મહાત્માજીની વાતો/પ્રેમા પટેલની વાત

← જીવનદોરી કિંવા દેવદૂતની વાત મહાત્માજીની વાતો
પ્રેમા પટેલની વાત
ગાંધીજી
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત →


પ્રેમા પટેલની વાત.

કિંવા

માણસ કેટલી જમીનનો માલીક હોઇ શકે ?

પ્રકરણ ૧ લું.

એક ગામડીયા બહેનને તેની મોટી શહેરી બહેન એક દહાડો મળવાને આવી. મોટી બહેન એક શહેરી દુકાનદારને અને નાની બહેન એક ખેડુતને પરણી હતી. બન્ને બહેને એક દિવસ વાળુ કરતી કરતી વાતોએ ચડી. મોટી બહેન શહેરની જીંદગીની બડાઈ કરવા લાગી, પોતે કેવી સારી રીતે રહે છે, રહેવાને કેવું સારૂં મકાન છે, છોકરાંને અને પોતાને કેવાં મજાના કપડાં પહેરવાને મળે છે, કેવું કેવું ખાવાનું મળે છે, વરા, જમણવાર, નાટક, મેળા વગેરેમાં જતા કેવી મોજ પડે છે, એ બધું રસથી તેણે કહી સંભળાવ્યું.

નાની બહેનને આથી ચટકો લાગ્યો તે વેપારી જીંદગી વખોડવા લાગી અને ખેડુતની જીંદગીને વખાણવા લાગી. તેણી બોલી કે “હું તો આ જીંદગીને છોડીને તારી જીંદગી ભોગવવાનું પસંદ કરૂં નહિ, અમે ગરીબ ભલે રહ્યાં, પણ અમારે કાંઇ વ્યાધિ નથી, તમે વધારે ઠાઠથી રહેતાં હશો, પણ તેથી ઝાઝુ કમાવાની હાયવોય તમારે કરવી પડતી હશે અને ઝાઝુ કમાવા છતાં ઝાઝુ ખોઈ પણ બેસો. આજે તમે શાહુકાર થઈ ફરો, પણ કાલે તમારે ભીખ માગવી પડે એવો અવસર પણ આવે. અમે કદી ધનાઢ્ય નહીં થઇએ તે બરોબર પણ અમને પેટ પુરતું રોજ મળી રહેશે.”

“પેટ પુરતું મળી રહેશે !” મોટી બહેન બોલી ઉઠી, “ચાલો તેમાં શું સંભળાવ્યું ? કુતરાં મીંદડાંને જેમ મળી રહે છે તેમ તમને પણ મળે, પણ નહિં તમે નાતના કે જાતના, નહિં રીતના કે ભાતના. તારો ધણી બિચારો ગમે તેટલી મહેનત કરશે છતાં તમે રહેવાના ઉકરડામાં અને મરવાના પણ ઉકરડામાં અને તમારા છોકરાઓનું પણ તેમજ.”

“તેમાં શું થઈ ગયું ?” નાની બહેને હિંમતથી જવાબ વાળ્યો. “અમે ભલે તેવાં રહ્યાં, પણ અમારે નિરાંત છે. અમારે નથી કોઇની પાસે વાંકા વળવાનું કે નથી કોઇની દેહશત. તમને શહેરના રહેવાશીઓને ઘણીએ લાલચો હોય છે. આજે તમારી હાલત સારી છે, અને કાલે તારા ધણીના મગજમાં ભુત ભરાય તો જુગાર, દારૂ કે સ્ત્રીના ફંદામાં ફસાઈ બધું ગુમાવી દે કેમ ખરૂં કે નહિ ?”

પ્રેમા પટેલ (નાનીનો ધણી) ઓટલાપર પડ્યો બધું સાંભળતો હતો. તે વિચાર કરવા લાગ્યો કે ‘આ વાત ખરી છે. જો માણસ બાળપણથી મહેનત કરતાં અને ધરતીનાં ઢેફાં ભાંગતાં શીખ્યો હોય તો પછી તેના મગજમાં કંઇ ભુત ભરાતું નથી પણ મારે મુશ્કેલી એ છે કે પુરતી જમીન મારી પાસે નથી. જો મારે જોઇએ તેટલી જમીન હોય તો પછી હું બાબરા ભુતનીએ પરવા ન કરૂં.”

બન્ને બહેનો વાળુ કરી પરવારી સુઇ ગઈ. પણ ડેલીએથી બાબરો ભુત પસાર થતો હતો તેણે પ્રેમા પટેલના વિચાર જાણ્યા અને મનમાં બોલ્યા કે “આ પટેલને મારી સામે મેદાન પડવાનો ગર્વ થયો છે. ઠીક છે. હું તેને જોઇએ તેટલી જમીન આપીશ અને પછી જોઇશ કે તે શું કરે છે.”


પ્રકરણ ૨ જું


તે ગામડાંની નજીકમાં આસરે ૩૦૦ એકર જેટલી જમીન એક શેઠીયાના તાબામાં હતી. તે શેઠીઓ આસપાસના ખેડુઓ સાથે સારી રીતે રહેતો હતો. પણ તેણે એક નવો કારકુન રાખેલો તે બધા પાડોશીઓને બહુ સતાવવા લાગ્યો, કોઈનાં ઢોર છુટી તેની જમીનમાં આવે તો દંડ કરાવતો, પ્રેમો પટેલ બહુ સંભારીને રહેતો છતાં તે તેના સપાટામાં આવી જતો. આથી તે બહુ કંટાળી ગયો હતો. તેવામાં તેને ખબર મળ્યા કે પેલા ૩૦૦ એકર વેચવામાં આવનાર છે. અને કોઇ જમીનદાર તેને ખરીદી લેવા માગે છે. આથી ખેડુઓ બધા ચિંતામાં પડ્યાં, તેઓ વિચારવા લાગ્યા કે: “આ તા ઉલામાંથી ચુલામાં પડ્યા જેવું થશે, પેલો જમીનદાર આપણાં લાહી ચુસી જશે, આપણાથી બીજે ક્યાંય ચાલ્યું જવાશે નહિ.”

આથી ગામના બધા ખેડૂતો મળી શેઠીયા પાસે ગયા, અને તેને વિનંતી કરી કે તે જમીનદારને પેલી જમીન વેચવાને બદલે તેઓનેજ વેચે, તે વધારે કિમ્મત આપવા તૈયાર થયા, શેઠીયાએ તે વાતની હા કહી. પછી ખેડુઓ બધા સાથે મળીને તે જમીન ખરીદી લેવાનો વિચાર કરવા એકઠા થયા, ઘણીએ મસલત કરી, પણ પેલો બાબરો તેઓને વઢાડી પાડતો, એટલે તેઓ કંઇ નિવેડાપર આવી શક્યા નહિ. આખરે એવું નક્કી થયું કે સહુ પોતપોતાને માટે ગમે તેટલી જમીન ખરીદે. આ વાત પણ શેઠીયાએ કબુલ રાખી. પ્રેમા પટેલે સાંભળ્યું કે તેના એક પાડોશીએ ૬૦ એકર જમીન ખરીદી લીધી છે, અને શેઠીયાએ અર્ધોઅર્ધ પૈસા બે વરસ સુધીમાં ભરી દેવાનાં કાંધા પણ તેને કરી દીધાં છે. પ્રેમા પટેલના મનમાં થયું કે આ તો બધા જમીન ખરીદી લેશે અને હું મરી જઇશ. આથી તેણે પટલાણીને વાત કરી: “આ બધા જમીન ખરીદવા માંડ્યા છે. આપણે પણ ત્રીશેક એકર ખરીદીએ. એ વિના છુટકો નથી. કોઈ જમીનદારને પનારે પડ્યા તો દંડ ભરીને ડુચો નીકળી જશે. “બન્નેએ જમીન લેવી એવો ઠરાવ કર્યો. સોએક રૂપિયા તેઓએ સંઘરી રાખ્યા હતા. બાકી વાછડો વેચ્યો, કંઇક દાણો વેચ્યો, છોકરાને નોકરીએ રખાવ્યો. અને એમ કરીને થોડાક વધુ રૂપિયા ભેળા કર્યા. આમ જમીનની અરધી કિંમ્મત તો ભેગી કરી. પછી પ્રેમા પટેલે સારી, થોડી ઝાડીવાળી, પચાસેક એકર જેટલી જમીન પસંદ કરી, અને શેઠીયા પાસે સોદો કરવા ગયો. શેઠીયાએ અર્ધા પૈસા લઇ ખત બનાવ્યાં, અને બાકીના પૈસાના કાંધા કરી એ વરસે પુરા કરવાની શરત કરી આપી.

પ્રેમા પટેલ હવે પોતીકી જમીન ઉપર રહેવા લાગ્યા. બીયાં ઉછીના લઈ નવી જમીનમાં વાવેતર કર્યું, અને મજાનો પાક ઉતાર્યો. એકજ વરસમાં તેણે દેણું બધું ખલાસ કર્યું, અને પોતે જમીનદાર થઇ બેઠો. ઢોરાંને પણ પેાતાની જમીનમાં ચરાવવા લાગ્યો. ઘાસ વધતું તેની ગંજી ખડકવા લાગ્યો. બળતણુ પણ બીજે ક્યાંયથી લાવવાનું ન રહ્યું. પોતાનું ખેતર, પોતાની વાડી, એ બધું જોઇને પટેલનાં કાળજા ટાઢાં થયાં. જમીન તેના હાથમાં આવ્યા પછી તેનો રંગ ઓર થઈ ગયો.


પ્રકરણ ૩ જું.


પ્રેમા પટેલ હવે સુખે રહેવા લાગ્યા, માત્ર જો આડોસી પાડોશીઓનાં ઢોરઢાંકર જમીનમાં દાખલ થઇ પજવતાં નહોત તો તેના જેવો સુખીયો કોઇ નહોતો. તેણે બધાને બહુએ ચેતવણી આપી; પણ તેની કનડગત અટકી નહીં, કોઇ દહાડો કોઈની ગાય તો કોઇ દી કોઇનુ ઘોડું જમીનમાં દાખલ થઇ જાય. અને ઘઉં વગેરેનો કચરઘાણ વાળી નાખે. પ્રેમા પટેલે બહુએ વાર તેના પાડોશીઓને ચેતવણી આપી જવા દીધા, પણ અંતે તે કાયર થયો. તેથી કોરટે ચડવાનું તેણે ધાર્યું. તે જાણતો હતો કે કોઇ જાણી જોઇને ઢોરને છોડી મુકતું નથી; છતાં તેણે વિચાર કર્યો કે, “આવું હરરોજ કેમ પાલવે ? એમને એમ ચલાવવા દઉં તો મારો બધો પાક ખલાસ થાય, માટે તેમને શીખ દીધા વિના ચાલે તેમ નથી.”

આથી તેણે હવે દરવેળા કોરટે ચડવાનું શરૂ કર્યું. ઘણાએ ખેડુઓના એક વખત, બે વખત અને પછી તો ઘણીએવાર દંડ કરાવ્યા. આખરે ખેડૂઓ બધા ચીડાયા અને પ્રેમા પટેલને ધરાહાર હરકત કરવા લાગ્યા. એક રાત્રે કોઈ એકે તેની જમીનમાં આવી બધાએ બાવળનાં ઝાડ પાડી નાંખ્યાં અને તેની છાલ લઈને ચાલતો થયો. પ્રેમા પટેલે સવારે ઉઠી ફરતાં ફરતાં જોયું તો એક બાવળનું ઝાડ રહ્યું નથી, તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં, તે મનમાં બબડ્યો કે “જો હું આ ચોરને જાણું તો પછી તેના પુરા હાલ કરૂં.”

પટેલ વિચારવા લાગ્યા કે “આતે કોણ હશે !” આખરે તેને સુઝી આવ્યું કે તે કામ પેલા જસા પટેલનાંજ છે. તે જસાના વાડા આગળ ગયો, આમ તેમ ડોકીયું કર્યું, પણ છાલ ક્યાંય નજરે ચડી નહીં; છતાંએ લેવા દેવા વિના જસા સાથે વઢી પડ્યો, જસાએ જ આ કામ કર્યું એવી તેને વધુ ખાતરી થઇ, અને તેથી ફરીયાદ માંડી. કોરટે ખુબ તપાસ કરી પણ પુરાવો નહીં મળતાં તેને છોડી મુક્યો. પ્રેમો પટેલ તો ગુસ્સાથી બેબાકળો બની ગયો, અને પોલીસ પટેલ, ન્યાયાધીશ બધાની સાથે તકરાર કરી પડ્યો. તે ધમકાવવા લાગ્યો કે “તમે બધા ચોરની રક્ષા કરો છો, જો પ્રમાણીકપણે રહેતા હો તો તેને જતો કરોજ નહીં ” આમ પ્રેમા પટેલ તેના આડોશી પાડોશી, અમલદારો એ બધાની સાથે કજીઓ કરી બેઠો. પાડોશીઓ તો એટલા ચીડાયા કે તેનું ઘર તથા વાડો વગેરે બાળી નાંખવાની ધમકી દોવ લાગ્યા, નવી જમીન ખરીદવાથી પ્રેમાને જમીનમાં તો ઘણોએ મારગ ઠ્યો, પણ તેને માટે દુનિયામાં ક્યાંય મારગ ન રહ્યો.

આમ ચાલતું હતું તેવામાં એવી વાત ફેલાણી કે માણસો બધા નવી જગ્યા ઉપર રહેવા જાય છે. પ્રેમાએ આ વાત સાંભળી તેણે વિચાર્યું કે “આપણે તો આ જમીન છોડવી નહીં. આસપાસના લોકો જો અહીંથી નીકળે તો પીડા ઓછી થાય, હું તેઓની જમીન ખરીદી લઉં, અને પછી સુખે રહુ.”

એક દિવસ પ્રેમા પટેલ ઘેર હતા ત્યાં કોઇ એક મેમાન ચડી આવ્યો. તેની તેણે પરોણાગત કરી અને રાત રહેવા આગ્રહ કર્યો. રાત્રે બંને વાતો કરવા બેઠા. ક્યાં રહેવું, ક્યાંથી આવો છો વગેરે સવાલો પ્રેમાએ પુછ્યા. વાતમાં ને વાતમાં તે મુસાફરે કહ્યું કે હું દક્ષિણમાંથી આવું છું. તે વજુ વસતુંજ જાય છે. ત્યાં જમીન બહુજ સોંઘી મળે છે. અને એટલી તો રસાળ છે કે જો અજાણતાં દાણો જમીન ઉપર પડ્યો હોય તો તે પણ ઉગી નીકળે છે અને એક એક ડુંડામાંથી ખોબા જેટલું અનાજ નીકળે છે. ત્યાં હમણાં એક સાવ નિર્ધન ખેડૂત આવ્યો હતો તેણે એક વરસ ખરેખર મહેનત કરી તેમાં તો તે થોડી જમીન અને કેટલાંક ઢોરાં પણ ખરીદી શક્યો.

પટેલ આ સાંભળી ખુશખુશ થઇ ગયા, અને વિચારવા લાગ્યા કે: “જો સોંઘી જમીન મળતી હોય તો આપણે આવી ખીચોખીંચ વસ્તીમાં શા માટે રહેવું હું મારા ઘરબાર વેચી નાંખીશ, અને ત્યાં જઇને નવા ઘરબાર બનાવીશ. અહીં રોજ વસ્તી વધતી જાય છે, અને તેથી મારે દિવસે દિવસે વધારે મુશ્કેલી વેઠવી પડશે. માટે ચાલ પહેલાં તો તે જગ્યા જોઇ આવું.’

હવ જ્યારે મહા મહિના આવ્યો ત્યારે તે નવી જમીન જોવાને ચાલી નીકળ્યો. થોડેક સુધી ગાડે, થોડેક સુધી પગે એમ મુસાફરી કરતાં કરતાં દોઢસોક ગાઉ કાપ્યા ત્યારે પેલા મેમાને કહેલી જગ્યાએ તે પહોંચ્યો.

અહીં આવી તેણે જોયું તો જેવુ વર્ણન સાંભળ્યું હતું તેવુંજ બધું દેખાયું, ખેડુત આનંદથી રહેતા હતા. દરેકને ત્રીસ ત્રીસ એકર જેટલી જમીન આપવામાં આવી હતી. જે કોઈ નવું રહેવા આવતું તેને લોકો બહુ આવકાર આપતા. ત્રીસ એકર કરતાં વધુ જમીન જો કોઇ માણસ લેવા ધારે તો તે દોઢ રૂપિયે એકર લેખે ખરીદી શકતો.

પ્રેમાએ તમામ તપાસ કરી લીધી. તે બહુજ ખુશી થઈ ગયો. અને ઝટ ઘેર જઇ બધું આટોપી એકદમ પાછું આવવા ધાર્યું. બીજે વરસે બધું સંકેલી પેલા નવા દેશમાં જવા નીકળ્યો.


પ્રકરણ ૪ થું.


પ્રેમા પટેલ નવી જમીનપર પહોંચ્યા એટલે પહેલાં તો તેણે બધા ખેડૂતોને જમાડ્યા. ત્રીસ એકર ઉપરાંત દોઢસોક એકર બીજી જમીન ખરીદી, ઘર બાંધ્યું અને રહેવા લાગ્યા. નવાં ઢોર પણ લીધાં જમીન બહુ રસાળ હોવાથી થોડા વખતમાં તો તે પૈસાવાળો થઇ ગયો, અને સુખ ચેનમાં રહેવા લાગ્યો.

જ્યારે રહેવા આવ્યો ત્યારે તેણે ધાર્યું હતું કે અહીં વસ્તી બહુ થોડી છે તેથી આપણને ઠીક પડશે, પણ પ્રેમા પટેલના નશીબે થોડા વખત પછી ત્યાં પણ માણસો આવવા લાગ્યા.

પહેલે વરસે તેણે ઘઉં વાવ્યા અને ઘણોજ સારો પાક મળ્યો. આથી તે લોભમાં પડ્યો. વધારે જમીન હોય તો વધારે પઇસા મળે એમ વિચારી તેણે વધુ જમીન લેવા ધાર્યું; પણ જમીન મળી નહીં કેમકે બધી વેચાઈ ગઇ હતી.

જે માણસો પાતાની જમીન ખેડી શકે એમ નહોતા તે ભાડે આપતા. આવી કોઇ જમીન ભાડે લેવા પ્રેમાને વિચાર થયો. તેથી તે વેપારી પાસે ગયો, અને થોડી જમીન એક વરસ માટે લઈ આવ્યો થોડા દિવસ પછી તે વધારે જમીન પોતાને નામે લેવાય તેના વિચારમાં પડ્યો.

આમ ને આમ ત્રણ વરસ ચાલ્યાં ગયાં. દરેક વરસે તે વધુ જમીન ભાડે લેતો અને તેમાં વાવેતર કરતો. દિવસે દિવસે તેની પાસે પઇસો ભેળો થવા લાગ્યો. થોડો વખત તેને નિરાંત વળી પણ પછી જમીન ભાડે લેવાનો તેને કંટાળો ઉપજવા લાગ્યો.

જો કોઈ જમીન વેચતું તો બધાએ ત્યાં દોડી જતા, અને એકદમ ખરીદી લેતા. તેથી પટેલનો લાગ ફાવતો નહીં. આખરે તેણે એક વેપારી સાથે ભાગ રાખી એક વાડી ખરીદી, અને તેમાં વાવેતર કર્યું. પણ જ્યારે ભાગ પાડવાનો વખત આવ્યો ત્યારે કજીઓ થયો. પટેલે વિચાર્યું કે “આ જમીન મારા એકલાની હોય તો કેવું સારું ! મારે કોઇના ઓશિયાળા રહેવું ન પડે.” આથી તે જમીન લેવાની તજવીજમાં રહેવા લાગ્યો.

એક દિવસ તેને ખબર મળ્યા કે કોઇ ખેડુત મુશ્કેલીમાં હોવાથી પોતાની ૧૫૦૦ એકર જેટલી જમીન બહુ સોંઘામાં વેચી નાંખે છે. તે એકદમ પેલા ખેડૂત પાસે ગયો અને કાંધા કરી જમીન લખાવી લીધી. પ્રેમા પટેલનાં મનનુ ધાર્યું થયું, અને તેને ટાઢક વળી.

એવામાં કોઇ એક વેપારી મુસાફર તે ગામમાં આવી ચડ્યો, તે પ્રેમા પટેલને ત્યાંજ ઉતર્યો. પરોણાને જમાડી કરી તેનો થાક ઉતાર્યો એટલે બંને વાતો કરવા બેઠા. પટેલે પુછ્યું “તમે કયાંથી આવો છો ?” તે વેપારીએ કહ્યું કે હું એક એવી જગ્યાએથી આવું છું કે જ્યાંના લોકો તદ્દન ભોળા અને ભલા છે. ત્યાં જમીન પાણીને મોલે વેચાય છે. મેં હજુ હમણાં જ એક હજાર રૂપિયામાં પાંચ હજાર એકર જેટલી જમીન લીધી.”

આ સાંભળી પટેલનું મન પાણી પાણી થઇ ગયું. તેણે પૂછ્યું કે ‘તમે તે જમીન શી રીતે ખરીદી ?’ વેપારીએ જવાબ આપ્યો: પહેલાં તો મુખીને વીસ પચીસ રૂપિઆની કીંમતનાં કપડાં વગેરે સાથે લઈ ગયો હતો તેનું નજરાણું આપ્યું. આથી તે ખુશ ખુશ થઇ ગયો. પછી જમીન માગી તે મોંઢે માગ્યે ભાવે આપી. મારી જમીન નદીના કાંઠા ઉપર જ છે તેથી બહુ જ સારો પાક મને મળશે,” એટલું કહી તેણે ત્યાંના લોકો વિષે વાત કરવા માંડી.

તેણે કહ્યું “ ત્યાંના માણસો ગાડર જેવા ભોળા છે, તમે જાઓ તો તમે પણ મારી માફ્ક સોંધામાં જોઇએ તેટલી જમીન મેળવી શકો, ત્યાં જમીનનો પાર જ નથી.” એમ કહી તેણે જમીન લીધેલી તેનો દસ્તાવેજ બતાવ્યો. પટેલે બધું ધ્યાન દઈને સાંભળ્યુ. તેને વિચાર થયો કે “આમ છે તો પછી મારે શા માટે ત્રમણાં ચેાગણાં નાણાં ખરચવાં અને વળી ગળે દેણું લટકાવવું !


પ્રકરણ ૫ મું.


પ્રેમા પટેલ તે વેપારી મુસાફરને ત્યાં જવાનો રસ્તો પૂછી પોતાના બાયડી છોકરાંને પોતાની માલ મતાની તપાસ રાખવા મુકી લાંબી મુસાફરીમાં નીકળી પડ્યો. શહેરમાંથી ભાતું લીધું. નજરાણાં જોગી ચીજો પણ ખરીદી લીધી. અને પેલા વેપારીએ કહ્યું હતું તેમ મજલ દરમજલ કરતાં સાત દિવસે ત્રણસોક માઇલની લાંખી મુસાફરી કરી, ધારેલી જગ્યાએ આવી પહોંચ્યો.

તે દેશના લોકો ઝુંપડાં બાંધી નદીને કાંઠે રહેતા હતા, કોઇ કંઈ ખેતી કરતું નહીં હતું. પટેલે ત્યાં જઇ જોયું તો ગાયો, ઘોડા અને બકરાનાં મોટાં ટોળાં ચરતાં હતાં. લોકોનો ખોરાક દહીં દુધ અને માંસાદિ હતો. આખો દિવસ તેઓ પોતાની વાંસળી વગાડવામાં અને તીર કામઠું લઈ શિકાર કરવામાં જ ગાળતા, તેઓ મુખ્યત્વે કરી ભીલની જાતના હતા. પરોણા ચાકરીને તેઓ મોટો ધર્મ સમજતા હતા.

જેવા પટેલ તેઓની નજરે પડ્યા તેવા તેઓ બહુ ખુશી થઈ ગયા અને તેની આસપાસ બધા વીંટળાઇ વળ્યા. બધા કુંડાળું વળી બેઠા. પહેલાં તો પટેલે પોતાની પાસેથી તેઓને ખાવા આપ્યું. સહુ ખાઈ રહ્યા પછી પોતે જે ચીજો લાવ્યો હતો તે લોકોને વહેંચી આપી. લોકો રાજી રાજી થઈ ગયા. આ લોકોની ભાષા જુદી જ હતી. તેઓમાંથી એક પટેલની ભાષા થોડી ઘણી સમજતો હતો હતો તે બધાના કહેવાથી આગળ આવ્યો, આ શખ્સને દુભાષીયો નીમવામાં આવ્યો અને તેની મારફત પટેલ તથા ત્યાંના લોકો અરસપરસ વાતો કરવા લાગ્યા.

દુભાષીયો લોકો વતી પટેલને કહેવા લાગ્યો કે: “અમે બહુ ખુશી થયા છીએ; અને તમારે શું જોઈએ છે તે અમને કહો જેથી અમે તમારે માટે બનતું કરીએ.”

પટેલે કહ્યુ: “મારે અહીં સરસમાં સરસ જમીન જોઇએ છે. અમારા દેશમાં બહુ થોડી જમીન છે, અને છે તેમાં બહુ મહેનત કરવી પડે છે.

દુભાષીયાએ આ વાત લોકોને કહી સંભળાવી, એ સાંભળી આ જંગલી લોકો ખુબ બરાડા પાડવા મંડી પડ્યા. પ્રેમા પટેલનાં તા હાજાંજ ગગડી ગયાં. તે એમજ સમજ્યો કે આ લોકો તેના ઉપર ગુસ્સે થઇ ગયા છે. પણ તેટલામાં તેઓને પાછા હસતા જોયા એટલે પટેલના પેટમાં જીવ આવ્યો. થોડી વારમાં તેઓ શાંત થયા એટલે પેલા માણસે કહ્યું કે: “આ લોકો બહુજ ખુશી થયા છે અને કહે છે કે તમારે જોઈએ તેટલી જમીન તમે લેજો, તમે ફક્ત અમને હાથેથી બતાવો કે કઇ જમીન તમારે જોઇએ છે.”

થોડીવારમાં પાછા તેઓ અંદર અંદરવઢવા લાગ્યા. પટેલે પુછ્યું તો તેને માલુંમ પડ્યુ કે કેટલાક મુખીને પુછ્યા વિના જમીન ન અપાય એમ કહેતા હતા. અને કેટલાક પુછવાની કાંઇ જરૂર નથી એમ કહેતા હતા.


પ્રકરણ ૬ ઠું.


આમ વાતો ચાલતી હતી ત્યાં ક્યાંઇક સારા દેખાવનો એક માણસ છેટેથી આવતો દેખાયો તેને જોઈ બધા ચુપ થઇ ગયા. પેલા દુભાષીયાએ પટેલને જણાવ્યું કે તે ત્યાંનો મુખી છે.

મુખી આવ્યો એટલે બધા લોકોએ ઉભા થઇને તેને માન આપ્યું. પટેલે તરત જ પોતાનો સામાન ખોલી એક સરસ ચીજ કાઢી તેને ભેટ આપી. મુખીએ તે વિનયથી સ્વીકારી અને પોતાને લાયક સ્થળે બેઠો. લોકોએ બધી વાત તેને કહી અને મુખીએ તે શાંતિથી સાંભળી પછી તે પ્રેમા પટેલની સામે જોઇ કહેવા લાગ્યો:

“ભલે તમારી મરજી પડે ત્યાંથી જોઇએ તેટલી જમીન તમે લઇ લો. અમારી પાસે પુષ્કળ જમીન છે.”

પટેલ વિચારવા લાગ્યાં: “એમ કેમ લઇ લઉં. કાંઇ ખત તો જોઇએ, નહીં તો આજ આપે અને કાલ લઈ લે તો હું શું કરૂં !”

પછી તે બોલ્યો: “હું તમારો ઉપકાર માનું છું. તમારે જમીન છે તે ખરૂ, પણ મારે તો થોડી જ જોઇએ છે. માત્ર એટલું જ જાણવા માગું છું કે તમે મને કઈ જમીન આપશો, અને જે આપશો. તેના કાયદેસર ખત કરી આપવાના કે નહીં ? આપણી જીવનદોરી મોટા ધણીના હાથમાં છે, તમે પોતે માયાળુ છો, પણ મારાં છોકરાં પાસેથી તમારાં છોકરાં કદાચ તે જમીન પાછી ન લઇ લે તેની ખાત્રી શું ?”

મુખીએ જવાબ આપ્યો: “તમે કહો છો તે બરોબર છે, તમોને ખત કરી આપશું.”

પટેલે તો બોલવું ચાલુજ રાખ્યું: “મેં સાંભળ્યું છે કે એક વેપારી અહીં આવ્યો હતો, અને તેને જમીન આપી તમે દસ્તાવેજ કરી આપ્યો હતો. મારે પણ તેવો જ દસ્તાવેજ જોઈએ.”

મુખી તરત જ સમજી ગયો અને બોલ્યો કે: હા, બધું તમે કહેશે તેમ થઈ રહેશે. અમારો કામદાર આવે એટલે તેને લઈ શહેરમાં જઈને તમોને ખત કરી આપશું.

પટેલે પુછ્યું: “તમે શા ભાવે જમીન આપો છો.”

મુખીએ કહ્યું: એકજ દામ છે. હજાર રૂપિયે એક દિવસ.”

પટેલ સમજ્યા નહીં. તેણે પુછ્યુ, “એક દિવસ તે કેવું માપ? કેટલા એકરનો દિવસ ? ”

મુખી બોલ્યો: “ અમે જમીન માપવાની બીજી રીત જાણતા નથી, દિવસને હિસાબે વેચીએ છીએ. એક દિવસમાં તમે જેટલી જમીનની આસપાસ ફરી વળો તેટલી તમારી ”

પટેલ અચંબામાં પડી ગયા અને બોલી ઉઠ્યા કે: “આ તો ઘણું સારુ, એક દિવસમાં ઘણું ચલાય.”

મુખી હસ્યો, અને કહ્યું: “હા,તેટલી બધી જમીન તમારી થશે, પણ એક શરત છે, જ્યાંથી તમે નીકળો ત્યાંજ પાછા સુરજ આથમતા સુધીમાં ન આવી પહોંચો તો તમારા પૈસા નકામા જાય.”

પટેલે કહ્યું. “પણ હું કયે કયે ઠેકાણે જઇ આવ્યો છું એ તમે જાણી શકશો ?

મુખીએ જવાબ આપ્યો: તમે જ્યાંથી ચાલવાનું શરૂ કરશો ત્યાં અમે બેસી રહીશું. તમે ચાલતાં ચાલતાં કોદાળીથી જમીન ઉપર નિશાની કરતા જજો. પછી અમે તે નિશાનીને આધારે એક લીટી દોરી આપીશું, તમારાથી જેટલી લેવાય તેટલી લેજો પણ એટલું ધ્યાન રાખજો કે જ્યાંથી નીકળો ત્યાં સુર્યાસ્ત સુધીમાં પાછું આવતા રહેવાનું છે.”

પટેલ તો રાજીના રેડ થઇ ગયા. બીજે દિવસ સવારના વહેલા નીકળવું એમ તેણે નક્કી કર્યું. રાત પડતાં ખાઇ પીને આનંદ કરી સહુ સુવા ગયા. પટેલને સુવાની સારી સગવડ કરી આપી. સવારે વહેલા તૈયાર થવાનું કહી બધા ત્યાંથી વિદાય થયા.


પ્રકરણ ૭ મું.


પ્રેમા પટેલ પથારીમાં પડ્યા, પણ ઉંઘ કેમેય આવી નહીં. તેના મગજમાં જમીનનાજ વિચાર ઘુમ્યા કરતા હતા. તેને વિચાર આવ્યો “જેટલી જમીનની આસપાસ હું ફરી વળીશ તેટલી લઇ લઈશ, ચાલવામાં જરા પણ ખામી નહીં આવવા દઉં. દિવસો લાંબા છે તેથી વીશેક ગાઉ તો હું ખુશીથી ચાલી શકીશ. તેટલા ચક્કરમાં કેટલા એકર થાય તેની ગણતરી પણ હું તો કરી નથી શકતો ! જમીનમાં કોઇ ભાગ ખરાબ હશે તો હું તે વેચી નાંખીશ, અથવા ભાડે આપી દઇશ, અને સરસમાં સરસ ભાગ હશે તે ખેડીશ. પછી ઘણાં ઢોર પણ ખરીદશું. જમીન ઘણી હશે એટલે ઢોરનું ખરચ જરા પણ માથે નહીં પડે.”

આવા આવા વિચારોમાં લગભગ આખી રાત પટેલને નીંદ્રા આવી નહીં. છેક પરોડીએ ઝોકું આવ્યું. હજી તો સ્હેજ આંખ મીંચાણી ત્યાં તેને સ્વપ્નું આવ્યું: “મુખી જાણે હસતો હસતો પોતા ભણી આવે છે, જરાક નજીક આવ્યો એટલે જણાયું કે તે તો પેલો વેપારી, જે તેને ત્યાં મેમાન હતો તેજ બીજું કોઈ નહીં. વળી જરા પાસે આવ્યો એટલે તેને લાગ્યું કે મુખી કે વેપારી કોઇ નહીં પણ તે તો વિકાળ બાબરો છે તે આકૃતિ થોડીવારમાં તેની પાસે આવી બેઠી. પટેલે નીહાળીને જોયું તો બાબરાનું શરીર તેને બહુ ભયંકર લાગ્યું અને તેની પડખે એક મુડદું જોયું. મુડદાને તપાસ્યું તો તે કોઈનું નહીં પણ પોતાનુંજ જણાયું.” આ જોઇ તે હેબતાઇ ઉઠ્યો.

જાગીને વિચારવા લાગ્યો: “આનો અર્થ શું હશે” પાછો વળી વિચાર આવ્યો, “અરે કંઇ નહી, એ તો માત્ર સ્વપ્નુંજ,” પછી ઓઢવાનું ઊંચું કરી જોયું તો સવારનું ઝાંખુ અજવાળું જણાયું.

પોહ ફાટ્યું જાણી પટેલ પથારીમાંથી ઉભા થઇ ગયા. હાથ મોઢું ધોઈ તૈયાર થયા પછી પોતાના ગાડીવાળાને ઉઠાડી કોદાળી લઇ મુકરર કરેલી જગ્યાએ પહેચ્યા. ત્યાં જઇ બધા માણસોને જગાડ્યા. તેઓ બધા હાથ મોઢું ધોઇ નાસ્તો કરવા બેઠા. પટેલને પણ જરા નાસ્તો કરી લેવા કહ્યું. પણ તેણે તો નાજ પાડી, અને કહ્યું કે હવે વખત થયો છે ચાલો ઝટ કામ શરૂ કરી દઇએ.


પ્રકરણ ૮ મું.


લોકો બધા તૈયાર થઈ ગયા. ખરેખર સૂર્યોદયને વખતે જે જગ્યાએથી ચાલવાનું શરૂ કરવાનું હતું ત્યાં સહુ જઈ પહોંચ્યા. એક ટેકરી ઉપર બધા ચડ્યા. મુખી પ્રેમા પટેલ પાસે આવ્યો, અને ચારે તરફ હાથ બતાવી કહ્યું : “આ જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધીની બધી જમીન અમારી છે. તમને ગમે તેટલી લેજો.”

પટેલ તો બહુજ ખુશી થઈ ગયા, જમીન તેને ઘણી સારી લાગી. તેને માટી કાળી અને ખાતરાળ હતી. કોઇ કોઇ ઠેકાણે છાતી સમું ઘાસ ઉભું હતું.

મુખીએ નિશાની કરી પટેલને કહ્યું: અહીં આવો, જુઓ. તમારે અહીંથી ચાલવાનું શરૂ કરવું, અને સુર્યાસ્ત સુધીમાં પાછું અહીંજ પહોંચવું. જેટલી જમીનની આસપાસ ફરી વળશો. એટલી તમારી.

પટેલે કપડાં કસ્યાં, અને કોદાળી ખભે નાખી. એકાદ રોટલો પછેડીમાં નાંખી ભેઠમાં બાંધ્યો. પાણીની નાની સિરોઇ પણ ખભે લટકાવી લીધી અને તૈયાર થઇ ઉભા. પહેલાં તો કઇ દિશાએ જવું એ મુંઝવણ થઇ. પણ ઉગમણી દિશાએ જવું એવું તુરત નક્કી કર્યુ. અને સુરજની વાટ જોવા લાગ્યા.

જેવી સુરજની કોર દેખાણી કે તરતજ પટેલ છુટ્યા. મનમાં વિચાર્યું કે: “એક ક્ષણ પણ ગુમાવવાની નથી. ટાઢા પોરમાં ખૂબ ચલાશે.”

પહેલાં તો સાધારણ ઝડપથી ચાલવું શરૂ કર્યું. એક ખેતરવા ચાલ્યા અને કોદાળીથી નીશાની કરી. એમ ચાલતા ગયા અને નિશાની કરતા ગયા. હળવે હળવે તેની ચાલ વધવા લાગી.

કેટલુંક ચાલ્યા પછી પટેલે જરા પાછું વાળી જોયુ તો ટેકરી ઉપરના લોકો ચોખ્ખા દેખાતા હતા, અને ગાડાંનાં જડોયાં પણ સુરજના તેજથી ચળકતાં હતા. તેણે વિચાર્યું કે ત્રણ સાડાત્રણ ગાઉ ચલાયું હશે. હવે તેને જરા પસીનો થવા લાગ્યો, એટલે કેડીયું કાઢી ખભે નાખ્યું અને પાછા પગ ઉપાડ્યા. થોડીવાર પછી સુરજ સામું જોયું તો લાગ્યું કે હવે શીરામણ ટાણું થયું છે.

પટેલ મન સાથે વાત કરવા લાગ્યા: “એક પહોર તો હમણાં પુરો થશે, તોય હજી ત્રણ પહોર બાકી છે. વળવાને હજી ઘણીવાર છે.” એમ કહી પગરખાં કાઢ્યાં, અને ત્યાંજ જમાવ્યું. ઉતાવળે ઉતાવળે થોડા રોટલા ખાઇ લીધા. તે સિરોઇમાંથી થોડું પાણી ઢીંચી ઊભા થયા. પગરખાં આ વેળા ભેડમાંજ બાંધી લીધાં અને પાછું ચાલવા માંડ્યું.

ચાલતાં ચાલતાં વિચાર કરે છે: “હવે તો ઘણી સ્હેલાઇથી ચલાય છે, એક ગાઉ વધારે ચાલશું, અને પછી પાછા ફરશું. સામેની જમીન કંઇ વધારે સારી લાગે છે. એ છોડી દેવા જેવી નથી.” આમ વિયારતાં વિચારતાં દોઢેક ગાઉ આગળ નીકળી ગયા પછી ત્યાંથી બાજુએ વળ્યા.

હવે ટેકરી ઉપર નજર કરી તો ત્યાં ઉભેલા લોકો ઉંદર જેવડા લાગતા હતા. પટેલ પાછા જરા થોભ્યા, સિરોઇમાંથી પાણી પીધું, અને થોડીવાર થાક ખાઇ પાછું ચાલવા માંડ્યું.

થાક ખાધો એટલે થોડો વખત તો નવું જોર આવવાથી ઝડપથી ચાલ્યા પણ હળવે હળવે પગ ભારે થવા લાગ્યા.

તેણે વિચાર્યું: “ફક્ત એક બે કલાક સહન કરવાનું છે. પછી તો જીંદગીની નીરાંત છે. આખી પેઢી તરી જશે.”

કેટલુંક ચાલ્યા પછી ત્રીજો ખુણો વળવાનો વિચાર થયો, પણ સામેની થોડીક જમીન ઘણીજ સરસ લાગી, તેથી વિચાર્યું કે આ જમીન છોડી ન દેવી જોઇએ, અહીં પણ સારૂં ઉગે એવું લાગે છે. એટલે ત્યાં જઇ નિશાની કરી. “હવે તો વખત બહુ થોડો છે. તેથી પાછું વળવું જોઈએ.” એમ કહી ત્રીજે ખુણે વળ્યાં.


પ્રકરણ ૯ મું.


પટેલને હવે થાક ઠીક ઠીક જણાવા લાગ્યો, અને ચાલવામાં જરા જરા મુશ્કેલી પડવા લાગી. પસીનાના ટીપાં બાઝી રહ્યાં હતાં. તેણે સુરજ સામું જોયું તો લાગ્યું કે જો આવી રીતે ચાલીશ તો કોઇ રીતે સુરજ આથમતાં પહેલાં પહોંચી શકાશે નહીં. તેને થાક ખાવાનું મન થયું. પણ તેની હીંમત ન ચાલી.

સૂર્યનારાયણને પણ તેની દયા ન આવી, તેણે તો પોતાનું કામ કર્યે જ રાખ્યું. સુરજને બહુ નીચે ઉતરેલ જોઈ પટેલે વિચાર કર્યો: “હું આઘે ગયો તેમાં મેં બહુ મોટી ભૂલ કરી.” તેણે જરા ચાંપીને ચાલવાની મહેનત કરી.

પસીનો એટલો બધો વળ્યો હતો કે તેની ચોરણી અને કેડિયું બન્ને ભીનાં થઈ ગયાં હતાં, અને શરીર સાથે ચોંટી ગયાં હતાં થોડેક આગળ ચાલ્યા પછી તો તેણે કોદારી સિવાય બધો સામાન પડતો મુક્યો, અને મહા મુશીબતે દોડવા માંડ્યું.

પટેલ મનમાં મનમાં બબડવા લાગ્યા: “મેં બહુ લોભ કર્યો, હવે બધું ખોઇશ.”

જમીન અને પૈસા બધું જવાની બીકથી તેનો શ્વાસ પણ ઉડી જાય છે, પસીનો બહુજ વળ્યો છે; તૃષાથી મોઢું સુકાય છે, તેને મરવાની ધાસ્તી લાગી. હૈયું ધબકવા લાગ્યું અને મતી મુંઝાવા લાગી. તેને વિચાર આવ્યો: “આટલી બધી મહેનત કરીને હવે થોડાક માટે અટકું તો લોકો મારી મશ્કરી કરશે.”

સુરજ આથમવાને બહુ થોડી વાર હતી. પટેલ વધારે જોરથી ચાલવાની મહેનત કરી. હવે તો તે તદ્દન પાસે આવી પહોંચ્યો છે; સુરજ સામું પાછું જુએ છે તે કહે છે: હવે તો એકાદ પળની વાર છે. પટેલ ટેકરીપર જુએ છે તો લોકો તેને એકદમ આવવાની નિશાની કરે છે. પોતાનો બધો સામાન જ્યાં મુક્યો હતો ત્યાંજ પડેલો તેને દેખાતો હતો.

પ્રેમા પટેલને સવારે આવેલું સ્વપ્નું નજરે તરવરવા લાગ્યું: તેના મનમાં લાગ્યું: “હવે જમીન તો મારી પાસે પુષ્કળ થઇ પણ હું જીવીશ નહીં.” તોપણ સાવ હીંમત નથી હારતો. સુરજ સામું જુએ છે તો તે અરધો આથમી ગયો છે.

પોતામાં જે કંઈ તાકાત રહી હતી તે અજમાવી દોડવા માંડ્યું. જેવો ટેકરી પાસે પહોંચ્યો કે સુરજ અસ્ત થયો, તે બબડ્યો :“હાય ! હાય ! બધું ખોયુ !” તે અટકવા જાય છે. તેવામાં ટેકરીપરનાં લોકોએ બુમ પાડી કે એકદમ આવ, ઝટ કર, દોડ, પટેલને ખ્યાલ આવ્યા કે સુરજ અહીંથી તો અસ્ત થયો દેખાય છે પણ ટેકરીપરથી નજરે પડતો હોવો જોઇએ. એટલે તેણે માંડ માંડ શ્વાસ લેતાં વળી પગ જોરથી ઉપાડ્યો.

ટેકરી ઉપર હજી તડકાનો પ્રકાશ જોવામાં આવતો હતો. તે મનમાં ચિંતવતો હતો કે “પેલો મારો સામાન દેખાય, પેલો મુખી દેખાય.” મુખી પેટ પકડીને હસતો હતો. પ્રેમાને તેનું સ્વપ્નું યાદ આવ્યું. તેનાં હાજાં ગગડી ગયાં. પગ લથડવા લાગ્યા અને નિશાન આગળ પહોંચતાંજ હાથ લાંબા કરી ભોંય પર પડ્યો.

મુખી બુમ મારી ઉઠ્યો: શાબાશ તું ખાટી ગયો, તને બહુ સરસ જમીન મળી છે.”

પ્રેમા પટેલનો ગાડાંવાળો તેને લેવા દોડ્યો પણ પટેલના શરીરમાં પ્રાણ નહોતો તેના મોઢામાંથી લોહી વહેતું હતું.

લોકો બધા દીલગીર થઈ માથું ધુણાવવા લાગ્યા. પટેલના માણસે કોદાળી લીધી, અને બરોબર પટેલનું શબ માય તેટલો લાંબો અને પહોળો ખાડો ખોદ્‌યો, અને પ્રેમા પટેલને તેની ઘોર જેટલી જમીનનો માલિક કર્યો.