મહાન સાધ્વીઓ/વીર સાધ્વી જોન ઑફ આર્ક

← સાધ્વી બહેન દોરા મહાન સાધ્વીઓ
વીર સાધ્વી જોન ઑફ આર્ક
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯




३—वीर साध्वी जोन ऑफ आर्क






લેખક : હાસમ હીરજી ચારણિયા.

મું. કુરલા. જીલ્લે થાણા.







સંશોધિત બીજી આવૃત્તિ.






આ અદ્‌ભુત અને ભવ્ય વિચિત્રતા જુઓ કે માનવજીવનનો ઇતિહાસ લખાવો શરૂ થયો ત્યારથી માંડીને હમણાં સુધીમાં જોન ઑફ આર્ક સિવાય પુરુષ યા સ્ત્રીવર્ગમાંથી કોઈ પણ વ્યક્તિએ સત્તર વર્ષની વયે કોઈ પણ (યૂરોપી) પ્રજાના સૈન્યપર સંપૂર્ણ અધિકાર ભોગવ્યો નથી.લૂઈ કોસૂથ


३ — वीर साध्वी जोन ऑफ आर्क


૧ – બાલ્યાવસ્થા


(૧)

આ ઇ. સ. ૧૪૯૨ નું વર્ષ છે. હું ૮૨ વર્ષની વૃદ્ધ વયે પહોંચ્યો છું. આ પુસ્તકમાં હું તમને જે વાતો કહું છું, તે મેં મારી બાલ્યાવસ્થા ને યુવાવસ્થામાં મારી નજરે જોયેલી છે.

જોનની વીરતાનાં જે જે ગીતો ગવાય છે, તેમાં મારું પણ નામ આવે છે. કારણ કે હું તેનો કારભારી હતો, અને તેની સાથે પહેલેથી છેલ્લે સુધી રહ્યો હતો.

અમે એકજ ગામમાં મોટાં થયાં હતાં. અમે નાનાં હતાં, ત્યારે એકબીજા સાથે રમતાં. તેનું જીવન કેટલું ઉચ્ચ હતું, તે વિષે હમણાં જગતમાં તેની સારી ખ્યાતિ થઈ ચૂકી છે; છતાં કહું છું કે, હું તેનો બાળગોઠિયો હતો; લડાઇમાં હું તેનો સાથી હતો. ફ્રાન્સના લશ્કરની સરદારી લઇ તે તેને ઉશ્કેરતી, પૂરપાટ દોડતા ઘેાડા ઉપર સ્વાર થઈ છૂટા વાળ મૂકી મહાઘોર રણસંગ્રામમાં ઝઝૂમતી, કલગી નચવતી તે સુંદર છોકરીનું ચિત્ર મારા હૈયામાં આબેહુબ જડાઈ ગયું છે. હું છેલ્લે સુધી તેની સાથેજ હતો. કૃતઘ્ન લોકોનાં કાળાં હૃદય જ્યારે તેના કાળનું કારણ નીવડ્યાં, ત્યારે તે જે છેલ્લા હાથને અડકી હતી, તે મારો હાથ હતો.

ભયંકર લડાઇનાં રણશિંગાં ફ્રાન્સમાં ફૂંકાવાં બંધ થયાં; કાળ વહેતો ગયો; અને જેમ જેમ જોનના જીવનની દિવ્યતા વિષે અમને વધારે ખબર પડતી ગઈ, તેમ તેમ અમને માલુમ પડ્યું કે તે કોણ હતી અને તેની જીંદગી કેટલી પ્રૌઢ અને દેવાંશી હતી.

(૨)

હું ઇ. સ. ૧૪૧૦ માં જન્મ્યો છું. જોન ઑફ આર્ક કરતાં હું બે વર્ષ મોટો હતો. રાજ ખટપટથી કંટાળી મારા બાપદાદાઓએ પારીસ માંથી છૂટી દૂરનાં ગામોમાં આશ્રય લીધો હતો. પારીસમાં સર્વત્ર અશાંતિ હતી. લૂટારાનાંટોળે ટોળાં રાત્રે એકઠાં થઈને લૂંટતાં, અને આગ લગાડેલાં ઘરોમાંથી ધૂમાડાના ગોટે ગોટા ઉઠતા, મુડદાં અહીં તહીં ઠોકરે અથડાતાં, કોઈમાં તેમને દાટવાની પણ હિંમત નહોતી. ત્યાં મરકી ફેલાવવા માટે દુશ્મનો તરફથી તેમને ખાસ રાખવામાં આવ્યાં હતાં.

મરકી પણ ચાલી, માખીઓની માફક માણસો મરવા લાગ્યાં, પારીસ દુકાળ અને ખૂનામરકીનું ભોગ થઈ પડ્યું. મુડદાંના ઢગલે ઢગલાં રસ્તામાં રખડતા અને વરૂઓ દિવસે ગામમાં આવી લઈ જતાં.

અરે ! ફ્રાન્સની સ્થિતિ કેટલી અધમ હતી ! ફ્રાન્સનું લશ્કર એટલી બધી લડાઈઓમાં પરાજય પામ્યું હતું કે અંગ્રેજી લશ્કરની નજરજ માત્ર તેમને નસાડવા માટે પૂરતી હતી.

હું પાંચ વર્ષના થયો, ત્યારે એજીનકોર્ટની લડાઈનાં કાળાં વાદળાંની છાયા ફ્રાન્સ ઉપર પડી. અમારૂ ગામ લૂંટાયુ. મારાં બધાં સ્નેહીઓને અંગ્રેજ સિપાઈઓએ ઘાતકી રીતે મારી નાખ્યાં. જ્યારે અંગ્રેજી લશ્કરની છાવણી ગામની લુંટ પછી ઉપડી ગઇ, ત્યારે રાત લઈ ત્યાંથી હું નાસી છૂટ્યો. મારા બળતા ઘરને જોઈને તે રાત્રે હું જતાં જતાં ખૂબ રોયો. હું એકલો હતો. પાસે થોડાંક મુડદાં પડ્યાં હતાં, ઘવાયેલા લોકો આજુબાજુ આમતેમ પીડા પામતા આળોટતા હતા.

ડોમરેમીના પાદરીને ત્યાં હું નાસી આવ્યો. પાદરીએ મને થોડું ઘણું વાંચતાં-લખતાં શીખવ્યું. આખા ગામમાં અમે બેજ જણ ભણેલા હતા.

ડોમરેમીમાં જોનનાં માબાપ રહેતાં હતાં. જોન, તેના ભાઈઓ અને હું બધાં સાથે રમતાં. સાથીઓમાં અમારે સખીઓ-છાકરીઓ પણ હતી. તેઓ જોનની માફક ગામડીઆઓનીજ પુત્રીઓ હતી. તેમાંથી ઘણીખરી સાધારણ મજુરને પરણી હતી. તેઓ ગરીબ હતી, પણ ઘણાં વર્ષ પછી એવો વખત આવ્યો કે કોઈ પણ અજાણ્યો શ્રીમંત ત્યાંથી પસાર થતો તે આ વૃદ્ધ સ્ત્રીઓને જોન ઓફ આર્કની બાળપણની સહિયરો ગણી તેમને મળ્યા વિના ત્યાંથી જતા નહિ.

જોન ઓફ આર્કનાં બધાં ભાઈભાંડુઓ ખેડુતોનાં સાધારણ છોકરાં જેવાં ભલાં હતાં. તેઓ માબાપની આજ્ઞા માનતાં, અને મોટાં થયાં ત્યારે પણ બાપદાદાઓનો ધર્મ તેજ તેઓનો ધર્મ હતો. તેમના રાજ્ય સબંધી વિચારો પણ પોતાના વડવાઓના જેવાજ હતા. ગામનો દરેક માણસ દેશદાઝ જાણવાવાળો હતો, ગામમાં દરેક માણસને ફ્રાન્સના દુશ્મનો સામે ધિક્કાર હતો.

(૩)

અસલના રીતરિવાજ પ્રમાણે અમારું ગામડું ડોમરેમી બહુજ નાનું હતું. ભાંગી-તૂટી ગલીઓમાં પુરાતન મકાન અને કોઠારો આવી રહ્યા હતા. ઘરમાં અજવાળું ભીંતમાં પાડેલાં બાકોરાંમાંથી આવતુ. જમીન ઉપર ગા૨ થતી. ઘરમાં બહુ રાચરચીલુ રાખવામાં આવતું નહિ. ગામના માણસોનો મુખ્ય ધંધો ઢોરઢાંખરને ઉછેરવાનો હતો. ગામના નાના છોકરાઓ પણ ઢોર ચારતા.

ગામની પાસે ઘાસથી છવાયેલ એક જગ્યામાં બીચનું એક ભવ્ય અને ઘટાદાર વૃક્ષ હતું. ઉનાળામાં બધા છોકરાઓ ત્યાં જતા, ગાતા અને કલાકોના કલાક સુધી તેની આજુબાજુ નાચતા. વચમાં વચમાં વળી થાક ઉતારતા. વૃક્ષમાં વસતી પરીઓને ખુશ કરવા માટે તેઓ ફૂલની માળાઓ ગુંથીને તે વૃક્ષની ડાળીઓ ઉપર લટકાવતા. અમે માનતા કે, પરીઓ પણ અમારા જેવી નાજુક અને નિર્દોષ છે, અને ફૂલ જેવી વસ્તુઓ તેમને બહુ ગમે છે. અમારા મત એવો હતો કે, અમે પરીઓને ખુશ રાખતા તેના બદલામાં તે ઝરાની સંભાળ લે છે. વળી લોકવાયકા એવી હતી કે, હજારેક વર્ષથી અમારા ગામનાં છોકરાંઓ અને આ પરીઓ વચ્ચે ગાઢ મિત્રભાવ ચાલુ હતો.

આ વૃક્ષના ગૌરવને લઈને ડોમરેમીમાં ઉછરેલાં સર્વ બાળકો ‘તરુબાળ’ કહેવાતાં. આ પદવીનાં અધિકારી હોવાથી અમે પોતાને ભાગ્યશાળી સમજતાં, અને એવા અભિધાનથી એકબીજાને બોલાવવામાં ગર્વ લેતાં. અમારામાં એવો મત ચાલતો કે, કોઈને વનમાં આ વૃક્ષ દેખાય, તો તે થોડા વખતમાં ગુજરી જાય; પણ તેના આત્માને મુક્તિ મળે.

જોનને અને મને બનેને આ વૃક્ષની બધી વિચિત્ર કથાઓમાં શ્રદ્ધા હતી. આ વૃક્ષના ગૌરવ માટે જૂદા જૂદા લોકોની જૂદી જૂદી માન્યતા હતી. ઘણાખરાઓ તો પેાતાના વડવાઓ માનતા એવીજ રીતે માનતા. આ દુનિયામાં ઘણીખરી બાબતો વંશપરંપરાથી ચાલી આવે છે. જુઓ, નવું છે પણ શું ? તમારા પોતાના જીવન માટે પણ વિચાર કરો તો જણાશે કે, તમે વૃદ્ધ થયા છો, તો પણ તમે બાળકજ હો એવું તમને લાગે છે.

અમે માનતા કે, એ વૃક્ષમાં બે ભૂત રહે છે. ગામનો કોઈ પણ માણસ શોકાતુર હોય, તો તેને માટે ચર્ચા થતી અને ઠેકાણે ઠેકાણેથી આવાં વાક્યો સંભળાતાં કે “પેલાને સ્વપ્નમાં આપણું વૃક્ષ આવ્યું છે. તે માણસ પાપી છે, અને તેને ચેતવણી પ્રભુ તરફથી મળી ચૂકી છે.”

ભૂત-પ્રેતની વાતમાં કંઇક સત્ય રહેલું છે. શંકા અને વહેમથી આવી વાતોને ભરપૂર ગણી ધૂતકારી કાઢવાની નથી. અમુક બીના સર્વદા બનતી હોય, અને એમ વર્ષોનાં વર્ષો સુધી ચાલ્યા કરે, તો તે સત્યજ છે એવું સાબીત થાય છે. મને પણ પ્રત્યક્ષ એવો અનુભવ મળ્યો છે કે, તે વૃક્ષ મૃત્યુનું આવાગમન સૂચવતું.

પ્રાચીનકાળથી ઉતરી આવેલા રિવાજ મુજબ છોકરાઓ હાથ જોડી આ વૃક્ષની આસપાસ નાચતા અને એક ગીત ગાતા. ગીત સાદું હતું, પણ નાનાં બાળકોનો મધુર સ્વર તેને અપ્રતિમ મીઠાશ આપતો. અજાણ્યા માણસ તે ગીત ભાગ્યેજ સમજી શકતા. તે ગીત બહુ નાનું હતું, પણ અમારે મન તો તે સ્વર્ગનો સંદેશોજ હતુ. જોન ઑફ આર્ક અમારી સાથે આ ગીત નાચતી નાચતી ગાતી:

પ્રિય વૃક્ષનું ગીત

તુજ પાન પરે મુજ આંસુ સરે;
નિત રહે કૂમળાં મૂજ આંસુ ઝરે !
બહુ દુઃખ કથ્યાં દિલનાં તુજને,
દીધ સાંત્વન તેં મીઠડું મુજને !
નહિ કાળ તણી કરૂં હું ગણના,
મધુરા સૂર હું સરૂ જોબનના !
ભમું હું કદીએ પરભોમ મહીં;
વસજે મુજ અંતર તુંય તહીં !

અમે જ્યારે આ ગીત ગાતા, ત્યારે છેલ્લી લીટીઓ

“ભમુ હું કદીએ પરભોમ મહી',
વસજે મુજ અંતર તુંય તહીં !”

ગાતાં ગાતાં આંખમાં આંસુ આવી જતાં.

અમારી નજરે કોઈ વેળા પરીઓ પડતી નહિ, કારણ કે અમારા ધર્માધ્યક્ષે તેમને દેશનિકાલ કરી હતી, પણ એક દિવસે જોનની માતા ત્યાંથી પસાર થતી હતી, ત્યારે તેણે તે પરીઓને છુપી છુપી નાચતાં જોઇ. તેણે એ વાત આખા ગામમાં કરી. આથી પાદરી ગુસ્સે થયા અને જંતર-મંતર કરી પરીઓનો વિનાશ કરવાનો વિચાર કર્યો.

અમે પરીઓના મિત્ર હતા. અમે પાદરીને ઘણી ઘણી વિનતિ કરી, પણ તે એકના બે થયા નહિ. અમે બુદ્ધિશાળી નહોતાં; અમારામાં વિદ્વત્તા પણ નહોતી. તે દિવસે જોનનું માથુ ચઢ્યું હતું અને સહેજસાજ તાવ આવી ગયો હતો; તોપણ અમે તેના બિછાના આગળ દોડી જઈ કહ્યું: “ઉઠ, ઉઠ, જોન ! પરીઓને બચાવ. તારા સિવાય આ કાર્ય કોઈ પણ પાર પાડી શકશે નહિ.”

પણ જોનનું મન ભમતું હતું. અમારાં વેણ તે ન સમજી શકી. બાજી હાથથી ગઇ હતી. શું આ અમારા દેવાંશી મિત્રોનો વિનાશજ થવાનો ?

આજ અમે બહુ દુ:ખી હતાં, કારણ કે પાદરીએ પરીઓને દેશનિકાલ કરી હતી. અમે બહુજ શોકાતુર થયાં.

જ્યારે જોન સાજી થઈ, ત્યારે પરીઓના દેશનિકાલની વાત તેણે સાંભળી. તે ઘણી ક્રોધે ભરાઈ ગઈ. એકદમ પાદરી પાસે જઇ વંદન કરી તેણે કહ્યું:–

“પરીઓને તમે દેશનિકાલ કરી, એનું કારણ બીજાઓને તેમણે દર્શન દીધું, એજ ને ?”

“હા.”

“અર્ધી રાત્રે જો કોઈ માણસ બીજાના ઘરમાં છુપો છુપો જાય અને જો સામો માણસ અર્ધનગ્નાવસ્થામાં હોય, તો તમે એમ કહેશો કે તે માણસ નગ્ન થઈ પેલાને પોતાનું શરીર બતાવતો હતો ?”

“નહિજ.”

“જે કાઈને પાપ કરવાની ઈચ્છા ન હોય અને તેનાથી પાપ થઈ જાય, તો તેને શું પાપી કહેવો ?″

પાદરીએ પોતાનો દોષ કબૂલ્યો, અને શાંત પડવા કહ્યું, પણ જોન ઝાર ઝાર ૨ડવા લાગી.

“ત્યારે સાહેબ ! પરીઓનો શો દોષ હતો ? કોઈ પાસેથી નીકળી તેમને અચાનક જોઈ જાય, તેમાં તે બાપડીઓનો શું વાંક?”

જોનનો અશ્રુપાત વધતા ગયો.

પાદરી બોલ્યાઃ “જોન ! તું બીજા છોકરાંઓ સાથે માળાઓ ગુંથતી હતી કે નહિ ?”

“હા.”

“પછી એ માળાઓ ડાળીઓ ઉપર લટકાવતી હતી ? ”

“ના.”

“ત્યારે ક્યાં રાખતી ?”

“આપણા દેવળમાં.”

“ત્યારે તે વૃક્ષને માળાઓ ચઢાવતી કેમ નહિ ?”

“કારણ કે પરીઓમાં પિશાચના અંશ હોય છે, અને રાક્ષસોની તેઓ સગીઓ હોય છે. તેમને માન આપવું એ પાપ છે.”

“ત્યારે તને આટલું બધું કેમ લાગી આવે છે ?”

જોનનાં નેત્રોમાં આગ વરસવા લાગી.

“સાહેબ ! આમ શું બોલો છે ? ફ્રાન્સનો ધણી કોણ છે ?”

“એક તો ઈશ્વર. પછી આપણા વિજયી રાજા.”

“કોઈ રાક્ષસ તો નહિજ ને ?”

“નહિજ વળી.”

“ત્યારે આટલાં વર્ષ કોણે તેમને ભાખરી આપી ? કેણે તેમનું રક્ષણ કર્ચું ?”

“પરમેશ્વરે. કારણ કે પરમેશ્વર જાણે છે કે, દુનિયા મારું ઘર છે, અને તેથી દુનિયામાં રહેનાર પ્રાણીઓને સુખ મળવું જોઈએ. પરીઓ ધારત તો બાળકોને હાનિ પહોંચાડત, પણ હજીસુધી પહોંચાડી નહોતી. રાક્ષસ ? ? રાક્ષસ એટલે શું થઇ ગયું ? રાક્ષસોને પણ હક્ક હોય છે, અને એ હક્ક તેમને મળવા જોઇએ ! હું રાક્ષસો માટે પ્રાર્થના કરીશ. તેઓ પાપી છે, તેથી તો મારે તેમની દરકાર કરવી જોઈએ. ગરીબ બિચારા રાક્ષસો ! માણસો પોતાનાં છોકરાંઓ ઉપર પ્રેમ રાખે છે; પણ તેઓ રાક્ષસ, પાપી અને અધમ ઉપર પ્રેમ રાખતાં નથી. રાક્ષસ, પાપી અને અધમ મનુષ્યોપર પ્રેમ રાખવાની આવશ્યકતા હજાર દરજ્જે વધારે છે. ધરાયલાને ખવરાવશો તેમાં શું ? ભૂખ્યા હોય તેને જમાડવાથી કંઈક વળશે. જેના ઉપર કાઈનો પ્રેમ નથી, જે પ્રેમનાં તરસ્યાં હોય, તેમના ઉપર પ્રેમ કેમ ન રાખવો ? ”

ક્રોધના આવેશમાં આવી જોન પગ પછાડવા લાગી. આંખમાંથી આંસુની રેલ તો ચાલુજ હતી. પછી એકદમ શુદ્ધિમાં આવી ક્રોધમાં ને ક્રોધમાં તે ત્યાંથી ચાલી ગઇ.

હું પણ તેની પછવાડે જવા નીકળ્યો. જતાં જતાં પાદરીનાં વેણ મારે કાને અથડાયાં :–

“હા ! રાક્ષસને પણ અધિકાર છે. જોન ! તું સાચી, હું જુઠ્ઠો ! પ્રભો ! પ્રભો ! દયા કર. દોષ મારોજ છે. ”

(૪)

બાલ્યાવસ્થાના દિવસો અજબ પ્રકારના સૌંદર્યથી ભરપૂર હોય છે. પછી ભલે તે રંક હો કે રાજા હો. કુદરત રાજા કે રંકની ગણના કરતી નથી. તેને મન તો બધાં પ્રભુનાંજ બાળકો છે. બાલ્યાવસ્થામાં સર્વને આનંદ મળે છે, એવો અમને પણ મળ્યો હતો. ઉનાળામાં અમે બકરાં અને ઘેટાંને ટેકરીઓમાં ચારવા જતાં. શિયાળામાં અમને વધારે અવકાશ મળતો, અને ઘેર રહી લીલાલહેર કરતાં. અરે ! તે દિવસો કેવા નિર્દોષ હતા . અમે જોનને ઘેર એકઠાં થતાં, રમતાં અને ગાતાં. કોઈ કોઈ વાર તો મોડી રાત્રિ સુધી બેસીને ભૂતકાળની જૂની વાર્તાઓ અને ઈતિહાસ સાંભળતાં, અને કોઇ કોઇ વાર ગપ્પે ચઢી જતાં.

શિયાળાની રાત્રિ હતી. અમે બધાં મિત્રો સાથે હતાં. બહાર મોટું તોફાન ગાજતું હતું. ઠંડો-અતિશય ઠંડો પવન સૂસવાટા મારી કેર વર્તાવતો હતો. મને આથી બહુજ આનંદ મળતો. પવન પૂરજોસમાં ફૂંકાતો હોય, અને તોફાન બરોબર જામ્યું હોય ત્યારે જો આપણે ઘરમાં શાંતિથી બેઠાં હોઈએ, તો ભારે મઝા આવે. સગડી ધીમે ધીમે બરાબર જામી હતી, અને છાપરાં ઉપર ટપટ૫ કરા પડતા હતા. દસેક વાગ્યા હશે. અમે વાળું કરી લીધું હતું. હવે અમે આનંદ કરતાં હતાં અને ગાતાં હતાં. સાથે સાથે થોડોક ફળાહાર પણ કરતાં હતાં.

જોન એક પેટી ઉપર જૂદી બેઠી હતી. આસપાસ તેનાં પાળેલાં પ્રાણીઓ રમતાં હતાં. બીજા ઘરની બિલાડીઓ પણ જોનને ત્યાં આવતી. ઘર વગરનું નિરાધાર રખડતું રખડતું પ્રાણી પછી ભલે તે ગમે તે પ્રકારનું હોય, તે પણ જોન પાસે આવતું તો તેનો સત્કાર થતો; એટલું જ નહિ પણ તેને ખાવાનું પણ મળતું. પક્ષીઓ પણ જોનથી બીતાં નહોતાં. તે તેમની સારી રીતે સેવાચાકરી કરતી; કારણ કે પ્રાણી તેને મન પ્રાણી હતું, અને તે પ્રાણી હતું તેથી તેને પ્રિયહતું. તે ગમે તે પ્રકારનું હાય. તે તેમને પાંજરામાં પૂરતી નહિ, સાંકળે બાંધતી નહિ કે ગલપટા જેવી નજીવી વસ્તુઓ પણ પહેરાવતી નહિ. પોતાની મેળે આવે તો ભલે આવે, અને ચાલ્યું જાય તોપણ પોતાની મેળે ભલે ચાલ્યું જાય. આ વખતે એક ખિસકોલીનું બચ્ચું તેના ખભાપર બેઠું હતું, અને આનંદમાં ને આનંદમાં પૂછડી હલાવતું ચેસ્ટનટનું ફળ ફોલી ફોલીને ખાતું હતું.

બધું આનંદમય હતું, એટલામાં કોઇએ બારણું ખખડાવ્યું. બહાર કોઈ વટેમાર્ગુ હતો. બારણું ખખડાવી તે અંદર આવ્યો, પગ ખંખેર્યા અને બારણું બંધ કર્યું. તેનું આખું શરીર બરફથી ભીંજાઈ ગયું હતું. પછી તેણે આનંદથી ચારે તરફ જોયું. અન્ન ઉપર થોડીક વાર આંખ ઠેરવી; અને અમને વંદન કરી કહ્યું કે, જેને પ્રભુ ઉદર પૂરતું ખાવા આપે છે, રહેવા માટે ઘર આપે છે અને હૈયું ખાલી કરવા સ્નેહીઓ આપે છે તેના જેવું સુખિયારું કોઈ નથી.

કોઈ કંઈ બોલ્યું નહિ. તે બિચારો ગુંચવાડામાં ત્યાં ને ત્યાં ઉભો રહ્યો. કોઈના મોં ઉપર સત્કારની છાયા માલુમ પડી નહિ કોઈએ તેના તરફ પરોણા–ચાકરીની રીતિએ સ્મિત કર્યું નહિ.

એકાએક તેના પિતાના અવાજ સંભળાયો:– “બેસી જા.”

જોન ઑફ આર્કની ઉદ્ધત વર્તણુંકથી તેનો પિતા તેના ઉપર ગુસ્સે થયો. પરિણામે તે વટેમાર્ગુ આશ્ચર્યચકિત થયો, કારણ કે જોન તેની પાસે અન્ન લઈને ઉભી હતી. પછી તે અજાણ્યો માણસ બોલ્યો :-

“પ્રભુ તારું રક્ષણ કરો, દીકરા !”

બીકથી તેણે અન્ન ન લીધું અને એમ ને એમ ઉભો રહ્યો.

“જોન ! સાંભળે છે કે? કહું છું કે બેસી જા !”

જોનને વશ રાખવી, એ સહેલી વાત હતી; પણ આ વખતે તે વશ થઈ નહિ. તેના પિતામાં તેને વશ કરવાની કળા નહોતી. જોને કહ્યું:- “પિતાજી ! તે ભૂખ્યો છે !”

“એમ હોય તો ભલે તે કામ કરે. શુ આપણે ભીખારીઓને આપણું આખું ઘર ખવરાવી દઈએ ? એ કોઈ બદમાસ હશે. કહું છું કે બેસી જા !”

“તે બદમાસ હોય કે નહિ તેની મને પરવા નથી. તે ભૂખ્યો છે, અને તેને અન્ન જોઇએ છીએ.”

“જોન ! તું કહ્યું નહિ માને ? જોન !”

ગુસ્સે થયેલા પોતાના પિતા આગળ જોન બોલી:–

“પિતાજી ! માફ કરો. તમારી ઈચ્છા એજ મારી ઈચ્છા; પણ શરીરના એક અવયવના દોષ માટે બીજા અવયવને શિક્ષા કરવી એ અઘટિત છે. કદાચ તે પાપી હશે. વિચારો મગજમાં ઉદ્ભવે છે, તેથી તેનું મગજ પાપી છે; પણ તેનું ઉદર તો પાપી નથી ! તેણે કોઈનું બુરું કર્યું નથી. મહેરબાની કરીને—”

“વ્યર્થ બકબકાટ નહિ કર. તારી લવરી બંધ રાખ.”

એવામાં અમારામાંથી એક આધેડ મિત્ર બોલ્યો:- “જોન કહે છે તે સાચું છે. માણસનું મસ્તકજ બધાં કારસ્તાન રચે છે, તેની શું કોઈ ના પાડશે ? માટે માણસનું મસ્તકજ તે કામ માટે જવાબદાર છે. કોઈના પગ ઉપર ચીપીઓ પડે, અને તેનાથી તે પુરુષને ઇજા થાય, તો શું તે ચીપીઆને શિક્ષા પાત્ર લેખવો ? કારણ કે તેનામાં બુદ્ધિ નથી; તર્ક નથી; તે વિચારી શકતો નથી. જેમાં વિચાર કરવાની શક્તિ નથી, તેને કેવી રીતે શિક્ષાપાત્ર ગણી શકાય ? પેટનું પણ એમજ છે. શું માણસનું પેટ ખૂનનો વિચાર કરે છે ? પાપનો વિચાર કરે છે ? કોઇ વસ્તુને તે આગ લગાડી શકે છે ? અથવા શું તે કેાઈ અપરાધમાં સ્વતંત્ર રહી સહાય આપી શકે છે ? નહિ. આથી સપષ્ટ છે કે, માણસ ગમે તેવા બદમાસ હોય, તો પણ તેનું ઉદર તો શિક્ષાપાત્ર નથીજ. ”

અમારો મિત્ર સારો વક્તા હતો, અને તેને મોંઢેથી આવા શબ્દો સાંભળી અમારા મન ઉપર બહુજ અસર થઈ. વક્તાપણુ જાદૂસમાન છે, એમાં કોઇજ શંકા નથી. જોનના પિતાએ સંમતિ દર્શાવી કહ્યું કે “જોન ! તેને તે અન્ન આપ.”

જોન ગુંચવાઈ; શું બોલવું, તેની તેને સમજણ પડી નહિ, તેથી તે ચુપ રહી. તેણે તે માણસને ક્યારનુંય ખાવાનું આપ્યું હતું અને તે પણ ક્યારનો ખાઈ રહ્યો હતો.

“જોન, જોન ! હું કહું ત્યાંસુધી તું કેમ થોભી નહિ ?” જોનનો પિતા બોલ્યો.

“કારણ કે એ બહુ ભૂખ્યો હતો તેથી વાર લગાડવામાં માલ નહોતો, અને વળી તમે કયા ઠરાવ ઉપર આવો એ કોને ખબર?” જોન બાળક હતી, પણ તેની બુદ્ધિ કેટલી બધી વૃદ્ધ હતી !

તે માણસ બદમાસ નહોતો. તેની આવી સ્થિતિ માત્ર તેના કમનસીબનેજ લીધે થઈ હતી; અને કોઈમાણસ કમનસીબ હોય, તેમાં તેનો દોષ નથી જ. તેણે લશ્કરમાં ઘણાં વર્ષ નોકરી કરી હતી, અને જ્યારે તે યુદ્ધનાં વર્ણન કરતો, ત્યારે બધાનાં રોમે રોમ ઉભાં થતાં. સઘળું જાણે પ્રત્યક્ષ બનતું હોયની ! લશ્કરની કૂચ, દુશ્મનોનુ ચઢી આવવું, તરવારના ખણખણાટ, ઘોડાઓના ખોંખારવ અને યુદ્ધમાં ઝઝુમતા વીરોના વીરનાદ, એ સર્વના ભણકારા અમારા હૃદયમાં ઘૂમી રહેતા. અહા ! તે તોફાની રાત્રે વીરરસ કેટલો આનંદ આપતો હતો !

પણ વચમાં એકાએક તે યોદ્ધો ઉઠ્યો અને જોનના માથા ઉપર હાથ મૂકી કહેવા લાગ્યો “વહાલી કુમારિકા ! ઈશ્વર તારું રક્ષણ કરો ! આજે તેં મને જીવિતદાન દીધું છે. લે, આ તેનો કંઈક બદલો.” આટલું કહીને હવે તે આર્દ્ર્ હૈયાથી જન્મભૂમિનું ગીત લલકારવા લાગ્યો.

એ ગાતો હતો, ત્યારે જુસ્સાથી અમે ઉભાં થઈ ગયાં.અમારી આંખે ઝળઝળિયાં આવી ગયાં. ગીતની સાથે તાલ ઝીલતાં ઝીલતાં અમારી છાતી ઉભરાઈ ગઈ અને જ્યારે છેલ્લી લીટીઓ આવી ત્યારે અમે બધાં રડી પડ્યાં.

બહાર તોફાન ગાજતુ હતું; પણ હવે તો આ ઘર મુસાફરનું પોતાનું જ હતું. અને જ્યાં સુધી તેને ત્યાં રહેવાની ઇચ્છા હોય, ત્યાંસુધી તે તેને માટે ખુલ્લું હતું.

(૫)

ફ્રાન્સ ! ફ્રાન્સ ! ફ્રાન્સની સ્થિતિ આ વેળા અધમ થઈ પડી હતી. ટ્રોયમાં ફ્રાન્સ અને બરગન્ડી વચ્ચે સુલેહ કરવામાં આવી હતી. હવે તો ફ્રાન્સ દુશ્મનોના પગ નીચે છેક ચગદાઈ ગયું હતું. આ બધાં કરતૂત ડ્યુક ઑફ બરગન્ડી અને ફ્રાન્સની રાણીનાં હતાં.

અમને જ્યારે ટ્રૉયની સુલેહની અને તે સુલેહના કોલકરારની ખબર મળી, ત્યારે પહેલાં તો અમે એ વાત સાચી માની નહિ. છોકરાઓ મૂંગા થઈ ગયા, કેટલીક છોકરીઓ રડવા લાગી. કોઈ નિરાધાર પશુ ઉપર ઘા કરવામાં આવે, અને જેવો તેનો ચહેરો લાચારીથી લેવાઈ જાય, એ ચહેરો આજે જોનનો લાગતો હતો. પ્રાણી બિચારું મૂંગે મોઢે બધું સહન કરી લે છે, તેવી રીતે જોને પણ આ બધું સહન કરી લીધું.

છોકરીઓ કહેવા લાગી:– “અરે આ શું ! આપણે સ્ત્રીઓ મરદ કેમ ન થયાં ! નહિ તો આવું ઘોર કર્મ ફ્રાન્સમાં થાય, એ કેમ બને ? શું ફ્રાન્સના પુરુષવર્ગમાં એટલી પણ હિંમત નથી કે આ બધું કારસ્તાન અટકાવી શકે !”

એક જણીએ કહ્યું: “હું પુરુષ હોત તો હમણાંજ અહીંથી લડવા ઉપડી જાત.”

અમારા ગામનો એક પહેલવાન બોલ્યો:- “અરે ! છોકરીઓ તે શું કરી દેવાની ! એ તો લાંબી લાંબી બડાઈઓજ હાંકી જાણે; બાકી તો લાખો સ્ત્રીઓ સામે ભલેને થોડાજ સિપાઇઓ આવે, એટલે પછી જોઈ લ્યો મજા ! જુઓ આ નાનકડી જોન ! આવી છોકરીઓ તે બિચારી શું ધાડ મારી શકે ?”

આ મજાકથી બધાં હસ્યાં. બડાઈ મારનારો માણસ પોતાના વચનની અસર થયેલી જોઇને આગળ વધ્યો “અને એ સરદાર થાય તો ? અરે ! સરદાર શું કામ ! સેનાધિપતિ કહો, સેનાધિપતિ ! શરીર ઉપર બખ્તર અને હાથમાં તરવાર ! લાખો માણસ અને કદાચ છોકરીઓ પણ તેની પાછળ હોય. પછી જુઓ કે તે કેવી લડે છે ! જાણે તોફાન ફૂંકાતું હોયની ! ”

બધાં હસતાં હતાં; અને હસવું સ્વાભાવિક પણ હતું. જે છોકરી એક પતંગીઆને પણ ઈજા કરે નહિ, તે લેાહીનો દેખાવ કેમ સહન કરી શકે ? બોલતાં પણ શરમાઈ જાય એવી મુગ્ધ છોકરી યોદ્ધાઓને લઈ રણસંગ્રામમાં કેવી રીતે ઝઝુમી શકે ? ગરીબ બિચારી ! એ તો શરમાતી શરમાતી મોં છુપાવતી ત્યાં બેઠી હતી; પણ એજ વખતે એક બનાવે દર્શાવી આપ્યું કે, વગર અનુભવે કોઈ પણ બાબતને ક્ષુદ્ર ગણી હસી કાઢવી નહિ. અમારા ગામનો એક ગાંદો માણસ તેના કેદખાનામાંથી નાસી છૂટી કુહાડી લઈને એ સમયે અમારા તરફ આવતો જણાયો. તરતજ બધી છોકરીઓ બૂમ પાડતી નાઠી, અને અમે પણ નાઠા ! બધાં નાસી ગયાં, પણ જોન ત્યાંથી ખસી નહિ. અને મરદની માફક એ ગાંડા સામે જોતી હતી ! અમે ઘણે છેટે ગયાં ત્યારેજ કંઈક અમારા ખેાળીઆમાં જીવ આવ્યો. પછી પાછળ જોયું તો કેવું આશ્ચર્ય ! તે ગાંડો માણસ કુહાડી ઉગામીને જોન ઉપર ધસી આવતો હતો, પણ જોન ત્યાંથી ખસતી નહોતી. એ તો ઉલટી તેની સામે બે ત્રણ પગલાં ગઈ, અને તેની સાથે વાતચીત કરવા લાગી !

અમે જ્યારે બીજી વેળા જોયું, ત્યારે જોન તે ગાંડા માણસનો હાથ ઝાલી ગામ તરફ આવતી જણાઈ. પેલી કુહાડી જોનના બીજા હાથમાં હતી.

આ બનાવથી આખું ગામ આશ્ચર્યચકિત થયું. નાના કુમારો અને નાની કુમારિકાઓ જોન તરફ આંખો વિકાસી ટગર ટગર જોવા લાગ્યાં. આ બનાવ પછી અમે જોનને વીરબાળા કહી બોલાવતાં. હવે તે ગામમાં જ્યાં જુઓ ત્યાં જોનનીજ વાત થતી.

અમે ગામમાં આવ્યા, એટલામાં તો તે ગાંડા માણસને સ્વાધીન કરી લેવામાં આવ્યો હતો. બધાં માણસો અજાયબી ને અજાયબીમાં ચોકમાં ભેગાં થયાં હતાં, અને એક નાનકડી છોકરીના આવા શૂરવીર કામથી આશ્ચર્ય પામતાં હતાં.

બધી સ્ત્રીઓ જોનને ચૂમી લેવા લાગી, તેની પ્રશંસા કરવા લાગી અને કોઇ કોઇ તો હૈયું હાથમાં નહિ રહેવાથી હુર્ષનાં આંસુ સારવા લાગી. પુરુષો પણ તેને શાબાશી આપતા હતા.

અમે જોનની આસપાસ ભેગા થયા, અને તેની આટલી હિંમત કેમ ચાલી, તેને માટે પૂછપરછ કરવા લાગ્યા. જોન ફૂલાયા વગર બોલી કે :–

“એમાં તે શું ? તમે મને ખાલી ચઢાવો છો. એ તમારી ભૂલ છે; એમાં કંઈ વાઘ મારવાનો નહોતો. હું કંઇ તેનાથી અજાણી નથી. લાંબા વખતથી એ પણ મને જાણે છે. મેં તેને ઘણી વાર તેના કારાગૃહની જાળીમાંથી ખાવાનું આપ્યું છે. ગયે વર્ષે ગામનાં માણસોએ તેની બે આંગળી કાપી નાખી હતી, ત્યારે તે મટતાં સુધી દરરોજ હું તેને મલમપટો કરતી.”

એકે પૂછ્યું – “તને એની બીક ન લાગી ?”

“નહિ.”

“કારણ”

“તે હું જાણતી નથી.”

બધાં હસી પડ્યાં. બકરાએ વરૂને કેમ વશ કર્યું હશે ? એના જેવીજ આ વાત વિચારવા જેવી થઈ પડી હતી. થોડીક વાર પછી અમારો એક દોસ્ત બોલ્યો :–

“ત્યારે તું દોડી કેમ ન ગઈ ? એ ગાંડાનો વિશ્વાસ શો ?”

“હું પણ સૌની પેઠે દોડી જાઉં, અને તેને પાછો પિંજરામાં ન પૂરાવું તો તો ઉલટા તે બીજાને હાનિ કરે, અને તેથી તેને ૫ણ શિક્ષા ખમવી પડે.”

જોનની આ વાણી સૂચવે છે કે, તે હમેશાં પોતાના સ્વાર્થને ભૂલી જઈ સામાનોજ વિચાર કરતી. પરોપકાર અર્થે જ તે બધું કામ કરતી. બીજાનું કહેવું અથવા વર્તવું યોગ્ય ન લાગે ત્યારે તે તેના ઉપર આધાર નહિ રાખતાં પોતાનું હૃદય જે કાંઈ સત્ય માને, તેનેજ સત્ય ગણતી અને તે પ્રમાણે વર્તતી. નાનપણથીજ ઉપર જણાવ્યા જેવાં તેનાં અનેક નાનાં કાર્યો તેના ચરિત્રની ભવ્યતા દર્શાવતાં હતાં.

અમારું ગામ ખૂનામરકીના કેન્દ્રસ્થાન પારીસથી વેગળું હોવાથી અમારા દિવસો આનંદમાં વહી જતા, કોઈ કોઈ વખત લૂંટારાનાં ટોળાંઓ પાસેના પ્રદેશમાં આવતાં, અને રાત્રે સ્વચ્છ આકાશમાં કોઈ બળતા ગામનો અથવા તો ઝુપડાંઓનો પ્રકાશ ઝાંખો ઝાંખો દૂર દેખાતો. અમારું ગામ કોઈ વખત લૂંટાયું નહોતું, પણ અમારા હાલ અમારા પાડોશીઓ જેવા કોઇ વેળા થશે, એવી ભીતિ નિરંતર અમને રહ્યા કરતી. એમાં ટ્રૉયની સુલેહ પછીનું બીજું વર્ષ તો ખરેખર ભયંકર હતું !

આજે ઘંટ મોટે સૂરે વાગી ભયની સૂચનાઓ આપતો હતો. અમે અહીંથી તહીં દોડતા હતા; દેવળ પાસે એક મોટું ટોળું મળ્યું હતું. એક પરદેશી ત્યાં ભાષણ કરતો હતો. લોકો કોઇ કોઇ વેળા ગુસ્સે થઈ જતા, આવેશમાં આવી જતા અને તેને શાપ દેતા. તેણે કહ્યું કે, તમારો રાજા હવે મરી ગયો છે, હવે તમે લંડનમાં પારણામાં સૂતેલા એક નાના બાળકની સત્તા સ્વીકારો !

લોકો આવા આવા શબ્દોથી વધુ ને વધુ ક્રોધે ભરાયાં, અને તેના તરફ મુક્કીઓ ઉગામવા લાગ્યાં; પણ તે પરદેશી ત્યાંથી ખસ્યો નહિ. તે કહેતો કે, મને અહીં બાળી નાખો, તોપણ હું ખસવાનો નથી.

માણસોના ક્રોધ બહું વધવાથી થોડી પળ તો તેઓ બોલી શક્યા નહિ. આ વખતે જોન મારી પાસેજ ઉભી હતી. તેણે તે પુરુષ સામે જોઈ ગંભીર અવાજથી કહ્યું કે “પ્રભુની મરજી હોય, અને આ માણસનું માથું કપાઈ જાય તો હું રાજી થાઉં !”

જોનના આ શબ્દો સ્મરણમાં રાખવા યોગ્ય છે, કારણ કે આવું ક્રૂર વાક્ય જોન પોતાના આખા જીવનમાં આ એકજ વાર બોલી હતી. જ્યારે હું તમને તેના જીવનની વિપત્તિઓનો ઈતિહાસ કહીશ, અને જ્યારે હું તેના ઉપર ગુજરેલા સીતમનું વર્ણન કરીશ; ત્યારે તમને પણ એમજ લાગશે કે આવા ક્રૂર શબ્દો તે બીજી કોઈ વેળા બોલી નહોતી.

હવે શત્રુના સૈનિકો અમારા ગામની આસપાસ ઘોર લૂંટ ચલાવવા લાગ્યા. તેઓ ચારે બાજુ કેર વર્તાવતા. પછી અમારો વારો પણ આવે. એક વખતે અર્ધી રાત્રે પરદેશીઓ અમારા ગામમાં આવી લાગ્યા. અમે જેમ આવે તેમ દોડવા લાગ્યાં, પણ આ વખતે જોનના શાંત મગજે ઘણી સારી સેવા બજાવી. તેણે અમારી સરદારી લીધી, અને આ નકામી દોડધામને ફૂચના રૂપમાં ફેરવી નાખી. આટલી નાની છોકરીનું આ વીરતાભરેલું કામ ઘણું પ્રશંસાપાત્ર હતું.

જોનને હવે સોળ વર્ષ થયાં હતાં. તેનું આખું બદન ભભકભરેલું અને ભવ્ય લાગતું. તેનું સૌંદર્ય અનુપમ હતું. તેના મુખકમળ ઉપર એટલું બધું માધુર્ય, ગાંભીર્ય અને એટલી બધી પવિત્રતા હતી, કે તે દેવાંશીજ લાગતી. વળી તેની ધાર્મિક વૃત્તિ પણ બહુ ઉંડી હતી. આવી વૃત્તિવાળાં માણસોનાં મુખ કંઇક શોકાતુર હોય છે, પણ જોનનો આત્મા આનંદિતજ રહેતો. કોઇ વખત તે દુઃખી જણાતી, તો તે માત્ર પોતાના દેશના વિચારને લીધેજ.

અમારા ગામનો વિનાશ થયો હતો. બધાં ઘર બાળી નાખવામાં આવ્યાં હતાં. દેશમાં આવા લૂંટારાઓ કેટલો ત્રાસ આપતા હશે, તેની ખબર હવે અમને અનુભવથીજ પડી.

કરની તો વાતજ ન પૂછવી. દેશ બહુ ખરાબ સ્થિતિમાં હતો, અને કરનું લાકડું બહુ જબ્બર હતું.

જોને કહ્યું :– “આપણી પાસે કંઈ ન હોય, અને કર ભરવા; એમ ફ્રાન્સ ઘણાં વર્ષથી કરતું આવ્યું છે, પણ હવે આપણને અનુભવ મળ્યે તેની કડવાશ માલૂમ પડશે.”

વળી એક બીજી વાત બની. અમારા ગામના ગાંડા માણસને કોઈએ મારી નાખ્યો હતો, તે દેખાવજ ભયંકર હતો. કોઈ માણસને આવી રીતે મરી ગયેલો અમારામાંથી કોઇએ પણ જોયેલો નહોતો, તેથી અમારી આંખો ત્યાંની ત્યાંજ ઠરી રહી; પણ જોન તો ત્યાંથી નાસી જ ગઇ, અને ત્યાં પાછી આવીજ નહિ. ઘાતકી ઉપાયોથી નીપજેલાં મરણ જોવાને અમને કેટલાંકને શોખ હતો; પણ અમારું જીવન શાંતિમાં વહી ગયું. જોન કોઈને મરી ગયેલું જોઈ ડરતી, તોપણ થોડાજ વખતમાં તેને રણસંગ્રામમાં જવાનું પ્રભુ તરફથી નિર્માણ થઈ ગયું હતું અને ત્યાં આવા અનેક દેખાવો તેને જોવાના હતા.

અમને લાગતું કે, અમારા ગામ ઉપર ધાડ આવી એ બહુ જ મોટો બનાવ છે. ચોતરફથી લેાકો એકઠાં થઈ આજ વિષય ચર્ચાવા લાગ્યાં.

જોનના પિતાએ કહ્યું :– “હવે આમ કેટલીક વાર ચાલશે ? આપણે રાજાને આ વિષે વાત કરવી જોઈએ. આળસમાં નકામો વખત જવા દેવા કરતાં હવે તો કંઈક થાય તો ઠીક.”

એકે કહ્યું :– “અરે ! જુઓની ડ્યૂનો – ઓર્લિયન્સનો બાયલો સરદાર ! શું તમે એને સરદાર કહેશો ? હું એની જગ્યાએ હોઉં તો જોઇ લ્યો કે શું કરું ! ભીરુ સેંટ્રેલીસને જુઓ ! જુઓ પેલા મા હાયરને ! આ બધા બાયલાઓ શું કરી શકવાના છે ? !”

જોન ભવ્ય મુખમુદ્રાથી ઉભી થઈ બોલી :– “આપણા દેશના સરદારો અને અમીરો માટે આવા શબ્દો ઉચિત નથી. તેઓ બિચારા પોતાનાથી બનતું કરે છે; સ્વદેશ માટે લોહી રેડે છે. હું તેઓનાં એક વાર દૂરથી દર્શન કરું તો બસ છે. દૂરથીજ – કારણ કે હું તેની પાસે જાઉં, એટલો હજી મારો અધિકાર નથી.”

જોનના આ શબ્દોથી બધાંનાં મોં લેવાઈ ગયાં.

હંમેશની રીત પ્રમાણે એક દિવસ બધાં ભેગાં થઈ ફ્રાન્સસંબંધી વાત ચલાવી રહ્યાં હતાં.

મારા એક ઓળખીતાએ કહ્યું : “બાજી હવે હાથથી ગઈ છે. હવે ફ્રાન્સ આપણું રહ્યું નથી.”

સામેથી પ્રત્યુત્તર મળ્યો : “ત્યારે તુંજ કેમ લડવા નથી જતો ?”

પેલા છોકરાના એક મિત્રે ઉત્તર વાળ્યો : ‘’એટલું જલદી ? પાંચ વર્ષમાં એ લડાઈમાં જવા જેવડો થશે.”

જોને કહ્યું : “એથી પણ વહેલું.” જોન આ શબ્દો ગંભીર મુદ્રાથી અને ધીમે રહીને બોલી હતી, તોપણ ઘણાએ તે સાંભળ્યા.

“જોન ! તને કેમ ખબર પડી ?” ચારે બાજુથી પ્રશ્ન ગાજી ઉઠ્યો. પણ વચ્ચે એક જણ બોલ્યો : “નહિ, હું તો હજી નાનો છું. હું આ મારા મિત્ર સાથેજ યુદ્ધમાં જઈશ.”

જોને જવાબ વાળ્યો : “નહિ, એમ નહિ બને.” જોનના શબ્દો પાછળથી સાચા પડ્યા.

મેં જોયું તો ખબર પડી કે, જોન પોતે જે બોલે છે, તેથી તે અજાણી હોય તેમ વાત કરતી હતી. મારા સિવાય જોનના શબ્દો બીજું કોઈ સાંભળતું નહિ હતું. જોનના હાથમાં ગુંથણું હતું, તે એમ ને એમ પડ્યું હતું. તેની આંખો ભમતી હતી. કટકે કટકે મનમાં વાક્ય બોલાતાં હોય એમ તેના હોઠ થોડા થોડા હાલતા હતા.

બીજી વખત બીજીજ વાત ઉપડી. જો અમારામાંથી કોઈ યુદ્ધમાં વિજયી થઈ રાજાની મહેરબાની મેળવે, તો તેણે શું માગવું ? એ વિષે ચર્ચા ચાલતી હતી. બધા મજાકમાં ઉત્તર આપતા હતા; અને પોતાની પહેલાં જે બોલતું, તેથી વધારે માગણી કરતા. જ્યારે જોનનો વારો આવ્યો ત્યારે તેને વિચારગ્રસ્ત મનમાંથી જગાડી તેનો અભિપ્રાય પૂછ્યો. બધા તેને ગંભીરતાથી પૂછે છે, એમ સમજી જોન બોલી :– “જો કુંવરશ્રીના બધા મનોરથ પરિપૂર્ણ થાય, અને જો તેમની મહેરબાની મારા ઉપર ઉતરે, તો સદાકાળ આપણા ગામનો તે કર માફ કરે, એવું હું માગું.”

જવાબ એવો તો સાચો અને સચોટ હતો કે આ વખતે અમે હસ્યા નહિ. અમે બધા વિચારમાં પડી ગયા. હા, અમે એ વાત હસી ન કાઢી. એવો પણ એક વખત આવ્યો કે અમે એ વાત ગર્વથી સંભારતા. અહા ! તેના એ શબ્દ કેટલા પ્રમાણિક હતા ! જ્યારે તે વિજયી થઈ, ત્યારે તેણે પોતાનો બધો સ્વાર્થ ત્યજી પોતાનું એ વચન બરાબર પાળ્યું.

(૭)

ચૌદ વર્ષ સુધી જોન એટલી ખુશાલીમાં રહેતી કે વાત નહિ. આખા ગામમાં તેના જેવું આનંદી છોકરું કોઈ નહોતું. તે આખો દિવસ ખડખડ હસ્યા કરતી. ઉપરાંત તેઓ સ્વભાવ મનોરંજક હતો, તેથી તે આખા ગામનું રમકડું થઈ પડી હતી. તેને દેશદાઝ ઘણી હતી. અમારા પરાજયના સમાચાર મળતાં તેને દુ:ખ થતું, અને કોઇ કોઇ વેળા આંખમાં આંસુ આવી જતાં; પણ થોડાજ વખતમાં તે પાછી આનંદિત થઇ ખડખડાટ હસવા લાગતી.

પણ હવે દોઢ બે વર્ષથી આ બધું ફેરવાઈ ગયું હતું. તેની પ્રકૃતિ શોકાતુર મટીને અતિશય ગંભીર થઈ ગઈ. તે આખા દિવસ ભ્રમણાઓમાં અને સ્વપ્નાંઓમાં ગાળતી. હવે આખું ફ્રાન્સ તેની છાતી ઉપર હતું, અને તેનો બોજો કંઇ ઓછો નહોતો. હું જાણતો હતો કે તેની વ્યથાનું કારણ એજ છે

ગયા પ્રકરણમાં વર્ણવેલી વાત થઈ ગઈ, તેને બીજે દિવસે દરરોજની માફક ફ્રાન્સની સ્થિતિ ચર્ચાતી હતી. જોનને મોઢે ફ્રાન્સ માટે હું સારી આશાઓ દર્શાવતો, પણ હવે મને જણાયું કે જોનને છેતરવી, એ એક જાતનું પાપ છે; તેથી તે દિવસે મેં તેને બધું સાચું જ કહી દેવા વિચાર કર્યો. ધીમે ધીમે મેં મારૂં કામ કાઢી લેવા જાળ બિછાવી.

“જોને, જોન ! કાલે રાત્રે મેં ખૂબ વિચાર કર્યો ત્યારે મને લાગ્યું કે, ફ્રાન્સ માટે મોટી આશાઓ રાખવી તે હવે નકામું છે. જ્યારથી એજીનકૉર્ટનું યુદ્ધ થયું, ત્યારથીજ ફ્રાન્સના દહાડા ભરાઈ ચૂક્યા છે. ફ્રાન્સ હવે શત્રુઓની સત્તા તળે છે. શું આ સાચી વાત નથી ?”

“હા, બધુ સાચું.” જોન બહુજ ધીમા અવાજે બોલી. તેનો કરુણાજનક સ્વર સાંભળી મારૂં હૈયું ગળગળું થઈ ગયું.

“વારૂ, વળી ફ્રેન્ચ સિપાઈઓએ એક પણ યુદ્ધમાં જય મેળવ્યો નથી. આઠ હજાર સિપાઈઓએ સાઠ હજારને હરાવ્યા. હમણાં પણ પચાસ સામે પાંચ શત્રુ આવે, તો ફ્રેન્ચ લોકોજ નાસશે.”

“ઘણો અનર્થ થયો છે, એ વાત સાચી છે.”

“ત્યારે હવે ફ્રાન્સ માટે આશાનાં ચિહ્ન સદાને માટે ચાલ્યાં ગયાં છે.”

મને લાગ્યું હતું કે, હવે તે મારી વાત બરાબર સમજી છે કે, ફ્રાન્સ માટે નિરાશાજ લહાણામાં છે; પણ એમાં મારી ભૂલ થઈ હતી. તેણે કંઇ પણ સંદેહ વિના આત્મશ્રદ્ધાથી કહ્યું કે :—

“ફ્રાન્સનો પુનરોદ્ધાર થશે; તે તું જોઈશ.”

“ઉદ્ધાર ? દુશ્મનો બધે પ્રસરી ગયા છે ત્યારે ઉદ્ધાર ?”

“ફ્રાન્સ તેઓને દૂર કરશે; ફ્રાન્સ તેઓને હાંકી કાઢશે.”

“શું સિપાઈઓ વિના ?”

“રણશિંગાં તેમને એકઠા કરશે; તેઓ એકઠા થશે, અને કૂચ કરી જશે.”

“દરરોજ ની માફક પૂંઠ ફેરવી કૂચ કરશે ને ?”

“પૂંઠ ફેરવીને નહિ, પણ સામે મોઢે રહીને, સામે મોઢે, સામે મોઢે, દરરોજ સામે મોઢે – તું નજરે જોઈશ.”

“અને આપણો ભિખારી રાજા ?”

“તે ગાદી ઉપર બેસશે. તેના માથા ઉપર મુગટ બિરાજશે.”

“તું તો ગમે તેમ પાયા વગરની વાતો કરે છે.”

“પણ બે વર્ષમાં એ બધુ સાચું પડશે.”

“શું બધું સાચું પડશે ? ! અને એ બધું સાચું પાડનાર કોણ ?”

“પરમેશ્વર.”

શબ્દ સાદો હતો, પણ એમાં રહસ્ય બહુ ગૂઢ હતુ.

×××××

તેના મગજમાં આવા વિચિત્ર વિચારો ક્યાંથી આવ્યા ? એ પ્રશ્ન બે ત્રણ દિવસ મેં મારા મનને પૂછ્યો. હું તેને ઘેલછા ગણતો. ફ્રાન્સની વિપત્તિઓનો વિચાર કરતાં કરતાં તે બિચારી બાળા ઘેલી થઈ ગઈ હતી. એ સિવાય બીજું તે શું હોય ? એવું મને લાગતું હતું, પણ હું જોન ઉપર મારી આંખ ઠરાવી રાખી એ વિચારોને તપાસતો ત્યારે મારા એ વિચારો તરત ડગુમગુ થઈ જતા. તેની આંખો સ્વચ્છ રહેતી અને તે કોઈ પણ જાતના લવારા કરતી નહિ. તેનું ચિત્ત ભ્રમણામાં નહોતું. ઉલટી તેની બુદ્ધિ તો ગામમાં શ્રેષ્ઠ ગણાતી. તે ઘણી સરસ યોજનાઓ ઘડી શકતી. વળી તેની પરોપકારવૃત્તિ પણ એવી જ તેજસ્વી રહેતી. તે ગરીબોની સેવા કરતી, અતિથિને અન્ન આપતી, વટેમાર્ગુને પોતાનો ખાટલો ઢાળી આપી પોતે નીચેજ સૂતી. જોનનું જીવન બહુજ ગૂઢ હતું. એને ગાંડી કેમજ ગણી શકાય ?

હવે આ બાબતની ચાવી મારા હાથમાં આવી. જોનની પ્રેરણા માટે તમે આખી દુનિયાને વાત કરતી સાંભળી હશે, પણ મેં તો બધું નજરોનજર જોયું છે.

એક વખત ખડકની ટોચ ઉપર થઈને હું જતો હતો. આસપાસ ઘાડું જંગલ હતું. જે વૃક્ષ વિષે પહેલાં મેં તમને કહ્યું છે તે વૃક્ષ આ સ્થાન પર હતું. મેં તેના ઉપર મારી નજર નાખી – અને થોડાં પગલાં પાછો હટી ઘટામાં છુપાઈ ગયો. કારણ કે મેં ત્યાં જોનને આવતી જોઈ. હું તો માત્ર “હાઉ !” કરીને તેને બીવડાવવા ત્યાં સંતાયો હતો; પણ એવી રમતને બદલે જગતના ઇતિહાસમાં કાયમ રહે, એવો બનાવ ત્યાં બન્યો.

દિવસ જરાક સૂનો સૂનો લાગતો. તે વૃક્ષ ઉપર ઝાંખો મનહર છાંયડો પડતો હતો. જોન વૃક્ષનાં મૂળિયાં ઉપર બેઠી હતી. તેના બન્ને હાથ ખોળામાં હતા. માથું જમીન તરફ હતું. વાળ છૂટા વીખરાયેલા હતા. જાણે તે બહુ વિચારમાં હોય અને સ્વપ્નસૃષ્ટિમાં વિચરતી હોય, એવું મને લાગ્યું; પણ એવામાં મેં એક આશ્ચર્ય જોયું. એક સફેદ છાંયડો વૃક્ષ તરફ ધીમે ધીમે આવતો હતો. વળી તે પાંખોથી વધારે ભવ્ય લાગતો હતો. તેની સફેદી આ પૃથ્વીમાં દેખાતી કોઈ સફેદી જેવી નહોતી. જાણે શરીરમાં વિજળી ભભૂકતી હોય, તેમ તેના શરીરમાંથી તેજનાં અસંખ્ય કિરણો ફૂટતાં હતાં. આ તેજ એટલું બધું પ્રકાશિત હતું કે તેને જોતાં જોતાં મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.

વળી બીજું એક આશ્ચર્ય એ હતું કે તે તેજ આવ્યું કે બધાં પક્ષીઓ મધુર સ્વરથી ગાવા મંડી ગયાં. જ્યાં ત્યાં આનંદ અને હર્ષ પ્રસરવા લાગ્યો. જાણે ભક્તિભાવમાં આખી દુનિયા ડૂબી જતી હોય એમ લાગ્યું. પક્ષીઓનો નાદ સાંભળ્યો કે જોન પગે લાગી.

જોને હજી તે છાંયડાને જોયો નહોતો. આ છાંયડાના આવાગમનની ખબર તેને પક્ષીઓના ગીત ઉપરથી પડી હશે એમ મને લાગ્યું. જો એવું હોય તો આ દૂત કંઈ પહેલી જ વાર તેની પાસે આવ્યો નહોતો.

એ છાંયડો ધીમે ધીમે જોન પાસે આવ્યો. તેના પ્રકાશમાં જોનની મુખમુદ્રા ઘણીજ સુંદર અને અલૌકિક લાગતી હતી. સર્વત્ર એવું તેજ પ્રગટ્યું હતું કે તેની કલ્પના પણ ન થઈ શકે.

જોન ઉભી થઈ, નમન કર્યું અને અદબ વાળીને ઉભી. ઉંડી એકાગ્રતાથી એ કંઇક સાંભળતી હોય, એમ લાગતું હતું, પણ મને એમાંથી એક પણ શબ્દ કાને પડ્યો નહિ. પછી કોઈ મોટા ઉંચા દેખાવ ભણી જોતી હોય, એમ જોને એકદમ આકાશ તરફ માથુ ઉંચક્યું, હાથ ઉંચા કર્યા અને કંઇક યાચના કરવા લાગી. અને તેમાંથી થોડાક શબ્દો સંભળાયા :—

“અરે હું કેટલી બધી નાની છું ! એટલી નાની કે ઘરથી પણ હું બહાર નીકળી શકું નહિ. હું પુરુષો સાથે કેમ વાત કરી શકીશ ? તેમની સાથે મિત્રાચારી કેમ બાંધી શકીશ ? સામાન્ય પુરુષો સાથે હોય તો તો જાણે ઠીક, પણ સૈનિકો સાથે ! અરે ! મારે તેમના તરફથી કેટલું અપમાન, કેટલો ધિક્કાર વગેરે ખમવું પડશે ? યુદ્ધમાં હું કેમ જઈશ ? લશ્કરોની સરદારી કેમ લઈશ ? હું આવી નાની છોકરી – બધી વાતોથી અજ્ઞાત, તે ઘોડા ઉપર સ્વારી કેમ કરી શકીશ; તથાપિ જો હુકમજ હોય તો —”

હવે તેનો સાદ ગળગળો થઈ બેસી ગયો. પછી થોડાંક ડૂસકાં સંભળાયાં. બીજા શબ્દો મને સમજાયા નહિ. પછી પ્રભુની ગૂઢ વાતોમાં હું માથું મારૂં છું, તેની શું શિક્ષા થશે, એનો મેં વિચાર કર્યો. મને બીક લાગી અને છેટો ચાલ્યો ગયો. આ સ્વપ્ન છે કે નહિ તેની ખાત્રી કરવા સારૂ તે વૃક્ષ ઉપર મેં ચિહ્‌ન કર્યું, પછી બીજી વખતે તે ચિહ્‌ન તપાસવાનો ઠરાવ કર્યો.

(૮)

જોન મને બૂમ પાડીને બોલાવતી હતી. આથી હું આશ્ચર્ય પામ્યો. કારણ કે હું ત્યાં હતો, એવી તેને ખબર નહોતી. મારા મનમાં મેં માન્યું કે, આ સર્વ સ્વપ્ન હોઇ પરીઓની મોહજાળ છે. મેં મારી છાતી ઉપર ક્રૉસનું ચિહ્‌ન ધારણ કર્યું. ઘટામાંથી બહાર નીકળ્યો કે જોનને મેં જોઈ. તેનું મોં ઘણું પ્રકુલ્લિત હતું. દિવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને આ સૃષ્ટિમાં આવતી હોય, એવી તે લાગતી હતી. જાણે તેણે નવું જીવન મેળવ્યું હોય, એવી તેની કાંતિ દેખાતી હતી. આનંદમાં ને આનંદમાં મેં તેની પાસે દોડી જઈ કહ્યું :—

“જોન ! મને એક સ્વપ્નું આવ્યું, અને એ સ્વપ્નામાં તું અહીંજ ઉભી હતી—”

“નહિ, નહિ, સ્વપ્નું નહિ.” હાથ હલાવી જોન બોલવા લાગી.

મારું હૃદય ધબકવા લાગ્યું અને મને બીક લાગી.

“જોન ! શું સ્વપ્ન નહિ ? તને કેમ ખબર પડી ?”

મારું શરીર ઠંડુગાર થઈ ગયું. કારણકે હવેજ મેં જાણ્યું કે, મેં જે જોયું હતું, તે સર્વ ઇંદ્રજાળ ન હતી. જે પવિત્ર ભૂમિ ઉપર એક વેળા સ્વર્ગીય છાયા ઝૂકી રહી હતી, તે પવિત્ર ભૂમિને મારા પાપી પગોએ અપવિત્ર કરી હતી.

“હું અહીં હતો એ ખબર તને કેમ પડી ?” “પેલી છાયા કોની હતી ?” “ક્યાંથી આવી હતી ?” “શા માટે આવી હતી ?” વગેરે પ્રશ્નો ઉપરાઉપરી હું જોનને પૂછવા લાગ્યો.

“બાપુ ! બ્હીશ નહિ. એ તો સ્વર્ગના સૈન્યનો સરદાર મીશલ હતો.” જોન બોલી.

મેં ધ્રુજતાં ધ્રુજતાં કહ્યું : “જોન ! તને ડર ન લાગ્યો ? તેનું મુખ તે જોયું ? તેની છટા તેં જોઈ ?”

જોને હસીને જવાબ દીધો : “આ કંઇ પહેલોજ વખત નથી. ત્રણ વર્ષ ઉપર આ છાયા મને પહેલવહેલી દેખાઈ હતી, અને હવે તો તે વારંવાર દર્શન દે છે.”

“હં, તેથીજ તારા સ્વભાવમાં આટલો બધો ફરક પડી ગયો. તેથીજ તું ગંભીર રહેતી. હવે મને બધી ખબર પડી. પહેલાંજ તેં મને કેમ ન જણાવ્યું ?”

“ત્યારે મને દેવાજ્ઞા નહોતી. હવે તને સઘળું કહીશ, અને એ પણ માત્ર તનેજ. તારે એ વાત ગુપ્ત રાખવી પડશે. આ આકૃતિ મને ઘણી વાર માત્ર દેખાતી; પણ આજે તો મને તેના ઉ ેશ પણ જણાવવામાં આવ્યો. દેવદૂતોને લઈને મારી પાસે મહાત્માઓ પણ આવે છે, અને મારી સાથે વાત પણ કરે છે.”

“તને શું કહે છે ?”

“ફ્રાન્સ સંબંધી બધું દુઃખ, દુઃખ અને દુઃખ; એ સિવાય કંઇ નહિ.”

“તેઓએ કંઈ ભવિષ્ય ભાખ્યું છે ?”

“હા, મને પહેલેથીજ બધી ખબર છે. તેથી જ હું બહુ ગંભીર રહેતી – જો કે આશા અમર છેજ. વળી ફ્રાન્સને સ્વતંત્ર કોણ કરશે, એ પણ હું જાણું છું – આજે મને બધી બાતમી મળી છે.”

જ્યારે જોને આ કહ્યું, ત્યારે તેની આંખો ઝળકવા લાગી. એ ઝળકાટ હજી મને યાદ છે. રણશિંગાં ફૂંકાતાં હતાં, ત્યારે યોદ્ધાઓને પાનો ચઢાવનાર એજ ઝળકાટ હતો. જોનની છાતી કંપવા લાગી; મુખ ઉપર સુરખી છવાઈ રહી. “હા, આજે હું બધું જાણું છું. પ્રભુએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે અધમમાં અધમ પ્રાણીને પસંદ કર્યું છે. તેની આજ્ઞાથી, તેના રક્ષણથી, તેની શક્તિથી – મારી શક્તિથી નહિ – હું લશ્કરોને દોરવીશ, ફ્રાન્સને સ્વતંત્ર કરીશ અને તેના યુવરાજને મુગટ ધારણ કરાવીશ, અને એ આપણો મહારાજા બનશે.”

હું વિસ્મય પામ્યો.

“શું તું જોન ! તું નાનું છોકરું શું સરદાર થશે ? !”

“હા, એ સાંભળીને એક બે પળ તો હું પણ ગભરાઈ. મને કશાનું પણ જ્ઞાન નથી. ન યુદ્ધકળાનું કે ન રાજ્યકળાનું; પણ હવે તો હું નીમાઈ ચૂકી છું. હું આપણા પ્રાંતના ગવર્નર આગળ જઈશ. થોડાક સિપાઈ માગીશ. બધા કામની શરૂઆત હમણાંજ થઈ જવાની છે અને અંત પણ બહુ ઓછા સમયમાં જણાઇ આવશે. આજથી દશ અઠવાડીઆં સુધીમાં શત્રુના સર્વ પ્રયત્નો ધૂળ મળશે, અને આપણા યુવરાજના માથા ઉપર રાજમુગટ શાભશે.”

આ સર્વ આશ્ચર્યજનક વાણી હતી. તર્કબુદ્ધિથી આ મનાય એમ ન હતું, પણ કોણ જાણે ક્યાંથી મારા હૈયામાં શ્રદ્ધાજ જાગી હતી. તે દિવસથી મારું હૈયું શ્રદ્ધાળુજ બનતું આવ્યું છે. મે કહ્યું :—

“જોન ! તારાં વેણ હું માનું છું. હું આનંદમાં ડૂબું છું, કારણ કે એ દારુણ યુદ્ધોમાં હું ઘૂમીશ તો તારીજ સાથે ઘૂમવાનો છું.”

જોન આંખે ચોળતી બોલી “એની તને કેમ ખબર પડી ? ”

જોનના સ્મરણમાં પોતે કહેલી એક પણ વાત નહોતી, તેથી મેં જાણ્યું કે જ્યારે તે વાત કરતી હતી ત્યારે તે સુષુપ્તિમાં હતી. પોતે વાત કરતી હતી, તેની પોતાને જ ખબર નહોતી. હાલ તો તેણે મને બધી વાતો છુપી રાખવા કહ્યું અને મેં મારું વચન પાળ્યું.

××××

જોનની પ્રકૃતિ હવે બદલાઈ ગઈ હતી. તેની વાણી પ્રબળ નિશ્ચયવાળી હતી. તેની આંખોમાં અવનવું તેજ ભભૂકતું હતું. તેની ચાલવાની છટા ભવ્ય અને પ્રૌઢતા દર્શાવનારી હતી. કંઈ પણ ગર્વનું ચિહ્ન દર્શાવ્યા વિના તેનાં સર્વે અંગ અધિકાર અને કાબુની છાયા પાડતાં હતાં. તેની છટા કુદરતી રીતેજ અધિકાર અને સત્તા દર્શાવતી. તેમાં કંઈ પણ કૃત્રિમ નહોતું.

અમારા ગામમાં વસતા અન્ય લોકોની માફક જોન અત્યાર સુધી તો મને મારી સ્થિતિને અનુસરતું માન આપતી; પણ હવે તો એ હુકમ આપતી, અને હું પણ તેને વડીલની આજ્ઞા માફક માની લઈ તાબે થતો. એક સાંજે તેણે મને કહ્યું:—

“પરોઢિયા પહેલાં હું આપણા પ્રાંતના સુબા પાસે જવા ઉપડીશ. કદાચ એ મને હસી કાઢે. એ ભીતિથી મારી સાથે મારા મામાને હું લઈ જઈશ, અને વખતે તારો પણ ખપ પડે–કારણ કે વખતે એ મને મુલાકાતજ આપવા ના પાડે, તો તારી પાસે પત્ર લખાવવો જોઈશે. તું કાલે બપોરે ત્યાં આવજે. તારી જરૂર પડશે તો હું તને બેલાવીશ.”

અહા ! શુ તેની તર્કબુદ્ધિ ! મને તેણે સાથે ન લીધો. મારી નિંદા થાય, એવુંં એણે એક પણ પગલું ન ભર્યુંં. પણ-એક ગરીબ ખેડુતની છોકરી સુબા આગળ અરજદારતરીકે – એ કેટલું કંગાલ દેખાય ! તોપણ જોન ડાહી હતી. તેને ખબર હતી કે, હજી ઘણાં વિઘ્ન નડવાનાં છે.

બપોરે હુ ચાલ્યો, અને શહેરમાં જઈ એક શાન્ત જગ્યામાં ઉતારો લીધો. બીજે દિવસે હું બાદશાહી કિલ્લામાં ગયો, અને ત્યાં મને બપોરે સુબા સાથે જમવાનું આમંત્રણ મળ્યું. સુબો શૂરવીર ચોદ્ધો હતો. યુદ્ધને તે જીવનનું લહાણુ ગણતો. મને લાગ્યું કે તેનું બખ્તર, તેની સમશેર, તેના શરીરની ભવ્યતા અને વિકરાળ ચહેરો જોઈને જોનના તો હાંજા ગગડી જશે.

બીજે દિવસે હું જમવા ગયો, ત્યારે એકજ વાત ચાલતી હતી કે, ફ્રાન્સનું શું થશે ? બધાએ વ્યાવહારિક દૃષ્ટિથી કબૂલ કર્યું કે, થોડાક દિવસોમાં ફ્રાન્સ શત્રુઓના હાથમાં જશે. એ સિવાય બીજો રસ્તો નહોતો.

“એક ખેડુતની છોકરી હજાુર સાથે વાત કરવા ઇચ્છે છે” એમ એક સિપાઈએ અચાનક આવી સુબાના કાનમાં ધીમેથી કહ્યું.

હુકમ મળતાંજ જોન અને તેના મામા અંદર આવ્યાં. બિચારો ખેડુત બધો ઠાઠમાઠ જોઈ ગભરાઈ ગયો, અને અધવચમાંજ અટકી સલામ કરવા લાગ્યો; પણ જોન દૃઢતાથી આગળ વધીને સુબા પાસે આવી. બધાએ તેને ધન્યવાદ આપ્યા અને સુબાએ પણ કહ્યું:–

“શાબાશ ! તું બહાદૂર છે ! બોલ, તારે શું જોઇએ છીએ?”

“સાહેબ ! હું ઇચ્છું છું કે તમે યુવરાજ તરફ મને મોકલાવી કહેવરાવો કે, હમણાં યુદ્ધ ન કરવું પ્રભુ જલદી સહાય મોકલશે.”

“આ છોકરી તો મૂર્ખ છે ! ગાંડી છે !” એવા ઉદ્દગાર ઠેકઠેકાણેથી સંભળાયા.

સુબાએ પણ ડોળા કાઢીને કહ્યું:– “રાજદ્વારી બાબતોમાં માથું મારવાની તારે જરૂર નથી. તું બીજાઓ માટે શું કામ ફિકર કરે છે ? બોલ, બીજી તારી શી ઈરછા છે ?”

“મને થોડાક સિપાઈઓ સાથે યુવરાજ પાસે મોકલો. હું લશ્કરની સરદારી લઈશ. શત્રુઓને ફ્રાન્સની બહાર હાંકી કાઢવા પ્રભુએ મને નીમી છે.”

“શું તું ? નાની છોકરી ! તું ?”

“હા, હું. હું નિર્માઈ ચૂકી છું.”

“ત્યારે તારી મુરાદ બર આવશે ?”

“આવતે વર્ષે આપણા યુવરાજ ફ્રાન્સના રાજા બનશે.”

“આ આદેશ તને કોણે પાઠવ્યા ?”

“મારા સ્વામીએ !”

“કયા સ્વામીએ ?”

“સ્વર્ગના રાજાએ - પ્રભુએ.”

“અરે બિચારી ગાંડી થઈ ગઈ છે. તેનું ચિત્ત ખસી ગયું છે.” બધા બબડ્યા.

સુબાએ જોનના મામાને કહ્યું “અલ્યા ! આ ગાંડીને તારે ઘેર લઈ જઈ ખૂબ ફટકાવ. તેને માટે એજ ઉત્તમ ઔષધ છે.”

જોને પાછી વળતાં નમ્રતાથી કહ્યું:–

“તમે મને સિપાઈ નથી આપતા. શું કામ નથી આપતા, એ મને માલૂમ નથી. મને તો મારા સ્વામીનો હુકમ છે; માટે હું બીજી વખત પણ આવીશ, અને ત્રીજી વખત પણ આવીશ. મને તો ખાત્રી છે કે, છેવટે તમેજ મને સિપાઈઓ આપશો.”

આટલું કહી તે ચાલી ગઈ. જ્યારે તે ચાલી ગઈ ત્યારે બધા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. નોકર-ચાકરોએ શહેરમાં એ વાત ફેલાવી, અને શહેરે આખા દેશમાં ફેલાવી. અમે અમારે ગામ આવ્યા, ત્યારે તો ગામમાં ઠેકાણે ઠેકાણે આ વિષય ચર્ચાતો હતો.

(૯)

જ્યાં જોઈએ ત્યાં મનુષ્યનો એનો એ સ્વભાવ. આપણને વિજય મળે, તો જગત આપણાં વખાણ કર્યા કરીને આપણને હદથી જ્યાદે ચઢાવી મૂકે છે. વળી એના એજ આપણે છતાં આપણો પરાજય થાય તો બસ, થઈ ચૂકયું. આપણામાં ખોડખાંપણ ન હોય, તો પણ કોણ જાણે ક્યાંથીએ તેઓ આપણામાં જાુએ છે ને આરોપે છે. ખરેખર દુનિયા અજબજ છે !

અમારા ગામના બધા લોકોને લાગ્યું કે, જોને પોતાના છોકરવાદી આચરણથી ગામને ઉતારી પાડ્યું હતું. જે લોકો જોનની કૂથલી ન કરતા, તે પણ હવે દરેક ગામમાં તેની મજાક કર્યા કરતા. કેટલાક તેના ગોઠીઆઓ તો તેની સાથે ચાલતાં પણ શરમાતા. કારણકે તેણે પોતાની બુદ્ધિને મોટો બટ્ટો લગાડ્યો હતો. જોન રોતી, પણ તે માત્ર જ્યારે એકલી હોય ત્યારે. લોકો આગળ તો તે ગંભીરજ રહેતી ક્રોધ પણ ન બતાવતી કે દુઃખ પણ ન બતાવતી. જોનનો પિતા તો તેની આવી વર્તણુંકથી લગભગ ગાંડોજ થઈ ગયો. તેનો એવો વિચાર હતો કે જોન સ્ત્રી જાતિની મર્યાદા મૂકીને રણમાંજ જાય, તો તો તેને ડૂબાવીજ દેવી.

પણ આથી કંઇ જોનનો નિશ્ચય ફર્યો નહિ. રખેને જોન ગામ છોડી નાસી છૂટે એવી ધારણાથી જોનનાં માબાપ તેના ઉપર ખૂબ જાપ્તો રાખતાં. પણ જોન નિરંતર કહ્યા કરતી કે, હજી વખત આવ્યો નથી, અને વખત આવશે ત્યારે બધો જાપ્તો નિરૂપયોગી થઈ પડી કંઈ પણ કામ લાગશે નહિ.

 ઉન્હાળો ધીમે ધીમે પૂરો થવા આવ્યો; પણ જ્યારે જોનનો નિશ્ચય ફર્યો નહિ, ત્યારે તેનાં માબાપે તેને પરણાવી દઈ બધી વાત પતાવવાનો વિચાર કર્યો. એવામાં એક માણસ ઉભો થયો. તેણે ગામમાં એવી વાત ફેલાવી કે જોને મને ઘણી વાર પરણવાનું વચન આપ્યું છે. હવે જો જોન તેની માગણી નાકબૂલ રાખે, તો તેણે કોર્ટમાં ઘસડાવું જોઇએ.

જોને તેને પરણવાની ના પાડી, અને જણાવ્યું કે તેની બધી વાતો પાયાવગરની છે. કોર્ટે તેની સામે બેવફાઈ કરવા માટે કેસ માંડ્યો. જોને એક પણ વકીલ ન રાખ્યો. તેણે કહ્યું કે, મારો વકીલ હું પોતે છું. આથી તેનાં માબાપ અને તેનાં દુશ્મનો આનંદ પામ્યાં, અને તે હારીજ ગઈ, એમ પહેલેથી માનવા લાગ્યાં. એ લોક આમ માને એ પણ સ્વાભાવિક હતું. સોળ વર્ષની છોકરી ગીચોગીચ કોર્ટમાં હુંશિયાર ધારાશાસ્ત્રીઓ સામે કેમ ટકી શકે ? જોન ગભરાઈ જશે, એમજ સર્વને લાગતું હતું. તે કેવા કેવા ગુંચવાડાઓમાં હેબતાઈ જાય છે અને તેની કેવી મજા થાય છે, તે જોવા માટે કેસને દિવસે તેના વિરોધીઓનાં ટોળે ટોળાં કોર્ટમાં મળ્યાં.

કોર્ટમાં જોન નમ્ર અને શાન્ત રહી. તેણે કોઈ સાક્ષીઓને ન બોલાવ્યા. પોતેજ સામા પક્ષના સાક્ષીઓની તપાસ કરી. જ્યારે તેઓની સાક્ષી લેવાઈ ગઈ, ત્યારે સાદી ભાષામાં આ કારસ્તાનની અંદરનાં ભોપાળાં તેણે જણાવ્યાં. જોનની હુંશિયારીથી સામા પક્ષનો કેસ તૂટી પડ્યો. વકીલે કંઈક વાંધો ઉઠાવ્યો, પણ કોર્ટે તેને નિર્દોષ ઠરાવી છોડી મૂકી. આ વખતે ન્યાયાધીશે જોનને “અદ્દભુત બાળા” કહી સંબોધી હતી.

આમ જોનના દુશ્મનોને એક તો ખાડો ખોદવો પડ્યો, અને વળી પાછા તેઓજ તેની અંદર પડ્યા.

જોનના આ વિજય પછી વળી પાછું આખું ગામ ફરી ગયું. હવે જોનને બધા માનપાન આપવા લાગ્યા. તેની માતા તેના ઉપર માયા રાખવા લાગી. તેના પિતાને પણ પોતાની અયોગ્ય વર્તણુંક માટે પશ્ચાત્તાપ થયો. જોન હવે કંઈક વધુ સુખી થઈ, પણ આ વખત ઘણો ભયકંર હતો. ઓર્લિયન્સનો ઘેરો શરૂ થયો હતો, અને શત્રુઓની સત્તા જામતી જતી હતી. જોન પ્રેરણાની રાહ જોતી હતી, પણ હજી કંઈ ચોક્કસ ઉત્તર મળ્યો નહોતો. શિયાળો શરૂ થઈને પૂરો થવા આવ્યો. હવે યોગ્ય સમય આવી લાગ્યો હતો.

ર-રાજ્ય કુટુંબમાં અને રણસંગ્રામમાં

(૧)

૫ મી જાન્યુઆરી ૧૪ર૯ ને દિવસે જોન પોતાના મામાને સાથે લઈ મારી પાસે આવી અને કહ્યું:—

“વખત આવી પહોંચ્યો છે. હવે મને દેવો તરફથી સ્પષ્ટ સંદેશાઓ મળે છે. બે મહિનાની અંદર હું યુવરાજને મળીશ.”

જોનનું મનોબળ અપ્રતિમ હતું. તેની છટા યોદ્ધાના જેવી હતી. તેના મનોબળે મારા હૃદયમાં ઘણો જુસ્સો રેડ્યો. રણમાં જ્યારે સિંહનાદ ગાજતો હોય ત્યારે જેવું શૂરાતન ચઢે, એવું શૂરાતન મારા હૈયામાં ધડકી રહ્યું હતું.

“મને શ્રદ્ધા છે તારા વચનમાં” મેં કહ્યું.

“અને મને પણ શ્રદ્ધા છે ” જોનના મામાએ કહ્યું “તને પ્રેરણા થયા પહેલાં આ વાત મને કરી હોત, તો હું કદી પણ માનત નહિ; પણ હવે તારી છટાજ એ પ્રેરણા પછી એવી જાતની થઈ છે, કે તું જે કહે છે, તે હું સત્ય માનું છું – મને સત્ય માનવાની ફરજ પડે છે.”

“મારા મામા મારા ઉપર બહુજ મહેરબાની રાખે છે.” એમ તે મને વારંવાર કહેતી. “પણ વારૂ” તે મને સંબોધીને બોલી “તે દિવસે તારા ડાબા હાથ તરફ બે જણ બેઠા હતા, તે કોણ હતા ?”

“મેટ્ઝ અને પોલન્ઝી.”

“એ બન્ને શૂરવીર યોદ્ધાઓ જાણે મારાજ માણસ હોય, એમ મેં તે વખતે માની લીધું હતું.”

મારાથી આ મનાયું નહિ; વળી હું હંમેશાં સત્યનિષ્ઠ રહું છું.

“જોન ! તે બન્ને તને ગાંડી ગણતા હતા. એ તો સાચી વાત કે, તેઓની તારા ઉપર માયા હતી; પરંતુ તે માત્ર તેઓ તને ચિત્તભ્રમ ગણતા હતા તેથીજ.”

જોન મારા શબ્દો ન ગણકારતાં બોલી: “ડાહ્યા હોય છે તે પોતાની ભૂલ જલદીથી સુધારે છે; તેઓ મારી સાથે કૂચ કરશે, અને તે પણ થોડાજ વખતમાં. હજી શું તું માનતો નથી ? હજી તને શ્રદ્ધા નથી ?”

“માફ કરજે જોન! તેઓ તો માત્ર મુસાફરી કરતા કરતા એકજ દિવસ ત્યાં રહેવાના હતા. તેઓ એ કિલ્લામાં રહેતા પણ નથી.”

“તેઓ પાછા આવશે; પણ હવે જવા દે એ વાત, થોડાજ દિવસમાં સમાં તારે મારી સાથે આવવું પડશે. તું બધી ગોઠવણ કરી રાખજે, કારણ કે તારે લાંબા કાળે પાછું ફરવાનું છે.”

પછી મેં થોડાક અમારા બાળગોઠીઆનાં નામ લીધાં, અને પૂછ્યું કે તેમને સાથે આવવાનું થશે કે નહિ.

આંખમાં આંસુ લાવી તે બોલી કે “નહિ, હમણાં કોઈને નહિ. મારી નાની બહેનને પરોઢિયામાં તું મારી પાસે લાવજે. એને હું મળી લઇશ.”

“અને બીજી બહેનને ?”

જોનનાં આંસુ વધ્યાં “નહિ, નહિ, નહિ. તે મને બહુ વહાલી છે, તેનું નામ સાંભળીનેજ મારું હૈયું તૂટી પડે છે, તેને ન લાવતો.”

બીજી સવારે અમે ચાર જણ ગામબહાર છુપાં છુપાં નીકળ્યાં. જોને તેની બહેનને મળી લીધું. બન્નેની આંખમાંથી આંસુની ધારાઓ વહી જતી હતી. આ જોઇને અમારું હૈયું પીગળી ગયું, અને અમે પણ રડવા લાગ્યાં. જોને એક વખત દૂર રહી ગયેલું અમારું ગામ, પરીઓનું વૃક્ષ અને ઘટાવાળું જંગલ, એ બધું જોઈ લીધું. કારણ કે તે જાણતી હતી કે, હવે હું અહીં પાછી ફરૂં, એવી આશા રહી નથી. તેની આંખમાં આંસુનાં ટીપાં બાઝયાં, પછી તે ચાલી. આજે જોનનો અને મારો બંનેનો જન્મદિવસ હતો. જોન આજે સત્તર વર્ષની થઈ હતી.

(૨)

જોન વોકેલિયર જઈ એક ગરીબ પણ પ્રમાણિક અને પવિત્ર બાઈ પાસે રહેતી. તેનું એ કામકાજ કરતી, જેથી પોતે તેને ભારે થઇ ન પડે. તે દરરોજ પ્રાર્થના કરવા જતી, અને કોઈ પણ તેને પૂછતું તો પોતાનો પ્રભુ તરફનો સંદેશો નિખાલસ હૃદયથી કહેતી. થોડાક વખતમાં તો લોકોનાં ટોળેટોળાં તેને જોવા આવવા લાગ્યાં. તેના સુંદર રૂપથીજ માણસમાં અર્ધી શ્રદ્ધા આવતી અને બીજી અર્ધી શ્રદ્ધા લાવવાને તેનો મળતાવડો સ્વભાવ બસ હતો. શ્રીમંતવર્ગ બહુધા જોનથી દૂર રહેતો અને જોનની મશ્કરી પણ કરતો. કેમકે એ વર્ગ ની એવીજ રીત હોય છે.

વળી ફ્રાન્સમાં પૂર્વથીજ એવી લોક્વાયકા ચાલી આવી હતી કે, એક અજ્ઞાન કુમારિકા ફ્રાન્સનો ઉદ્ધાર કરશે. આ ભવિષ્યવચનો જોનની તરફેણમાં હતાં.

આમ જોનની વાત બધે ફેલાઈ ગઈ. ફ્રાન્સના પરગણે પરગણે લોકો જાગવા લાગ્યા; નિરાશ થયા હતા તે ઉઠ્યા. વોકેલિયરની વસ્તી વધવા લાગી. મુસાફરોએ અને જાત્રાળુઓએ જોનના દિવ્ય સંદેશાની ખબર આખા દેશમાં ફેલાવી. ડોમરેમી પણ વિસ્મિત થયું. “શું આ અદ્દભુત બાલિકા અહીંજ રહેતી હતી, છતાં અમે તેને પરખી ન શક્યા ?” એમ તેઓના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. જેની સાથે દેવોએ વાતો કરી છે, તે બાલિકા સાથે વાત કરવા દિવસે દિવસે લોકો ઉભરાવા લાગ્યા, વીશીઓ મોંઘીઓ થઈ ગઈ તોપણ લેાકો વધવાજ લાગ્યા. જોનના ભાઈ અને બહેનનું માન પણ બધે વધી પડ્યું.

જોનના ભાઈઓએ જોન ખુશી પડે એમ કરે, એવી તેઓનાં માબાપ પાસેથી સંમતિ લીધી. આથી જોનનો ઉમંગ વધ્યો અને તેણે એક વખત ફરીથી સુબા પાસે જવા હિંમત કરી, પણ તેની હઠ હજી કાયમજ હતી. તેણે જોનને રાજા પાસે મોકલવા ના પાડી. આથી જોનને ખોટું લાગ્યું, પણ તે નિરાશ ન થઈ. તેણે કહ્યું કે “હજી હું બીજી વખત આવીશ. યુવરાજ પાસે જવામાં મારા પગનાં તળિયાં ઘસાઈ જાય, તો તેમ કરીને પણ મારે જવું જ જોઈએ.”

હું અને તેના બે ભાઈઓ તેની સાથે હંમેશાં રહેતા હતા. અમને લોકો પાસેથી ઘણું સાંભળવાનું મળતું. એક વખત ફ્રાન્સનો અધિકારી મેટઝ જોન પાસે આવ્યો. તેણે નાના બાળક સાથે વાત કરતો હોય, તેમ રમતમાં ને રમતમાંજ વાત કરવી શરૂ કરી:–

“વારૂ, તું અહીં શું કરે છે? શું અંગ્રેજ લોકો ફ્રાન્સનું રાજ્ય લઈ લેશે ?”

રોજની શાન્ત અને ગંભીર છટાથી જોને ઉત્તર વાળ્યો:—

“સુબાએ મને યુવરાજ પાસે મોકલવીજ જોઈએ, પણ તે મારું કહ્યું નથી માનતો.”

“અને તારી હઠને પણ ધન્ય છે; એક વર્ષ થયું, છતાં તારી ઈચ્છા તેં નથી છોડી.”

જોને શાન્તિથીજ પ્રત્યુત્તર દીધો કે “હું ઈચ્છાઓ કરતી નથી. હું તો ઠરાવ કરું છું. હું ધીરજ ધરીશ. તેણે મારો વિચાર અને મારો ઠરાવ નથી સ્વીકાર્યો, પણ તે આધીન થશેજ.”

“પણ આપણે એમ ચોક્ક્સ તો કેમ જ કહી શકીએ ?”

“કેમ નહિ ? ના પાડવી એ કંઇ તેની પસંદગીની વાત નથી.”

એ અધિકારીનું મોં લેવાઈ જઈ ગંભીર બન્યું. જોનના આત્મબળવડે અને દૃઢ નિશ્ચયે તેના મન ઉપર બહુજ અસર કરી. ઘણી વાર એવું બને છે કે કોક મશ્કરી કરવા આવે છે; પણ તેઓ મશ્કરી કરતાં કરતાં એટલા બધા લેવાઈ જાય છે, કે અંતે નમી પડી પૂજા કરવા મંડી પડે છે.” મેટઝની મુખમુદ્રા તેથીજ ગંભીર બની હતી અને તે છેલ્લે સુધી ગંભીર રહી.

“ત્યારે શું તારે થોડાજ દિવસમાં રાજાજી પાસે જવું જોઈશે?”

“થોડાજ દિવસમાં–થોડાજ દિવસમાં. મારા પગનાં તળિયાં ઘસાઈ જાય, તોપણ મારે તો જવું જ છે અને જઈશ.”

તે ઉમરાવના ચહેરા ઉપર એકજ નજર નાખ્યાથી પ્રત્યુત્તર સમજી શકાતો હતો. તેની આંખો ચળકવા લાગી. એ આંખમાંથી અનુકંપા દેખાતી હતી.

“તને સિપાઈઓ મળશે, તો તું શું કરશે ?”

“હું ફ્રાન્સને મદદ કરીશ. ફ્રાન્સને બંધનમુક્ત કરીશ. એવુંજ નિર્મિત થયું છે કે હુંજ એ કરીશ, અને બીજું કોઈ નહિ.”

જોનના શબ્દોમાં આર્દ્રતા હતી, આત્મશ્રદ્ધા હતી અને તેની એ ઉમરાવ ઉપર ઘણીજ અસર થઈ, એ મેં પ્રત્યક્ષ જોયું. જોનનો સાદ ધીમો પડ્યો, “ હું તો ખુશીથી મારો રેંટીઓજ કાંતુ. કારણ કે આ મારું કામ નથી પણ આ તો પ્રભુની ઈચ્છા છે, અને એ ઈચ્છાને વશ મારે થવું જ જોઈએ.”

“તારો પ્રભુ કોણ ?”

“સર્વશક્તિમાન પરમેશ્વર.”

પછી મેટઝે જોનને ચુંબન કર્યું, અને તેની તાબેદારી સ્વીકારી. વળી તેણે સોગન લીધા કે, બનતાં સુધી તમને રાજાજી પાસે લઈ જવા હું મદદ કરીશ.

બીજે દિવસે એવીજ રીતે પોલન્ઝી આવ્યો અને જોનને બનતી મદદ આપવા એણે પણ વચન આપ્યું.

આજ દિવસે બધે એવી અફવા ફેલાઈ કે, સુબો જોનને તેની ગરીબ ઝૂંપડીમાં મળવા આવશે. આ અજાયબ વાત શક્ય છે કે નહિ, તે જોવા લોકોની સવારથીજ ઠઠ જામવા લાગી, અને આ અફવા સાચી પણ પડી. સુબો પોતાના રસાલા સાથે જોન પાસે આવ્યો. આ વાત બધે ફેલાઈ ગઈ, અને તેને માટે નવી નવી ચર્ચાઓ થવા લાગી. જોનનું માન આથી શ્રીમંતવર્ગમાં પણ વધ્યું.

સુબાને એક ખુલાસો કરવાનો હતો, અને તે એજ કે, જોનને પ્રભુની મદદ છે કે સેતાનની ? પાદરીએ જોયું અને સુબાને કહ્યું કે, જોનના હૃદયમાં ભૂત તો નથી.

આનું પરિણામ કંઈ ન આવ્યું, પણ ઉલટી જોનની લાગણી દુઃખાઇ, સુબો મુંઝાયો અને શું કરવું, તેની તેને સમજણ પડી નહિ. એમ કેટલાક દિવસ વહીં ગયા.

છેવટે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે જોને સુબા પાસે જઈ કહ્યું કે “પરમેશ્વરનું નામ લઈને કહું છું કે, તમે મને મોકલતા નથી, અને તેથી ફ્રાન્સને ભયંકર સ્થિતિમાં લાવી મૂકો છો. આજે ઓર્લિંયન્સ આગળ યુવરાજના પક્ષે સખ્ત હાર ખાધી છે, અને હજી પણ મને નહિ મોકલો તો વધુ ખરાબી થશે.” સુબાને આ આગાહીથી આશ્ચર્ય ઉત્પન્ન થયું.

“શું આજે ? આજે બન્યું તેની તને શી રીતે ખબર પડી ? અહીં ખબર આવતાંજ આઠ દશ દિવસ લાગે !”

“મને દેવો તરફથી ખબર મળી છે. આજે તમે મને રોકીનેજ લડાઈ ખોઈ છે.”

સુબાએ આમ તેમ આંટા માર્યા, વિચાર કર્યો અને અંતે કહ્યું :–

“જો આ સાચું પડશે, તોજ હું તને રાજાજી તરફ મોકલીશ.”

જોન આનંદમાં બોલી ઉઠી “ઈશ્વરનો આભાર. નવ દિવસમાં ખબર આવી જશે.”

આ પહેલાંજ લોકોએ તેને રણનો પોશાક પહેરાવી દીધો હતો. જોન બધાને ઉત્તેજન આપતી–પ્રેરતી. તેને પોતાને ઘણો ઓછો વખત મળતો. તેને માટે ઘોડો આવી ગયો હતો. પોતાને ઘેાડે ચઢતાં આવડે છે કે નહિ, તે જોવાનો પણ જોનને વખત મળતો નહિ. કારણ કે તેને જે માણસો મળવા આવતાં, તેઓને ઉત્તેજન આપવામાં તે ઘણખરૂં રોકાયેલી રહેતી. તોપણ તેનું કંઈ નહિ. જે જે શીખવાનું તે મન કરતી, તે તે એક પળમાં શીખી લેતી. અમે પણુ યુદ્ધકળા શીખવા લાગ્યા.

ર૦ મી તારીખે જોને અમને બોલાવ્યા, અને કયે રસ્તેથી રાજા પાસે જવું એ નક્કી કર્યું. ભૂગોળમાં તેની કેટલી બધી નિપુણતા હતી, તેની અમને આથી ખબર પડી. જોન કંઇ પણ ભણી નહોતી, તેથી તેની આ શક્તિથી મને કુતૂહલ ઉત્પન્ન થયું. જોને પોતાની બધી વિદ્યા લોકોને પૂછીને મેળવી હતી. તે પોતાના જીવનની એક પળ પણ નકામી કાઢતી નહિ. રાત્રે મુસાફરી કરવી અને દિવસે સૂવું, એ જોનને પ્રવાસ કરવા માટે સૌથી વધારે ઉચિત લાગ્યું. વળી દુશ્મનોને ખબર ન પડે, તેથી તેણે અમારો નીકળવાનો દિવસ છુપો રાખવા કહ્યું. અંતે તે બોલી “હવે કંઇ રહી જતું નથી. આપણે ત્રેવીસમી તારીખે રાત્રિના અગિયાર વાગે અહીં થી ઉપડીશુ.”

બધાં અજબ થયાં; કારણ કે તારીખ ચોક્કસ કરવી, એ અધિકાર સુબાના હાથમાં હતો, નહિ કે જોનના હાથમાં.

તોપણ અમે બધાં તાબે થયાં. જોનનાં માબાપ તેને ત્રેવીસમી તારીખ પહેલાં મળી જવાનાં હતાં.

ત્રેવીસમીનો આખો દિવસ તેણે પોતાનાં કુટુંબીઓ માટે રાહ જોઈ, પણ કોઈ આવ્યું નહિ. જોનની આંખમાં આંસુ આવ્યાં, તોપણ તેણે કહ્યું કે “કંઈ નહિ, કંઇ નહિ. એમજ નિર્માયું હશે. આપણે અગીઆર વાગે ઉપડીશું જ.” અને એમ થયુંજ. રાત્રે દશ વાગે સુબાએ આવી જોનને લેખિત સરકારી હુકમ આપ્યો, અને પોતાની તરવાર જોનની કમ્મરે બાંધીને કહ્યું કેઃ—

“તેં કહ્યું તે સાચું પડ્યું. લડાઈ આપણે હાર્યાજ હતા. મેં મારું વચન પાળ્યું છે.” જોને તેનો આભાર માન્યો, અને તે ચાલ્યો ગયો.

ઇતિહાસમાં જે હેરીંગ્સના યુદ્ધને નામે પ્રખ્યાત છે, તેજ એ યુદ્ધ હોઈ તેમાં ફ્રેંચો હાર્યા હતા.

ઘરમાં એકે એક દીવો બૂઝાવી નાખવામાં આવ્યો. જ્યારે રસ્તાઓ અંધકારમાં કાળા દેખાવા લાગ્યા અને બધું શાંત થઈ ગયું, ત્યારે અમે છુપા છુપા ગામબહાર નીકળ્યા, અને જરાક છેટે જઈ ઘેાડા પૂરપાટ દોડાવી મૂક્યા.

(૩)

બધા મળી અમે પચીસ માણસ હતા, અને એમાં પણ ઘણા અશિક્ષિત ખેડુતો હતા. બે ત્રણ કલાક તો અમે શત્રુઓના પ્રદેશમાં જવું ચાલુ રાખ્યું, પણ પછી જેણે કોઈ દિવસ હાડમારી વેઠી ન હતી તે થાકી ગયા. જોનને ખબર નહોતી કે સુબાએ આવા પણ માણસોને રસાલામાં રાખ્યા હતા, જોને ખુશી પડે તો તેઓને ગમે ત્યાં જવા રજા આપી; પણ તેઓએ તે માગણી નાકબૂલ રાખી. પછી અમે અમારી ઝડપ ઓછી કરી. મળસ્કું થયું કે અમે એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. જમીન ભીની હતી, છતાં બધા થોડી વારમાં મીઠી નિદ્રામાં પોઢી ગયા. આવી મીઠી નિદ્રા અમે આખી જીંદગીમાં અનુભવી નહોતી.

સાંજ પડ્યે જોને અમને તપાસ્યા. તેણે પછી અમારા પ્રત્યે નાનું સરખું ભાષણ કર્યું અને કહ્યું કે, યુદ્ધો ઘાતકી અને ઘોર હોય છે; પરંતુ એમાં પણ જો દયા અને પવિત્રતા જાળવી રખાય તો તેની ક્રૂરતા ઘણી ઓછી થઈ જાય. પછી તેણે અર્ધા કલાકસુધી શિખાઉઓને કવાયત આપવા હુકમ કર્યો. આનું એટલું સરસ પરિણામ આવ્યું નહિ, પણ હમણાં તો એ ઠીક હતું. જોન પોતે કવાયત કરતી નહિ, પણ ઘોડા ઉપર બેસી રહી તે યાદ કરી રાખતી. તેની સ્મરણશક્તિ એટલી તો અજબ હતી કે તે કંઈ પણ ભૂલતી નહિ.

પછી અમે અમારી કૂચ ચાલુ કરી. રસ્તામાં અમારે ઠંડા પાણીનાં નાળાં ઓળંગવાં પડતાં. બધે બરફ પડેલો હોવાથી અમારે ભેજવાળી જમીનમાં મુસાફરી કરવી પડતી. અમે થાકથી અને હાડમારીથી નબળા પડતા ગયા; પણ જોન અડગ રહી. તેની છટા અજબ હતી, તેવુંજ અજબ તેનું આત્મબળ હતું. અમારે જો થાકજ વેઠવો પડતો હોત, તો હું આ મુસાફરીને કંટાળારૂપ ગણત નહિ; પણ અમે ફ્રાન્સની મદદે નીકળ્યાં છીએ, એવી ખબર થોડા વખતમાં ચારેબાજુ પ્રસરી ગઈ હતી, અને તેથી શત્રુઓએ અમારા ઉપર છુપા હુમલા કરવા માણસો જ્યાં ત્યાં રાખ્યાં હતાં.

વળી અધુરામાં પૂરું જોનની અજાયબ જેવી શક્તિ જોઈને અમારા રસાલામાંના કેટલાક માણસોએ તેને ડાકણ ગણી કાઢીને તેની સામે કાવત્રું રચ્યું. માણસોને આંખો હોવા છતાં તેઓ ઘણી વાર આંધળા હોય છે. જોનને ડાકણ ગણવામાં તેમને ઘણાં કારણ હતાં. એ લોકોએ સ્ત્રીઓને હંમેશાં રાત્રિદિવસ ખેતરમાં હળ ખેડતી જોઈ હતી. વળી સત્તર વર્ષની છોકરીમાં આવી હુંશિયારી કેમ આવી શકે ? વળી તે કંઈ શીખી પણ નહોતી. આ પુરુષો સ્ત્રીઓને પશુજ લેખતા હતા. તેઓ બિચારા શું કરે ? તેઓ તો માત્ર પોતાના અનુભવને વશ થઈ વર્તતા હતા. શરીર નાજુક હોય, પણ આત્મા સબળ હોય તો શું શું સાધી શકાય છે, એ વાત એ લોકો જાણતા નહોતા; તેથી તેઓએ જોનને મારી નાખવા વિચાર કર્યો. પણ આ કાવત્રું જલદી પકડાઈ ગયું. અમારામાંના કેટલાક માણસોએ જોનની એવી રજા માગી કે આ લોકોને ફાંસીએ ચઢાવવા; પણ જોને એ નામંજુર કરી કહ્યું કે “ જ્યાં સુધી મારું કામ પૂરૂં નથી થયું, ત્યાંસુધી કોઈ પણ મારી જીદગી લઈ શકે એમ  નથી. હું તેઓને સારી સલાહ આપીશ–બોધ કરીશ. તેમને મારી પાસે બોલાવો.”

જોને તેઓને બધું સમજાવ્યું. કાવત્રાંખોરો જોનનું આવું ઉદાર દિલ જોઈ આશ્ચર્ય પામ્યા અને શરમાઈ ગયા. છેવટે જોને તેઓના સરદારને બોલાવી દિલગીરી સાથે કહ્યું:–

“જ્યારે તારૂંજ મોત પાસે છે, ત્યારે બીજાની જીંદગી લેવા તું પ્રયત્ન કરે છે, એ ખરેખર દયા ખાવાજોગ છે.”

તેજ રાત્રે તે માણસના ઘોડાએ એક નદી ઓળંગતાં ઠોકર ખાધી, અને અમે મદદ કરીએ એ પહેલાં જ તે ડૂબી ગયો ! આ બીના બન્યા પછી એકે કાવત્રું રચાયું નહિ.

આ રાત્રે અમારા ઉપર ઘણા છુપા હુમલા થયા, તો પણ જેમ તેમ કરી અમે સહીસલામત નીકળી ગયા. તે પછીની રાત્રિ તે છેલ્લી રાત્રિ હતી. અમારું દૃષ્ટિબિંદુ હવે એકજ હતું કે, ધારેલી જગ્યાએ પહોંચવું. બરફ ખૂબ પડતો હતો, અને પવનના સૂસવાટા પૂરજોસમાં વાતા હતા. વળી વરસાદ પણ શરૂ થયો હતો. અમારા રસ્તામાં એક નાળું આવતું હતું. તેના પર જેવોતેવો લાકડાનો પૂલ હતો. અમને બીક હતી કે વખતે પૂર આવ્યું હોય અને આ પૂલ ભાંગી ગયો હોય. તો તો અમે સપડાયાજ સમજવા.

રાત્રિ વધવા લાગી, તેમ જંગલ પણ ઘાડું આવવા લાગ્યું. અમારા ઉપર હુમલા શરૂ થવા લાગ્યા ત્યારથી જોન બધાની આગળ ચાલતી. ચાર પાંચ ગાઉ અમે ગયા, એટલામાં એક ઝાડીમાંથી હુકમ આવ્યો કે “સબુર !”

અમે તાબે થયા. સામે કંઈક ઘોડેસ્વારની ટુકડી જેવું જણાતું હતું. એક માણસે અમારી સામે આવી જોનને કહ્યું:--

“કેપ્ટન ! આટલી બધી વાર કેમ લાગી? તમે તેને જોઈ?”

જોને ધીમેથી જવાબ દીધો: “હા, હજી તે પાછળજ છે.”

“વારૂ, મને બીક હતી કે તે આપણી આગળ નીકળી ગઈ છે એ હવે આપણો શિકાર છે. આપણે એને ફાંસીએ લટકાવીશું, પણ શું એ વાત સાચીજ છે કે તે માત્ર નાનકડી છોકરીજ છે ?”

“હા; માત્ર સત્તરજ વર્ષની, અને વળી શરીરે પાતળી. મેં જ્યારે તેને જોઇ, ત્યારે તે પોતાના એક અમલદાર સાથે વાત કરતી હતી. પોતે ભયંકર સ્થિતિમાં છે, એવું તે જાણતી હોય, એવું મને લાગ્યું નહિ.”

“એ તો બધું ઠીક. હવે આપણી પોતાની વાત. પૂલને ભાંગી નાખવો કે નહિ ?”

“આપણે હમણાંજ એક ટુકડી મોકલીએ. તમે કહો તો હું જાઉં.”

“શાબાશ, સરદાર ! શાબાશ. શું તમારી હુંશિયારી ! જાઓ, ફતેહ કરો.”

તેઓએ સલામ કરી, અમે આગળ વધ્યા. અમારા ઘોડા અમે ખૂબ જોરથી દોડાવી મૂક્યા. પાછું જોવાને તો અમને વખતજ ન મળ્યો. થોડાજ વખતમાં અમે પૂલ આગળ જઈ પહોંચ્યા, અને એ નાળાને ઓળંગી જઈ તે પૂલ ભાંગી. નાખ્યો. તોફાન પૂરજોસમાં ફૂંકાતું હતું. સામાવાળાના ઘોડાઓના દાભડાની ટાપ અમે સાંભળતા હોઈએ એવું મને લાગ્યું; પણ એમ બન્યુંજ નહિ.

એ તો સ્પષ્ટ હતું કે, સામાવાળાઓએ અમને પોતાનાંજ માણસ માનીને આ મોટી ભૂલ કરી હતી.

જોને કહ્યું:– “એમાં તેઓનીજ ભૂલ હતી. તેણે પેાતાનેજ છેતર્યો. હું જરા પણ જૂઠું બોલી નથી; પણ જો મારું સત્ય તેને માટે અસત્ય થયું હોય તો હું દિલગીર છું.”

જોનના મનમાં એજ વાત રમી રહી “હા, હું જૂઠું તો ન બોલી પણ મેં તેને છેતર્યો તો ખરો. મે મારૂં બનતું કર્યું, પણ મારે તેમ કર્યા વગર છૂટકો નહોતો. મારું કામ તેના વગર પૂરું થાતજ નહિ, તોપણ તેમાં દોષ તો મારોજ છે.”

થોડી વારમાં પવન શાન્ત પડ્યો, વરસાદ બંધ થયો અને ઠંડી પણ કંઈક અંશે ઓછી થવા લાગી; પણ અમને ઘણો થાક લાગ્યો હતો. આટલા દિવસ સુધીમાં અમને વિશ્રામ મળ્યો ન હતો. બધા દિવસનો થાક ભેગો થવાથી આ રાત્રિ અમને બહુ લાંબી લાગી. સવારે અમે શત્રુની હદ ઓળંગી જઈ અમારી હદમાં પહોંચ્યા.

(૪)

કીનોનના કિલ્લાના અમે માર્ગ લીધો. જોને મારી પાસે રાજાને એક કાગળ લખાવ્યો. તેમાં તેણે વિનતિ કરી હતી કે, હું ઘણે છેટેથી તમને સારા સમાચાર આપવા આવી છું, અને હું પોતે તમારી સમક્ષ તે કહી બતાવું, એવી મારી ઇચ્છા છે તો તે પૂર્ણ કરશો.

અમે ત્યાં જઈ પહોંચ્યાં, તે પહેલાં અમે બે માણસ સાથે તે કાગળ મોકલાવ્યો. બીજે દિવસે અમે કીનોન તરફ વળ્યા. અર્ધો પણ માર્ગ નહાતો કાપ્યો, એટલામાં તો અમારા ઉપર શત્રુઓ તૂટી પડ્યા; પણ હવે અમારાં માણસો વધ્યાં હતાં. વળી અમે થોડીઘણી યુદ્ધકળા પણ શીખ્યાં હતાં. જોને હુકમ કર્યો કે તુરતજ અમે તેના ઉપર ધસી જઇ તેઓને વીખેરી નાખ્યા. આ અમારા ઉપર છેલ્લો હુમલો હતો, અને ઘણું કરીને તે રાજાનાજ પક્ષના ઈર્ષાખોર પુરુષો તરફથી કરવામાં આવ્યો હતો.

અમે એક ધર્મશાળામાં ઉતારો લીધો. લોકોનાં ટોળેટોળાં જોનને જોવા મળ્યાં. અમે જોનના તાબેદાર સેવકો માફક માત્ર છેટેજ ઉભા રહેતા; પણ જોન અને અમે કંઈ પણ સંગીન કામ કર્યા સિવાય આવી નકામી નાની બાબતોથી કંટાળી ગયા હતા. અધુરામાં પૂરું અમારો કાગળ તો પહોંચ્યો, પણ રાજાએ અમારા માણસોને મળવાની ના પાડી. આમાં રાજાનો કંઈ વાંક નહોતો, પણ તેના મંત્રીએ પોતાની સત્તા જવાની બીકથી રાજ્ય પાયમાલ થાય તો પણ તેને કોઈ પણ બાબતની ખરી બાતમી પહોંચાડતા નહિ. રાજા પાસે કંઈ લશ્કર નહોતું; તીજોરી પણ ખાલી થઈ ગઈ હતી અને રાજા પોતે પણ પોતાના માણસોની સત્તા નીચે હતો. કેટલાક પ્રમાણિક રાજયભકતો રાજાને સાચે માર્ગે દોરવા પ્રયત્ન કરતા, પણ તેમાં આ લોકોનાં કારસ્તાનથી કંઈ વળતુ નહિ.

જોને જ્યારે આ બધો ઇતિહાસ સાંભળ્યો, ત્યારે તે બોલી કે “વાત તો દયા ખાવા જેવી છે, પણ પ્રભુ બધું સારૂં કરશે.”

“અમે એ લોકોને જે કહીએ છીએ તે તેઓ માનતા નથી. ‘એક અજ્ઞાન ખેડુતની છોકરી લડવા કેમજ નીકળી શકે ?’ એવું કહી રાજાના મંત્રીઓ હસે છે અને અમારી મશ્કરી કરે છે.”

“જ્યારે પ્રભુ લડે છે, ત્યારે તેની તરવાર વીંઝતો હાથ નાનો હોય કે મોટો હોય એ વાત જરાય અગત્યની નથી, પણ વારૂ, શું આપણા ઉપર કોઈની મહેરબાની નથી ?”

‘‘હા એકની છે. રાજાની સાસુ ડાહી છે; બધું જાણે છે. તેણે અમારી સાથે વાત કરી હતી. તે રાજાના બધા ખુશામતીઆઓને ધિક્કારે છે. અમે જ્યારે તેની સાથે વાત કરી, ત્યારે તેણે અમને ઘણા પ્રશ્ન પૂછ્યા. તેણે કહ્યું કે, દુશ્મનોને મારી હઠાવતી અને કંઈ પણ સાધન વિના માત્ર પેાતાનીજ શક્તિથી જીતતી આ ખેડુતની અજ્ઞાન નાની છોકરી કદાચ પ્રભુ તરફથી નહિં આવતી હોય તોપણ શું થયું ? હું તો પ્રભુ તરફથી એ આાવે છે,  એમજ માનું છું. તે રાજાને નજરો નજર જુએ, તો તો પછી ભલે પેલા પશુઓ (ખીજમતગારો) નકામી મહેનત કરે.”

“અરે ! રાજાની સાસુ પોતેજ રાજા હોય તો !” અમારામાંનો એક જણ બોલ્યો.

જોને કહ્યું “ અરે, એટલું બધું ઉતાવળું શું કામ થવું જોઈએ ? એક છુપી વાત હું જાણું છું, અને આપણો રાજા જાણે છે અને પ્રભુ સિવાય બીજું કોઈ તે જાણતું નથી. હું તેને એ કહીશ, અને મારું કામ સફળ થશે.”

જોન એ વાત અમને કહી દેશે, એમ મને લાગ્યું. જોન છોકરૂં હતી, પણ ઉપયોગી વાત નિરૂપયોગી પુરુષો પાસે કરવી, એ તેનો સ્વભાવ નહોતો. મોટા માણસની પેઠે તે અન્ય સાથે ભરમમાં ને ભરમમાંજ રહેતી.

અમારાં માણસો રાજાને મળી શકે, એવી ગોઠવણ રાજાની સાસુએ બીજે દિવસે કરી આપી.

અમે આ મુલાકાતનો બનતો લાભ લીધો. અમે જોનના નિષ્કલંક ચારિત્ર વિશે તેની આગળ વાત કરી તેની હિંમતની પ્રશંસા કરી; તેના વિનયનાં વખાણ કર્યા અને તેના સ્વર્ગીય આદેશમાં શ્રદ્ધા રાખવા આગ્રહ કર્યો તથા છેવટે ખુદ પોતે જોનને જોઈ તે વિષે ખાત્રી કરે એવી વિંનતિ પણ કરી. આ આગ્રહથી રાજાના મન ઉપર સારી છાપ પડી.

બે કલાક પછી રાજા તરફથી ફ્રાન્સનુ ધર્મમંડળ અમારી ભાંગી-તૂટી ધર્મશાળામાં અમને મળવા આવ્યું. રાજા તરફથી ! આ સાંભળી ધર્મશાળાવાળો તો બિચારો ગાભરો થઈ ગયો. તેના હૈયામાં એટલો તો આનંદ થતો હતો કે કોઈની સાથે તે પૂરીપાધરી વાત પણ કરી શકતો નહિ.

અમે બધા ઉભા થયા અને વંદન કર્યું. પછી ધર્મમંડળ તરફથી જોનને તેનો જે સંદેશો હોય, તે ટુંકા શબ્દોમાં જણાવવાનું કહેવામાં આવ્યું.

અરે ! અમે કેટલા બધા ખુશી થયા ! છેવટે અમારી મહેનત સફળ થશે ! અમારું કામ પાર પડશે ! અમારો સંદેશો રાજાને કાને જશે !

પણ અમે ધાર્યું હતું, તેમ બન્યું નહિ. ધર્મમંડળના અધ્યક્ષ તરફથી વિનતિ કરવામાં આવતી હતી, ત્યારે જોન નીચું માથું  રાખી અદબ વાળી તે સાંભળતી હતી. કારણ કે તે પરમેશ્વર અને તેના ભક્તો પ્રત્યે હમેશાં નમ્ર રહેતી. જ્યારે બોલવાનું પૂરું થઈ રહ્યું ત્યારે તેણે માથુ ઉંચુ કર્યું અને બધા પાદરીઓના મોં તરફ કંઇ પણ ભીતિવગર ટીકી ટીકીને જોયું. પછી મર્યાદાભરેલી રીતે તેણે જવાબ વાળ્યો કેઃ–

“મહેરબાન સાહેબો ! તમે મને માફ કરશો. મારો સંદેશ તો માત્ર રાજા માટેજ છે.”

એક પણ માણસ બોલ્યું નહિ; એક પળ તો બધા મૂંગા થઈ ગયા ! ધર્મમંડળનું મોં લેવાઈ ગયું. પછી તે મંડળના અધ્યક્ષ તરફથી ભાષણ ચાલ્યું:—

“રાજાએ પસંદ કરેલા પુરુષોને રાજાની ઈચ્છા પ્રમાણે તમારો સંદેશો તમે નહિ કહો ?”

“મારે જે કહેવાનું છે, તેને માટે પરમેશ્વરે રાજાનેજ નીમ્યો છે, નહિ કે બીજા કોઈને. તમે તેને એટલું જણાવજો કે, હું કંઈ અહીં વાત કરવા આવી નથી, પણ ઓર્લિયન્સને સ્વતંત્ર કરી તેનો રેમ્સમાં રાજ્યાભિષેક કરવા આવી છું.”

ધર્માધ્યક્ષોને ક્રોધ ચઢ્યો. તેઓ ચાલ્યા ગયા, ત્યારે અમે નમન કરી ઉભા રહ્યા.

જોને આવી સરસ તક ગુમાવી, તે જોઇને અમે બધાં અજબ થયાં, પણ તેણે અમારી શંકા દૂર કરી.

“તેઓ કોના તરફથી હતા ?”

“રાજા તરફથી.”

“રાજાને કોણે તેમને અહીં મોકલવા કહ્યું ?”

“રાજ્યસભાએ.”

“તેની રાજ્યસભા આપણા પક્ષમાં છે કે આપણા વિરુદ્ધમાં ?”

“વિરુદ્ધમાં.”

ત્યારે અમને ખબર પડી કે અમે બધા મૂર્ખ હતા, અને તે ડાહી હતી. જોને ખુલાસે ચાલુ રાખ્યો:—

તેઓમાં ઘણીજ થોડી અક્કલ છે. આપણે સંદેશો કહીએ, તેમાં તેઓ ફેરફાર કરી નાખે અને આપણી વાત રાજા આગળ કંઈ ભિન્ન પ્રકારના રૂપમાં મૂકે. આવી રીતે તેઓએ આપણને ફસાવવા ધાર્યું હતું. આપણે પણ ક્યાં એવાં નાદાન છીએ ? ભય રાખશો નહિ. હુંજ યુવરાજને નજરોનજર મળીશ.”

અમે બધા મૂર્ખ બન્યા હતા. અમે જોનમાં, હિંમત, સહનશક્તિ અને આત્મબળ એ બધું જોયું હતું, પણ તેની આવી સમયસૂચકતા અને બુદ્ધિ કોઈ દિવસ જોઈ નહોતી. અમે બધા વિચારમાં પડ્યા. અમે મૂર્ખ હતા, તે ડાહી હતી.

જોનની સમયસૂચકતાનું બીજે દિવસે અમને ફળ મળ્યું. એક રાજાને એક ગરીબ ખેડુતની નાની છોકરીને માન આપવાની ફરજ પડી. તેણે જોનને પોતાના મહેલમાં ઉતારો આપ્યો. ઉમરાવો અને ઉમરાવજાદીઓ આ દિવ્ય વીરબાળાને જોવા અને તેની વાતો સાંભળવા એકઠાં થવા લાગ્યાં. જોન પેાતાના માર્ધુચ થી બધાને દંગ કરી દેતી. આમ તેના પક્ષમાં ધીમે ધીમે ઘણાં માણસો વળ્યાં. કોઈ એવું મનુષ્ય નહોતું કે જોન પાસે આવે, અને કંઇ પણ માનની લાગણી વધ્યા વિના પાછું જાય.

(૫)

રાજ્યસભાએ પોતાની રોજની રીત પ્રમાણે ઘણી વાર પછી રાજાને સલાહ આપી કે કોઈ પણ બાબતમાં કંઈ પણ વિચાર કર્યા વગર જલદી ઠરાવ કરવો, એ ઉચિત નથી. તેઓ બધા કુંભકર્ણ હતા. “હોતા હે” એવું જ તેનું સૂત્ર હતું; પણ છેવટે પ્રભુની કૃપાથી અમારા પક્ષવાળાઓએ જેમ તેમ કરી જોનને મુલાકાત આપવા રાજાને સમજાવ્યો.

જોનને જ્યારે ખબર પડી કે રાજા મને ભરસભામાં તેડાવશે અને લાયક માન આપશે, ત્યારે તે હર્ષઘેલી ન થઈ, પણ રાજાના સંદેશાને તેણે બનતું માન આપ્યું. અમને પણ રાજ્યસભા જોવાની બહુ આકાંક્ષા હતી. સભાનો દોરદમામ અને ભપકો કેટલો હશે ? એ વિચારો મારા હૈયામાં ઘેાળાયા કરતા હતા. એ ને એ વિચારમાં અમારા બે દિવસ વહી ગયા.

પણ જોન આ સર્વ ભવ્યતા જોઈને ગભરાઈ તો નહિ જાયને ? ક્વચિત્ તે ગભરાઇ જાય, અને જીભ ઝલાઈ જાય, એવી અમને બીક રહ્યા કરતી. ચિંતામાં ને ચિંતામાં ઠરાવેલો દિવસ આવી પહોંચ્યો. જોનને અમે હીરામોતીનાં કિંમતી આભૂષણથી શણગારવા બહુ કર્યું, પણ તેણે ડોળડમાકવાળાં લૂગડાં-લત્તાં પહેરવા માન્યું નહિ. તેણે તો સાદોજ પાષાક પહેર્યો. હજી મને તે પોષાકરૂપી સંગીતના ભણકારા સંભળાય છે-મારી આંખને અને મારા હૈયાને તો એ બધુ સંગીતમય હતું; અને જોને પણ મારે મન એક ભવ્ય કવિતા, ભવ્ય સ્વપ્ન હતું.

ઠરાવેલે દિવસે રાજ્યસભાનો એક મોટો ઉમરાવ પાતાના રસાલા સાથે પૂરભપકામાં જોનને તેડવા આવ્યો. મને અને બીજા બે ઘોડેસ્વારોને જોનના અંગરક્ષકો તરીકે રહેવાનું ખાસ માન મળ્યું.

અમે જ્યારે કચેરીમાં પેઠા, ત્યારે ચારે બાજુ અસંખ્ય પહેરેગીરો ઉભા હતા. કચેરી રાત્રિની હતી, તેથી તેઓની બે ભવ્ય હારો ઉપર બસોપચાસ મસાલોનું તેજ પડતું હતું. અમે પસાર થતા કે ચોપદારો નેકી પુકારતા. ચાલતાં ચાલતાં આખરે એક મોટું ચોગાન આવ્યું. તેની વચ્ચે એક તખ્ત હતું, અને તેના ઉપર મુકુટ ધારણ કરી, રાજ્યદંડ ઝાલી હીરાજડિત પોશાક પહેરી કેાઇ પુરુષ બેઠો હતો.

દરવાજામાં ચાંદીનાં રણશિંગાં લઈ ચાર ચોપદાર ઉભા હતા. તેઓના હાથમાં રેશમના વાવટાઓ હતા, અને તેના ઉપર ફ્રાન્સનાં રાજ્યચિહ્‌નો ચીતર્યાં હતાં. ઉમરાવ અને જોન જ્યારે તેઓની આગળથી નીકળ્યાં, ત્યારે તેઓએ સલામમાં એ રણશિંગાં ફૂંક્યાં. પચાસ પચાસ ફીટે છ વખત જૂદા જૂદા ચોપદારો તરફથી અમને આવી સલામી થઈ હતી. અમે તો હર્ષમાં નહાઈ રહ્યાં. શું અમને આટલુ બધુ માન !

જ્યારે તખ્ત અને અમારી વચ્ચે આઠ દશ પગલાં રહ્યાં ત્યારે અમારી આ કૂચ પૂરી થઈ. ઉમરાવે સલામ કરી જોનનું નામ ઉચ્ચાર્યું. વળી પાછી સલામ કરી અને પછી તે અધિકારી વર્ગમાં પોતાની જગ્યાએ જઈ બેઠો, પણ જોન તો જોઇજ રહી. તેણે સલામ કરી નહિ. બધા વિચારમાં પડ્યા.

મારા સોબતી સામે મેં જોયું. તેણે કાનમાં મને ધીમેથી કહ્યું: “તખ્ત ઉપર રાજા નહિ પણ બીજું કોઈ બેઠું છે. જોન ભૂલ કરશે અને બધા હસશે.”

મેં જોન તરફ્ જોયું. તે તો ગુંચવાડામાંજ તખ્ત સામું જોતી હતી. ત્યારપછી તેણે મોં ફેરવ્યું, અને દરબારીઓની હાર જોઈ તેમાં તેણે સાદો પોશાક પહેરેલા એક યુવાનને શોધી કાઢયો. તેને ઘુંટણીએ પડી, હાથ જોડી ને કહ્યું કે “મહારાજ ! ઈશ્વર તમને લાંબી જીદગી બક્ષે ! ”

જોનને છેતરવા આ બધું કારસ્તાન રચવામાં આવ્યું હતું પણ જોને રાજાને ઓળખી કાઢ્યો. અમને આથી અધિક આશ્ચર્ય ઉત્પન્ન થયું. કેમકે જોને તેને કોઈ પણ વખત જોયો નહોતો.

પછી રાજાએ તેના આદેશ માટે પૂછ્યું.

“હું કુમારિકા જોન છું, અને તમને રેમ્સમાં પ્રભુની મરજીથી રાજ્યાભિષેક કરવા આવી છું. પ્રભુ ઇચ્છે છે કે, તમે મને થોડાક લડવૈયા આપો, એટલે બધું કામ હું પૂરું કરીશ.” વળી થોડી વાર ચૂપ રહી પાછું તેણે ઉમંગથી કહ્યું: “ઓર્લિયન્સને હું સ્વતંત્ર કરીશ ! શત્રુની સત્તા ભાંગીશ !”

બધા ગંભીર બની ગયા. પછી રાજાએ સભા બરખાસ્ત કરી. મારાવિના બધા ચાલ્યા ગયા. હું જોનનો કારભારી હતો, તેથી મને છેટે ઉભા રહેવા દેવાનો હક્ક બક્ષવામાં આવ્યો. રાજાએ અને જોને પછી ખાનગીમાં કેટલીક વાતચીત કરી.

જોન ભપકાથી જરા પણ અંજાઈ ન ગઈ, તેથી બધાને નવાઈ લાગી. જોનની આત્મશાંતિ ખરેખર અજબ હતી.

પણ આ શું ! જોને રાજાને કાનમાં કંઈક કહ્યું કે રાજાનો ચહેરો અતિશય પ્રફુલ્લિત થયો. તેની સુસ્તી ઉડી ગઈ ! સાથે સાથે તેને અચંબો પણ લાગ્યો. જોને તેને પેલો ભેદ કહ્યો હોવા જોઈએ.

રાજાએ તેની દિવ્યતાનું કંઈક ચિહ્‌ન માગ્યું. જોને કહ્યું: –

“હા, એ ચિહ્‌ન આ છે. તમારા હૈયામાં એમ શંકા છે, તેનું નિરાકરણ કરવા તમે રોજ પ્રભુની ભક્તિ કર્યા કરો છો, તે શંકાનું નિરાકરણ આ છે કે, તમે ફ્રાન્સની ગાદીના હક્કદાર વારસ છોજ. હવે મને લડવૈયા આપો.”

રાજાએ કહ્યું “તમારાં વેણ અક્ષરેઅક્ષર ખરાં છે. મારી પ્રાર્થના મારા અને પ્રભુ સિવાય કોઈ પણ મનુષ્ય જાણતું નહોતું.”

તેથી તેણે જોનની દિવ્યતા સ્વીકારી અને તેના મોભાને લાયક માન આપ્યું.

હવે જોનને ચારે તરફથી માન-અકરામ મળવા લાગ્યાં. અમે ઘણો ગર્વ રાખતા. જોન ઑફ આર્કના સેવક હોવાનું અમને અભિમાન હતું. બધા દરબારીઓની સમક્ષ રાજા જોનને વળાવવા નીકળ્યો. વળી પાછાં રણશિંગાં ફૂંકાયાં. બધા દરબારીઓએ નમન કર્યું, અને છેલ્લે રાજાએ જોનના હાથને ચૂમી લીધા. ગરીબ કે શ્રીમંત જેની પાસે જોન જતી, ત્યાંથી કંઇ ને કંઇ વધારેજ માન પામીને આવતી.

રાજાએ જોનને ખાસ માન બક્ષ્યું. તેણે તેને ઉતારે પહોંચાડવા પેાતાનો રસાલો આપ્યો. દરમિયાન જોન રાજાની મુલાકાત લે છે, એવી વાત બધે પ્રસરી ગઈ અને તેનું દર્શન કરવા લોકોની એટલી બધી ઠઠ જામી કે અમને અમારો રસ્તો કરવો મુશ્કેલ પડ્યેા. ખુશાલીને લીધે ધક્કામુક્કી એટલી તો વધી પડી હતી કે પાણીનાં મોજાં જેવી લોકોની ભરતી અમારા તરફ ઉછળતી હતી.

(૬)

રાજાનો ભેદ જોને કહ્યું, તેથી રાજાને સુખ થયું. તે માનતો હતો કે જોનને પ્રભુ તરફ્થી મોકલવામાં આવી છે; પણ કાવતરાખોરોએ કામ સીધું ન ઉતરવા દીધું. તેઓએ શક ઉઠાવ્યો કે, જોનને કદાચ સેતાનની મદદ હશે તો ?

રાજાનો ટુંકો આત્મા આથી ભોળવાયો. તેને ઘણી બીક લાગી અને છેવટે જોનની તપાસ કરવા માટે એક ધર્મ મંડળ નીમ્યું.

એક દિવસ એલેન્કોનનો ડ્યૂક જોનને મળવા આવ્યો. તે રાજાનો પાસેનો સગો થતો હતો. જોને તેની સાથે થોડીક વાતચીત કરી. એટલામાં તો તેઓ બંને મિત્ર થઈ ગયાં. બીજે દિવસે જોને રાજા સાથે પ્રભુપ્રાર્થના કરી, અને ભોજન લીધુ. રાજાને જોનની સંગત ઘણી ગમતી. તેની સાથે વાતચીત કરવામાં તે આનંદ માનતો. રાજાના હજુરીઆ રાજાના કાન ભંભેર્યા કરતા, પણ જોનનો સ્વભાવ પ્રભુપરાયણજ રહેતો. કેમકે તેનામાં સ્વાર્થનો કંઇ પણ અંશ નહોતો, આગળ તો ખુશામતીઆ રાજા ને ખુશી કરવાનાજ ઉદ્દેશથી “હાજી હા” ભણતા, અથવા વાતો કરતા તે પણ પોતાનું કૂડકપટ છુપાવીને કરતા. જોન તો પોતાના મનમાં જે કાંઇ હોય તે રાજાની પરવા રાખ્યા વગર કહી દેતી, તેથી રાજાને જોન સાથે બહુ ગમ્મત આવતી.

જમ્યા પછી જોન પોતાના ઘોડા ઉપર બેસી કવાયત કરતી હતી, અને રાજા ને ડ્યૂક તે જોતા હતા. રાજા જોનની કવાયત જોઈ એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે તેને એક પાણીદાર ઘેાડી બક્ષીસ આપી.

ધર્મમંડળ આવીને દરરોજ જોનને સવાલ પૂછતું, પણ જોન પાતાને મનગમતાજ સવાલોના જવાબ આપતી. આથી ધર્મમંડળે શંકા ઉઠાવી કે, તે પ્રભુ તરફથી કે સેતાન તરફથી આવી છે, તે નક્કી કરી શકાય નહિ; અને તેથી પદ્ધતિસર બધી માહિતી મેળવવા યુનિવર્સિટીના વિદ્વાનોને નીમવા જોઈએ. હવે અમારે પોઇટીઅર્સ તરફથી જવું પડ્યું. જોનને તપાસવા પ્રોફેસરોનું એક મંડળ ભરાયું હતું. યુદ્ધકળાનું તો તેઓને ભાન પણ નહોતું . એવા લોકો આ વીરબાળાની વીરતા શી રીતે જાણી શકે ?

તોપણ જોનની વાણી હમેશાં મીઠી હતી. પોતે ગંભીર રહેતી, શાંત રહેતી. પોતાનીજ તપાસ ચાલતી હોય, એમ એ માનતી નહોતી; પણ કોઈ પ્રેક્ષક હોય, એવું માની મન મનાવી લેતી. અવ્યગ્ર ચિત્તે તે હંમેશાં સચોટ જવાબ આપતી. તેનું આંતરિક ઉચ્ચજ્ઞાન પોથીઓની બધી કૃત્રિમતા અને કળાઓને તોડી પાડતું. નિષ્કલંકી હૃદય ઉપર કલંક કેમ ફાવી શકે ?

તે નિખાલસ દિલે પોતાના અનુભવની – જે ફિરિસ્તાઓને તે જોતી તેનું બ્યાન કરતી. તેની રીતભાતમાં જરા પણ કૃત્રિમતા નહોતી. જ્યારે તે બોલતી ત્યારે ન્યાયાધીશ પોતાને ભૂલી જતો અને પ્રેક્ષકો પણ પોતાને ભૂલી જતા; એવો મધુર તેનો કંઠ હતો. તેની વય સત્તર વર્ષની હતી. માત્ર સત્તર, અને વળી તેને શિખામણ આપનારો કે માર્ગ દેખાડનારો કોઈ નહિ. તે કોઈ વખત બીતી નહોતી. અસંખ્ય વિદ્વાનોની વચ્ચે તે ઉભી રહેતી. પોતાના ઉત્કૃષ્ટ આત્માથી તે બધાંને છક્ક કરી નાખતી, અને તે કોઈ નિશાળમાં શીખેલી કળાથી નહિ પણ પોતાની પ્રકૃતિના માધુર્યથી તેનો કંઠ એટલો તો મધુર હતો અને તેનું વક્તૃત્વ એટલું તો અજબ હતું કે તે બધાને જાદુઈ અસર થતી; પણ આ જાદુ સેતાનનુ નહિ પણ દૈવી હતું.

તે વાંચી શકતી નહોતી. જ્યારે વિદ્વાનો તેને અઘરા સવાલો પૂછી બહુ મુંઝવતા અને હેરાન કરતા ત્યારે તે કહેતી કે “પ્રભુએ મને યુવરાજને ગાદીએ બેસાડવા નીમી છે. બીજુ હું કંઈ જાણતી નથી.”

આ દિવસો કંટાળાભરેલા હતા, પણ જોનનો ચહેરો હમેશાં પ્રફુલ્લિત રહેતો. જોનને જરા પણ વિશ્રામ મળતો નહોતો. તેના પરીક્ષકોને બધી જાતની સગવડ હતી, તોપણ જોને કોઈ વખત નહોતો કંટાળો દર્શાવ્યો કે નહોતો ક્રોધ કર્યો.

એક વખત એક વિદ્વાન તેને વિચિત્ર પ્રશ્નો પૂછવા લાગ્યો:–

“પ્રભુએ પોતાનું કામ પૂરું પાડવા તમને કેમ નીમ્યાં ? શું તેને પોતાને હાથ નથી ? તેને તમારી મદદની શી જરૂર છે ?”

કચેરીમાં ગડબડાટ શરૂ થયો; બધા જોનનો ઉત્તર સાંભળવા સચેત થયા. પહેલા વિદ્વાને ચારે તરફ નજર કરી અને લાકો ઉપર થયેલી અસર જોઇ ખુશી થયા, પણ જોન શાંતચિત્તે બેઠી હતી. તેના શબ્દોમાં જરાપણ મુંઝવણ કે વ્યગ્રતા નહોતાં.

“જે તેની મદદ ચાહે છે, તેને તે મદદ કરે છે. ફ્રાન્સના વીરપુત્રો લડશે, અને તે તેઓને વિજય આપશે.”

ચારે તરફથી શાબાશ ! શાબાશ ! એવા પોકારો ઉઠ્યા અને પેલા વિદ્વાનનું મોં લેવાઈ ગયું.

એક દિવસ તો એથી પણ અઘરા સવાલ તેને પૂછાયા:–

“ત્યારે તમારા ફિરિસ્તાઓ કયી ભાષા બોલે છે?”

“ફ્રેન્ચ.”

“શું ખરેખર ! તેઓ શુદ્ધ ફ્રેન્ચ બોલે છે ? ફ્રેન્ચ પણ તેઓ ભણે છે ?”

“હા, ઘણી સારી રીતે.”

“તમારા પોતાનાથી પણ સારી રીતે ?”

“તે હું કહી શકતી નથી, પણ તમારાથી તે વધારે શુદ્ધ તેઓ બાલે છે.”

ચારે બાજુથી આનંદ આનંદના અવાજો ઉઠ્યા. પરીક્ષા આગળ ચાલી:–

“તમને પ્રભુમાં શ્રદ્ધા છે ?”

“તમારાથી વધુ.”

“ત્યારે તમે તમારી દિવ્યતાની કંઈ નિશાની આપશો ?”

“મને ઓર્લિયન્સ મોકલો, ને પછી તે નિશાની તમે જોશે.”

જોનની આંખમાં અગન ઝરતી હતી. લોકોએ જોનને વધાવી લીધી. જોન શરમાઈને બેસી ગઈ, કારણ કે તે લોકોમાં પ્રખ્યાત થઈ હતી; તેનો વિજય થયો હતો. તે કોઈ દિવસ ફૂલાઈ જતી નહિ. પણ વિજય મળ્યે શરમાતી.

જોનનો ઉપલો ઉત્તર બધા ઇતિહાસમાં પ્રખ્યાત થઈ રહ્યો. બહુ અણગમો ઉત્પન્ન થતો ત્યારે તે કહેતી કેઃ–

“જુઓ, પ્રભુનો ગ્રંથ તમારાં બધાં થોથાં કરતાં ઉત્તમ છે; અને મારો આશય એ છે. હું તમને બધા વિદ્વાનોને કહું છું કે, તમે એ પ્રભુના ગ્રંથમાંથી એક અક્ષર પણ ઉકેલી શકતા નથી.”

અમારે ઉતારે જોન સાથે ચર્ચા ચલાવવા ઘણા વિદ્વાનો અને સાક્ષરો આવતા. આ સર્વ વિદ્વાન પુરુષો ઉપર જોનની જાદુઈ અસર થતી. તેના આ ગુણ કોઈ સમજાવી શકતું નહિ અથવા જતું નહિ. બધા કબૂલ કરતા કે, એને પ્રભુએ મોકલી છે.

આખો દિવસ જોન કોર્ટમાં જે જે બોલે, તેને કાયદાઓ લાગુ કરવામાં આવતા. જોનથી ઘણું કાચું પણ કતરાતું; પણ રાત્રે જ્યારે તે ખાનગી સભા ભરતી, ત્યારે જોન ન્યાયાધીશ હતી અને તેના ન્યાયાધીશો તેનો હાથ નીચે હતા. જોનને પોતાનું કાર્ય સફળ કરવા રાત્રિદિવસ મહેનત કરવી પડતી.

છેવટે જોનનો પક્ષ વધ્યો, અને લોકોમાં તેની લાગવગ પણ વધારે થઈ. ન્યાયાધીશોએ પોતાનું કામ છોડી દેવું પડ્યું. બીજે દિવસે તેઓએ આવો ચૂકાદો આપવા હુકમ કર્યોઃ–

“કુમારિકા જોન પ્રભુના ધર્મમાં છે, અને તેને પ્રભુની વિરુદ્ધ કોઈની પણ સહાય નથી; તેથી રાજાએ તેની માગણીને માન આપી તે જે મદદ માગે છે, તે તેને આપવી જોઈએ. જો રાજા તેની માગણી નાકબૂલ કરશે, તો પ્રભુને નાખુશ કરવા જેવું થશે. જો તે પ્રભુને નાખુશ કરશે, તો પ્રભુની તેના ઉપર ખફા મરજી ઉતરશે.”

કોર્ટ ઉઠી અને ચારે તરફથી આનંદના પોકારો ગાજ્યા. લોકોએ અભિનંદન આપવા જોનને ઘેરી લીધી, અને કેટલીક વાર સુધી તો મેં તેને એ ભરતીમાં દીઠી પણ નહિ.

(૭)

આ માટો દિવસ હતો.

અમે જીત્યા હતા. કાવત્રાખોરાનાં કાવત્રાં ધૂળમાં મળ્યાં હતાં. અમારી ખરી પ્રવૃત્તિ તો આજ થી શરૂ થઇ. નિસ્તેજ ફ્રાન્સ તેજસ્વી બની ઝળકવા લાગ્યું. જોનનું નામ સાંભળી ઉમંગ વગરના લોકોમાં હિંમત આવી. તે તેના વાવટા નીચે લડવા તૈયાર થવા લાગ્યા. વીરત્વનાં ગીતો અને રણસંગીત જ્યાં ત્યાં સંભળાવા લાગ્યાં. અમે બાલ્યાવસ્થાના દિવસો ડોમરેમીમાં ગાળ્યા હતા તે વખતનાં જોનનાં વચન મને યાદ આવ્યાં :—

“રણશિંગાં તેમને એકઠા કરશે; તેઓ એકઠા થશે અને કૂચ કરી જશે !”

એમ કહેવામાં આવે છે કે, વિપત્તિઓ આવે છે, ત્યારે એકલી નથી આવતી. એવી જ રીતે સંપત્તિ પણ એકલી નથી આવતી. અમારી અવદશાની રાત્રિ આજ આથમી ગઈ અને સદ્દભાગ્યનો સૂરજ ઉગ્યો. પુરુષનો પોશાક પહેરી સ્ત્રી લડવા નીકળે, એ ધર્મ તરફનો વાંધો હતો. હવે એ વાંધો પતી ગયો. મોટા મોટા વિદ્વાનોએ પણ કહ્યું કે, જોને સમયને અનુસરીને પુરુષનું કામ કરવાનું છે, તેથી તેને પુરુષનાં વસ્ત્ર પહેરવાની રજા છે. આ વાત અમારી તરફેણમાં હતી. પગલે પગલે અમારું ભાગ્ય ઉઘડવા લાગ્યું. આગલે દિવસે ચૂકાદો દૂતો મારફત રાજાને મોકલવામાં આવ્યો હતો. બીજે દિવસે સવાર પહેલાં અમે રણશિંગાના અવાજો સાંભળ્યા, એક, બે, ત્રણ; શાંતિ, એક, બે, ત્રણ; શાંતિ. એક, બે, ત્રણ; શાંતિ. એ તો ચોક્કસ હતું કે, રાજાએ ચોપદારો મારફત લોકો માં જાહેરનામુ કાઢ્યું હતું. દરેક ઘરમાંથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વસ્ત્ર પહેર્યા ન પહેર્યા કે બહાર દોડતાં હતાં. સઘળા રસ્તાઓ ભરચક ભરાઈ ગયા હતા. રણશિંગાના સૂર વધારે જોરથી ગાજવા લાગ્યા, પડઘા પડવા લાગ્યા અને લોકો વધારે ને વધારે ઉભરાતાં ચાલ્યાં. બહુ મહેનતે અમે ચોગાનમાં પહોંચ્યા, ત્યારે નીચેનું હુકમનામું સંભળાયું:

“પ્રભુની કૃપાથી ફ્રાન્સના ઉચ્ચ રાજ્યાધિકારી અને આજમ ચાર્લ્સ હુકમ કરે છે કે, તેણે કુમારિકા જોનને પૂર્ણ અધિકાર અને પૂર્ણ માન સાથે ફ્રાન્સના લશ્કરની સેનાધિપતિ બનાવી છે–”

આ પૂરું થયું ન થયું એટલામાં તો લાખો ટોપી ઉંચી ઉડી. લોકોએ હર્ષનાદોથી ગગન ફાડી નાખ્યું. પહેલાં તો લાગ્યું કે આ હર્ષનાદો કોઈ દિવસ પૂરાજ નહિ થાય, પણ ધીમે ધીમે પાછી શાંતિ પ્રસરી. ચોપદારે આગળ ચલાવ્યું કે :–

“—અને તેના મદદગારતરીકે રાજકુટુંબના એક કુંવર ડ્યૂક ઑફ અલેન્કોનની નીમણુંક કરવામાં આવી છે.”

હુકમનામું પૂરું થયું કે લાખો ઠેકાણેથી પાછા હર્ષનાદ થયા, અને ધીમે ધીમે તેના પડઘાઓએ શહેરની ગલીએ ગલી ગજવી મૂકી.

ફ્રાન્સના લશ્કરની ઉપરિ ! અને તેના હાથ નીચે રાજવંશી કુંવર ! કાલે તે કંઈ નહોતી–આજે તે આ હતી. કાલે તે સાર્જંટ કે સાધારણ લડવૈયાની જગ્યાએ પણ નહોતી, આજે તે સૌથી ઉંચી હતી. કાલે સઘળા તેના તરફ હસતા હતા, આજે સઘળા તેના તાબેદાર સેવક હતા. મને આ બધું વિચિત્ર લાગતું હતું, વિચિત્ર હતું તોપણ સત્ય હતું. આ સર્વ બાબતો વિષે હું વિચાર કરતો હતો.

મને બાલ્યાવસ્થા યાદ આવી. બધુ સ્વપ્ન માફકજ લાગતું. એક નાનકડા ગામમાં–જે ગામનું નામ કોઇએ ભાગ્યેજ સાંભળ્યું હોય એવા ગામમાં જોન ઉછરી હતી. તે તદ્દન અજ્ઞાન હતી. હતી તે કક્કો પણ શીખી નહોતી. હા, તે નાજુક અંગની બાલિકા હતી – અબળા હતી, તે પણ અચળ નિશ્ચયથી ધારેલો મનોરથ તેણે પરિપૂર્ણ કર્યો હતો. તેની લોકોમાં લાગવગ નહોતી. તેણે પાર પાડેલું કામ મહાભારત હતું. સીઝરે દુનિયા જીતી, પણ રોમનું ચુનંદામાં ચુનંદુ લશ્કર તેની પાસે હતું. ઉપરાંત તે પોતે પણ મહાન લડવૈયો હતો. નેપોલિયને યુરોપખંડ ધ્રુજાવ્યો, પણ તેના હાથ નીચે લાખો સ્વદેશાભિમાની યોદ્ધાઓ હતા. વાચક ! તું વિચાર કર. કુમારી જોને સીઝર કે નેપોલિયનથી પણ મોટું પરાક્રમ કર્યું હતું. સત્તર વર્ષની ઉંમરે કંઈ પણ લાગવગ સિવાય તે સેનાધિપતિ થઈ હતી. સત્તર વર્ષની વયે લશ્કરની સરદારી લઈ રણસંગ્રામમાં કોઈએ ઝૂમી અચળ કીર્તિ મેળવી હોય, તો એકમાત્ર જોનનોજ દાખલો દુનિયાના ઈતિહાસમાં મોજુદ છે.

મને આ બધું વિચિત્ર લાગતું હતું; વિચિત્ર હતું, તોપણ સત્ય હતું.

જોનનું અધિકારી તરીકેનું પહેલું કામ ઓર્લિયન્સના અંગ્રેજ સરદારને કિલ્લો ખાલી કરી ફ્રાન્સ બહાર ચાલી જવા ફરમાવવાનું હતુ. આ કાગળ બ્લોઈથી રવાના કરવાનો હતો. હવે માણસો, ખોરાક, પૈસા વગેરે ખૂબ ભરાવા લાગ્યું. બ્લોઈ હવે નવા લડવૈયાઓને દાખલ કરવાનું અને અમારો ભંડાર રાખવાનું મુખ્ય સ્થાન થયું.

દરમિયાન તેનું બખ્તર અને તેના વાવટા તૈયાર થઈ ગયા હતા.

ટૂર્ઝ ગામમાં ધમાલ મચી રહી હતી. જરા જરામાં ઘેાડાના ખોંખારવ સંભળાતા, રણસંગીત ગાજતું અને યોદ્ધાઓની ફૂચના અવાજ ઉઠતા. જ્યાં ત્યાં વીરગાન સંભળાતાં, ગામ અજાણ્યાથી ભરાઈ જતું, રસ્તાઓ અને ધર્મશાળાઓ ભરેલાંજ રહેતાં અને ઠેકઠેકાણે પ્રફુલ્લતા પ્રસરતી. જોનનું દર્શન કરવા લાખો માણસો આવતાં, પણ તેને પોતાના કામમાં એટલું બધું ગુંથાઇ રહેવું પડતું, અને એટલા અમીર-ઉમરાવોને મુલાકાત આપવી પડતી કે તે કોઈ દિવસ નવરીજ થતી નહોતી.

અમે બ્લોઈમાં ત્રણ દિવસ રહ્યા. અહા ! શું તે છાવણીનો દેખાવ ! જ્યાં જોઈએ ત્યાં અવ્યવસ્થા. સિપાઈઓ દારૂ પીતા, પોકારો પાડતા અને જેવા આવે એવા કસમ ખાતા. વળી જ્યાં ત્યાં બીભત્સ ભાષા સંભળાતી. ઉપરાંત ત્યાં કેટલીક વેશ્યાઓ હતી – એટલે કુત્સિતતાની તો વાતજ શું ?

હાયર નામનો જોનના હાથ નીચે યુદ્ધપ્રવીણ લડવૈયો હતો. તેણે પોતાની આખી જીંદગી લડાઈઓમાં અને બહારવટામાં કાઢી હતી. જાણે લોહનો અડગ સ્તંભ ઉભો હોય, એવું તેનું શરીર ભાસતું. વ્યવસ્થા રાખવાની તેની રીત અજાયબ જેવી હતી. જ્યાં તે જતો, ત્યાં પોતાનો પ્રચંડ હાથ ફેરવતો અને જેને એ હાથ લાગતો તે જમીન ઉપર બેવડો થઈ પડી જતો. સાથે સોગંદોના તો વરસાદજ વરસતા.

અમે આ સઘળી લીલા જોતા જોતા અમારી છાવણી તરફ ચાલ્યા. થોડેક છેટે ચાલ્યા કે અમે ફ્રાન્સના અધિકારી વર્ગને જોયો. જોનના હાથ નીચે આખા ફ્રાન્સમાં પંકાયેલા છ સરદાર હતા. તેઓ જ્યારે બખ્તર સજતા, ત્યારે તેઓ બહુ ભવ્ય લાગતા. એમાં ફ્રાન્સનો લૉર્ડ હાયર ઍડમીરલ તો ઘણો ફાંકડો હતો.

હાયર જોનનું સૌંદય અને સાથે સાથે તેનું શૈશવ જોઈ આશ્ચર્યચકિત થયો. જોને સરદારોને મળી લીધું, પછી હાયર સિવાય બીજા બધા ચાલ્યા ગયા. પોતાના તંબુમાં બેઠાં બેઠાં તે બન્ને લશ્કરની વ્યવસ્થા કરવા બાબત વાત કરતાં હતાં.

પહેલાં તો જોને કહ્યું કે, બધી વેશ્યાઓ નીકળી જવી જોઈએ. બીજું એ કે, સિપાઇઓની ખરાબ વર્તણુંકનો પ્રતિબંધ કરવો, અને દારૂની ચોક્કસ હદ સિવાય મના કરવી. પણ છેલ્લે તો જોને હદજ વાળી :—

“દરેક માણસ જે મારા વાવટા નીચે લડવા તૈયાર છે, તેણે પ્રાયશ્ચિત્ત કરી પાપથી મુક્ત થવું જોઇએ; તેમજ પ્રાર્થનાને વખતે દિવસમાં બે વખત હાજર રહેવું જોઈએ.”

હાયરની બધી ધીરજ ચાલી ગઈ “જહન્નમમાં ઉછરેલા એ પાપી સેતાનો પ્રાર્થના કરશે ? પહેલાં તો આપણ બન્નેને ફાંસીએ લટકાવશે.”

તેણે અનેક જાતના વાંધા ઉઠાવ્યા; સિપાઈઓની અનેક જાતની નિંદા કરી; પણ જોન તો પોતાની વાતને વળગી રહી. છેવટે હાયરે કહ્યું કે “હું બનતાં સુધી તાબે થઈશ; પણ જે કોઈ લડવૈયો મારી આજ્ઞા નહિ માને તો તેનું માથું હું ઉડાવી દઈશ.” જોને હસતાં હસતાં આ દલીલ સામે પણ વાંધો કાઢ્યો. તેણે કહ્યું કે સઘળાએ પોતાની રાજીખુશીથીજ પ્રાર્થના કરવી જોઈએ. જોનના દયાળુ હૈયાની તો વાતજ શી ! જોનની એક બીજી વાતથી હાયર વધારે મુંઝાયો :—

“હાયર ! મારા પ્રિય સરદાર ! ત્યારે તમે પણ પ્રાર્થના કરશોને ?”

“હું ? ! કોઈ દિવસ નહિ. હું પ્રાર્થના કરું એ કોઈ દિવસ બને ? મેં કોઈ દિવસ પ્રાર્થના કરી નથી. પ્રાર્થના કેમ કરવી એ મને આવડતું નથી. કસમ ખાઈને કહું છું કે –”

“કસમ તમારા છોડી દો. પ્રાર્થના તમારે કરવી જ જોઈએ.”

સિંહ નરમ થઈ જાય તેમ પાપમાં અને પ્રપંચમાં આ પ્રવીણ પુરુષ છેવટે પ્રાર્થના કરવા કબૂલ થયો.

અમે આ ન માન્યું; પણ હા ! બીજેજ દિવસે સવારે તેને અમે પ્રાર્થના કરતો જોયો. તે પ્રાર્થના કરતો હતો તે જોનને લીધેજ. અને એટલે પવિત્ર દેખાવા એ ડોળ કરતો હતો પણ તેના મોંમાંથી સોગનના વરસાદ વરસતા. ગમે તેમ હોય પણ હવે રાક્ષસ દેવ થયો હતો. જે માણસની આંખો જોનની આંખો સાથે મળતી તે માણસ પછી પોતાના મનના માલીક નહિ રહેતાં તેનું મન જોનને વશ વર્તતું.

હાયર ધીમે ધીમે સુધર્યો. લશ્કર પણ ત્રણ દિવસમાં વ્યવસ્થિત થઈ ગયું. સઘળી વેશ્યાઓ ચાલી ગઈ હતી. દિવસમાં બે વાર પ્રભુપ્રાર્થના થતી. હાયરને મન તો આ બધુ સ્વપ્ન માફકજ હતું. તે આ માની શકતો નહોતો, પણ હવે તે લશ્કરને જોઈ ખુશી થતો, બધી વાતમાં તેનું મન સારી રીતે માનતું. લશ્કરમાં તેની શ્રદ્ધા વધી. તે વારેઘડીએ કહેતો:—

“બે ત્રણ દિવસ પહેલાં તો કૂતરાને ભસતું સાંભળીને પણ લશ્કર નાસી જાય એવું હતું, પણ હવે તો તે દોઝખના પણ કિલ્લાઓને ઘેરો ઘાલી શકે એવું બન્યું છે !”

જોન અને હાયરની મૈત્રી સારી રીતે જામી હતી. વળી તેઓમાં ફેર પણ કેટલો ? ક્યાં પેલાનું રાક્ષસી શરીર અને ક્યાં આ દેવી ! ક્યાં પેલાનાં પૂર્વકાળનાં પાપ અને ક્યાં આનું વિમળું મન !

દિવસમાં દશબાર વખત તેઓ છાવણીમાં આવી જતાં અને જે જે ખામી માલૂમ પડતી, તે તે સુધારતાં. જ્યાં જ્યાં તેઓ જતાં, ત્યાં ત્યાં તેઓને વધાવી લેવામાં આવતાં.

અમે બ્લોઈમાં ત્રણ દિવસ રહ્યા, ત્યાંસુધી જોને બને તેટલે ઠેકાણે સાત્ત્વિકતા પ્રસારવા પ્રયત્ન કર્યો. અજાયબ જેવું તો એ હતું કે, જોન કોઈપણ દિવસ એક પણ બાબતથી કંટાળતી નહોતી.

એક દિવસ હું તંબુ તરફ આવતો હતો, ત્યારે જોન રડતી હોય એવું મને લાગ્યું, પણ તપાસ કરતાં માલુમ પડ્યું કે, તે પેટ ફાટાફાટ હસતી હતી. હસવાનું નિમિત્ત હાયર હતો. તે જ્યારે પ્રાર્થના કરતો. ત્યારે એટલે નમ્ર થઈ જતો કે તેનો સિંહ જેવો સ્વભાવ જે આખો દિવસ જોતા હતા, તેઓને હસવું ઉપજ્યા વગર રહેતું જ નહિ.

મારા ત્રેસઠમા વર્ષમાં મારી નજર આગળ આ ચિત્ર આબેહૂબ તરવરી આવે છે – તરવરી આવે છે અને હું રોઉં છું; કારણ કે જોનના મૃત્યુ પછી તો મારૂં હાસ્ય સદાને માટે વિરમી ગયું છે.

(૯)

અમે પૂરભપકામાં ઓર્લિયન્સ તરફ ઉપડ્યા. અમારામાંના કોઈએ વ્યવસ્થાસર લશ્કર કૂચ કરતું જોયું નહોતું, અને હવે આ ભવ્ય દેખાવ જોઇને તો અમે હર્ષઘેલાજ થઇ ગયા.

અમારા લશ્કરની જૂદી જૂદી ટુકડીઓ પાડી નાખવામાં આવી હતી. એક એક ટુકડી ઉપર એક એક સરદાર હતો. આગળ કહ્યા પ્રમાણે પહેલાં તો આ સર્વ સરદારો બહારવટીઆ હતા, અને તેથી તાબે થવાનું શિક્ષણ તેઓને મળ્યું નહોતું. તાબેદારીને તેઓ ઓળખતાજ નહિ.

રાજાનો હુકમ હતો કે, તમારે જોનને તાબે થવું; પણ હુકમ હતો તેથી શું ? પોતાની મરજી હોય એવીજ બાબતમાં તેઓ રાજાને તાબે રહેતા, ત્યાં પછી જોન શું વિસાત માં ? તેઓ જોનને માન આપતા; જોન વિજય અપાવશે એવું ધારતા; પણ સત્તર વર્ષની છોકરીને તેઓ યુદ્ધકળામાં પ્રવીણ કેવી રીતે ગણી શકે ?

જોનનો વિચાર લોઇરના ઉત્તર કિનારાને ઓળંગી સીધે સીધો ઓર્લિયન્સ ઉપર અચાનક હલ્લો કરવાનો હતો; પણ સરદારો છુપી રીતે જોનની વિરુદ્ધ હતા. તેઓ જોનના વિચારોને ભૂલભરેલા લેખતા હતા, તેઓએ ઓર્લિયન્સના સુબાનો અભિપ્રાય પૂછાવ્યેા. એ પણ જોનની વિરુદ્ધ હતો.

તેથી તેઓ જોનને છેતરવા લાગ્યા. જોન સરદારો ઉપર વિશ્વાસ રાખી કામ કરતી, પણ હવે તેને ધડો મળ્યો. જોનનો વિચાર લડીને અંગ્રેજોને બહાર હાંકી કાઢવાનો હતો, જ્યારે બીજા સરદારોનો વિચાર અંગ્રેજોની આસપાસ ઘેરો ઘાલી ભૂખે મારવાનો હતો. જોનનો વિચાર થોડાક દિવસમાં બધું ઉકેલી નાખવાનો હતો, પણ બીજાઓ ધીમે ધીમે ફતેહ મેળવવા ઇચ્છતા હતા; પણ જોનના મનમાં જે વાત હતી, તે બીજાઓના મનમાં નહોતી. અંગ્રેજ સિપાઇઓ ઘણા વહેમી હતા. ઉપરાંત ઘણા દિવસ આળસુ રહેવાથી બેદરકાર બની ગયા હતા. તેઓ માનતા હતા કે, જોનને સેતાનની મદદ છે. બીજી બાજુ જોઇએ, તો અમારૂં લશ્કર તાજું અને ઉલ્લાસથી ભરપૂર હતું.

જોન છાવણીમાં બખ્તર પહેરી સૂઈ રહેતી. જેમ જેમ અમે આગળ વધતા ગયા, તેમ તેમ જોનનો ઉમંગ વધતો ચાલ્યો; પણ જ્યારે તેને “હું છેતરાઈ છું” એવી ખબર પડી, ત્યારે તેના ક્રોધનો પાર રહ્યો નહિ. લડવૈયાઓ યુદ્ધ માટે આતુર થઇ રહ્યા હતા, તેઓ પણ ઘણા નિરાશ થઈ ગયા.

જ્યારે ઓર્લિયન્સનો સુબો જોનને સત્કાર કરવા આવ્યો, ત્યારે પણ જોનનો ક્રોધ ઓછો થયો નહોતો. ક્રોધથી જોને કહ્યું :– “શું તમે ઓર્લિયન્સના સુબા છો ?”

“હા.”

“અને શું તમે પ્રપંચ કરી મારી વિરુદ્ધ ચાલવા હિંમત કરી ?”

જોનના ક્રોધથી તેને શરમ લાગી. તેણે ઘણાં ઘણાં બહાનાં કાઢ્યાં, ઘણી ઘણી યુદ્ધકળાની બાબતો કાઢી પણ જોને કહ્યું :–

“પ્રભુનું નામ લઈને કહું છું કે, તમારી અક્કલ કરતાં મારા સ્વામીની અક્કલ વધારે સારી અને સહીસલામતીભરેલી છે. ઓર્લિયન્સને બચાવવા ખોરાકનો ભંડાર મારી પાસે છે, મછવાઓ પણ તૈયાર છે; પણ પવન અનુકૂળ નથી. ત્યારે કહો, તમે ડાહ્યા છો તો મારા માર્ગમાં વિઘ્ન શું કામ નાખેા છો ?” તેઓએ કબૂલ કર્યું કે, અમે ભૂલ કરી છે. ત્યારપછી તેઓને જણાવ્યું કે અભણ જોનમાં ઉચ્ચબુદ્ધિનો પ્રભાવ છે; અને તેને છેતરવી, એ બહુ દુર્ઘટ છે.

“વળી કહો,તમે લશ્કરને અહીં લાવ્યા. હવે શું કરવું ?”

સરદારોએ પોતાની ભૂલ કબૂલ રાખી. અમારે નકામી તકલીફ ઉઠાવવી પડી હતી. ત્યાંથી આવ્યા ત્યાં પાછી અમારે કૂચ કરવાની હતી.

જોનને ઠેકાણે બીજી કોઈ છોકરી હોત, તો આવા આવા પ્રવીણ પુરુષો ઉપર જીત મેળવ્યાથી ફૂલાઈ જાત; પણ જોન ન ફૂલાતાં તુરતજ કામે લાગી. મુખ્ય લશ્કરને રવાના થવાની તેણે ગોઠવણ કરી અને પોતે હાચરની સાથે હજાર સિપાઈઓની સરદારી લઈ ઓર્લિયન્સ તરફ પ્રયાણ કર્યું . અરે શું ત્યારનો ઓર્લિયન્સનો દેખાવ ! લોકાની ઠઠ; ઝળહળતી મશાલો; હર્ષના એટલા અવાજો; ઘંટાના અવાજો અને તોપના ધડાકા આ સઘળું હું કોઈ દિવસ ભૂલી જઈશ નહિ.

લોકોની આંખમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. જોને ધેાળા ઘેાડા ઉપર સ્વારી કરી હતી. ધીમે ધીમે તેને માટે રસ્તો થયો. કોઈ દિવ્ય દેવીની મૂર્તિના જેવી તે જણાતી હતી. લોકો તેના પગ ચૂમતા અને જેના એ કોડ પૂરા ન થતા, તે તેના ઘોડાને અડી પોતાની આંગળીઓ ચૂમી લેતા. જોન જે જે કરતી, તે તે લોકો ખુશી થઇને જોતા અને તેને શાબાશી આપતા.

વારે ઘડીએ કાને આવા શબ્દો અથડાતા :—

“જુઓ તે કેવી હસે છે !” “કેવી ભવ્યતાથી તે સલામ ઝીલે છે !” “ઘોડા ઉપર તેને કેવું સરસ બેસતાં આવડે છે !” ‘“જુઓ, તેણે પેલી ગરીબ સ્ત્રીનાં છોકરાંને આશિષ દીધી ! અહો ! એ કેવું દિવ્ય લાગે છે !” વગેરે.

એવામાં અચાનક તેના વાવટાનો છેડો મશાલમાં જરાક દાઝ્યો.

“જોન આગથી કે કશાથી પણ બ્હીતી નથી !” ચારે તરફથી લાકોએ હર્ષનાદ કર્યા અને ધરતી ધ્રૂજી ઉઠી.

જોને લોકો સાથે પ્રભુપ્રાર્થના કરી. જ્યારે તે પાછી ફરી ત્યારે પણ હર્ષઘેલા લોકોના હર્ષનાદ એવા ને એવા હતા. તે આખી રાત્રિ લોકોએ ઉજાણી કરી ઉત્સવ પાળ્યો.

જોન હવે રંગભૂમિ ઉપર આવી હતી, પણ તેનો પાઠ તો હજી હવેજ શરૂ થવાનો હતો.

(૧૦)

જોન ગમે તે કામ માટે તૈયાર હતી, પણ જ્યાંસુધી લશ્કર આવી પહોંચે, ત્યાંસુધી તેને થોભવાની જરૂર હતી.

બીજી સવારે – ૩૦ મી એપ્રીલે – તેણે અંગ્રેજો ઉપર જે જાહેરનામું કાઢ્યું હતું, તેનો હવે તેણે ઉત્તર માગ્યો. તપાસ કરતાં જવાબ મળ્યો કે, દૂત હજીસુધી આવ્યો નથી. તેથી તેણે એક નવો કાગળ લખાવી કિલ્લાનો ઘેરો ઉઠાવી લેવા અને આગળ મોકલેલા દૂતને પાછો સોંપવા બે ચોપદારોને મોકલ્યા; પણ ચોપદારો દૂતને લીધા વગર આવ્યા. અંગ્રેજોએ જોનને કહાવ્યું હતું કે, જો તું તુરતજ તારા ગાયો ચારવાના ધંધામાં નહિ વળગે, તો અમે તને જીવતી ને જીવતી બાળી નાખીશું. જોને મૌન ધારણ કર્યું અને કહ્યું કે, હું તેઓ ઉપરથી દુઃખ દૂર કરવા માગું છું; છતાં તેઓ તે નજ માને તો તેઓની સ્થિતિ દયાને પાત્ર છે. બીજે દિવસે તેણે લૉર્ડ ટેલબૉટને સંદેશો મોકલાવ્યો કે, જો હું તમને હરાવું, તો તમે ફ્રાન્સ બહાર ચાલ્યા જાઓ; અને જો તમે મને હરાવો, તો તમારી મરજી પ્રમાણે મને જીવતી બાળી નાખજો.

પણ સામાવાળાઓએ યુદ્ધ કરવા ના પાડી.

બીજે દિવસે જોને ચુનંદા પાંચસો લડવૈયાઓ મંગાવ્યા.

પછી લશ્કરની વ્યુહરચના થવા માંડી. નિરાશ થયેલાઓની આશા જોનને જોઈ સતેજ થઈ. જોનની પાસેથી જેમ એક એક ટુકડી જતી હતી, તેમ ખુશાલીના પોકાર પાડતી હતી. જોન આ વખતે પંદર વર્ષની લાગતી હતી. લડવૈયાઓને જોઈ તેના ગાલ ઉપર હમેશાં લાલી આવતી અને તેની આંખો વધારે ઉગ્ર થતી. તે આ પૃથ્વી ઉપર રહેતી હોય, એવું તેના દેખાવ ઉપરથી જરાપણ લાગતું નહોતું. તેનું સૌંદર્ય અને તેની છટા અલૌકિક જ હતાં.

તે વખતે સામાનના એક ગાડામાં જોને એક માણસને મુસ્કેટાટ બાંધેલો જોયો. તુરતજ જોને તેને માટે પૂછપરછ કરી :

“એનો દોષ શું છે ?”

“લશ્કરમાંથી તે નાસી ગયો હતો.”

“હવે એને શું કરવું છે ?”

“ફાંસીએ લટકાવવો છે.”

“એનો ઇતિહાસ કહો.”

“યુદ્ધમાં તો એ શૂરવીર છે, પણ તેણે કહ્યું કે, મારી સ્ત્રી મરણપથારીએ છે. તેને રજા ન મળી તો પણ તે ચાલ્યો ગયો. દરમિયાન લશ્કરની કૂચ શરૂ થઈ, અને કાલે સાંજેજ તેણે આપણને પકડી પાડ્યાં.”

“પેાતાનીજ ઈચ્છાથી ?”

“જી, હા.”

“ત્યારે તે પછી પોતાનીજ ઇચ્છાથી લશ્કર નહોતો છોડી ગયો. તેને મારી પાસે લાવો. પ્રભુ ! પ્રભુ !”

તેને હાથે બાંધેલા દોરડાં જોને કાપી નાખ્યાં. તે માણસના હાથ લોહીલુહાણ થઈ ગયા હતા. “અરે લેાહી ! — મને લેાહી ગમતું નથી.” જોન લોહી જોઈ કંપી ઉઠી, પણ એ માત્ર એક જ પળ. પછી તેણે મલમપટાની સામગ્રી માગી.

એક સરદારે કહ્યું “તમે તકલીફ ઉઠાવવી રહેવા દો. હું બીજા કોઈને બોલાવી લાવું. તમારી પદવીને લાયક એ કામ નથી.”

“મારી પદવીને લાયક નહિ ? હું કોણ ? મનુષ્યસેવા મારી પદવીને લાયક નહિ ? સરદાર ! એવું બોલો નહિ. જગતસેવા ગમે એવી નાની પદવીને પણ શોભાવે છે. મેં કદાપિ તેના હાથ બાંધ્યા હોત, તો લોહી ન નીકળત.”

જ્યારે જોન મલમપટો કરતી હતી ત્યારે તે માણસ છુપી રીતે નીચી મુંડી ઘાલી, જેમ કોઈ પશુ ચારા નીરનારને જુએ તેમ જોતો હતો. અધિકારી વર્ગ પણ જોન કેમ મલમપટો કરે છે, તે જોઈ રહ્યો. તેઓનું ધ્યાન લશ્કર તરફ નહોતું. કેટલીક વખત નાની જેવી બાબતોમાં પણ લોકો પોતાને ભૂલી જાય છે. લોકો એમ કેમ કરે છે ? એનું કારણ જ નથી. તેઓ એવા છે, અને તેઓને એવા આપણે માની લેવાજ જોઈએ.

જોને પછી તે માણસને તેના ઇતિહાસ પૂછ્યો.

“દેવિ ! મારી મા મરી ગઈ અને તેની પછવાડે એક પછી એક મારાં ત્રણ છોકરાં ચાલી નીકળ્યાં. ત્યારે દુકાળ હતો. જ્યારે તેઓ મરણ પામ્યાં ત્યારે હું પાસે હતો. મેં તેઓની પાછળ સઘળી ક્રિયાઓ કરી. પછી મારી સ્ત્રી મરણપથારીએ પડી. તેને હું કેમ એકલી મરવા દઉં ? હું કદાચ મરતો હોઉં, તો શું તે પોતે મારી પાસે ન આવે ? અરે ! તે આવેજ; આગમાંથી નીકળીને પણ આવે, તેથી હું ગયો. મને આલિંગન દેતાં દેતાં તેના પ્રાણ ગયા. પછી તેની ક્રિયાઓ કરી બનતી ઝડપે હું પાછો આવ્યો.”

“આ સાચી વાત લાગે છે – મારા તરફ જો,” બન્નેની આંખો મળી – એકત્ર થઈ.

“જા, હું તને માફી આપુ છું: પણ તને ખબર હતી કે જો તું પાછો ફરશે, તો તને ફાંસીએ લટકાવવામાં આવશે ?”

“જી, હા.”

“ત્યારે તું કેમ પાછો આવ્યો ?”

“કારણ કે સ્નેહ રાખવા જેવી મારે પૃથ્વીમાં એક પણ વસ્તુ રહી નહિ.”

જોનની આંખો ઝબકી.

“અરે ! સ્નેહ રાખવા માટે ફ્રાન્સ છે ! હા, હજી ફ્રાન્સ રહ્યું છે ! ફ્રાન્સનાં બાળકોને ચાહવા માટે ફ્રાન્સ માતા છે. એ બાળકોને સ્નેહ રાખવા કંઈ નથી, એવું તો નથીજ. ફ્રાન્સને માટે તું જીવજે – અને ફ્રાન્સની તું સેવા કરજે–”

“હું તમારી સેવા કરીશ !”

“તું ફ્રાન્સને માટે લડજે...”

“હું તમારે માટે લડીશ !”

“તું ફ્રાન્સનો સિપાઈ થજે...”

“હું તમારો સિપાઈ થઈશ !”

“ભલે, તું કહે છે તેમ થજે; પણ તારું નામ શું ?”

“લોકો મને મશ્કરીમાં બટુક કહે છે.”

જોન હસી; કારણ કે આખા લશ્કરમાં મજબૂતમાં મજબૂત અને ઉંચામાં ઉંચો માણસ એ હતો.

“વાહ બટુકજી ! તમે તો રાક્ષસ જેવા છો. પેલી તરવારનું શું કામ છે ?”

“ફ્રાન્સને માન આપવા શીખવવાનું એ સાધન છે.”

“અને તું દરરોજ કેટલા પાઠ પઢાવે છે ? પછી તારા નિશાળીઆ તો શાંત થઇ જતા હશે ! પછી તો બોલતા પણ નહિ હોય ?”

જોને તેને તે દિવસે પોતાના અંગરક્ષકની જગ્યા આપી.

બટુક અમને આમ મળ્યો. તે સારો માણસ હતો. બીજા ઉપર સ્નેહ રાખવાનું તે પસંદ કરતો, અને તેથી બીજાઓ તેના ઉપર સ્નેહ રાખતા. જોનની બાબત આખી દુનિયાની બાબતો કરતાં તેને વધારે વહાલી હતી. અમને એ માણસ ઘણો પ્રિય હતો. એ અમને માન આપતો, અને અમે એને માન આપતા. બટુકને મન જોન ફ્રાન્સ હતી, અને તેની માન્યતા પણ ખરી હતી. સ્વતંત્રતાનું પૂતળું કરીને લોકો તેને પૂજે છે એમ એ પણ જોનની મૂર્તિને મનમાં ખડી કરીને તેનેજ ફ્રાન્સતરીકે પૂજતો, અને જોન ફ્રાન્સજ હતી. કોઇ કોઇ વખત તો બટુક જોનને ‘ફ્રાન્સ’ કહીનેજ બોલાવતો.

કૂચ પૂરી થઈ કે જોન મોખરે ચાલવા લાગી. છેટે કિલ્લાઓના બૂરજ દેખાવા લાગ્યા. અમે ત્યાં નિશાન તાકવા માટે તૈયાર ઉભેલા અમારા તોપચીઓને જોયા. મારી આંખો ઝાંખી થઈ, સૃષ્ટિ ચકડોળે ચઢી. મને લાગ્યું કે બીજાઓને પણ ફેર આવે છે, પરંતુ જોન અડગ હતી. તેને મન શાંતિ હતી. તેની ભાલરેખા ઉપર ચિંતાનું કે ભયનું નામ પણ નહોતું, સર્વત્ર શાંતિ હતી. એ શાંતિનો ભંગ કરનાર માત્ર અમારા ઘોડાઓની ખરીઓની ટાપ સિવાય કોઇ ન બોલતું કે ચાલતું. મને છીંક આવતી હતી, પણ છીંક ખાવાનું પણ થોડાક વખત મેં મુલતવી રાખ્યું.

કંઇ પણ સૂચનાઓ કરવાનો મને અધિકાર નહોતો; નહિ તો હું એવી સૂચના કરત કે આમ ધીમે ધીમે ચાલવા કરતાં પૂરપાટ કિલ્લાની અંદર દાખલ થઈ જવું. ગમે તેમ હોય પણ હું બ્હીતો હતો. થોડેક ચાલ્યા, એટલામાં દુશ્મનની એક મોટી તોપ બરાબર મારી સામેજ મેં ગોઠવાયેલી જોઈ. મારું ધ્યાન આવી આવી બાબતોમાં હતું, એવામાં એક ગધેડું ભૂંક્યું. હું ભડકી ઉઠ્યો અને બૂરા હવાલે મારા ઘોડા ઉપરથી નીચે પડ્યો. અંગ્રેજ લડવૈયાઓ આ જોઇને હસી પડ્યા. તુરતજ મારા સાથીઓએ મને જમીન ઉપરથી ઉભો કર્યો. ગમે એમ હોય, પણ અંગ્રેજોએ અમને જરા પણ હેરાન કર્યા નહિ. અમારે મરવું ન પડ્યું કે તેઓએ અમારા ઉપર એક ગોળી પણ ન છોડી. કેટલાક કહે છે કે, તેઓ જોનને જોઈ અંજાઈ ગયા હતા; અને તેને સેતાનની સાથી માનીને તે ડાકણની સાથે યુદ્ધ કરવું અયોગ્ય માનતા હતા. જે હોય તે ખરૂં, પણ અમે શાંતિથી કિલ્લામાં જઈ શક્યા. માર્ગમાં પ્રભુપ્રાર્થનાનું મારા ઉપર જે દેવું રહી ગયું હતું, તે પ્રાર્થના કરીને મેં વાળી દીધું.

ઇતિહાસકારો જે વાત જાણતા નથી, તે વાત હું જાણું છું. અને તે એ કે, જોને પૂલ પાસેના કિલ્લાઓને ઘેરો ઘાલવાની પહેલેથી ઈચ્છા કરી હતી. કારણ કે ત્યાં દુશ્મનો તરફથી બહુ જાપ્તો રાખવામાં આવ્યો નહોતો. બીજા સરદારો જોનની વિરુદ્ધ હતા, પણ છેવટે જોનનું ધાર્યું થયું. અમે ઓર્લિયન્સમાં વિજયના પોકાર કરતા પેઠા. થોડી વાર પછી આખું ગામ ઘોર નિદ્રામાં પડ્યું.

(૧૧)

બપોરે હું સુખશાંતિમાં બેઠો હતો, એવામાં કોઈએ આવી કહ્યું કે “ઉઠો, ઉઠો !” જોન ખુરશીમાં સૂતી હતી, તે જાગી ઉઠી ને અચાનક બૂમો પાડે છે કે “ફ્રેન્ચ લોહી રેડાય છે ! ફ્રેન્ચ લેાહી રેડાય છે ! મારાં શસ્ત્રો આપો –મારાં હથિયાર આપો.” અંગરક્ષક દરવાજે હતો, તેણે આ વિષે સરદારોને કહ્યું. થોડા વખતમાં તો બધાને જોનની સ્થિતિ માલુમ પડી ગઈ.

અમે એકદમ જોન તરફ દોડી ગયા. હથિયારો સાથે તે અમને માર્ગમાં મળી. બારણાં તરફ જતાં તે બૂમ પાડતી હતી :—

“ફ્રેન્ચ લોહી રેડાય છે – ફ્રેન્ચ લોહી.” મારા તરફ ફરી કહ્યું “ફ્રેન્ચ લોહી રેડાય છે, અને તેં મને એ વિષે ખબર કેમ ન કરી ?”

“બધું શાંત છે, અને હું કંઈ જાણતો નથી” મેં જવાબ દીધો.

“હમણાંજ તને યુદ્ધનાદો સંભળાશે” એમ કહીને તે નજર બહાર નીકળી ગઈ, અને એ સાચું પણ હતું. એક પળમાં તો ઘેાડાની ખરીઓના અવાજો સંભળાયા, અને બીજી પળે તો ભડ ! ભડ ! ભડ ! તોપો ફૂટવા લાગી.

અમારા સરદારો પોતાનાં શસ્ત્ર અને ઘોડાઓને લઈને આવ્યા હતા. તેઓ સઘળા જોનની પાછળ ધસી ગયા. પહેલાં તો કંઈ વ્યવસ્થા નહોતી; પણ જોન જ્યારે નજરે પડી, ત્યારે ચારે બાજુથી હર્ષનાદો ગાજવા લાગ્યા.

જોને ઘોડો માગ્યો. તરતજ પચાસ ઘોડા આગળ આવ્યા. જોન એક ઘોડા ઉપર સવાર થઇ.

“રસ્તો કરો ! ઓર્લિયન્સની કુમારિકા માટે રસ્તો કરો !” ઓર્લિયન્સની કુમારિકા એ જોનનું નામ પહેલી વાર મેં સાંભળ્યું. તેને માટે હું પ્રભુનો આભાર માનું છું. વહાણ આવતાં સમુદ્રનાં પાણી બે ભાગમાં વહેંચાઈ જાય, તેમ જોન માટે રસ્તો થયો. જોન પંખીના જેવા સૂરથી બૂમ પાડતી હતી “વધો ! આગળ વધો ! મારા બંધુઓ ! મારા વીરાઓ ! આગળ વધો !” અમારો વાવટો એકદમ આગળ વધ્યો.

અગાઉની કૂચ કરતાં આ કૂચ જૂદીજ જાતની હતી. અમને આ વખતે જરા પણ ભય નહોતો. અમારો ઉત્સાહ આ વખતે અખૂટ હતો. સેન્ટ લૂપ આગળ અમારા સૈનિકોનું લોહી રેડાતું હતું. કંઇ પણ હુકમ વિના આ લોકો જુસ્સામાં ને જુસ્સામાં એ કિલ્લો લેવા ધસી ગયા હતા, અને હમણાં હારવાની તૈયારીમાં હતા. અમે બારણામાં થઈ કિલ્લામાં જતા હતા, એવામાં ઘવાયેલા ફ્રેન્ચ લડવૈયાઓને લઇને થોડાંક માણસોને આવતાં જોઈને તે દેખાવથી જોન કમકમી ઉઠી :—

“અરે ફ્રેંચ લેાહી ! ફ્રેંચ લેાહી જોઈ મારાં રૂવાડાં ઉભાં થાય છે!?” અમે તુરતજ રણમાં ધસી ગયા. આ અમારું પહેલું જ યુદ્ધ હતું. કિલ્લાના અંગ્રેજ સિપાઈઓ ખુલ્લા મેદાનમાં લડવા આવ્યા હતા. કારણ કે ત્યારે જોન ન હોય, ત્યારે તેઓ અપ્રતિમ શૌર્યથી લડતા; પણ હવે જ્યારે ‘ધસો’ ‘ધસો’ કરતી જોન આવી, ત્યારે બાજી પલટાઈ ગઈ. અમારા પક્ષના નાસતા લડવૈયાઓ આગળ વધ્યા, અને દરિયાના મોજાંની માફક અંગ્રેજોને ઘેરી લીધા.

અમારા બટુકજી પણ સારી રીતે કામ કરતા હતા. જે કોઈ તેની કુહાડી નીચે આવતું, તેના તુરતજ કટકા થઈ જતા. એ કહેતો કે, હું સોપારી ભાગું છું, અને ખરેખર, એ સેપારી ભાંગતો હોય એમજ દેખાતું હતું. અમે જોનની ચારે તરફ ફરી વળી તેના અંગનું રક્ષણ કરતા હતા. જયાં જ્યાં અમારી તલવાર પડતી, ત્યાં ત્યાં એક એક દુશ્મન ઓછો થતો.

થોડીક પળમાં અમારાં નવાં માણસો આવ્યાં, અને અંગ્રેજોને નાસતાં નાસતાં લડવું પડ્યું. એ પણ બહાદુરીથી લડ્યા, પરંતુ તેઓને કિલ્લામાં નાસી ગયા વિના છૂટકો નહોતો. અમારી ચારે બાજુ ઘવાયેલાઓના અને મરેલાઓના ઢગલેઢગલા પડ્યા હતા. એ જોઇને અમને કમકમાટી ઉપજી. અમે અમારી સૌથી પહેલી કૂચમાં ઘણી લડાઇ લડ્યા હતા, પણ ત્યારે રાત્રિ હોવાથી આ ક્રૂર દેખાવ અમારી નજરે પડ્યો નહોતો.

જોનના સરદારો તેની આજુબાજુ ફરી વળ્યા. તેઓ ઘણા આનંદમાં હતા. તેઓએ કહ્યું કે, શહેરના લોકો લડાઈ જોતા હતા; અને હવે આપણે વિજયી થયા છીએ, એટલે બહુ મોજ પડશે.

“હમણાં જવું ? હમણાં નહિ.” જોન બોલી.

“ત્યારે હવે શું કામ આપણે અહીં રહેવું ?” આપણે હજી તો કિલ્લો લેવાનો છે. આ તો હજી શરૂઆત જ છે.”

“અરે ! એમ કેમ બને ? એવો પ્રયત્ન કરો, એજ મૂર્ખાઈ છે; અમે તો લશ્કરને પાછા વળવાના હુકમ કરીએ છીએ.”

જોનના હૃદયમાં વીરતાના રંગ રમી રહ્યો હતો. આવાં વચન સાંભળી તેના ઉત્સાહમાં ભંગ પડ્યો.

“અરે, અરે ! શું આપણે અંગ્રેજો સાથે રમ્યાજ કરીશું ? કોઇ દિવસ નહિ લડીએ ? આપણે કિલ્લા ઉપર હુમલો કરીશુજ. સરદાર ! હુકમ આપો.”

“અરે પણ—”

“પણ બણ કંઈ નહિ. ટાયલામાં વખત ન ગુમાવો. રણશિંગાં ફુંકો.” જોનની આંખમાં અજબ તેજ ભભુકતું હતું.

હુકમ અપાયો, અને લશ્કર વીરનાદ કરતું ધસી ગયું. શત્રુ તરફથી તોપના ગોળા છૂટતા હતા. ચારે બાજુ અગ્નિ વરસતો હતો.

એક વખત અમે હઠ્યા; બીજી વખત તેઓ હઠ્યા; હાર ઉપર હાર ખાધી; પણ જોન ત્યાંથી ખસી નહિ. ત્રણ કલાક ભરતીઓટ ચાલી. પણ હાયરે છેલ્લો હુમલો કર્યો અને અમે જીત્યા. સેટલૂપનો કિલ્લો હવે અમારો હતો.

સઘળા જોનને શોધવા લાગ્યા, કારણ કે તેના ઘોડા ઉપર એ નહોતી. ઘણી મહેનત પછી અમે એને મુડદાંઓના ઢગલામાં જોઈ. તે મરણ પામેલા મિત્ર અને શત્રુઓની સ્ત્રીઓ, બહેનો અને માતાએાની શું સ્થિતિ થશે ? તેનો એ વિચાર કરતી હતી.

અમે જેને કેદ પકડ્યા, તેમાં ઘણા પાદરી લાકો હતા. જોને તેઓનું રક્ષણ કર્યું અને જીંદગી બચાવી. અમે જોનને કહ્યું કે, તેઓ લડવૈયા છે. પણ આપણને છેતરવા માટે તેઓએ પાદરીનો પોશાક પહેર્યો છે. પણ જોન બોલી:—

“એથી શું ? તેઓએ પ્રભુના સેવકોનાં વસ્ત્ર પહેર્યા છે. એમાં એકાદ પણ પવિત્ર હશેજ, અને તે એક પણ ભેગાભેગો મરાઈ જાય તે કરતાં તે એકને ખાતર તેની સાથેના બીજા બચે, એજ બહેતર છે. મારી સાથે તેઓ જમ્યા પછી હું તેમને સહીસલામત છોડી દઈશ.”

અમારા કેદીઓને લઈ ઝુંડા ઉડાવતા અમે શહેરમાં પેઠા. સાત વર્ષમાં જે ફ્રેંચો એ કંઈ પણ વિજય મેળવ્યો હોય, તે આજ હતો; અને એ વિજયનું નિમિત્ત જોન હતી. તે હવે એટલી બધી વહાલી થઈ પડી હતી કે તેને રસ્તામાંથી નીકળવાનો માર્ગ ઘણી મુશ્કેલીથી મળતો હતો.

(૧૨)

જોન બીજે દિવસે લડવા માગતી હતી, પણ પ્રપંચી સરદારોની સભાએ તે દિવસે ધાર્મિક તહેવાર હોવાથી યુદ્ધ ન કરવા સૂચવ્યું. વસ્તુ સ્થિતિ તો એવી હતી કે તેઓએ તે પવિત્ર દિવસને પોતાના કાવાદાવાઓ અને પ્રપંચથી કલુષિત કર્યો હતો. તેઓએ ઓર્લિયન્સ તરફના ઉપયોગી કિલ્લાઓ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું, અને એમાં તેઓ ફાવે તો પછી બીજા વધારે મજબૂત કિલ્લાઓ લેવાનો ઠરાવ કર્યો. આવી રીતે સેલોન સુધીની બધી હદ ફ્રેન્ચોના તાબામાં આવી જતી હતી. તેઓએ આ યોજના જોનથી છુપી રાખવા ધાર્યું.

પણ જોને અચાનક આવી તેઓએ શો નિશ્ચય કર્યો હતો તે પૂછ્યું. તેઓએ ઉત્તર વાળ્યેા કે ‘કાલે અમારો વિચાર ઓએલિંયન્સ તરફના કિલ્લાઓ ઉપર હુમલા કરવાનો છે.’

“વારૂ, પછી ?”

“પછી ? કંઈ નહિ.”

“તમે મૂર્ખ થયા છો ! એ બાજુના કિલ્લા લઇ તમે શું કરશો ?”

સર્વેએ નાની નાની અને પ્રશ્ન સાથે સંબંધ વિનાની બાબતો કાઢવા માંડી, જોને તેઓને અટકાવીને કહ્યું:—

“તમે ખાલી મફતના વિઘ્નવાળી યોજનાઓ શોધી વખત ગુમાવો છો, એટલું જ નહિ પણ એ ઉપરાંત ઘણું નુકસાન કરાવો છો. વળી મારાથી બધું છુપાવો છો. પ્રભુનું નામ લઈને હું કહું છું કે, અંગ્રેજોને ત્રણ દિવસમાં ઓર્લિયન્સમાંથી જશે !”

“જરાક ડહાપણ તો વાપરો” ચારે બાજુથી અવાજો ઉઠ્યા.

“ડહાપણ વાપરીને ભૂખે મરવું ? આને તમે શું લડાઇ કહો છો ? પૂલ ઉપરના કિલ્લાઓ આપણે પહેલા લેવા જોઈએ. જો આપણે ડાહ્યા હોઈશું તો એમજ કરીશું, તમે બધા એક દિવસ નકામો ગુમાવવા ધારો છો ?”

સભાનો અધ્યક્ષ બોલ્યો– “બાપુ ! ઉતાવળે આંબા ન પાકે. ધીમે ધીમે બધુ થાય. સઘળા કિલ્લા કંઇ હુમલો કરીને લેવાય છે?”

“હા, શું કામ ન લેવાય ? મારો એ હુકમ છે. દક્ષિણ તરફના કિલ્લાઓ ઉપર કાલે પરોઢીએ આપણે જઈશું.”

“અને તેના ઉપર હુમલો કરીશું ?”

“હા, હુમલો કરીશું.”

બખ્તર ખખડાવતો હાયર એટલામાં આવ્યો. તેણે છેલ્લા શબ્દો સાંભળ્યા હતા.

“મારા સરદાર ! એજ સાચા શબ્દો છે ! આપણે હમલો કરી બાહુબળથી જીતીશું.”

પછી જોન ચાલી ગઇ.હાયરે સભામાં પોતાનો વિચાર દર્શાવ્યો:–

 “જોન તમારે મન બાળક છે, પણ તે યુદ્ધકૌશલ્યમાં સારી રીતે પ્રવીણ છે. તમારામાંનો વૃદ્ધમાં વૃદ્ધ પુરુષ પણ તેની સાથે સરખામણીમાં ન આવી શકે.”

જોન સાચું બોલી હતી. શત્રુઓને હવે ખબર પડી હતી કે ફ્રેંચો હુમલા કરવા નીકળ્યા છે, હુમલા ઝીલવા નહિ. માટે હવે ફ્રેન્ચો પાછી પાની નહિ કરે. હવે તેઓ મોખરે રહી લડશે.

અમે મજબૂત લશ્કર લઈને નદી ઓળંગી નહેરની આસપાસ પુલ બનાવી અને દક્ષિણ કિનારા તરફ સારી રીતે વ્યવસ્થિત થઈ ચાલ્યા. ત્યાં સેંટ જોનનો કિલ્લો અંગ્રેજોએ ખાલી કરી જમીનદોસ્ત કર્યો હતો. જોને ઑગસ્ટીન્સના કિલ્લા ઉપર પહેલાં પોતાનો વિજય ધ્વજ ફરકાવ્યો. વળી રણશિગાં ફૂંકાયાં અને અમે આગળ વધ્યા. અમે સામા પક્ષ કરતાં નબળા હોવા ઉપરાંત તે લોકોમાં બીજા કિલ્લા ઉપરથી માણસ ભળ્યાં, અને અમને ઘેરી લીધા. અમારૂં નાનું લશ્કર નાસવા લાગ્યું. શત્રુઓ અમારા માણસોને ગાળો દેતા, અપમાન કરતા, પાછળ પડતા અને કાપી નાખતા.

જોને પોતાના સિપાઈઓ ભેગા કરવા બનતું કર્યું, પણ તેનું કંઈ વળ્યું નહિ. પછી જોનનો મિજાજ ગયો. તેણે લશ્કરને આગળ વધવા હુકમ આપ્યો. પછી દુશ્મનો વચ્ચે ઘોડો કૂદાવી તે બોલીઃ

“આખા લશ્કરમાંથી જો માત્ર દસ બારજ માણસ બાયલાં નહિ પણ વીર હશે, તો તેટલા વડે પણ હું જય મેળવીશ. મારે એટલાં બસ છે. ચાલો મારી સાથે !”

જોન દોડી ગઈ, અને વીસેક માણસ કે જેમણે તેના શબ્દ સાંભળ્યા હતા, તેઓ તેની પછવાડે ધસ્યા. જોનને બે ચાર માણસે સાથે આમ ધસી આવતી જોઈને અંગ્રેજોએ વિચાર્યુ કે, ખરેખર ! એ ડાકણજ છે. આવા તર્કથી એકદમ તેઓમાં ભય પેઠો, અને તેઓ પુઠ ફેરવી નાઠા.

અમારા લશ્કરે પાછળ જોયું અને જ્યારે તેઓએ જોનનો વાવટો શત્રુઓની વચ્ચે ફરફરતો જોયો, ત્યારે હિંમત એકઠી કરી અમારી પાછળ આવ્યા. હવે અમે અમારા હાથનો સ્વાદ શત્રુઓને ચખાડ્યો. જોને કહ્યું કે, આપણે આ કિલ્લો જીતવોજ જોઈએ. અંગ્રેજો ઘણાજ શૌર્યથી લડ્યા; પણ અમે તેમના કે તોપના ગોળાઓને ગણકારતા નહિ, અને ઉપરાઉપરી હુમલાઓ કરતા તેથી તેમને પાછું હઠવું પડ્યું.

ઑગસ્ટીન્સનો કિલ્લો અમે તાબે કર્યો, પણ હજી હૂરેલીસનો તાબે કરવાનો રહ્યો. જો પૂલ જીતીને તે કિલ્લામાં પડી રહેલા લશ્કરને હરાવીએ, તો તે પણ અમારો થાય. એક મહાભારત કામ અમે કર્યું હતું, અને જોનનો નિશ્ચય બીજું પણ પાર પાડવાનો હતો; તેથી તેણે લશ્કરને લૂટફાટ કરવા છુટું ન મૂકી દેતાં, બધી વ્યવસ્થા સાચવી.

તે દિવસે અમે સર્વે થાકી ગયા હતા. જોનની મરજી તો ટૂલીસ આગળ પડાવ નાખવાની હતી, પણ અમે તેને માંડ માંડ સમજાવી પૂરતો વિશ્રામ લેવા તેના ઉતારામાં મોકલી. વળી એક તબીબની પણ ગોઠવણ કરી, કારણ કે તેના પગમાં જખમ થયા હતા.

(૧૩)

જોનને વિશ્રામની જરૂર હોવાથી તેણે તે દિવસે કોઈને મુલાકાત આપી નહિ. સાંજે તે જમી, અને તેના ઘાને મલમપટો લગાવવામાં આવ્યા; પણ તેણે સૂઇ જવાને બદલે મને બોલાવવા માટે બટુકને મોકલ્યો. જોનને પોતાની માતા પર એક કાગળ લખવાનો હતો. હુ આવ્યો કે તુરતજ તે લખાવવા બેઠી. પ્રેમના થોડાક શબ્દો લખાવ્યા પછી તે આ શબ્દો બોલીઃ—

“પણ આ કાગળ લખવાનો ઉદ્દેશ એ છે કે, મને જખમ થયો છે એવી તમને ખબર પડે, ત્યારે તમે ચિંતા કરશો નહિ; અને જો તમને કોઇ ડરાવે, તો ડરી જશો નહિ.”

“નહિ, એમ લખાવો નહિ. તેઓ બિચારાં આ વાંચીને કેટલાં ગભરાશે ! બે દિવસમાં પગ સારો થયા પછી તમે લખાવજો કે મારો પગ ઘવાયો હતો. તે સારો પણ થઈ ગયો છે. મારૂં કહ્યું માનો.” એ સાંભળી રૂપેરી ઘંટડી વાગે એવા ઝીણા સ્વરે જોન બોલી:–

“મારા પગ માટે ? થોડાક ઉઝરડા પડ્યા છે, તેને માટે હું શુ લખું ? તેનો તો મને ખ્યાલજ નથી.”

“શું તમને બીજો કોઈ ઘા વાગ્યો છે, અને છુપાવો છો ?”

જોનની દાસી ધ્રુજતી ધ્રુજતી તબીબને બોલાવવા ઉઠી, પણ જોને તેનું કાંડું ઝાલી રાખી કહ્યુંઃ

“બાપુ ! શાંત થા. મને ક્યાંય પણ જખમ પડ્યો નથી. જે ઘા માટે હુલખાવુ છુ, તે તો કાલે મને કિલ્લા ઉપર હલ્લો કરતાં પડશે.”

અમે બધાં ગુંચવાઈ ગયાં–અજાયબ થયાં. જોનની દાસીએ કહ્યું:

“તમને તે ઘા કાલે પડશે ? એમ કદાપિ બને નહિ. પછી તમારા માતાજીને દુઃખી શું કામ કરવાં જોઈએ ?”

“કદાપિ ઘા નહિ પડે ? પડશેજ.”

“શું પડશેજ ? મારું મન મુઝાય છે. એવું તમારે ધારવું પણ શું કામ જોઈએ ?”

“નહિ, આ ધારણા નથી; સાચી વાત છે.”

“તેની તમને કેમ ખબર પડી ?”

“મને એવી પ્રેરણા થઈ છે.”

સઘળા આશ્ચર્ય ચકિત થયા, પણ મને તો આવી વાતો આશ્ચર્ય જેવી રહી નહોતી. એક બાબત અનુભવવાની આપણને ટેવ હોય–પછી તે બાબત ગમે એવી આશ્ચર્યજનક હોય–તોપણ કાળાંતરે તે આપણને સાધારણ બીના જેવી દેખાય છે..

“કાલેજ તમને તે ઘા પડશે ?”

“હા.”

"ત્યારે કાલે તમે બારણા બહાર નીકળશો નહિ. કુમારિકા ! મને વચન આપો કે, તમે યુદ્ધમાં જશો નહિ.”

જોને માન્યું નહિ. તેણે કહ્યું કે “એમાં કંઈ નહિ; કાલે ઘા પડવાનો છે, અને તે પડશેજ. જો હું તેને નહિ શેાધું, તો તે મને શધશે. મારૂં કર્તવ્ય મને યુદ્ધમાં જવાનો આગ્રહ કરે છે. મારું મૃત્યુ થવાનું હોય તો પણ હું યુદ્ધમાં જાઉં, તો પછી ઘાની તો વિસાત જ શી ? તું ફ્રાન્સને ચાહે છે? ચાહતી હોય તો મારે જવું જ જોઈએ. હવે કહે, તારો શો મત છે ?”

“હું ફ્રાન્સને તે ચાહું છું, પણ તમારે ન જવું.”

“ત્યારે તો આપણે સરદારો તરફ એક દૂત મોકલીએ. બોલ, અંદર શું લખવું ? રૂઢ શબ્દોમાં તે કાગળ લખાવો જોઇએ. કહે, આ પ્રમાણે એમાં લખીશુ કેઃ—”

“ફ્રાન્સના લશ્કરની સેનાધિપતિ જોન ઑફ આર્ક પોતાના સરદાર અને બહાદુર સૈનિકોને હુકમ કરે છે કે, કાલે અંગ્રેજો સામે લડવું નહિ; કારણ કે રખેને પોતાને ઈજા થાય, એનો એને ભય છે.

(સહી) જોન ઑફ આર્ક.”
 

ઉપલું કહ્યા પછી જોન પોતે વિજય મેળવ્યો એમ ધારીને હસવા લાગી. તેની દાસીની આંખમાં આંસુ હતાં.

“જોન ! હું મારી બેવફાઈ માટે શરમાઉં છું. તમે કેટલાં બધાં બુદ્ધિમાન છો; ત્યારે હું તો નીચ છું, પાપી છું.” એમ કહી તે રડવા લાગી, પણ જોને તેને ઘણાં ઘણાં લાડ લડાવી છાની રાખી. જોનનો નિશ્ચય હતો કે, યુદ્ધમાં તો જવું જ.

પછી કાગળ લખાયો. પોતાની માતા પર લખેલા એ કાગળથી પણ ન દુઃખી ન થઇ; પણ જ્યારે તેણે પોતાના બાળગોઠીઓને સંભાર્યા, ત્યારે ગદ્‌ગદ્ સ્વરે તેણે લખાવ્યું કેઃ—

“બધાને મારી લાખ લાખ સલામો લખજે. અરે, હવે હું કોઈ દિવસ ઘેર પાછી ફરીશ નહિ ! ”

એવામાં જોનના સરદારો તરફથી દૂત આવ્યો. સરદારોએ સભા ભરી નક્કી કર્યું હતું કે, જે કામ થયું છે તે પૂરતું છે; હવે પરમેશ્વરનો આભાર માની વિશ્રામ લો. શત્રુઓ ઉપર હલ્લા ન કરવા, પણ તેઓ હલ્લા કરે ત્યારે પોતાના બચાવ કરવા માટે લડવું. આ તેઓના છેલ્લામાં છેલ્લો નિશ્ચય હતો.

“બાયલાઓ ! આ કારણથીજ મને રણમાંથી વિશ્રામ લેવા અહીં મોકલી ! હાયર અને તેના જેવા બીજા બે-ચાર માણસો જે મારા વિશ્વાસુ નાયક છે, તેમને હવે હું લશ્કરની સરદારી સોંપું છું. કોઈ પણ સરદાર ત્યાંથી એક પણ ડગલું આમ કે તેમ મૂકશે, તો તેની જવાબદારી તેઓને શિર છે, કાલે યુદ્ધ થશેજ.” દૂતને આટલું કહીને પછી તેણે પોતાના પાદરીને કહ્યું:—

“કાલે સવારે વહેલા ઉઠજો. આખો દિવસ તમારે મારી પાસે રહેવું પડશે. મને ઘા લાગશે, તે ડોક અને ખભાની વચ્ચે લાગશે.”

(૧૪)

મળસ્કામાં અમે ઉઠ્યા, અને પ્રાર્થના કરી રહ્યા પછી ચાલવાની તૈયારી કરી.

જોને હજી નાસ્તો નહોતો કર્યો. તેને આખો દિવસ લડવાનું હતું, તો પણ એટલું કરવાની તેને ધીરજ રહી નહોતી. અમે બહુ કરગરર્યાં, પણ જોન એકની બે થઈ નહિ.

“ત્યારે તમે ક્યારે જમશો ? ક્યારે પાછાં આવશો ?”

“જ્યારે હું ઓર્લિયન્સનો ઘેરો ઉઠાવીશ ત્યારે. વધો આગળ !”

અમે ચાલ્યા. રસ્તાઓ શહેરીઓ અને સૈનિકોથી ભરચક લાગતા, પણ બધે સૂનકાર વ્યાપી રહ્યો હતો. કોઈ હસતું ન હતું, પણ જ્યારે લોકોએ જોનને જોઈ ત્યારે લાખો ઠેકાણેથી પ્રશ્ન ઉઠ્યા:

“આપણી કુમારિકા ક્યાં જાય છે ? ક્યાં જાય છે ?”

જોને એ સાંભળ્યું, એ ઉંચે સ્વરે બોલી :–

“બીજે ક્યાં જાય ? તૂરેલીસ ઉપર હલ્લો કરી તેને જીતવા ! ”

પછી લોકોના આનંદનું હું શું વર્ણન કરી શકું ? લોકો ઘેલાજ થઈ ગયા. ત્યાં ત્યાં આનદ આનંદ પ્રસરી રહ્યો. જેઓ સૂતાં હતાં તે નિદ્રામાંથી જાગી ઉઠ્યાં. સૈનિકો શહેરીએથી જૂદા પડ્યા, અને અમારા વાવટા નીચે ભેગા થયા. અમે જેમ આગળ ચાલતા ગયા, તેમ અમારી સંખ્યામાં વધારો થતો ગયો. લોકો જે હથિયાર હાથમાં આવે, તે લઈ અમારી સાથે ચાલતા.

સરદારોએ ઉપલા પ્રકરણમાં વર્ણવેલો નિશ્ચય કર્યા પછી દરવાજો બંધ કરાવ્યો હતો એવું ધારીને કે જોન ટૂરેલીસ ઉપર હલ્લો કરવા ત્યાંથી જઈ શકે નહિ. લોકોમાં શોક ફેલાયો હતો, તે એને લીધેજ; પણ જ્યારે તેઓએ જોનને જોઈ, ત્યારે ખાત્રી થઈ કે તે કંઈ પણ રસ્તો કરશેજ.

અમે જ્યારે દરવાજે પહોંચ્યા, ત્યારે નાયકે તે ઉઘાડ્યો નહિ. જોન બોલીઃ—

“મારા ઉપર રાજા સિવાય બીજા કોઈની સત્તા નથી. તારી પાસે રાજાનો લેખિત હુકમ હોય તો દેખાડ.”

સરદાર— “મારી પાસે એ પરવાનો તો નથી જ.”

“ત્યારે રસ્તો છોડ, નહિ તો અમે છોડાવીશું.”

પછી તે નાયક કંઇ કંઇ બહાનાં બતાવવા લાગ્યો. આવા લોકો શબ્દથીજ દરરોજ લડવા તૈયાર હોય છે, કર્મથી નહિ. તે પૂરૂં બોલી રહ્યો નહોતો, એટલામાં તો જોને હુકમ આપ્યો:–

“શૂરવીરો ! રસ્તો કરો !”

અમે એકદમ ધસારો કરી અમારું કામ પૂરું કર્યું. બિચારો નાયક તો હાંફળો ફાંફળોજ બની ગયો. તેણે આ ધાર્યું નહોતું.

અમે બહાર નીકળી તેની મૂર્ખાઈ ઉપર હસી પડ્યા.

મૂળ કિલ્લા ઉપર હલ્લો કરી શકીએ, તે પહેલાં અમારે એક નાનો કિલ્લો જીતવાનો હતો. કામ અઘરૂં હતું, પણ જોનને મન તે કંઈ નહોતું. સરદારો કહેતા હતા કે, કિલ્લો જીતાશેજ નહિ. જોને સુરંગ ફોડી બપારે પોતેજ હલ્લો કર્યો. ધૂમાડામાં અને તીરના વરસાદમાં કૂદી પડ્યા. જોન ઉપર જવા એક નીસરણી ઉપર ચઢતી હતી, તેવામાં જે થવાનું હતું તે થયું. ડોકમાં તેને એક તીર વાગ્યું. તેના બખ્તરને વિંધી તે કબુતર જેવી ડોકમાં ચોંટી ગયું. તે જમીન ઉપર પડી ગઈ. અંગ્રેજોએ એક જબ્બર હર્ષનાદ ઉઠાવ્યો. તેઓ અગણિત સંખ્યામાં જોનને પકડવા આવ્યા. પણ અમારાવાળા કંઈ ઉતરે એવા નહોતા. તે સ્થળે ઘોર ચુદ્ધ જામ્યું. જોન ઉપર અને જોન પાસે–જ્યાં જોઈએ ત્યાં અંગ્રેજો અને ફ્રેન્ચો કટોકટીની લડાઈ લડતા હતા. જોન ફ્રાન્સ હતી. બંને પક્ષવાળા તેને ફ્રાન્સજ માનતા હતા. જે તેને પકડે તેને ત્યાં ફ્રાન્સનું રાજ્ય આવવાનું હતું. દસજ પળમાં ફ્રાન્સના વિધિલેખ લખાવાના હતા અને લખાયા ! અમારો બટુક જોન ઉપર ઉભો હતો. તે છ માણસનું કામ એકલો કરતો. પોતાના અને હાથથી તે કુહાડી વિંઝતો. જ્યારે કુહાડી નીચે આવતી ત્યારે તે એજ શબ્દ બોલતા કે “ફ્રાન્સ માટે” અને તુરતજ ઈંડાનાં કોટલાં ઉડે, તેમ સામા માણસની ખોપરી ભચ્ચ દઈને ચીરાઈ જતી. જોન પાસે તેણે મુડદાંઓનો ઢગલે કર્યો હતો અને તેની પછવાડે રહી તે લડતો. અમે જ્યારે જોનને બચાવવા શક્તિમાન થયા ત્યારે નાના બાળકને ઉપાડી લે, તેવી રીતે જોનને નીસરણી સાથે તે સલામતીવાળા સ્થળે ઉપાડી લાવ્યો. જોનનું સફેદ બખ્તર હવે લોહીથી એટલું બધું રંગાઈ ગયું હતું કે હવે તે સફેદ મટી લાલ દેખાતું.

ઘામાં હજી તીર હતું. કેટલાક કહે છે કે, તે ખભા બહાર નીકળી આવ્યું હતું. ગમે તેમ હોય, તે જોવાની મારી ઈચ્છા પણ નહોતી. તીર ખેંચાયું. કેટલાક કહે છે કે જોનને દુ:ખ થાય તેને માટે બીજાઓએ તે કાઢવા ના પાડી, પણ જોને પોતે તે ખેંચી કાઢ્યું.

કલાકના કલાક સુધી જોન દુઃખમાં ઘાસ ઉપર પડી રહી, તો પણ લડાઈના હુકમ તે કર્યાજ કરતી; પણ માણસો જે શૂરવીર દેખાતાં, તે માત્ર જોનની આંખ આગળજ. જોન નજરો નજર ન જણાવાથી હવે અમારા લશ્કરમાં ભય પેઠો. નાયકોને અમારા લશ્કરને નાસવાનો હુકમ આપવો પડ્યો.

જોન એકાએક બોલી ઉઠી કે “શું આપણે નાસીશું ? આપણે ?!”

તે ઘડીભર પોતાના ઘા ભૂલી ગઈ અને એકદમ ઘોડા ઉપર સવાર થઈ. સિપાઇઓએ તેને જોઈ, ત્યારે ચારે તરફથી હર્ષનાદ ગાજી ઉઠ્યા. તેઓએ તે કિલ્લા ઉપર બીજી વાર હલ્લો કરવા આગ્રહ કર્યો. જોન ઘવાઇ હતી, તેજ સ્થળે પાછી ચઢી અને પોતાના અંગ૨ક્ષકને વાવટો કિલ્લાની ટોચ ઉપર અડાડવા કહ્યું. થોડીક વારમાં તો જોનનો વિજયધ્વજ તે કિલ્લાની ટોચ સુધી પહોંચ્યો.

“હવે ત્યારે” જોને પોતાના સરદારને કહ્યું “આ કિલ્લો તમારો છે, અંદર દાખલ થાઓ. લશ્કરને દાખલ થવાના હુકમ કરો. ચાલો બધા એકસાથે !”

અમે ગયા–નીસરણીઓ ઉપર અમે ચઢી ગયા, કારણ કે એ કિલ્લો અમારો હતા. ત્યાં અમે હાથોહાથ અંગ્રેજો સાથે લડતા હતા. અમે અમારા રંગમાં એટલા બધા મગ્ન હતા કે તાપો ફૂટતી તો પણ અમે સાંભળતા નહિ. અમે જ્યારે આમ એક બાજુથી હલ્લો કર્યો, ત્યારે હાયરે પૂલ ઓળંગી બીજી તરફ શત્રુઓને ઘેર્યા. અમે જ્યારે અમારી સાથે લડતા અંગ્રેજોને હરાવ્યા ત્યારે તેઓએ પોતાના મિત્રને પૂલ ઓળંગીને મળવાનો વિચાર કર્યો, પણ પૂલ સળગતો હતો અને જે તેના ઉપર થઈને જવાનો પ્રયત્ન કરતા, તે પાણીમાં પડતા ને પોતાના ભારે બખ્તરને લીધે ડૂબી જતા.

“ઈશ્વર તેમના ઉપર રહેમ રાખો” જોન આ દેખાવ જોઈ ગદ્‌ગદ્ સ્વરે બોલી. તેમના જે સરદારે જોનને અપમાન ભરેલા શબ્દો કહ્યા હતા, તે પણ ડૂબતા હતા. પણ જોન આ વખતે એ બધી વાત ભૂલી ગઈ હતી.

પછી અમે અમારા મિત્રોને સામે કિનારે મળ્યા. ટૂરેલીસના કિલ્લો જીતાયો હતો, જોને પોતાનું વચન પાળ્યું હતું. સાત મહીનામાં કોઈએ જે કામ કરવાની હિંમત પણ નહોતી કરી, એ કામ એક સત્તર વર્ષની છોડીએ થોડા જ કલાકમાં પૂરું કર્યું !

પણ અમે નગરમાં ગયા, ત્યારે તો હર્ષનું કહેવું જ શું ! લોકોનો એવો હર્ષ મેં અગાઉ કદાપિ જોયો નહોતો. ઘંટ પણ વાગી વાગીને થાકી ગયા. તે દિવસે જોનને જેટલી કીર્તિ મળી હતી, તેટલી કીર્તિ ઇતિહાસમાં ભાગ્યે કોઇ બાળાને મળી હશે. પણ શું જોનને પોતાની કીર્તિ સાંભળવાથી આનંદ થતો હતો ? નહિ. બીજી કોઈ બાળાને થાત, પણ જોનને તો નહિજ. કોઈ છોકરૂં થાક્યું પાક્યું સૂઇ જાય, તેમ તે થોડી વાર પછી સૂઈ ગઈ. જ્યારે લોકોએ જોયું કે જોન સૂઈ ગઈ છે, ત્યારે જ તેઓએ તે રસ્તો બંધ કર્યો અને આખી રાત્રિ તેના મહેલ આગળ પહેરો ભર્યો. “જોને અમને શાંતિ આપી છે અને તેના બદલામાં અમારે તેને શાંતિ આપવી જોઈએ” એમ તેઓ કહેતા. વળી તેઓ એ બધાએ કબૂલ કર્યું કે, તે દિવસ ભવિષ્યમાં પણ પવિત્ર ગણાશે. સાઠ વર્ષ સુધી એ વચન પળાયું છે અને ભવિષ્યમાં પણ પળાશે. ઓર્લિયન્સ આઠમી મેના દિવસ કોઈ વખત ભૂલી શકશે નહિ. કેમકે તે જોન ઑફ આર્કનો દિવસ છે.

(૧૫)

સવારે અંગ્રેજોએ પોતાના કિલ્લા એક પણ વસ્તુનો નાશ કર્યા વિના ખાલી કર્યા. હથિયાર અને ખોરાકી સઘળું તેઓએ એમ ને એમ અનામત રાખ્યું. ચારે તરફથી માણસો અંગ્રેજોના કિલ્લો જોવા કીડીની માફક ઉભરાવા લાગ્યાં, પરંતુ થોડાજ વખતમાં જ્વાળામુખી સળગતો હોય એમ કિલ્લાઓ સળગવા લાગ્યા.

જ્યાં ત્યાં જોનનાં વખાણ થતાં હતાં. ધર્મમંડળે પણ ઓર્લિયન્સની કુમારિકા તરફ જરા પણ ગેરઇન્સાફથી ન વર્તાવા રાજાને કહેવરાવ્યું. લોકો તો જોનના ઘોડાનાં પગલાંને પણ ચૂમી લેતાં.

ટુર્ગ ગામમાં રાજા જોનને મળવા આવ્યા. જોન ઘુટણીએ પડી. રાજાએ પોતાના તખ્ત ઉપરથી ઉભા થઈને તેને બેઠી કરી. રાજાએ ભરસભામાં જોનનાં ઘણાં ઘણાં વખાણ કર્યા. જરાક વાર પછી તે બોલ્યા:

“તમારે મને નમન ન કરવું જોઈએ, કારણ કે તમે જે જે પરાક્રમો કર્યા છે તે નમન સમાનજ છે.” પછી જોનને ફિkકી પડી ગયેલી જોઈ તેણે કહ્યું “હવે તમારે ઉભું ન રહેવું જોઈએ. તમે ફ્રાન્સ માટે લોહી રેડ્ચું છે, અને તમારા ઘા હજી રૂઝાચા નથી.” પછી તેણે જોનને પેાતાની પાસે બેસાડી અને ઘણી આગતાસ્વાગતા કરી. “બાપુ ! તમે આટલુ આટલું કામ કર્યું, તેનો બદલો હું કેવી રીતે વાળી શકું છું” રાજા બોલ્યા.

મને તો આથી ધિક્કાર વછૂટ્યો. જોનના ચારિત્રની યોગ્ય તુલના હજી તેઓ કરી શક્યા ન હતા. જોને આ સઘળું શું બદલા માટે કર્યું હતું ?

જોન રાજાનો આગ્રહ જોઈ શરમાઈ ગઈ. તે મોં ફેરવી ગઈ અને કંઇ પણ બોલી નહિં. બીજી વખત રાજાએ તેને કંઈ પણ માગવા કહ્યું, ત્યારે તે ગદ્‌ગગદ્ કંઠે બોલીઃ

“મારા વહાલા રાજા ! મારી એકજ ઈચ્છા છે અને તે એ કે, મારૂં લશ્કર શૂરવીર છે; ઉમંગભર્યું છે. સિપાઈઓ હાથમાં લીધેલું કામ પૂર્ણ કરવા આતુર છે. તમે મારી સાથે આવી રેમ્સમાં ગાદી ઉપર બિરાજો. એજ બક્ષીસ હું યાચું છું.”

“રેમ્સ ! રેમ્સ કેમ જવાય ? અંગ્રેજી સત્તાને આપણે કેમ તોડી શકીએ ? એ મુલક તો અંગ્રેજોના તાબામાં છે.”

“પ્રાર્થના કરું છું કે, મારી ઈચ્છા આડે તમે આવતા નહિ. આ તક ઉત્તમ છે. પ્રત્યેક વસ્તુ આપણી તરફેણમાં છે. આ યોગ્ય સમય છે. ચાલો આપણે કૂચ કરીએ !””

રાજાએ માથુ ધૂણાવ્યું. મંત્રીઓને અભિપ્રાય પૂછતાં તેઓએ કહ્યું:–

“જોન ! તમે જે કહો છો, તે બુદ્ધિની વિરુદ્ધ છે. લોયર નદી ઉપર આવેલા લોહસ્થંભ જેવા કિલ્લાનો વિચાર કરો. આપણી અને રેમ્સની વચ્ચે અજિત ગઢો છે, તેનો કંઈક ખ્યાલ લાવો-”

“જો આપણે વખત લગાડીશું તો તેઓ પોતાની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરશે; તેથી આપણને કંઈ ફાયદો છે ?"

“નહિ જ.”

“ત્યારે આપણે ખમવાથી શું લાભ ?”

મંત્રી ગુંચવાયો, પણ છેવટે તેણે ઉત્તર ખોળી કાઢ્યો:–

“રાજ્યની બાબત સર્વની સમક્ષ ચર્ચવાની નથી.”

“હું તમારી માફી માગુ છું. હવે ખબર પડી. એમ કહોને કે, તમારે લગતી બાબત સર્વની સમક્ષ ચર્ચવાની નથી.”

વક્રોક્તિથી મંત્રીએ કહ્યું: “મહેરબાની કરીને જણાવશો કે રાજ્યની બાબત અને મારી બાબત બન્ને એકજ કેમ લેખાય ?”

“કારણ કે રાજ્ય જ નથી. ”

"રાજ્ય નથી ?”

“ફ્રાન્સનું રાજ્ય નથી, અને તેથી ફ્રાંસને મંત્રીની અગત્ય નથી. ફ્રાન્સને તાબે બે એકરની જમીનજ છે. જમીનદારનો એકાદ કારકુન તેની સંભાળ લઈ શકે, એ કંઈ રાજ્ય ગણાય નહિ. ”

રાજા શરમાયો નહિ, પણ ખડખડ હસી પડ્યો. કારણ કે જોન સાચું બોલતી હતી. પછી તેણે કહ્યું:

“મારા સત્યનિષ્ઠ સરદાર ! હુ તમને ઉંચામાં ઉંચો હોદ્દો આપીશ, અને રેમ્સ તરફ કૂચ કરવાની તમારી મુરાદ–” પાર પડશે, એમ એ બાલવા જતો હતો; એટલામાં એના મંત્રીએ ઈસારો કર્યો. રાજા નીચું જોઈ બોલ્યો “કંઈ નહિ; તેને માટે આપણે વિચાર કરીશું.”

જોનની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. શરીરને કંપારી આવી હોય તેમ એ ધ્રુજી. પછી એ બોલી “મારા શરીરનો– મારી જીંદગીનો ઉપયેાગ કરી લ્યો વખત બહુ ઓછો છે.”

“શું એાછો વખત છે ?”

“હા, એકજ વર્ષ ! એક વર્ષ પછી મારું મૃત્યુ થશે. ”

“શું એકજ વર્ષ ?”

“હા, એટલા વખતમાં અંત આવશે. અહા ! વખત કેટલો ટુંકો છે ! મારો ઉપયોગ કરો, મારો ઉપયોગ કરો–ફ્રાન્સ માટેજ તે મૃત્યુ અથવા તો જીવન છે !”

સર્વે ગંભીર થઈ ગયા. રાજાના મન ઉપર ઘણી અસર થઈ, તેની આંખો ઝળકવા લાગી. તરવાર મ્યાનમાંથી કાઢી તે બોલ્યો:

“અરે ! તમે કેટલાં બધાં બહાદુર અને પ્રમાણિક છો ! આજથી હું તમને ફ્રાન્સના ઉમરાવમાં ગણું છું. તમારાં સગાંવહાલાંઓને–પુરુષ અને સ્ત્રીઓને–હું ઉમરાવપદ આપું છું. વળી તમારું માન અને સન્માન જાળવવા હું એવી પણ આજ્ઞા કરું છું કે, તમારા કુળની સ્ત્રીઓ પરણે, ત્યારે તેમના પતિએને પણ ઉમરાવપદ મળે. વળી હું તમને ડ્યુલીસનો ઉંચામાં ઉંચો ખિતાબ વધારામાં આપું છું–તમે તેને લાયક છો. તમે તેને અજવાળશો.”

સઘળા જોનને અભિનંદન આપવા લાગ્યા, પણ જોને કહ્યું: “મારે ખિતાબાની જરૂર નથી. હું ખિતાબોને લાયક નથી. હું તો માત્ર જોન ઍફ આર્ક જ છું. મને જોન ઑફ આર્ક કહી બોલાવો.”

ડ્યુલીસ–એ ઠીક હતું, સારું હતું, રમકડા જેવું નામ હતું. જોન ઑફ આર્ક ! એ નામજ સિપાઈઓમાં પાનો રેડવા બસ હતું–અજિત ગઢ જીતાવવા બસ હતું. જોન ઑફ આર્ક ! આ નામ સાંભળી દરેક હૃદયમાં સ્વદેશાભિમાનની જ્વાળા ઉઠતી. અરે ! એ નામ આખા દેશને નચાવવા શક્તિમાન હતું.

રાજાએ જોનની કદર કરી, પણ બીજી બાબતોમાં તે મૂર્ખ અને આળસુ હતો. તક જોઇને ફટકો મારવાની તેનામાં હિંમત નહોતી. વળી તેના ઇર્ષાખોર મંત્રી જોનની વિરુદ્ધ હતા, તેથી પણ અમને ઘણી મુશ્કેલીઓ નડી. રાજ્યભંડારમાં પૈસા નહોતા. લશ્કરને પગાર નહોતો મળ્યો એટલું જ નહિ પણ તેઓને ખોરાકીની ખર્ચી માટે પણ મુશ્કેલી નડવા લાગી, તેથી લશ્કર વીખરાવા મંડ્યું. જ્યારે પોતાનું વિજયી લશ્કર વેરણ છેરણ થઈ જતું હતું, ત્યારે જોન મુંગે મોંએ જોતી હતી. એમાં એ બિચારી શું કરે?

હવે લડવું કે નહિ ? એ વિષે રાજા પોતાના મંત્રીઓની સલાહ લેતો હતો, ત્યારે તે ત્યાં જઈ પહોંચી. જોને ઘુંટણીએ પડી પ્રાર્થના કરીઃ

“મહેરબાની કરીને હવે તમે સભાઓ ભરવી મૂકી દો, અને રેમ્સ ચાલી તાજનો સ્વીકાર કરો.”

જોને ઘણી ઘણી અરજ કરી, ઘણી ઘણી વિનતિ કરી. થોડે થોડે તેણે રાજાનું મન પેાતાના તરફ વાળ્યું, પણ સભા પગલે પગલે સામી થતી હતી; વળી હવે થાય પણ શું ? લશ્કર સિવાય કરવું શું?

“નવું લશ્કર ઉભું કરીએ” જોને સૂચવ્યું.

“તેને ઓછામાં ઓછાં છ અઠવાડીમાં લાગે.”

“વાંધો નહિ; લશ્કર જમા કરવું શરૂ કરીએ.”

“પણ આ તો બહુ મોડું થઈ ગયું છે.”

“ગમે એમ હોય, પહેલાં ભૂલ તો તમારીજ હતી. હવે ખોટી થવાથી શુ ફાયદો ? એમાં કંઈ વળે ?”

જેમ તેમ કરી બધા કબૂલ થયા. આ જૂનું કામ પરિપૂર્ણ થયું કે નવું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. જ્યાં ત્યાં જાહેરનામાં વહેચાયાં અને સિપાઈઓનાં નામ દાખલ કરવા જૂદે જૂદે સ્થળે છાવણીઓ સ્થપાઈ. આમ એક જબ્બર લશ્કર જોનના વાવટા નીચે એકઠું થવા લાગ્યું.

મે મહીનો આમ ને આમ ચાલ્યો ગયો, પણ જૂનની શરૂઆતમાં આઠ હજાર માણસનું લશ્કર તૈયાર થઈ ગયું. એટલા નાના મુલકમાંથી આઠ હજાર માણસ ક્યાંથી આવ્યુ હશે, તેના વિચાર કરો. હમણાં લગભગ એક સૈકુ થયાં ફ્રાન્સમાં લડાઈઓ ચાલતી હતી. વળી યુદ્ધકળા પણ લગભગ આખી પ્રજા જાણતી હતી, અને વળી જોનની સરદારી ! પછી શું અધુરૂં રહ્યું ?

જોનનો ઉમંગ અથાગ હતો. રાત્રિદિવસ તે છાવણીઓમાં દોડતી, અને સઘળી વ્યવસ્થા કરતી. જ્યાં જ્યાં તે જતી, ત્યાં ત્યાં સર્વેનાં હૈયાં તે હરી લેતી. આ લશ્કર ઉભું કરનાર કાંઈ સ્વર્ગની દેવી નહોતી. એ તો આ સાડાસત્તર વર્ષની બાળાજ હતી.

એક ઈતિહાસકારે તેને તે વખતે જોયેલી, તે લખી ગયા છે કેઃ

“માથા સિવાય તેને આખે શરીરે બખ્તર હતું. તેના હાથમાં રણની નાનીશી કુહાડી રહેતી. જ્યારે તે પોતાના મોટા કાળા ઘોડા ઉપર ચઢવા ગઈ ત્યારે તે કુદાકુદ કરી મૂકી તેને ચઢવા દેતો નહોતો. આથી પછી જોને કહ્યું કે, તેને દેવમંદિરે લઈ ચાલો. માણસો ઘોડાને ત્યાં લઈ ગયાં. ત્યાંથી તે ચઢી, પણ ઘોડાએ ચું કે ચાં કર્યું નહિ. જતી વખતે તે લોકોને અને સાધુઓને વિજય માટે પ્રભુપ્રાર્થના કરવા કહીને ત્યાંથી ઉપડી.”

હું ત્યારે પાસે હતો–આ બધી વસ્તુ મે નજરોનજર જોઇ છે. મારા મનમાં હજી એ બનાવોની તાદૃશ્ય મૂર્તિ ખડી થાય છે.

ડચેસ ઑફ એલેન્કોને પોતાના પતિને સહીસલામત પાછા લાવવા માટે જોન પાસે વચન માગતાં જોને કહ્યું:

“એ વચન હું તમને આપું છું. તમારા પતિનું રક્ષણ થશે પ્રભુ રક્ષણ કરશે.”

ડચેસ બોલી શકી નહિ. જોનને તેણે ચૂમી લીધી, અને તેઓ છૂટાં પડ્યાં. છઠ્ઠી તારીખે ઉપડી નવમીએ અમે ઓર્લિયન્સમાં પૂરભપકામાં દાખલ થયાં. અરે ! એ વખત જ્યારે હું યાદ કરું છું ત્યારે મારી આંખમાં આંસુ આવે છે. જોનનાં દર્શન માટે લોકો કેટલાં તલપતાં–જોનનો કેટલો સત્કાર કરતાં ! હું આ લખું છું, ત્યારે વયોવૃદ્ધ છું તોપણ એ દેખાવ તો તાજો ને તાજો મારા મનમાં રમે છે !

(૧૯)

“કામે લાગો ! કામે લાગો ! કામે લાગો એટલે પ્રભુ પણ તમારી સાથે કામ લાગશે. કામે લાગો ! કામે લાગો !”

મળસ્કામાં જોનના ઘોડાઓની ખરીઓના અવાજ સાથે તેના ઉપલા શબ્દો સંભળાતા. જ્યાં ત્યાં આજે તે શૌર્ય પ્રેરતી. આજે જારગોના કિલ્લા ઉપર હલ્લો કરવાનો હતો. જોનના હાથ નીચે કામ કરનારા વાત કરતા કે, જોન જે કામ હાથમાં લેતી, તે કામ કેળવાયલા અમલદારો માફક હુશિયારીથી પૂરૂં કરતી. જાણે તેણે પણ પોતાનું આખું જીવન યુદ્ધમાંજ ગાળ્યું હોયની ! તેના બધા નાયકો કહેતા કે, તે દરેકે દરેક વિષયમાં પ્રવીણ હતી, તેમજ તાપખાનું ગોઠવવામાં તો તેનાથી કોઈજ ચઢે તેમ નહોતું.

ત્યારે જોનને આ બધું શીખવવા કોણ ગયું હતું ? તેને જ્યારે લખતાં વાંચતાં જ આવડતું ન હતું, ત્યારે પછી યુદ્ધકળા તે કેમજ આવડે ? આ પ્રશ્નના ખુલાસો હજીસુધી મને મળ્યો નથી, કારણ કે ભૂતકાળમાં કોઈ જોન જેવી બાળાએ જન્મ લીધો નથી.

આઠ વાગે તો બધી ધામધૂમ બંધ પડી ગઈ. જ્યાં જોઇએ ત્યાં શાંતિનું સામ્રાજ્ય હતું. આ શાંતિ ઘણી ગંભીર હતી. કારણકે આ રમત માથાં જવાની હતી. જોનની આસપાસ અમે ફરી વળ્યા હતા અને તે જે કહે તે કરવાને તૈયાર થઈ રહ્યા હતા.

એવામાં જોને હવામાં તરવાર ઉંચી કરી. લાખો તોપોમાંથી વિજળી ભભુકવા લાગી. ગડગડાટનો તો કંઈ પારજ રહ્યા નહિ. ધૂમાડો અમને મુંઝવી નાખતો હતો. ઉત્તરમાં ચારે તરફથી શત્રુઓની તોપોની જીભો ઝળકી.

એક પળમાં તો કિલ્લાના બૂરજ અને કિલ્લાની દિવાલો હતાં ન હતાં થઈ ગયાં. એક સુંદર બાળા નગરમાં પાણી ભરીને જતી હતી. તોપના અવાજથી ઘડો તેના સુકોમળ હાથમાંથી પડી ગયો, અને તરતજ તેના મનોહર શરીરના તોપના ગોળાએ ચૂરેચૂરા ઉડાવી દીધા.

આમ તોપથી યુદ્ધ ચાલ્યું. બન્ને પક્ષો પોતપોતાના તોરમાં હતા. બાજુનાં ગામોમાં હાહાકાર વર્ત્યો. તોપનો ગોળો આવતો કે મકાનો કાગળનાં ચણ્યાં હોય તેમ ભડ ભડ પડી જતાં. કેટલેક ઠેકાણે તો આગ લાગતી. ધૂમાડો એટલો બધો વધી ગયો કે તેના ગોટા જલદીથી પવનમાં વહી જવાને બદલે ઘણાજ ધીમે ધીમે આકાશ તરફ જતા. સુરૂરૂરૂ કરતા ગોળા આવતા, તે જમીન ઉપરથી કેટલીક ધૂળ વાળી જતા. દુશ્મનોની એક તોપ તો અમારી સામેજ હતી. જેને ડ્યુક ઑફ એલેન્કોને તે બતાવી કહ્યું:–

“એક બાજુ ખસી જાઓ, નહિ તો તે તમારા પ્રાણ લેશે.”

ડ્યુક ખસી ગયો. એક સરદારને ના પાડવા છતાં પણ તેણે ડ્યુકની જગ્યા લીધી. એક પળમાંજ ગોળાએ તેનું માથું ઉડાવી દીધું.

જોને ડચેસને આપેલું વચન પાળ્યું, ડ્યુકને તેણે બચાવ્યા.

પછી અમે હલ્લેા કર્યો. નીસરણીઓ લઈ અમે ખાઈમાં ધસી ગયા. કિલ્લા ઉપરની દિવાલો દુશ્મનોથી ભરી હતી. તેઓ અમારા ઉપર પથ્થરના વરસાદ વરસાવતા હતા. એક અંગ્રેજ તો અમને બધા કરતાં બહુ હેરાન કરતો. જ્યાં અમારાં માણસ ઝાઝાં હાય, ત્યાં જઇને તે એટલા તો મોટા પથ્થર નાખતો કે માણસ અને નીસરણી બન્ને એકસાથે જમીન ઉપર ગબડી પડતાં. આમ એણે ઘણાનો ઘાણ વાળ્યો; પણ ડ્યુકે તેનું કાટલું કાઢ્યું. એક તોપચી આગળ જઈને તેણે કહ્યું:–

“બરાબર નેમ લઈ આ સેતાનને દૂર કર.”

પહેલેજ ગોળે તેણે પેલાની છાતી વિંધી નાખી.

દુશ્મન એટલા તો જક્કી હતા કે અમારા સિપાઈઓ વિજયની શંકા કરવા લાગ્યા. તેઓ અજબ બહાદુરીથી લડતા હતા. જોન આ જોઈ હિંમત આપવા આગળ થઈ, તે નીસરણી ઉપર ચઢી, પણ એક મોટો પથ્થર તેના ટોપ ઉપર આવ્યો, અને તુરતજ તે ઘવાઈને નીચે પડી; પણ એ એકજ પળ. પેલો બટુક તેનું રક્ષણ કરતો હતો. તુરતજ જેને નીસરણી ઉપર ધસી જઈ બૂમ પાડીઃ–

“ધસો ! ધસો ! મારા વીરપુરુષો ! શત્રુ ઝખ મારે છે ! આપણે જીતવાનો સમય આવી પહોંચ્યો છે !”

અમે સઘળા જબરો પોકાર કરીને ધસી ગયા, અને કીડીની માફક બધે ચોંટી ગયા. દુશ્મનો નાઠા; અમે પાછળ પડ્યા. જારગોનો કિલ્લો અમારા તાબામાં આવ્યો. અશક્ય હતું તે શક્ય થઈ પડ્યું !

અમારા મનથી તે પવિત્ર દિવસ હતો. અમને ઘણા કેદી મળ્યા, પણ જોને તેઓને કંઈ પણ ઇજા થવા દીધી નહિં. બીજે દિવસે અમે નગરવાસીઓના હર્ષનાદ સહિત ઓર્લિયન્સમાં પેઠા. સૈનિકો માર્ગમાં જોનની તરવારને અડકતા – એવી ધારણાથી કે પોતે પણ જોન માફક હંમેશ વિજયી રહે.

(૧૭)

હવે અમે એક મહાભારત કામ પરિપૂર્ણ કર્યું હતું. હવે લશ્કરને વિશ્રામ જોઈએ; અને તેને માટે બે દિવસ પૂરતા હતા.

ચૌદમી તારીખની સવારે જોનના ખાનગી એારડામાં હું તેના કાગળ લખતો હતો, એવામાં જોનની એક સખી ત્યાં આવીને બેઠી. તુરતજ તેણે વાત ઉપાડી:–

“જોન ! તમે મારી સાથે આજે વાત કરશો ?”

“શું કામ નહિ ? તારે જે કહેવું હોય તે કહે.”

“કાલે રાત્રે મને ઉંઘ ન આવી, તેનું કારણ તમે આટલાં બધાં જોખમ વેઠો છો, એ બાબતનું મનન જ હતું. અસંખ્ય તોપના ગોળા ઉડતા હતા, તેમાં તમે ડ્યુકની જીંદગી બચાવી !”

“વારૂ, એમાં કંઈ ખોટું હતું ?”

"ખોટું તો કંઈ નહિ, પણ તમે તો ત્યાંનાં ત્યાંજ રહ્યાં. એવું જોખમ તમે શા માટે વેઠ્યું ?”

“અરે ! કંઈ નહિ, હું જરા પણ ભયમાં નહોતી.”

“એટલા તોપના ગોળા ઉડતા હોય, ત્યારે આપણી શ્રદ્ધા કેમ રહે ?”

જોન ખડખડ હસી પડી. તે વાત કરવા જતી હતી એટલામાં તેની સખીએ તેને અટકાવી પોતાનું કહેવું આગળ ચલાવ્યું:–

“જોન ! એક વખત તો ઠીક પણ બીજી વખત તમે હલ્લો કર્યો, અને આખરે તમે તમારું ધાર્યું કર્યું. હવે તમે વચન આપો કે, મારે કોઈ દિવસ રણમાં ઉતરવું નહિ. ભલે, બીજાઓને તમે હુકમ કરો, પણ તમારા રક્ષણની આવાં યુદ્ધોમાં તમારે થોડીક તે દરકાર કરવી જ જોઈએ.” પણ જોને વાત ઉડાવી, અને વચન આપ્યું નહિ.

“ત્યારે તમે શું હમેશ લડ્યાજ કરશો ? આ યુદ્ધો કેટલાં– અરે કેટલાં લાંબાં છે ! તે તો સદાય પહોંચ્યા કરશે.”

જોનની આંખમાં હર્ષનો ચળકાટ હતો. તે બોલી:

“આપણું બધુ અગત્યનું કામકાજ તો આવતા ચાર દિવસમાં થઈ જશે. પછી તો બધી રમત રહી છે. ચાર દિવસમાં ફ્રાન્સ એક મહાભારત કામ કરશે, કે જે ફ્રાન્સની સ્વતંત્રતાનું કેન્દ્રબિંદુ છે.”

અમે આશ્ચર્યચકિત થયા. જોન તો જાણે પરમાત્મામાંજ ડૂબી ગઈ હતી, જાણે સ્વપ્નાવસ્થામાં હોય એવી લાગતી હતી. “હા, ચાર દિવસમાં, માત્ર ચારજ દિવસમાં હું મજબૂત ફટકા લગાવીશ. હા, ચોથો દિવસ પૂરો થાય તે પહેલાં ફરી હું જીતીશ.” જરામાં તે જમીન તરફ જોતી હતી. તેના હોઠો હાલતા હતા, પણ તેમાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. પછી ઘણાજ ધીમા સાદે તે બોલી: “અને એક હજાર વર્ષ સુધી અંગ્રેજ લોકોની ફ્રાન્સમાં કોઈ પણ સત્તા રહેશે નહિ.”

આ સાંભળી મારાં રૂવાડા ઉભાં થયાં. કારણ કે મને ખબર હતી કે, તેને હમણાં દિવ્ય પ્રેરણા થતી હતી. જોન પોતે એ વિષે કઈ જાણતી નહોતી. તેની બાલ્યાવસ્થામાં મને અનુભવ થયા હતા, તેવોજ આ વધુ અનુભવ હતો.

વળી જોનના હોઠો હાલવા લાગ્યા. તેના શબ્દ હજી વધુ ધીમા થતા જતા હતા:– “બે વર્ષ વીતશે, તે પહેલાં મારું શરીર ભયંકર રીતે છૂટશે. ”

જોનની સખી બૂમ પાડવા જતી હતી, પણ મેં તેને ચૂપ રહેવા સાન કરી. પછી કાનમાં મે તેને ધીમેથી કહ્યું:– “જોન ઉંઘે છે, સ્વપ્નાવસ્થામાં છે, અને અર્થવગરના શબ્દો બડબડે છે.”

“અરે ! સ્વપ્નું છે, તેથી હું પ્રભુનો આભાર માનું છું. મને તો તે ભવિષ્યવાણી જેવું લાગ્યું અને તેથી હું બ્હીની.” જોનની સખી જતાં જતાં બોલી:–

“ભવિષ્યવાણી જેવું લાગ્યુ ? મને ખબર હતી કે એ ભવિષ્યવાણી છે.” હું રડતો હતો. ધ્રૂજતી ધ્રુજતી જોન સચેત થઇ. પછી ખુરશી ઉપરથી ઉઠી એકદમ મારી પાસે આવી, દયાની નજરથી મારા કપાળ ઉપર પોતાનો હાથ મૂકી તે બોલી:–

“બાપુ ! તને શું દુઃખ છે ? મને કહેની ?”

મારે જૂઠું બોલવું પડ્યું. મેં એક ફાટેલો કાગળ લઈ કહ્યું કે આમાં મને એક મિત્રે લખ્યું છે કે, પરીઓવાળું આપણું વૃક્ષ કોઈ દુષ્ટ પુરુષે કાપી નાખ્યું છે.

જોનની આંખ પણ પાણીવાળી થઈ ગઈ. પછી તે બોલી:—

“અરે ! કેટલું ભયંકર ! કેટલું ભયંકર ! એવો કોણ દુષ્ટ હશે કે આપણા વૃક્ષને કાપી નાખ્યું ? અરે ! એ વૃક્ષને આપણે કેટલું ચાહતાં હતાં ? ! એ વૃક્ષનું ગીત તો બોલ.” હું બોલવા લાગ્યો:–

તુજ પાન પરે મુજ આંસુ સરે,
નિત રહે કુમળાં મુજ આંસુ ઝરે !

એમ બોલવા લાગ્યો અને છેવટે આ લીટીઓ બોલ્યો, ત્યારે તેને આંસુ આવ્યાં.

ભમું હું કદિયે પરભોમ મહીં,
વસજે મુજ અંતર તું ય તહીં !

એવામાં રાજાનો દૂત જોન માટે કાગળો લઈ આવ્યો, અને અમારી વાતચીત ત્યાં પૂરી થઈ.

(૧૮)

જોને પહેલાં પણ રાજાને પોતે જીવતી હોય ત્યાંસુધી બનતા લાભ લેવાનું કહ્યું હતું. કારણ કે તેની જીંદગી ફક્ત એક જ વર્ષ પહોંચવાની હતી. તે વખતે એ જોનના શબ્દો ઉપર એટલું ધ્યાન આપ્યું નહોતું, પણ હવે મારા મનને ખાત્રી થઈ. આજ સુધીમાં તો બધા જોનના શબ્દો ભૂલી ગયા હતા. કારણ કે તે શબ્દો યાદ કરવા કોઈને સૂઝ્યું નહિ–એટલો બધો તેઓને જોન ઉપર પ્યાર હતો. ખરેખર, મારા સિવાય એ વાત કોઇને સાંભરતી નહોતી. મારા મન ઉપર આ ભારે બોજો હતો. હજી જોન પૂરી યુવાવસ્થામાં પણ આવી નહોતી, એટલામાંજ શું તેનું મૃત્યુ થશે ?

પણ હવે આવા વિચાર કરવાના નહોતા. સવારના પહોરમાં તો રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. ખણખણ હથિયાર ખખડતાં. ક્યાંય થાક્યા સિવાય અમે મોંગ તરફ કૂચ કરી. પૂલ ઉપર હલ્લો કરી અમે તે જીતી લીધો, અને તેનું રક્ષણ કરવા ત્યાં એક ટુકડી રાખી. અમે જ્યારે બોજંસી પહોંચ્યા, ત્યારે અંગ્રેજોએ ગામ ખાલી કર્યું, અને કિલ્લામાં ભરાઈ બેઠા.જોને ત્યાં પોતાનું તોપખાનું લાવી રાત્રિ પડી ત્યાંસુધી તેના ઉપર મારો ચલાવ્યો. એવામાં ફ્રાન્સના સેનાનાયક પણ આવી પહોંચ્યો. ડ્યુક સાથે તેને અણબનાવ હતો, પણ જોને ડ્યુકને મનાવી લીધો. આવાં કામો રાજ વિદ્યામાં તેની પ્રવીણતા બતાવે છે. પ્રત્યેક વિષયમાં તેનું કૌશલ્ય અપ્રતિમ હતું. ગમે તે સદ્‌ગુણ જગતમાં હોય– અને જો અમે તે જોન ઑફ આર્કમાં શોધતા, તો તે અમને તેનામાંથી મળી આવતો.

જુનની સત્તરમી તારીખની સવારે જાસુસો ખબર લાવ્યા કે, અંગ્રેજો આવી પહોંચ્યા છે. અમે તેઓની સામા ચાલ્યા. થોડી વાર પછી અમે તેઓને નજરેનજર જોયા. યુદ્ધને માટે પેાતાને અનુકૂળ થાય, એવું સ્થળ તેમણે પસંદ કર્યુ હતું. તીરંદાજોને મોખરે રાખી તેઓ અમારી વાટ જોઇનેજ ઉભા હતા.

રાત્રિ પડતી હતી. શત્રુઓ તરફથી એક દૂત લડાઇનું કહેણ લાવ્યો. જોને સ્વાભાવિક શાંતિથી ઉત્તર વાળ્યેા:–

“જા, તારા સરદારને એમ કહે કે આજે તો મોડું થઈ ગયું છે, પણ કાલે સવારે આપણે યુદ્ધ કરીશુ.”

રાત્રિ અંધારી હતી. થોડો થોડો વરસાદ પણ પડતો હતો. દશ વાગે અમારી સભા મળી. કેટલાકનો મત એવો હતો કે જોને લડાઈ કરવા ના પાડી, એ તેની ભૂલ હતી. વળી કેટલાક એમ માનતા હતા કે તેણે સારૂં કર્યું હતું. ઢીલ કરવા માટે જ્યારે જોનને એક સરદારે કારણ પૂછ્યું, ત્યારે જોન બોલી:–

“કારણ એક નહિ, પણ અનેક છે. પહેલાં તો એ કે, અંગ્રેજો ગમે તેમ કરે તો પણ આપણા પંજામાંથી છૂટી શકશે નહિ, તેથી આપણે ખાલી મફત શું કામ જોખમમાં પડવું ? જ્યારે આપણું લશ્કરજ નબળું છે, ત્યારે બધી બાબતોનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ; અને તેથી યુદ્ધનો વખત દિવસનો હોય, એ બહેતર છે.”

“કાલે પણ દુશ્મનનું એજ લશ્કર હશે, અને આપણું પણ એજ હશે. પછી યુદ્ધ શું કામ ન કરવું ? ”

જોન હસી પડી. પછી પોતાના હાથમાં તે સરદારના ટોપની કલગીનો એક તાંતણો લઈ કહ્યું :

“તમે મને કહેશો કે, આ કયો તાંતણો છે ?”

“તે હું શી રીતે કહી શકું ?”

“જ્યારે તમે આટલું નથી કહી શકતા, ત્યારે કાલે શું થશે તે કેમ કહી શકો ? કાલે આપણી સંખ્યામાં વધારો થશે તો ?”

“એ સિવાય બીજું કંઈ કારણ છે ?”

“હા, પ્રભુએ નીર્મેલો દિવસ આજે નહિ, પણ કાલે છે, અને કાલે આપણને વિજય મળશે અને તે ફ્રાન્સને કોઈ વખત નથી મળ્યો, તેવોજ મળશે.”

અમને જોનમાં શ્રદ્ધા હતી. અમારાં હૈયાં હળવાં થયાં અને અમે ગપાટા હાંકવા લાગ્યા. એવામાં એક જાસૂસે આવીને કહ્યું કે, અંગ્રેજો ચોરી-છૂપીથી પાછા હઠે છે, એવું મને લાગ્યું.

સરદારોના ચહેરા ઉપરથી સ્પષ્ટ માલુમ પડતું હતું કે, તેઓ બહુજ આશ્ચર્યચકિત થયા હતા.

“તેઓ પાછા વળે છે” જોને કહ્યું.

“એમ દેખાય છે ખરું.”

“એ સાચીજ વાત છે.”

“આપણે આ આશા નહોતી રાખી, પણ કારણ ખુલ્લું છે.”

“હા” જોને કહ્યું “એ લોકોએ ઉદ્ધતાઇ છેાડી હવે કંઈક વિચાર કર્યો છે. અંગ્રેજ સરદારોના વિચાર મોંગનો પૂલ જીતી બીજી બાજુ નાસી જવાનો છે. આમ કરી તેઓ બોજંસીનો કિલ્લો બચાવવા માગે છે, પણ આપણે તે કેમ થવા દઈશું ?”

“બોજંસીનું શું કરવું ?”

“હું જરા વારમાં કંઇ પણ લોહી રેડ્યા વિના એ કિલ્લો કળાથી જીતીશ. જ્યારે એ લોકો પોતાની હાર થઈ છે, એવું જાણશે કે તુરતજ શરણે આવશે.”

બધા સરદારો ગર્જી ઉઠ્યા : “અમને જલદી મોકલો, મોકલો. દરેકને પોતપોતાનું કામ સોંપી દ્યો. પછી એને પણ આપણે પાણી દેખાડીએ.”

“જુઓ, એ કામ કંઇ અઘરૂં નથી. ત્રણ કલાક સુધી ભલે સિપાઈઓ આરામ લે. એક વાગે આપણે કૂચ કરીશું; શત્રુઓની પાછળજ રહેજો અને બનતાં સુધી લડતા નહિ. હું બોજંસી જાઉં છું. અમે તમને પાછાં મળસ્કામાં મળીશું.”

 જોને વચન પાળ્યું. તે પેાતાના અંગરક્ષકોને લઈને ચાલી. હું જોનની સાથે હતો. બોજંસી જઈ અમે અંગ્રેજ નાયકને ખબર આપી કે તેનું લશ્કર તાબે થયું છે. જોને બહુ રહેમદૃષ્ટિ રાખી. તેઓને કિલ્લામાંથી અસ્ત્ર-શસ્ત્ર અને પૈસા લઈ જવાની રજા આપવામાં આવી. અમે સેનાનાયકને લઈ મળસ્કામાં અમારા લશ્કરને મળવા ગયાં, એટલામાં અમે તોપના ધડાકા સાંભળ્યા. અંગ્રેજ સરદારે પૂલ ઉપર હલ્લો શરૂ કરી દીધો હતો. પણ બરાબર અજવાળું ઉઘડે તે પહેલાં તો અવાજો બંધ થઈ ગયા. પછી તે ન સંભળાયા. અંગ્રેજ સરદારને ખબર પડી હતી કે, બોજંસી શરણે જઈ ચૂક્યું છે. હવે લડવું નકામું હતું, તેથી તેણે પારીસ તરફ કૂચ કરી. મોંગના સિપાઈએ પણ તેની સાથે હતા.

તે ત્રણ દિવસમાં અમે ઘણા ફ્રેન્ચ કિલ્લા લીધા.

(૧૯)

અઢારમી જૂનનો આ દિવસ હતો. સવારે તપાસ કરી, પણ ક્યાંય શત્રુ નહોતા; પરંતુ મને તેની લેશ પણ ચિંતા નહોતી. મને તો ખાત્રી હતી કે, ગમે ત્યાંથી શત્રુ આવશે, અમે જીતીશું; અને એ ધક્કો શત્રુઓને એવો લાગશે કે એક હજાર વર્ષ સુધી તે તેમનું નામનિશાન ફ્રાન્સમાંથી જતું રહેશે. મને જોનનાં સ્વપ્નાં – એટલે કે તેની દિવ્ય પ્રેરણાઓ – ઉપર શ્રદ્ધા હતી, અને વળી હું શ્રદ્ધા રાખતો તે સર્વદા ફ્ળતી.

રસ્તામાં એક ગાઢ જંગલ આવતું હતું, તેમાં માણસો ઘણી સહેલાઇથી છુપાઈ શકે એવું હતું. માણસોનાં પગલાં અમે ભીની જમીન ઉપર જોયાં. વ્યવસ્થાસર તે પડતાં આવ્યાં હતાં. આ પગલાં લશ્કરનાં હતાં, તે ચોક્કસ હતું.

તેથી હવે અમારે સંભાળ લેવી પડી. રખેને દુશ્મનો અમારા ઉપર અમને ખબર ન પડે એવી રીતે હલ્લો કરે તો અમારૂં કર્યું કારવ્યું ધૂળ મળે. જોને રસ્તો શોધવા માટે બે ચાર નાયકો સાથે થોડાંક માણસો આગળ મોકલ્યાં. અમારે ભય તો ઘણો હતો, પણ એ સિવાય બીજો માર્ગ ન હતો.

પેટે પાસે આવતું જતું હતું. એટલા માં એક હરણ અમારાં પગલાંથી બ્હી છેટે નાઠું. તુરતજ એક ઠેકાણેથી બૂમ પડી કે ત્યાં અંગ્રેજો હતા. તેમને ખાવાનું કંઈ ન મળેલું હોવાથી આ શિકાર હાથ લાગતાં તેઓના હર્ષનો પાર રહ્યો નહિ; પરંતુ આ હરણિયાથીજ અમને તેઓના સ્થળવિશેની માહિતી મળી હતી. તેઓ અમારા વિષે કંઇ પણ જાણતા નહોતા.

જોને તુરતજ સરદારોને કહ્યું :–

“ઘોડાઓને મારવાની તમારી એડીઓ તો બરાબર મજબૂત છે ને ?”

“કારણ ! શું આપણે નાસી જવું પડશે ?”

“ના, એમ નહિ; આપણે તેઓની પાછળ પડીશું ત્યારે તેઓને પકડી પાડવા માટે ઘોડાએાને ખૂબ દોડાવવા પડશે. ચાલો, આગળ ચાલો !”

એક પળમાં અમે દુશ્મનોને જોયા. તેઓના લશ્કરની ત્રણ ટુકડીઓ હતી. આગળ વળાવો ચાલતો હતો; પછી તોપખાનું હતું; અને ત્યારપછી બીજા સિપાઇઓ વ્યવસ્થાસર કૂચ કરતા હતા. તેઓ હવે ઝાડીમાંથી બહાર આવ્યા હતા, અને મેદાનમાં ચાલતા હતા. અંગ્રેજ નાયકે પાંચસો ચુનંદા તીરંદાજો ચૂંટી કાઢી એક ઝાડી આગળ ગોઠવ્યા – એવું ધારીને કે તેનું બાકીનું લશ્કર આવી પહોંચે ત્યાંસુધી તેઓ અમને રોકી શકે. જોને અંગ્રેજ નાયકનો ઉદ્દેશ કળી જઈ એકદમ હાયરને તેના ઉપર ધસી જવા ફરમાવ્યું.

ડ્યુક અને સુબો, હાયરની પછવાડે જવાનું કરતા હતા પણ જોને કહ્યું :– “હજી નહિ, હજી વખત છે.”

ત્યારે તેઓ આતુરતાથી તૈયાર થઈ જોનના હુકમની વાટ જોતા થંભી રહ્યા. જોન મક્કમ હતી. તે અવલોકન કરતી હતી, માપતી હતી, ગણતી હતી. તે મિનિટે મિનિટ અને સેકંડે સેકંડનું ધ્યાન રાખતી હતી. ઉંચી અને નીચી જતી તથા આમથી તેમ વળતી કલગીઓ તરફ તે તાકી તાકીને જોતી હતી.

હાયરના અતિ બળવાન યોદ્ધાઓ માથું મૂકીને લડતા હતા. જ્યાં ત્યાં તેઓ ઘૂમતા. અંગ્રેજોનો હુમલો આવ્યો તેને તુરતજપાછો હઠાવી તેઓએ બમણા જોરથી પાછો તેમના ઉપર હુમલો કર્યો. અંગ્રેજોમાં ગેરવ્યવસ્થા ફેલાઈ.

ડ્યુકે અને સુબાએ તે જોયું. તેઓ એટલા બધા ઉશ્કેરાઈ ગયા હતા કે તેઓના અંગમાં ધ્રુજારી છૂટતી હતી. તેઓએ જોન તરફ વળીને કહ્યું :– “હવે ?”

પણ જોન હજી જોતી હતી, વિચારતી હતી, ગણત્રી કરતી હતી. તે બોલી :– “હજી નહિ.”

 પોતાના બાકીના લશ્કર તરફ અંગ્રેજ નાયક વળ્યો. અંગ્રેજ સિપાઈઓએ ધાર્યું કે નાયક જોનના ભયથી નાસે છે, તેથી તેઓ એક પળમાં લડવાનું મૂકી દઈ નાઠા.

હવે વખત આવ્યો હતો. જોને અમને પોતાની તરવાર હલાવી નિશાની કરી કે પછવાડે ચાલ્યા આવો. કીકિયારી પાડી પવનને વેગે ઘોડા દોડાવી શત્રુઓ તરફ તે ધસી ગઈ.

અમે નાસતા લશ્કરને ત્રણ કલાક સુધી કાપ્યું. જ્યાં જોઇએ ત્યાં અમારો વિજય થયો. આ પ્રમાણે પેટેની લડાઈ અમે જીત્યાં હતાં.

જોન ઘોડા ઉપરથી ઉતરી અને ધ્યાનથી રણનો દેખાવ જોઈને બોલી :–

પ્રભુનો આભાર માનો. આજે તેણે ઘણો ઘાણ વાળ્યો છે.” પછી તેણે વિચારમાં – ઉંડા વિચારમાં માથું ઉંચકીને કહ્યું :–

“એક હજાર વર્ષ — એક હજાર વર્ષ આ યુદ્ધને લીધે ફ્રાન્સમાંથી અંગ્રેજી સત્તા તૂટી પડશે.” પોતાની આજુબાજુ ફરી વળેલા સરદારોને વળી તે વિચારમાં ને વિચારમાં સંબોધીને બોલી :–

“મિત્રો ! મારા મિત્રો ! શું તમે જાણતા નથી કે આજે ફ્રાન્સ સ્વતંત્ર થયું છે ?”

હાયરે સલામ કરીને કહ્યું : “જો જોન ઑફ આર્ક ન હોત, તો ફ્રાન્સ કોઈ દિવસ સ્વતંત્ર થાતજ નહિ.”

પછી આખા લશ્કરે હર્ષનાદ કર્યો :– “ઘણું જીવો ઓર્લિયન્સની કુમારિકા ! અનંતકાળ સુધી જીવો જોન ઑફ આર્ક !” જોને હસતાં હસતાં તરવારથી સલામ ઝીલી.

સાંજે મેં જોનને પેટેના રણ ઉપર ઘવાયેલાઓની અને મરેલાઓની વ્યવસ્થા કરતી જોઈ. એક અંગ્રેજ સિપાઈ બિચારો બહુ ગરીબ હતો – અને પેાતાનો છૂટકારો પૈસાથી કરવા તે અશક્ત હતો. અમારા માણસોએ તેથી તેને ઘાયલ કર્યો હતો. જોને છેટેથી આ જોયું. તેણે તુરતજ એક પાદરીને બોલાવ્યો. જોને તે સિપાઈનું માથું પોતાના ખોળામાં લીધું, અને સગી બહેન માફક અંતકાળ સુધી તેની સેવા કરી. જોનની આંખમાં તે વખતે આંસુ વહેતાં હતાં. તે મનુષ્યમાત્ર ઉપર પ્રેમ રાખતી અને તે પણ માતા રાખે તેવો ઉત્કટ.

(૨૦)

આ સઘળાં યુદ્ધોએ રેમ્સનો માર્ગ ખુલ્લો કર્યો હતો. હવે રાજ્યાભિષેકની ક્રિયા સામે કંઇ પણ પ્રતિબંધ નહોતો. રાજ્યાભિષેક થયા પછી જોનનું જીવનકાર્ય પરિપૂર્ણ થવાનું હતું.

રાજાને રેમ્સ જતાં ભય લાગતો હતો. કારણ કે માર્ગમાં માઈલે માઇલે અંગ્રેજી કિલ્લાઓ આવતા. રાજાને મન તો તે સર્વ અજિત હતા, પણ જોનને મન તે કંઈ નહોતું, તો પણ અમે જેમ તેમ બધાને સમજાવી ગીનથી બાર હજાર માણસ સાથે ચાલ્યા. આજે જુનની ઓગણત્રીસમી તારીખ હતી.

ઑકસેરીમાં અમે ત્રણ દિવસ રોકાયા. તે શહેરે લશ્કરની ખોરાકી આપી, અને શરણે આવ્યું. અમે શહેરની બહારજ પડાવ નાખ્યો. સેન્ટ ફ્લોરન્કીનના કિલ્લાએ પણ તાબે થવાનું ઉચિત ધાર્યું.

ચેાથી જુલાઇએ અમે સેંટ ફાલ પહોંચ્યા. ત્યાંથી અમે ટ્રોય્સ તરફ પ્રયાણ કર્યું. જોને એ ગામને શરણે આવવા સૂચવ્યું, પણ તેની આજ્ઞા પળાઈ નહિ. જોને સાથે તોપખાનું લીધું નહોતું તેથી તેઓ પોતાને સહીસલામત ધારતા હતા. પાંચ દિવસ સુધી અમે કોલકરારો કરવા પ્રયત્ન કર્યો, પણ તે અફળ ગયો. રાજા આથી નિરાશ થઈ ગયો અને પાછા વળવા ધાર્યું; પણ હાયર સભામાં રાજાને પણ લાગુ પડે, એવાં વાક્યો બોલ્યો : “કુમારિકા જોને આ લશ્કરના ઉપરીનો હોદ્દો લીધો છે, તો પછી ગમે તે માણસને જોન સામે થવાનો અધિકાર જ નથી.” અસ્તુ.

તેથી રાજાએ જોનને તેડાવી અને શું કરવું તે વિષે પૂછ્યું. જોને જરા પણ શંકા વિના કહ્યું :–

“ત્રણ દિવસમાં આ સ્થળ આપણું માની લેવું.”

“સાચું પૂછો તો છ દિવસ લાગશે.” એક અધિકારી બોલ્યો.

“છ દિવસ ! પ્રભુનું નામ લઈને કહું છું કે, કાલે આપણે ટ્રોય્સના દરવાજામાં દાખલ થઈશું.”

પછી તે ઘેાડા ઉપર સ્વાર થઈ. લશ્કરને તપાસી તેણે કહ્યું :–

"તૈયારી કરો, મારા મિત્રો ! કામે લાગો. કાલે આપણે હલ્લો કરવાનો છે.”

જોને આખી રાત્રિ સાધારણ સિપાઈની માફક કામ કર્યા કર્યું. પછી સવારે તેણે પોતાનો હોદ્દો સંભાળી હુમલો કરવા હુકમ આપ્યો. તેજ વખતે સામાવાળાઓએ સુલેહનો વાવટો બતાવ્યો. આવી રીતે કંઇ પણ લોહી રેડાયા વિના ટ્રોય્સ તાબે થયું.

 ટ્રોય્સવાળા અંગ્રેજો પોતાની સાથે ફ્રેન્ચ ગુલામોને લઈ જતા હતા, પણ જોને તેમના બદલામાં રાજા પાસેથી પૈસા અપાવ્યા અને તેમને છોડાવ્યા.

અમે અમારી કૂચ ચાલુ રાખી. કેલોન્સ તાબે થયું. એક સરદારે કેલોન્સ પાસે ભવિષ્ય કેવું રૂપ ધારણ કરશે, તેને માટે પૂછ્યું. જોને કહ્યું કે, મને એકજ વસ્તુનો ભય છે, અને તે દગો છે. અરે ! કોણ એ માને ? કોને એવું સ્વપ્નું પણ આવ્યું હોય ? તોપણ તે ભવિષ્યવાણી હતી.

કૂચ અમે ચાલુજ રાખી. સોળમી જુલાઈને દિવસે રેમ્સના બૂરજ અમારી નજરમાં આવ્યા. ચારે તરફથી હર્ષનાદો ગાજ્યા. જોન ધોળું બખ્તર પહેરી આનંદસમાધિમાં હોય – જાણે સ્વર્ગ થી ઉતરી આવી હોય – એવા એવા તર્કવિતર્ક અમારા હૃદયમાં પ્રેરતી ઘોડા ઉપર બેસી રેમ્સનો દેખાવ જોતી હતી. હવે કાલે જોન ઑફ આર્ક એમ કહે તો ચાલે કે, મારું કામ પૂરું થયું છે — હવે મને જવાની રજા આપો.

અમે પડાવ નાખ્યો કે રાજ્યાભિષેકની તૈયારીઓ થવા લાગી. ધર્મમંડળનો વડો આવી પહોંચ્યો. ત્યારપછી નગરવાસી અને ગામવાસીઓનાં ટોળેટોળાં આવવા લાગ્યાં. ચારે તરફ વાવટા ઉડી રહ્યા હતા. ઠેકાણે ઠેકાણે સંગીતના મધુર રણકારા કાને પડતા. આખી રાત્રિ લોકો શહેરને શણગારવામાં ગુંથાઈ રહ્યા હતા. સવારે લોકો વહેલા ઉઠ્યા. અમને ખબર હતી કે રાજ્યાભિષેકની ક્રિયા નવ વાગે શરૂ થશે, અને પાંચ કલાક પહોંચશે.

જોને હવે લશ્કરને છેલ્લી સલામ કરી દીધી. કારણ કે તે ધારતી હતી કે, હવે તેને લશ્કર સાથે કંઈ પણ કામ પડવાનું નહોતું. લશ્કરને તે છેલ્લીજ વેળા તપાસતી હતી. દરેકે દરેક સિપાઈ જોન પાસેથી જતો, જતાં જતાં સલામ કરતો, અને થોડાંક પગલાં આગળ ચાલ્યા પછી પણ અદબ વાળી ચાલતો. આ વખતે બધુ શાંત હતું. વિજય મળ્યા પછી સિપાઈઓ ખુશી થાય છે, પણ આજે તેઓનાં વદન ઉપર હર્ષ નહોતો. કારણ કે જોન ઑફ આર્ક સેનાધિપતિનો હોદ્દો છોડી જાય છે, એ તેઓને ખબર હતી.

પછી અમે રાજાને મહેલ ગયા. તે તૈયારજ હતો. જોન લશ્કરને મોખરે ચાલી. ગામના લોકોનાં ટોળેટોળાં જોનનું દર્શન કરવા આવતાં હતાં. તેઓ અમારા માર્ગ ની બન્ને બાજુએ ગોઠવાઈ ગયાં હતાં. જાણે કોઇ ગલીમાંથી કૂચ કરી જતા હોઈએ, એવું અમને લાગતું હતું. રસ્તામાં ચારે તરફ ફૂલ ઉગી નીકળ્યાં હતાં, તે જાણે જોનના પગને ચુંબન કરતાં હોય એવાં લાગતાં હતાં. જોનને જોઈ કોઈ નમન ન કરે, એવું મેં આટલા મહીનાઓમાં કોઈ વખત જોયું નહોતું. લોકો જોનને પગે લાગતા. જોન જ્યારે દુશ્મનોના હાથમાં પકડાઈ અને જ્યારે તેનો મુકદ્દમો ચાલ્યો, ત્યારે આ મુદ્દો તેની વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો.

અમે જેમ જેમ પાસે આવતા ગયા, તેમ તેમ લોકોની ગીરદી વધવા લાગી. તોપના અવાજોથી કાન ફૂટી જતા અને ધૂમાડાનો તો કંઇ પારજ રહ્યો નહિ. અમે પૂરભપકામાં શહેરના દરવાજામાં પેઠા. પછી મુખ્ય મુખ્ય માર્ગે થઈ અમારૂં સરઘસ ચાલ્યું. બારીઓમાંતો શું, પણ છાપરાંઓ ઉપર પણ જગ્યા ખાલી રહી નહોતી – એટલાં મનુષ્યો જોનનું દર્શન કરવા ભેગાં થયાં હતાં. પળે પળે હર્ષનાદો ગાજી ઉઠતા.

જોનનું નામ મંદિરની પ્રાર્થનાઓમાં દાખલ થયું હતું, પણ આથીએ વધુ માન જોનને લોકો તરફથી મળ્યું, અને તે એ કે, તેની છબી ચાંદ ઉપર કોતરાવી તેઓ તાવીજતરીકે પહેરતાં. જ્યાં ત્યાં આવાંજ તાવીજ જોવામાં આવતાં. અમે ધર્મમંડળના વડાના મહેલ આગળ ઉતર્યા. ત્યાંથી રાજાએ સેંટ રેમ્સના દેવળમાંથી પવિત્ર તેલનો કૂંજો મંગાવ્યો. અત્યાર સુધીના સઘળા રાજાઓ રાજ્યાભિષેક વખતે તે તેલ ચોળતા અને એ નિમિત્તે કેટલીક ખાસ ક્રિયાઓ કરાતી હતી. આ પ્રસંગે પણ તે કૂંજો ખાસ ક્રિયાઓ અને ધામધૂમ સહિત દેવળમાંથી મંગાવવામાં આવ્યો. રસ્તામાં લોકો તે કૂંજાને જોઈ સાષ્ટાંગ નમસ્કાર કરતા. કારણ કે તેઓ માનતા કે તે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છે.

આ ફૂંજો લઈ આવનારૂં ભવ્ય સરઘસ મંદિરના પશ્ચિમદ્વા૨માં પેઠું. આર્કબીશપ દાખલ થયો કે પ્રાર્થનાસંગીત ગાજી ઉઠ્યું. તે મંદિર લાખો માણસોથી ભરાઈ ગયું હતું. વચમાં એક ચોગાનજ ખાલી રાખવામાં આવ્યું હતું. અહીં આર્કબીશપ પોતાના હાથ નીચેનાં માણસોસહિત આવી પહોંચ્યો. પછી તેના રક્ષણ માટે તેની સાથે ચાલનારા પાંચ ઉમરાવો ભવ્ય પોશાકમાં પોતાના ઘાડાઓ ઉપર બેસી વાવટાઓ ઉડાવતા ઉડાવતા આવ્યા. અહો ! તે કેટલું મનોહર લાગતું હતું ! આવો સરસ દેખાવ મેં આખી જીંદગીમાં જોયો નહોતો.

મંદિરના પગથિયાથી લગભગ ચારસો ફીટ તેઓ ચાલ્યા. પછી આકર્ષબીશપે તેઓને જવાની રજા આપી; અને તેઓએ કલગી ઘોડાની ડોકને લાગી ત્યાંસુધી ઝૂકીને સલામ કરી. ત્યારપછી ઘોડાઓને નચાવતા નચાવતા તેઓ ચાલી ગયા. થોડીક પળસુધી તો શાંતિ વ્યાપી. લોકો ઉંઘતા હોય એમ લાગતું હતું. એટલામાં એકાએક ચારસો રણશિંગાંઓ ફૂંકાયાં. તુરતજ રાજા અને જોન પશ્ચિમના મોટા દરવાજેથી આવી પહોંચ્યાં. તેઓ ધીમે ધીમે ચાલતાં હતાં. હર્ષનાદ અને સંગીત – તે સિવાય કંઈ પણ કાને પડતું નહિ. જોનની બાજુમાં તેનો વાવટો લઈને એક માણસ ચાલતો હતો, અને તેની પાછળ રાજ્યના સેવકો પોતાના – હોદ્દાસર ચાલતા હતા.

મુકરર કરેલા સ્થાને સરઘસ આવી પહોંચ્યું. પછી રાજ્યાભિષેકની ક્રિયાઓની શરૂઆત થઈ. આ ક્રિયાઓ ઘણી લાંબી હતી. પ્રાર્થના થઈ, પ્રાર્થનાસંગીત ગવાયું, ધર્મબોધ અપાયો અને એવી એવી બીજી બાબતો અમલમાં મૂકવામાં આવી. આ બધો વખત જોન પેાતાનો વાવટો હાથમાં ઝાલી રાજા પાસે ઉભી હતી. ૫છી રાજાને સોગંદ આપવામાં આવ્યા, અને તેલનું મર્દન થયું. ત્યારપછી એક ઉમરાવે પગે લાગી રાજા આગળ ગાદી ઉપર રાજમુકુટ મૂક્યો. રાજાએ થોડીક વાર તો વિચાર કર્યો; મુકુટને માત્ર અડક્યો, પણ જોનની આંખો અને તેની આંખો મળી કે તે હસ્યો. જોને ફ્રાન્સનો મુકુટ હાથમાં લીધો, છાતી કાઢી તેને ઉંચક્યો અને મલકાતે મોંએ તેના માથા ઉપર મૂકી દીધો.

પછી હર્ષનાદોનું તો પૂછવું જ શું ! તોપના અવાજથી તો જાણે અમે બહેરા થઈ ગયા.

જોન આ વખતે રાજા તરફ ફરી, અને ધીમે ધીમે ગદ્ ગદ્ કંઠે તે બોલી :–

“ખુદાવિંદ ! પ્રભુની કૃપાથી તમારો મુકુટ તમને મળ્યો છે. મારૂં કામ હવે પૂરું થયું છે. હવે મને શાન્તિમાં મારી મા પાસે જવા દો. તે ઘરડી છે, અશક્ત છે, તેને મારી સેવાની જરૂર છે.”

રાજાએ તેને ઉભી કરી, અને ભરસભામાં તેનાં મહાભારત કાર્યોનાં વખાણ કર્યા. પછી તેણે તેને ખિતાબો બક્ષી કાઉન્ટના પદે ચઢાવી. વળી તેની ઉચ્ચસ્થિતિને અનુસરી ગૃહમંડળ નીમી આપ્યું. ત્યારપછી તેણે કહ્યું:–

“તમે રાજ્યને બચાવ્યું છે. તમે તમારી મરજીમાં આવે તે વસ્તુ માગો. હું ગમે તેમ કરીને તમારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ.”

જોન પગે લાગી બોલી:–“મારા બાદશાહ ! મારા ઉપર તમારી આટલી બધી મહેરબાની છે તો હુકમ કરો કે, મારા ગરીબ ગામડા ઉપરના બધા કર માફ થાય.”

“જાઓ, તે માફ છે. પછી ? ”

“બસ.”

“બસ ? બીજુ કંઈ નહિ ?”

“નહિ, કંઈ નહિ. મને તાણ કરો નહિ. હું કંઈ નહિ માગું.”

રાજા મુંઝાયો , નિરાશ થયો. પછી તેણે જોનની નિઃસ્વાર્થતાની ઘણી પ્રશંસા કરી. અમારા ગામડાનો કર તેણે હમેશને માટે માફ કર્યો. રાજાની મરજી હતી કે જોન કંઈ બીજું પણ માગે તો ઠીક, પણ તેને જોન માટે એટલું માન હતું કે તેણે જોનની મરજી વિરુદ્ધ જરા પણ દબાણ કર્યું નહિં.

તમને યાદ હશે કે, અમે બાલ્યાવસ્થામાં મશ્કરીમાં ને મશ્કરીમાં રાજા ખુશી થાય તો તું શું માગે ? એવો જોનને પ્રશ્ન કર્યો હતો; અને “આપણા ગામના કર રાજા માફ કરે એવું હું માગું” એવો ઉત્તર પણ જોને તે સમયે આપ્યો હતો. જ્યારે જોન આ શબ્દો બોલી, ત્યારે તે અમે હસવામાંજ ગણી કાઢ્યું હતું, પણ આજે અમે જોનના મનની મોટાઈ સમજ્યા–તેના ઉચ્ચ હૃદયને આજે જાણ્યું.

જોને અમારા ગામનો કર સદાને માટે માફ કરાવ્યો. તે દિવસ પછી ત્રેસઠ વર્ષ ચાલી ગયાં છે. ડોમરેમીનાં આજુબાજુનાં ગામડાંઓનો કર ત્રેસઠ વખત લેવાયો છે, પણ કર ઉઘરાવનારા કોઇ વખત ડેમરેમીમાં આવ્યા નથી. હિસાબની ત્રેસઠ ચોપડીઓ ભરાઈ છે. કોઈ તે જોવા પણ ઈચ્છે. દરેક ગામના નામની નીચે તે ગામમાંથી કેટલો કર આવ્યો તે એક સ્થળ સિવાય બધે લખેલું છે. હું કહું છું તે સાચું છે, જ્યાં ડોમરેમીનું નામ છે ત્યાં તેના વેરાનો આંકડો નથી; પણ માત્ર ત્રણ જ શબ્દ લખ્યા છે, અને તે નીચે પ્રમાણેઃ—

ડોમરેમી

નહિઃ ઓર્લિયન્સની કુમારિકા.



કંઈ નહિ ! ઓર્લિયન્સની કુમારિકા ! આ શબ્દો કેટલા ટુંકા છે, પણ આ શબ્દો આખી પ્રજા એકજ મતે–એકજ સાદે બોલી છે. બે વાગે રાજ્યાભિષેકની ક્રિયાઓ પૂરી થઈ. પછી સરઘસ પાછું નીકળ્યું. લોકોના હર્ષની તો વાતજ ન પૂછવી.

જોન ઑફ આર્કના જીવનરૂપી નાટકનો ત્રીજો અંક અહીં પૂરો થાય છે.

(૨૧)

અમે અમારું સરઘસ પૂર દોરદમામથી કાઢ્યું. જોન આગળ વધતી, તેમ લોકો તેના ઘોડા આગળ આવી કુર્નિસો બજાવતા. ધીમે ધીમે અમે શહેરના મુખ્ય ભાગોમાં ફરી એક ધર્મશાળા આગળથી નીકળ્યા, ત્યારે અમે બે માણસોને જોયા. તેઓએ જોનને નમન કર્યું નહોતું, પણ અજાયબીની દૃષ્ટિથી તેના તરફ જોતા હતા. તે પાસેજ હતા, પણ તેઓ ઉપર કોઇએ જાદુ કર્યું હોય એમ પાષાણવત્ ઉભા હતા. સિપાઈઓ ગુસ્સે થઇ તેમને શિક્ષા કરવા ધસ્યા, પણ જોનની નજર જ્યારે ઉપર્યુક્ત બનાવ ઉપર પડી, ત્યારે તેણે કહ્યું કે, રહેવા દો. તે ઘોડા ઉપરથી ઉતરી, તે બન્નેને ગદ્ ગદ્ હૃદયે ભેટી. આ બે પુરુષોમાં એક જોનનો પિતા અને બીજો તેનો મામો હતો.

શહેરવાસીઓએ રાજાને તથા જોનને બપોરે એક મિજબાની આપી. આ મિજલસમાં જોનના પિતાને તથા મામાને તેડાવવામાં આવ્યા, પણ તેઓને ત્યાં ઠીક ન પડ્યું; તેથી તેઓ માટે ખાસ એક જૂદીજ અગાશી ઉપર બેઠક ગોઠવવામાં આવી. ત્યાંથી તેઓ તે મિજબાનીનો દેખાવ અને જોનને મળતું સન્માન જોઈ ગળગળા થઈ ગયા. એવામાં રાજાએ સંગીતના હુકમ કર્યો. જોનના મન ઉપર સંગીતની બહુજ ઉંડી અસર થઈ.

રાત્રે અમે ડોમરેમીના બધા રહેવાસીઓ ધર્મશાળામાં બેસવા ગયા. જોને પોતાના અંગરક્ષકોને રજા આપી અને કહ્યું કે, હું મારા પિતા સાથે અહીં જ સૂઈશ. ત્યારપછી પોતાના પિતા અને મામા વચ્ચે તે બેસી ગઈ, અને પોતાના હાથ તેઓના હાથમાં ભેરવી રમતમાં તે રમતમાં કહેવા લાગીઃ–

“અહીં આપણે કોઈ પણ જાતની રીતભાત જાળવવાની જરૂર નથી. હવે આપણી સ્થિતિ આગળના જેવી જ છે. કારણ કે બધાં યુદ્ધો પૂરાં થયાં છે, અને હવે હું ઘેર–” એવામાં તે અટકી. તેનું મન તેની વાણીથી વિરુદ્ધ જતું હતું. પછી તે અત્યંત આતુરતાથી બોલી :– “અરે તે દિવસ ક્યારે આવશે ?” જોનનો પિતા આશ્ચર્યચકિત થયો, અને બોલ્યો :–

“શું આવા સરસ યોદ્ધાઓ અને આવી કીર્તિ મૂકીને એક નાના ગામડામાં રાજકુંવરો અને સરદારોના સંગવગર તું એકલી રહીશ ?”

જોને હસતે મોંએ કહ્યું :– “આ લડાઈઓ લડવાનો અને કેર વર્તાવવાનો મારો સ્વભાવ ન હતો, અને નથી. જ્યારે અમારા પક્ષનો કે સામા પક્ષનો કોઈ સિપાઈ ઘવાતો ત્યારે તેને જેટલું દુઃખ થતું, એટલું જ મને થતું. હું તે સિપાઇનાં પિતામાતા તથા બાળબચ્ચાંનો વિચાર કરતી. હવે મારૂં કાર્ય પરિપૂર્ણ થયું છે, ત્યારે પછી શામાટે તે દુઃખમાં રીબાવાનું પસંદ કરૂં ? મારા ગામડામાં મને શુ દુઃખ છે ? મારી મા બિચારી મને સંભારતી હશે.”

“ અરે ! તારી મા ? તે બિચારી તો આખો દિવસ ચિંતાજ કર્યા કરે છે. તે ખાતી નથી, પીતી નથી. જ્યારે તોફાન ગાજતું હોય ત્યારે તે કહે છે કે ‘અરે ! મારી દીકરી ગરીબ સિપાઈઓ સાથે ભીની જમીન ઉપર સૂતી હશે.’ જ્યારે વિજળી ઝબકે અને ગડગડાટ થાય ત્યારે તે બોલે છે : ‘આવાજ તોપના ગોળા સામે તે ઝઝુમતી હશે. તેનું રક્ષણ કરવા હું તેની પાસે નથી. પ્રભુ ! પ્રભુ ! દયા કરો ! મારી અનાથ દીકરીને બચાવો.’ જ્યારે પણ વિજયના સમાચાર મળે છે ત્યારે તે પહેલાં તપાસ કરે છે કે તું સહીસલામત છે કે નહિ ! પછી તે પગે લાગે છે, અને પ્રભુની પ્રાર્થના કર્યા કરે છે. વારેઘડીએ તે કહે છે કે ‘હવે બધું પૂરું થઈ ગયુ છે – હવે ફ્રાન્સ સ્વતંત્ર થયું છે; હવે મારી દીકરી ઘેર આવશે.’ વળી વારંવાર તે નિરાશ પણ થઈ જાય છે, અને રોયા કરે છે.”

“પિતાશ્રી ! મહેરબાની કરી આ વાત મારી આગળ ન કાઢો; મારૂં હૃદય ચીરાઈ જાય છે. ઘેર આવી હું તેની એવી સેવા કરીશ – તેને ઉની આંચ નહિ આવવા દઉં —” ગદ્‌ગદ્‌ કંઠે તે બોલી – વધુ તેનાથી ન બોલાયું.

ત્યારપછી તેના પિતાએ કહ્યું :– “બાપુ ! એ તો સાચી વાત, પણ રાજા તને નહિ આવવા દે તો ? તેનો બધો આધાર તારા ઉપરજ છે. જો તને તે રજા ન આપે તો ?”

જોન મુંઝાઇ, થોડી વાર પછી સંતોષ ધરતી હોય તેમ બોલી :–

 “તો પ્રભુની મરજી ! ૫ણ એ વિચાર શું કામ કરવો જોઇએ ?”

પછી ગપ્પાં ચાલ્યાં. જોને અમારી સાથે હળી મળી વાત કરવા ઘણા પ્રયત્ન કર્યા, પણ અમે હવે તેની સાથે એટલી છૂટથી વાત ન કરી શક્યા. તે એક સેનાધિપતિ હતી; અમે કંઈ પણ નહોતા. તેનુ નામ જગજાહેર હતુ; અમને કોઈ જાણતું પણ નહોતું. તે રાજકુંવરોમાં હરતી ફરતી હતી; અમે એ માનના અધિકારી નહોતા. પ્રભુનો સંદેશો ઝીલનારી તે પવિત્રમાં પવિત્ર હતી, અમે પાપી હતા. ટુંકામાં કહું તો તે જોન ઑફ આર્ક હતી; અને અમે તો અમેજ હતા, કંઇ નહોતા; એટલે પછી તેની સાથે અમે કેમ છૂટથી વાત કરી શકીએ ! તો પણ તે વિનયી હતી, તેને કશો ગર્વ નહોતો. તે અમને સર્વેને ખરા હૃદયથી ચાહતી. અમે તો તેની પૂજા કરતાં ધરાતા જ ન હતા. વાતમાં ને વાતમાં જોનના મામાએ કહ્યું :–

“તારે લડાઈઓ લડવી હોય, તોપણ એક વખત તું ઘેર આવી જજે. લોકો તને બહુ ચાહે છે. દોઢ વર્ષ ઉપર તું અમારી પાસેથી ગઈ, તે પછી તારા નામ ઉપરથી ઘણાનાં નામ જોન રાખવામાં આવ્યાં છે. જો કે બિલાડીને બોલાવવી હોય અને કોઈ બૂમ પાડે કે “જોન ઑફ આર્ક !” તો લાખો બિલાડીઓ એકઠી થાય, એટલી બધી બિલાડીઓનાં નામ પણ તારા નામ ઉપરથી છે. નાનપણમાં તેં જે બિલાડીનું બચ્ચું પાળ્યું હતું, તે હવે આખા ગામમાં બહુ વહાલું થઈ પડ્યું છે. લોકો તેને જોન ઑફ આર્કની બિલાડી માનીને પૂજે છે એમ કહીએ તો પણ ચાલે. એક વખત કોઈ અજાણ્યા પુરુષે તેના ઉપર પથ્થર ફેંક્યો. આથી લોકો એના ઉપર એટલા ગુસ્સે થયા કે તેને ફાંસીએ લટકાવ્યો ! સૌ તારા ઉપર ફિદા ફિદા છે –”

એવામાં રાજાનો દૂત જોન ઉપર ચિઠ્ઠા લઈ આવ્યો. તેમાં તેણે જોનનું રાજીનામું નાકબૂલ રાખ્યું હતું. વળી તેણે તેને ખાસ સલાહ માટે તુરતાતુરત બોલાવી હતી.

જોન નિરાશ થઈ ગઈ – દુઃખી થઈ, પણ તે માત્ર એકજ પળ. બીજી પળે ઘેર જવા તલસતી તે ખેડુતની છોકરી નહોતી; તે જોન ઑફ આર્ક હતી, ફ્રાન્સની સેનાધિપતિ હતી.

(૨૨)

હું જોનનો હજુરીઓ અને વળી તેનો ખાનગી કારભારી હતો, તેથી મને પણ જોન સાથે જવાનો અધિકાર હતો. જોન કોઈ દુઃખી દેવીની માફક સભામાં ચાલી આવી. અજ્ઞાન ખેડુતો સાથે વાત કરતી તે જોન કંઈ આ જોન નહોતી. તે એકદમ સભાને મોખરે આવી ઉભી રહી. દરેકે દરેક ચહેરા ઉપર તેણે શાંતિથી નજર ફેરવી. ક્યાં ઘા કરવો, તે તેણે જાણી લીધું. નમન કરીને તે બોલી :–

“મને મારા સરદારો સાથે વિચાર કરવાનું કામ નથી, તેમ મારે મંત્રીમંડળ સાથે પણ કામ નથી. યુદ્ધસભા ! શાને માટે એ જોઈએ ? જ્યાં એક જ માર્ગ હોય ત્યાં શું વિચારવું ? આ સભા મળી છે, તેમાં વળી શેનો ઠરાવ કરવો ? આ બધું નકામું ધાંધલ અને બધી નકામી ચિંતા શામાટે વહોરી લેવી ?”

આટલું કહી તે અટકી. સભા સચેત થઈ. જોને વળી પાછું બોલવું શરૂ કર્યું :– “જે માણસ બુદ્ધિશાળી છે, જે રાજ્યપ્રતિ વફાદાર છે. તેને ખબર છે કે હવે એક જ માર્ગ ખુલ્લો છે, અને તે એ કે પારીસ તરફ કૂચ કરવી !”

હાયરે તુરતજ જુસ્સામાં મુક્કી પછાડી. સરદારોનું લોહી જોરથી વહેવા લાગ્યું. પોતાની વિરુદ્ધ કોઈ બોલે છે કે નહિ તે સાંભળવા જોન ઉભી રહી. એવામાં ન્યાયમંદિરના કારસ્તાનમાં પ્રવીણ વડાએ જાણે સમજાવતો હોય એમ હસતાં હસતાં કહ્યું :–

“મહેરબાન સાહેબ ! ડ્યુક ઑફ બરગન્ડીને પછી આપણે શું ઉત્તર દઈશું ? તે આપણી સાથે વગર વિલંબે સલાહ કરવા તૈયાર છે, એટલું જ નહિ પણ પારીસ આપણને આપવા માગે છે, પછી આપણે નકામી ખટપટમાં શું કામ પડવું જોઈએ ?”

જોન તુરતજ તેના તરફ ફરી ગંભીરતાથી બોલી :–

“તમારા કાવાદાવા અહીં ખુલ્લા પાડવાની જરૂર નથી.”

“કાવાદાવા ? !”

“હા.”

સરદારો ગાજી ઉઠ્યા. રાજા ખુશી થયો. ન્યાયમંદિરના વડાએ ઇન્સાફ માગ્યો, પણ રાજા બોલ્યો :–

“જોનને યુદ્ધની બાબતો અને રાજદ્વારી બાબતોમાં પોતાનો અભિપ્રાય આપવાનો હક્ક છે. આપણે તેનું કહ્યું પણ સાંભળીશુ; હજી તો તે મત આપે છે.”

પેલો બિચારો નિરાશ થઈ ગયોયેા. જોને આગળ ચલાવ્યું :– “હું તમારું બધું કારસ્તાન જાણું છું. જ્યારે ફ્રાન્સના હક્કમાં કંઈ ખરાબ થાય, ત્યારે કયા બે દુષ્ટોનાં નામ દેવાં તે સૌ જાણે છે.”

“અરે ! આવી નિંંદા –”

“આ નિંદા નથી. આ આરોપ છે, આ ચોખ્ખો આરોપ છે. રાજાના મંત્રી સામે અને ન્યાયમંદિરના વડા સામે.”

આ બન્ને પુરુષો તુરતજ ઉભા થયા, અને જોનની જીભને અટકાવવા રાજાને વિનંતિ કરી, પણ રાજાએ તે માન્યું નહિ. તેના આત્મામાં પણ હવે શૌર્ય પ્રસરેલું હતું, તેની આંખ હવે ઉઘડી હતી, તે બોલ્યો :– “બેસો, જરા શાન્ત થાઓ. ઢાલની બન્ને બાજુ આપણે તપાસીશું. વિચાર કરો, તમારામાં અને એનામાં કેટલો ફેર છે ! જોન મારી સમક્ષ ન હોય, ત્યારે પૂંઠ પાછળ તમે એની કુથલી કરો છો, પણ તે તો તમને મોઢામોઢજ કહે છે.”

પેલાઓનાં મોં ઝંખવાઈ ગયાં. જોને શાંતિથી પાછું બોલવું ચાલુ રાખ્યું :– “પહેલેથીજ આપણે બધી બાબતો લંબાવતા આવ્યા છીએ, અને તેથી આપણને કેટલું નુકસાન ખમવું પડ્યું છે ! જ્યાં મતજ ન લેવાતા હોય, ત્યાં સભાઓ શા માટે ભરવી અને નકામા કજીઆ શા માટે કરવા ? આઠમી મેને દિવસે આપણે ઓર્લિયન્સ લીધું. ત્રણ દિવસમાં બધું કામ ઉકેલી પેટે ઉપર રેડાયેલું લોહી આપણે અટકાવી શકત. છ અઠવાડિયાં પહેલાં આપણે રેમ્સ ગયા હોત. પારીસ હમણાં આપણા તાબામાં આવી ગયેલું હોત. હજી પણ તરત જો આપણે ઉઠીને કામે લાગીશું તો સારું છે. હવે છ મહિનાનું જ કામ રહ્યું છે. હમણાંની તક ગુમાવીશું, તો વીસ વર્ષે પણ તે પૂરૂં થશે નહિ. માટે કંઇક જરાક સમજો –”

વળી ન્યાયમંદિરનો વડો વચ્ચે પડ્યો : “સાહેબ ! તમે ભૂલી જાઓ છો કે પારીસ જતાં જતાં ઠેકઠેકાણે અંગ્રેજી કિલ્લાઓ આવે છે.”

જોન ધિક્કારથી બોલી : “તેથી થયું શું ? આપણે જે કિલ્લા જીત્યા, તે અંગ્રેજોના હતા કે બીજા કોઈના ? હવે તે બધા આપણા તાબામાં છે.” અહીં મોટેથી સભાસદો જોનની પ્રશંસા કરવા લાગ્યા, અને તેથી જોનને ઘોંઘાટ નરમ પડે ત્યાંસુધી થોડીક વાર અટકવું પડ્યું. “પહેલાં અંગ્રેજી કિલ્લાઓ આપણી સામે હતા; હવે પીઠ પાછળ ફ્રેન્ચ કિલ્લાઓ છે. આપણે માત્ર કૂચ કરવી જોઇએ. એક પળમાં પારીસ આપણું છે – ફ્રાન્સ આપણું છે. શત્રુઓ આપણી સાથે સભ્યતાથી વર્તે છે તે કાંઈ પોતાની કુલીનતાથી નહિ, પણ આપણી ધાકથી. મને માત્ર રજા આપો – રજા આપો, એટલે બધું ફ્રાન્સ આપણું જ છે.”

 ન્યાયમંદિરનો અધ્યક્ષ પાછો બોલ્યો “અરે ! એ ઘેલછા છે – ઘેલછા છે. આપણે જે કામ કર્યું, તે પાછું બગાડી ન નાખવું જોઈએ. આપણે ડ્યુક ઑફ બરગન્ડી સાથે સભ્યતાથીજ વર્તવુ જોઈએ.”

“અને આપણે વર્તીશું” જોન બોલી.

“કેમ ? કેવી રીતે ?”

“ભાલાની અણીએ !”

બધા ઉઠ્યા; ગાજ્યા. કેટલીક વાર સુધી ગર્જના ચાલુ રહી. રાજા ઉઠ્યો; ગાજ્યો. ખુલ્લી તરવાર જોનને આપી તેણે કહ્યું :–

“રાજા આ તને આપે છે. જાઓ, તમે તેને પારીસ લઈ જાઓ.”

વળી પાછી વીરહાક ગાજી. આમ રાજ્યસભા જોનના વિજય સાથે વિસર્જન થઈ.

****

અર્ધી રાત્રિ વીતી ગઈ હતી, પણ જોનને મન તો તે કંઈ નહોતુ. જ્યારે કાંઈ પણ કામ હોય ત્યારે તે એમાંજ તલ્લીન રહેતી. તેણે સૂઈ જવાનો મનસુબો કર્યો નહિ. સર્વ સરદારોને જોને જૂદી જૂદી આજ્ઞાઓ આપી. હવે ભવિષ્યના યુદ્ધ માટે ધમધોકાર તૈયારીઓ થવા લાગી.

સરદારો ચાલ્યા ગયા, પણ હું જોનની પાસે જ હતો. ફરતાં ફરતાં જોને મને ડ્યુક ઑફ બરગન્ડી ઉપર એક પત્ર લખવા કહ્યું. એ પત્રમાં તેને જલદી તાબે થવા સૂચવ્યું હતું.

બીજે દિવસે જોને પિતાની અને મામાની રજા લીધી. તેઓ સાથે વળી તેણે ભાઇભાંડુઓને આપવા કંઈ કંઈ વસ્તુઓ મોકલી. તેઓ જૂદા પડયા ત્યારે દેખાવ ઘણો દયાજનક થઈ પડ્યો હતો.

સવારે અમે સર્વ વિજયધ્વજો ઉડાવતા ઉડાવતા ચાલ્યા. ત્યારપછી ડ્યુક ઑફ બરગન્ડી તરફથી એલચીઓ આવ્યા. તેઓએ અમારા બે દિવસ પાણીમાં મેળવ્યા. પછી જોન આવી પહોંચી. તેણે તેઓના કેાઇ પણ સંદેશા સાંભળવા ના પાડી; પણ રાજા મંત્રીના તાબામાં હતો, પ્રાર્થના કરવાને બહાને તેણે તેને ત્રણ દિવસ સેન્ટ મારકોલમાં ખોટી કર્યો. શત્રુઓ આ સર્વે વખતનો ઉપયોગ કરતા હતા, પણ રાજાની આંખો ઉઘડી નહિ. રાજાવિના તો અમારાથી આગળ ચલાયજ કેમ ? જો એમ કરીએ તો વળી તે કાવત્રાંખોર મંડળીને વશ થઇ રહે. જોને જ્યારે ઘણા ઘણા પ્રયત્નો કર્યા, ત્યારે સરદારોએ આગળ કૂચ કરવાનું માન્ય રાખ્યું.

 જોને જે ધારણાઓ ઘડી હતી, તે સાચી પડી. અમે યુદ્ધ કરવા જતા હોઈએ, એવું અમને જરાએ માલૂમ પડ્યું નહિ. સઘળું બાળબચ્ચાંની રમત જેવું હતું. અંગ્રેજી કિલ્લાઓ અમારા માર્ગમાં જ્યાં ત્યાં હતા; તેઓ અમને કંઈ પણ મહેનત આપ્યા વગર શરણે થતા. જે કિલ્લાઓ તાબે થતા, ત્યાં અમારાં માણસ રાખી અમે આગળ વધતા – અંગ્રેજ સરદાર અમારી સામે લડવા આવતો હતો; પણ તે બુદ્ધિશાળી હોવાથી પાછો પારીસ તરફ વળ્યો. વિજય ઉપર વિજય મેળવ્યાથી અમારા લશ્કરનો જુસ્સો વધતો જ ગયો.

પણ અમારું ધાર્યું કામ લાગ્યું નહિ, રાજાને અક્કલવિનાના હજુરીઆઓએ ગીન જવાની સલાહ આપી. અમારે પણ ગીન જવું પડ્યું. ડ્યુક ઑફ બરગન્ડી સાથે પંદર દિવસ સુધી સુલેહ રહી. સઘળા ધારતા કે પારીસ આમ આપણને અનાયાસે મળી જશે, પણ આ વાતમાં કેટલો વિશ્વાસ મૂકવો એ જોન જાણતી હતી.

પછી અમે તે તરફ ચાલ્યા. રાજાએ પોતાનો વિચાર પાછો ફેરવ્યો, અને પારીસ જવાની ઈચ્છા કરી. બરગન્ડીની ખેાટી સુલેહથી જોન ભોળવાઈ નહોતી. તેણે તો પોતાનું લશ્કર જેવું ને તેવું જ સ્વસ્થ રાખ્યું હતું.

ગરીબ બિચારી જોન ! તેને હવે એકલે હાથે ત્રણ શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું હતું. એક તો અંગ્રેજ, બીજો દુશ્મન બરગન્ડી અને સૌથી મોટામાં મોટો ત્રીજો દુશ્મન પ્રપંચ હતો. તે પહેલા બેને તો પૂરી પડતી, પણ ત્રીજાથી તે કંટાળી જતી. પ્રપંચથી તે બહુ મુંઝાતી; દિવસ નકામા જતા, તે તેને ગમતું નહિ. ઘણી વાર તો તે મિત્રોની જ બેવફાઈથી બહુજ શોકાતુર થતી. એક વખત તેણે વાતમાં ને વાતમાં કહ્યું :–

“અરે ! ક્યારે હું શસ્ત્ર છોડી દઈ માતાપિતા આગળ જઈશ ? ! –અને ક્યારે મારા ભાઈ ને મારી બહેનો સાથે ઘેટાં ચારીશ ? !”

બારમી ઑગસ્ટે અમે ડેમ્પમીરટીન આગળ છાવણી નાખી. પછી બોવે અમારે શરણે આવ્યું. કમ્પાએન તાબે થયું, અને તેના બૂરજ ઉપરનો અંગ્રેજી વાવટો ફરકતો બંધ થયો. ચૌદમીએ અમે સેન્લીસ પાસે આવ્યા. ત્રેવીસમીએ જોને પારીસ તરફ જવા હુકમ આપ્યો; પણ રાજા અને તેના ખુશામતીઆઓને ગળે આ વાત ઉતરી નહિં, અને તેઓ પાછા સેન્લીસ ગયા. થોડાક દિવસમાં ઘણા મજબૂત કિલ્લાઓ અમારે શરણે આવ્યા, તેમનાં નામ નીચે પ્રમાણે છે :– ક્રેલ, પોન્ટ, સેન્ટ મૉકસન્સ, કોઈસી, ગાઉર્ની – સૂર – અરોન્ડી, રેમી, લા નેફવીલ – એન – હેઝ, મોગે, કેન્ટીલી અને સેનટાઈન્સ. અંગ્રેજી સત્તા જ્યાં ત્યાં તૂટવા લાગી. છવીસમી ઑગસ્ટ ૧૪ર૯ના દિવસે તો અમે સેન્ટ ટેનીસના કિલ્લામાં – પેરીસ આગળજ ઉતર્યા !

આટલું છતાં પણ રાજા બ્હીતો હતો – ડરતો હતો. હજી તે સેન્લીસના કિલ્લામાંજ ભરાઈ બેઠો હતો.

(૨૩)

દૂત ઉપર દૂત રાજાને મોકલવામાં આવ્યા. તે હંમેશાં વચન આપતો, પણ પાળતો નહિ. ડ્યુક ઑફ એલેન્કોન એક દિવસ પોતે તેની આગળ ગયો અને વચન લીધું, પણ તે તેણે તોડ્યું. નવ દિવસ એમ ને એમ વહી ગયા. ૫છી તે સેન્ટ ડેનીસ આવ્યો. આ દિવસ સપ્ટેમ્બર સાતમીનો હતો.

દરમિયાન દુશ્મનોને હિંમત આવી. તેઓએ રાજાની વર્તણુંક જોઈ લીધી. શહેરનું રક્ષણ કરવા તૈયારીઓ થઈ. જોનને મન સમય એટલો સારો નહોતો, તો પણ તેણે બનતો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. બીજે દિવસે આઠ વાગે કિલ્લા ઉપર હલ્લો શરૂ થયો. જોને તોપખાનું ગોઠવી સેન્ટ હોનરેના દરવાજા ઉપર મારો ચલાવ્યો. જ્યારે આ દરવાજાનો આગલો ભાગ ભાંગ્યો, ત્યારે તેના ઉપર હલ્લો કરી તેને તાબે કરવામાં આવ્યો; પણ કિલ્લો હજી તાબે થવાનો બાકી હતો, જો એ તાબે થાત, તો અમે ક્યારના ફ્રાન્સના ધણી થઈ પડત; પણ જોન ઘવાઇ, તેથી અમારા માણસોમાં ભય ફેલાયો, કારણ કે તેના વિના લશ્કર શું કરી શકે એમ હતું ? તેજ લશ્કર પોતે હતી.

ઘવાઈ હતી તોપણ જોને પાછા ફરવા ના પાડી અને બીજો હલ્લો કરવાનો હુકમ આપ્યો. “હું પારીસ લઈશ અથવા મરીશ !” એમ તે વારંવાર બોલતી. તેને રણસંગ્રામ ઉપરથી પરાણે ઉપાડી જવામાં આવી, તો પણ તેનો જુસ્સો ઉછળતો હતો. સવારે તેણે બીજો હલ્લો કરવા ધાર્યું. જો આમ થયું હોત તો અર્ધા કલાકમાં પારીસ અમારું હતું; પણ રાજાએ તેને હુમલો કરવા ના પાડી. બરગન્ડી તરફથી કૃત્રિમ સુલેહનો સંદેશો એક વાર ફરીથી આવ્યો. જોન હવે તદ્દન આશાભંગ થઇ ગઇ. ઘા ખૂબ દ૨દ કરતો હતો. ઉપરાંત તેને માનસિક વ્યથા પણ એાછી ન હતી. પહેરેગીરો વારે ઘડીએ તેના શયનગૃહમાં એવી ચીસો સાંભળતા કે “અરે ! હું તે લઈ શકીશ – અરે ! તે તાબે કરી શકાત –”

એક દિવસ વહી ગયો. જોનના મનમાં નવી આશા આવી. સેન્ટ ડેનિસ પાસે સીન નદી ઉપર એક પૂલ હતો. આ પૂલને ઓળંગીને પારીસ ઉપર બીજેજ ઠેકાણે હુમલો કરી શકાય એમ હતું, પણ અમારા રાજાને આવી ખબર પડતાં તેણે આ પૂલ ભંગાવી નખાવ્યો. પછી તેણે જાહેરનામું કાઢ્યું કે, હવે યુદ્ધ પૂરાં થયાં છે, માટે પારીસ છોડી સઘળાએ લુવાર તરફ પાછું જવું.

જોન પેાતાના શત્રુઓથી કોઈ દિવસ હારી નહોતી, તે આજે મિત્રોથી હારી. તેણે પહેલેથી જ કહ્યું હતું કે, મને પ્રપંચનો ભય છે, અને તે ભય હવે સાચો ઠર્યો. તે કહેતી કે, તમારા મત પ્રમાણે યુદ્ધ પૂરાં થયાં છે, તો હવે તમારે મારું કામ નથી, તેથી મને જવા દ્યો; પણ રાજાએ જોનનો વખતે ખપ પડે એમ ધારી રજા આપી નહિ.

તેરમી સપ્ટેમ્બરના દિવસે લોઈર તરફ લશ્કર નિરાશામાં પાછું ફર્યું. કોઈ મૃત્યુ પામ્યું હોય એવી શોકાતુર શાંતિ જ્યાં ત્યાં પ્રસરી રહી. એકે હર્ષનાદ નહોતો. મિત્રોની આંખો આંસુથી ભરપૂર હતી. શત્રુઓ હસતા હતા. તે દિવસે ધીમો ધીમો વરસાદ પડ્યો. આકાશ કાળું થઈ ગયું. એમ બધું શોકાતુર ભાસવા લાગ્યું.

રાજાએ પછી તે વિજયી લશ્કરને પોતાની મરજીમાં આવે ત્યાં જવા રજા આપી. વાવટાઓ સંકેલી લેવામાં આવ્યા; હથીઆરોનો ગંજ ખડકવામાં આવ્યો. ફ્રાન્સની આબરૂ વેચાઇ.

(૨૪)

હા, મેં કહ્યું છે તે સત્ય છે. વિજયી જોન અવિજયી થઈ હતી.

આઠ મહિના સૌને માજશોખના મળ્યા. એક કિલ્લાથી બીજે કિલ્લે સહેલગાહે જવાનું જ રાજા અને રાજાના મંડળને હવે કામ રહ્યું. જોનને આ જરા પણ પસંદ નહોતું. તે તેઓની સાથે રહેતી, પણ તેની જીંદગી તેઓના જેવી નહોતી. રાજાએ જોનને સુખી કરવા બનતી મહેનત લીધી. તેણે જોનને રાજ્યસભાની બાબતોમાં સ્વચ્છંદપણે વર્તવા છૂટ આપી. જોન હવે સાધુ જેવી જીંદગી ગાળતી. તે પોતાના ઓરડામાંજ પૂરાઈ રહેતી અને પ્રાર્થના કર્યા કરતી. પ્રભુભક્તિ તેને મન મોટો દિલાસો હતો. પ્રભુભક્તિજ તેને આવા દુ:ખમય સમયમાં શાંતિ આપતી.

તે કવચિત્ પણ ફરિયાદ ન કરતી, બધું જ મૂંગે મોઢે સહન કરતી. ફરિયાદ કરવાનો તેનો સ્વભાવજ નહોતો. પ્રભુની મરજીને તે પોતાની મરજી ગણી લેતી.

તોપણ જોન કોઇ કોઇ વખત નાની ટુકડીઓ લઈ મન મુંઝાય ત્યારે શત્રુઓ સામી જતી. સેંટ મીએરલી મુટીઅરનો કિલ્લો તેણે એવી જ રીતે લીધો હતો. જ્યારે બધા હિંમત હારી ગયા, ત્યારે દશબાર માણસને લઈ તેણે તે કિલ્લો સર કર્યો હતો.

લેગની આગળ પણ અમે ત્રણ વખત ન ફાવ્યા, પણ છેલ્લી ચોથી વખત દુશ્મનોને મારી જીત મેળવી.

આવી નાની નાની ઝપાઝપીઓ ચાલુ રહેતી. ઇ. સ. ૧૪૩૦ના મેની આખરમાં જોન કમપાએનના કિલ્લાનો બચાવ કરવા વિચાર કર્યો, કારણ કે ડ્યુક ઑફ બરગન્ડીએ તેને હમણાંજ ઘેરો ઘાલ્યો હતો. મને થોડી વાર પહેલાં જખમ થયો હતો, તોપણ હું બીજાઓની મદદ લઇ લશ્કર સાથે ગયો. અમે મધ્યરાત્રે ઉપડયા. આકાશમાં ગરમ બાફ ઝરતી હતી. સર્વત્ર શાંતિ હતી. ચોરીછુપીથી અમે શત્રુઓની આગળથી નીકળી ગયા. સાડાત્રણ વાગે સૂર્યાસ્ત પહેલાં અમે કમપાએન પહોંચ્યા.

જોન એકદમ કામે લાગી. તેણે તે શહેરના નાયક સાથે દુશ્મનો ઉપર હુમલો કરવા ધાર્યું. અમારી છાવણી હતી ત્યાંથી એક પૂલ ઉપરથી શહેરમાં જવાતું હતું. અહીંથી એક ઉંચો માર્ગ દેખાતો હતો. આના ઉપર મોરગી નામનું ગામડું વસ્યું હતું. ત્યાં દુશ્મનોની એક છાવણી હતી. આ ઉંચા માર્ગ પર બે માઈલને અંતરે ક્લેરેાઇક્સ નામના ગામમાં બીજી ટુકડી હતી. ક્લેરોઇક્સ નીચે દોઢ માઈલ વેનીટી નામનું સ્થાન હતું. ત્યાં અંગ્રેજી લશ્કર હતું. આમ તીરકામઠાની માફક ત્રણ જગ્યાએ શત્રુઓએ ઉતારો કર્યો હતો.

આજે ચોવીસમી મે હતી. ચાર વાગે જોન છસો ઘોડેસ્વારોને લઈ શત્રુઓ ઉપર ચાલી. આ તેની છેલ્લી કૂચ હતી.

જ્યારે હું આ વર્ણન કરું છું, ત્યારે મારું હૈયું ચીરાઈ જાય છે. હું ઘવાયો હતો, તેથી બીજાઓની મદદ લઇ દિવાલ ઉપર ચઢ્યો, અને શું થતું હતું તે જોયું. જોને પૂલ ઓળંગી ઉચ્ચ માર્ગ તરફ પ્રયાણ કર્યું. જોનના ટોપની કલગી આગની જ્વાળાની માફક આમ તેમ નાચતી હતી, તે હું જોતો હતો.

અંગ્રેજી લશ્કર વ્યવસ્થાસર આગળ વધતું હતું.

જોને મોરગી ઉપર હુમલો કર્યો, પણ ત્યાં તે હારી. ક્લેરોઇક્સથી વળી દુશ્મનોને મદદ આવી. જોને સિપાઈઓ એકઠા કરી ફરીથી હલ્લો કર્યો, પણ તે હારી. આ બે હલ્લામાં ઘણો વખત ચાલ્યો ગયો. દરમિયાન અંગ્રેજો વેનીટીથી જોનની સામે આવતા હતા, પણ જોનના બંદુકવાળાઓએ તેમને અટકાવ્યા. જોન સિપાઈઓને હિંમત આપતી હતી. તુરતજ મોરગી જોનને તાબે થયું. ત્યારપછી તે જમણી તરફ વળી, અને ક્લેરોઇક્સ ઉપર હલ્લો કર્યો. લડાઈ ખૂબ સખ્ત ચાલી. વિજય કોને મળશે, એ ધારી શકાતું નહોતું; પણ એકાએક અમારા લશ્કરમાં ભય પેઠો તેનું કારણ હજીસુધી ચોક્કસ રીતે જણાયું નથી. કેટલાક કહે છે કે, તોપચીઓ બીજી બાજુ વળ્યા અને લશ્કરે ધાર્યું કે, અંગ્રેજો આપણને ઘેરી લે છે; કેટલાક એમ પણ વાતો કરે છે કે, લશ્કરનાં પાછળનાં માણસો જોનને ન જોવાથી તેને મરી ગયેલી ધારતાં હતાં. ગમે તેમ હોય, પણ અમારા સિપાઈઓ બ્હીને નાઠા. જોને તેઓને એકત્ર કરવા પ્રયત્ન કર્યો, પણ આ વખતે તેનું ધાર્યું થયું નહિ. જોનના વિશ્વાસુ સેવકોએ તેને નાસવા વિનતિ કરી, પણ તેણે ના પાડી. તે થોડાક માણસોને લઈ શત્રુઓની વચ્ચે કૂદી પડી. તુરતજ બંન્ને બાજુથી તેને ઘેરી લેવામાં આવી. તેના અંગરક્ષકો એક પછી એક ઓછા થવા લાગ્યા, અને પોતે પણ ઘવાઈ. ઘોડા ઉપરથી તેને નીચે ઘસડી લાવવામાં આવી. ડ્યુક ઑફ બરગન્ડીની છાવણીમાં તેને લઈ ગયા, દુશ્મનોના હર્ષનો તો પારજ રહ્યો નહિ. કેમકે હવે જોન ઑફ આર્ક તેઓના તાબામાં હતી !

તુરતજ ચારે તરફ આ ખબર ફેલાઈ ગઈ. એક માણસના મોઢામાંથી બીજાને, બીજાનામાંથી ત્રીજાને – એમ આખા દેશમાં આ વાત પસરી ગઇ. જ્યાં જ્યાં આ સમાચાર સંભળાતા, ત્યાં ત્યાં લોકો હબકી જતા. જોન ઑફ આર્ક કેદી ? એ કેમ બને ! પ્રભુ તેને કેમ કેદમાં પડવા દે ? લોકો બહુ મહેનતે આ વાત માનતા. ફ્રાન્સના ખેડુતવર્ગમાં કેટલો શોક ફેલાયો, તેનો ખ્યાલ તમે કરી શકશો ? નહિ ! કોઈ તે ન કરી શકે. બિચારા ગરીબ ખેડુતો ! તેઓ પોતે પણ ખ્યાલ ન કરી શકે, પણ તે શોક તેઓના વદનમાં સ્પષ્ટ હતો. આખી પ્રજા દુઃખમાં ડૂબી ગઇ હતી.

ચોવીસમી મેનો આ દિવસ હતો. દુનિયાના નાટકના તખ્તા ઉપર જોનના આ વિચિત્ર, કરુણાજનક અને અદ્‌ભુત વીરરસથી ભરપૂર નાટકનો આપણે આજ પડદો પાડીશુ. જોન ઑફ આર્ક હવે કોઈ દિવસ કૂચ નહિ કરે.



૩ – ચારિત્રનિરીક્ષણ – મૃત્યુ

(૧)

જોનને કેદ કરવામાં આવી. તે પછીના શિયાળા અને ઉનાળાનો ઇતિહાસ એટલો તો ધિક્કારયુક્ત છે, કે તે હું વર્ણવી શકતો નથી. થોડા દિવસસુધી તો મને એટલી બધી ચિંતા નહોતી. કારણ કે મને આશા હતી કે દુશ્મનો અમારી પાસેથી ચોક્કસ રકમ લઈ જોનને છૂટી કરશે, અને ફ્રાન્સનો રાજા – અરે નહિ – ઉપકૃત ફ્રાન્સ પોતે એ રકમ આપવા આનાકાની નહિ કરે. યુદ્ધકળાના નિયમો તપાસતાં એ તો સ્પષ્ટ હતું કે, પૈસા આપ્યેથી જોન છુટી શકે એમ હતું. તે બળવાખોર નહોતી, તેમજ લશ્કરમાં જોડાવાનો તેને અધિકાર મળ્યો હતો. ફ્રાન્સના રાજાએ તેને પોતાના લશ્કરની સરદાર બનાવી હતી. વળી તે કંઈ ગુન્હામાં નહોતી; તેથી જો ફ્રાન્સ દ્રવ્ય આપવાની દુશ્મનોને માગણી કરે, તો દુશ્મનોથી જોનને કારાગૃહમાં રાખી શકાયજ નહિ.

દિવસ ઉપર દિવસ વહેતા ગયા, પણ કેાઈએ તે રકમસંબંધી વાત ઉચ્ચારી નહિ. તમને કદાપિ આ અસત્ય લાગશે; પણ નહિ, તે સત્ય છે. શું રાજાના કોઈ કાન ભંભેરતું હતું ? ગમે તેમ હોય પણ જે વીરબાળાએ રાજા ઉપર આટલા ઉપકારો કર્યા હતા, તેને છોડાવવા તેણે કંઈ પણ પ્રયત્ન કર્યો નહિ.

શત્રુએાએ તે રાત્રિ આનંદમાં વ્યતીત કરી. આખી રાત્રિ તોપોના નાદ શાંત ન પડ્યા. બીજે દિવસે ઇંગ્લઁડના ધર્મમંડળના વડાએ ડ્યુક ઑફ બરગન્ડી પાસે જોનની માગણી કરી. જોનની ઉપર મૂર્તિપૂજક તરીકે કામ ચાલવાનું હતું.

આ બાબતમાં ધર્મને લેશમાત્ર લાગતું – વળગતું નહોતું. અંગ્રેજોએ ડ્યુક ઑફ બરગન્ડીને ૬૧૧૨૫ ફ્રાન્ક આપવા માગણી કરી, અને તેણે તે કબૂલ રાખી. અંગ્રેજોએ કોશન નામના એક ફ્રેન્ચ પાદરીને આર્કબીશપ બનાવવાની લાલચ બતાવી જોનને ગુન્હેગાર ઠરાવી તેનો પ્રાણ લેવા નીમ્યો, અને તે આ લાલચને તાબે થયો.

૬૧૧૨૫ ફ્રાન્કની રકમ મોટી કહેવાય અને અંગ્રેજોએ એ આપી. આ રકમને માટે જોન ઑફ આર્ક ફ્રાન્સને બંધનમુક્ત કરનારને – વેચવામાં આવી, અને તે વળી દેશના દુશ્મનોને, કે જેમણે ફ્રાન્સને એક સૈકા સુધી ધ્રૂજાવ્યું હતું, જેઓ હમેશાં ફ્રેન્ચ લોકોની પૂંઠેજ લાગેલા રહેતા, જેમને જોન ઑફ આર્કે ફટકાવ્યા હતા, તાબે કર્યા હતા; અને ફ્રાન્સને માન આપતાં શીખવ્યું હતું. આ જોન ઑફ આર્કને રાજકુટુંબના ફ્રેન્ચ કુંવરે ફ્રેન્ચ પાદરીને વેચી અને આ સઘળો વખત ફ્રેન્ચ રાજા તથા ફ્રેન્ચ પ્રજા ચૂપચાપ રહ્યાં. તેઓ ઉપકાર ન સંભાળતાં કંઇ પણ બોલતાં નહેાતાં.

અને તે – તે શું બોલી ? કંઈ નહિ. તેણે એક પણ ધિક્કારનો શબ્દ ઉચ્ચાર્યો નહિ. તેનો આત્મા મહાન હતો; તે જોન ઑફ આર્ક હતી. બીજા તે બીજા, અને જોન તે જોન !

તેના ઉપર મુકદ્દમો ચલાવવા માટે રાઉન શહેર મુખ્ય મથક રાખવામાં આવ્યું. જોનને ત્યાં ૧૪૩૦ ના ડિસેમ્બરમાં લઈ જઈને કારાગૃહમાં પૂરવામાં આવી. હા ! તેને સાંકળ પહેરાવવામાં આવી હતી, જોન ઑફ આર્કને – તે કલ્લોલતા પંખીડાને !

તોપણ હજી ફ્રાન્સ ઉઠ્યું નહિ. જોનની સરદારી નીચે જે ફ્રાન્સબળ જમ જેટલું હતું, તે જોનવિહોણું ફ્રાન્સ હવે બકરું બની ગયું હતું. જ્યારે જોન ગઇ ત્યારે બધું ગયું. તે તેઓના હૈયાને પીગળાવનારો સૂર્ય હતો; તે પ્રભાકર આથમ્યો એટલે બધું ઠંડુગાર હીમ જેવું થઈ ગયું.

(૨)

કેસનો દિવસ પાસે આવતો હતો. બે મહિના અગાઉથી કોશન જ્યાં જ્યાં જોનની વિરુદ્ધ મુદ્દાઓ હોય, તે મેળવવામાં રોકાઈ રહ્યો. જોનના પક્ષમાં જે બાબતો હોય, તે એ દબાવી દેતો. પોતાનો પક્ષ પ્રબળ બનાવવા તેની પાસે ઘણાં સાધન અને ઘણા અધિકાર હતા, અને તે વાપરવામાં તેણે કશી પણ કચાશ ન રાખી.

આ તરફ મુકદ્દમા વખતે કિલ્લામાં પૂરવામાં આવેલી જોનને માર્ગ દર્શાવનારો કોઈ પણ મિત્ર નહોતો. તેના બચાવને અર્થે કોઈ પણ સાક્ષી નહોતો. જે હતા તે ફ્રેન્ચ વાવટા નીચે હતા, અને આ દરબાર તો અંગ્રેજોની હતી. રાઉનના દરવાજે કોઈ મોં દેખાડે તો તુરતજ તેને ફાંસી દેવામાં આવે તેમ હતું; તેથી કેદીનેજ પોતાનું સાક્ષી બનવું પડ્યું. કચેરી બેઠી તે પહેલાં જ તેને માટે મૃત્યુની સજા તો મુકરર થઈ ચૂકેલી હતી.

જોનની ઉંમર એકવીસની અંદર હતી; અને તેથી કાયદાકાનુનો પ્રમાણે તેને સલાહ આપવા, કૉર્ટ ઉત્તર માગે ત્યારે ઉત્તર આપવા અને યુક્તિ પ્રયુક્તિથી સામાવાળા તેને દાવપેચમાં લે તો તેનાથી તેનો બચાવ કરવા જોનને કોઈ બાહોશ ધારાશાસ્ત્રીને રાખવાનો અધિકાર હતો. જોનને આ નિયમની ખબર નહતી અને તેવી ખબર તેને તે જણાવનારૂં પણ કોઈ નહોતું; તોપણ તેણે બીજી રીતે મદદ માગી. કોશને તે આપવા ના પાડી. જોને વિનતિ કરી, કાલાવાલા કર્યા, પોતાના કાયદાઓના અજ્ઞાનનો મુદ્દો રજુ કર્યો; પણ તે એકનો બે થયો નહિ. તેનું હૃદય પથ્થર જેવું હતું.

પછી તેણે જોનના ગુન્હાઓની યાદી તૈયાર કરી. ગુન્હાઓ ! ગુન્હાઓની નહિ, પણ વહેમોની અને લોકવાયકાઓની, જોનના ઉપર અધર્મનો અને સેતાની વિદ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ધર્મને બહાને તેનું નિકંદન કરવાનોજ તેનો આશય હતો. જોનને મૂર્તિપૂજક ઠરાવી મારી નાખવાથી તેની અપકીર્તિ થાય અને પોતાને માથે દોષ ન આવે એવી તેની ધારણા હતી.

ડ્યુક ઑફ બરગન્ડી સઘળું જાણતો હતો; પણ તેણે જોન ઉપર મુકદ્દમો ચલાવ્યો નહિ, કારણ કે તેની ખાત્રી હતી કે, ફ્રેન્ચ રાજા અથવા ફ્રેન્ચ પ્રજા તેને અંગ્રેજો કરતાં વધારે પૈસા આપશે.

વાટ જોતાં જોતાં અઠવાડીઆં ઉપર અઠવાડીઆં વહી ગયાં, પણ ફ્રાન્સ તરફથી કોઈ સળવળ્યું નહિ.

એક દિવસ જોન ચોકીદારને છેતરી છટકી ગઈ અને પોતાને બદલે તેને અંદર પૂરી રાખ્યો; પણ તેને એક સંત્રીએ નાસી જતાં જોઈ અને પાછી પકડી.

પછી તેને વધારે મજબૂત કિલ્લામાં પૂરવામાં આવી. તે કિલ્લો જમીનની સપાટીથી સાઠ ફીટ ઉંચો હતો. અહીં અઢી મહીના વીતી ગયા; પણ કંઈ મદદ આવી નહિ. આ અરસામાં તેને ખબર હતી કે અંગ્રેજો મારો વિનાશ ઇચ્છે છે અને કૃતઘ્ન ફ્રાન્સ તદ્દન ચૂપ છે – રાજા પણ ચૂપ છે – અરે ! મિત્રો, મિત્રો પણ ચૂપ છે. ખરેખર આ દયાજનક હતું; તોપણ જ્યારે જોનને વિદિત થયું કે, કમ્પાઅન ઉપર ફ્રાન્સ ઘેરો ઘાલે છે અને તેની સ્થિતિ સારી નથી, ત્યારે તેણે કારાગૃહમાંથી નાસી જવા પ્રયત્ન કર્યા. બિછાનાનાં વસ્ત્ર તાણી તોડી તેણે બાંધ્યાં અને રાત્રે કિલ્લા ઉપરથી ઉતરી; પણ દોરી વચ્ચેથી તૂટી અને તે નીચે પડી. આ બનાવ પછી ત્રણ દિવસ તે ખાધાપીધા વગર બેહોશ પડી રહી.

સારે નસીબે અમને કુમક આવી પહેાંચી. કમ્પાઅન આગળ શત્રુઓ હાર્યા. બરગન્ડી હવે ખરી સંકડાસમાં આવ્યો, પણ અફસોસ ! ફ્રાન્સ બોલ્યું ચાલ્યું નહિ.

તમને કદાચ શંકા થશે કે, લશ્કર છોડીને હું એકદમ રાઉનમાં કેમ આવી પહોંચ્યો? અહીં તો કોઈ ફ્રેન્ચથી આવી શકાય એમ નહોતું, પણ હું છુપી રીતે મારો વેષ બદલી એક કારકુનના મુત્સદ્દી તરીકે કૉર્ટમાં નોકરીએ લાગ્યો હતો.

વીસમી ફેબ્રુઆરી ને મંગળવારની સાંજે હું મારા કામ ઉપર હતો; ત્યારે મારો શેઠ મારી પાસે શોકાતુર ચહેરે આવ્યો, અને મને જણાવ્યું કે, બીજે દિવસે આઠ વાગે કૉર્ટનું કામ શરૂ થશે.

હું ઘડી બે ઘડીમાં આ સમાચાર સાંભળવાની આશા રાખતો હતો, પણ આ વખતે તો સૌને ધ્રુજારી છૂટી. ફ્રાન્સ તરફથી કુમક આવી પહોંચે, તેની પહેલાં તો કંઈક આશા રાખી શકાતી; પણ હવે એ બધા તરંગો વ્યર્થ હતા.

કામ કિલ્લામાં ચાલવાનું હતું. લોકોને ત્યાં આવવાની રજા હતી. વાતોમાં મગ્ન થયેલા અને ઠઠ્ઠામશ્કરીમાં ખુશહાલ બનેલા અંગ્રેજ સિપાઇઓમાંથી મારે માર્ગ કરવો મુશ્કેલ પડ્યો. જ્યાં જોઇએ ત્યાં જોનનીજ વાત ચાલતી હતીઃ–

“તે લુચ્ચી ડાકણનું તો કાસળજ નીકળશે.”

પણ ક્યાંક ક્યાંક દયા પણ પ્રદર્શિત થઈ આવતી. અંગ્રેજ સિપાઇઓ જોનથી ડરતા, અને સાથે સાથે તેની હિંમતનાં અને તેના શૌર્યનાં વખાણ કરતા.

સવારે અમે વહેલા જઈ જગ્યા મેળવી લીધી. સૌથી ઉંચે કોશન બોવેનો બીશપ પોતાનો જભ્ભો પહેરીને બેઠો હતો, અને તેની આજુબાજુ કચેરી હતી. વિદ્વાન, શિક્ષિત, કળાકૌશલ્યમાં પ્રવીણ અને અજ્ઞાન નિર્દોષ હૈયાને જાળમાં ઉતારવામાં શૂરા એવા પચાસ પાદરીઓ ત્યાં બેઠા હતા. જ્યારે મેં મારી દ્રષ્ટિ બધે ફેરવી અને ધારાશાસ્ત્રીઓનું આ લશ્કર જોયું, ત્યારે હું ગભરાયો. ઓગણીસ વર્ષની અજ્ઞાન ખેડુતની છોકરી આ બધા સામે ટક્કર કેમ ઝીલી શકે ? મેં બીજી વાર આજુબાજુ જોયું, અને મારું હૈયું નિઃશ્વાસ નાખતું ઠંડુગાર થઈ ગયું. કોશેન જ્યારે આમથી તેમ નજર ફેરવતો, ત્યારે બધાને ભયથી કંપારી છૂટતી અને નીચું જોઈ જતા.

આ સભામાં એક જ જગ્યા ખાલી હતી. દરેક પ્રેક્ષકની નજરે આવે તેમ એ દિવાલની પાસે ગોઠવેલી હતી. એાઠીંગણ વિનાનો એકાંતમાં રાખેલો તે એક માંચડો હતો. સજ્જ થયેલા – શસ્ત્ર સજેલા – સિપાઇઓ આ માંચડાની બંને બાજુ ઉભા હતા. તે સિવાય ત્યાં બીજુ કોઈ નહોતું. આ નાનો બાંકડો જોઈ મારૂં હૈયું ચીરાઈ જતું હતું, કારણ કે હું જાણતો હતો કે તે કોને માટે છે.

હવે તે થાકી ગઇ હશે. લાંબી કેદખાનાની વેદનાથી તેનું વદનકમળ કરમાઈ ગયું હશે. તેની શક્તિ જતી રહી હશે. હા ! હવે જોન ઑફ આર્કની શી વલે થશે ?

જ્યાં ત્યાં ઝીણી ઝીણી વાતો સંભળાતી હતી. જમીન સાથે શ્રોતાઓના પગ ઘસડાતા તેના નાદ કાને પડતા હતા. એવામાં અચાનક આજ્ઞા કરવામાં આવી :–

“ગુન્હેગારને હાજર કરો !”

મારો શ્વાસ રૂંધાઈ ગયો; મારું હૃદય હથોડાની માફક ધબકવા લાગ્યું.

શાંતિ હતી – સર્વત્ર શાંતિ હતી. અવાજ અટક્યા. શાંતિ હજી વધારે ગંભીર થવા લાગી. લોકોનાં મન સ્તબ્ધ થઈ ગયાં. સઘળી આંખો બારણા તરફ વળી. ખરેખર ત્યાં ઉભેલી, બે શબ્દના નામવાળી, દુનિયાને ચકડોળે ચઢાવનારી તે મૂર્તિને જોવા તલપી ૨હેલા લોકો વધુ તલપવા લાગ્યા.

શાંતિ ચાલુ રહી. છેટેથી દાદર ઉપર ધબ ધબ અવાજ સંભળાયો. અવાજ પાસે આવ્યો અને જોન ઑફ આર્ક – ફ્રાન્સને સ્વતંત્ર કરનારી દેવી – કેદીતરીકે આવીને ઉભી રહી.

મારૂં મસ્તક ફરવા લાગ્યું; મને ચક્કર આવવા લાગ્યા. લોકોનાં રૂવાં ઉભાં થયાં. શ્વાસોશ્વાસ પણ સંભળાવા લાગ્યો.

બે પહેરેગીરો જોનથી થોડેક છેટે ચાલ્યા આવતા હતા. જોનનું માથું થોડુંક નમેલું હતું. તે ધીમેધીમે પગ ઉપાડતી હતી. કારણ કે અશક્ત હોવા ઉપરાંત તેના હાથ સાંકળથી બાંધેલા હતા. તેણે કાળો પુરુષનો પોશાક પહેરેલો હતો.

હજી બાંકડાથી તો તે છેટે હતી, એટલામાં તે અટકી અને ઉંચું જોયું. બીજી વાર બધું સ્તબ્ધ ! જોનના ચહેરા ઉપર રંગ નહોતો; તે બરફ જેવો ઉજળો હતો, મુગ્ધ હતો, પવિત્ર હતો, સુંદર હતો, મનોરમ હતો, શોકાતુર પણ મીઠો હતો. જ્યારે જોનનો આ ચહેરો ન્યાયાધીશ તરફ વળ્યો, ત્યારે તે ચહેરા ઉપરની દિલગીરી જતી રહી. જોને હિંમતથી છાતી બહાર કાઢી.

મારું હૃદય ધબકારા મારવા લાગ્યું. હા ! હજી તે એજ જોન ઑફ આર્ક હતી ! હજીએ તે ભયને પીછાનતી નહોતી.

તે પોતાની જગ્યાએ પહોંચી કે સાંકળો ભેગી કરી, ખેાળામાં લઈ તેમની સાથે ગેલ કરતી તે તુરત બેસી ગઈ અને અભિમાનથી ચારે તરફ જોયું. આ મંડળીમાં માત્ર તેનું જ દિલ શાંત હતુ. એક અંગ્રેજ યોદ્ધાથી રહેવાયું નહિ અને વીરની માફક તુરત તેણે જોનને સલામ ભરી. જોને હસતાં હસતાં તે ઝીલી. ચારે બાજુ હર્ષનાદો થયા, અને તે શાંત કરતાં ન્યાયાધીશને બહુજ મહેનત પડી.

હવે આ ઈતિહાસપ્રસિદ્ધ મુકદ્દમો શરૂ થયો. પચાસ પ્રવીણ ધારાશાસ્ત્રીઓ એક અજ્ઞાન બાળા સામે હતા. તે બાળાને મદદ કરવા કોઈ નહોતું !

ન્યાયાધીશે પહેલાં તે મુકદ્દમાની બાબત ટુંકમાં જણાવી. ત્યારપછી પોતે દરેક બીના સત્યનિષ્ઠાથી કહી જશે, એવી પ્રતિજ્ઞા જોન પાસે લેવરાવવા માટે તેને સોગંદ ખાવા કહ્યું.

જોન છેતરાઈ નહિ. આ નિર્દોષ દેખાતા શબ્દોની પાછળ કંઈ ભયંકરતા પણ છુપાઇ હોય, એમ તેને લાગ્યું. જોને ઉત્તર વાળ્યો :–

“નહિ; કારણ કે હું જાણતી નથી કે તમે મને શું પૂછશો; હું તમને જણાવી ન શકું એવી પણ બાબતો તમે મને પૂછો તો ?”

જોનના આવા શબ્દોથી ન્યાયાધીશો ક્રોધે ભરાયા; પણ જોનને મન તો શાંતિજ હતી. કોશન બાલવા મથ્યો; પણ ક્રોધને રોકી ન શકવાથી, તેનો સાદ ગુંગળાઈ ગયો. તેણે છેવટે કહ્યું :–

“પ્રભુનું નામ લઈને અમે તને કહીએ છીએ કે, તારા આત્મામાં હોય તે સાચેસાચું બોલી જા ! ધર્મ પુસ્તક ઉપર હાથ મૂકીને તું કહે કે હું સર્વદા સત્યજ કથીશ.” આમ કહી તેણે પોતાનો હાથ મેજ ઉપર જરાક ગુરસામાં પછાડ્યો, પણ જોને ડગ્યા વિનાજ ઉત્તર દીધો :–

“મારાં માતાપિતાની બાબતમાં તથા મારી પ્રવૃત્તિ અને કૃતિઓ વિષે હું સત્યનિષ્ઠાથી જવાબ આપીશ; પરંતુ પ્રભુ તરફથી મને જે જે પ્રેરણાઓ થઈ છે, તે રાજા સિવાય કોઇને પણ નહિ જણાવવા મને આજ્ઞા કરવામાં આવી છે–”

ન્યાયાધીશનો બીજી વાર ક્રોધનો ઉભરો બહાર આવ્યો; ને જ્યાંસુધી તે શાંત થાય ત્યાંસુધી તેણે બોલવાનું બંધ રાખ્યું. જોનના ગાલ ઉપર લાલી ચઢી આવી, તે જરાક ટટાર થઇ. ન્યાયાધીશના મુખ ઉપર નજર ફેરવી અડગ હિંમતથી તેણે પોતાનું વાક્ય પૂરું કર્યું :–

“–અને મારું મસ્તક છેદી નાખો, તો પણ હું આ બાબતો જણાવીશ નહિ !”

થોડીક વાર સુધી તો ન્યાયાધીશ અને તેનું મંડળ હેબતાઈ ગયાં, જોન બાંકડા ઉપર શાંતિથી બેઠી હતી, તે જોઈ તેઓને વધુ ક્રોધ ચઢ્યો; છતાં હજી પણ જોન અવ્યગ્ર ચિત્તે હઠ પકડીને સુખેથી બેઠી હતી.

ત્રણ કલાક સુધી સોગંદ બાબત માથાકૂટ ચાલી. સઘળાઓ શ્રમિત થઈ ગયા અને છેવટે ન્યાયાધીશને જોનને આધીન રહી વર્તવું પડ્યું. જોને ધર્મપુસ્તક ઉપર હાથ મૂકી સાગંદ ખાધા, એવામાં એક યોદ્ધો ધીમેથી બોલ્યો :–

“જો તે અંગ્રેજ હોત, તો તે એક પળ પણ આ સ્થિતિમાં ન રહેત !” અહા ! જો તે આવું એક વાક્ય ઓર્લિયન્સની પ્રજાના દેખતાં બોલ્યો હોત, તો તેને માટે આખું શહેર રાઉન તરફ કૂચ કરી ગયું હોત !

અરે ! વાગ્બાણ મનુષ્યને નમ્ર બનાવી કેવાં વશ કરી લે છે ! હજી એ શબ્દોના ભણકારા મારા દિલમાં વાગે છે.

જોને સોગંદ લીધા પછી કોશને તેને કેટલાકે આવા પ્રશ્ન પૂછ્યા :–

“તારૂં નામ શું છે ?”

“તુ ક્યાં જન્મી હતી ?”

“તારાં માતાપિતાનો ઈતિહાસ શું છે ?”

“તારી ઉંમર કેટલી છે ?”

આ સવાલોના તેણે ઉત્તર આપ્યા. ફરીથી તેને પૂછવામાં આવ્યું :–

“તેં કેટલી કેળવણી લીધી છે ?”

“હું જે શીખી છું તે મારી માતા પાસેથી અને ધર્મપુસ્તકોમાંથી શીખી છું.”

આવા નિરર્થક પ્રશ્નોએ ઘણો વખત લીધો. જોન સિવાય સઘળા થાકી ગયા હતા. કોર્ટે ઉઠવાનું કર્યું. કોશને કોર્ટને બરખાસ્ત કરતાં જોનને કહ્યું :–

“તુ નાસી જઇશ નહિ; નહિ તો ગુન્હેગાર ઠરીશ.”

“હું બંધાતી નથી. મેં એવું વચન નથી આપ્યું.”

ત્યારપછી જોને સાંકળના ભાર માટે ફરિયાદ કરી, અને જણાવ્યું કે, એવા રાક્ષસી અને રક્ષિત કારાગૃહમાં એ વસ્તુની જરૂરિયાત નથી; પણ કોશને તે લઈ લેવા ના પાડી. જોનનો પિત્તો પણ ઉકળી આવ્યો, તે બોલી :–

“નાસી જવાશે તો હું નાસી જઈશ. દરેક કેદીનો એ હક્ક છે.”

ફરીથી બધું સ્તબ્ધ થઈ ગયું ! ધબ ધબ અવાજો વચ્ચે તે પહેરેગીરો સાથે અદૃશ્ય થઈ ગઈ. કૉર્ટ બરખાસ્ત થઈ.

(૪)

બીજે દિવસે જોન સામે પચાસને બદલે બાસઠ ધારાશાસ્ત્રીઓ હતા. ગઈ કાલની માફક પાછું કામ શરૂ થયું.

“સત્યનિષ્ઠાના સોગંદ તારે લેવા પડશે. જે તને પૂછાય, તેના ઉત્તર સાચાજ આપજે.”

“સાહેબ ! મેં કાલે સોગંદ લીધેલા છે, અને તે પૂરતા છે.” પછી તેણે નિઃશ્વાસ નાખી કહ્યું “ખરેખર, તમે મને બહુજ હેરાન કરો છો.”

કોશનનું કંઈ ન ચાલવાથી તેણે આ વાત પડતી મૂકી. પછી બીજા ન્યાયાધીશનો વારો આવ્યો. જાણે કંઈજ ન હોય એમ તે બોલ્યો :–

“જોન ! કંઈ નહિ; બધું બોલી દે,તેં સોગંદ ખાધા છે એમ – સાચું ને સાચું.”

પણ જોન ઉંઘતી નહોતી, તેણે પ્રપંચ શોધી કાઢ્યો.

“નહિ, થોડાક વિષયો સંબંધી હું તમને કહી શકતી નથી.”

ન્યાયાધીશે પાઘડી ફરીથી બાંધી.

“વારૂ, ઘેર તું કંઈ ધંધો શીખી હતી ?”

“હા, સીવવાનો અને કાંતવાનો.” આમ કહી તે અજિત સિંહણે, પેટેના યુદ્ધ માં વિજય મેળવનારે, યોદ્ધાઓને આધીન રાખનારે, ઓર્લિયન્સને સ્વતંત્ર કરી રાજાને ગાદીએ બેસાડનારે અને પ્રજાના લશ્કરના સેનધિપતિએ અભિમાનથી છાતી કાઢી અને મસ્તક ઉંચું કરી આનંદથી જવાબ આપ્યો “અને આ ધંધામાં તો હું રાઉનની કોઈ પણ સ્ત્રી સાથે ટક્કર ઝીલી શકું !”

શ્રોતાઓએ શાબાશીનો મોટો પોકાર ઉઠાવ્યો. જોનને ગર્વ ઉત્પન્ન થયો અને તેણે સ્મિત કર્યું; પણ કોશને લોકોને ધમકી આપી અદબ રાખવા ફરમાવ્યું. હવે બીજો સવાલ તેને પૂછ્યો :–

“એ સિવાય અન્ય કંઇ ધંધો તારે હતો ?”

“હા, હું મારી માને કામ કરવા લાગતી, અને બકરાં તથા ઢોર — ઢાંખર ચારવા જતી.”

તેનો સ્વર ધ્રૂજ્યો, પણ બહુ ઓછા તે કળી શક્યા. મારા દિલમાં બાલ્યાવસ્થાના ભણકારા વાગતા હતા.

પછી ન્યાયાધીશે તેની પ્રેરણાવિષે વાત કાઢી. ન્યાયાધીશને ઠરાવવું હતું કે, આ પ્રેરણા મલિન હતી; રાક્ષસ તરફની હતી; પિશાચી હતી. લોકોને આ વિષય વધારે રૂચતો હતો, તેથી તેઓ સચેત થયા.

“પહેલાં તને ક્યારે પ્રેરણા થઈ ?”

“હું તેર વર્ષની હતી ત્યારે પહેલાં મને ઈશ્વર તરફથી સાત્ત્વિક જીવન ગાળવા ફરમાવવામાં આવ્યું. હું જરા બ્હીની ત્યારે ખરો મધ્યાહ્‌ન હતો અને હું મારા પિતાની વાડીમાં રમતી હતી.”

“ત્યારે તેં અપવાસ કર્યો હતો ?”

“હા.”

“તે દિવસ પહેલાં ?”

“ના.”

“કયી દિશાથી તે અવાજ આવ્યો ?”

“જમણી બાજુથી – દેવળની બાજુથી.”

“સાથે સાથે કંઈક તેજ પણ દેખાયું ?”

“હા, તેજ બહુ પ્રકાશિત હતું. વખત જતાં અવાજો જોરથી સંભળાતા.”

“અવાજ કેવા હતા ?”

“બુલંદ અને મધુર — જાણે ઈશ્વર તરફથી આવતા હોય. ત્રીજી વખત અવાજ આવ્યો; ત્યારે તે ફિરસ્તાનો છે, એમ મને જણાયું.”

“તને તે સમજાતો ?”

“ઘણી સહેલાઈથી – બહુજ સ્પષ્ટ રીતે.”

“આત્મમુક્તિ માટે તેણે તને શું સલાહ આપી ?”

“તેણે મને પવિત્ર જીવન ગાળવાનું અને શાસ્ત્રને અનુસરી ચાલવાનું કહ્યું. વળી તેણે મને કહ્યું કે તારે યુદ્ધમાં જવું.”

“તે વ્યક્તિની આકૃતિ તથા દેખાવ કેવાં હતાં ?”

“તે હું તમને કહીશ નહિ.”

“તે વ્યક્તિ વારંવાર દેખાતી ?”

“હા, અઠવાડીઆમાં બે – ત્રણ વખત. તે વ્યક્તિ મને કહેતી કે, તું યુદ્ધમાં જા.”

“તુ ચાલી ગઈ તેની તારા પિતાને ખબર હતી ?”

“નહિ, મને હુકમ મળ્યા પછી હું ઘેર રહી શકું નહિ.”

“તે વ્યક્તિએ બીજું શું કહ્યું ?”

“જઇને ઓર્લિંયન્સનો ઘેરો ઉઠાવવો.”

“એકદમ ઓર્લિયન્સ જઈને ?”

“નહિ, મારે વૉકેલીઅર જઈ સુબાની મદદ લેવાની હતી. મેં વિનતિ કરી કે ‘હું બાળક છું; અજ્ઞાન છું; અશિક્ષિત છું.”

પછી તેણે વૉકેલીઅર ગયા પછીના ઇતિહાસ કહ્યો.

“ત્યારે તારાં વસ્ત્ર કેવા પ્રકારનાં હતાં ?”

પોટીઅર્સની સભાએ મળી નક્કી કર્યું હતું કે, જોનને પુરુષનું કાર્ય કરવાનું હતું, તેથી જો તે પુરુષનાં વસ્ત્રો પહેરે તો ધર્મ તરફથી કંઇ પણ બાધ નથી; પણ નહિ, આ કોર્ટ તો જોન વિરુદ્ધ કોઈ પણ મુદો‌ વાપરવા તૈયાર હતી.

“હું પુરુષના પોશાકમાં હતી, અને મારી પાસે તલવાર સિવાય બીજું કાંઈ પણ હથિયાર નહોતું.”

“પુરુષનો પોશાક પહેરવાની તને કોણે સલાહ આપી ?”

જોન ચેતી ગઈ. તેણે જવાબ ન આપ્યો. સવાલ ફરી પૂછ્યો. વળી ઉત્તર ન મળ્યો.

“બોલને બાપુ !”

“તેની સાથે તમને કંઈ લાગતું–વળગતું નથી.” એટલુંજ જોને કહ્યું.

બીજા વિષયોસંબંધી ઘણા પ્રશ્ન પૂછાયા, અને ઉત્તર પણ અપાયા. વળી પાછા તેનાં વસ્ત્રોનો સવાલ ઉભો થયો.

“મારે પુરુષનો પોશાક પહેરવાની આવશ્યકતા હતી.”

“આ વિષે તારા ગેબી નાદોએ કંઈ પણ કહ્યું હતું ?”

જોને શાંતિથી ઉત્તર દીધો : “આ નાદો મને સારીજ સલાહ આપે છે.”

આ સિવાય ન્યાયાધીશો તેની પાસેથી કંઈ વધુ કહેવડાવી શક્યા નહિ.

“હજી એ ગેબી નાદો તને સંભળાય છે ?”

“હા, દરરોજ.”

“તું તેઓને શું પૂછે છે ?”

“મારા આત્માની મુક્તિસંબંધી.”

“ધર્મનો તહેવાર હતો તેજ દિવસે તેં પારીસ ઉપર હલ્લો કર્યો હતો તે સાચી વાત ?”

“હા.”

“ત્યારે ઉત્તર દે કે એ વ્યાજબી છે !”

“હું તેનો ઉત્તર આપવા બંધાતી નથી.”

કેટલાકે સ્મિત કર્યું. બીજા ખડખડ હસવા લાગ્યા. જાળ બહુ હુંશિયારીથી પથરાઈ હતી, પણ તે તૂટી પડી.

કૉર્ટ ઉઠી; કલાકના કલાક સુધી તે બેઠી હતી, અને હવે થાકી ગઇ હતી. દરમિયાન જોનને ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા; અને દરેકમાં લાખો જાળ પાથરવામાં આવી હતી, પણ જોન પોતાની નિર્દોષતાને લીધે તેમાંથી બચી ગઈ.

વિદ્વાન, અનુભવથી ઘડાયેલા અને બુદ્ધિશાળી આ ભયંકર બાસઠ પંડિતો એક અજ્ઞાન ગરીબ ખેડૂતની છોકરીને ન છેતરી શક્યા ! પંડિતો આવ્યા હતા પારીસના વિદ્યામંડળમાંથી અને તે આવી હતી ઢોર–ઢાંખરોના વાડામાંથી. અહા ! તે કેટલી મહાન હતી ! કેટલી અદ્‌ભુત હતી ! !

(૫)

બીજે દિવસે – ચોવીસમી ફેબ્રુઆરીએ કૉર્ટની બીજી સભા ભરાઈ. આ કૉર્ટે આગળનીજ રીતે કામ શરૂ કર્યું :–

“તું સોગંદ ખા કે, હું બધું સત્ય કહીશ.”

“એક વખત સોગંદ ખાધા છે તે પૂરતા છે.”

“જો તું સોગંદ નહિ ખાય તો તું ગુન્હેગાર છે, એમ ઠરીશ.”

“ભલે, એક વાર સોગંદ મેં ખાધા છે; હવે નહિ ખાઉં.”

બીશપ જોનને ધમકી આપવા લાગ્યો.

“ગમે તેમ હોય તોપણ હું સઘળું જણાવીશ નહિ. પરમેશ્વર પાસેથી હું આવી છું; મારે અહીં હવે કંઇ કામ રહ્યું નથી. મને પરમેશ્વર પાસે પાછી મોકલી દો. મારી જીંદગી જોઈએ તો લ્યો, પણ મને શાંતિમાં રહેવા દો.”

અહા ! તે જોનના શબ્દ કેટલા કરુણાજનક હતા !

પછી તેને ધર્મસંબંધી અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા; પણ ધર્મ નાં મૂળ તો તેના આત્મામાં ઉંડાં ઉતર્યા હતાં, એટલે એમાં એ કંઇ પણ ભૂલ કેમ કરે ?

વળી પાછી પ્રેરણાની વાત નીકળી :–

“છેલ્લી પ્રેરણા તને ક્યારે થઈ હતી ?”

“કાલે અને આજે.”

“કયા વખતે ?”

“કાલે સવારમાં.”

“ત્યારે તું શું કરતી હતી ?”

“હું નિદ્રામાં હતી, અને તેણે મને જાગ્રત કરી.”

“તારા અંગનો સ્પર્શ કરીને ?”

“નહિ, સ્પર્શ કર્યા વિના.”

“તેં તેનો ઉપકાર માન્યો ? તું તેને પગે પડી ?”

ન્યાયાધીશના મનમાં પિશાચની વાત હતી. તેની પ્રેરણાને પિશાચની પ્રેરણા ઠરાવીને તે પિશાચનેજ પગે પડી હતી, એવો અંત લાવવાનો હતો.

“હા, હું તેને પગે લાગી; અને આ મુકદ્દમામાં ઉત્તર આપું, તેમાં ઈશ્વરને સહાય કરવા મેં તેને વિનતિ કરી.”

“પછી તેણે શું ઉત્તર આપ્યો ?”

તેણે કહ્યું કે “હિંમતથી જવાબ આપજે, અને ઈશ્વર તને સહાય આપશે.”

“ત્યારે તારા આ ગેબી નાદો કોઈ વખત ખોટી સલાહ નથી આપતા ?”

“નહિ, કોઈ વખત નહિ.”

“તેણે તને કહ્યું છે કે ચોક્કસ વિષયના ઉત્તર ન આપતી ?”

“કેટલીક વાતો ખાસ રાજાનેજ માટે છે.”

“ત્યારે આ ગેબી નાદ સીધા રાજાનેજ કાને કેમ ન પડ્યા ?”

“તે હું જાણતી નથી; જેવી પ્રભુની ઈચ્છા.”

“શું પ્રભુનો તારા ઉપર ખાસ પ્રેમ છે ?”

જોન આગળથીજ વિચારમાં પડી ગઈ હતી. તેનું મન સ્થિર નહોતું. ઉપરાંત તે થાકી ગઈ હતી. તેની આ સ્થિતિ જોઇ આવી પ્રપંચભરેલી જાળ પથરાઈ.

ન્યાયાધીશોમાં બે ત્રણ માણસો પ્રમાણિક હતા. તેમાંથી એકે ઉભા થઇ કહ્યું :–

“આ સવાલ ઘણો અઘરો છે. તે આ સવાલનો ઉત્તર આપવા બંધાતી નથી.”

 કોશને ગુસ્સે થઈ પોકાર કર્યો “તમારે એની સાથે લાગતુંવળગતું નથી. આરોપી પોતાની મેળેજ ઉત્તર આપશે.”

જોન હા પાડે કે ના પાડે, પણ તે આ હુમલાથી બચે એમ નહોતું. કારણ કે ધર્મગ્રંથ કહે છે કે, કોઈ પણ મનુષ્ય આ વાત જાણી ન શકે. જોને ઉત્તર આપ્યો, એટલી વાર મારે થોભવું પડ્યું. આ પળ એક વર્ષ જેવી હતી. શ્રોતાઓનાં મન સચેત થઈ ગયાં. જોનના મુખમાંથી મધુર અને નમ્ર સ્વર નીકળ્યો :—

“હું પ્રભુની કૃપા નીચે ન હોઉં તો પ્રભુ મારા ઉપર કૃપા રાખો ! અને જો હું હોઉં તો પ્રભુ મને ચીરકાળ સુધી બક્ષો !”

પછી જોઈ લ્યો એ શબ્દોની અસર ! ઘણી વાર સુધી કોઈ બોલ્યું કે ચાલ્યું નહિ. સઘળાં એક બીજાનાં મોં જોવા લાગ્યાં. આ આશ્ચર્યજનક ઉત્તર જોન કેમ ઘડી શકી ? બીજું કોઈ આવા પ્રપંચથી બચે નહિ.

ન્યાયાધીશે પછી બીજા પ્રશ્નો શરૂ કર્યા; પણ આ પ્રશ્નમાં તેને નિરાશા પ્રાપ્ત થઈ હતી, તેથી બહુ લાગી આવ્યું.

જોને પુરુષનો પેશાક કેમ પહેર્યો ? એ જૂનો ભયંકર સવાલ તેણે એક વાર ફરીથી કાઢ્યો.

“તને સ્ત્રીનાં વસ્ત્ર પસંદ છે ?”

“હા, પણ જો હું અહીંથી છુટું તો – અહીં તો નહિ જ.”

xxxx

બીજી વાર કૉર્ટ સત્તાવીસમી ને સોમવારે મળી, અને ઘણા પ્રશ્નોત્તરો થયા.

“તને વધારે શું વહાલું છે, તારી તરવાર કે તારો ધ્વજ ?”

“મારો ધ્વજ લાખો વાર ઉત્તમ છે. કોઈ વખત તો હું પોતેજ તેને લડાઈમાં ઝાલી રાખતી હતી – એવી મુરાદથી કે મારા હાથથી કોઈનો વધ થતો અટકે.”

ક્યાં યુદ્ધનો ગહન વિષય, અને કયાં આ નાની નિર્દોષ બાળા આ બે વચ્ચે કેટલો તફાવત હતો ! જોન પેાતાનું માથું ઉંચું કરીને વળી ગર્વ થી બોલી “અને હજી મેં યુદ્ધમાં કોઈનો પ્રાણ લીધો નથી.”

આ ઉત્તરથી ઘણા હસ્યા. જ્યારે આ શબ્દો તે બોલી, ત્યારે તે કેવી નમ્ર, મધુર અને પવિત્ર દેખાતી હતી ! કોઈ ધારીજ શકે નહિ કે તેણે માણસોને કતલ થતાં જોયાં છે; એટલી બધી તેની આકૃતિ રણસંગ્રામ માટે અયોગ્ય દેખાતી.

 આટલા દિવસ કૉર્ટ ચાલી. શું તેનું કંઈ અમુક પરિણામ આવ્યું હતું ? હા, આમ તેમ ફાંફાં મારતાં તેને ખબર પડી હતી કે, બે ત્રણ વિષયેામાં જોનને ફસાવી શકાય. દાખલા તરીકે તેનો પુરુષ જેવો પોશાક, ગેબી સ્વપ્નાં અને અવાજો વગેરે. આ બધી કૃતિ ઈશ્વરની નહિ, પણ સેતાનની છે, એમ ઠરાવવાનું હતું. જો કે હજીસુધી તપાસ કોઈ અમુક નિર્ણય ઉપર આવી નહોતી, પણ વહેલીમોડી આવશે, એવી આશા રખાતી; અને તેથીજ વારેઘડીએ ઉપલી બે ત્રણ વાતોનું પીંજણ ચાલતું.

(૬)

બીજે દિવસે અઠ્ઠાવન ન્યાયાધીશો હાજર હતા.

સોગંદ માટે સ્વાભાવિક રીતે માથાકૂટ થઈ, પણ જોન તો પોતાના નિશ્ચયને જ વળગી રહી.

પ્રશ્ન શરૂ થયા :–

“તને કેમ ખબર પડતી કે, ચોક્ક્સ બનાવો બનવાનાજ છે ?”

“મને પ્રેરણા થતી. તમે મારી સામે બેસો અને હું જાણું કે તમે બેઠા છો, એમ બધું જણાતું.”

આવા ઉત્તરોથી બિચારો ન્યાયાધીશ નિરાશ બની અન્ય કોઇ વિષય ઉપાડતો.

“તારા દેવદૂતો કયી ભાષા બોલતા ?”

“ફ્રેન્ચ.”

“બીજા મહાત્માઓ પણ ?”

“હા, તેઓ અમારા પક્ષમાં છે.”

જોનના આ શબ્દોની ખાસ નોંધ કરવામાં આવી.

“ફિરિસ્તાઓ ઝવેરાત પહેરે છે – મુકુટો, હારો, વિંટીઓ વગેરે ?”

આ સવાલો નિરર્થક હતા. જોન આફળાફાફળા ઉત્તર આપતી, પણ તેમાંથી એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો. જોનને એમાંથી પેાતાની વાત યાદ આવી.

“મારી પાસે બે વિંટીઓ હતી. મને કેદ કરી, ત્યારે મારી પાસેથી એ છીનવી લેવામાં આવી હતી. તેમાં એક તમારી પાસે છે, એ મારા ભાઈએ મને આપી છે. મને એ પાછી મળવી જોઇએ, અને જો મને તે ન આપવામાં આવે તો ધર્મમંદિરમાં તે ભેટ કરવી જોઈએ.”

 ન્યાયાધીશોને સ્ફૂરી આવ્યું કે આથી કદાચ જાદુ કરાતું હશે, અને જોનને કદાચ હાનિ પણ પહોંચાડી શકાય.

“વારૂ, બીજી વિંટી ક્યાં છે ?”

“બરગન્ડીવાળા મારી પાસેથી લઈ ગયા.”

“તને તે કયાંથી મળી હતી ?”

“મારાં માબાપે આપી હતી.”

“એ કેવી છે ?”

“સાદી – તેના ઉપર ‘ઇસુમેરી’ એવા શબ્દ કોતરેલા છે.”

લોકોએ જાણ્યું કે આથી કંઈ જાદુ ન કરી શકાય.

“સાધુઓએ અને ફિરિસ્તાઓએ તને શું કહ્યું ?”

“તેઓએ કહ્યું કે, ફ્રાન્સનો રાજા વિજયી થશે.”

“બીજું શું ?”

જોન શાંત રહી. થોડી વાર પછી નમ્રતાથી તે બોલી :—

“તેઓ મને સ્વર્ગમાં લઇ જશે.”

જો મુખ હૃદયની વાત બતાવતાં હોય, તો ઘણાઓનાં મુખ જોતાં તેઓ એમ ધારતા હતા કે, અમે ઈશ્વરના એક બંદાનો પ્રાણ લેવા પ્રયત્ન કરીએ છીએ.

“તારા ગેબી નાદોએ તું ત્રણ મહિના પહેલાં છૂટી થઈશ કે નહિ, તે વિષે કંઇ કહ્યું છે ?”

જોન આ ત્રણ મહિનાની અવધિથી આશ્ચર્ય પામી. તે બોલી :—

“હું તે કહેવા બંધાયેલી નથી. હું ક્યારે છૂટી થઈશ, એ હું જાણતી નથી. આ સભામાંથી કેટલાક મને મૃત્યુ પામેલી જોવા ઈચ્છે છે; પણ હું મરીશ તે પહેલાં તેઓ મરી જશે.”

આ ઉત્તરથી ઘણા ઘ્રૂજ્યા.

“તું કારાગૃહમાંથી ક્યારે છૂટી થઈશ, એ વિષે તારા ગેબીનાદોએ કંઇ કહ્યું છે ?”

ન્યાયાધીશે પ્રશ્ન પૂછ્યો, એ પહેલાંજ આ વાત તે પોતે જાણતો હતો.

“ત્રણ મહિના પછી મને પૂછજો – અને હું પ્રત્યુત્તર દઈશ.”

જ્યારે તેણે આ કહ્યું, ત્યારે તે કેવી સુખી દેખાતી હતી !

ત્રણ મહિના પછી પોતે છૂટી થશે – જોનનો કહેવાનો ભાવાર્થ આ હતો. મને પણ એ ભાવાર્થ સ્પષ્ટ લાગ્યો. મે મહિનાની ત્રીસમી તારીખ સુધી – છેલ્લે સુધી આ ખરૂં પડ્યું; પણ તે કેવી રીતે છૂટવાની હતી, તેનાથી તે અજ્ઞાત હતી. મને તો એમ લાગતું હતું કે ત્રણ મહિનામાં અમે ઘેર જઈશું, અને દુનિયાની જંજાળોથી છૂટી અમે અમારે ગામડે જઈ એકાંતમાં જીવન વ્યતીત કરીશું; પણ ખરી વાત તો હવે પછી જણાવાની હતી.

એક દિવસ આરામ લઈ પાછી કૉર્ટ શરૂ થઇ.

આ દિવસ શાંતિભર્યો નહોતો. આખી કૉર્ટ થાકી ગઈ હતી અને થાકી જાય એ સ્વાભાવિક પણ હતું. આ સાઠ વિદ્વાન પંડિતો ઘણે દૂરથી પોતાનાં કામ છોડીને આવ્યા હતા; અને તે શાને માટે ? ઓગણીસ વર્ષની, અભણ, કાયદાનો અક્ષર ન જાણનારી, સાક્ષીવગરની, સલાહકાર વિનાની અને નિર્દોષ છોકરીને ગુન્હેગાર ઠરાવી યમશરણે પહોંચાડવા માટે. તેઓ ધારતા કે, આ કામ તો બે કલાકનું છે; પણ કલાકને બદલે દિવસોના દિવસ વહી ગયા હતા. આખું ગામ કૉર્ટ તરફ હસતું હતું, કૉર્ટ તે જાણતી હતી; પણ તેમાં એનો ઉપાય નહોતો. કૉર્ટના મરતબાને મોટો ધક્કો લાગ્યો હતો. ન્યાયાધીશો પણ ક્રોધે ભરાયા હતા. ટુંકું અને ટચ કરવા તેઓ ગમે તે રીતે તૈયાર હતા.

હવે વસ્ત્રનો સવાલ છેડાયો.

“રાજા અને રાણીએ તને પુરુષનો પોષાક છોડી દેવા કોઇ વખત કહ્યું હતું ?”

“હું આ પ્રશ્નનો ઉત્તર આપવા બંધાતી નથી.”

“તેં સ્ત્રી જાતિનો પોશાક પહેર્યો હોત, તો કંઈ પાપ હતું ?”

“મેં માત્ર મારા રાજાની સેવા કરવા માટે બનતું કર્યું છે.”

પછી વાવટાની વાત નીકળી.

“તારા સિપાઈઓ પોતાનાં વસ્ત્રમાં તારા વાવટા ઉપરનાં ચિહ્નો કોતરી લેતા ?”

“ભાલાવાળા મારા અંગરક્ષકો કોતરી લેતા. બીજી ટુકડીઓથી પાતે જલદી ઓળખાઈ આવે, તેને માટે આમ કરવાની તેઓને ઇચ્છા થઈ હતી.”

“બે વાર પણ તેઓ કોતરતા ?”

“હા; જ્યારે ભાલાઓ તૂટી જતા, ત્યારે ફરી વાર કોતરતા.”

“શું તેં તારા માણસોને એમ નથી કહ્યું કે તમે આ ચિહ્‌ન કરશો, તો વિજયી થશો ?”

આવી છોકરવાદી વાતોથી જોનનો પિત્તો ઉકળી આવ્યો. તે છાતી કાઢી, સાવધ થઈ, અભિમાનથી બોલી :–

“મેં તેઓને કહ્યું કે શત્રુઓને તોડી પાડો !”

અંગ્રેજી નોકરીમાં રહેલા ફ્રેન્ચ સિપાઈઓએ ખળભળાટ મચાવી મૂક્યો. ધીમે ધીમે શાંતિ પ્રસરી, અને મુકદ્દમો આગળ વધ્યો.

“પ્રાર્થનામાં તારું નામ બોલાતું ?”

“બોલાતું તો તે મારા હુકમથી નહિ.”

“ફ્રેન્ચ લોકો માનતા કે તું ઈશ્વર તરફથી આવી છે ?”

“હું તે જાણતી નથી.”

“જો તેઓ એમ ધારે કે તું ઈશ્વર તરફથી આવી છે, તો એમાં કંઈ પણ ખોટું છે ?”

“શ્રદ્ધા હોય તો ફળે.”

“લોકો તારાં વસ્ત્ર, તારા હાથ અને તારા પગ શું કામ ચૂમતા ?”

“તેઓ મને જોઈને ખુશી થતા.”

“લેગનીમાં તેં એક બાળકને જીવતું કર્યું, એ સાચી વાત ? શું તે બાળક તારી પ્રાર્થનાથી જીવતું થયું હતું ?”

“તેની મને ખબર નથી. બીજી છોકરીઓ પણ મારી સાથે પ્રાર્થના કરતી હતી. જ્યારે અમે પ્રાર્થના કરતાં હતાં, ત્યારે તે જીવતું થયું અને રડ્યું. તેને મરી ગયાને ત્રણ દિવસ થયા હતા. રડીને તે પાછું ફરીને મરી ગયું.”

“તેં એમ કહ્યું છે કે અંગ્રેજોના હાથમાં પડવા કરતાં હું મરી જવાનું વધારે પસંદ કરૂં છું ?”

જોને પ્રમાણિકપણાથીજ ઉત્તર આપ્યો “હા.”

પછી જોન ઉપર એવું તહોમત લાવવા માં આવ્યું કે, જ્યારે તે કેદખાનામાંથી નાસી જવા મથતી હતી, અને જ્યારે તે નીચે પડી, ત્યારે તેણે પરમેશ્વરને ગાળો દીધી હતી.

જોને આવા આળથી ક્રોધે ભરાઇ ઉત્તર દીધો :–

“નહિ, એ સત્ય નથી. હું કોઈ દિવસ કોઈને શાપ આપતી નથી.”

(૭)

પછી થોડીક વાર કોર્ટે વિસામો લીધો. એ તો સ્પષ્ટ હતું કે, કોશન હારતો જતો હતો, અને જોન જીતતી જતી હતી. વળી કેટલાક ન્યાયાધીશો જોનની કોમળતા, પવિત્રતા, બુદ્ધિ અને ઉચ્ચ જીવનથી અંજાઈ ગયા હતા; અને તેઓ કોશનની સામા થાય એવો સંભવ હતો.

કોઈ પણ રીતે માર્ગ તો કરવો જોઇએ. કોશનને દયા નહોતી; છતાં હવે તેણે દયા દર્શાવવાનો ડોળ કર્યો. આટલા બધા ન્યાયાધીશોએ નિરર્થક શું કામ હેરાન થવું જોઈએ ? તેણે થોડાક પોતાના જેવા વિચારવાળા ન્યાયાધીશો પસંદ કરી બાકીનાને રજા આપી, કે જેથી તે હવે જોનનું કાસળ નિરાંતે કાઢી શકે. વળી શ્રોતાઓ અંદર દાખલ થતા તેનો હવે પ્રતિબંધ થયો. લોકો કોશનને નિરાશ થઈ ગયેલો જોઈ તેના તરફ હસતા; તેથી હવે તેઓને આવતા રોક્યા એટલે કોશનને તો નહિ દેખવું ને નહિ દાઝવું.

દશમી માર્ચને દિવસે આ છુપી તપાસ શરૂ થઈ. આ વખત ના જોનના દેખાવથી મને બહુ લાગી આવતું. તે અશક્ત થઈ ગઈ હતી, અને તેથી તેનું મન સ્થિર રહી શકતું નહોતું. બીજી કોઈ કોર્ટે તેની આવી નિર્બળ સ્થિતિનો લાભ ન લીધો હોત; પણ આ લોકો તો તેને કલાકના કલાક સુધી પ્રશ્ન પૂછી થકવી નાખતા.

જોને પ્રેરણાની વાત પોતાનાં માબાપથી ગુપ્ત રાખી હતી. આ મુદ્દા પરથી તેની પ્રેરણા પિશાચી પ્રેરણા હતી, એમ સિદ્ધ કરી શકાય. કેમકે જોને પોતાનાં માબાપથી પણ આ વાત ગુપ્ત રાખીને તેમને છેતર્યા હતાં.

“શાસ્ત્રમાં લખ્યું છે કે, સૌએ પોતાનાં માતાપિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. છતાં તું તારાં માબાપને જણાવ્યા વિના ચાલી ગઈ, તે શું ઉચિત હતું ?”

“આ વિષયસિવાય બીજા બધા વિષયોમાં હું તેમની આજ્ઞા પાળતી આવી છું. મારા દોષ માટે મેં તેમની આગળ માફી યાચી છે અને માફી મેળવવા હું ભાગ્યશાળી થઈ છું.”

“માફી માગી ? ત્યારે તું જાણે છે કે તારું પગલું પાપી હતું?”

જોનનો ક્રોધ ન સમાયો – તેની આંખો બળવા લાગી.

“મને ઈશ્વર તરફથી હુકમ હતો, અને ત્યાં જવા મેં યેાગ્ય ધાર્યું.”

“મારાં માબાપને પ્રેરણા સંબંધી કહું કે નહિ ? એવું તેં તારા ગેબી નાદોને નહોતું પૂછ્યું ?”

“દેવો સંમતિ દર્શાવતા; પણ મારાં માબાપને આ વાતથી દુઃખ થાય, તેને માટે મેં તેમને તે ન જણાવ્યું.”

હવે કોશને એક અપરાધ ઠોકી બેસાડ્યો. બાકી ખરી રીતે તો આ જોનના આત્મગૌરવને લીધે હતું.

“તું પ્રભુની પુત્રી છે, એમ તારા નાદો તને કહેતા?”

નિર્દોષ જોને હા પાડી.

આત્મગૌરવનો આ બીજો દાખલો હતો.

“તારો ઘોડો તને કોણે આપ્યો હતો?”

“રાજાએ.”

“એ સિવાય તારી પાસે કંઇ પણ દ્રવ્ય હતું ?”

“હતું; પણ મારે માટે નહિ, લશ્કરના પગાર માટે.”

“તારૂં બખ્તર અને તારી તરવાર એ બન્ને વસ્તુ તેં ધર્મમંદિરમાં મૂકી હતી ?”

“હા.”

“પૂજા કરવામાં આવે તેને માટે ?”

“નહિ, જે યોદ્ધાઓ ઘવાય તેણે આ વસ્તુઓ ધર્મમંદિરમાં ધરવી, એવો ધારો છે. હું પારીસ આગળ ઘવાઈ હતી.”

અહા ! આ લોકોનાં હૃદય ન પીગળ્યાં. આવી નિર્દોષ બાળા ઘવાય એ શું કરુણાજનક નહોતું ?

“તારો વાવટો તારા આત્માને સહાય આપતો કે તારો આત્મા તારા વાવટાને સહાય આપતો ?”

“એની મને ખબર નથી, પણ એ તો ચોક્કસ છે કે, સઘળા વિજયો પ્રભુ તરફથી મને મળતા. પ્રભુ સિવાય મેં કોઈમાં શ્રદ્ધા રાખી નથી.?”

“રાજાએ મુકુટ પહેર્યો, ત્યારે તારોજ વાવટો રાજા પાસે રાખવામાં આવ્યો હતો અને બીજા કોઈનો કેમ નહિ ?”

“કારણ કે વિજય મેળવવાનો બધો ભાર તેણે ખેંચ્યો હતો.”

કેટલું સરળ ! કેટલું સુંદર ! જોન વકતૃત્વની સ્વામિની હતી. તેનું જીવન ઉચ્ચ હતું અને જેવું તેનું ચારિત્ર ઉચ્ચ હતું, તેવીજ ઉચ્ચ તેની વાણી હતી.

(૮)

આ છુપી તપાસ આમ પૂરી થઈ. બીજી વખત પણ કંઈ પરિણામ આવ્યું નહિ. આ છેલ્લી તપાસ બહુ અધમ પ્રકારની હતી. જોનને અત્યાર અગાઉ જે થોડીઘણી અનુકૂળતાઓ હતી, તે પણ હવે છીનવી લેવામાં આવી. બિચારી નિર્દોષ, નિરાધાર બાળા ઉપર કેટલો જુલમ !

તેઓ જ્યાં ત્યાં છિદ્રો શોધવા લાગ્યા. જોનની જુબાનીમાં પ્રપંચ ભેળવી તેઓએ જોન ઉપર છાસઠ આરોપવાળું એક પત્રક ઘડી કાઢ્યું. આ પત્રક ઘડતાંજ નવ દિવસ થયા હતા ! બીજે દિવસે આ મોટો ચોપડો કિલ્લામાં લઇ જવામાં આવ્યો, અને બાર ચુનંદા ન્યાયાધીશો નવી તપાસ માટે પસંદ કરવામાં આવ્યા. જોન ઉપર કયા કયા આરોપ છે, તે તેને સંભળાવતાં કેટલાક તો દિવસો ગયા. ન્યાયાધીશોએ નિર્ણય કરી રાખ્યો હતો કે, જોને પ્રત્યેક મુદ્દાનો ઉત્તર આપવો; અને જો તે ઉત્તર આપવા ના કહે, તો તેને ગુન્હેગાર ઠરાવવી. તેઓ જોન સામે જૂઠા આરોપો ઘડી તેને બચવાનો માર્ગ પગલે પગલે ટુંકો કરી નાખતા હતા.

પછી ચોપડો વંચાવો શરૂ થયો; અને જોન દરેકે દરેક કલમના ઉત્તર આપતી ગઈ. ચો૫ડામાં તેને ડાકણ, સેતાનની સાથી, મૂર્તિપૂજક, નાસ્તિક, અશાંતિ ઉપજાવનાર, લોહી રેડાવનાર, જાતિનો ભેદ ન જાણનાર, ઠગનાર, પાપ ફેલાવનાર અને પોતાને ગુરુ મનાવનાર ઇત્યાદિ ઈત્યાદિ વિશેષણો લગાડવામાં આવ્યાં હતાં. આમ તેના જીવનના પ્રત્યેક બનાવનો આ પાપાત્માઓએ ઉંધો અર્થ કરી પોતાનો કક્કો ખરો મનાવ્યેા હતો. આ છાસઠ આરોપો ગઈ તપાસોમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, એટલે આ તપાસનું વર્ણન કરતો નથી.

જોને પોતાના સ્વર્ગીય સંદેશા પૃથ્વી ઉપર તપાસ માટે મૂકવા ના પાડી; પોતે પોતાને ગુરુતરીકે મનાવતી એ આરોપનો ઈન્કાર કર્યો; તેમજ હાલ તુરતમાં સ્ત્રીનાં વસ્ત્ર પહેરવા ના પાડી. વળી તેણે કહ્યું કે “મેં શાંતિજ ઈચ્છી સુલેહ કરવાનું યુદ્ધ પહેલાં ધાર્યું હતું, પણ તેમ નહિ થતાં અનિચ્છાએ મારે લડવું પડ્યું હતું.” અંગ્રેજો સાથે અસભ્યતાથી વર્તાવાનો આરોપ તેના ઉપર મૂકવામાં આવ્યો, ત્યારે તે બોલી:–

“મારૂં કહ્યું તેઓએ માન્યું હોત તો વધારે ઠીક થાત. સાત વર્ષમાં પોતાની કૃતિનું પરિણામ તેઓ પોતેજ નજરોનજર જોશે.” જોનની આ પ્રખ્યાત ભવિષ્યવાણી હતી. પછી તેઓએ એક નવોજ સવાલ ઉભા કર્યો.

“પરમેશ્વરે પેગંબરતરીકે તનેજ પસંદ કરી, અને બીજા કેાઇને કેમ નહિ ?”

“પોતાનું સાધન ગમે ત્યાં શેાધી લેવાનો ઈશ્વરને હક્ક છે.”

“માણસો ઉપર સત્તા મેળવીને સેનાધિપતિ થઇ તેં સ્ત્રીજાતિ ને અનુચિત કાર્ચ શામાટે કર્યું ?”

જોનનો જુસ્સો હવે ઉછળી આવ્યો.

“શત્રુઓને પંદરમું રત્ન દેખાડવા !”

આ શબ્દ બોલતી વખતે તે યમને દેખતી હતી; આ શબ્દોનું પરિણામ તે જાણતી હતી, પણ સત્ય બોલવા માં ભય શાનો ?

જોનનાં સગાંસંબંધીઓને ઉચ્ચ હોદ્દાઓ બક્ષવામાં આવ્યા હતા; તેથી એમ ઠરાવવામાં આવ્યું કે, તે જે જે કામ કરતી હતી, તે સ્વાર્થ માટેજ કરતી હતી.

“મેં તત્સંબંધી રાજાને કંઈ પણ કહ્યું નથી. રાજાએ જે કર્યું છે, તે પેાતાની રાજી-ખુશીથીજ કર્યું છે.”

આમ ત્રીજી તપાસ પૂરી થઈ, અને તેનું પરિણામ પણ કંઈ આવ્યું નહિ.

ચોથી તપાસ જલદી શરૂ થવી જોઈએ. આ છાસઠ આરોપોમાંથી કેટલાક કાઢી નાખવામાં આવ્યા; અને કેટલાકને ટુંકા કરી નાખવામાં આવ્યા. આમ બાર આરોપોનું એક નવું પત્રક તૈયાર કરવામાં આવ્યું. આ પત્રક તૈયાર થતાં ઘણા દિવસ ગયા, જોન વિરુદ્ધની સધળી બાબતો આમાં એકઠી કરવામાં આવી હતી જાણે જોનની એકે પણ વાત સાચી જ ન હોય !

ખરેખર, આ દયાજનક હતું.

(૯)

બે અઠવાડીઆં સહેજે વહી ગયાં. મે મહિનાની બીજી તારીખ આવી. ઠંડી નાસી ગઈ. પર્વતો અને ખીણોમાં ફૂલ ઉગી નીકળ્યાં. પંખીઓ ઝીણા ઝીણા તડકામાં અહીંથી તહીં કલ્લો કરતાં રમતાં હતાં; સર્વ પ્રાણીઓને વિશ્રામ હતો. દુનિયા આનંદિત જણાતી. નદીઓ વાંકી ચૂકી ખૂલતી ઝૂલતી ચાલી રહી હતી. હરિયાળી પણ ખૂબ ખીલી હતી; નદીતટનાં વૃક્ષોનું પ્રતિબિંબ સ્વચ્છ જળમાં પડી રહ્યું હતું.

સૌ આનંદમાં હતાં, પણ જોન અને તેના મિત્રોનાં મન ઉદ્વેગમાં હતાં.

કોશનને હવે નવી યુક્તિ સૂઝી. પોતાની મુરાદ પાર પડે તેને માટે તે જોનને બહુ બહુ સમજાવવા લાગ્યો.

મેની બીજી તારીખે ઉપર વર્ણવેલા સુંદર દિવસે કોશન અને તેના બાસઠ અનુચરો ભેગા થયા. આ સિવાય એક વક્તા પણ આવ્યો હતો. તુરતજ સાંકળોના અવાજ સંભળાયા અને જોન પહેરેગીરો વચ્ચે દાખલ થઈ. આ વખતે તેની તબિયત ઘણી સારી દેખાતી હતી. પંદર દિવસના આરામ પછી તેનું રૂપ ખીલી નીકળ્યું હતું, તેણે આજુબાજુ નજર ફેરવી વક્તાને જોયો અને જોતાંની વારજ તે વસ્તુસ્થિતિ કળી ગઈ.

વક્તાએ પોતાનું ભાષણ આખું લખી રાખ્યું હતું. તે એટલું મોટું હતું કે ચોપડી જેવું દેખાતું હતું. તેણે પોતાની પીઠ પછવાડે હાથ રાખી પાનાં છાનાંમાનાં ઝાલી રાખ્યાં હતાં. તેણે બોલવું શરૂ કર્યું. થોડોક વખત તો ઠીક ઝપટ ચલાવી, પણ એટલામાં તે કંઈક ભૂલી ગયો. આથી તેને પાછી નજર ફેરવી ગુપ્ત રીતે પોતાનાં કાગળિયાંમાં જોવું પડ્યું; વળી બીજી વખત જોવું પડ્યું – અને ત્રીજી વખત પણ. આથી તે બિચારાની રેવડી દાણાદાણ થવા લાગી. જોને પછી તેને ધીમે રહીને કહ્યું:–

“બાપુ ! તું તારી ચોપડી વાંચી લે; પછી હું તેના ઉત્તર આપીશ.”

બધે હસાહસ થઈ રહી. વક્તા ઘણો ઝંખવાઈ ગયો; પણ થોડીક વાર પછી તેને સારો રસ્તો સૂઝ્યો, અને તેણે જોનના કહ્યા પ્રમાણે કર્યું. તેણે તે બાર આરોપોને ટુંકા કરી છજ આરોપ રહેવા દીધા હતા.

વાંચતાં વાંચતાં તે થોભતો, અને જોનને પ્રશ્નો પૂછતો.

“તું ધર્મમંદિરના હાથમાં તારી તપાસ સોંપ.”

“નહિ, એમ નહિ બને.”

“શું ધર્મમંદિર સાચો ન્યાય નહિ આપે ?”

“આપશે એમ ધારું છું; પણ મને દિવ્ય સંદેશાઓ મળે છે, તેનો તો હું ઉત્તર નહિ જ આપું – લાખવાર કહુ છું કે નહિ આપું !”

ત્યારપછી આ ભયંકર શબ્દો સંભળાયાઃ–

“જો તુ ધર્મમંદિરને શરણે નહિ જાય, તો અમે તને ગુન્હેગાર ઠેરાવી બાળી મૂકીશું !”

જોનને બદલે બીજું કોઈ હોત, તો આવા શબ્દોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું હોત; પણ જોનને યો હિંમત આવી. સિપાઈઓને જે વીરનાદથી તે પાનો ચઢાવતી, તે વીરનાદ હવે ગર્જી ઉઠ્યો:–

“મેં જે કહ્યું છે, તેનાથી ઉલટું હું કહીશજ નહિ. મારી સમક્ષ અગ્નિ બળતો હશે પણ હું એજ ઉત્તર આપીશ !”

રાક્ષસોનાં હૈયાં પણ કોઈ કોઈ વાર પીગળે છે. કોશન આ ઉત્તરથી છક્ક થઇ ગયા; અને પોતાની નોંધમાં આ ઉત્તર ઉત્તમમાં ઉત્તમ છે, એમ લખ્યું.

“ઉત્તમમાં ઉત્તમ !” “ઉત્તમમાં ઉત્તમ !” કારણ કે આ ઉત્તર મૃત્યુથી ઘેરાયેલી એક ઓગણીસ વર્ષની બાળાના મુખમાંથી આવ્યો હતો !

(૧૦)

કોશનને લોકો ચાહતા ન હતા, કારણ કે તે દુષ્ટ હતો. જ્યારે તેની હાર થઈ, ત્યારે તેઓ ખુશી થવા લાગ્યા. કોશનને આથી ક્રોધ ચઢતો. હવે જોનને માટે કંઈ ને કંઈ રસ્તો તો કરવોજ જોઈએ. એક પણ રીતે તે ફાવ્યો નહિ, તેથી બળાત્કાર વાપરવાનો તેણે વિચાર કર્યો. નવમી મેને દિવસે તેણે બધી સામગ્રી તૈયાર રાખી. એક ફાંસી દેનારને પણ ઉભો કરવામાં આવ્યો. જોનને ત્યાં લઈ જવામાં આવી. કોશન ક્રોધથી બોલ્યો:–

“બોલી દે છોકરી ! જો, આ સઘળું તારા મોં આગળ છે. સાચું કહે છે કે નહિ ?”

આ ધમકીનો જોને ઉત્તર વાળ્યો. આ જવાબ ઇતિહાસમાં કાયમ રહેશે. જોને કહ્યું:–

“મેં તમને જે જણાવ્યું છે, તેનાથી વધારે હું જણાવીશ નહિ. અરે ! મારાં અવયવે અવયવને વીખી–પીંખી નાખશો તો તે દરદમાં કવચિત્ મારાથી ઉલટું બોલાઈ જશે, પણ તે શબ્દ હું મારા આત્મામાંથી – મારા ખરા દિલથી કહું છું, એમ તમારે કોઈ પણ દિવસ માનવું નહિ.”

કોશને આવા ઉત્તરની સ્વપ્નમાં પણ આશા રાખી નહોતી. તેને મન હતું કે નાની છોકરી કેટલી વાર ટકશે ? નહિ, પણ નહિ, નાની તોપણ તે કોણ હતી ? જોન ઑફ આર્ક !

કોશને ધાર્યું કે, હવે તો હદ વળી. હવે જોન માટે કોઈ બીજો રસ્તો શોધી કાઢવો જોઈએ.

વળી દશ દિવસની મુદત પડી. પારીસનું વિદ્યામંડળ જોનના બાર આરોપો ઉપર વિચાર ચલાવતું હતું.

આ સંશયનો સમય તેના જીવનમાં મૃત્યુ જેવો હતો, પણ આથી વધારે જોનને એક બીજું દુઃખ હતું. કોઈ નાની છોકરી દુઃખમાં હોય તો તેને દિલાસો આપવા કોઈ સ્ત્રી જોઈએ, સ્ત્રીની સોબત સિવાય દુઃખમાં સ્ત્રીને આનંદ મળી શકે નહિ; પણ આ ત્રણ મહિનાની કેદના અરસામાં જોને કોઈ છોકરીનું અથવા સ્ત્રીનું મોં પણ જોયું નહોતું. અહા ! કોઈ સ્ત્રીને તેણે જોઈ હોત, તો તેનું મન કેટલું પ્રફુલ્લ થાત !

વિચાર કરો કે જોન કેટલી મહાન હતી. પોતે એકલી, અને બીજી બાજુ આખા ફ્રાન્સના પ્રતિભાશાળી પુરુષો ! તોપણ તેણે એ સર્વને હરાવ્યા; તેઓની યુક્તિ તોડી પાડી; તેઓના છળભેદને તે કળી ગઈ. તેનું અંતઃકરણ સુદૃઢ રહેતું અને વિપત્તિઓની અવગણના કરતું. તે મૃત્યુને પણ નહિ ગણકારી અડગ હિંમતથી કહેતીઃ “જે થવું હોય, તે થવા દ્યો; હું કહું છું, તેનાથી ઉલટું કહીશજ નહિ.”

હા ! તેનો આત્મા કેટલો ઉચ્ચ હતો ! તેની બુદ્ધિ કેટલી સતેજ હતી ! તેનું જ્ઞાન કેટલું વિશાળ હતું ! તેને પંડિત સામે લડવાનું હતું, એટલું જ નહિં પણ પાષાણ હૃદયના રાક્ષસો સાથે.

રણસંગ્રામમાં તે મહાન હતી, એ આપણે જાણીએ છીએ. તેની પ્રતિભાશક્તિ અજબ હતી. તેનું સ્વદેશાભિમાન અજબ હતું. સુલેહ કરવામાં તેના જેટલું કોઇ પ્રવીણ નહોતું. બુદ્ધિશાળી હોય, તેને તે બુદ્ધિશાળી તરીકે જાણી લેતી. વક્તૃત્વમાં કોઈ તેને ન પહોંચી વળતું. નિરાશ બનેલાંને ઉત્સાહ આપવામાં તે નિપુણ હતી. વળી તે ભીરુઓને વીરપુરુષ બનાવી શકતી. જોનમાં નિરૂત્સાહ, થાક અને આલસ્ય કોઇ વખત જણાયાં નહોતાં.

હા ! જેન ઑફ આર્ક સર્વ કાળે અને સર્વ સ્થાને ઉચ્ચ હતી; પણ આ મુકદ્‌માઓમાં તો તેનું ચારિત્ર વધારે ખીલી નીકળ્યું. માણસની ખરી કસોટી દુઃખમાં થાય છે, અને એ કસોટીમાં જેની કિંમત અમૂલ્ય છે, એમ માલૂમ પડી આવ્યું.

દશ દિવસના અરસામાં પારીસના વિદ્યામંડળે આ બાર આરોપોનું નિરાકરણ કરી નાખ્યું. તેઓ એવા ઠરાવ ઉપર આવ્યા કે, જોને સઘળી બાબતોના ખુલાસા કરવા જોઈએ, અથવા તો શિક્ષાને આધીન થવું જોઈએ.

જોનને કેવી શિક્ષા કરવી, એ તો તે પકડાઈ તે દિવસેજ ચોક્ક્સ કરવામાં આવ્યું હતું અને તે એજ કે, ગમે તેમ કરીને તેના પ્રાણ્ લેવા.

આ શિક્ષાપત્ર રાઉન લઈ જવામાં આવ્યું. તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જોન જેને ફિરિસ્તાઓ લેખતી તે સેતાનો હતા, અને આવા અધર્મ માટે તે શિક્ષાને પાત્ર હતી.

જોનનું શુ કરવું એ સંબંધી ઠરાવ કરવા ઓગણીસમી મેને દિવસે પચાસ ન્યાયાધીશો મળ્યા. કેટલાકનો વિચાર એવો હતો કે, જોનને તુરતમાંજ શિક્ષા કરવી. કેટલાકનો એવો મત પડ્યો કે તેને એક વાર ફરી ચેતવણી આપવી.

તેથીજ એ કોર્ટ ચાર દિવસ પછી પાછી મળી, અને જોનને ત્યાં બોલાવવા માં આવી. જોન ધર્મમંદિરને પોતાના ગુન્હાની તપાસ ન સોંપી દે, તો તેનો જીવ લેવામાં આવશે, એવી ધમકી પણ અપાઈ; પણ જોને અપ્રતિમ શાંતિથી ઉત્તર વાળ્યો:–

“મને શિક્ષા થઈ ચૂકી હોય, કદાચ ધગધગતી આગ મારી સામે બળતી હોય, એટલું જ નહિ પણ જો હું આગમાં બળી મરતી હોઉં તો પણ મેં જે કહ્યું છે, તે સિવાય વધારે હું કહીશ નહિ.”

સઘળે શાંતિ પ્રસરી. સાર્વના મન ઉપર કંઇક ઉદ્વેગ ભાસતો હતો. આ અપશુકન છે એમ મને લાગ્યું. છેવટે ગંભીરતાપૂર્વક કોશને જોનને કહ્યું:–

“તારે આ સિવાય કંઈ કહેવું છે ?”

“નહિ.”

"ત્યારે હવે આ તપાસ પૂરી થાય છે, તારી શિક્ષા તને કાલે જણાવવામાં આવશે. કેદીને લઈ જાઓ !”

જોન છાતી કાઢી હિંમતથી ચાલી ગઈ એમ મને લાગ્યું, તોપણ મારું ધ્યાન ત્યાં નહોતું. મારી આંખો આંસુથી ભરપૂર હતી.

(૧૧)

જોન ઑફ આર્કની જીંદગી હવે કોશનના હાથમાં હતી, પણ જોનનો એકદમ પ્રાણ લઈ શકાય કે નહિ તેને માટે તેને શંકા હતી. પોતાના માથા ઉપર અપયશ વહોરી લઇ, જો તે જોનનો જીવ લે, તો લોકોને જોનને માટે વધારે માન ઉત્પન્ન થાય; ને જોન નિર્દોષ હતી, છતાં મારી નાખવામાં આવી છે, એવું જો જાણવામાં આવે તો અંગ્રેજી સત્તાને પણ ધક્કો લાગે. જોન જો પ્રજાની સમક્ષ પેાતાને હાથે પોતાનો દોષ કબૂલ કરે, તોજ સીધેસીધું ઉતરે; પણ એ બને કેમ ?

મોટો વિચાર આ થઈ પડ્યો. કબૂલ કરે તે માટે દિવસોના દિવસ સુધી તેને સમજાવવામાં આવી હતી; પણ સઘળું અફળ ગયું હતું. બળાત્કાર કરવા માં આવ્યો હતો; અગ્નિ સમક્ષ લઈ જવામાં આવી હતી. હવે શું રહ્યું હતું ? માંદી હોય, થાક ચઢ્યો હોય અને આગ સમક્ષ લઈ જવામાં આવે તો યે તે માને ખરી ?

વિચાર ઘણો સારો હતો; ગમે તેમ તોય તે અબળા હતી. મંદવાડ અને થાકની સામે તે યુદ્ધ કરી શકે નહિ.

હા, વિચાર સારો હતો. જોને પોતેજ બોલી ગઈ હતી કે, જો તમે મને દુઃખી કરશો, તો હું કદાપિ બોલી છું તેથી ઉલટું બોલીશ આ વાત કોશને બરાબર સ્મરણમાં રાખી હતી.

પછી શું કરવું, તે કોશન જાણતો હતો. જો તેને અશક્ત કરી અગ્નિનો ભય દર્શાવવામાં આવે, તો ચોરી-છુપીથી કદાચ એક કાગળને બદલે બીજો કાગળ તેને ખબર ન પડે તેમ સેરવી દેવાય.

પણ જોન પોતાનો દોષ કબૂલ કરે તો પણ તેને જીવતી રાખવી પડે, તેનું કેમ કરવું ? આ બધી મહેનત તો તેનો જીવ લેવા માટેજ થતી હતી.

આની પણ બારી શેાધી કઢાઈ. તેને ખોટી આશાઓ બતાવવામાં આવે, તો કદાચ તે પુરુષનાં વસ્ત્ર ત્યજી દે. આ વચનો તોડી શકાય, પછી યમરાજ તો તેને માટે તૈયારજ હતા.

વખત પણ અનુકૂળ હતો. જોનનો આત્મા જો કે હજી એવો ને એવો સબળ હતો, તોપણ તેની શારીરિક શક્તિ બહુ ઘટી ગઈ હતી.

આ જમાનાના લોકો જાણે છે કે, કોશનની યુક્તિઓ ઉપર પ્રમાણે હતી; પણ તે જમાનામાં લોકો આવું કંઈ પણ જાણતા નહોતા.

કેદીને પોતાના છેલ્લા દિવસની રાત્રિ શાંતિમાં ગુજારવા દેવી, એ સાધારણ નિયમ હોય છે; પણ કોશનના પક્ષના એક ધર્માધ્યક્ષને રાત્રે જોન પાસે લઈ જવામાં આવ્યો . તેણે કહ્યું કે, જો તું ધર્મમંદિરને તારી તપાસ સોંપી દે, તો તને કોઈ સોઇવાળા કારાગૃહમાં લઈ જવામાં આવે અને ત્યાં સ્ત્રીઓને પણ સાથે રાખવામાં આવે. આમાં પણ કોશનનો સ્વાર્થ હતો. આ તો ખોટો ડોળ હતો. જો જોનનું અશક્ત શરીર નિદ્રા અને વિશ્રાંતિરહિત કરી નાખવામાં આવે તો બીજે દિવસે તે સુસ્ત અને નિર્બળ થઈ જાય-જેથી તે આવતા બપોરની ગરમી, ભય અને અગ્નિ સહન ન કરી શકે. જો આમ થાય તો ધારેલું કામ મુશ્કેલી વિના જલદીથી પાર ૫ડે.

રસ્તાઓ ઉશ્કેરાઈ ગયેલાં માણસોથી ઉભરાતા હતા. ત્યાંથી માર્ગ કરવો, એ બહુજ દુર્ઘટ કાઢ્યું હતું. અર્ધી રાત્રિ થઈ હશે કે અમે એક મંદિર પાસે આવ્યા. અહીં બહુજ ઘોંઘાટ થતો હતો. આખું મેદાન મસાલોથી ઉભરાઈ જતું હતું. આ મેદની વચ્ચે એક નાનકડો માર્ગ હતો, અને ત્યાંથી મજુરો લાકડાં અને પાટીઆં લઈ જતાં હતાં. શું થાય છે, તે અમે પૂછ્યું. ઉત્તર મળ્યો:–

“આની ચિતા ખડકાશે. તમને ખબર નથી કે કાલે પેલી ફ્રેન્ચ ડાકણને બાળી નાખવામાં આવશે ?”

અમે ચાલ્યા ગયા. ત્યાં ઉભા રહેવાની અમારામાં શક્તિ નહોતી. હજી કંઈ મદદ આવી પહોંચશે, એવું હું ધારતો હતો; પણ હું કેટલો મૂર્ખ હતો ! પણ ત્યારે મારી યુવાની હતી. યુવાન પુરુષો આશાજ રાખે છે, તેઓ શ્રદ્ધાળુજ હોય છે.

સવારે મેં જોયું તો એક મોટા ચોગાનમાં ચારે બાજુ માંચડા ઉભા કરવામાં આવ્યા હતા. મુખ્ય જગ્યાએ કોશન, તેના ન્યાયાધીશો, બીજા ધર્માધ્યક્ષો અને શહેરના બીજા મુખ્ય લોકો બિરાજમાન થયા હતા. વીસેક કદમ છેટે સીડીના આકારનો બીજો માંચડો હતો. આની ઉપર ચઢયા કે ચિતા આવતી હતી. આ ચિતા ઉપર લાકડાંના મોટો ઢગલો હતો. ચિતાની નીચે તેને પ્રગટાવનાર તથા તેના બે મદદનીશો ઉભા હતા. તેઓના પગ પાસે થોડાંક અંબાડિયાં પડ્યાં હતાં. થોડેક છેટે લાકડાંનો બીજો જથ્થો પડ્યો હતો. આપણું શરીર આટલું બધુ નાજુક, આટલું બધું કોમળ લાગે છે; પણ તેનો વિનાશ સહેલાઈથી થઈ શકતો નથી. શરીરથી પ્રાણને છૂટા કરવા એ બહુજ અઘરું છે.

ચિતાને જોઇ મારા આખા શરીરની નાડીઓ તૂટવા લાગી; તોપણ મને એમાં એટલી મોહની લાગી હતી કે વારંવાર મારી ઈચ્છા ન હોવા છતાં પણ તેની સામે હું જોતો.

માંચડા અને ચિતાની આસપાસ અંગ્રેજી લશ્કર ઉભું હતું, અને તેની પછવાડે લાખો પ્રેક્ષકોનાં મસ્તક દેખાતાં હતાં.

તોપણ ત્યાં જરાય અવાજ થતો નહોતો; જરાય હીલચાલ નહોતી-જાણે. આખી સૃષ્ટિ મૃત્યુવશ થઈ ગઈ હોય ! સૂર્યનાં કિરણો ચિતાની પાછળ ધીમે ધીમે ઉગતાં હતાં, અને મટમટતાં હતાં.

છેવટે શાંતિનો ભંગ થયેા. માથાં બે હારમાં વહેંચાઈ ગયાં અને વચ્ચે કોઈ કૂચ કરતું હોય એમ લાગ્યું. શું એ અમારા પક્ષનાં માણસો હતાં ? નહિ, એ તો કેદી અને તેનો પહેરો હતો; એ તો જોન ઑફ આર્ક હતી. અશક્ત હોવા છતાં તેને પગે ચલાવવામાં આવતી હતી. કેદમાં ભેજવાળી ઠંડી હવા હતી, અને હમણાં તે ઉનાળાના ઉગ્ર તાપમાં ચાલતી હતી. લાંબો વખત કેદખાનામાં પડી રહેવાથી તેની ચાલવાની શક્તિ નષ્ટ થઈ હતી. દરવાજામાં તે દાખલ થઈ કે કોશનના એક મદદનીશે તેને સમજાવવા માંડી. આથી તેની મુંઝવણ અને થાક બંને વધ્યાં.

જેવી તે માંચડા ઉપર આવી કે આંખો બંધ કરી અને મોં નીચું ઘાલી તે પડી ગઈ. તેના હાથ ખેાળામાં હતા. આરામ સિવાય તેને બીજા કશાની જરૂર નહોતી. દુઃખથી તેનું મોં આરસપહાણ જેવું ઉજળું થઈ ગયું હતું.

જોનની આવી સ્થિતિ જોઈ આ ભૂખ્યાં વરૂઓ કેટલાં રાજી થતાં હતાં ! અહા ! આ જોન ઍફ આર્ક હતી ! તેની કીર્તિ આખા યુરોપખંડમાં પ્રસરી રહી હતી. જગતના ઇતિહાસમાં તેના જેવું અદ્ભુત મનુષ્ય હજી કોઈ થયું નહોતું. શું એ સાચું જ હશે કે, આ નાજુક પ્રાણીએ-આ નાનકડી છોકરીએ-આ સુંદર બાળાએ- આ કોમળ બાળાએ હલ્લો કરી કિલ્લાઓ જીત્યા હતા ? અરે એટલું જ નહિ, પણ પેાતે એકલીએ ભલભલાને હંફાવી ફ્રાન્સની બુદ્ધિ અને વિદ્યાથી જે કામ પૂરું ન પડ્યું, તે તેણે પૂરું કર્યું હતું !

જોનને અશક્ત કરી નાખવા કોશને પોતાથી બનતું કર્યું; તોપણ હજી એક વસ્તુ બાકી રહી હતી - અને તે એ કે, આવા સખ્ત તાપમાં તેની આગળ ભાષણ કરી તેને વધારે મુંઝવવી.

ઉપદેશક આવ્યો કે જોને કંટાળી તેના તરફ જોયું; અને નીચું ઘાલી દીધું. ઉપદેશકે પોતાનું ભાષણ ચલાવ્યું. ઘણી વાર સુધી તે ચાલ્યું. એ ભાષણમાં તેણે અમારા રાજાને ઘણી ગાળો દીધી. જોને આથી ક્રોધે ભરાઈને કહ્યું:–

“તારી લવારી બંધ રાખ; તું નકામાં ચીંથરાં ફાડે છે.” લોકો આથી હસવા લાગ્યા. બિચારો ઉપદેશક કોડીનો થઈ ગયો હતો.

અહા ! લોકો કેવાં અસ્થિર હોય છે ! મૂર્ખ હેાય છે ! તેઓ જોનને બાળી નાખવા ઇચ્છતા. કારણકે તેમાં તેમને તમાસો જોવા મળતો; પણ તેની સાથે તેની સમયસૂચકતા અને તેની બહાદુરીનાં પણ વખાણ કરવા તેઓ ન ચૂકતા. ગમે તેમ હોય-ઇચ્છા ન હોય તોપણ મહાત્માને વંદન કરવું ને કરવું જ જોઈએ.

ધર્મમંદિરને શરણે જવા માટે જોનને ઉપદેશકે પાછી સમજાવી, અને તેને મુંઝવી મુંઝવી તદ્દન અશક્ત કરી નાખી.

જ્યારે તેના મિત્રો ઉપર દોષ મૂકવામાં આવ્યો ત્યારે તે બોલી: “જે કર્યું છે તે મેં કર્યું છે; એમાં કોઈનો વાંક નથી. હુંજ સઘળાં કામો માટે જવાબદાર છું.”

દરમિયાન ન્યાયાધીશો પરસ્પર યુક્તિઓ ઘડતા હતા, પણ હવે લોકો અધીરા થવા લાગ્યા. ઉભા રહેવાથી અને સખ્ત તાપથી તેઓ કંટાળી ગયા હતા. હવે કામ બને તેટલી ઉતાવળથી ઉકેલવાની આવશ્યકતા હતી. છેવટે એક ન્યાયાધીશને જોન પાસે મોકલવામાં આવ્યો. તેણે જોનને કહ્યું:–

“તારે તારો બચાવ ખેંચી લેવો છે ?”

“શું?”

“તારો દાવો ખોટો છે, એમ તું કહે છે ?”

"શું?”

જોને સાંભળતી નહોતી. તેની ઇંદ્રિયો થાકથી સૂઈ ગઈ હતી. તેણે સાંભળવા પ્રયત્ન કર્યો, પણ આખા વાક્યનો તે અર્થ સમજી શકી નહિ. દુઃખથી–મુંઝવણથી–ગભરાટથી તે ચીસ પાડી ઉઠી–

“ગમે તેમ હોય, તોપણ મારો ન્યાય હું સૃષ્ટિના સનાતન ધર્મને સોંપું છું.”

એવામાં અવાજ આવ્યો:–

“તારે તારો બચાવ પાછો ખેંચી લેવો પડશે, નહિ તો તને બાળી નાખવામાં આવશે. આ તું નક્કી જાણજે.”

જોને આ ભયંકર શબ્દો સાંભળી ઊંચું જોયું. તેણે પહેલી જ વાર ધગધગતી ચિતા જોઈ, તેનો શ્વાસ ઉંચે ચઢવા લાગ્યો, શરીર લથડીઆં ખાવા લાગ્યું, ચિતાને અને લોકોને જાણે તે સ્વપ્નામાં જોતી હાય, એવા આશ્ચર્યથી કંઈ પણ વિચાર વિના શૂન્ય વૃત્તિથી જોવા લાગી.

થોડીક વારમાં પાદરીઓનું એક ટોળું તેને સમજાવવા લાગ્યું. લોકોમાં ચારે તરફ ઉશ્કેરણી ફેલાઈ.

“સહી કર, અમે કહીએ છીએ એમ કર. ખાલી મફતની શું કામ બળી મરે છે ?” જોનને કાને વિનતિ અને આજીજીના અવાજ આવ્યા, અને એવામાં એક બીજો અવાજ આવ્યો. કોશન જોનને થવાની શિક્ષા વાંચવાની તૈયારીમાં હતો.

જોનની શક્તિ ગુમ થઈ ગઈ. ગભરાટથી તે આમતેમ જોવા લાગી. પછી ઘુંટણ ઉપર બેસી માથું નીચે ઝુકાવીને તે બોલીઃ “તમે કહો તેમ હું કરું છું.”

જ્યારે એક પાદરી સંમતિપત્ર વાંચતો હતો, ત્યારે જોન તેના શબ્દોનો ફરી ફરી ઉચ્ચાર કરતી હસતી હતી. તેનો આત્મા અન્ય ભૂમિમાં ભમતો હતો.

પછી પેલો નાનો કાગળ દૂર કરી તેને બદલે અસંખ્ય પાનાંનો પોથો ત્યાં સેરવી દેવામાં આવ્યો. જોને કહ્યું કે, મને લખતાં આવડતું નથી, તેથી એક જણાએ તેનો હાથ ઝાલી “જીની” એવા ઘુંટરડા કર્યા.

ધારેલું કાર્ય પરિપૂર્ણ થયું; જોને સહી કરી હતી ? શેના ઉપર ? પોતે તે જાણતી નહોતી, પણ બીજા તે જાણતા હતા. પોતે ડાકણ છે, જાદુગરણ છે, પિશાચો સાથે વ્યવહાર રાખે છે, ખોટી છે, ધૂતારી છે, પ્રભુને નિંદનારી છે, લોહીની તરસી છે, અશાન્તિની ઉપાસક છે, ક્રૂર છે, ઘાતકી છે, સેતાન તરફથી આવેલી છે વગેરે વગેરે એ સહી કર્યાથી તેણે કબૂલ રાખ્યું હતું અને પુરુષનાં વસ્ત્ર ત્યજી દેવા વચન આપ્યું હતું. બીજા અગણિત વચન દીધાં હતાં, પણ આ એકજ તેના વિનાશ માટે સંપૂર્ણ હતું.

પછી કોશને પત્ર વાંચી તેને ધર્મમાં લીધી, અને પૂજાપાઠના હક્ક આપ્યા. જોને આ સાંભળ્યું. તેને કેટલો આનંદ થયો હશે ! પણ નહિ; હું છેતરાયો હતો. જોનને જે હક્ક આપ્યા હતા, તે તુરતજ છીનવી લેવામાં આવ્યા. કોશને લેશ પણ દયા વિના આ પ્રાણઘાતક શબ્દો ઉચ્ચાર્યા:–

“હવે તું તારા ગુન્હાઓનું પ્રાયશ્ચિત્ત કરે, તેને માટે હું તને જીવન કેદની શિક્ષા કરૂં છું !”

જોનને કેદમાંથી છોડી મૂકવાનું અગાઉ સ્પષ્ટ વચન અપાયું હતું. “જીવન કેદ” જોને આ વાત સ્વપ્નમાં પણ ધારી નહોતી. જોન પાષાણવત્ થઈ ગઈ ! સ્તબ્ધ, શાન્ત તે ઉભી રહી; પૂતળું થઈ ગઈ ! તેણે આ સાંભળ્યું, એવામાં તેને કંઈક સાંભર્યું. તે બોલી:–

“તમે મને ધર્મમંદિરમાં દાખલ કરી છે, તો હવે તમારા કેદખાનામાં મને લઈ જાઓ.” સાંકળો ભેગી કરી તે ત્યાંથી ચાલવા મથી. તેની સાથે ત્યાં સ્ત્રીઓને રાખવામાં આવશે, એમ તે ધારતી હતી.

પણ કોશને હસીને મશ્કરી કરીને કહ્યું:–

“જ્યાંથી તે આવી, ત્યાં તેને પાછી લઈ જાઓ.”

ગરીબ બાળા ! આ દેખાવ બહુજ દયાજનક હતો. મૂંગી, નિઃશબ્દ તે ઉભી હતી. હા, તેને છેતરવામાં આવી હતી. હવે તેને બધી ખબર પડી.

જીગર તૂટી ગયું હોય, તેમ મોં આગળ હાથ રાખી ઝારઝાર રોતી રોતી અફળાતી અફળાતી તે ચાલી.

આવી સ્થિતિમાં જોન ઑફ આર્કને ઘસડી જવામાં આવી.

(૧૨)

અમને એમ લાગ્યું કે, છેવટે જોન મૃત્યુના પંઝામાંથી છટકી ગઈ હતી. લોકો નિરાશ થઈ કોશનને ગાળો ભાંડવા લાગ્યાં, અને મારી પણ નાખત.

પણ નહિ, ત્યારે હું નાનો હતો, ઘણો નાનો હતો.

કોશને શું જોનને શાંતિમાં રહેવા દીધી ? નહિ. તુરતજ તે જોનની પછવાડે સીધો ગયો. જઈને તેણે જોનને કહ્યું કે, તેં સ્ત્રીનો પોશાક પહેરવાનું વચન આપ્યું છે, તેથી આ વસ્ત્ર કાઢી નાખ. શું જોન આ સાંભળતી હતી ? નહિ. ઉજાગરા અને બગાસાંની પીડાથી તે બેશુદ્ધ જેવી થઈ ગઈ હતી. તેની ઇંદ્રિયો સચેત નહોતી. તેને પોતાના અંગ ઉપર કાબુ નહોતો. અજાણપણે તેણે કોશને આપેલાં વસ્ત્ર પહેરી લીધાં.

કોશનને હવે સંતોષ વળ્યો. તે ગયો. જોને સ્ત્રીનો પોશાક પહેર્યો હતો. વળી આ બાબત તેણે સાક્ષીઓ રાખ્યા હતા. આથી વધારે શેની જરૂર હતી ?

જોનના ઉપર હવે વધુ જાપ્તો રાખવામાં આવ્યો.

રવિવારનું સવાર આવ્યું; હું પથારીમાં પડ્યો પડ્યો વિચાર કરતો હતો. કંઇ પણ કુમક આવી પહોંચશે એવી હજી મને આશા હતી.

અફીણ, દારૂ, ગાંજો વગેરેથી નશો આવે છે, તેમ વિચારથી પણ નશો આવે છે. ઘણી વાર હું પડ્યો રહ્યો. એવામાં એક બુલંદ અવાજ રસ્તા ઉપર કિલબિલાટ કરતા લોકોમાંથી મારે કાને પડ્યો.

“જોન ઑફ આર્ક ફરી ગઈ છે ! વખત આવી પહોંચ્યો છે!” એટલે શું ? મારું હૃદય થંભી ગયું.

આ ઇતિહાસ લખું છું તે બનાવને ત્રેસઠ વર્ષ ચાલી ગયાં છે. પણ હજી આ અવાજના ભણકારા મારા ભીતરમાં વાગ્યા કરે છે. પ્રભુએ મનુષ્યની બનાવટ કેવી કરી છે ! સુખનાં બધાં સંભારણાં ચાલ્યાં જાય છે અને દુ:ખનાં સંભારણાં કાયમ રહે છે.

ધીમે ધીમે અવાજો વધ્યા. જાણે દુનિયા જ તેથી ભરી હોયને ! મે તપાસ કરી. વાત સાચી હતી. જોન વળી પાછી ફરી ગઈ હતી. તેણે પહેરેલો સ્ત્રીનો પોશાક પડતો મૂકી પાછા પુરુષનો પોશાક પહેર્યો હતો.

જોને કોઈ ઉપર આરોપ ન મૂક્યો. આરોપ મૂકવાનો તેનો સ્વભાવજ નહોતો. જોનને ખબર હતી કે, આ સઘળા છળકપટનો કર્તા કોશનજ છે. જોને પુરુષનો પોશાક પાછો રાજીખુશીથી પહેર્યો નહોતો. જોન જ્યારે રાત્રે ઊંઘી ગઈ હતી, ત્યારે તેના એક પહેરેગીરે તેનો સ્ત્રીનો પહેરવેશ ચોરી લઈ તેને બદલે પુરુષનો પહેરવેશ કોશનની શીખવણીથી મૂકી દીધો હતો. જ્યારે તે જાગી, ત્યારે પોતાનાં અસલ વસ્ત્રની માગણી કરી, પણ તેને તે આપવામાં આવ્યાં જ નહિ. પછી આ પહેર્યા વગર છૂટકોજ નહોતો.

જોનને લાગ્યું કે, હું આવા જુલમ અને પ્રપંચ સામે ટકી શકીશ નહિ; અને તેથીજ તેણે તે પોશાક પહેર્યો હતો. તે હવે જીંદગીથી કંટાળી ગઈ હતી.

કોશનને પૂરો વિજય મળ્યો. જોનને નિરાધાર સ્થિતિમાં જોઈને આ રાક્ષસ આનંદના ઘુંટડા ભરતો હતો.

એક ન્યાયાધીશે જોનને પૂછયું:–

“પાછાં વસ્ત્ર તેં શું કામ બદલ્યાં ?”

જોને શાંતિથી કહ્યું:–

“વસ્ત્ર ન બદલવા મેં સોગંદ ખાધા હોય, એમ મને સાંભરતું નથી; અને ખાધા હોય તો મારી એવી ઈચ્છા નહોતી. પણ મને તેમ કરવાનો અધિકાર છે, કારણ કે મને જે વચન અપાયાં છે તે પળાયાં નથી.”

“એ ગમે તેમ હોય, પણ તેં પુરુષનો પોશાક ત્યજી દેવા વચન આપ્યું છે.”

જોને તે ક્રૂર પુરુષ તરફ જોઈ કહ્યું:– “આ કરતાં તો મરવું ભલું. મેં કદાચ કંઇ કબૂલ કર્યું હોય તો તે અગ્નિના ભયથી કબૂલ કર્યું હશે.”

જોન હવે શુદ્ધિમાં હતી, હજી તે થાકી નહોતી. તેની હિંમત અને સત્યનિષ્ઠા પુનઃ પ્રકટી નીકળ્યાં હતાં. તે હવે નિર્ભયતાથી અને ગંભીરતાથી બોલતી હતી. કારણ કે તેને ખબર હતી કે, આમ કરવાથી મૃત્યુ વહેલું આવશે અને મૃત્યુ વહેલું આવે એમ વધારે સારું હતું.

જોનનો ઉત્તર તદ્દન સત્ય હતો. હું રોમાંચ અનુભવતો હતો. જ્યારે તે બોલતી હતી, ત્યારે મને લાગ્યું કે તે પોતાનેજ મૃત્યુની શિક્ષા કરતી હતી.

“મેં ચિતા ઉપર જે જે કબૂલ કર્યું હતું, તે સર્વ મારી મરજી- વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ છે. મને એ કબૂલ કરવાની જરા પણ ઈચ્છા નહોતી. મને હવે આ સઘળાનું પ્રાયશ્ચિત્ત કરવા ધ્યો, મને મરવા ધ્યો. હવે મારાથી કેદખાનાની પીડા સહન થતી નથી.”

આ શબ્દ સાંભળવા ખરેખર દયાજનક હતા. જોનનો સ્વતંત્ર આત્મા પરતંત્ર દેહથી છૂટવા માગતો હતો. કેટલાક ન્યાયાધીશો ગંભીર હતા. કેટલાક શોકગ્રસ્ત હતા. પાષાણ હૃદયનો કોશન હસતાં હસતાં બોલ્યો:–

“હવે સુખમાં રહો. તે ખલાસજ થઈ ગઈ, એમ સમજજો !”

અનાથ ગરીબ બાળાને મારવામાં તારી શું વીરતા ? ઓ ક્રૂર કોશન !

××××

બીજે દિવસે બુધવારે સવારે જોનને મૃત્યુ માટે તૈયાર કરવા એક પાદરી મોકલવામાં આવ્યા. આ વખતે જોનનો ચહેરો શોકાતુર હતો. તે વિચાર કરતી હતી.

શું તે પોતાના વતન માટે વિચાર કરતી હતી? પોતાની બાલ્યાવસ્થા માટે ? પોતાનાં માબાપ માટે ? પોતાને થયેલા ગેરઈન્સાફ માટે ? કે કેવી રીતે તેનું મૃત્યુ થશે તેને માટે ?

અમે થોડીક વાર છેટે ઉભા રહ્યા. તેણે હજી અમને જોયા નહોતા–એટલી તે વિચારમગ્ન હતી, થોડીક વાર પછી પાદરીએ ધીમેથી કહ્યું:–

“જોન!”

તેણે ઉંચે જોઈ હાસ્ય કર્યું. હાસ્ય ફિક્કુ હતું. તે બોલી:–

“બોલો, શું સંદેશો લાવ્યા છો?”

“મારા શબ્દો તમે સહન કરી શકશો?”

માથું નીચે નમાવી જોને કહ્યું: “હા.”

“હું તમને મૃત્યુ માટે તૈયાર કરવા આવ્યો છું.”

જોનના નિર્બળ અંગમાં ધ્રુજારી છૂટી. બધું સ્તબ્ધ હતું.

થોડી વાર પછી જોને ધીમેથી કહ્યું:–

“મારૂં મોત ક્યારે છે ?”

“હમણાંજ.”

ફરીથી જોનનાં રૂંવાડાં ઉભાં થયાં.

“અહા ! એટલું વહેલું મારું મોત છે ? !”

લાંબો વખત શાંતિ પ્રસરી. ઘંટ દૂરથી ફરી સંભળાયો. અમે ત્યાં ધ્યાન આપતાં બેઠાં હતાં. છેવટે જોને શાંતિ ભાંગીઃ–

“કેવી રીતે મારૂં મોત થવાનું છે ?”

“અગ્નિથી.”

ચિત્તભ્રમની માફક તે એકદમ ઉભી થઈ, માથાના વાળ ખેંચવા લાગી અને ખેંચતાં ખેંચતાં રડવા લાગી. અરે ! કેવો દયાજનક તેનો સ્વર હતો ! અમારાં મોં સામે તે વારે ઘડીએ જોયા કરતી હતી–જાણે અમે તેને કંઇક આશ્વાસન આપીએ. રણસંગ્રામમાં પણ તે દયા દર્શાવ્યા વિના રહી નહોતી. હવે તે બીજા તરફથી દયા ઈચ્છતી હતી. રોતી રોતી તે બોલી:–

“હા ! હા ! તેની મને આગળથીજ ખબર હતી. અરે ! મારી સાથે આવું ક્રૂર વર્તન ! કેટલું ઘાતકીપણું ! મારું આ શરીર બળીને ખાક થશે ? મારું માથું સાત વાર કાપી નાખ્યું હોત, તો પણ તે આવા ક્રૂર મૃત્યુ કરતાં બહેતર હતું. મને અપાયેલાં બધાં વચનનો ભંગ કરવામાં આવ્યો છે. મને અન્યાય થયો છે. ન્યાય ચૂકવવા હું પ્રભુને વીનવું છું ! પ્રભુ ! પ્રભુ !” અમે આ શબ્દો સાંભળી ન શક્યા. કારણ કે અમારા કાનો જડ બની ગયા હતા. અમારી આંખો આંસુથી ભરપૂર હતી. અમે અમારાં મોં ફેરવી ગયા. હું ઉભો થયો. તેણે મને ઓળખ્યો. હું ઉભો થયો તેનું પરિણામ શું આવશે, તે તેણે જાણી લીધું; તે કોઈ ન સાંભળે તેમ મારા કાનમાં બોલી: “ઉછાંછળો થઈ તારા જીવને તું જોખમમાં નાખ નહિ. પરમેશ્વર તને સુખી રાખે !” તેણે આમ કહી મારા હાથને પોતાનો હાથ અડાડ્યો. જોન સૌથી છેલ્લે કોઈને અડકી હોય, તો તે મનેજ અડકી હતી. કોઈએ આ જોયું નહિ. ઈતિહાસ આ વાત જાણતો નથી; પણ હું તમને જે કહું છું, તે સાચુંજ છે.

એટલામાં દૂરથી કોશન આવતો દેખાયો. જોને તેની પાસે જઈ કહ્યું:–

“બીશપ ! તમારા પ્રપંચને લીધેજ હું મરું છું;–”

કોશને તે હસી કાઢ્યું.

“અને આ અન્યાય માટે હું તમને પરમેશ્વર આગળ જવાબદાર ગણું !”

કોશનને આ વાક્ય પસંદ ન આવ્યાં, તે મોં ફેરવી ડંખતાદિલે શોકમાં ચાલ્યો ગયો.

જોન થોડીક વાર વિચાર કરતી ઉભી રહી. પછી તે શાન્ત પડી આંખો લૂછવા લાગી. રોવાને બદલે હવે તે ડૂસકાંજ ભરતી હતી. ધીમે ધીમે તેનું હૃદય શાન્ત પડ્યું. પાદરી સામે જોઇ તે બોલીઃ–

“આજે રાત્રે હું ક્યાં હોઈશ ?””

“તમને પરમેશ્વરમાં શ્રદ્ધા નથી ?”

“હા છે; તેની કૃપાથી હું સ્વર્ગમાં બિરાજીશ.”

પછી જોનને પાઠપૂજાની વિધિ કરાવવામાં આવી.

હવે જોનના હૃદયમાંથી બળી મરવાનો ભય જતો રહ્યો. ફરીથી અંતકાળ સુધી તે ભય દેખાયોજ નહિ. માત્ર એક પળ સિવાય અને તે પળ પણ વહી ગઈ.

જોન હવે દૃઢ હતી.

નવ વાગે ફ્રાન્સને સ્વતંત્ર કરનાર, ઓર્લિયન્સની નિર્દોષ યુવાન કુમારિકા, પોતાના સ્વદેશ માટે પોતાની જીંદગીની આહુતિ આપવા ચાલી. તેને ગુન્હેગારની ગાડીમાં બેસાડવામાં આવી.

જોને સફેદ જભ્ભો પહેર્યો હતો. સાધુના જેવી તે પવિત્ર લાગતી હતી. તેનું વદન ઘણું જ સુંદર અને કાંતિમાન હતું. કેદખાનામાંથી તેને બહાર લાવવામાં આવી કે તેના ગાલોને ભગવાન સૂર્યનારાયણના તેજે રંગી દીધા. લોકો તેના લાલિત્યથી છક થઇ પગે લાગવા લાગ્યા. તે ગેબી સ્વપ્નામાં છે, એવું તેઓને લાગ્યું. સ્ત્રીઓ રડતી હતી. સૌ જોન માટે પ્રાર્થના કરતાં હતાં. આ પ્રાર્થનાથી જોનને દિલાસો મળવા લાગ્યો.

“પરમેશ્વર ! એના ઉપર દયા કરો !” ગંભીર અવાજ ઉઠ્યો. આ સાચુંજ છે. એક ઇતિહાસકાર લખે છે કે:–

“જે લોકો ગરીબ હતાં, તેઓની પાસે જોનને આપવા પ્રાર્થના સિવાય બીજું કંઈ પણ હતું નહિ; પણ આ પ્રાર્થના નિરર્થક નહોતી. લોકો રડતાં હતાં. મીણબત્તીઓ સળગાવી પગે લાગી તેઓ પ્રાર્થના કરતાં હતાં. આ લોકોની બે હાર વરચે જોન ચાલી જતી હતી. આ દયાજનક બનાવ ક્યાંકજ મળી આવશે. ”

આખે માર્ગે આમ ને આમ ચાલ્યું. હજારો-લાખો ઘુંટણીએ પડી પગે લાગતા. ઝીણી પીળી મીણબત્તીઓ મેદાન ઉપર ખીલતાં ફૂલ જેવી લાગતી હતી.

એક મોટા ચોગાનમાં એ ને એ બે માંચડા અને ચિતા ગોઠવવામાં આવ્યાં હતાં. પહેલા ઉપર જોન અને તેના ન્યાયાધીશ હતા, બીજા ઉપર મુખ્ય મુખ્ય હોદ્દેદારો હતા. આખું મેદાન લોકોથી ભરચક હતું. માળા ઉપરની બારીઓ અને માળા ઉપરનાં બારણાં પણ લોકાની ઠઠથી ભરપૂર હતાં.

જ્યારે સઘળી તૈયારીઓ થઈ રહી, ત્યારે ઘોંઘાટ ધીમે ધીમે શાન્ત પડવા લાગ્યા. મનોવેધક ગંભીરતા ફેલાઈ.

સૌ દેખી શકે, એવા ઉચ્ચ સ્થાને જોનને લાવવામાં આવી. તેને છૂટી બેસાડવામાં આવી. એનો અર્થ એવો હતો કે, ધર્મ- મંદિરે તેને ત્યજી હતી. એકાન્તમાં બેઠી બેઠી દેહાંતની તે રાહ જોતી હતી.

એવું એક પણ હૈયું નહોતું કે જેના ઉપર આ દેખાવની અસર ન થાય. અસંખ્ય આંખો આંસુથી ભરપૂર હતી. અસંખ્ય હૈયાં પીગળતાં હતાં, આ હૈયાં પથ્થરનાં હતાં, તોપણ તે મનુષ્યનાં હતાં.

ન્યાયાધીશ પણ શિક્ષાપત્ર વાંચી ન શક્યો. માત્ર તે આજ શબ્દ બોલ્યો “તેને પકડો.” પછી ચિતા પ્રગટાવનારને કહ્યું: “તારી ફરજ બજાવ.” એક સિપાઈએ લાકડીના ટુકડા કરી તેનો ક્રોસ જેવો આકાર બાંધીને કર્યો, અને આ ક્રોસ જોનને આપ્યો. જોને આ ક્રોસ ચૂમી પોતાની છાતી સરસો ચાંપ્યો. પછી પાસેના મંદિરમાંથી એક ક્રોસ લાવવામાં આવ્યો. આ ક્રોસને પણ તેણે ચુંબન કરી આહ્‌લાદથી હૈયે ચાંપ્યો અને તેને ફરી ફરીને ચૂમી લઈને રોતી રોતી ઈશ્વર તથા તેના ભક્તોનાં વખાણ કરવા લાગી. આમ ક્રોસને હોઠ પાસે લાવી રડતી રડતી તે ચિતાનાં પગથીઆં ચઢી. ચિતા પ્રગટાવનાર પણ ચઢયો. તેના કોમળ શરીરની આસપાસ સાંકળો વિંટી દઈ તેને જકડી લેવામાં આવ્યું અને પછી ચિતા ઉપર તેને એકલી મૂકી ચિતા પ્રકટાવનાર નીચે ઉતર્યો. અફસોસ ! જેના લાખો મિત્ર હતા તે આજે એકલીજ હતી !

મારી આંખ આંસુથી ઝાંખી થઈ ગઈ હતી તો પણ આ મેં જોયું. મારી આંખની કીકીઓ હજી સાક્ષી પૂરે છે કે, છેલ્લે સુધી જોન ઑફ આર્કના અંગનું લાલિત્ય ઝંખવાયું નહોતું.

જોન આ વખતે પોતાના અને પેાતાના દુ:ખનો વિચાર કરતી નહોતી; પણ પોતાની પાછળ બીજાનું શુ થશે, તેને માટે તે શોચતી હતી. ચિતા ઉપરથી તે સુંદર શહેરના મિનારા જોઈને બોલીઃ–

“રાઉન ! રાઉન ! હું મરું છું. હવે તો તારા ઉદરમાંજ કબર થશે ! ! રાઉન ! રાઉન ! મને ભય રહે છે કે, નિરપરાધીના જીવ લેવા માટે તારાં બાલુડાંને મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે !”

એક ધૂમાડાનો ગોટો જોનના મોં પાસે થઇને ચાલ્યો ગયો. જોન પાણી ! પાણી ! કરવા લાગી; પણ બીજી જ પળે તેનો તે ભય જતો રહ્યો. હવે તે શાંતિથી ત્યાં ઉભી.

પેાતાની નીચે બળતા અગ્નિનો સૂસવાટ તેણે સાંભળ્યો. તેની નજર ક્રોસ ઉપર હતી. પછી તે કાળો ધૂમાડો અગ્નિની રાતી જ્વાળા પ્રકટાવતો જોનની આસપાસ વિંટાવા લાગ્યો અને તેને પોતાના વિશાળ ઉદરની અંદર છુપાવી વધારે ને વધારે પ્રચંડ થતો ગયો. ચિતામાંથી હજી જોનની પ્રાર્થનાનો મધુર અને સ્વચ્છ સ્વર સંભળાતો હતો. એક પવનના ઝપાટાએ જ્વાળાને બીજી બાજુ ફેરવી દીધી, અને તેમાં જોનના હાલતા હોઠ ઝાંખા ઝાંખા જોવામાં આવ્યા ! છેલ્લે એક મોટી જ્વાળા ઉછળી આવી અને તે વદનકમળ તેમાં લુપ્ત થઈ જઈને ફરીથી તેને કોઈ જોવા પામ્યું નહિ !

આહા ! હવે તે અમારાથી છૂટી પડી લાંબી મુસાફરીએ નીકળી પડી હતી ! જોન ઑફ આર્ક ! કેટલા નાનકડા નાજુક આ શબ્દો છે ! પણ તે પવિત્ર નામાભિધાનની અધિકારી વ્યક્તિ આ વિચિત્ર જગત ઉપરથી ચાલી ગઈ છે !

સમાપ્ત