મહાન સાધ્વીઓ/સાધ્વી બહેન દોરા
← કરોલીન હર્શેલ | મહાન સાધ્વીઓ સાધ્વી બહેન દોરા શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
વીર સાધ્વી જોન ઑફ આર્ક → |
२ — साध्वी बहेन दोरा
૧ – બાલ્યાવસ્થા (૧૮૩૨ – ૧૮૫૨)
દોરા વિંડલો પાટીસનનો જન્મ ઈંગ્લઁડના યોર્કશાયર પ્રગણાના હક્ષોયેલ ગામમાં ઈ. સ. ૧૮૩૨ ના જાન્યુઆરી માસની ૧૪મી તારીખે થયો હતો. તેના પિતાનું નામ માર્ક પાટિસન હતું, જે ઘણા કાળસુધી હક્ષોયેલ ગામમાં પાદરીનું કામ કરતો હતો. તેનાં દશ છોકરી ને બે છોકરામાંથી દોરા દશમું ફરજંદ હોઇ પોતાની માતાની પેઠે ઘણી ખૂબસુરત તથા પિતાની પેઠે મજબૂત બાંધાની હતી.
હક્ષોયેલ ગામ ઘણું નાનું અને નાના સરખા પર્વતની પાસે હતું. પર્વતની એક બાજુએ પાણીનું નાળું અને પાણીવાળી જમીન હતાં. એ ગામમાં બસો ત્રણસો માણસો રહેતાં હતાં. માર્ક પાટિસનનું ઘર એક નાના સ્વરછ આશ્રમના જેવું હતું. ઘરથી દેવળ અર્ધો કોશ દૂર હતું. તે જગ્યા ચારે બાજુએથી ઝાડપાનથી ઘેરાયલી હતી. એ ઠેકાણે નગરની ગરબડ નહોતી. ચારે બાજુએ શાંતિ હતી. વરસાદથી નાળાં ભરાઈ જઇ પર્વતમાંથી ચારે બાજુએ પાણીના મોટા ધોધ વહેતા ત્યારે દેખાવ ઘણો ગંભીર અને ભયંકર થઈ રહેતા. આવી ગંભીર જગ્યામાં દોરા ઉછરેલી હોવાથી તેનામાં બાળપણથીજ ગંભીરતાનો સંચાર થયો હતો.
દોરા બચપણમાં ઘણી માંદી રહેતી. તેની માટી બહેનોએ બહુ ખંતથી તેની સેવાચાકરી ન કરી હોત તો તે ઉછરવા પામતજ નહિ. દોરાને તેનાં ભાઈબહેન પ્રાણથી પણ અધિક ચાહતાં. ઘણું કરીને મંદવાડમાં માણસ ક્રોધી અને ચીઢિયા સ્વભાવવાળું થઈ જઇ સહેજ પણ કસુર થતાં તેનો મીજાજ ઠેકાણે રહેતો નથી, પરંતુ દોરાની બાબતમાં આથી ઉલટુંજ હતું. વારંવાર મંદવાડના સપાટામાં આવવાથી એ શાંત અને સહનશીલ બની હતી. જાણે ભવિષ્યમાં સહનશીલતા માટેની કઠણ પરીક્ષા આપવા તૈયાર કરવાનેજ ઈશ્વરે કૃપા કરી તેને મંદવાડ મોકલ્યો હોયની ! દોરા આવી સહનશીલ હોવા છતાં બાળપણમાં તે ઘણી જ મસ્તીખોર હતી. તેનું શરીર સારૂં રહેતું ન હોવાથી તેનાં માબાપ રીતસર અભ્યાસ કરવા દેતાં નહોતાં, છતાં એની બુદ્ધિ એવી તો વિચક્ષણ હતી કે કોઈ વિષય સાંભળે કે તરત તે શીખી જતી હતી. નિયમિત કેળવણી નહિ મળવા છતાં પણ દરરોજના બનાવો ઉપરથી તે ઘણું શીખી શકતી.
દોરા બાળપણથીજ સર્વ વિષયનું તત્ત્વ શોધતાં શીખી હતી. જે જે જોતી અથવા સાંભળતી તે સર્વનું તે કારણ શોધતી અને જ્ઞાન મેળવી હૃદયમાં ભરી રાખતી. ગમે તેવો સારો કે નરસો વિષય હોય પણ તેનું કારણ જાણી તે વિષે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવાની તેને ટેવ હતી. કોઈ ને કોઈ વિષયમાં તેનું મન લાગેલુંજ રહેતું. તેની પ્રકૃતિ કોમળ છતાં તેનું મન ઘણું દૃઢ હતું. આપણે જોઈએ છીએ કે, નાના બાળકને કોઈ બાબતમાં હરકત પડે કે તરત તે રોઈ પડે છે. પરંતુ દોરાને અડચણ આવે તો તે રોતી નહોતી, પણ તેમાં ફતેહ મેળવવા મનમાં ને મનમાં વધારે દૃઢ પ્રતિજ્ઞા લેતી. એક રવિવારે તેની માતાએ તેને અને તેની બહેનને ગમતી ટોપી નહિ પહેરાવતાં દેવળમાં લઈ જવાની હઠ કરી. પસંદ પડતી ટોપી નહિ મળ્યાથી બેઉ બહેનોએ ઘણો અસંતોષ જણાવ્યો અને કહ્યું કે, આ ટોપી પહેરી અમે આવવાનાં નથી; છતાં કેાઇ રીતે માતાની આજ્ઞા ઉથાપી ન શકાવાથી લાચારીથી તે ટોપી પહેરવી પડી. આગળ જણાવ્યા પ્રમાણે જોકે દોરા સવભાવે શાંત હતી તો પણ બાળકનાં સ્વાભાવિક મસ્તીતોફાન તો તેનામાં હતાંજ. આથી કોઇ કોઇ વાર તે એવી હઠે ચઢતી કે ધારેલું કામ સિદ્ધ કરવા સર્વદા ઉપાય શેાધતીજ ફરતી. તે મુજબ તે માતાને કાયર કરવાની યુક્તિ શેાધ્યાં કરતી હતી. એક દહાડો પુષ્કળ વરસાદ પડતો હતો અને દોરાની મા ઘરમાં નહોતી. એ લાગ જોઈ દોરા એકદમ પોતાની બહેન પાસે દોડી જઈ બોલી ‘‘ચાલ બહેન ! આજે આપણે પેલી ટોપીઓ બગાડી દઈએ કે ફરી મા બળાત્કારે એવી ટોપી પહેરાવે નહિ.” બેઉ જણાં આમ મસલત કરી માથે ટોપી પહેરી બારીમાંથી ડોકિયું કરી બહાર વરસાદમાં જોવા લાગ્યાં. સારી પેઠે ટોપી ભીંજાઈ ગઈ કે તેમને પાછી પેટીમાં મૂકી દીધી. પરંતુ તેમની મા પણ કાંઈ કાચી નહોતી. તેના જાણવામાં આવ્યું ત્યારે એક રવિવાર તો શું પણ ત્યારપછીના ઘણા રવિવાર સુધી બેઉને એ સડેલી ટોપીએાજ પહેરાવી દેવળમાં લઈ જતી. દોરાનું શરીર સારું રહેતું ન હોવાથી સૌ તેનાપર માયા રાખતાં, પણ તેથી તેની મા નકામાં લાડ લડાવી દીકરીના ભવ બગાડવા માગતી નહોતી. દોરાની ૧૪ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી રોગીઓની સેવા તરફ્ પાટિસનની કન્યાઓનું ધ્યાન ખેંચાયું નહોતું, છતાં તેમની વૃત્તિ એક સુંદર કામમાં દોરાઈ હતી. દરિદ્રોને માટે તેઓના કોમળ અંત:કરણમાં પીડા થતી. સૌ કન્યાઓમાંથી ઘણુ કરીને બે બહેનો એકઠી થઈ કાંઈ ને કાંઈ ખાવાનું ટોપલી માં ભરીને ગામના ગરીએને ઘેર આપી આવતી. પાટિસનનું કુટુંબ ઘણા કાળથી પરોપકાર માટે પ્રખ્યાત હતું. પાટિસનની દીકરીએામાં પણ વત્તાઓછા પ્રમાણમાં આ સદ્ગુણ આવ્યો હતો. તેઓ દયાળુ હતી એટલુંજ નહિ પણ ધનવાન કે ગરીબ જે કોઈ એમને ત્યાં જતો તેને પ્રેમથી પોતાની સાથે ખવરાવી પીવરાવી સંતોષ આપતી. એમના ઘરમાં સુખની કે સુખની વસ્તુની ખોટ નહોતી. દોરા અને તેનાં ભાઈબહેન સર્વદા ગરીબોને પૈસા આપતાં. પોતે જૂનાં ફાટેલાં વસ્ત્રથી ચલાવી લઈ નવાં વેચાતાં લેવામાં જે પૈસા બચે તેમાંથી ગરીબોને જોઈતી ચીજ લાવી આપતાં. દુ:ખીને માટે તેમનાં અંતઃકરણ એટલાં તો પીડા પામતાં કે ભૂખ્યાને પોતાના મોંમાંનો કોળીઓ આપીને પોતે અનાહારે રહેવામાં તેમને ઘણોજ આનંદ થતો. અહા ! પરમાત્માએ માનવહૃદયમાં જે પ્રેમીબીજ વાવ્યું છે તે અતિ અલૌકિક છે.
હક્ષોયેલ દેવળમાં ગાવાનો ભાર દોરાએ લીધો હતો અને પોતાના મધુર સૂરથી ધર્મગીત ગાઈને તે સૌને આનંદ આપતી.
દોરાનું શરીર ધીમે ધીમે બળવાન થવા માંડયું ત્યારે તેણે ઘોડે બેસવાનો આરંભ કર્યો. રફતે રફતે તે એક બહાદુર ઘોડેસ્વાર થઈ પડી. હવે તે સ્વચ્છ હવામાં તથા ખુલ્લા મેદાનમાં જઈ ફરવા લાગી, શરીરની સુખાકારીને માફક આવે એવી કેટલીક કસરત કરવા લાગી અને થોડા જ વખતમાં તેનું શરીર બળવાન થયું.
દોરા હવે ગમે તે વિષય લઈને લોકોને હસાવવામાં શક્તિમાન થતી. તેના એક મિત્રે તે વેળાની હાલતને યાદ કરી કહ્યું છે કે, દોરાનુ હસવું જાણે હજી પણ મારા કાનમાં સંભળાય છે. પરંતુ આ સર્વની સાથે હવે તેને ભવિષ્યના જીવનનો વિચાર કરવાનો પ્રારંભ થયો. "હવે મારે સંસારમાં ક્યે રસ્તે ચાલવું ?” આ વિચાર દોરાના મનને મુંઝાવવા લાગ્યો. હવે જુવાનીની સાથે દોરાનું શરીર પુષ્ટ, કપાળ વિશાળ અને હાથપગ દૃઢ થયા. ટુંકામાં તે એક પરમ રૂપવતી સ્ત્રીતરીકે પ્રખ્યાત થઈ અને સુંદર સુમિષ્ટ સ્વભાવવડે સર્વાની પ્રશંસા તથા પ્રીતિ મેળવવા લાગી. તેનું બહારનું રૂપ જોઈને, તેની સાથે વાતચીત કરીને તથા તેની સહૃદયતા અને પરમાર્થ પર પ્રીતિ જોઈ સૌ તેનાં વખાણ કરતાં. ગરીબોના દુઃખનિવારણ માટે સ્વાર્થ ત્યાગ અને મહેનતથી પણ જે પારકાને સુખી ન કરી શકે તો તેનું ચિત્ત શાંત થતું નહોતું. દોરાએ આ સર્વ સદ્ગુણ એકત્ર કરી સંસારમાં પ્રવેશ કર્યો.
ર – સંસારપ્રવેશ (૧૮૬૧–૧૮૬૬)
વીસ વર્ષ પછી પણ દોરાને કામ નહિ સૂઝવાથી લાચારીથી બીજાં નવ વર્ષ તેણે પોતાના પિયરમાં જઇ હક્ષાયેલમાં ગાળ્યાં. તેથી ૨૦ થી ૨૯ વર્ષ સુધી તેના જીવનમાં કાંઇ નવીન બનાવ બન્યા નથી. આ લાંબા સમય સુધી દોરા ગામમાં રહી શારીરિક શ્રમમાં તથા રમતગમતમાં ગુજારવા લાગી; પણ હવે તે જીવનના માર્ગપર પગ મકવા ઘણી આતર થઈ. તેનું મન આવી અસ્થિર સ્થિતિમાં હતું તેવામાં એક દિવસે તેણે સાંભળ્યું કે, ક્રીમિયાની લડાઈના મેદાનમાં જખમી થયેલા સિપાઈઓની સેવાચાકરી કરવામાં કુમારી નાઇટિંગેલ જોડાઈ છે. આ ખબર સાંભળતાંજ દોરાનું નિર્ભય ચિત્ત સાહસથી ઉછળી રહ્યું. કુમારી નાઇટિંગેલના હાથ નીચે રહી જખમી થયેલા સિપાઇઓની ચાકરી કરવા તે તૈચાર થઈ. પિતાની આગળ તેણે આ મનસુબો જણાવ્યો; અને રજા આપે એ માટે નમ્રભાવે વિનંતિ કરી. પરંતુ દીર્ઘદર્શી પિતાએ પુત્રીનો આ સંકલ્પ છોડી દેવડાવ્યો. તેણે કહ્યું કે, ભયાનક લડાઇના મેદાનમાં જઇને જખમીઓની સેવા કરવાનું કામ એ બાબતનો અનુભવ તથા જ્ઞાન હોય તોજ થઈ શકે. દોરામાં એ કાંઇજ નહોતું. તેથી કાર્યક્ષેત્રમાં જઈને તું બીજી સ્ત્રીઓને મદદ આપવાને બદલે ઉલટી આપદાકારક થઈ પડવા સંભવ છે. બહેન ! એવું ભારે કામ માથે લેવાને હજી તારે વાર છે. તારી મરજી હશે તો ઘરમાં રહી પુષ્કળ સારાં કામ કરી શકાશે. પિતાના આ નકારનો જવાબ દોરા આપી શકી નહિ. મનમાં ને મનમાં તે ઘણો ક્લેશ પામવા લાગી. હાલમાં તેની મા હંમેશાં માંદી રહેતી. દોરા અને તેની બહેનો ખરા દિલથી તેની સેવા કરતી.
કેટલાક દિવસ પછી માતા ગુજરી જતાં દોરા ઘણી દુઃખી થઈ. પછી દોરા રેડકાર નગરમાં ફરવા ગઈ; ત્યાં તેને ભગિનીસંપ્રદાયની કેટલીક સ્ત્રીઓ સાથે ઓળખાણ થઈ. એ સ્ત્રીઓ ભગિનીસેવા વગેરે પરમાર્થકાર્યમાં લાગેલી હતી. ઇંગ્લઁડમાં જુદે જુદે ઠેકાણે એ પરોપકારનાં કામ કરતી ફરતી. સરળ સ્વભાવની દોરા તેમને જોઇ વિચારવા લાગી કે "ઓહો ! એઓ કેવું રૂડું કામ કરે છે ! દીન દુઃખીઓની સેવા કરવા જેવું જગતમાં બીજું કશું આનંદદાયક કામ છે ? રેડકાર નગરથી પાછા ફરતી વેળાએ દોરાના મનમાં આવા વિચારો આવવાથી દોરાને ઘરમાં ગોઠતું નહિ. દોરા આવા ઉદ્દેશ રાખી સંસારક્ષેત્રમાંથી નીકળી જાય એ તેના પિતાને ગમતું નહોતું; તેથી સાવધાનતાથી તે આ માર્ગમાં પડતી વિપત્તિઓ એક પછી એક સમજાવવા લાગ્યો; પરંતુ દૈવી ભાવથી પૂર્ણ થયેલી દોરાને વિપત્તિઓના ભયથી પોતાની ઉન્નત ભાવનાઓ પડી મૂકવાનું અને સંસારમાં પડી સર્વના જેવું સ્વાર્થી જીવન ગાળવાનું તેને ગમ્યું નહિ.
અંતે દોરાએ પોતાના ૨૯ મા વર્ષે એટલે સને ૧૮૬૨ માં પોતાના મહાન ઉદ્દેશને લઈને પિતાનું ઘર તજ્યું.પ્રથમ તે ભગિનીસંપ્રદાય સાથે ન જોડાતાં ઉલ્સ્ટન ગામની નિશાળમાં શિક્ષિકા તરીકે દાખલ થઇ. આ કામમાં તેને ઘણો થાડો પગાર મળતો હોવાથી તેના પિતા થોડા થોડા પૈસા મોકલતા રહેતા. ભોગવિલાસ અને આડંબરથી દૂર રહીને ગરીબાઈથી ગુજારો કરવામાં તે અસંતોષ ન માનતાં ઉલટુ ગૌરવ સમજતી. ઘણા સંતોષપૂર્વક તેણે ઉલ્સ્ટનમાં ત્રણ વર્ષ ગાળીને શિક્ષિકાનું કામ ઘણી બાહોશીથી બજાવીને સારૂ નામ મેળવ્યું. પોતે એક નાની સરખી ઝુંપડીમાં રહીને ઘરનું તમામ કામકાજ જાતેજ કરતી. હક્ષોયેલના લોકો તેનાપર જેવી પ્રીતિ રાખતા, તેમ અહીં પણ તેના શાંત સ્વભાવ અને સદ્ગુણથી લોકો મોહિત થઈ ગયા. ધીરે ધીરે હવે તેનામાં સદ્ગુણોના વિકાસ થવા લાગ્યો. દોરા જ્યારે વાત કહેતી ત્યારે લોકો ચકિત થઈ તેના મોં સામે જોઈ રહેતા. નાનાં બાળકો તો તેના સ્નેહથી બહુજ હળી ગયાં. બાળકો ભેગાં હોય ત્યારે જાણે કે તે તેમની જ આંખે જોતી હોય અને તેમનાજ કાને સાંભળતી હોય એમ લાગતું. સરળ હૃદયવાળી દોરા જ્યારે બાળક સાથે રમતી ત્યારે તે એક બાળક થઈ જતી. કોઈ વેળા બાળકની પેઠે ફૂદાકૂદ - અને દોડાદોડ કરી મૂકતી, કેાઈ વાર ગધેડાના કે એવા કેાઈ અવાજ સાંભળી છેાકરાંની સાથે આનંદથી તાળીઓ પાડતી અને કેાઈ વાર સુંદર ફૂલ જોઈ ઘેલીની પેઠે તેના તરફ દોડતી. ટુંકામાં ક્ષુદ્ર અને સામાન્ય વિષયમાં પણ તેનું હૃદય બાળક સાથે આનંદમાં ભાગ લેતું. નિશાળમાં દોરા બાળકોની શિક્ષક હતી, ઘરમાં સાથે રમનાર સખી હતી, અને રોગી અવસ્થામાં તેઓની દાસી હતી. દોરાની આવી યોગ્યતા જોઈને છોકરાંનાં માબાપ પણ તેને બહુજ ચાહતાં. દોરા પણ તેમની સાથે સદ્ભાવ રાખતી. .
દોરા પોતાની ઝુંપડીમાં એકલીજ રહેતી અને ચાકરનું કામ પણ હાથેજ કરતી. તેની આવી રહેણીકરણી જોઈ લોકો અજાયબ થતા. ઉલ્સ્ટનના ગરીબ રહેવાસીઓ તેને રાજકન્યા સમજતા. પડોશમાં એક બહુજ ભલો પુરુષ અને તેની સ્ત્રી રહેતાં હતાં. દોરાનાં રૂડાં આચરણથી તેના ઉપર તેઓ પુત્રીતુલ્ય પ્રેમ રાખતાં. તેમની પાસે કાંઈક દોલત હતી, પરંતુ પેટે પરિવાર ન હોવાથી પોતાની વારસ દોરાને કરવાની તેમની ઈચ્છા હતી. દોરા ઉલ્સ્ટનમાંથી ગયા પછી પણ દરવર્ષે આ ભલો પુરુષ તેને સો રૂપિયા મોકલતો અને લખતો કે “બહેન ! તમે આને દાનસ્વરૂપ નહિ ગણતાં ઈચ્છા પ્રમાણે ખર્ચ કરજો.” પરંતુ દોરા તેને રીતસર દાનતરીકે સ્વીકારી ગરીબોને મદદ કરવામાં ખર્ચી નાખતી. પેાતાની પેદાશમાંથી પણ ચાર આનાથી વધારે પૈસા પોતાને માટે નહિ ખર્ચતાં ગરીબોને આપી દેતી. દીન દુઃખીઓ માટે વધારે મહેનત કરવાથી દોરાનું શરીર પાછું ખરાબ થઈ ગયું. છતાં પણ પરોપકારમાં હજી પાતાનાં તનમન વધારે સારી રીતે વાપરી નહિ શકવાથી તેનું ચિત્ત સર્વદા અપ્રસન્ન રહેતું. વળી ભગિનીસંપ્રદાયનું વ્રત ગ્રહણ કરવાના વિચારમાં પણ તેનું મન ગુંચવાયેલું રહેતું.
દોરાનું શરીર વધારે બગડવા માંડયું; છતાં પણ તે કામ કરતી અટકી નહિ. આવી હાલતમાં પણ તે દિવસે સ્કૂલમાં ભણાવતી અને રાત્રે રોગીઓને ઘેર જઈ જાગરણ કરતિ, ઉલ્સ્ટનનો પાદરી પણ તેને આવા રૂડા કામમાં ઉત્સાહ આપ્યા કરતો. આથી તેણે વળી પાદરીનાં વચનોથી ઉત્તેજિત થઈને તંદુરસ્તીની દરકાર રાખવાનું છેકજ છોડી દીધું. આખરે વાત એટલે સુધી વધી કે દોરા બિછાનાપરથી ઉઠી ન શકે એવી અવસ્થામાં આવી પડી. શરીર એકદમ અશક્ત થઈ ગયું. ડોકટરે આવીને કહ્યું કે “રોગ ઘણો કઠણ છે. શરીરમાં સહેજ શક્તિ આવે એટલે થોડો વખત હવાફેર માટે બીજે સ્થળે જવું પડશે.” પછી જ્યારે તેનું શરીર આસ્તે આસ્તે સુધરતું ચાલ્યું, ત્યારે તંદુરસ્તીને માટે રેડકાર નામની જગા પર તેને પાણીફેર માટે મોકલી.
આગળ જણાવાયું છે કે, ભગિનીસંપ્રદાયની સ્ત્રીઓ સાથે રેડકારમાં દોરાને મુલાકાત થઈ ત્યારે તેમનું જીવન દોરાને ઘણું જ પસંદ પડ્યું હતું. હાલમાં પાછી જયારે દોરા રેડકારમાં આવી ત્યારે પાછા ફરીથી પૂર્વાના વિચારો એના મનમાં આવવા લાગ્યા. આ વેળા તેણે કોઈ પણ અડચણ વેઠીને આ સંપ્રદાય સાથે મળી જવા નકકી કર્યું. નિશાળનું કામ છોડી દીધું. ઉલ્સ્ટનમાં જઈ સગાંવહાલાંને મળી વિદાયગીરી લીધી અને ઈ. સ. ૧૮૬૪ની આખરે દોરા ભગિનીસંપ્રદાયમાં દાખલ થઈ. આ વખતે તેના પિતા કે કુટુંબનું કોઈ પણ તેની વિરુદ્ધ નહોતું.
ભગિનીસંપ્રદાયની સાથે દોરા ઘણી હળી ગઈ. ઉલ્સ્ટનનાં માણસો તથા છોકરાં જેમ એની સાથે હળી ગયાં હતાં તેમ અહીં પણ સૌ કોઇ એના સદ્ગુણપર ફીદા થઈ ગયા; પણ દોરાની વૃત્તિ હવે અન્ય બાજુએ દોરાઈ. તે હમેશાં સ્ત્રીઓના સહવાસમાં રહેવા ચાહતી નહતી. અને સ્પષ્ટ કહેતી કે, સ્ત્રીઓ જ્યાં સુધી માનસિક અને શારીરિક બળ મેળવશે નહિ, ત્યાંસુધી તેમનો સહવાસ મને ગમશે નહિ. તે માનવજીવનની કિંમત જાણતી એટલે પેાતાના જીવનની પણ કિંમત જાણતી હતી.
દોરા જેમ ઉંમરે વધતી ગઈ તેમ તેનામાં કૌતુક કરવાની તેમજ હસાવવાની ટેવ વધવા લાગી. આ વિષયમાં તેની શક્તિ એટલી બધી અસાધારણ હતી કે તે સૌને આશ્ચર્યકારક રીતે હસાવતી.
દોરાને ધર્મ ઉપર વિશ્વાસ નહોતો. ઈશ્વર ઉપરથી તેની ભક્તિ ઉઠી ગઈ હતી, કારણકે ધર્મશાસ્ત્ર હજીસુધી તેને દેવશાસ્ત્રરૂપે જણાયું નહોતું. આ અરસામાં વળી તેના બંધુઓ તથા અન્ય સગાંવહાલાં તેને સંસારધર્મમાં પ્રવેશ કરવા વીનવતા. દોરાના હૃદયમાં આ પણ એક ગંભીર સંગ્રામ ચાલતો હતો.
ભગિનીસંપ્રદાયમાં જોડાયા પછી દોરા ‘ભગિની દોરા'ના નામથી ઓળખાવા લાગી. આ સંપ્રદાયની સ્ત્રીઓને હંમેશાં સખ્ત પરિશ્રમ કરવો પડે છે. વળી પોતાની ઇચ્છા મુજબ કોઈ પણ કામ નહિ કરી શકાતાં મુખ્ય સ્ત્રીના હુકમ પ્રમાણે વર્તવું પડે છે. તે જે કહે તે ગુપચુપ કરવું અને ઉપરિવર્ગને ગુરુની પેઠે માનવો પડે છે. ટુંકામાં જે સ્ત્રીઓ ભગિનીસંપ્રદાયમાં જોડાવા ઇચ્છતી હોય તેમાં બે ગુણ તો ખાસ હોવા જ જોઈએ. એક તો ભૂખ અને ઉજાગરા વેઠી મહેનત કરવાની શક્તિ અને બીજુ ઉપરિવર્ગના હુકમમાં રહેવાની શક્તિ. તેથી સ્વતંત્ર પ્રકૃતિવાળી દોરાને હવે ઘણી સખ્ત કસોટી આવી. તેને બિછાનાં પાથરવાં પડતાં, ઓરડા સાફ રાખવા પડતા અને રાંધવું પણ પડતું. એક દિવસે દોરાએ બિછાનાં તૈયાર કરી રાખ્યાં હતાં. એવામાં મુખ્ય બાઈએ આવી કેટલોક ઠપકો દઈ વધારે સારી રીતે પથારી કરવાનો હુકમ આપી ગઈ. દોરાને સાદાઈ વધારે ગમતી હોવાથી ટાપટીપ કરવાનું તે જાણતી નહોતી. આથી ઉપરિઓનો ટાપટીપનો પ્રેમ જોઇને દોરા ઘણાજ દુઃખી હૃદયે ત્યાંનું કામ શીખવા લાગી. તેને મનગમતાં કામ કરવાનો લાગ જેવો ઉલ્સ્ટનમાં મળતો તે અહીં ન મળવાથી તે મનમાં ઘણી દુઃખી થવા લાગી. અંતે થોડાક દિવસ પછી તેને અર્મસ્બી રોગી આશ્રમમાં મેકલવામાં આવી. આ આશ્રમમાં વધારે રોગીઓ નહિ હોવાથી રોગીની બરાબર સેવા કરવાની તક મળેલી સમજીને દોરા ખુશ થઈ. અહીં તેને કેાઈ વાર એકલાં તો કોઈ વેળા બીજી ભગિની સાથે મળી કામ કરવું પડતું હતું. બર્મિંગહામ નગરથી ત્રણ કોશ ઉપર વાલ્સ્ટન નામની જગ્યામાં એક નાની હોસ્પિટલ સ્થપાઈ હતી. પહેલાં એ ઘણું રમણીય સ્થળ હતું. ચોતરફ સુંદર અરણ્ય હોઈ તેમાંથી નાના નાના પુષ્કળ ઝરાઓ વહેતા હતા, પણ હવે આ અરણ્યોનું આગવું સ્વાભાવિક સૌંદર્ય નાશ પામ્યું હતું. હવે તો હજારો માણસો ત્યાં રહેતા અને પુષ્કળ કોલસા અને લોઢું ખોદી કાઢતા, વાલ્સ્ટનમાં હવે ૩૫૦૦૦ માણસોની વસ્તી હતી. મજૂરોની હાલત ઘણી ખરાબ હતી. જમીનમાં છેક નીચે જઇને ઘોર અંધારી ખાણમાં એક એક બત્તીની મદદવડે ભીમબળથી હજારો મણ કોલસા અને લોખંડની માટી તેમને ખોદવી પડતી. હવા ઘણીજ થોડી અને તેમાં વળી અંધકાર એટલે દેખાવ એવો બિહામણા કે જેમણે કોલસાની ખાણ જોઈ ન હોય તેમના ખ્યાલમાં આ વાત આવી શકવી મુશ્કેલ છે. આટલેથીજ એમની પીડાનો અંત આવતો નહોતો. કોઈ કોઈ વાર ખાણના ઉપરનો ભાગ પડી જતો. વળી એક જાતનો ગેસ સળગી ઉઠતો અને ભયંકર આગ લાગતી ત્યારે પણ ઘણાં માણસેના જીવ જતા. વારંવાર કોઈના હાથપગ ભાગતા તે કોઈને માથે મોટા જખમ થતા. આવા મજૂરોને મદદ કરવા આ આશ્રમનો કારભાર ભગિનીસંપ્રદાયને સોંપવામાં આવ્યેા હતો અને તેથીજ ભગિની દોરાને ઈ. સ. ૧૮૬૫ ની શરૂઆતમાં, આ સંપ્રદાય તરફથી વાલ્સલમાં મોકલવામાં આવી.
પહેલવહેલાં એ આશ્ચમ બંધાયો ત્યારે ચાર રોગીને રહેવાલાયક બંદોબસ્ત કરવામાં આવ્યો, પરંતુ રોગીની સંખ્યા ધીરે ધીરે એટલી બધી વધવા લાગી કે એક વર્ષ પૂરું થતાંમાં ૧૪ રોગીને રહેવાલાયક બંદેબસ્ત કરવો પડયો. ભગિની મેરી નામની એક સ્ત્રી વિશેષ પરિશ્રમથી આ આશ્રમમાટે કામ કરવા લાગી. કેટલાક દિવસ પછી તે માંદી પડી તેથી તેને બીજી જગ્યાએ મોકલવામાં આવી અને તેની જગ્યાએ બીજી ભગિની આવી. આ વખતે ભગિની દોરાને અર્મસ્બી આશ્રમથી અહીં મોકલવામાં આવી. અહીં આવ્યા પછી દેારાને શીતળા નીકળ્યા, જેથી તેને એક ઓરડામાં અલગ રાખી. દોરાને આમ અલગ ઓરડામાં રાખવાથી થોડી આપદા પડી. પ્રોટેસ્ટંટ ધર્મસંપ્રદાયમાં ગપ ઉડી કે, એ ઓરડામાં તેણે મેરી માતાની મૂર્તિ રાખી છે. આથી અભણ અને ભણેલા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ ઘણાજ ગુસ્સે થઈ ગયા. હોસ્પિટલની બારીમાં લેાકો ઇંટો ને પથરા ફેંકવા લાગ્યા, આશ્રમમાં રહેનારા માણસોપર બીજા ઘણા જુલમો થવા માંડયા, પણ એટલામાં ભગિની દોરા રોગથી મુક્ત થઇ, જેથી સર્વ આપદાની શાંતિ થઇ.
આ જગતમાં દેવ અને અસુરનો સંગ્રામ સર્વંત્ર ચાલતો હોય છે. આવા પરમાર્થના કામપ્રત્યે પણ કેટલાક નરાધમ ધિક્કાર બતાવવા લાગ્યા. પરંતુ સાધુજનોની સહાયમાં ભગવાન પોતેજ હોય છે. વખત જતાં ભગિની દોરાના સરળ અને માયાળું આચરણથી શત્રુ પણ મિત્ર થયા અને દુષ્ટ માણસો પણ તેને ચાહવા લાગ્યા. એક વેળા વાલ્સલના મજુરોએ ચીઢાઈને સારા માણસોપર જુલમ કરવાનો આરંભ કર્યો. એ ગડબડમાં એક દિવસ સાંજે દોરા એકલી રસ્તે ચાલી જતી હતી. તેના પર તાકીને એક બાળકે પથ્થર ફેંક્યો. પથ્થરથી દોરાનું કપાળ ફૂટ્યું. આ બનાવને કેટલાક દિવસ વીત્યા પછી તેજ બાળક કોલસાની ખાણમાં કામ કરતો હતો તેવામાં ભયંકર જખમ થવાથી તેને હોસ્પિટલનો આશ્રય લેવો પડયો. બાળક હોરિપટલમાં આવતાંજ દોરાએ તેને ઓળખ્યો, પણ તે વેળા કાંઈ નહિ બોલતાં બીજા રોગીના કરતાં તેની ચાકરી વધારે યત્નથી તથા પ્રેમથી કરવા લાગી. ધીરે ધીરે જખમ રૂઝાવા માંડ્યો. એક દિવસ રાત્રે તે બાળક છાનોમાનો રડતો જણાયો. દોરાએ ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવવા માંડ્યો કે તરતજ તે રોતો રોતો બોલી ઉઠ્યો “ભગિનિ ! મેં જ આપના ઉપર પથ્થર ફેંક્યો હતો.” તે સાંભળી દોરા બોલી “તું શું એમ ધારતો હતો કે હું તને ઓળખતી જ નથી ? તને અહીં આવતાંજ મેં ઓળખ્યો હતો.” આ સાંભળી તે ઘણોજ અજાયબ થયો. તેણે ખરાબ આચરણ કરેલું જાણ્યા છતાં આટલા યત્ન અને સ્નેહ સાથે તે પોતાની સેવા કરે એ વિચાર એને સ્વપ્નામાં પણ આવ્યો નહોતો. તેથી દેરાએ અપકારને બદલે આટલો બધો ઉપકાર કરેલો જોઇ તે ઘણો ઓશિયાળો થઇ વધારે પ્રેમ બતાવવા લાગ્યો.
એ પછી દોરાને ભગિનીસંપ્રદાયના મુખ્ય સ્થાન રેડકારની પાસે કેઝાથામાં આવવાનો હુકમ થયો. આ વેળા દોરાની ઉંમર ૩૩ વર્ષની હતી. પરંતુ અનેક અનુભવો પછી તેનો સ્વભાવ હવે એવો થઈ ગયો હતો કે બીજી ભગિનીઓ જેવું શિષ્ટ અને શાંત રહેવું તેને માટે ઘણું અસંભવિત લાગતું. એક દિવસ ભગિની આશ્રમની સામે એક મોટું ખચ્ચર લાવવામાં આવ્યું હતું. એ ખચ્ચર દેખાવમાં એવું સુંદર હતું કે જોતાંજ ઉપર બેસવાની ઈચ્છા થાય. પરંતુ તે એવું તો હરામી હતું કે બેસનારને પીઠ-પરથી પાડ્યા વિના રહેતું નહિ. દોરા ઘણી હિંમતવાળી હતી. પેલું ખચ્ચર જોઇને તેના પર સવારી કરવાની તેને ઘણી ઈચ્છા થતાં ભગિનીનાજ પોશાકમાં દોડી જઈને તે ખચ્ચરની પીઠ પર સવાર થઈ. ખચ્ચરે ફૂદકા પર ફૂદકા મારી છેવટે દોરાને ફેંકી દીધી. દોરાને ઘણું વાગ્યું. દોરાની આ હિંમત જોઈ સૌ અજાયબ થયા.
આ બનાવ પછી થોડા દિવસમાં એક પ્રતિષ્ઠિત માણસે એક ગાંડી વૃદ્ધા સ્ત્રીની સેવા માટે એક ભગિનીને પોતાને ઘેર મોકલવા ભગિનીસંપ્રદાયના ઉપરિને લખ્યું. પહેલાં તેની આગળ જે જે ભગિનીને મોકલેલી તેમાંની એકેને તેણે પસંદ કરી નહિ. આખરે તે પોતે આશ્રમમાં આવ્યા. આશ્રમમાં ભગિનીઓ જ્યાં પોતાનું કામ કરતી હતી ત્યાં તે ગયો તો દોરાને ઘણા ઉત્સાહથી રસોઈ કરતી જોઈ. બધી ભગિનીઓમાંથી તેણે દોરાનેજ લાયક જાણી મોકલવા કહ્યું. આથી દોરાને તેની સાથે મોકલવામાં આવી.
એ રોગીનુ ઘર ભગિની આશ્રમની પાસે હતું. દોરા રાત્રે રોગીની પાસે રહેતી અને દિવસે પાછી આશ્રમમાં આવી સૂતી. આ પ્રમાણે રોગીની કેટલાક દિવસ ચાકરી કર્યા પછી તેની હાલત ધીમે ધીમે સુધરવા લાગી. દોરા વૃદ્ધ સ્ત્રીને સારી થતી જોઈ ઘણી ખુશ થઈ. તે હવે રોગીના સંબંધમાં થોડીક નિશ્ચિત થઈ હતી એટલામાં એકાએક એક રાત્રે ઘરનાં સૌ ઉંઘતાં હતાં ત્યારે વૃદ્ધ સ્ત્રીએ દોરાને ધીમે ધીમે કહ્યું કે “મારા પલંગ નીચે એક પેટી છે તે લાવ.” તરતજ દોરાએ પેટી પલંગ પર મૂકી. ડોશી ઉન્માદવશ હોવા છતાં પણ દોરાના કામકાજથી એટલી બધી ખુશ થઈ હતી કે પોતાની પેટી ઉઘાડી. તેમાં જે કિંમતી હીરાના અલંકાર હતા તે સર્વ તેને લેવાને કહ્યું. દોરાએ તે લેવા ના પાડી. તેથી ડોસી ગુસ્સે થઈ બોલી “તું આ ન લે તો હું તને મારી નાખીશ.” દોરા કોઇ પણ રીતે તે લેવાને રાજી થઇ નહિ. તે રાત્રિનો બનાવ આવી રીતે પૂરો થયો. ડોશીના મનનો નિશ્ચય હતો કે, દોરાને આ અલંકાર આપી સુખી કરવી. કોઇ રીતે આ નિશ્ચય ફરે એમ નહોતો. બીજી રાત્રે દોરાએ જોયું તો ડોશીને સ્થિર થઇને ઉંઘતી દીઠી તેથી કાંઈક નીરાંત વળી. બારી આગળ બેસી મધ્યરાત્રિના ગાંભીર્ય માં ડૂબીને તે નક્ષત્રના તેજથી પ્રકાશિત શાંત આકાશ તરફ જોતી હતી. એવામાં ડોશી આસ્તે આસ્તે ઉઠી જમણા હાથમાં એક મોટી છરી તથા ડાબા હાથમાં દોરાનું ગળું પકડીને વિકટ મૂર્તિની પેઠે તેના પર છરી ઉગામવા લાગી. દોરા તેથી નહિ ડરતાં ધીરજ અને શાંતિથી તેના મોં તરફ જોઈ રહી, દોરા એક પણ શબ્દ બોલી નહિ ત્યારે ડોશી બોલી કે “હું તને ભય પમાડી શકું છું કે નહિ તે જોતી હતી.” આટલું બોલી તેણે દોરાને છોડી દીધી અને છરી જ્યાંથી લીધી હતી ત્યાં મૂકી દીધી. ત્યારપછી દોરા સાથે કદી પણ ડોશીએ આવું આચરણ કર્યું નહોતું. ઉલટું તેના પર તે ઘણો સ્નેહ બતાવવા લાગી; પરંતુ કોઇ કોઇ વાર દોરાને ભેટ લેવાને હજી આગ્રહ કરતી હતી. અને જ્યારે દોરાએ જાણ્યું કે, ખરેખર ભેટ નહિ લીધાથી ડોશી દુઃખી થાય છે, અને લેવાથી બહુ ખુશ થશે ત્યારે તેના ચિત્તમાં શાંતિ લાવવા માટે એક રાત્રે તેણે તે ભેટ લીધી અને બીજે દિવસે સવારે ડોશી ન જાણે તેમ તેનાં સગાંવહાલાંને સર્વ વસ્તુઓ પાછી આપી દીધી.
એ પછી દોરાને પાછી વાલ્સલની હૉસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યારપછી વચમાં વચમાં તેને જૂદા જૂદા સ્થાનમાં કોઇ કોઇ રોગીની સેવા કરવાને જવું પડતું, પણ હવે તેને વાલ્સલની હૉસ્પિટલના રોગીની સેવા કરવાનો વધારે વખત મળ્યો. અત્યાર સુધી સઘળો કારભાર દોરાને આપવામાં નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે, દોરા હૉસ્પિટલના કામમાં જોઈએ તેટલી હોંશિયાર થઈ નહોતી. વળી વાલ્સલની હૉસ્પિટલનું કામ ધીમે ધીમે ઘણું જ ભારે થતું હતું તેથી દોરાના કરતાં વધારે જાણનારી એક વૃદ્ધ ભગિનીને હૉસ્પિટલનો સર્વ કારભાર સોંપવામાં આવ્યો અને દોરા તેની સહકારીતરીકે કામ કરવા લાગી. રોગીની સેવા કરવામાં રોગીની જૂદી જૂદી હાલતમાં જૂદી જૂદી વ્યવસ્થા કરવાની જરૂર જણાય તે વેળા એવી બાબતનું શિક્ષણ તથા અનુભવ જરૂરનાં છે. દોરાની આ બેમાં વિશેષ હોંશિયારી નહિ હોવા છતાં પણ તે પોતાની બુદ્ધિ અને ડહાપણથી એવું કામ કરવા લાગી કે, ડૉક્ટરો તેની કામ કરવાની ચતુરાઈ જોઈને ઘણો સંતોષ પામ્યા. કમિટિના સભાસદો તેને વાલ્સલની હૉસ્પિટલ છોડી બીજી જગ્યાએ જવા દેતા નહોતા. ડિસેમ્બર માસમાં ભગિનીસંપ્રદાયના ઉપરિ તરફથી દોરાને મિડલસબરમાં જવાનો હુકમ આવ્યો ત્યારે કમિટિના સભાસદો અને ડૉક્ટરોએ એકે અવાજે જવાબ દીધો કે, “ભગિની દોરાના વાલ્સલ છોડવાથી આખી હૉસ્પિટલમાં નુકસાન પહોંચશે.” આથી દોરાને બીજે ઠેકાણે મોકલવામાં આવી નહિ.
ડિસેમ્બરના અંતમાં ઇંગ્લઁડના દક્ષિણભાગમાં એક રોગીની સેવા કરવા જવા માટે દોરાને વળી હુકમ મળ્યો. ત્યાં એને થોડાજ દિવસ માટે મોકલવાની હતી. પરંતુ કમિટિના સભાસદોનો તથા ડૉક્ટરોના એનાપર એટલો બધો સદ્ભાવ થયો હતો કે એટલા થોડા દિવસ માટે પણ તેને છોડવાને તેઓ રાજી થયા નહિ. તેમણે લખી મોકલ્યું કે, અમે દોરાના જેવી યોગ્ય ભગિની ફરી મેળવી શકીશું નહિ; માટે એને અમે એક દિવસ પણ છોડી શકતા નથી. એ વિષયપર કોયાથામના ભગિની આશ્રમના ઉપરિ સાથે વાદવિવાદ થવા લાગ્યો, પણ તેના નિર્ણય આવવા પહેલાં ખબર મળી કે, દોરાનો બાપ ઘણો માંદો થઈ ગયો છે અને સારા થવાની આશા નથી. તેણે દોરાને મળવા બોલાવી હતી. દોરાએ તરતજ ભગિનીઆશ્રમના ઉ૫રિને તારથી ખબર આપી અને પોતાના પિતાને મળવા જવાની રજા માગી. અનુમતિ મળવાની આશામાં રાહ જોતી તે બેઠી હતી, પણ એવામાં જવાબ આવ્યો કે, તમે ઘેર જઇ શકશો નહિ, એક પળનો પણ વિલંબ કર્યા વિના એકદમ ડિવોનશાયરમાં જાઓ. ભગિની દોરાએ પોતેજ ચાહીને જે વ્રત લીધું તે હજારો વિપદ્ પડતાં પણ પાર પાડવું એવી એની ઈચ્છા હતી. પોતે સ્વીકારેલા ઉપરિઓની આજ્ઞાને માથે ચઢાવી તેને અનુસરવા લાગી. ડીવોનશાયરમાં પહોંચતાંજ ખબર મળી કે, પિતાનું મૃત્યુ થયું છે. ભગિનીસંપ્રદાયના ઉપરિઓએ આ સાંભળ્યું ત્યારે તેના પિતાની મરણક્રિયામાં જવાની તેને અનુમતિ આપી; પરંતુ દોરા એથી રાજી નહિ થતાં ઘણા દુઃખી હૃદયે લખી માકલ્યું કે “તમે જ્યારે પિતાની જીવિત અવસ્થામાં મુલાકાત કરવાની રજા ન આપી ત્યારે મૃત્યુ પછી પણ તેની મરણ ક્રિયા કરવા હું ઘેર જવાને ઇચ્છતી નથી.” દોરાના ઓળખીતાઓએ પણ એને ઘેર જવા વિશેષ વિનતિ કરી; પરંતુ કોઈ રીતે ઘેર જવાને તે રાજી થઈ નહિ. દોરા વાલ્સલમાં પાછી આવી. આ વેળા તેના અંતરમાં ઘણો આઘાત લાગો હતો, તે ઘણા જ દુઃખી ચિત્તે વાલ્સલની હૉસ્પિટલમાં આવી હતી. કામ કરવાની હવે તેને ઈચ્છાજ થતી નહિ. ભગિની સંપ્રદાયના સ્વાસ્થ્ય ઉપરિના ઉપલા નિર્દય આચરણથી દોરાનું મન બહુજ ખેદ પામ્યું. તે પિતાની ઇચ્છાથી વિરુદ્ધ થઈને ભગિનીસંપ્રદાયમાં જોડાઇ હતી, તેને માટે તેના અંતરમાં ક્ષણકાળને માટે ક્ષોભ ઉત્પન્ન થયો; પરંતુ બુદ્ધિમતી દોરાએ જોયું કે, જો તે એક વાર આ ચિંતામાં ઘેરાઇ તો તેની આ દુર્દશાનો અંત આવશે નહિ. તેણે ધાર્યું કે, માનસિક ચિંતા દૂર કરવાનો ઉત્તમ ઉપાય એજ કે, મનને જરા વાર નવરું ન રહેવા દેતાં હમેશાં કામમાંજ રોકી રાખવું. આ ઉપરથી તે વાત્સલમાં આવી સૌ ચિંતા દૂર મૂકીને બેવડા ઉત્સાહથી કામ કરવા લાગી. હૃદયની પીડા એક કોરે રાખીને તેણે પોતાના શરીર અને મનને ગરીબ લોકોનાં દુઃખ દૂર કરવામાં રોક્યાં. રાતદિવસ અથાગ મહેનત લઈ તે રોગીની સેવા કરવા લાગી. તેણે એક દિવસ વિચાર કર્યો કે, હું વાંચતાંલખતાં શીખી નથી તેમજ અસ્ત્રચિકિત્સા જાણતી નથી તો કેવી રીતે દરદીની સેવા બરાબર કરી શકીશ ? આ વિચાર ઉત્પન્ન થતાંજ તેણે અસ્ત્ર ચિકિત્સા શીખવાનો આરંભ કર્યો. તેની સ્મરણશક્તિ અસાધારણ હતી. એ વિષયનું વૈદ્યક જ્ઞાન પણ સારું હતું. તેથી થોડીજ મુદતમાં સુવિજ્ઞ અસ્ત્રચિકિત્સાનું જોઈતું જ્ઞાન તેણે મેળવ્યું. હવે જખમ તથા પ્રહારની જગ્યાની ખાસિયત સમજવા તે સમર્થ થઈ. વાલ્સલની હૉસ્પિટલમાં રોગીની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. ડૉક્ટરો ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે કામ પાર પાડી શકતા નહિ, ત્યારે ભગિની દોરાને ચિકિત્સાના વિષયમાં મદદ દેવા માટે બોલાવતા. દોરાએ તેમનો સ્નેહ મેળવી ટુંક મુદતમાં અસ્ત્રચિકિત્સામાં ઘણીજ યોગ્યતા મેળવી. હવેથી તેણે વિશેષ ઉમંગથી વૈદ્યનું કામ કરવાની શરૂઆત કરી. ખંત અને પરિશ્રમથી કયું કામ ન થાય ? દોરાની ખંત અને મહેનતમાં કોઈ કસર નહોતી; તેથી તે ઘણીજ હોંશિયાર દાઈ અને વૈદ્ય બની રહી. રોગીના આશ્રમમાં રહી રોગીની સેવા કરવી એ ઘણું મુશ્કેલ કામ છે. મુંબઇની કોઈ હૉસ્પિટલમાં જઈને જોઈએ છીએ તો રોગીનાં દારુણ દુઃખ તથા જખમવાળાં શરીર જોઈ આપણા પ્રાણ કંપે છે. મનમાં એમ થાય કે, અરે આપણે અહીં શા માટે આવ્યા ? કોઇ કોઇ વાર ચિકિત્સા માટે એવા રોગીઓ આવે છે કે તેમને જોવા માત્રથીજ આપણને ભય થાય. કોઇ રોગીનો પગ કાપવામાં આવે છે, કોઇનો હાથ કાપવો પડે છે, કોઇના ગળાનો ભાગ કાપવામાં આવે છે. આ સઘળાં નિષ્ઠુર કામ જોવાથી અંતરના ભાવ કેવી રીતના થાય છે ? પહેલાં તો આ સૌ જોતાંજ પુરુષોને ઘણો કમકમાટ ઉપજે તો સ્ત્રીઓનું તો પૂછવું જ શું ? તેમાં વળી દરરોજ આવું ને આવુંજ જોવામાં આવે તો મનુષ્યનું હૃદય કઠણ થઇ જવાનો પણ સંભવ ખરો. દોરા જે હૉસ્પિટલમાં રહેતી ત્યાં હમેશાં જથાબંધ જખમી માણસો ચિકિત્સાને માટે આવતાં. આ લોકોની પીડા જોઈ તેનુ અંતઃકરણ દુઃખી થતું તથા ભય પામતું. રોગીના દુઃખના પલકારથી પોતાનું હૃદય દુઃખ પામતું તથા તેમનો દેખાવ ભયાનક લાગતો, છતાં પણ દોરા પુરુષોચિત ધૈર્યથી હૉસ્પિટલના ભયાનક સ્થાનમાં એકલી રહી લોકોનાં દુઃખ દૂર કરવા બને તેટલી મહેનત કરતી. આ સિવાય બીજા પણ એક કારણને લીધે દોરા બહાદુર બની હતી. આગળ જણાવી ગયા છીએ કે, દોરાને ધર્મપર અવિશ્વાસ ઉત્પન્ન થયેલ હતો. તેના અંતરમાં પરમેશ્વરના સંબંધમાં જે ઘોર સંદેહ આવ્યો હતો તેથી તેના અંતરમાં ઘણી જ અશાંતિ ઉત્પન્ન થઈ હતી. વાલ્સલમાં તે ઘણી મહેનત લઈ કામ કરતી હતી અને આશા રાખતી હતી કે, વખત જતાં મારો સંદેહ જતો રહેશે. દોરાનાં સગાંવહાલાંએ તેને લગ્ન કરવાનો તથા સંસારધર્મમાં પ્રવેશ કરવાને કહ્યું. ભગિની સંપ્રદાયની બીજી સ્ત્રીઓએ પણ તેને લગ્ન કરવાની વિનતિ કરી; પણ દોરા સહેલાઇથી એનો નિશ્ચય કરી શકી નહિ. લગ્ન તરફે તેનું વલણ એટલું બધું નહોતું કે તેને વશ થઈ તે ભગિનીસંપ્રદાયનો ત્યાગ કરે. વિવાહ કર્યા પછી સંસારની સેવામાં આવી રીતે તે પોતાનું જીવન ગાળી શકે કે નહિ, તેનો તે નિશ્ચય કરી શકી નહિ.
તેને માટે બે રસ્તા ખુલ્લા હતા. એક રોગી સાથે જીવતાંસુધી રહી તેમના દુઃખે દુઃખી થઈ તેમની સાથે પોતે પણ આંસુ પાડી, દુઃખ ને ક્લેશમાં રહેવું. અથવા તો બીજો રસ્તો એ કે, લગ્ન કરીને સંસારના સુખદુઃખના તરંગમાં શરીરને વહેવરાવવું. દોરાને પોતાને સંતાન ન હોવા છતાં પણ હૉસ્પિટલમાં જે બાળકો આવતાં તેમને તે પોતાનાં સંતાનવત્ ચાહતી; પરંતુ બીજાનાં પુત્રપુત્રીનું લાલનપાલન કરવામાં તેને પૂર્ણ તૃપ્તિ થતી નહોતી. પુરુષોચિત કઠોર કાર્યમાં પોતાનું જીવન ગાળીને પણ ભગિની દોરા સ્ત્રીસ્વભાવસુલભ હૃદયનો સ્નેહ તથા કોમળતા રાખી શકી હતી એ કેવું અજાયબ જેવું છે !
દોરાને તેના કેટલાક બંધુઓ લગ્ન કરવા વીનવતા અને કહેતા કે, લગ્ન નહિ કરીને તથા સંસારનાં કઠોર કામ માથે લઈને જીવનના કોમળ ભાવોનો નાશ કરે છે. ઈશ્વરે તમારા હૃદયમાં એવી સુંદરતા મૂકી છે કે તમે એક ઉત્તમ ગૃહિણી થઈ શકશો. તેઓ એમ પણ કહેતા કે, તમને મૂર્ખ, દરિદ્ર અને નીચ સ્વભાવના રોગી માણસો સાથે રહેવું શોભતું નથી. જે માણસ હલકા સ્વભાવવાળા સાથે હે છે તેનો ઉત્કર્ષ થતો નથી. રૂડા ચરિત્રવાળાનાજ સમાગમથી રૂડા ચરિત્રવાળા થવાય છે. પરંતુ આ બિચારા જાણતા નહોતા કે દોરાનું બળ અગ્નિસમાન હતું. તેના સમાગમમાં આવનારના ચરિત્રની મલિનતા ઉલટી બળી જતી અને ચરિત્ર શુદ્ધ બની જતું. દોરાના બંધુઓએ તેને ઘણી સમજાવી, પણ તે એકની બે થઈ નહિ. જીવનનું સાર્થક કરવા તેણે પોતાનાં તન, મન અને ધન સૌ ગરીબોની સ્થિતિ સુધારવા અર્પણ કરી દીધાં હતાં. હજીસુધી તેને ઈશ્વરપર આસ્થા નહોતી; પણ એ આસ્થા આવવા માટે સરળભાવથી તે રાહ જોતી હતી. ધીરે ધીરે ઈશ્વર ઉપર તેનો અનુરાગ થયો. જેઓ સરળ હોવા છતાં જેમનામાં વિશ્વાસ નથી હોતો તેમને ભગવાન જલદીથી વિશ્વાસ આપે છે. ભગિની દોરા કાંઈ કુટિલ કે નાસ્તિક નહોતી. ઈશ્વરપરનો વિશ્વાસ તેણે ગુમાવ્યો હતો, તથાપિ તે સરળ નાસ્તિક હતી. તેનું અંતર સર્વદા ઈશ્વર તરફ નજર કરી જાણે એમ બોલતુ કે “હે દયાળુ ઈશ્વર ! મારો ધર્મ ઉપરનો વિશ્વાસ ઉઠી ગયો છે. આપ કૃપા કરી મને સારે માર્ગે વાળો.” સરળ હૃદયની દોરા નિત્ય આ પ્રાર્થના કર્યા કરતી. આને પરિણામે આખરે તેની નાસ્તિકતા નાશ પામી. દોરા ધીમે ધીમે પોતાના જીવનમાર્ગમાં સ્વર્ગનો પ્રકાશ જોવા લાગી અને તેમ થતાં પોતાનું તનમન સર્વભાવે પ્રભુના ચરણમાં અર્પણ કરવા એટલી બધી વ્યાકુળ થઈ ગઈ કે આખું જીવન કુંવારી રહેવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. ભગિની સંપ્રદાયમાં દાખલ થનારથી લગ્ન ન થાય એમ કંઈ નહોતું. જ્યાંસુધી તેઓ એ સંપ્રદાયમાં રહે ત્યાંસુધી યુથાશક્તિ પરિશ્રમ કરી સંપ્રદાયનું કામ કરે, પર–સેવામાં જીવન ગાળે અને જ્યારે સંસારધર્મમાં પ્રવેશ કરવાની ઇચ્છા થાય ત્યારે આ સંપ્રદાયનો ત્યાગ કરી શકાય, એવો નિયમ હતો. તેથી ભગિની દોરા મરજી હોત તો વિવાહ કરી શકત. પણ જ્યારે ઈશ્વરાનુરાગથી રંગાયલું તેનું અંતર સંસારી જીવન ગાળવા આતુર થયું નહિ, ત્યારે તેણે એવા એકાદા સંપ્રદાયમાં દાખલ થવાનું નક્કી કર્યું કે જેમાં આખી ઉંમરસુધી કુંવારાં રહેવાને બંધાવું પડે. પણ એક વૃદ્ધાના પ્રયત્નથી દોરા તેમ કરી શકી નહિ. એ ડોશીએ ઘણી કોશીષ કરીને ભગિનીસંપ્રદાયમાંજ તેને રાખી હતી.
દોરા હવે દૃઢ સંકલ્પ ધરી પરમેશ્વરની સેવામાં લાગી. તે આ કામમાં એવી તો શાંતભાવે પ્રવૃત્ત થઈ હતી કે હૉસ્પિટલ સ્થાપનારાએ એ વખતની યાદ કરીને કહે છે કે, દોરા જ્યારે હૉસ્પિટલમાં આવી ત્યારે તેને કોઈ ઓળખતું નહોતું. માત્ર ગરીબ દરિદ્રી લોકોજ તેને ઓળખતા; કારણ કે તે તેમને ઘેર જતી, તેમની સેવા કરતી તથા દવા આપતી. બહારનો ઠાઠમાઠ તથા આડંબર એ રાખતી નહોતી તેથી મોટા માણસો એનું નામ પણ જાણતા નહોતા. પરંતુ પ્રભુપ્રીત્યર્થેજ જેણે જીંદગી અર્પણ કરી હોય તેને વળી નામ બહાર પાડવાના ઉમંગ ક્યાંથી હોય ? અને લોકોથી એનું નામ અજાણ્યું પણ કેટલાક દિવસ રહે ?
ઇ. સ. ૧૮૬૬ માં દોરા ઘણી માંદી થઈ ગઈ. પરાયા દુઃખથી દોરાનું અંતર એવું તો દુઃખી થતું કે તેમનું દુઃખ દૂર કરવું અને તેમની સેવા કરવી એ તેના જીવનનું મુખ્ય કામ થઈ રહ્યું. લોકો હૉસ્પિટલમાં આવી પોતપોતાની જરૂર જણાવી દોરા પાસે જતાં. કોઈ સ્ત્રી પોતાના ધાવણા પુત્રને ઘેર રાખીને આવી છે તો કોઈ ખાણમાં કામ કરતાં ઘણોજ ભયંકર રીતે જખમી થઈને આવ્યો છે ! આવી હાલતમાં દોરા પંડની પણ દરકાર નહિ કરતાં એમની સેવા કરવામાં મંડી રહેતી. આથી કોઈ કોઈ વાર એવો પણ પ્રસંગ આવતો કે તેને ભીજાયલાં કપડાં પહેરી રહેવું પડતું. કપડાં બદલતાં જે વખત જાય તેટલામાં રોગીને નુકશાન પહોંચવા સંભવ હોય તો પોતે કહેતી કે, મારા કપડાનું પાણી શરીરમાં સૂકાઈ જશે તો કાંઇ નુકસાન થનાર નથી. તેને મોંએ આ વાત સાંભળી કોઇ તેને અટકાવી શકતું નહિ. પરંતુ એવા શારીરિક નિયમના ઉલ્લંઘનથી દોરાને સખ્ત મંદવાડ લાગુ થયો. દોરા ખાટલામાં માંદી પડી સૂતી હતી ત્યારે ગામના ગરીબ લોકોનાં ટોળેટોળાં તેને જોવા આવતાં. હૉસ્પિટલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઇ. સૌના મોંમાં “ભગિની દોરાને કેમ છે ?” એ સિવાય બીજી વાત નહોતી. ભગિની દોરા સર્વ ગરીબોમાં આવી રીતે જાણીતી થઇ ગઇ, તે પછીજ હવે તવંગર માણસોએ તેને ઓળખી.
મંદવાડમાં દોરાની અસાધારણ સહનશીલતા જોઈ સૌ કોઈ અજાયબ થવા લાગ્યાં. બાળપણથી જ તેને રોગથી થતાં દુઃખ શાંતિથી વેઠવાનો અભ્યાસ હતો. એક પાદરી પોતાની દીકરી સાથે રોજ તેને જોવા આવતા હતા. દોરાનું આવું ભયંકર દુઃખ જોઇ તે દુ:ખી થતા, પણ દોરાને આ યાતના પ્રફુલ્લ વદને સહન કરતી જોઈ આશ્ચર્ય પામતા. એક વેળા એ પિતાપુત્રી બેઉ ભગિની દોરાને જોવા આવ્યાં. પાદરીએ તેને ધર્મ ગ્રંથ વાંચી સંભળાવવાનો આરંભ કર્યો. એ વેળા દોરાએ કહ્યું કે “મહારાજ ! જરા થોભો” એટલું કહી તેણે હસતું મોઢું ફેરવી લીધું, અને ધાર્મિક ભાવાવેશને લીધે તેનું શરીર કંપવા લાગ્યું; આંખમાંથી આંસુ પડ્યાં. પાદરીની કન્યા બીજી બાજુએ બેઠેલી હોવાથી તેણે આ જોયું હતું. એ પછી થોડીજ વારમાં દોરા પાછી હસતે મુખે પાદરી તરફ જોઈને બોલી “હં, હવે આગળ વાંચો.” પાદરી ઘેર ગયા પછી પુત્રી પાસે ઉપલી વાત સાંભળીને અજાયબ થયો હતો. આ મંદવાડમાંથી ઉઠ્યા પછી તે કહેતી કે “મારા રોગની શાંતિ માટે દેવળમાં સૌએ પ્રાર્થના કરી હતી તેથીજ આટલું જલદી સારું આરોગ્ય પાછું મેળવ્યું છે.” ૩ — રોગી આશ્રમ (ઇ. સ. ૧૮૬૭ – ૧૮૭૪)
દરવર્ષે રોગીઓની સંખ્યા એટલી બધી વધવા લાગી કે વાલ્સલની હૉસ્પિટલની નાની જગ્યા પૂરી પડતી નહોતી. બીજા વધારે રોગીને રાખી શકાય એવો બંદોબસ્ત કરવાની હવે જરૂર પડી. વિશેષ કરી જે જગ્યાએ હૉસ્પિટલ સ્થાપી હતી, ત્યાંની હવા જોઈએ તેવી સારી ન હોવાથી રોગી સ્ત્રીપુરુષો જલદીથી સારાં થતાં નહોતાં. જખમી માણસો દશ દિવસમાં સાજા થાય તેવા ઝખમ રૂઝાવાને એક મહિનો લાગતો. હૉસ્પિટલના ઉપરીઓએ એક ઉડતા રોગને હૉસ્પિટલમાં દાખલ થયેલો જોઈ એક સારી હવાવાળી જગ્યા પસંદ કરી ત્યાં એક મોટી હોસ્પિટલ બનાવવા નક્કી કર્યું.
વાલ્સલનગર એક પહાડપર આવેલું હતું, પહાડની એક જગ્યાએ કેટલીક ખુલ્લી જમીન હતી. હૉસ્પિટલના ઉપરીઓએ આ જગ્યા પસંદ કરી વેચાતી લીધી. આ સ્થળે નવું રોગી આશ્રમ બંધાવવા પૈસાની જરૂર પડી. ભગિની દોરાએ આ કામમાં પોતાનો ઘણો પૈસો આપ્યો તથા બીજા માણસો તેમાં ખુશીથી મદદ આપવા લાગ્યા, જેથી પૈસાની તાણ પડી નહિ. જે કામનો ઉદ્દેશ ઉત્તમ હોય છે તેમાં મદદગાર પરમાત્મા પોતે પણ થાય છે. નવી હૉસ્પિટલમાં ૨૮ રોગી રહી શકે એવો બંદોબસ્ત કર્યો હતો અને જરૂર પડતાં વિશેષ રોગી રહી શકે એવી વ્યવસ્થા રાખી હતી. સુંદર અને મોટું રોગી આશ્રમ તૈયાર થઈ જવાથી ભગિની દોરા ઘણીજ આનંદિત થઈ હતી. આશ્રમની ચારે બાજુએ સુંદર લીલા રંગની મનોહર વૃક્ષલતાથી પૂર્ણ બગીચો બનાવવામાં આવ્યો હતો. હૉસ્પિટલની પાસેથી રેલ્વેનો રસ્તો જતો હતો. બગીચાથી તથા પાસે રેલ્વેગાડીના જવા આવવાથી રોગીઓને ઘણો આનંદ ઉપજતો હતો. મતલબ કે, હોસ્પિટલનું આ સ્થાન અતિ ઉત્તમ હતું.
ઇ. સ. ૧૮૬૮ માં દોરા જૂની હૉસ્પિટલ છોડી નવી હૉસ્પિટલમાં ગઈ. નવા આશ્રમમાં ઘણા રોગી આવ્યા, જેથી દોરાની મહેનત ઘણી વધી પડી. હૉસ્પિટલના ઉપરીઓએ આ વેળા તેના ઉપર રોગીની સેવા કરવાના તથા ખવરાવવા વગેરેના ભાર નાખ્યા.
નવી હૉસ્પિટલમાં આવ્યા પછી થોડે દિવસે વાલ્સલ નગરમાં શીતળા રોગ ફેલાયો. જે ફળિયામાં માણસોની સંખ્યા વધારે તે ફળિયામાં વધારે જોવામાં આવતો. રોગ કોઇ વાર ઓછા તો કોઇ વાર ઘણાજ જોરમાં જણાતો. આખા શહેરના લોકોને તોબા તોબા પોકરાવી કેટલાક મહિના સુધી વાલ્સલના રહેવાસીઓને વસંતરોગ(શીતળા)થી ઘણું દુઃખ સહન કરવું પડતું હતું. હૉસ્પિટલનાં દરદીઓને આ રોગ લાગુ ન પડે એવી રીતે સાવધાનતાથી રહેવા દોરાને ઉપરીઓ તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે તે સાંભળ્યું નહિ. આશ્રમનું કામ પતાવી અડધું પડધું ખાઇ-પીને પરવારી જઈ વખત મળે ઓ તેનો ઉપયોગ લોકોને ઘેર જઇ રોગીની સેવા કરવામાં કરવા લાગી. કોઈ કોઈ રોગીને તેનાં સગાંવહાલાં જીવવાની આશા મૂકી છોડીને નાસી જતાં. તેની ખબર દોરાને મળતાંજ તે રોગી પાસે જઈ આખી રાત જાગી તેની સેવાચાકરી કરતી.
એક દિવસ ખબર મળી કે, એક ગરીબ માણસ શીતળાના રોગમાં ફસાયો છે. તે માણસ છેક મદદવિનાનો હોવાથી દોરાને કહાવી માકલ્યું હતું. દોરાને ખબર મળતાંજ તે રોગી પાસે જઈ પહોંચી. જુએ છે તો રોગીને જીવવાની આશા નહોતી. તેનાં સગાંવહાલાં સૌ નાસી ગયાં હતાં. માત્ર એક પડોશણ બનતી સેવા કરતી હતી. દોરાએ જોયું તો આખી રાત બળે તેટલું તેલ પણ દીવામાં નહોતુ, તેથી તેણે પેલી સ્ત્રીને થોડા પૈસા આપી તેલ લાવવા કહ્યું. પણ તે સ્ત્રી પૈસા લઈને ઘરમાંથી નીકળી તે પાછી આવીજ નહિ !અને અહીં ભગિની દોરા એકલીજ તે મરવા પડેલા રોગીની પાસે બેસી રહી.
થોડી વારે પેલા રોગીએ ઘણા કષ્ટથી બિછાનાપર બેસી દોરા બહેનને કહ્યું “માતા ! હું જીવતો છું તેટલામાં તમે આપના પુત્રતરીકે મને એક બોકી કરી લ્યો.” કોમળ હૃદયની દોરાએ તરતજ તેના શીતળાથી ભરેલા શરીરને પોતાના હાથ ભીડી સ્નેહથી પોતાના ખેાળામાં લીધું અને સંતાનવત્સલ માતાની પેઠે સ્નેહથી તેને ચુંબન કર્યું. તેજ ઘડીએ તેલ ખૂટવાથી દીવો હોલવાઈ ગયો. આથી બેઉ અંધારામાં બેસી રહ્યાં. દરદીને જેમની સાથે લોહીના સબંધ હતા તેઓ તો ક્યારનાંયે છોડીને ચાલ્યાં ગયાં હતાં તો પારકાં શામાટે તેનો ત્યાગ ન કરે ? આવો પળવાર સંદેહ ઉપજવાથી દોરાનું હૃદય દયાનો ભંડાર છે તે જાણ્યા છતાં પણ રોગી બોલ્યો કે “માતા ! હું જ્યાંસુધી જીવું છું ત્યાં સુધી મારી પાસે બેસી રહેજો. મારા મરી ગયા પછી તમે જજો.”
તેનું આ વાક્ય સાંભળી દોરાનું અંતઃકરણ ઘણું દુઃખી થયું. તેને શાંતિ તથા હિંમત આપી નીરાંત રાખવા કહ્યું. આ વેળા અડધી રાત થઈ હતી; છતાં પણ દોરા માતાની પેઠે રોગીની પાસે બેસી રહી હતી. આ વખતે તેના શરીરમાં પ્રાણ નહોતો, છતાં વગરદીવે રોગી જીવતો છે કે મરેલો છે તે તેના જાણવામાં આવ્યું નહતું; તેથી સવાર સુધી તે જડ શરીર પાસે બેસી રહી હતી. સવારે જ્યારે જાણ્યું કે, રોગી મરી ગયો છે ત્યારે પડોશના માણસોને બોલાવી તેની મરણક્રિયાનો બંદોબસ્ત કરી તે પાછી આશ્રમમાં ગઇ.
અનાહારમાં જાગરણ અને અવિરામ મહેનત કરવામાં બહેન દોરા એટલી તો કુશળ હતી કે તે સાંભળવાથી અજાયબ થઈ જવાય. તેનું અંતર કોમળ હતું. કોઈને પણ રોગ થવાની વાત સાંભળતાં તે ત્યાં ગયા સિવાય રહી શકતી નહિ. કોઈ વેળા ખાવા બેઠી હોય ને ખબર મળે કે અમુક રોગી તેને બોલાવે છે તો તે સાંભળતાંજ વ્યાકુળ બની જતી અને ખાઈ શકતી નહિ; તરતજ ઉઠીને જવા તૈયાર થતી. અહા ! શો પરમાર્થ પર પ્રેમ ! કેવું દયાળુ હૃદય ! ! આમ કેટલાક દિવસ લાગલાગટ ખાવાનું તથા ઉંઘવાનું જોઈએ તેવું થઈ શકતું નહિ. શીતળાનો રોગ ઘણો ચાલતો હતો તોપણ દોરા પ્રાણને તુચ્છ ગણી કામ કરવા લાગી; પાટિસનના કુટુંબની એક દાસી દોરાની મમતાથી ખેંચાઇને વાલ્સલની હૉસ્પિટલમાં દાઈનુ કામ કરતી હતી તેના તરફથી દોરાને ઘણી વાર મદદ મળતી અને તેનો કેટલોક સમય બચતો.
આગળ જણાવી ગયા છીએ કે, વાલ્સલની હૉસ્પિટલમાં જે રોગીઓ આવતા હતા તેમાંના ઘણા હાથપગ ભાંગેલા તથા માથાં ફુટેલાં હોય એવા આવતા હતા. કોલસાની ખાણમાં આવા બનાવ વારંવાર બને છે. ડૉક્ટરો રોગીના હાથપગ કાપતા હોવાથી બહેન દોરાના કોમળ અંતઃકરણમાં ઘણું દુઃખ થતું હતું. ડૉક્ટરો તો રોગીની અવસ્થા જોઈ તેને લાયક વ્યવસ્થા કરતા હતા અને સહેલાઈથી રોગીના પ્રાણ બચે તે માટે યત્ન કરતા; પરંતુ ગરીબ માણસને હાથપગ ગુમાવ્યાથી મહેનત કરી પેટ ભરવામાં પડતી આપદા ઘણાજ થોડા ડૉક્ટરો જાણતા હતા. ભગિની દોરા ગરીબોની સાથે ભેળાતી. તેના વિષે સઘળું જાણવા ઈચ્છા કરતી. તેઓ કેવી રીતે ગુજારો ચલાવે છે તે તે સારી પેઠે જાણી લેતી. તેણે જાણ્યું કે, ઘણા માણસો હાથપગ વગરના થવાથી મહેનત કરી શકતા નથી તેથી તેઓ ભિક્ષા માગીને પોતાનો ગુજારો જેમ તેમ ચલાવે છે, અને કુટુંબને માટે વળખાં મારે છે. ગરીબોનો આવો ક્લેશ જોઇ મનમાં ને મનમાં દોરા વિચાર કરવા લાગી કે, કોઈપણ રીતે જો રોગીના હાથપગ બચી શકે તો બિચારા મહેનત કરી પોતાનો ગુજારો કરી શકે અને તેમને આટલું સહેવું ન પડે. આથી કોઈ કોઈ વાર તે ડૉક્ટને વિશેષ વિનતિ કરીને રોગીના હાથપગ કાપવા દેતી નહિ અને ઔષધથી સારા કરવા પ્રયત્ન કરતી. આવી રીતે બહેન દોરાએ ઘણા માણસોના હાથપગ બચાવી લીધા હતા. એક જુવાન માણસના હાથ બહેન દોરાએ સારા કરેલા તેનું સુંદર વર્ણન નીચે આપવામાં આવે છે :–
એક દિવસે રાત્રે એક જુવાન કોલસાની ખાણમાં કામ કરતો હતો, તેના હાથ પર કોલસાનું મોટું ઢીમચું પડવાથી ઘણુ વાગ્યું. તેને દોરાની પાસે લઈ ગયા. હાથ કાપી નાખ્યા સિવાય દરદી સારો થશે નહિ એવું ધારી ડૉક્ટરો હાથ કાપી નાખવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ હાથ કાપવાની વાત સાંભળી જુવાનનું અંતઃકરણ ભયથી ધ્રુજવા લાગ્યું, તે બૂમો પાડી રોવા લાગ્યો અને દોરા બહેનને કહેવા લાગ્યો કે, બહેન ! મારો હાથ કપાઈ જશે તો હું કેવી રીતે પેટ ભરીશ અને મારા કુટુંબનું પોષણ શી રીતે કરીશ ? જુવાનનું આ બોલવું સાંભળી દોરાના હૃદયમાં ઘણું દુઃખ થયું. દોરાએ બારીકાઈથી હાથ તપાસ્યો. બિચારો જુવાન ઘડીકમાં સજળ નેત્રે દોરા સામે જોતો તો ઘડીકમાં વ્યાકુળ થઈ ડૉક્ટર સામે જોતો રોતો રોતો કહેવા લાગ્યો કે, બહેન ! તમે મારો હાથ સારો કરો ! મારો ડાબો હાથ કપાઈ જશે તો મારું જીવતર નકામું થઈ જશે. જુવાનની આ અવસ્થા તથા સબળ શરીર જોઇ ડૉક્ટર તરફ જોઇ દોરા બોલી કે “તમે મને રજા આપો તો હું આ હાથ સાજો કરવા મહેનત કરી જોઉં. મને ખાત્રી છે કે, હું કાપ્યા વગર એ હાથ સાજો કરી શકીશ.” ડૉક્ટરે જવાબ દીધો “તમે શું ગાંડાં થયાં છો ? હાથ કાપ્યા સિવાય થોડા દિવસમાં એ સડવા માંડશે અને એક વાર સડવાનો આરંભ થશે તો કેસ ઘણો ભયંકર થઈ જશે.” આ સાંભળી દોરાએ રોગીને પૂછ્યું કે “બેટા ! તું કહેતો હોય તો હું તારો હાથ ઔષધથી સારો કરવા યત્ન કરૂં.” જુવાન માણસ દોરાનુંમધુર વચન સાંભળી ખુશી થયો અને દોરાના હાથમાં પોતાનો દવા કરવાનો ભાર આપવા રાજી થયો.
ડૅાક્ટર સાહેબ આ જોઈ ઘણા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે “વારૂ ત્યારે, તમે આ હાથની દવા કરો. હું એમાં કાંઇ જાણું નહિ. કદાચ દરદીનો જીવ જશે તો તે માટે હું જોખમદાર નથી.” આટલું બોલી એ સાહેબ ચાલ્યા ગયા.
દોરા ડૉક્ટરના કહેવાથી ડરી ગઇ નહિ. ઘણી મહેનત લઈ તે સાવચેતીથી દવા કરવા લાગી. એક મહિના સુધી લાગલાગટ ખંતથી દવા કરી. કેટલાક દિવસ તેનું મન ઘણું ચિંતાતુર રહેતું હતું. દોરા માત્ર દવાપરજ આધાર રાખી બેસી રહી નહોતી, રોગી જલદી સાજો થાય તે માટે તે દરરોજ ભગવાનની પ્રાર્થના કરતી હતી.
આમ એક મહિનો ગયા પછી એક દિવસે બહેન દોરાએ ડૉક્ટરનું મન ખુશમિજાજમાં જોઇ રોગીને જોવા માટે વિનતિ કરી. કેટલીક હા ના કર્યા પછી ડૉક્ટરે આ વિનતિ કબૂલ રાખી.
હા ના કરવાનાં કેટલાંક કારણો હતાં – દોરા એક દાઈમાત્ર હોવાથી તેણે ડૉક્ટરના કામમાં ડહાપણ ડહોળવું જોઈતું નથી; પણ ડૉક્ટરના હુકમ પ્રમાણે વર્તી રોગીની સેવાચાકરી કરવી એજ તેનું કામ છે. આમ વિચારી રોગીને સાજો કરવાનું માથે લેવું એ દોરાની હિંમતને ગાંડી બહાદૂરી અથવા જક્કીપણું ડૉક્ટર ગણતો હતો. ગમે તેમ હોય પણ દોરાના મધુર વચનથી કોઇ તેના પર વધારે વખત સુધી અસંતુષ્ટ રહેવા પામતું નહિ. ડૉક્ટર તેની વિનતિ નાકબૂલ કરી શક્યો નહિ અને રોગી પાસે ગયો.
બહેન દોરાએ રોગીના હાથનો પાટો છોડતાંજ ડૉક્ટર સાહેબ અજબ થઇ ગયા. થોડા દહાડામાં હાથ છેક રૂઝાઈ જશે એવું જોઇ આનંદ પામી તે કહેવા લાગ્યા કે “ખરેખર, તમે તો હાથ છેક સારો કરી નાખ્યો છે ! આ ગરીબ બિચારો થોડા દિવસમાં પોતાનો ધંધો કરી પેટ ભરવા શક્તિમાન થઈ જશે.” ડૉક્ટરનું આ બોલવું સાંભળી દ્વારા આનંદથી ગદ્ગદ્ થઇ મનમાં ને મનમાં પરમેશ્વરને ધન્યવાદ આપવા લાગી અને પરમેશ્વરની અંતઃકરણથી પ્રાર્થના કરી કૃતજ્ઞતા પ્રગટ કરી.
ડૉક્ટર દોરાને વૈદ્યવિદ્યા શીખવતો હતો તેનું આવું ઉત્તમ ફળ જોઈ તે ઘણો આનંદ પામ્યો. હૉસ્પિટલના સૌ માણસોને તે પેલા દરદીનો સાજો થયેલ હાથ બતાવવા લાગ્યો. એ સાજા થયેલા જુવાનને સૌ કોઈ “બહેનના હાથ” કહી બોલાવવા લાગ્યાં. જુવાન પણ ભગિની દોરાનો ઘણોજ ઉપકાર માનવા લાગ્યો. ભગિની દોરાએ તેને કેટલાક દિવસ વધારે હૉસ્પિટલમાં રાખ્યો અને તદ્દન સાજો થયા પછી જવાની રજા આપી. હૉસ્પિટલમાંથી ગયા પછી પણ તે વારંવાર હાથ દેખાડવાના મીશે દોરા બહેનને મળવા આવતો અને બહેનને જોતાંજ તેની આંખમાં હર્ષાશ્રુ આવી જતાં હતાં ! !
આવી રીતના બનાવ ભગિની દોરાના જીવનમાં ઘણાજ બન્યા હતા, ઘણા ગરીબોના હાથપગ કપાતા તેણે બચાવ્યા હતા.
આગળ જે પાટિસનના કુંટુંબની દાસી સંબંધી લખ્યું છે તેની મદદથી બહેન દોરા વધારે સુખી થતી હતી. જે સમય આમ બચતો હતો તેમાં તેણે કેટલીક બાલિકાઓને ભણાવવાનો આરંભ હૉસ્પિટલના ઉપરીઓની અનુમતિ લઈ કર્યો.
બાળકો દોરાને કેવી રીતે ચાહતાં હતાં તે આગળ જણાવી ગયા છીએ. હૉસ્પિટલમાં હમણાં જે બાલિકા શીખવા આવતી તેને પણ તે ઘણાજ પ્રેમથી શીખવતી. નાનાં બાળકો પાસે હથિયાર લઈ જવાથી તેઓ ભયથી ચમકે છે. પરંતુ દોરામાં એવો ગુણ હતો કે વાઢકાપ કરતાં પહેલાં તેમને સાફ કહેતી કે “ભાઇ ! જો, આ જગ્યા કાપી નાખ્યાથી તારૂં તમામ દુઃખ જતુ રહેશે અને તું
સારો થઈ જઈશ, માટે રડીશ નહિ.” નસ્તર વેળા બાળક રૂવે તો તેને ચૂપ રહેવાનું કહેતાં તેઓ તરત ચૂપ થઈ જતાં. આવી રીતે ઘણી ભયંકર જગ્યાએ પણ નાનાં બાળકો દોરાની વાતથી ઘણીજ શાંતિથી વાઢકાપની વ્યથા સહન કરતાં !
નાનાં છોકરાં દર્દને માટે “મા” “મા” કરી રોતાં ત્યારે દોરા તેમને પોતાના ખેાળામાં લે કે તરત છાનાં રહી જાય. તેઓ માને વીસરી જતાં. કેમકે સગી માના જેવો દોરાનો ખોળા તેમને વહાલો લાગતો. એક વાર એક બાળાનું આખું શરીર બળી ગયું હતું. તેની મા તેને ખોળે લઈ હૉસ્પિટલમાં આવી હતી. બાળકને ઘણું જ દુઃખ થવાથી તે રડતું હતું. માતા તેને કોઈ રીતે છાની રાખી શકી નહિ. દોરાબહેને તરત તે અર્ધદગ્ધ મલિન બાળકને તેની માના ખેાળામાંથી લઈ લીધું અને તેની માને કહ્યું કે “હવે બાળક તમને ન જુએ એમ ચાલ્યાં જાઓ. છોકરાંઓ મને ઘણું જ ચાહ્ય છે. તમે રાત્રે તમારા છોકરાને શાંતિથી ઊંઘતો જોશો.”
મા જતી રહી. દોરા બાળકને કપડું ઓઢાડી હાથમાં લઇ ફરવા લાગી અને બિછાનામાં ન સૂવાડતાં એક હાથમાં તેને લઈને કરતી જતી અને બીજે હાથે જખમપર દવા લગાવતી તથા પાટા બાંધતી. એવી રીતે ઘણા જખમી થયેલા તથા દાઝી ગયેલા બાળકને હાથમાં લઈ ફરતાં ફરતાં તે પાટા બાંધતી અથવા જખમ ધેાઈ મલમ વગેરે લગાડતી. પછી એ બાળકો દોરાનું મધુર ગાન સાંભળી સઘળું દુઃખ વિસરી જઈ સુખે સૂઈ જતાં. કોઈ બાળક સૂતું સૂતું જો એકદમ રોઇ પડે તો તે તરત દોડતી જઈ તેને ખેાળામાં લઈ કહેતી કે “ગાંડા છોકરા ! રોઇશ ના. જો, તારી બહેને તને ખોળામાં લીધો છે.” આવી રીતે છોકરાંને હંમેશાં શાંતિ આપતી. તેમનું રડવું તે કદી પણ સહન કરી શકતી નહિ. તે કહેતી કે, બાળકોનું રોવું સાંભળી જાણે મારું હૃદય ચીરાઈ જતું હોય એમ થાય છે. ઘણી યુક્તિઓ કરી ડહાપણથી દોરા બાળકનું મન રીઝાવી તેમને ખુશ રાખતી. બાળક રોગના દુઃખથી રોતું તો તેની આંખમાં આંસુ આવી જતાં.
બહેન દોરા બાળક પર એટલું બધું હેત રાખતી કે કદાચ બાળક ગાળો દે, અથવા ખરાબ શબ્દ બોલે તોપણ સહન કરતી. એક દિવસ બપોરે બહારના રોગી ઔષધ લઈને ગયા પછી એક બાળક હૉસ્પિટલમાં આવ્યો. તે ઘણો ખૂબસુરત હતો. તેના બે સગા તેને સાથે લઈ દવા કરાવવા આવ્યા હતા. એક મહિના પર તેનો હાથ ભાગી ગયો હતો તે હજી સારો થયો નહોતો અને તેથીજ તેને બહેનની પાસે આણ્યો હતો. દોરાએ પાટો છોડવાનો આરંભ કર્યો કે તરતજ તેણે છૂટે મોઢે હજારો ગાળો દેવા માંડી. એક સગાએ આ સાંભળી બાળકને ધમકાવ્યો અને કહ્યું “ચૂપ રહે, બહેનને આમ ન કહેવાય.” પણ દોરાએ આમ ધમકાવવાની મનાઈ કરી અને આસ્તે આસ્તે દવા લગાડી પાછો પાટો બાંધી ઘેર લઇ જવા તેના સગાને કહ્યું અને ત્યાં ઉભેલા સૌ માણસોને તથા તેના સગાઓને ઉદ્દેશી કહ્યું કે “બાળક આવી ગાળો ક્યાંથી શીખ્યો ? તમોએજ એ બાળકના પવિત્ર હૃદયને કલંકિત કર્યું છે.” દોરાએ ક્રોધથી આ શબ્દો કહ્યા તે સાંભળી સૌ ગુપચુપ શરમાઇ જઈને ત્યાંથી ચાલ્યા ગયા.
વાલ્સલના રોગી આશ્રમમાં ગરીબ માણસો વધારે આવતા. તેઓ એકબીજા સાથે વાત કરતાં એવા તો ખરાબ શબ્દો બોલતા કે જે સાંભળી સારા માણસોને કાનમાં આંગળીઓ દાબવી પડતી; પરંતુ બહેન દોરા આગળ કોઈ ખરાબ વાત કહી શકતું નહિ. ખરાબ માણસ એની પાસે આવતાંજ ગભરાઈ જતો અને ઠઠ્ઠામશ્કરી કરવાની તથા ખરાબ શબ્દો બોલવાની હિંમત કરતો નહિ. ખરાબ માણસોને ઠેકાણે આણવાની તે ઘણી સરસ કુંચી જાણતી હતી. પ્રાર્થના વખતે કોઈ માણસ જાણી જોઈને ગરબડ મચાવતો અથવા ધર્મની ચેષ્ટા કરતો જણાય કે તરતજ તેના તરફ તે એકદમ આશ્ચર્યથી જોતી અને તેને સૌની વચ્ચે શરમાવતી. આથી બીજા કોઈ એવું ખરાબ આચરણ કરવા હિંમત ધરતા નહિ.
એક વેળા એક ખરાબ સ્વભાવનો આદમી હૉસ્પિટલમાં આવ્યો. તે ધર્મની વાતોવિષે સદા મશ્કરી કર્યા કરતો હતો. દોરા જ્યારે રોગીઓને લઈ પ્રાર્થના કરવા બેસતી ત્યારે તે મશ્કરી કરી ખલેલ પહોંચાડતો. તેને મૂંગો બેસવાને કહ્યું ત્યારે તે એક જાડો કાગળ લઈ તેને હલાવી ખડખડ અવાજ કરવા લાગ્યો. કેટલાક દિવસ સુધી તો દોરા તેને રાખી શકી નહિ, પણ થોડા દિવસ પછી તેનો રોગ ઘણોજ વધી ગયો. આ વેળા બહેન દોરા આઠે પહોર તેના બિછાના પાસે રહી ચાકરી કરવા લાગી. કોઈ વાર તેનો હાથ ઉપાડી આપતી તો કોઈ વાર તેને પાસુ ફેરવવામાં મદદ કરતી તથા ઉશીકું ઉલટાવી આપતી – ટુંકામાં જેથી તેને આરામ મળે અથવા તેનું દુ:ખ ઓછું થાય એમ ખંતપૂર્વક કરતી; પરંતુ આ હતભાગ્ય રોગીનું હૈયું એવું તે નિર્દય થઈ ગયેલું કે દોરા પ્રત્યે તેની આવી મહેનત માટે લેશ પણ કૃતજ્ઞતા તેણે પ્રકટ કરી નહિં.
જ્યારે તેણે જોયું કે, દોરા દરરાત્રે જાગીને સેવા ઉઠાવે છે, ત્યારે એક દિવસે તેણે કહ્યું કે ‘‘તમને આ કામ માટે ભારે પગાર મળતો હશે.” દોરાએ જવાબ દીધો ‘‘હાજ તો, તે વળી કહેવું પડે એમ છે ? હું આ કામને માટે પુષ્કળ પૈસા કમાઉં છું.” આ સાંભળી દુષ્ટ રોગી બોલ્યો ઠીક, કહે જોઈએ તને શો પગાર મળે છે ? હું તને પરણવાની ઈચ્છા કરું છું.” દોરા બહેને આના જવાબમાં પેાતાનો વૃત્તાંત અને ઈશ્વરકૃપારૂપી પગારના ફાયદા કહેવાનો આરંભ કર્યો. વિશેષ ધ્યાનથી દોરાની એ હકીકત સાંભળી તે સહેજ ભલો થવા લાગ્યો. ત્યારપછીથી તે પ્રાર્થના કરવામાં સામેલ થયો અને હોસ્પિટલમાં રહ્યો ત્યાંસુધી વિશેષ ઉપદ્રવ કરતો દેખાયો નહેાતો.
એક વેળા બીજો એક માણસ આવાજ ખરાબ સ્વભાવનો જખમી થઇ હૉસ્પિટલમાં આવ્યો હતો. તેને માટે પણ દોરા ઘણા ખંતથી કામ કરતી; પણ સ્વભાવે તે એવો ખરાબ હતો કે દોરા આટલી સેવા ઉઠાવતી છતાં ખરાબ શબ્દોમાં પોતાનું દુઃખ પ્રકટ કરતો હતો. એક દહાડો તો દોરાએ ગુસ્સે થઈ કહ્યું “ચૂપ રહે, આથી શું તારૂં દુઃખ ઓછું થાય છે ? એથી તને શો લાભ મળે છે ?” પેલો માણસ થોડી વાર આ સાંભળી ચૂપ રહ્યો, પણ વળી પાછો ગાળો દેવા લાગ્યો અને બોલ્યો કે “ઘણી વેદના થાય છે ત્યારે કાંઈ બોલ્યા વિના મારાથી રહેવાતું નથી.” તે સાંભળી દોરા બોલી કે “જો કહ્યા વિના રહેવાતું ન હોય તો આવી ભાષા ન બાલતાં “ચીમટો અને સાણસી, સાણસી અને ચીમટો” એમ બોલ્યા કર. ત્યારપછી જ્યારે જયારે પેલો રોગી ગાળો બાલતો ત્યારે બહેન દોરા સર્વની સામે બૂમ પાડી તેને ઉદ્દેશીને કહેતી કે, હવે કાંઈ વાત ન કહેતાં કહો કે “ચિમટો અને સાણસી, સાણસી અને ચિમટો.” તરતજ સૌ મોટેથી આવી બૂમ પાડી ઉઠતા અને તેથી તે રોગી પોતાનો પ્રમાદ જાણી ચુપ રહી જતો.
દોરાને જ્યારે રેલ્વે મુસાફરી કરવી પડતી ત્યારે તે થર્ડ ક્લાસ ટિકિટ લેતી અને કહેતી કે “મને સાધારણ માણસોની સાથે જવું ઘણું ગમે છે. એક વાર તે થર્ડ ક્લાસના ડબામાં જતી હતી. તે વેળા એક સ્ટેશનપ૨થી કેટલાક છાકટા તેના ડબામાં ચઢ્યા અને તેને ઘણી હરકત કરવા લાગ્યા. તેણે એ ડબ્બામાંથી ઉતરી બીજામાં બેસવા વિચાર કર્યો, પણ એવામાં ગાડી ચાલવા માંડી, એટલે લાચારીથી ત્યાંજ બેસી રહી. તેણે ધાર્યુ કે, હું આ પોશાકના સન્માનથી બચી જઈશ; પણ તેમ થયું નહિ. તેમની ખરાબ વાતચીતને બૂમો પાડવાનો આરંભ થયો. દોરા અપશબ્દો સાંભળીને માથાથી પગ સુધી થરથરવા લાગી. દોરાએ મનમાં વિચાર કર્યો કે, તેમને કાંઈ ન કહેતાં ચુપ થઈ બેસવું ઠીક છે અને બીજા રટેશન ઉપરથી બીજો ડબો બદલીશ.
પરંતુ તેમ બની શકયું નહિ. તેથી તેઓ ધીમે ધીમે બૂમો પાડવા તથા ગાળો દેવા લાગ્યા. ત્યારે તેણે વિચાર કર્યો કે “હું સ્ત્રી છું એટલું જ નહિ પણ ભગિનીના પોશાકમાં આ સૌ અપશબ્દ સાંભળું છું, તેથી તેઓ મનમાં શો વિચાર બાંધશે ? મારે હમણાંજ એમને અટકાવવા જોઈએ.” આવા વિચાર કરી તે ગંભીર બની ઉભી થઇ અને મોટેથી કહેવા લાગી કે “તમે ભગવાનના નામે આવી ખરાબ ભાષા બોલો છો તે હું તેની સેવક થઈ કદી પણ સાંભળવાની ઈરછા રાખતી નથી.” આ સાંભળતાં જ તેમણે હો હા કરી મોટી ગડબડ મચાવી દીધી અને તેનું કપડું પકડી જગ્યા પર બેસાડી દીધી. ત્યારપછી ઘણા ઉત્સાહથી તેઓ ગાળો ભાંડવા લાગ્યા. એક જણ બોલ્યો ‘‘ઓ બુઢ્ઢિ ! મોં સંભાળ નહિ તો હમણાં મોં ભાંગી નાખીશ.” બીજા બે જણાએ બે બાજુએથી પકડી દોરાને બેસાડી દીધી. દોરા બીજી કાંઈ ગડબડ ન કરતાં પોતાની ફરજ પોતે બજાવી છે એમ સમજી સંતુષ્ટ થઈ. બીજા સ્ટેશન પર તે તરત ઉતરી પડી અને સ્ટેશનપર ઉભી રહી. એટલામાં પછવાડેથી એક માણસ કર્કશ સ્વરથી બોલ્યો કે “આવો, આપણે હાથ મેળવીએ. તમે ઘણાંજ બહાદુર છો. તમે ઠીક કહ્યું હતું. અમારો અન્યાય થયો હતો.” બહેન દોરાએ તેની સાથે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો, એટલે તે શેકહેન્ડ કરી પેાતાના સોબતીઓ મશ્કરી કરે એ ભયથી તે જલદી ત્યાંથી જતો રહ્યો.
બહેન દોરા પર — સેવાને માટે સર્વદા તૈયાર રહેતી. તેના સૂવાના બિછાના ઉપર એક ઘંટ ટાંગેલો હતો. અર્ધી રાત્રે કોઈ જખમી માણસ આવી ઘંટની દોરી ખેંચે કે દોરા જાગીને બોલતી “પ્રભુ પરમેશ્વર પોતે દરદીરૂપે આવી મને બોલાવે છે.” ખરેખર જેણે પર – સેવામાં જીવન અર્પણ કર્યું છે તેમને મન તો તે પ્રભુસેવાજ છે.
હૉસ્પિટલના બગીચામાં જે ફળમૂળ થતાં હતાં તે બધાં રોગીઓના કામમાં આવતાં. દોરા પાતે મીઠાં ફળ સમારી દરેક રોગીને ભાવતાં ફળ માતાની માફક વહેંચી આપતી.
ભગિની દોરાના આવા માયાળુ વર્તનથી રોગીઓ હોસ્પિટલ છોડ્યા પછી પણ તેનાપર સદ્ભાવ રાખતા. સંતાનવત્સલ માતાની માફક દોરાએ સૌનાં ચિત્ત એવાં તો આકર્ષી લીધાં હતાં કે રોગીઓ તથા એના સંબંધમાં આવનાર અન્ય માણસો પોતાની કઠોરતા, નીચતા અને સ્વાર્થીપણું છોડી શાંત બની જતાં.
એક વેળા તે એક ગૃહસ્થને ઘેર ગાડીમાં બેસી રોગીની સેવા કરવા જતી હતી. દરવાજા ઉપર ઉતરી હાથ લંબાવી ગાડીવાનને એક પાવલી આપવા જતી હતી એવામાં ગાડીવાન તેના મોં સામે થોડી વાર જોઇ રહ્યો અને બોલ્યો “બહેન ! શું હું આપની પાસેથી ભાડું લઈશ ? નહિ નહિ, હું આપને સારી પેઠે ઓળખું છું.” દેારા બહેન આ સાંભળી મનમાં ને મનમાં એની કૃતજ્ઞતાની પ્રશંસા કરતી ગૃહસ્થના ઘરમાં ગઈ.
દોરા રોગીઓના ચિત્તનું આકર્ષણ કરતી હતી એટલું જ નહિ પણ ગરીબ તથા પૈસાદાર સૌ તેને ચાહતા. તેમની શારીરિક, માનસિક તથા નૈતિક સૌ પ્રકારની નિર્બળતા દૂર કરવા તે પ્રયત્ન કરતી. કંઈ પણ મોટ૫ રાખ્યા વિના તે સૌ સાથે છુટથી હળી જતી. ઉપદેશક છતાં પણ શિષ્યની પેઠે આચરણ રાખતી. કેવો મહદ્ભાવ ! આજકાલ ગુરુપદ એવું ગમતું થઈ પડ્યું છે કે શિષ્ય શોધવા દુર્લભ થઈ પડે છે; જ્યારે દોરા પોતે ઉંચા કુળની તેમજ ઉપદેશક હોવા છતાં સામાન્ય લોકો પાસેથી જે કાંઈ શીખવા જેવું હોય તે તેમને ઘેર જઈ શીખી લેતી. પોતે પારકાનું ભલું કેટલું કર્યું તેની ગણત્રી ન કરતાં, પોતાના પર પારકાનો કેટલો ભાર ચઢ્યો છે તેનો તે હમેશાં વિચાર કરતી.
કોમળ હૃદયવાળી દોરાનું અંતર સર્વદા સ્વર્ગીય વિચારો તરફ વળતું. મનને જે ઉપાયથી પ્રભુ પ્રતિ વાળી શકાય તે ઉપાય ચેાજતી. એક દહાડો એક નવ વર્ષની બાલિકાને હૉસ્પિટલમાં લાવવામાં આવી. તેને જીવવાની કાંઈ પણ આશા નહોતી. મોતની છેલ્લી ઘડીએ દોરા માતાની માફક તેને ધીરજ આપવા લાગી અને ધીમે ધીમે પ્રભુના ઘરની વાત તેને સમજાવવા લાગી. તે બોલી “બહેન ! તું એવી જગ્યાએ જઇશ કે ત્યાં કોઇ દુઃખ પડશે નહિ. ભૂખતરસ કાંઈ પણ લાગશે નહિ. તે જગ્યાએ જવા માટે તું તૈયાર થા.” બાલિકાએ બહેનની વાત સાંભળી હર્ષથી તેના મોં તરફ જોઈ સામેના ફૂલ તરફ નજર કરી બોલી “બહેન ! આપ જ્યારે સ્વર્ગમાં આવશો ત્યારે એક ફૂલનો ગોટો લાવી સ્વર્ગના દરવાજાપરથી આપને લઈ જઈશ.” આટલું બોલી બાલિકાએ હસતે ચહેરે પ્રાણત્યાગ કર્યો.
વાલ્સલ હૉસ્પિટલનો એક રોગી બહેન દોરા વિષે જે વૃત્તાંત લખે છે તેમાંથી નીચેની હકીકત આપવામાં આવે છે :–
સને ૧૮૬૯ માં એક ૧૪ વર્ષનો બાળકે લોઢાની ખાણમાં કામ કરતાં ઘણો જખમી થયો હતો. તરતજ તેને હૉસ્પિટલમાં આણ્યો. આ વેળા આશ્રમના સૌ ખાટલા રોકાઈ ગયેલા હતા. ખાટલો ખાલી ન હોવાથી તે બાળકને પાછો લઇ જવા કેટલાક માણસોએ કહ્યું; પણ બહેન દોરાને એ ખબર થતાંજ તે બાળક પાસે ગઈ. બાળકની પીડા જોઈ તેનું હૃદય દુઃખી થયું. તેને પાછો ન મોકલતાં ટેબલ પર બિછાનું કરી ત્યાં રાખ્યો અને સેવા કરવા લાગી. કેટલાક દિવસ પછી જ્યારે ખાટલો ખાલી પડ્યો ત્યારે તેને ત્યાં સૂવાડયો. સવારે તેના શરીર ઉપરનાં વસ્ત્રાદિ સાફ કરતી. રાત્રે બે પહોર સુધી જાગી એની સેવાચાકરી કરતી. તેની પાસે એક ઘંટ રાખી મૂકેલો કે જે તે વગાડે કે તરત માતા સમાન દોરા તેની પાસે આવી ખબર પૂછતી. બાળક કોઈ વાર કાંઈજ કહી નહિ શકતાં, માત્ર આંખમાં આંસુ લાવી દોરા તરફ જોઈ રહેતો. અસહ્ય પીડાથી દુઃખી થતો બાળક કોઈ વાર કહેતો કે, હું શું માગું છું તેનું નામ જાણતો નથી. એ સાંભળી દોરા પૂછતી “તારે તકિયો ખસેડું ?” બાળક કાંઇ ન સમજતાં હા કહેતો. વળી થોડી વાર પછી પાછો ઘંટ વગાડી દોરાને બોલાવતો, પણ જ્યારે તે આવીને પૂછતી ત્યારે કાંઈ કહી શકતો નહિ એટલે દોરા તેનો પગ ફેરવતી, હાથ ઠીક કરતી તથા પાસુ ફેરવી આપતી. આવી રીતે રોગીને જેથી આરામ થતો ધારે તેમ કરતી. બાળકની ખરી ઈચ્છા એ કે, દોરા બહેનના મૂર્તિ પાસેથી ન ખસવા દેતાં તેના તરફ જોઇ શાંતિ મેળવવી અને એ હેતુથીજ તે વારંવાર ઘંટ વગાડતો. બાળકનું આવું કૃત્ય જોઈ રોગીઓ બબડી ઉઠ્યા કે, એ ઘંટ એની પાસેથી લઈ લો કે જેથી દોરા બહેનને આપદા પાડતો અટકે. પણ દયાળુ દોરાએ કહ્યું “ભલેને એથી પણ વધારે ઘંટ વગાડયા કરે, હું વારંવાર ઉઠી એની ખબર લઇશ અને એને શાંતિ મળે એમ કરીશ.” આ રોગીને માટે તેનું મન એટલું તો ચિંતાતુર રહેતું કે કોઇ કોઇ વાર તો દોરા રાત્રે એકદમ જાગીને ધારતી કે બાળક ઘંટ વગાડી મને બોલાવે છે. તે પોતે એ રોગીની રુચિ પ્રમાણે ભોજન તૈયાર કરી સ્નેહથી ખવરાવતી. તેની આવી સેવાચાકરી જોઈ અન્યને એમ ભાસે કે એને બીજા કોઈ રોગીની સેવા કરવાની ન હોય ! પણ નવાઇ જેવું એ હતું કે, દરેકે દરેક રોગીને માટે તે આટલી બધી કાળજી રાખી તેમની સેવા કરતી.
રોગીની ચાકરીમાં આટલો બધો પરિશ્રમ લેતી તોપણ કદાચ થાડો અવકાશ મળતો તો તે સમયમાં રોગીનાં કપડાં શીવતી. અથવા સારાં સારાં પુસ્તક વાંચી સંભળાવતી અથવા તો રમતગમત કરી તેમને આનંદ આપતી.
આ સર્વ કામ કરવા છતાં પણ પ્રાર્થના કરવાને તે તત્પર રહેતી. તેની પાસે રોગીની સેવા કરવાનું શિક્ષણ લેવા આવતી સ્ત્રીઓ કેવળ જખમ ધોવાનું, ઔષધ ચોપડવાનું કે એવું કાંઈ હૉસ્પિટલને લગતું કામ શીખીનેજ જતી એમ નહોતું. પરંતુ વિશેષમાં તેઓ એ પણ શીખી જતી કે, જ્યાંસુધી ઈશ્વર તરફ ઉંડો પ્રેમ જન્મતો નથી, ત્યાંસુધી જનસમાજ ઉપર જોઈએ તેવો પ્રેમ ઉત્પન્ન શકાતો નથી. પરમેશ્વરપર દૃઢ પ્રેમ સ્થાપન કરી શકાય તોજ જનસમાજનું ભલું કરવા સમર્થ થવાય છે; નહિ તો ક્ષુદ્ર સ્વાર્થ વીસરી તન, મન અને ધન લોકસેવામાં અર્પણ કરવું એ બહું મુશ્કેલ છે. સૌ કેાઈ જોઈ શકતા કે, દોરા સામાન્ય સ્ત્રી હોવા છતાં પણ માત્ર પ્રભુપ્રેમમાં લીન થઈને જ તે કેવા પ્રેમથી પ૨માર્થમાં લાગી રહી છે. તે એકલીજ કેવા બળથી અને ઉત્સાહથી હૉસ્પિટલનું કામ કરે છે ! જો મૂળમાં પ્રભુ પ્રત્યે પ્રેમની લાગણી ન હોય તો મનુષ્ય કદી પણ આવું પરમાર્થી જીવન ગાળી શકે નહિ. દોરા કહેતી કે, કર્તવ્ય ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવાનો નિયમ ત્રણ શબ્દોમાં કહી શકાય એમ છે તે નિયમ તે ઈશ્વર ઉપર પ્રેમ.
આશ્રમના સર્વ લોકોને તે વિશેષભાવથી પ્રાર્થના કરવા વીનવતી. તે કહેતી કે, સૌ એકઠા થઇ હોસ્પિટલના કલ્યાણમાટે પ્રાર્થના કરીશું નહિ તો એનું કામ ઉત્તમ રીતે નભી શકવાનું નથી. દોરા જે ઉપદેશ આપતી તે પ્રમાણે તે પોતે પણ વર્તતી. સિદ્ધિદાતા જગદીશ્વરનું સ્મરણ કર્યા વિના કદી પણ તે રોગીના જખમને અડકતી નહિ. જખમ ધોવા પહેલાં તે પ્રાર્થના કરતી કે “હે ઈશ્વર ! હું તો માત્ર તારું હથિયાર છું. યથાર્થ વૈદ્ય તો તુંજ છે. તું આ જખમને સાજો કર.” વૈદ્ય આવીને વાઢકાપ કરતા તે વેળા પાસે ૨હી દોરાને તેના કહેવા મુજબ મદદ કરવી પડતી. મદદ કરતાં કરતાં પણ અંતરથી તે દયાસિંધુ ઈશ્વરની પ્રાર્થના કરતી.
જેમ જેમ વર્ષો વીતવા માંડ્યાં તેમ તેમ દોરાનું જીવન પ્રાર્થનામય થવા લાગ્યું. તેની પ્રાર્થના વિશ્વાસમય હતી. પ્રાર્થના માનવજીવનનું કર્તવ્ય છે અથવા એ દ્વારા પરલોકમાં સદ્ગતિ થાય છે એમ જાણી તે પ્રાર્થના કરતી નહોતી. તે જાણતી હતી કે, સદ્ભાવે પ્રભુ પાસેથી જે માગવામાં આવે છે તે મળે છેજ; તેથી સૌ કામમાં તથા સર્વ વ્યવહારપૂર્વે તે પ્રભુપ્રાર્થના કરતી. તે કહેતી કે “પ્રાર્થના એક મોટું હથિયાર છે. મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસથી આ હથિયાર ચલાવી શકે તો સુષ્ટિમાં કોઇને કષ્ટ પડે નહિ. દુનિયામાં માણસ દુઃખના હાથથી છૂટી શકતો નથી તેનું મૂળકારણ અવિશ્વાસજ છે. મનુષ્ય પ્રાર્થના કરે છે ખરો, પણ પૂર્ણ વિશ્વાસથી નહિ; અને તેથીજ સંસારનું દુઃખ દૂર થતું નથી.” ખરા વિશ્વાસથી પ્રાર્થના કરવી એ રોગીને માટે મહૌષધિની ગરજ સારે છે. રોગીનું મન, શરીર ને આત્મા માત્ર પ્રાર્થનાથીજ શાંત થાય છે. પ્રાર્થના જેવું બીજું ઔષધ નથી.
હૉસ્પિટલનો વ્યાપાર કેવો ભયંકર હોય છે ! પુષ્કળ માણસોને બેશુદ્ધિમાં લાવવામાં આવે છે અને તે અવસ્થામાં જ કેટલાકનું મરણ નીપજે છે. દોરા એ સૌ રોગીના બિછાના પાસે બેસી વ્યથિત હ્રદયથી અને અતિશય આતુરતાથી તેમના કલ્યાણ માટે પ્રભુસ્તવન કરતી. કોઈ કોઈ વાર તો આખી રાત તે આમ રોગીની પાસે બેસી પ્રાર્થના કરતી.
ધર્મરાજ્યનો વ્યાપાર ઘણોજ આશ્ચર્યકારક છે. પરમેશ્વરપર નિષ્ઠા રાખવાથી તેની સાથે એવો તો ઘાડો સંબંધ સ્થપાય છે કે તેનું વર્ણન વાણીથી થવું અશક્ય છે. ઈશ્વરના યથાર્થ ભક્તના અને સંસારીના આચરણમાં મળતાપણું હોતું નથી. પ્રભુભક્તો પ્રભુની આજ્ઞાવિના એક પણ ડગ આગળ ચાલતા નથી. ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં વગેરે જીવનનાં સઘળાં કાર્યમાં તેમનું આવું વર્તન નજરે પડે છે. નાનાં બાળકો જેમ સર્વદા માબાપની આજ્ઞા મુજબ વર્તે છે, તેમ સરળ વિશ્વાસી સ્ત્રીપુરુષો પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલે છે. નાસ્તિકતામાંથી ધીમે ધીમે દોરા પણ બાળકના જેવી શ્રદ્ધાળુ થઈ. એક રાત્રે તે રોગીઆશ્રમનાં સર્વ કામ પૂરાં કરી નીરાંતે સૂતી હતી તેટલામાં અવાજ સંભળાયો કે “દોરા ! જલદી ઉઠ. તારો એક રોગી મરે છે.” દોરા ચકિત થઈ. દરરોજની માફક આજે પણ સૂતા પહેલાં દરેક રોગીની અવસ્થા તેણે જોઈ હતી. કોઈ પણ રોગીનું મરણ નીપજવાનાં ચિહ્ન જણાતાં નહોતાં, તેથી આ શબ્દ સાંભળીને અજબ થઇ ગઇ; અને રોગીઓની તપાસ લેતાં તરતજ જણાવ્યું કે, તેજ દહાડે સવારે જે રોગીને વાઢકાપ કર્યું હતું તેની એક મોટી નસનો પાટો છુટી ગયો હતો અને તેમાંથી લોહી વહેતું હતું. તેથી મોત નીપજવાનો સંભવ હતો પણ પાછો પાટો બાંધી દેવાથી રોગી બચ્યો.
હ્રદયનો કોમળ ભાવ નાશ ન પામે તે માટે દોરા સાવધ રહેતી. હોસ્પિટલમાં સદા મોત થયા કરે છે તેથી ત્યાં રહેનારનાં હૃદય ધીમે ધીમે એવાં કઠણ થઈ જાય છે કે મોત તો તેના મનથી એક સામાન્ય વ્યાપાર થઇ જાય છે. દોરાનું અંતર આવું ન થાય તે માટે તે પહેલાંથીજ સાવધાન રહેતી. કોઇ રોગીનુ મોત થતાં તરત તે મૃતદેહને શબ રાખવાના ઓરડામાં લઈ જતી. ત્યાં નવાં વસ્ત્ર તથા પુષ્પથી શોભાયમાન કરી સમાધિસ્થાનમાં મોકલી દેતી.
૪ – શીતળાનો રોગ (ઇ. સ. ૧૮૭૫)
ઈ. સ. ૧૮૭૫ના ફેબ્રુઆરીના પ્રથમ ભાગમાં વાલ્સલમાં ફરીથી ભયંકર શીતળાનો ઉપદ્રવ જાગ્યો. જોતજોતામાં તો આ રોગ લગભગ ઘેરઘેર વ્યાપી ગયો. ૧૮૬૮ માં શીતળાના સપાટા વેળાએ કામદારોએ નગરની બહાર શીતળાના રોગી માટે એક નોખું આશ્રમ તૈયાર કર્યું હતું અને બીજા પણ કેટલાક ચેપી રોગને માટે આ આશ્રમ ખુલ્લું મૂક્યું હતું. પરંતુ લોકો તે વખતે ત્યાં જવા ચાહતા ન હતા.
રોગની શરૂઆતમાં જો સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે તો તે વિશેષ ફેલાય નહિ અને વધુ માણસના જીવ જાય નહિ. કામદાર લોકો સૌના ભલા માટે પીડિત માણસને આ આશ્રમમાં લાવવા ચાહતા, પણ મૂર્ખ માણસો જનસમાજના ભલામાં સમજતા નહોતા. પોતાનાં ઘર અને સગાંવહાલાં છોડી પારકાની પાસે રોગીઆશ્રમમાં રહેવા કરતાં પોતાનાં સગાંવહાલાં સાથે પોતાનીજ ઝુંપડીમાં પડી રહેવું તેઓ સુખદાયક સમજતાં. આથી જે આશાએ મ્યુનીસિપાલીટીના કારભારીઓએ આશ્રમ તૈયાર કરાવેલું તે આશા સફળ થઈ નહિ. કારભારીએ આ રોગ કેમ અટકાવવો તેના ભારે વિચારમાં પડ્યા.
પહેલાં જ્યારે શીતળાનો ઉપદ્રવ જાગ્યો હતો ત્યારે દોરા બહેને નિશ્ચય કર્યો હતો કે, ભવિષ્યમાં કદાચ આ રોગ જોવામાં આવે તો તેને પ્રથમથી જ અટકાવવો. આ વખતે જ્યારે એણે જાણ્યું કે, લોકો કામદાર ને પોલીસના ભયથી કેસ અંદર અંદર છુપાવે છે, ત્યારે તેણે મુખ્ય કારભારીને લખી મોકલ્યું કે, ઉડતા રોગનું આશ્રમ જલદીથી ઉઘાડવું જોઈએ. હું હાલનું કામ છોડી જેટલા દિવસ જરૂર જણાશે ત્યાંસુધી તે આશ્રમમાં રહી રોગીની સેવા કરવા તૈયાર છું. કારભારીઓ આ વાત સાંભળતાંજ ઘણા આનંદ પામ્યા. તે સારી પેઠે જાણતા હતા કે, બહેન દોરાનું નામ સાંભળતાંજ લોકો આતુરતાથી આશ્રમમાં આવશે. રોગીને સમજાવીને આણવા પડશે નહિ. એની મેળજ તેનાં સગાવહાલાં આવી મૂકી જશે.
પરંતુ એક વિચાર ઉદય થતાં તેમના મનમાં કષ્ટ થવા લાગ્યું. એક બાજુ ભવિષ્યની પીડાથી ઘણા લોકોના જીવ બચશે એવું જોઈ આનંદ દર્શાવતા ત્યારે બીજી બાજુ ભગિની દોરાને આવા ભયંકર કામમાં હાથ નાખતી જોઇ તેના પ્રાણ જવાનો સંભવ જાણી ચિંતાતુર થયા; પણ આ સમય ચિંતાતુર થઈ બેસી રહેવાનો નહોતો.
આખરે બહેન દોરાને શીતળાના આશ્રમમાં મોકલવાનું નક્કી ઠર્યું; પણ વાલ્સલની હૉસ્પિટલમાં શો બંદોબસ્ત કરવો તેની ચિંતા કરવા લાગ્યા. ત્યાં જે ત્રણ છાત્રાઓ હતી તેમાંથી એકને તેની જગ્યાએ નીમી. આ વખતે રોગી આશ્રમમાં પણ ઘણા ભારે રોગવાળા રોગીઓ હતા. અન્ય કોઈ કારણ હોત તો દોરા તે આશ્રમ છોડી ખસત નહિ; પણ તેણે વિચાર કર્યો કે, રોગીઆશ્રમનું કામ તો કદાચ કોઈ વૈદ્ય ચલાવી શકશે, પણ શીતળાના રોગને માટે સેવા કરનાર મળવા દુર્લભ છે. વળી તે ધારતી હતી કે, જો હું જાંઉ તો મારું નામ સાંભળીનેજ લોકો માંહમાંહે રોગ છુપાવવાને બદલે એ આશ્રમમાં આવશે. અને જો હું જઇશ નહિ તો ભલે મ્યુનીસિપાલીટીના કારભારીઓ આખા ઇંગ્લઁડની દાઈઓ એકઠી કરે કે ભલે રોગીઓને પૈસાની લાલચ બતાવવામાં આવે તો પણ કોઈ રોગી શીતળાના આશ્રમમાં જશે નહિ. દોરાનું આ ધારવું ખરૂંજ હતું. જ્યારે લેાકોમાં ખબર ફેલાઈ કે, દોરા શીતળાના રોગીની સેવા કરવા જાય છે ત્યારે નાનાંમોટાં સૌ કોઈ આનંદ પામ્યાં.
દોરા જે બોલતી તે કરતીજ. તે એકદમ વાલ્સલનો રોગીઆશ્રમ છોડી શીતળા માટેના નવા આશ્રમમાં ગઈ. જૂના આશ્રમના રોગીઓને માટે તે કાંઈ સારો બંદોબસ્ત કરી શકી નહિ; કારણ કે તે જાણતી હતી કે, ગમે તેવો બંદોબસ્ત કરવામાં આવશે પણ હું જઈશ એટલે કોઈ પણ સારી પેઠે કામ ચલાવી શકશે નહિ. આવું ધારી જેમ થવાનું હોય તેમ થશે એવું સમજી નવા આશ્રમમાં આવી હતી; પણ મનમાં તેને શંકા રહેતી કે, રખેને કદાચ મારે પાછું તો નહિ ફરવું પડે.
દોરા શીતળાના રોગીની હૉસ્પિટલમાં જઈ જુએ છે તો ત્યાંનો દેખાવ ઘણો ભયાનક હતો. રોગીનું આખું શરીર સડીને ચારે બાજુએ દુર્ગંધ ફેલાતી. આ દેખાવ જોઈ કોનું શરીર ન કંપે ? નવા આશ્રમમાં આવા રોગી જોતાંજ એક મુર્હૂતને માટે તો દોરાની હિંમત જતી રહી. તે બોલી “હું પોતેજ ખુશીથી આ આશ્રમમાં સેવાર્થે આવી તો ખરી, પણ આ ભયાનક સ્થળે શી રીતે રહી શકીશ ?”
આ આશ્રમમાં રોગીને માટે સારો બંદોબસ્ત કર્યો હતો. ૨૮ રોગીને રાખવાની બધી સોઈ કરી હતી. જલદીથી ૨૮ ખાટલા ભરાઇ ગયા. અહીં તે એકલી કામ કરવા તૈયાર થઈ હતી. એક ચાકર તેને મદદ આપતો, પણ વખત મળે કે તે દારૂ પીવા જતો રહેતો. કેાઈ કોઈ વાર તો આખી રાત છાકટો થઈ બહાર રખડતો અને દોરા બહેન એકલી રોગીઓ સાથે રહેતી.
દોરાના આ નવા આશ્રમમાં આવ્યા પછીના પહેલે રવિવારે તેણે વાલ્સલની હોસ્પિટલમાં એક સ્ત્રીપર નીચે મુજ એ પત્ર લખ્યો હતો :–
પ્રિય બહેન ! આજે રવિવાર છે, તમે આજે દેવળમાં શાનો ઉપદેશ સાંભળ્યો ? મારે માટે તમને આજ વિચાર આવ્યો હતો ? બપોરે પ્રાર્થના કરવાની કદી પણ ભૂલશો નહિ. મને યાદ કરી તમે ક્લેશ પામશો નહિ. તમને કોઈ દુઃખ જણાય ત્યારે મને લખજો. અત્રે નાનાં નાનાં છોકરાં પણ આખા શરીરે શીતળાથી સડી ગયાં છે. હું તેમને ઘણી સંભાળથી સ્વચ્છ રાખું છું. મને ડર લાગે છે કે, એમને સાફ કરતાં મને આ રોગ લાગુ પડશે. એક અઢાર વર્ષની ઉંમરના બાળકને એવો તો ભયંકર રોગ થયો છે કે તેના પેટમાં કાંઈ રહેતું નથી. ખાય છે તે ઓકી કાઢે છે. સર્વદા બકે છે અને બિછાના પરથી ઉઠી વારંવાર નાસવા પ્રયત્ન કરે છે. રોગીઓનાં પહેરણ મારે સીવવાં પડ્યાં છે. અહીં જોઈતી ચીજ સહેલથી મળી શકતી નથી. હું આજ સવારે પ્રાર્થના કરતી હતી ત્યારે એક સ્ત્રી પોતાનું પાપ સ્મરણ કરી ઘણું રોતી હતી. અહીં એવો એક પણ રોગી નથી કે જે મને ઓળખતો ન હોય. આજે એક પોલીસનો માણસ મને મળવા આવ્યો હતો. તેણે કહ્યું કે “અમે આખા નગરમાં ખબર આપી છે કે, બહેન દોરા જ્યારે પોતે શીતળાના રોગીઆશ્રમમાં આવી છે ત્યારે હવે એ રોગનો ભય નથી.” આ સાંભળી મને ઘણો આનંદ થયો. આ સાથે એક પત્ર રોગીઓને લખ્યો છે. તે તેમને વાંચી સંભળાવજો.
બહેન દોરાએ રોગીઓને જે પત્ર લખ્યો હતો તે પત્ર અહીં આપવામાં આવે છે :–
“પ્રિય સંતાનો !
તમારી માતા તમને છોડીને આવી છે. એથી તમને ખોટું લાગ્યું હશે. તમને છોડીને આવવું મને એટલું બધું અઘરૂં લાગ્યું કે આવતી વેળા તમારી રજા લેવા પણ આવી શકી નહિ. હું તમને કેટલી ચાહું છું? તમારે માટે કેવી ચિંતા રાખું છું તે તમે સારી પેઠે જાણો છો. તમારે માટે ચિંતા રાખું છું તેથીજ હું અહીં આવી છું. કારણ કે નગરમાં ફ્રેલાયેલા ભયંકર શીતળા રોગની ગતિ પ્રથમથીજ અટકાવવામાં ન આવે તો ઘણા થોડા વખતમાં તમારાં સગાંવહાલાં આ દુષ્ટ રોગથી મરણ પામે. જો હું અહી ન આવી હોત તેા કેાઇ રાગી આ આશ્રમમાં આવત નહિ. અહી શીતળાનો રોગ એવો ભયંકર ચાલે છે કે જે સાંભળ્યાથી તમારા શરીરે રોમાંચ થાય.”
આટલું લખ્યા પછી તેણે દરેક રોગીનાં નામ લખી ઘણીક બીના તેમને પૂછી હતી. દરેક રોગીનું એક જૂદું નામ તે પાડતી હતી તે એ હેતુથી કે, જૂના નામ સાથે પુરાતન પાપાચાર છોડી દઈ નવા ભાવથી તેઓ જીવન ગાળતાં શીખે.
કેટલાક માણસો ખરાબ આચરણથી પોતાના નામને કલંકિત કરી જનમંડળમાં છુપા રહેવા નવાં નામ ધારણ કરે છે. દોરા બહેનનો ઉદ્દેશ લોકોને ઠગવા માટે નવું નામ આપવાનો નહોતો. પરંતુ પાપકર્મથી કલંકિત સ્વભાવને સારે રસ્તે વાળવા ખાતર જૂનાં નામ વિસરાવી નવા નામથી તેમને ઓળખાવતી.
ઉપલા પત્રમાં તેણે એક બાળક જે તેને ઘણો વહાલો હતો તેને લખ્યું હતું કે “મારી પાસે તને રાખવાની મારી ઘણી ઈચ્છા થાય છે, પણ લાચાર છું કે તેમ થઈ શકતું નથી. તું આજ દેવળમાં ગયો હતો કે ? પ્રાર્થના કરવા માટે વખતસર જજે. અહીં મારી પાસે બે સુંદર બાળકો છે, જેઓ ધર્મ સંગીત ગાયા કરે છે તેથી મને ઘણો આનંદ થાય છે. હે પ્રિય સંતાનો ! હું તમારી થોડી સેવા કરું છું તે માટે તમે મારાપર આટલો બધો પ્યાર રાખો છે, ત્યારે પ્રભુ કે જે મારા કરતાં પણ તમને વધારે મદદ કરે છે, તમને સુખી કરવા સદા યત્ન કરે છે તેને શું તમે ચાહશો નહિ ? તમે હમેશાં પ્રભુને યાદ કરજો. રોગની પીડામાં પણ તેનું જ ચિંતન કરજો. હું ધારૂં છું કે, તમે સૌ સ્વર્ગમાં જવાની ઇચ્છા કરો છો તો હજી જે સમય બાકી છે તેટલા સમચમાં ત્યાં જવાનો માર્ગ શૈાધી લ્યો. તમે રોગથી પીડાઈને આ આશ્રમમાં આવ્યા એ પરમેશ્વરની તમારાપર માટી દયા છે; કારણ કે તમે તેને છોડીને ખોટે માર્ગે જતા હતા. પ્રભુએ જોયું કે, સુખસંપત્તિની વેળાએ તમે તેના તરફ જોતા નથી અને સારો માર્ગ પકડતા નથી; તેથી આ કષ્ટ આપી તે તમને પાછા ધર્મના માર્ગમાં લાવે છે, એ સૌ યાદ રાખજો. તમારી માતા તમારે માટે સર્વદા ચિંતા કરે છે. પ્રભુ આગળ તમારા ભલા માટે પ્રાર્થના કરે છે. જે પ્રભુઈચ્છાથી કદાચ આ શીતળાના રોગથી હું સપડાઈ જાઉં તો આ જગતમાં તમારી માતાને જોઈ શકશો નહિં. પરલોકમાં મેળાપ થઈ શકશે. હું પ્રાર્થના કરૂં છું કે, દયાળુ ઈશ્વર તમારી રક્ષા કરો.”
દોરાને આ શીતળાઆશ્રમમાં પણ ઘણા જણ મળવા આવતા. વૈદ્ય તો દરરોજ આવતો હતો. વાત્સલ હોસ્પિટલનો મંત્રી પણ તેને ઘણો ચાહતો હતો તેથી તે પણ વારંવાર આવતો અને આશ્રમના રોગીની ખબર દોરા બહેનને આપતો. વળી સારાં સારાં પુસ્તકો, સુંદર પુષ્પો અને જોઈતી વસ્તુઓ અથવા જેથી દોરાનું ચિત્ત આનંદ પામે એવી વસ્તુ લાવી આપતો. જૂના રોગીઓ જે આશ્રમ છોડી ગયા હતા તે પણ તેને મળવા આવતા.
બેલ નામનો એક માણસ એક વાર વાલ્સલની હોસ્પિટલમાં રહ્યો હતો. તેને પગ પાકવાથી તે ચાર માસ સુધી ત્યાં રહ્યો હતો. આ માણસને આશ્રમ છોડતાં પહેલાં સ્મરણચિહન તરીકે દોરા બહેને એક પુસ્તક આપ્યું હતું. તેમાં નીચે લખેલી ત્રણ શિખામણ પોતાને હાથે લખીને આપી હતીઃ-
(૧) દરમહિને એક વાર દોરા બહેનને મળવા આવજે.
(૨) દરરોજ નિયમિત રીતે દેવળમાં જજે.
(૩) સર્વથી પહેલાં પ્રભુનું રાજય અને તેનો પવિત્ર ન્યાય સ્થાપવા પ્રયત્ન કરજે.
તે આશ્રમમાં રહેતો ત્યારે ભગિની દોરા દર રવિવારે તથા બુધવારે તેને દેવળમાં લઈ જતી, જેથી દોરા બહેનને તે ઘણું જ ચાહતો. કામ કર્યા પછી જે વખત મળતો તે વખતમાં તે બહેન દોરા પાસે આવી બેસતો. તે કહેતો કે "બહેન મારાપર કેટલો બધો પ્રેમ તથા ચિંતા રાખે છે તેનું હું વર્ણન કરી શકતો નથી.”
કોણ જાણે દોરા બહેનને કદાચ શીતળાનો ચેપ લાગી જાય અને તે આ રોગની ભોગ થઈ પડે; એ ડરથી લેાકો તેને વારંવાર જોવા આવતા. તેમને તે વારંવાર આવવાની મના કરતી તોપણ તેઓ સૌની તેના પર એટલી બધી પ્રીતિ હતી કે મૃત્યુના ભયથી નહિ ડરતાં તેઓ વારંવાર આવતા અને દોરા તેમને અટકાવી શકી નહિ.
શીતળા-આશ્રમમાં તેનું કામ ઘણું વધી પડયું. બીજા ઘણા બંધુઓ તેને મદદ કરવા આવવા ચાહતા હતા, પણ સૌને તેણે મનાઈ કરી.તે કહેતી કે ‘‘તમે અહીં આવશો નહિ. કારણ કે રોગીઓના શરીરમાંથી એવી દુર્ગંધ નીકળે છે કે તમને આ રોગ લાગુ પડશે. અહીં પરમેશ્વરની મારાપર કેટલી બધી કૃપા કે તેની આ અયોગ્ય કન્યાને આ મહાન કામમાં નિયુક્ત કરી છે. આ મહાન વ્રતમાંજ જો મારો પ્રાણ જાય તો કેટલા બધા આનંદની વાત ! એની દયાનો વિચાર આવતાં મારૂં અંતર કૃતજ્ઞતાથી ઉભરાય છે. હું જ્યારે રોગીની સેવા કરવામાં રોકાઉં છું ત્યારે જાણે મારા અંતરમાંથી મને ગૂઢ અવાજ સંભળાય છે કે 'દોરા ! તું મારીજ સેવા કરે છે ! "
દોરાએ આ ભયાનક સ્થાનમાં રહેતી વેળા એક મિત્રને આવો પત્ર લખ્યો હતાો:- ચારે બાજૂએ જાણે મોત ઉભું રહેલું છે. હું પણ સર્વદા મોતને માટે તૈયારજ છું. મારૂં હૃદય હમણાં શાંતિસુખસાગરમાં તણાય છે. હું અહી એવા આનંદમાં રહું છું કે જેનું વર્ણન મારાથી થઈ શકતું નથી. હું સંસારી હોત તો આવો આનંદ-આવી શાંતિ કદી પણ હું ભોગવી શકત નહિ.
દોરા હમેશાં આપવા લેવાનો હિસાબ ચોખ્ખાોજ રાખતી. તે કહેતી કે, સર્વદા મૃત્યુને માટે તૈયાર રહેવું સારૂં છે; કારણ કે કયી વેળાએ તેડું આવશે તે કહી શકાતું નથી.
ભગિની દોરાને આ હોસ્પિટલમાં જે રોગી મળતાં તેમાંનાં ઘણાંખરાં મૂર્ખ અને હલકા સ્વભાવનાં હતાં; છતાં પણ તેઓ દોરાને એટલાં બધાં ચાહતાં કે કહેવાની વાત નહિ. પોતાનાં સગાંવહાલાં સાથે રહેવા કરતાં દોરાની દેખરેખ નીચે આ ભયાનક આશ્રમમાં રહેવાનું તેઓ વધારે પસંદ કરતાં.
દોરા રાત્રે ઘણુંખરૂં જાગતીજ રહેતી. કારણ કે ઉંઘી જાય તો રોગીનું બોલવું સંભળાય નહિ. કોઈ કોઈ વાર રોગીને પકડી રાખવા પણ ઘણા કઠણ થઇ પડતા. તે પોતાને હાથે ઘર સાફ રાખતી. રસોઈ પેાતાને હાથે કરી રોગીને જમાડતી. કેવી રસોઈ રોગીને રૂચે અને હિતકારી થાય તે વિષે વિચાર કરી ખાસ કાળજીથી રસોઈ કરતી.
દોરાની હિંમત અદ્ભુત હતી. તેને માત્ર એકજ નોકર હતો, જે વખતોવખત દારૂ પીવા જતો રહેતો અને દોરા એકલી રોગીના બિછાના પાસે બેસી રહેતી. એક વાર દોરા એકલીજ હતી તેવામાં એક રોગીના મરવાનાં ચિહ્ન જણાયાં. રોગીએ પોતાની છેલ્લી ઘડીએ પોતાના ગુરુને તેડાવી મંગાવવા દોરાને દયામણે ચેહરે વિનતિ કરી; પણ તે વેળા ત્યાં કોઈ માણસ મળે નહિ. રોગી ગુરુને મળવા ઘણોજ આતુર હતો. દોરાને બીજો કોઇ ઉપાય ન જણાવા- થી પોતેજ અંધારી રાત્રે તેને બોલાવવા ગઈ. ગુરુએ પૂછ્યું “તમે આવી અંધારી રાત્રે આવવાની ભલી હિંમત કરી ?" દોરાએ જવાબ દીધો “રાત્રે કોઈ પણ સ્થળે કામપ્રસંગે જવામાં મને ભય લાગતો નથી, પણ રોગીને મૂકીને જવાનું મને મનજ થતું નથી.”
કોઈ કોઈ માણસ વળી એવાં પણ હતાં કે રોગથી પીડાયા છતાં સગાંને છોડી આશ્રમમાં આવતાં નહોતાં. દોરા પોતે એક ગાડી લઇ રોગીને ઘેર જતી અને રોગી ખુશીથી આશ્રમમાં આવતો. ચાલી ન શકે એવા રોગીને ગાડીમાં પેાતાના ખોળામાં સૂવાડી દોરા હસતી હસતી આશ્રમમાં આવતી. અહા ! કેવો જનસેવામાં પ્રેમ !
શીતળાના રોગથી પીડિત માણસો કોઈ કોઈ વાર શબ જેવા થઈ જાય છે. એક વાર એક રોગીનું શરીર એવું તો ઠંડુ થઈ ગયું કે જાણે હમણાં મરશે. દોરાને આ વેળા બીજો ઉપાય ન જણાયાથી પોતે તેના શીતળાથી ખીચોખીચ ભરાઇ ગયેલા મુખપર પોતાનું મુખ મૂકી દવા આપવા લાગી ! અને રોગી ધીમે ધીમે સાજે થચો.
ચારે બાજૂએ રોગીઓ રોગની પીડાથી ટળવળે છે ! દારા તેમાં પ્રફુલ્લચિત્તે ભગવાનનું સમરણ કરતી કરતી તેમની સેવામાં લાગી રહી છે ! દોરા પેાતાની સમક્ષ જેમ જેમ ભયાનક વ્યાપાર જોતી, તેમ તેમ તેના અંતરમાં નવા બળનો સંચાર થતો. જે જોવાથી આપણે સ્તબ્ધ જ થઈ જઈએ તેમાં તે વિશેષ ઉત્સાહથી ઘૂમતી.
તે માત્ર રોગીની શારીરિક સેવા કરીને જ સંતોષ માનતી નહિ, તેમને ધર્મની વાતો પણ કહેતી. રોગીઓ પ્રભુની વાત સાંભળવા ઉત્સાહ બતાવતા ત્યારે તે ઘણા જ આનંદથી તેમને ધર્મોપદેશ કરતી. આવી રીતે લાગલાગટ છ માસ સુધી દોરા શીતળાના આશ્રમમાં રહી, અને જ્યારે એ રોગ તદ્દન નાબુદ થયેલો જણાચો ત્યારેજ તે પાછી વાલ્સલના રગીઆશ્રમમાં ગઈ.
ઑગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં દેરા વાલ્સલના રોગી ઓની સેવા કરવા આવી પહોંચી. તેના મિત્રો તેને સુખરૂપે આવેલી જોઈ ઘણા આનંદ પામ્યા. પરંતુ દોરાના મુખપર જાણે વિષાદની રેખા પડી હોય એમ જણાતુ. પોતે ત્યાં પ્રાણ વિસર્જન કરી શકી નહિ તે માટેજ જાણે તેને ખેદ થતો હોય એમ જણાતું. તે બોલી કે “શું હું પ્રભુના કાર્ય માં પ્રાણ આપવા યોગ્ય નથી ?” જેઓ ઈશ્વરપર ખરો વિશ્વાસ રાખે છે તેમનો ભાવ આવો જ હોય છે.
એક વાર તેના એક મિત્રે તેને પૂછયું કે “સ્ત્રીઓએ પોતાના જીવનમાં કેવાં કાર્યો કરવાં જોઈએ અને કયો માર્ગ લેવો જોઈએ ?” દોરાએ જવાબ દીધો પતિવ્રતા સાધ્વી સ્ત્રીઓએ ગૃહની લક્ષ્મીસ્વરૂપ થઈ બાળકોનું પાલનપોષણ કરવું, અતિથિ-અભ્યાગત અને પડોશીનું યથાશક્તિ કલ્યાણ કરવું એજ સુંદર માર્ગ છે. સ્ત્રીઓ ઘણું કરીને આખો દિવસ નિંદા, વૃથા કુથલી તથા ગડબડમાં ગુજારે છે. મનુષ્યજીવનની કિંમત જાણીને જે જે કામ છે તે જો તેઓ કરે તો સંસારસાગર કોઈ પણ રીતે દુસ્તર નથી.” તેણે પોતાના સંબંધમાં કહ્યું કે “પરમેશ્વરે પોતાની અયોગ્ય કન્યાને દયા કરી પોતાનાં પીડિત અને આતુર છોકરાંની સેવા કરવાનો જે અધિકાર આપ્યો છે તેને માટે હું સર્વદા તેની કૃતજ્ઞ રહીશ. હું જ્યારે પીડિત અને દુઃખી નરનારીના શરીરને સ્પર્શ કરૂં છું ત્યારે મારા મનમાં એમ થાય છે કે, જાણે તેમના શરીરમાંથી મૂર્તિમાન ધર્મ બહાર નીકળતો હું જોતી હોઉં. મારા શરીર માટે સ્નાન, આહા૨ અને નિદ્રામાં જે વખત જાય છે તે પણ મને ગમતું નથી. મારે કરવા જેવું એટલું બધું કામ છે કે જો હું એકની દશરૂપે થઈ શકત તો બહુજ સારૂં થાત. હું વિચાર કરૂં છું તો મારામાં ધાર્મિક યોગ્યતા કરતાં અયોગ્યતા બહુ વધારે જણાય છે; અને તેથીજ મારાથી જોઈયે તેવું અને તેટલું કામ થઇ શકતું નથી. જો હું પૂરતી શ્રદ્ધાળુ અને પ્રાર્થનાપરાયણ હોત તો સંસારમાં અસાધ્ય દરદોને પણ સાધ્ય કરી શકત. મારી એ અયોગ્યતાને લીધે મારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે.
વાલ્સલ નગરમાં એક વાર ધર્મપ્રચાર કરવાની સભા સ્થાપના થઈ હતી. ભગિની દોરા તે સભામાં સામેલ થઈ હતી. એક વાર મુખ્ય પાદરીએ ત્યાં એકઠાં થયેલાં લોકાને વિનતિ કરી કે, અઠવાડિયામાં જે પ્રાર્થના થાય છે તેમાં આવવાને અન્ય માણસોને સમજાવવામાં આવે તો ઘણા જણ એકત્ર થઈ શકે. એ સાંભળી દોરાના મનમાં એવો ઉત્સાહ આવ્યો કે બીજે જ દિવસે રસ્તે જતા લોકોને ત્યાં લાવવાસારૂ તે ઉભી રહી.
પ્રથમ કહ્યું છે કે, વિલાયતમાં કેટલાક માણસો ઘણાજ નીચ અને સ્વભાવના દુષ્ટ હતા. પ્રભુનું નામ પણ કેટલાકે તો સાંભળ્યું હશે કે નહિ તેની શંકા હતી. ધર્મપ્રાણ દોરાનું હૃદય આવા લોકોના કલ્યાણ માટે સર્વદા આતુર રહેતું.લોકો ધર્મને વિસારી દઈ, નીતિને નેવે મૂકી, દુષ્ટ રીતે જીવન ગાળે; એથી તેને બહુ દુઃખ ઉપજતું. તેથી તે સર્વદા આવા માણસોને પોતાની પાસે બોલાવી તેમને ધર્મની વાર્તા સંભળાવતી; એટલું જ નહિ પણ ધર્માચાર્યો પ્રાર્થનામંદિરમાં ઉપદેશ આપતા ત્યારે તે અનેક લોકોને ત્યાં લઈ આવતી.
આપણે જાણીએ છીએ કે, મહાત્મા ચૈતન્યદેવ કેવી રીતે અધમ જગ્યામાં જઇ સૌને પરમેશ્વરના માર્ગ પર લઈ જતા હતા. પાપી જગ્યામાં પરમાર્થે જતાં તેમને મોટા જખમ લાગ્યા અને લોહી નીકળવા લાગ્યું તોપણ તેમના અંતરમાં વિરક્તિ ઉપજી નહિ; પણ ઉલટા તેમને સાથે લઈ વિશેષ જોસથી હરિગુણ ગાવા લાગ્યા. પ્રેમનો કેવો અદ્ભુત મહિમા ! કેવું દિવ્ય અને આશ્ચર્યકારક આચરણ !!
ભગિની દોરાનું ચરિત્ર પણ એવું જ આશ્ચર્યજનક હતું. પોતે બાઈમાણસ છતાં વારંવાર સાહસિક કામ કરતી જોઈ આશ્ચર્ય થાય છે. તે પ્રભુનો મહિમા સંભળાવવા જે દુષ્ટ લોકોના ફળિયામાં વારંવાર જતી, તે લોકો ઉપર જણાવેલી અધમ જગ્યા કરતાં પણ વધારે ખરાબ સ્વભાવના હતા. સ્વર્ગીય પ્રેમથી બળવાન થઈ વિપદ્ની શંકા પણ ન કરતાં તે એવા લોકોને આગ્રહથી તથા જોરથી પણ પકડી લાવતી વખતોવખત એવા કામમાં તે ઘણી અપમાનિત પણ થતી, છતાં પોતાના કાર્યમાં મંડી રહેતી.
ઘણું કરી યૂરોપનાં મોટાં મોટાં નગરોમાં એકએક જગ્યા તે એવી ખરાબ હોય છે કે જ્યાં સારા માણસો કદી જતા નથી. નગરનાં ખરાબ નરનારીઓ અહીં ભયાનક નરક બનાવી તેમાં કીડાની માફક તરવરે છે. અતિ નીચ આચરણ અને પ્રપંચથી માંડીને ભીષણ નરહત્યાપર્યંત સર્વ પ્રકારનાં પાપ તેઓ દ્વારા આ જગ્યાએ થાય છે. આ કાર્યમાં મદદ કરનાર સુરાદેવી (દારૂ) એઓની હમેશની સોબતી હોય છે. પેાલીસ પણ એમનાથી ડરે છે.
લોકો જ્યારે આમ હાહાકાર વર્તાવે ત્યારે શું દયાળુ માણસો ચૂપ બેસી રહી શકે ? બહેન દોરા પણ ઘણા ઉત્સાહપૂર્વક આ ધર્મકાર્યમાં જોડાઈ સંસારસુખને તિલાંજલિ આપી ચૂકી હતી; એટલે એ પવિત્ર સાધ્વીથી એ કેમ સહન થાય ? પોતાના પ્રાણના જોખમે પણ તે તેમનો ઉદ્ધાર કરવા તત્પર થઈ. રાત્રે વાલ્સલનગરના સઘળા રહેવાસીઓ જ્યારે ઘોર નિદ્રામાં ઉંઘતા હોય, અને રાજમાર્ગમાં કોઈ પણ માણસ જતો જણાય નહિ, ત્યારે પણ દોરા બહેન બે પાદરીને સાથે લઈ એ ખરાબ મહોલ્લા તરફ જતી જણાતી. એ જગ્યાએ જતી વેળા એક પોલીસના સિપાઈએ દોરાને કહ્યું હતું કે “બહેન ! તમે થોભો, હવે આગળ વધશો ના. તમારે જવું જ હોય તો હું સાથે આવું.” દોરાએ જવાબ દીધો “ના ના, કાંઇ જરૂર નથી. તમે કાંઈ ફીકર કરશો નહિ. તમને સાથે આવેલા જોશે તો તેઓ જાણશે કે અમે તેમનાથી ડરીએ છીએ; અને એમ જાણશે તો ઉલટું ખરાબ પરિણામ આવશે.” આટલું બોલી આ ત્રણ સ્વર્ગના દૂતો ધીમેધીમે મોટો ધોરી માર્ગ પકડી નરકની અંદર જવા લાગ્યા. આ વેળા દોરાએ પાદરીઓને કહ્યું કે “તમે મારી પાછળ ગુપચૂપ જરા છેટા ચાલજો. મને તો કોઈપણ હાથ અડકાડવાની હિંમત ધરશે નહિ. પણ જો તમને સાથે જોશે તો એકદમ મારી નાખશે.” તેઓ એ સાંભળી બહેનની પાછળ છેટે છેટે ધીમે ધીમે જવા લાગ્યા. થોડી વારે એક નાના ઘર સામે જઈ ઉભા. ઘરમાં દીવો બળતો હતો. દોરાએ પાદરીને કહ્યું “આ બારીમાંથી છુપી રીતે જાુઓ, સંભાળજો ! એમાંનો કોઈ તમને દેખી શકે નહિ !” તેઓએ ગોળ ટેબલની ચારે બાજુએ કેટલીક સ્ત્રીઓને બેઠેલી જોઈ અને યમના જેવો એક ભયંકર પુરુષ તેની સરદારી લઈ હુકમ આપતો હતો. આ દેખાવ જોતાંજ તેમનાં હૃદય કંપવા લાગ્યાં.
ભગિની દોરા એ દરવાજો ઠોક્યો. પહેલા અવાજથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે દોરાએ પાછું બારણું ઠોક્યું. ત્યારે પેલો ભયંકર પુરુષ ક્રોધપૂર્વક બોલી ઉઠ્ચો “કોણ છે ?”
“દોરા ! બહેન દોરા છે.”
ભયંકર પુરુષ ( ઘણાજ ક્રોધથી હાથ પગ અફાળતો) – “આ વેળા અહીં આવવાનું કામ શું ?”
દોરા (ગંભીર અને ધીર સ્વભાવથી) બોલી :– “દરવાજો ઉઘાડો, મારે તમને ક઼ંઈ કહેવાનું છે.” પેલા માણસે ગાળો દેતાં દેતાં ઉઠી બારણુ ઉઘાડ્યું. ભગિની દોરા એ વખતનો અંદરનો દેખાવ જોઈને એવી તો ખેદ પામી કે કાંઈ પણ બોલ્યા સિવાય બારણામાં ઉભી રહીને પેલી સ્ત્રીઓ તરફ જોવા લાગી. રોવા જેવા અવાજથી પેલા પુરુષને તે કહેવા લાગી કે “કહો જોઈએ, આજે તમે મારી સાથે આવી રીતે કેમ વર્તો છો ? તમારો આવો ભાવ આજે હું કેમ જોઉં છું ? કેટલાક દિવસપર તમે માથે જખમી થઈ મારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને શું કહ્યું હતું ?” તે હતભાગી પિશાચ આ સાંભળી ક્રોધથી ગાળો દેતા બોલી ઉઠ્યો “તે સૌ વાત હમણાં પડતી મૂકો, તમારે શું જોઈએ છે તે જલદી કહી દો.” બહેને કહ્યું “હું માગું છું તે હમણાં કહું છું.” આટલું બોલી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો અને બધી સ્ત્રીઓને નમસ્કાર કરીને દરેક સાથે વાત કરવા લાગી. એ સ્ત્રીઓ તેને ઓળખતી હતી. કારણ કે હૉસ્પિટલમાં બહેન દોરા પાસે રહેલી હતી. વળી પાપાત્મા છેવટે એવા કાયર થઈ જાય છે કે પવિત્રતા ને ધર્મ આગળ કદી પણ માથું ઉપાડી શકતા નથી. જો તેમ ન હોત તો શું આજે દોરા બહેન આ નરકસ્થાનમાંથી જીવતી જાત ? માનવપાષાણ ધર્મબળ આગળ તૃણ જેવો છે. બહેન દોરાનું તેજ પણ એવું હતું કે તેની તેજસ્વી આંખમાંથી ઝરતા અગ્નિના તણખા આગળ પાપીઓ જડ જેવા બની જતા અને તેથીજ તેઓ રાક્ષસી હોવા છતાં તેના આગળ પરાજય પામ્યા. રાક્ષસ જેવાં આ મનુષ્યો મંત્રમુગ્ધ સર્પની માફક આશ્ચર્યથી જોવા લાગ્યાં. આવો દેખાવ જોઈ દોરા બોલી “આવો, આપણે સૌ ઘુંટણીએ પડી પરમેશ્વરની પ્રાર્થના કરીએ.” એટલું કહે છે એટલામાં તો આશ્ચર્ય ! આ દુરંત રાક્ષસોનું દલ ઘુંટણીએ પડ્યું. બહેન દોરાએ ઘણાજ વ્યાકુળ હૃદયે ઉંચે સ્વરે રોઈ પરમેશ્વરની આગળ તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરી. કેવી સુંદર છબી! નરકની અંદર સ્વર્ગનો દેખાવ આમજ જોવાય છે. પાદરીઓ તો એ દેખાવ જોઈ છકજ થઇ ગયા. ખરા અંતરથી જ્યારે પ્રાર્થના થાય છે, મનુષ્યનું હૃદય અસાધારણ લાગણીથી ઉભરાઈ જે પ્રાર્થના આંખના પાણી સાથે બહાર આવે છે, તેનું ફળ પણ અતિ આશ્ચર્યજનક થાય છે; કારણ કે આવી પ્રાર્થનાથી ઇંદ્રનું સિંહાસન પણ કંપી ઉઠે છે. તેથી જ આજે બહેન દોરાની વ્યાકુળ પ્રાર્થનાથી આ રાક્ષસ જેવાં સ્ત્રીપુરુષના હૃદયમાં ઈશ્વરકૃપા પવિત્ર પ્રસાદરૂપે વસી ગઈ. તેઓ પોતાના અપરાધથી શરમાઇ જઈ બહુ નમ્રભાવે બહેન દોરા તરફ જોઈ બોલ્યાં કે “અમે તમને અપમાન કર્યું છે. તમે અમને કેટલાં બધાં ચાહો છો ?” દોરાએ જવાબ દીધો કે “તમે જે ખરેખરાજ મારાપરના અન્યાયી આચરણથી દુઃખી થયા હો તો હું કહીશ તે તમે કરશો ?” તેમણે કહ્યું “હા, અમે તેમ કરવા તૈયાર છીએ.” દોરાએ કહ્યું “ત્યારે તો તમે સૌ મારી પાછળ આવો. મારા કેટલાક મિત્રો તમને કંઈક કહેશે.” આ સાંભળી જેમ માતાની વાતથી બાળકો જાય છે તેમ પેલાં સૌ સ્ત્રીપુરુષો દોરા બહેનની પાછળ ચાલવા માંડ્યાં.”
હવે પેલા બે પાદરીઓ, આવવાની વાત સાંભળી જલદી ઉપલા ઓરડામાં ચાલ્યા ગયા. તેઓ ત્યાં પહોંચે છે એટલામાં આ બીજા માણસો આવ્યાથી ઓરડો ભરાઈ ગયો.
આ માણસો ઘણી ગડબડ મચાવી કોઈને ઉઠાડી, કોઇને ગબડાવી પોતપોતાની જગ્યા કરવા લાગ્યાં. એટલામાં બિલની સામે બીજો એક જેક નામે રાક્ષસી માણસ હતો તેણે કાંઇક કહ્યું, જેની બીલે બહેન દોરાની પાસે ફરિયાદ કરી. તેથી બહેન દોરાએ તેને ધમકાવી કહ્યું “જેક ! સાવધાન રહે. મારી પાસે આવી ચૂપ બેસી જા.” બહેનની પ્રશાંત મૂર્તિ અને ગંભીરભાવનો ત્રાસ જોઈ જેક બચ્ચાની માફક બાજાુમાં આવી શાંત થઈ બેઠો. ઉપાસના થવા લાગી. જેક અને બીલ એ બે પાપીના સરદારોને વચમાં બેસાડી ભગવાનની પ્રાર્થના કરવામાં દોરા બહેન નિમગ્ન થઈ. સાધુતાનો કેવો આશ્ચર્યજનક મહિમા !! જેને જોયાથીજ સાૌ ભયથી કાંપતા, તેમને વચમાં ધમકાવીને બેસાડવાની કોની મગદૂર હોય ! બીજા કોઈને તેઓ આમ જાુઓ તો મારી નાખવા પણ અચકાય નહિ; પણ હમણાં તો તેઓ શાંતભાવે ઉપાસના કરતા હતા.
બહેન દોરાની આ વીરપણાની વાત યાદ આવે છે ત્યારે અજાયબ થવાય છે. અહા ! કેવો પ્રેમ ! કેવું ધર્મતેજ ! કેવી હિમત ! ધર્મનું તેજ ન હોત તો સ્ત્રીજાતિની શી મગદૂર કે અંધારી રાત્રે નરકના ઉંડા કૂવામાંથી રાક્ષસ જેવાં નરનારીને બળપૂર્વક કાઢી શકે ? જેઓ થોડી વાર અગાઉ આસુરી ભાવથી ઉન્મત્ત થઈ પશુ જેવા નૃશંસ વ્યાપારમાં લાગ્યા હતા, તેઓ છેવટ એક સ્ત્રીની પાછળ બાળકની પેઠે ચાલ્યા ! આ બનાવનું વર્ણન કેમ કરવું એ સમજાતું નથી. રોગીઆશ્રમનો ડૉકટર આ ધર્મપ્રચારની બાબત ઉપર કાંઈ વિશ્વાસ રાખતો નહાતો; પણ જ્યારે તેણે રાત્રિની દોરા બહેનની હિંમતનું કામ જાણ્યું ત્યારે તે અજબ થઈ બોલ્યો કે, આજ ખરેખરૂં કામ છે ! એમાંજ વીરત્વ છે. ગમે તેમ હોય પણ તેના જીવનમાં આ એક નવો વ્યાપાર જણાયો. ભગિની દોરા આખી ઉંમરમાં બીજું કાંઈ કામ ન કરત તોપણ તેના આ કામથી તેનું જીવન ધન્ય તથા નામ અમર થઈ રહેત. ગરીબ, મૂર્ખ કે અનીતિએ ચઢેલાં માણસો માટે થોડાંક જણ વિચાર કરે છે. મનુષ્યો જેમનું ભલું કરવા ઈચ્છતા હોય તેઓ જો તેમની વાત સાંભળતા હોય તો ભલું કરનારાઓને પેાતાને કામ કરવાનો ઉત્સાહ ઉપજે છે, પણ જ્યાં શિખામણ આપવા જતાં અપમાન પામવાનો અથવા પ્રાણ ગુમાવવાનો ભય હોય ત્યાં કામ કરવું કેવું કઠણ છે, એ સહજે સમજાય એવું છે. આવી રીતે એક દિવસ નહિ પણ ઘણા દિવસ સુધી તે રાત્રે ખરાબ મહોલ્લાઓમાં ભયંકર જગ્યાએ દુષ્ટ લોકોને ત્યાં જઈ તેમને ભગવાનનું નામ સંભળાવતી અને સદુપદેશથી તેમને સન્માર્ગ ઉપર લાવવા યથાયોગ્ય પ્રયત્ન કરતી. ધર્મથી તથા નીતિથી ભ્રષ્ટ થવામાં વધારે વખત લાગતો નથી, પણ પાપમાર્ગથી સારા માર્ગમાં લાવવાને શ્રમ,સમય અને ખંતની ઘણી જરૂર રહે છે.
દોરા કંઇ ઉપલા એકજ કામથી અનેક માણસોને પુણ્યના માર્ગ પર લાવી શકી હતી એમ નહોતું. એક બાજુથી તેને એવા કાર્યમાં પગલે પગલે અડચણ પણ ઘણી પડતી હતી. રાત્રે પ્રાણહાનિની આશંકા હોય છતાં પણ ઘણી વાર બહાર નીકળતી અને તેના પરિણામે કાંઈ દર વખતે સંખ્યાબંધ માણસો સન્માર્ગ તરફ વળી જઈ સફળતા મળતી નહોતી. છતાં પણ દોરા એથી કાંઈ પ્રયત્નમાં મોળી પડતી નહિ ! જે નરનારીઓ પોતાનો ઉપદેશ સાંભળી સુમાર્ગે ચઢતાં તેમને જોઇએ તેવી મદદ આપતી તથા તેમના કષ્ટનિવારણ માટે બનતું કરતી.
બહેન દોરા ગાડીવાન વગેરેને પણ સુમાર્ગે વાળવા યત્ન કરતી હતી. તેમને દારૂ પીને રસ્તામાં ભટકતા જોઈ તેનુ કોમળ હૃદય ઘણીજ પીડા પામતું. તેની ઘણીજ મહેનતથી કેટલાક કમભાગીઓ સારે માર્ગે વળ્યા હતા. એમાંથી એક વૃદ્ધ ગાડીવાન તેના પર ઘણો પ્રેમ રાખતો હતો. તેણે એક વાર બહેન દોરાને કહ્યું હતું કે, બહેન ! તમારે ક્યાંઇ જવું પડે તો મારી ગાડી મંગાવજો; પણ એટલી શરત કે, તમને વાલ્સલમાં જ્યાં કહેશો ત્યાં લઇ જઇશ. .વાલ્સલ છોડી બીજે રહેવા જશે તો કયાંય પણ લઈ જઈશ નહિ.” અહા કેવો પ્રેમ ! બહેન દોરા પેાતાનું નગર છોડી જાય એ વૃદ્ધથી સહેવાતું નહોતું. આમ ગાડીવાન, મજૂર, કોળી વગેરે દોરાને ઓળખતા હતા તથા તેના પર સ્નેહ રાખતા. બહેન જાણે પોતાના કુળમાં જન્મી હોય એમ તેમને લાગતું હતું. તેના પુરાતન રોગીઓ દોરાને માતાસમાન ગણતા અને પોતે તનમન ને ધન અર્પણ કરવા સર્વદા તૈયાર રહેતા.
સ્વામી અને સ્ત્રીમાં વિવાદ થતો તો બહેન દોરા તેમનો વિવાદ મટાડવા ત્યાં જતી. એક વાર એક કુટુંબના યુવાને એક બાલિકા સાથે લગ્ન કર્યું. કોઈ કારણથી યુવકનાં માબાપના મનમાં પાછળથી શંકા થઈ કે, પોતાના પુત્રની ઉન્નતિના માર્ગમાં આ બાલિકા વિદનકર્તા થઈ પડશે. આ યુવકનું રહેઠાણ વાલ્સલથી દૂર હતું, પણ કોઈ કારણને માટે આ નગરમાંજ તેને થોડો સમય રહેવું પડયું. પેલી બાળાએ દોરાને ઉદાર અને નિઃસ્વાર્થ જોઈ પોતાની વાત જણાવી. આથી તેણે પ્રયત્ન કરી બેઉનાં મન સાંધ્યાં ! થોડા દિવસ પછી જાણે તેઓ નવું જીવન અનુભવવા લાગ્યાં. અહા તેના નિઃસ્વાર્થ ચરિત્રનો કેવો આશ્ચર્યકારક પ્રભાવ !
એક વાર બેન્સી નામની સ્ત્રીનો પગ ભાંગી ગયેા હતો. બહેન દોરા તેને ઘેર જઈ તેના પગની દવા કરતી હતી. સ્ત્રીનો સ્વભાવ સારો નહોતો. દોરા તેને સુધારવા પ્રયત્ન કરવા લાગી. એક દિવસ બપોરે બહેન તેને ઘેર જઈ બારણું ઠોકવા લાગી. પરંતુ કાંઈ જવાબ મળ્યો નહિ. એટલામાં કેટલાક માણસો ગડબડ મચાવતા બહેનની મશ્કરી કરી બોલ્યા “ બેન્સી ફરવા ગઇ છે." કોઇએ કહ્યુ "બહેન ! બેન્સી તેના મિત્રોની સાથે રહે છે, હું તમને તેના વિષે સર્વ કહું છું'.” બનાવ શો બન્યો છે તે જાણવા દોરાએ સૌને પુછ્યું પણ કોઈએ જોઇએ તેવો જવાબ આપ્યો નહિ. અંતે ઘણીજ ગડબડ પછી તે જાણી શકી કે, બેન્સીનો પગ સારો થવાથી તે સહેજ ફરવા ગઈ હતી. અને રરતામાં એક દુકાનદારને ત્યાં સારું પાટલૂન લટકાવેલું જોઈ તે ચોરવાની ઇચ્છા થઇ આવી. કોઈ માણસ જુએ નહિ તેમ ચડપ લઈને તેણે પાટલૂન બગલમાં મારી દીધું; પણ દૂરથી એક છોકરો લપાઈને આ બધું જોયા કરતો હતો તેણે સિપાઈને બોલાવી તેને પકડાવી અને બેન્સીબાઈ વગર ભાડાની કોટડીમાં બિરાજ્યાં ! ઘણા માણસોને મોઢે બેન્સીની આ વાત ચાલી રહેલી જોઈ તેમને ઉપદેશ કરવાનો ઠીક લાગ જોઇ દોરા બહેન એકદમ એક ખાલી ગાડી પર ઉભી રહી બોલવા લાગી કે એક વાર એક માણસ પોતાની નાની ઉંમરના છોકરાને લઈ ખેતરમાં થઈને જતો હતો. તે ખેતરમાં સારાં પાકેલાં ફળ જોઈ તેની દાઢ સળકી અને પોતાના છોકરાને કહેવા લાગ્યો કે “બેટા ! આ લાગ ફળ ઉડાવવાનો ઠીક છે. કોઈ આપણને જોતું નથી, તારે જોઈએ તેટલાં એકઠાં કરી લે.” તે બુદ્ધિવાન બાળકે જવાબ દીધો “પિતાજી ! તમે એક બાજુએ જોવાનું તો મૂકીજ દીધું છે તે જુઓ તો જણાશે કે, એક માણસ આપને સારી પેઠે જોયા કરે છે.”
બાપે કહ્યું “ક્યાંથી જુએ છે?” છોકરાએ ઉંચી આંગળી બતાવી કહ્યું ‘તમે ઉપર જોતા નથી? તે તરફ જુઓ તો આપણને જોતો એક નજરે આવશે.” આવી રીતે બેન્સીએ જો ઉચે જોયું હોત તો પાટલૂન ચોરવાની હિંમત કરત નહિ. એકઠા થયેલા માણસો આ સાંભળી ઘણાજ ખુશ થયા. પછી દોરા ગાડી પરથી ઉતરી કેદખાનામાં ગઈ અને બેન્સીને તે ઉપદેશ આપ્યો.
દર રવીવારે હોસ્પિટલમાં ઈશ્વરપ્રાર્થના કરવાની તૈયારી કરવામાં આવતી. રસ્તાપરના ગાડી હાંકેનાર, કોળી, મજુર, કોલસા ખોદનાર વગેરે એ રવીવારની વાત હજી પણ યાદ કરે છે અને આનંદ પામે છે. વાર-તહેવારે દોરા જૂના રોગીઓને પણ ખેાળી ખેાળીને આણતી અને તેમને તથા આશ્રમના રોગીઓને એકઠા કરી સારું સારૂં ખાવાનું આપતી. ખવડાવ્યા પહેલાં અને પછી સારાં સારાં પુસ્તકો વાંચી સંભળાવતી અથવા ઉપદેશ આપતી; પણ સૌથી પહેલાં અત્યંત ભક્તિથી ઇશ્વરની પ્રાર્થના કરતી. મૂર્ખ અને દરિદ્રમાણસો પણ ધણા ઉત્સાહ અને આનંદથી આમાં જોડાતાં.
આપણામાંના ઘણાખરા ડાહીડાહી વાતો કરનારા હોય છે. શાસ્ત્રના સારા સારા ઉપદેશ કહી બતાવનારા પણ અનેક હોય છે. મોટી મોટી વાતો કરનારાનો તોટો નથી, પણ પોતે શી રીતે વર્તે છે તે જોતા નથી. બહેન દોરા પાસે એવાં ઘણાં માણસો આવતાં હતાં કે જેઓ ધર્મને માનતાં નહોતાં. ધર્માત્મા પુરુષોની ઉલટા તેઓ મજાક કરતા. આવા દુષ્ટ માણસો પણ દોરાનો પ્રેમ તથા તેનું માહાત્મ્ય જોઈ તેને દેવી તરીકે માનતા અને ઘણા તો તેના ઉત્તમ જીવનથી ધર્માત્મા થયા હતા. ગમે તે ધર્મનો માણસ હોય પણ જો તે સરળ વિશ્વાસી હોય તો દોરા તેના પર શ્રદ્ધા રાખતી; પણ જો કદાચ તેનામાં કોઈ પણ કુસંસ્કાર જોતી તો તરત તેની તે ઉપેક્ષા કરતી. ધર્મની વાતમાં કોઇ મશ્કરી કરે તો તેને ગમતું નહોતું.
ધીમે ધીમે ભગિની દોરાનું જીવન વિશેષ ઉન્નત થવા લાગ્યુંં. પરમેશ્વરમાં પ્રગાઢ ભક્તિ રાખી જનસેવા કરવી એનેજ આપણા શાસ્ત્રમાં ખરી ઉપાસના કહી છે. પ્રભુ નિરાકાર છે. આપણી સૌની તે રક્ષા કરે છે. આપણે જીવતા રહ્યા છીએ તે પણ તેનો પ્રતાપ. ત્યારે આપણે એ સૌ ઉપકારને બદલે તેની શું સેવા કરી શકીશું ? તેનાં પુત્રપુત્રીઓની સેવા કરવી એ તેની સેવા કર્યા બરાબર છે. દોરા બહેનનો આ સિદ્ધાંત હતો. તે ઇશ્વરની ખરી ઉપાસક હતી. જેમ તેના હાથપગ દરિદ્ર અને દુઃખી નરનારીની સેવામાં રોકાચેલા રહેતા, તેમ તેનુ અંતર પરમ કૃપાળુ ભગવાનના ધ્યાનમાં રહેતુ. તે આ લેાકમાં રહીને પણ પરલોકનું ચિત્ર પેાતાના હદયપટમાં ચીતરેલું અનુભવવા લાગી. તેનું અંતર સુખસાગરમાં તરવા લાગ્યું.પ્રાણ આનંદસાગરમાં નાહવા લાગ્યો. કોઈ રીતે પણ રોગી મનુષ્ય જીવી શકે તેના વિચારો તે રાત્રિદિવસ કર્યા કરતી. જગતના દુઃખનો બોજો ઓછા કરવા તેણે તન મન ધન અર્પણ કર્યા. વીરપુરુષની પેઠે આ મહાઉદ્યમમાં તે મચી રહી. જેમ જેમ આવી પ્રવૃત્તિ કરતી ગઈ, તેમ તેમ તેનું જીવન ઉન્નત થવા લાગ્યું. પ્રભુ પરનો વિશ્વાસ વિશેષ ગાઢ થતો ગયો અને હૃદય ભક્તિપૂર્ણ થવા લાગ્યું. બહેન દોરાના મૃત્યુ પછી તેના એક મિત્રે લખ્યું છે કે “એના જીવનનાં સર્વ કાર્ય જાણે એ પરમાત્માને પૂછીને કરતી હોયને ! એવો ભાસ થાય છે.”
અવિશ્રાંતપણે અસાધારણ પરિશ્રમ તે કેવાક દૈવી બળથી કરતી હતી તેની કલ્પના થઈ શકતી નથી. પછી કાળે કરી શરીર શિથિલ થતાં તેના મનમાં આવવા લાગ્યું કે, “કામ થતું નથી, કાંઇ કામ થયું નહિ” આવા ઉદ્ગાર કાઢતી તે ઘેલી જેવી થઈ જતી. છેવટે પોતાનું શરીર પણ તેને બોજારૂપ જણાયું. નાહવાધોવામાં કે ખાવાપીવામાં જે વખત જતો તે પણ તેને અસહ્ય લાગતો. એ વિષે તેણે પોતાના એક બંધુને નીચે મુજબ લખ્યું છેઃ– “આ શરીરની પાછળ એક પળ જાય, એ પણ હવે ગમતું નથી. વળી સૂવામાં પણ થોડાક સમય કાઢવો પડે છે. અને તેથી પણ આ શરીરે મને મારાં કેટલાંય ભાઈબહેનની સેવા કરવા દીધી નહિ. '
તે હવે ગાડીમાં બેસી સાંજના છ થી દશ વાગ્યાસુધી મોટા ઉત્સાહથી રોગીને જોવા જતી હતી. પૈસાદાર તથા ગરીબને ત્યાં જઈ રોગીની મૃત્યુશય્યામાં બેસીને તેમને ધર્મની વાત સંભળાવતી.
વાલ્સલ નગરના ખરાબ મહોલ્લાઓ ધીમે ધીમે તેના નામથી માહિતગાર થયા. પાપાસક્ત સ્ત્રીઓ તેને માન આપવા લાગી તથા તેના પર શ્રદ્ધા રાખવા લાગી. દોરા બહેન રાત્રિના વખતમાં તેમને શિક્ષણ તથા ઉપદેશ આપવા લાગી. ધીરે ધીરે તેની સાથે સૌ સ્ત્રીઓને ગાઢો સ્નેહ બંધાયો અને ઘણી સ્ત્રીઓએ પાપનો પંથ છોડી દીધો. વાલ્સલ નગરમાં હવે કોઈ એવો પુરુષ નહોતો કે જે દોરા બહેનને નહિ ઓળખતો હોય. એને લીધેજ ઘણી વખત તે દુષ્ટ માણસોથી પ્રાણ બચાવવાને સમર્થ થતી હતી.
વાલ્સલમાં માર્શલેન નામે એક ઘણીજ ખરાબ જગ્યા હતી. એ જગ્યાનું નામ સાંભળતાંજ ભલા માણસો ભય પામતા. પોલીસના સિપાઇઓ પણ ત્યાં જતાં ડરતા હતા.ભગિની દોરા એક દહાડૉ રાત્રે એ જગ્યાએ થઇને આવતી હતી, ત્યારે તેણે જોયું કે, તરેહવાર ધંધાના માણસે એકઠા થઇ માંહોમાંહે મારામારી કરી લેાહીલુહાણ થાય છે. પોલીસના સિપાઈઓ એ તરફ જોતા ઉભા છે, પણ ડરથી તેઓ ત્યાં જવા હિંમત ધરતા નથી. બહેન દોરામાં હિંમતનું કાંઈ પૂછવાનું નહોતું. તે તેમની રક્ષા કરવા માટે ઝટ ગઈ અને એક ઘરના બારણા આગળ ઉભી રહી. સૌએ તેને જોતાંજ ઓળખી અને મારામારી કરનારા શરમાઇ જઇને ખસી ગયા. જેમ માતા પોતાના ખરાબ બાળકને ઠપકો દે છે, તેમ દોરા બહેને તેમને તિરસ્કાર આપ્યો; પૂર્ણ સ્નેહથી બેઉને બે બાજુએ ખસેડ્યા. આ કેવી દુર્જચ શક્તિ કહેવાય ! મારામારી કરનારા એવા તો દુષ્ટ હતા કે તેમને પશુજ કહેવા યોગ્ય ગણાય. એમ કહેવામાં આવ્યું છે કે, દોરા બહેનને પણ જ્યારે આ બે દુષ્ટ માણસને છૂટા પાડવા ગઈ ત્યારે એમ લાગ્યું કે, હું આ બે ઘાતકી પ્રાણીઓમાં ફસાઈ છું ! પરંતુ કેવી હિંમત ! પશુ જેવા મનુષ્યોનો કાન પકડીને એ બાજુએ કર્યા. તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ ! આ બળ છે તે ધર્મનું બળ. ધર્મના બળ આગળ પાશવું બળ સર્વદા પરાજય પામે છે. આવી રીતે તેણે કેટલી વખત પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો તેની ગણત્રી થઈ શકતી નથી. દારૂના પીઠામાં કેટલાક અભાગિયા દારૂ પીને મારામારી કરે છે, માથાં ફોડે છે. બહેન દોરા રાત્રે તે સ્થળે જ છે તેમની રક્ષા કરતી હતી. તે કહેતી હતી કે “જો હું કોઈ માણસને જોઉં કે તે બીજાને માટે પ્રાણ આપવા તૈયાર છે તોજ હું સમજીશ કે, તે બીજાને ચાહે છે. પ્રિય પાત્રને માટે પ્રાણ આપવાને જે આનાકાની કરે છે તેની વળી પ્રીતિ શી કહેવાય ?"
"ગમે તેવાં માણસો નઠારાં હોય પણ તેમના અંતરમાં તો ઇશ્વરનો વાસ હોય છે." ભગિનીનો આ વિશ્વાસ હતો તેથીજ તે લોકસેવામાં પ્રવૃત્ત રહેતી હતી.
રાત્રે આવી રીતે ફરવાથી દોરા માંદી પડી. કેટલાક દિવસ મંદવાડ ભોગવી સાજી થયા પછી તેના મિત્રોએ તેને આમ બહાર ફરવા જવાની મનાઇ કરી. પરંતુ તે બોલી ‘‘તમે કહો છો કે, રાત્રે ફરવાથી હું માંદી પડી હતી, પણ હું કહું છું કે, જ્યારે મારે માટે રાત્રિ આવશે ત્યારે હું એવાં કામ કરવાનો અવસરજ પામીશ નહિ.”
બહેન દોરાનું શરીર ઘણું જ ખરાબ થવાને લીધે ઓગષ્ટ ૧૮૭૮ માં તેને વાલ્સલ નગર છોડવું પડ્યું. તેની જગ્યાએ એક બીજી બહેન નીમાઈ. ઘણો કાળ પરિશ્રમ કરીને સહેજ વિશ્રામ મેળવવાની આશાએ દોરા લંડન અને પારીસ નગરમાં ગઈ; પણ જ્યાં ગઇ ત્યાં કામ કરતી ફરતી હતી. પોતાના વૈદ્યનો ધંધો તો સર્વત્ર ચાલવા લાગ્યો, પરંતુ તેના શરીરમાં રોગે પ્રવેશ કર્યો હતો તેથી દિવસે દિવસે તે દુર્બળ થતી ગઈ. અંતે કામ કરવા તે તદ્દન અશક્ત થઇ ગઇ. લંડનમાં રહેતી ત્યારે તેને ખાંસીનો રોગ ઉત્પન્ન થયો. ઘણા વખતથી દોરાને આ રોગ લાગુ પડેલો, પણ એની પાછળ રોકાય તો કામ થાત નહિ. તેના મિત્રોએ તેને આવા રોગ જોઈ કામ કરવાની મનાઇ કરી. પણ તેણે ન માનતાં જ્યારે ઘણો પરિશ્રમ કરવો ચાલુ જ રાખ્યો ત્યારે મ્યુનિસિપાલીટીના મેમ્બરોએ તેને મદદ કરવા બીજો માણસ રોકવાની ઈચ્છા જણાવી; પણ બહેન દોરા તેથી રાજી થઈ નહિ. બહેન દોરા ઘણું કામ કરી શકતી નથી એ વાત તે કોઇને પણ જાણવા દેવા રાજી નહોતી. ‘‘કટાઈને મરવા કરતાં ક્ષય પામીને મરવું સારું છે” એમ તે કહેતી. લંડન નગરમાં હવે તેનું શરીર ઘણું જ ખરાબ થઈ ગયું. તેના મિત્રે પોતાને ઘેર લઈ જઈ ઔષધ કરાવવા વિનંતિ કરી, પણ દોરાએ તે માન્યું નહિ. ડોક્ટરોએ તેનો રોગ નક્કી કરવાને પરીક્ષા કરવા માગી, પરંતુ તે પણ તેણે માન્યું નહિ અસુખથી તેનું મન દુઃખી થયું. વાલ્સલમાં પાછી જઈ પોતાનાં પરિચિત માણસોમાં રહી મરવાની ઈચ્છા જણાવી તે પાછી વાલ્સલમાં આવી.
'વાલ્સલની નવી હોસ્પિટલ પાસેના એક મકાનમાં તેને રાખવામાં આવી. આ વેળા જીવવાની આશા નહોતી. રોગ ઘણોજ ભય પમાડે એવો હતો. આ મંદવાડમાં તેને આ જીવનનું કામ છોડી જવું પડશે, એવી તેની ધારણા થઈ હતી. વૈદ્યો પણ તેમજ કહેવા લાગ્યા. બહેન દોરા હવે જીવનમરણના સંગી પરમેશ્વરના ચિંતનમાં નિમ્ગ્ન થઈ. એ વેળા તેણે પોતાના એક મિત્રને આવી મતલબનો પત્ર લખ્યો હતોઃ- “પરમેશ્વરની આજ્ઞા થઈ છે કે હું આ વેળા નક્કી મરણ પામીશ. એથી હવે હું ઘરનું કામકાજ સંકેલી લઉં છું. તમે મારે માટે પ્રાર્થના કરો. જેમ જેમ રોગની પીડા વધશે, તેમ તેમ હું તેનાં ચરણ વધારે પકડી શકીશ. આ દારુણ રોગની પીડામાં મારી ભક્તિ અને વિશ્વાસ ઘટવાને બદલે ઉલટાં વધે છે.”
વાલ્સલ નગરના લોકોને તેના પર એટલો બધો પ્રેમ હતો કે તે વિચાર કરવા લાગી કે, મારા મૃત્યુનો ક્લેશ તેએા સહન કરી શકશે નહિ. તે તેઓના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતી. જેને લોકો આ દુષ્ટ સંસારમાં પવિત્ર દેવતાતરીકે જાણતા તેનું મૃત્યુ થાય એવો વિચાર કરવાની પણ ઈચ્છા તેઓ કરતા નહેાતા. ચોતરફ તેના મંદવાડની ખબર ફેલાઈ ત્યારે તેને કહેવા લાગ્યા “ દોરા બહેન આટલી જલદીથી અમને છોડીને જતી રહેશે ? પરમકૃપાળુ પરમેશ્વરે અમારા શોકસંતાપ દુર કરવા એને એકલી છે તે કામ પૂરું થતાં પહેલાંજ શું તે ચાલી જશે ?”
પણ તેમની આશા પૂર્ણ થાય એમ નહોતું. બાહોશ વૈદ્યોએ જણાવી દીધું કે “મૃત્યુ નિશ્ચય થશે. હવે તે કેટલા દિવસ કાઢશે તે કહી શકાતું નથી.”
બહેન દોરાએ આ સમયમાં જે પત્ર લખ્યા છે તે ઉપરથી સમજાય છે કે, તે દિવસે દિવસે પરમેશ્વરના ઉંડા પ્રેમમાં ડૂબી ગઈ હતી. એક દિવસ તેણે પેાતાના એક સગાપર આવો પત્ર લખ્યો હતો-
" હું મૃત્યુના બિછાનામાં સૂતી છું. આજ એક વાત લખવાની ઇચ્છા કરું છું તે તમે આખી ઉંમર સુધી પાળવાનો પ્રયત્ન કરજો. તમે ઉન્નતિના માર્ગમાં કાંઈ પણ કામ કરતા નથી; પરંતુ એને માટે આ એક લક્ષ્ય રાખવા ભૂલશો નહિ. તે લક્ષ્ય તે ઈશ્વરનો મહિમા ગાવો અને તેનું નામ ગાવું તે છે. આપણે આપણી પોતાની ઇચ્છા કે શક્તિ મુજબ કામ કરવા આ દુનિયામાં આવ્યાં નથી; પણ પ્રભુનો મહિમા તથા નામ સર્વત્ર પ્રચલિત થાય, અને તેની આજ્ઞા પળાઈ આપણું જીવન ઉન્નત થાય એજ હેતુથી આવ્યાં છીએ. અને એજ આપણું સર્વથી મુખ્ય, લાભદાયક અને મોટામાં મોટું કામ છે.”
આવો ઉચ્ચ ભાવ અને ઉંડા ઇશ્વરાનુરાગ ન હોત તો શું દોરા કદી પણ પર-સેવા માટે સંન્યાસિની થઈ ફરત ? આપણે આંધળાં છીએ તેથીજ આપણા જીવનમાં પ્રભુની લીલા જોઈ શકતાં નથી, અને સંસારમાં કેવળ શૂન્ય ફરીએ છીએ !
રોગની તીવ્ર પીડાથી બહેન દોરાના શરીરને અસુખ વધવા લાગ્યું. જેમ જેમ યાતના અસહ્ય થવા માંડી, તેમ તેમ તે નાના બાળકની પેઠે પરમ સ્નેહથી પ્રભુ રૂપ માતાના ખોળામાં આશ્રય મેળવવા વ્યાકુળ થવા લાગી. તે કહેતી કે, પીડા વધારે થવી સારી છે; કારણ કે જેમ જેમ તે વધે, તેમ તેમ બાળક “મા, મા” કહીને બોલાવે છે. હું પણ હમણાં એ પરમેશ્વરને ખોળે રહેલી છું.
દોરાના મંદવાડમાં એક ચિંતા તેના મનને ક્લેશ આપતી કે “ મારે આશ્રમનુ કામ કોનાપર નાખવું ? યત્ન અને ખંતપૂર્વક કોણ્ કામ કરશે ? ” નવી હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હતી. દોરાના કહેવા પ્રમાણે રોગીઆશ્રમનું નામ પાડવામાં આવ્યું હતું. આથી તેના મનમાં ઘણોજ આનંદ થયેા હતો, પણ એ કામ ચલાવી લેનાર ચેાગ્ય પાત્રની ખોટથી તેને અશાંતિ થવા માંડી હતી. આ વેળા તેના એક મિત્ર જે તેની પાસેથીજ કામ શીખ્યો હતો તેણે કહ્યું કે “હું થોડા દિવસ કામ કરવા રાજી છુ.” કમિટિએ આ સમાચાર દોરાને જણાવ્યા તેથી તે ચિંતારહિત થઈ.
બહેન દોરાની ખબર લેવા માટા મોટા ધનવાનો પણ આવતા. તેમની સાથેની વાતચીતમાં તે ઘણો આનંદ દેખાડતી. આપણે સંસારમાં વારંવાર જોઈએ છીએ કે, જે જનસેવામાં લાગેલ હોય છે, જે ભગવાનનો દાસ તથા ભક્ત છે તેના શરીરમાં કેાઈ વાર તે એવો ભયાનક રોગ મોકલે છે કે જે ચાદ આવ્યાથી શરી૨ કંપે છે. જયારે ભગિની દેારા આવા ભયંકર રોગથી પીડાતી .ત્યારે ઉંચે સ્વરે બોલતી કે “હે પ્રભુ ! તમે ક્યાં છો ? આ રોગની પીડા વેળાએ આપ આપનું પવિત્ર મુખ છુપાવશો નહિ. હું કેવી રીતે આપને જોયા વિના આ ભીષણ યાતના સહી શકુ !”
ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર ત્રણ માસ ચાલ્યા ગયા. હવે મરવાનો સમય નજીક આવ્યેા. મૃત્યુની પીડા ધીમેધીમે વધતી ચાલી. હે દયામય ઈશ્વર ! આપનું વિધાન અમે કેમ સમજી શકતાં નથી ? પાણીમાં ડૂબતાં છતાં, આગમાં બળતાં છતાં કે મરુભૂમિની રેતીમાં તપતાં છતાં તેના મુખમાંથી ‘જય દયાળુ ! જય કૃપામય !!” આવા શબ્દ સાંભળી આ૫ રાજી થાઓ છો ? હું જાણું છું કે, આ સંસારમાં એવાં પૂર્ણ વિશ્વાસી નરનારી ઘણાં અલભ્ય છે કે જેઓ સુખમાં તેમજ દુઃખમાં, શોકમાં તેમજ હર્ષમાં સર્વ અવસ્થામાં શાંત રહી તમારો મહિમા જણાવવા શક્તિવાન થાય. એવા ભક્ત સંતાનદ્વારાજ અમે હતભાગી લોકો આપનો પ્રતાપ જાણી શકીએ છીએ.
તા. ૨૪ મી ડિસેમ્બર ૧૮૭૮ને મંગળવારે સવારમાં ભગિની દોરા બોલી “શરીરનું મૃત્યુ હવે પાસે છે.” તે સાંભળી તેના મિત્રે કહ્યું “પરમેશ્વર તમને લેવા માટે વાટ જુએ છે.” એ સાંભળી તરતજ તે બોલી ઉઠી “હું તેને જોઉં છું. તે મને લેવા આવ્યા છે.” તે એવા તો ભાવથી આ વાત કહેતી કે જાણે પ્રભુ પ્રત્યક્ષ આવ્યા હોયની ! થોડી વાર પછી બહેન દોરાએ કહ્યું “હું સંસારમાં એકલી હતી અને એકલી મરીશ. તમે સૌ અહીંથી જાઓ.” પણ કોઈ ગયું નહિ. તે જોઈ ફરીથી તે બોલી કે, ‘‘હું એકલી મરીશ. તમે સૌ જતાં રહો.” લાચારીથી સૌ જતાં રહ્યાં. કેવળ તેની અતિ સ્નેહવાળી એક સ્ત્રી છુપાઈ રહી બારણામાંથી જોવા લાગી. ધીમેધીમે રોગની પીડા શાંત થઈ ગઈ. અઢી વાગે દોરા બહેનનો છેલ્લો શ્વાસ મહાકાશમાં ભળી ગયો !
વાલ્સલના રહેવાસીઓ ભગિની દોરાનો ત્રણ મહિને પીડામાંથી છૂટકો થયેલો જાણી એક રીતે રાજી થયાં. દોરાના મૃત્યુસમાચાર ફેલાતાંજ દેવળમાં ઘંટધ્વનિ થવા લાગ્યો. સેંકડો માણસો દોરા બહેનનું મુખ જોવા ચોતરફથી આવવા લાગ્યાં; પણ હાય ! કોઈનો મનોરથ પૂર્ણ થયો નહિ. તે કહી ગઈ હતી કે, વૈદ તથા ઘરની પુરાતન દાસીના સિવાય કોઈએ પણ આ ઓરડામાં આવવું નહિ.
હોસ્સ્પિટલની કમિટીના સભાસદોએ આડંબરથી ભગિની દોરાના મૃતદેહને સમાધિસ્થ કરવા વિચાર જાહેર કર્યો, પણ સાત્વિક પ્રકૃતિની દોરા કહી ગઈ હતી કે, મારા મૃતદેહ ઉપર કોઇ પણ રીતનો આડંબર ન જોઈએ. જે જીવિત અવસ્થામાં આડંબરને ધિક્કારતી હતી, તે પોતાના મૃત શરીરને માટે આડંબર ન કરવા દે એમાં આશ્ચર્ય શું ? તો પણ તેના મનમાં એક ઈચ્છા હતી. તેણે કહ્યું હતું કે ‘‘બની શકે તો મારા જૂના રોગીઓ-ખાણમાં કામ કરનાર મજુરો-મારૂં શરીર ઉપાડી જાય એવી ગોઠવણ કરવી.” જેમણે અંગ્રેજોનાં મુડદાંને લઈ જતાં જોયાં હશે તેઓ સમજશે કે, આડંબરને તે કેટલા બધા ધિક્કારતી હતી. કાળા પોશાકથી વિભૂષિત કરી ઉત્કૃષ્ટ ઘોડાવાળા રથમાં લઈ જવામાં આવતા શબ સાથે તુલના કરતાં મજુરોની ખાંધપર જવું ઘણું જ હીનાવસ્થાવાળું લાગતું; પણ બહેન દોરાએજ જયાં એની મરજી બતાવી ત્યાં કોઇનું ચાલે એમ નહોતું. મજુરો ભગિની દોરાની આ છેલ્લી ઈચ્છા સાંભળી ઘણા ખુશ થયા અને અત્યંત ઉલ્લાસથી વીસેક મજુરો શબ ઉંચકવા તૈયાર થયા.
૨૮મી ડિસેમ્બરને શનીવારે સાંજે પ્રેમની પ્રતિમા દોરા બહેનનો મૃતદેહ સમાધિસ્થ કરવામાં આવ્યો. મુકરર કરેલે વખતે ઘણે દૂરથી મજુરો આવી એકઠા થયા હતા. એ દિવસે રસ્તાના કેાઈ પણ ઘરનાં બારીબારણાં ઉઘાડાં નહોતાં. જાણે સર્વ ઘરો શૂન્ય થઇ સ્વર્ગીય દેવકન્યામાટે શોકથી મ્લાન મુખે રોતાં હોય ! સૌ એકદમ નિરાશ થઈ ગયાં હતાં. છેલ્લે જ્યારે શખ લઈ સૌ સમાધિસ્થાનમાં જવા લાગ્યા ત્યારે આસપાસના સૌ નાના, મોટા, પંડિત, મુર્ખ, પુરુષ, સ્ત્રી, બાળક, બાલિકા સર્વ શોકાતુર ચહેરે ગુપચુપ શાંતભાવથી શબની પાછળ પાછળ જવા લાગ્યાં. કેવો શોકમય દેખાવ ! રસ્તે જતા ગાડીવાન પણ ગાડી થોભાવી તૃણાતુર નયને શબ. તરફ ટગર ટગર જોઈ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા. કેટલાક દિવસથી દોરાને રોગથી પીડાતી જોઈ વાલ્સલ નગરમાં જે શોકરૂપી વાદળ ઘેરાઈ રહ્યું હતું તે જાણે સૌનાં હૃદય તપાવીને શોકાશ્રુરૂપે વૃષ્ટિ કરતું હોયની !
ભગિનીના શબને ભૂમિદાહ કરવાની તૈયારી થતી હતી. પુરોહિત મંત્રોચ્ચારણ કરતા હતા એવે વખતે બીજા ત્રણ દુઃખી મજુરોના મૃતદેહ સમાધિસ્થ કરવામાટે આણવામાં આવ્યા. કે આશ્ચર્યકારક બનાવ ! બહેન દોરા મરણ પછી પણ જાણે દુઃખી ગરીબો સાથે રહેવા ચાહતી હતી ! તે મુડદાને પણ તેની સાથેજ સમાધિસ્થ કરવામાં આવ્યાં..
બહેન દોરાનું સુંદર શરીર પૃથ્વીની ધૂળમાં મળી ગયું. તેની સમાધિના શિલાલેખપર નીચેનું વાક્ય લખ્યું હતું:-
“ બહેન દોરા તા. ૨૮ મી ડિસેમ્બર સને ૧૮૭૮ને દિને શાંતિધામે ગઈ છે.”
તેની હિંમતની જોઇએ તેટલી ખાત્રી મળે છે. એમ કહેવાય છે કે, એક વાર ગાડી ભાડે કરી એક રાત્રે તે ખરાબ મહોલ્લામાં થઈને જતી હતી. ત્યારે એક પાખંડી તેના માથા પર લાકડી મારવા આવ્યો; પણ સદ્ભાગ્યે તેના શરીર પર લાકડી વાગી નહિ. તેથી તે કાંઈ નહિ ડરતાં તેજ રસ્તે આવજા કરવા લાગી. તે કહેતી કે, તેણે બહેનને ઓળખી નથી. શું બહેનને કોઇ પણ મારી શકે ? એક વાર તેને ભય દેખાડવા એક ચોર વાલ્સલના રોગીઆશ્રમમાં આવ્યો, પણ તેથી નહિં ડરતાં બહેને ઉલટો તેને ધમકાવી. આશ્રની બહાર કાઢી મૂક્યો. ચોર તેની હિંમત જોઈ ખુશ થયો અને આશ્રમમાં ખર્ચવા માટે દશ રૂપિયા મોકલી આપ્યા.
રોગીના આરામ માટે પ્રાણ આપવાની જરૂર હોય તો તેમાં પણ તે અચકાતી નહિ. એક વાર એક રોગીની શ્વાસનળીમાં એક પ્રકા૨ને દૂષિત પદાર્થ એકઠો થઈ શ્વાસ બંધ થયો હતો. તે માણસ હોસ્પિટલમાં આવ્યાથી ડોકટરે તેની શ્વાસનળી કાપી અને ભગિની દોરાએ તે જગાપરનો ઝેરી પદાર્થ મોં વડે ચૂસી લીધો. આ ઝેર પ્રાણઘાતક હતું અને દોરા બહેનને આ માટે ઘણુ કષ્ટ વેઠવું પડ્યું હતું.
વાલ્સલ નગરવાસી ગરીબો એના પર જે પ્રેમ રાખતાં તેનાં કેટલાંક પ્રમાણો આગળ આવ્યાં છે; છતાં પણ ચરિત્ર પૂર્ણ કરતાં પહેલાં એ વિષયમાં એક બીજું વર્ણન કર્યા વિના ચાલતું નથી.
બહેન દોરાનું કોઈ સ્મૃતિચિહ્ન સ્થાપવાની વાત થઈ ત્યારે એક મજુરે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, મારો એવો મત છે કે બીજી કોઈ જાતનું ચિહ્ન ન રાખતાં માત્ર દોરા બહેનની પથ્થરની _ મૂર્તિ આખા કદની જાહેર જગ્યામાં મૂકવી; કેમકે લોકો જ્યારે પૂછશે કે, આ કોની મૂર્તિ છે ? ત્યારે અમે ગૌરવથી કહીશું કે “એ અમારી બહેન દોરા છે.” દોરા બહેનપર ત્યાંના લોકોની કેટલી બધી શ્રદ્ધા હતી ! દોરાની બાપીકી મિલ્કત ઘણી હતી તે પણ તેણે સત્કાર્યમાં ખર્ચવાની વ્યવસ્થા કરી હતી.
ભગિની દોરાના સંબંધમાં વાલ્સલ અને તેની આસપાસના રહેવાસીઓને મોઢે એવી વાતો સંભળાય છે કે તે ઉપરથી દોરાને તેઓ અલૌકિક જીવ ગણતા હોય એમ જણાય છે. તેની શક્તિ તથા સદ્ગુણો જોઈને લોકો એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે એક અબળા હોવા છતાં, તથા આ સ્વાર્થી સંસારમાં પ્રતિષ્ઠિત અને ધનવાન કુળમાં જન્મવા છતાં પણ તે આવાં અમાનુષીક કાર્યો કેવા રીતે કરી શકે એ તેઓના સમજવામાં આવતું નહોતું, અને તેથી તેઓ દોરાને માનવીતરીકે ગણી જ શકતાં નહોતાં.