષ્યને જીંદગી અર્પણ કરી છે અને તેની જ ઇચ્છાથી જીવે છે, હવે હું એક બીજી વાત પણ સમજ્યો છું કે મનુષ્ય સ્વાર્થ સારૂં જ ન જીવે એમ ઈશ્વરે ઇચ્છ્યું, અને તેટલા માટે દરેક મનુષ્યને પાતાની જાતને માટે શાની જરૂર છે તે પ્રસિધ્ધ ન કર્યું, મનુષ્યો એમ સમજેલા દેખાય છે કે તેઓ દરેક પોત પોતાની સંભાળ રાખવાથી જ જીવે છે. પરંતુ સત્ય રીતે જોઇએ તો ખબર પડશે કે દરેક મનુષ્ય એક બીજાના પ્રત્યે પ્રેમ વૃત્તિ રાખવાથી જ તે એકત્ર રહેવાથી જીવી શકે છે. જે મનુષ્ય બધી સ્થિતિમાં પ્રેમનો કાયદો પાળી તે મુજબ વર્તન રાખે છે તે મનુષ્યમાં ઇશ્વરનો નિવાસ છે. કારણ કે ઇશ્વર એજ પ્યાર છે.

દેવદુત આટલું બોલી ઇશ્વરના ગુણોની સ્તુતિ કરવા લાગ્યો અને તેના અવાજથી નથુનું ઘર ગાજી રહ્યું. એટલામાં એકાએક નથુના ઘરના છાપરાના બે વિભાગ થઇ ગયા અને ઘરની અંદર દેવદુત ઉભો હતો તે જગ્યા એકદમ ફાટી અને તેમાંથી અગ્નિની જ્વાળા નીકળી આકાશમાં જવા લાગી. નથુ, તેની સ્ત્રી, અને છોકરાંઓએ તે આ બનાવથી બેભાન થઈ જમીન પર પડી ગયાં, દેવદુતના ખભા ઉપર બે પાખો નીકળી આવી, તેનુ શરીર અત્યંત પ્રકાશમાન દેખાવા લાગ્યું અને તે ઉભો હતો તે જગ્યાએથી એકદમ ઉંચે ઉડી ગયો. નથુ થોડી વારે ઉઠીને જુએ છે તો જમીન હતી તેવી સરખી થઈ ગઈ હતી અને ઘરનું છાપરૂં પણ સરખું થઇ ગયું હતું. તેણે દેવદુતને પણ ઘરમાં ન જોયો. તેણે પોતાની સ્ત્રીને જાગ્રત કરી અને દેવદુત ત્યાં ન હોવાનું જણાવ્યું, તે જાણી બંને અત્યંત દીલગીર થયાં. દેવદુતના આવ્યા પછી નથુની સ્થિતિ ઘણી જ સારી થઈ હતી. તેણે દારૂ પીવાનું પણ છોડી દીધું હતું. દેવદુતની બધી સ્થિતિ અને હકીકત સાંભળી નથુને પણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તે પોતાની સર્વ સ્થિતિમાં પ્રેમનો કાયદો અંતઃકરણપૂર્વક પાળવાનો નિશ્ચય કરી તે મુજબ વર્તવા લાગ્યો.