← સાધ્વી લુઈસા મહાન સાધ્વીઓ
સાધ્વી એનિટા
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
કરોલીન હર્શેલ →



साध्वी एनिटा


ઇટલીના ઉદ્ધારકર્તા મહાત્મા ગેરિબાલ્ડીના નામથી કોણ અજાણ્યું હશે ? એમની દેશભક્તિ તથા સ્વદેશપ્રેમની ખ્યાતિ આખી દુનિયામાં છે. બુદ્ધિમતી એનિટા એજ મહાપુરુષની સહધર્મિણી હતી. ઓગણીસમી સદીની યુરોપીય સન્નારીઓમાં એ સર્વશ્રેષ્ઠ હતી. પોતાના સમયની એ આદર્શ સ્ત્રી હતી. ગેરિબાલ્ડીની સાથે એનાં લગ્ન કોઈ દેવળમાં નહોતાં થયાં; છતાં ગેરિબાલ્ડીની એ આદર્શ પત્ની હતી. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે, સ્ત્રીએ છાયાની પેઠે પતિને અનુસરવું જોઈએ. આર્ય સ્ત્રીનો એ આદર્શ એનિટાના જીવનના પ્રત્યેક કાર્યમાં, તેના પ્રત્યેક ભાવમાં પ્રકટ થતો હતો. ગેરિબાલ્ડીને પરણ્યા પછી તે છેક મૃત્યુપર્યંત એ વીર સન્નારી ઘરમાં કે બહાર, જંગલોમાં કે બાગબગીચામાં, રણભૂમિમાં કે ઘરની શીતળ છાયામાં, જળમાં કે સ્થળમાં, પાયદળ કે ઘોડાની પીઠ ઉપર, પહાડ ઉપર કે નદીના ઊંડા પાણીમાં, રાત્રે કે દહાડે, આરોગ્ય દશામાં કે મંદવાડમાં, ફૂલશય્યામાં કે મૃત્યુશય્યામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર છાયાની પેઠે પતિની સાથે રહી હતી. પરતંત્રતાની બેડીમાં ફસાયેલા ઈટલીનો ઉદ્ધાર કરવા ખાતર જાણે ગરિબાલ્ડીની મદદ સારૂ મહાશક્તિએ પોતાનાજ એક અંશવડે એનિટાની ઉત્પત્તિ કરી હોય એમ લાગતું હતું.

વિધાતાએ એનિટાને ગેરિબાલ્ડી સારૂ રચી હતી અને ગેરિબાલ્ડીને એનિટાને સારૂ સર્જ્યો હતો, વિધાતાએજ બન્નેનો મેળાપ કરાવ્યો હતો. એમની પ્રથમ મુલાકાતનો વૃત્તાંત ઘણા રોચક છે. એક વાર ગેરિબાલ્ડી ‘રાઓપાર્ડો’ નામના વહાણમાં બેસીને બ્રેઝિલના લડાયક વહાણ ઉપર હુમલો કરવા જઈ રહ્યો હતો, રસ્તામાં અચાનક આંધી ચઢી આવી અને એમનું વહાણ ડૂબવા લાગ્યું. એ વહાણમાં ત્રીસ માણસો હતાં. એમાંથી સોળ તો ડૂબી મર્યા અને બાકીનાં ચૌદ વીરતાથી તરીને એ વિપત્તિમાંથી બચી ગયાં તથા સહીસલામત કિનારે આવ્યાં. ગેરિબાલ્ડીને એક માઈલસુધી એ દિવસે તરવું પડ્યું હતું. પોતે બચ્યા એટલું જ નહિ પણ તરતી વખતે એમના દીઠામાં લાકડાનાં પાટિયાં આવ્યાં તેને ધક્કા મારીને પાછળ ઠેલ્યાં કે પોતાના સાથીઓ એમનો આધાર લઈને બચી જાય. આ પ્રમાણે જળસમાધિમાંથી રક્ષણ પામીને ગરિબાલ્ડી સેઇન્ટ કેથેરાઇન નામના પ્રદેશમાં પહોંચ્યા. એ પ્રદેશના લોકો તેમની દુર્દશા જોઈને એમને મદદ આપવા લાગ્યા. એક માણસે એમને બેસવાને સારૂ ઘોડો ભેટ આપ્યો. ગેરિબાલ્ડી ઘેાડા ઉપર સવાર થઈને પાસેના ખારા નામના ગામમાં ગયા. ત્યાં એમણે એકાંતમાં એક ઘર જોયું. નદીની એક ક્ષીણ ધારા એ મકાનની પાસે થઈને વહી રહી હતી. એ ઝુંપડીની ચારે તરફ પહાડ હતા અને પાસેજ એક નાનું સરખું જંગલ હતું. ઘરધણીએ ગેરિબાલ્ડીને જોતાંવારજ પોતાના ગરીબડા ઘરમાં પધારવાની વિનતિ કરી. એ મનુષ્યની સ્ત્રી, બે પરમ રૂપલાવણ્યવતી અને અલૌકિક ગુણવતી કન્યાઓને મૂકીને મરી ગઈ હતી. એ બે છોકરીઓમાં નાની વધારે સારી હતી. એનો વીણાને પણ લજવે એવો સ્વર, પૂર્ણ યૌવનપ્રાપ્ત શરીર, ઉજ્જ્વલ તારાઓના જેવાં નેત્ર, સુંદર દેહકાંતિ અને કોમળ સ્વભાવ જોતાંવારજ એમ લાગતું કે કોઈ દેવકન્યા શાપભ્રષ્ટ થઈને આ પૃથ્વીમાં અવતરી છે. વિધાતાએ જાણે ગેરિબાલ્ડીનો ઉત્સાહ વધારવાને માટેજ આ સર્વગુણસંપન્ન રમણીને મોકલી હતી. મોહક કાંતિ અને કોમળ સ્વભાવની સાથે સાથેજ એનામાં દુષ્ટોનું દમન કરવા જેટલા તેજ અને અસાધારણ વીરત્વનું અપૂર્વ સંમિશ્રણ હતું. આ બંને ગુણો એકસાથે ઘણી થોડીજ સ્ત્રીઓમાં હોય છે.

ગેરિબાલ્ડી અને એનિટાની ચાર આંખ થતાંજ બંનેએ એકબીજાને પોતપોતાના હૃદયમાં સ્થાન આપી દીધુ. કેવું વિચિત્ર મિલન હતું ! ગેરિબાલ્ડી ક્યાંનો રહેવાસી અને એનિટા ક્યાંની રહેવાસી ! ક્યાં થોડાક જ દિવસ ઉપર ગેરિબાલ્ડી મેાતના મુખમાં ફસાયો હતો અને ક્યાં આ સુખદ મેળાપ ! ! ઈશ્વરેજ બંનેને એકબીજાને માટે નિર્માણ કર્યાં હતાં, એટલે કોઈ ને કોઈ પ્રકારે એમનો મેળાપ અનિવાર્ય હતો. પ્રથમ દષ્ટિએજ બંનેએ એકબીજાને આત્મસમર્પણ કર્યું અને હૃદયથીજ તેઓ એકબીજાને વર્યાં. જે ગાંધર્વ પ્રથાનુસાર અર્જુન અને સુભદ્રા, શ્રીકૃષ્ણ અને રુક્મિણી તથા દુષ્યંત અને શકુંતલાનું લગ્ન થયું હતું, તેજ પ્રથાનુસાર ગેરિબાલ્ડીએ એનિટાનું પાણિગ્રહણ કર્યું.ગેરિબાલ્ડીએ પોતે એક પ્રસંગે એ લગ્નનું વર્ણન કરતાં લખ્યુંછે કે “આ લગ્નમાં ઈશ્વર પોતે સાક્ષી અને પુરોહિત હતા; નભોમંડળનો ચંદરવો હતો અને પથ્થરની છાટ વેદી બની હતી. આ નાના સરખા ઝરણાને કાંઠે અમારૂં શુભ લગ્ન સમાપ્ત થયું.” જેવી રીતે આ નદી અનંતકાળ સુધી વહેશે તેવી રીતે આ દંપતિના યશનો પ્રવાહ પણ ચિરકાળ સુધી સ્થાયી રહેશે. પ્રાતઃસૂર્યની જે રશ્મિમાળામાં એ વીર દંપતિ નવીન પ્રેમપાશમાં બંધાયાં હતાં તે પ્રેમ પ્રાતઃસૂર્યની રશ્મિની પેઠે એમનો દિનપ્રતિદિન વધતો ગયો.

વૃદ્ધ પિતાને આ બે કન્યાઓજ અવલંબનરૂપ હતી; એટલે પરણીને નવોઢા પત્ની એનિટાને પેાતાની સાથે રણભૂમિમાં લઈ જવાની ગેરિબાલ્ડીની ઈચ્છા નહોતી. પરંતુ સહધર્મિણીનો અત્યંત આગ્રહ જોઈને તેને રણભૂમિમાં લઈ જવીજ પડી. વિવાહ પછી એક માસ પૂરો થતાં થતાંમાં તો ગેરિબાલ્ડીને સેનાપતિ કેનિભરોની સેનામાં દાખલ થવાનો હુકમ મળ્યો. અહીંથીજ એનિટા અને ગેરિબાલ્ડીના હર–ગૌરિ મિલનનો આરંભ થયો. નેપલ્સનો આ ભવિષ્યનો ડિક્ટેટર અને તેની સહધર્મિણી બે બ્રેઝિલિયન ઘોડા ઉપર સવાર થઈને આનંદપૂર્વક સેનાપતિના તંબુ તરફ ચાલ્યાં. એક ભોમિયો પણ રસ્તો બતાવવા તેમની સાથે ઘોડા ઉપર બેસીને આગળ જતો હતો. એક અઠવાડિયા પછી આ નવ-દંપતી મેંટિમિરિયો લશ્કરમાં જઈ પહોંચ્યાં.

એનિટાએ પોતાની અદ્‌ભૂત પતિપરાયણતાદ્વારા તરતજ એ વાતનો પરિચય આપ્યો કે, એ ગેરિબાલ્ડી જેવા યોદ્ધાની સહધર્મિણી થવાને યોગ્ય છે. એ લોકોના ત્યાં પહોંચ્યા પછી થોડીજ વારમાં ગેરિબાલ્ડીને બ્રેઝિલના નૌકાસૈન્ય ઉપર ચઢાઇ કરવાને માટે સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા મળી. એનિટા પણ એમની સાથે ગઈ. ઘણું વાર્યા છતાં પણ એ ઘર આગળ ન રહી. લગ્નને એક મહિનો પણ ન થયો એટલામાં તો એનિટાએ એક વીરાંગનાતરીકે પોતાની પ્રતિષ્ઠા જમાવી. જે વહાણમાં એ લોકો બેઠાં હતાં તે વહાણ અનુકૂળ પવનની સગવડ મળતાં પ્રબળ વેગથી શત્રુઓનાં વહાણની તરફ જવા લાગ્યું અને શત્રુઓના એક વહાણ સાથે એને ટક્કર ઝીલવી પડી. શત્રુઓએ તોપના ગોળા વરસાવવા માંડ્યા. ગેરિબાલ્ડીએ એનિટાને વિનતિ કરી કે “તમે કેબિનની અંદર ચાલ્યાં જાઓ.” એના ઉત્તરમાં એનિટાએ કહ્યું કે “જાઉં છું, પણ બીકણ અને હીચકારા પુરુષોને કેબિનની બહાર કાઢવા સારૂ જાઉં છું', મારી જાતના બચાવ માટે નહિ.” એનિટાએ કહ્યું હતું તેજ કરી બતાવ્યું. કેબિનમાં બે ડરપોક સૈનિકો બીકના માર્યા સંતાઈ ગયા હતા, તેમને ધમકાવીને તથા ઉશ્કેરીને એનિટાએ યુદ્ધ કરવાને બહાર ધકેલ્યા. શત્રુસૈન્યમાં અવિરામ ભીષણ અગ્નિવર્ષા થઈ રહી હતી. અને વહાણ એટલાં પાસે આવી ગયાં કે, બન્ને પક્ષના યોદ્ધાઓ તલવારવડે એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા. ડેક ઉપર મડદાંનો ઢગલો થઇ ગયેા. રૂંવાડાં ઉભાં કરે એવું એ દૃશ્ય જોઈને એનિટા જરા પણ ગભરાઈ નહિ. તે તો યોદ્ધા પાસેથી બંદૂક લઈને એમાં દારૂ ભરવા લાગી અને એ અગ્નિકુંડની વચમાં ઉભી રહીને અસ્ખલિતરૂપે તેમને ઉત્તેજિત કરવા લાગી. પાંચ કલાક લડ્યા પછી ગેરિબાલ્ડીના લશ્કરે શત્રુઓના વહાન ઉપર વિજય મેળવ્યો. શત્રુઓ પાસે ગેરિબાલ્ડીના કરતાં ઘણાં વધારે હથિયાર હતાં, છતાં પણ તેના અસાધારણ રણચાતુર્ય તથા તેમની પત્ની એનિટાની અલૌકિક ઉત્તેજનાને લીધે વિજયલક્ષ્મી એમનાજ હાથમાં આવી. વિજય મેળવવામાં વધારે હાથ એનિટાનો હતો કે ગેરબાલ્ડીનો એ કહેવું ઘણું અઘરું છે. ગેરિબાલ્ડી અને તેમના સૈનિકો લડ્યા તો ખરા, પણ તેમને ઉશ્કેરવા, તેમની હિંમત વધારવી અને બીકણ સૈનિકોને પણ યુદ્ધને માટે બહાર લાવવા એ એક સ્ત્રીરત્નનું જ કામ હતું.

ઈશ્વરે એનિટામાં અલૌકિક મધુરતા અને સુંદરતાની સાથે અસાધારણ વીરતા અને સાહસ પણ ભર્યાં હતાં. ગેરિબાલ્ડીની સાથે એનું લગ્ન ન થયું હોત, તો એના એ સદ્‌ગુણો ખીલ્યા વગરનાજ રહ્યા હોત. આ વિજય મળ્યા પછી સેઈન્ટ કેથેરિન પ્રદેશમાં આવેલા હમારુ નામના સરોવર ઉપર એનિટાને પોતાના અદ્‌ભુત વીરત્વનો પરિચય આપવાનો બીજો પ્રસંગ મળ્યો. આ સરોવર રાઓગ્રેન્ડીથી બહુ દૂર નથી. ત્યાંજ શત્રુઓના કાફલા સાથે એમને લડવાનો પ્રસંગ આવ્યો. શિલાવૃષ્ટિની પેઠે ગોળીઓ વરસવા લાગી. એનિટા આગળ આવીને પોતાના સ્વામીને પડખે ઉભી રહીને લડવા લાગી. એ દ્રશ્ય જોતાંવાર એવું જણાતું હતું કે, સાક્ષાત્ રણચંડી લડાઇના મેદાનમાં ઉતરીને યુદ્ધ કરી રહી છે. શત્રુઓની સેના લાગલાગટ ગોળીઓનો વરસાદ વરસાવી રહી હતી. એની સામે ટક્કર ઝીલવી એ ગેરિબાલ્ડી અને તેમની વીર પત્નીનું જ કામ હતું. એમના વહાણ ઉપર બીજા પાંચ સૈનિક હતા, પણ તેઓ તો આ ભયંકર યુદ્ધમાં પહેલાંથીજ વીર ગતિ પામી ચૂક્યા હતા. થોડી વારમાં વહાણ પણ ડૂબવાની હાલતમાં આવ્યું. હવે ગેરિબાલ્ડીને વહાણમાંથી લડાઇનો સામાન બહાર કિનારા ઉપર પહોંચાડવાની ફિકર પડી. એમનો પોતાનો જીવ બે પ્રકારે જોખમમાં હતો. જો પોતે યુદ્ધ કરવું બંધ કરે તો શત્રુઓ ગોળીઓનો મારો ચાલુ રાખી તેમને મારી નાખે; અને જો વહાણ ડૂબી જાય તો પોતે તથા પત્ની વગરમોતે મરી જાય. એવા સંયોગોમાં લડાઈના દારૂગોળા કિનારે પહોંચાડવાનું કામ એમણે એનિટાને સોંપ્યું. એ કામ પાર પાડવા સારૂ એનિટાને મછવામાં બેસીને કેટલીએ વાર કિનારાથી વહાણ ઉપર અને વહાણ ઉપરથી કિનારે જવું આવવું પડ્યું. એ સમયમાં પણ શત્રુએ તેના ઉપર નિશાન તાકીને ગોળીઓ છોડવા લાગ્યા, પરંતુ એનિટાએ ઘણીજ પ્રશંસનીય રીતે પોતાનું રક્ષણ કર્યું. એ અગ્નિવર્ષા સમયે ગેરિબાલ્ડીની પત્ની બિલકુલ ધીર અને સ્થિર રહી. ધન્ય એનિટા ! ધન્ય તારૂં સાહસ ! અને ધન્ય તારી પતિભક્તિ !

આ સરોવરયુદ્ધને થોડાક દિવસ વીતી ગયા પછી ગેરિબાલ્ડીએ સેનાપતિ કેનિભરોની સેના સાથે શત્રુઓ વિરુદ્ધ યાત્રા આરંભી. એ યુદ્ધયાત્રામાં એનિટા ઘોડેસ્વાર થઈને પોતાના સ્વામીની સાથે સાથે જવા લાગી. રસ્તાની અડચણો, ભૂખ, તરસ, થાક અને યુદ્ધનાં કષ્ટોને એ હર્ષપૂર્વક સહન કરવા લાગી. પ્રત્યેક યુદ્ધમાં એ સ્વામીની પાસે રહેતી અને સૈનિકોની યથાસાધ્ય દવાદારૂ કરતી. નિરંતર યુદ્ધક્ષેત્રમાં રહીને ઘાયલ સૈનિકોની ચિકિત્સા કરવાથી એ નસ્તર મૂકવાના કામમાં પણ એટલી બધી કુશળ થઈ ગઈ હતી કે ઘાયલ સૈનિકના શરીરમાંથી બંદુકની ગોળી પણ સહેલાઈથી ખેંચી કાઢી શકતી. શસ્ત્રચિકિત્સા ઉપરાંત માવજતના કામમાં પણ એમણે પૂરી કુશળતા મેળવી લીધી હતી. એમની સારવારથી બધા ઘાયલ સૈનિકો સંતુષ્ટ રહેતા હતા, એટલે ગેરિબાલ્ડીની ફોજની સાથે કોઇ સર્જ્યન કે નર્સ રાખવાની જરૂર પડતી નહિ. એ ઉપરથી જણાશે કે, એનિટા બન્ને જવાબદારીનાં કામોને કેવી ખુબીથી કરતી હતી. મૂર્તિમતી રણદેવીની પેઠે એ રણક્ષેત્રની પ્રત્યેક આવશ્યકતાને પૂરી કરતી હતી. જે કાયર અને હીચકારા પુરુષો ભયભીત થઈને યુદ્ધભૂમિમાંથી પાછી પાની કરતા હતા, તેમને તિરસ્કારપૂર્ણ વાક્યેાથી શરમાવીને પાછા પોતાના સ્થાન ઉપર લડવાને મોકલતી હતી. જેની પાસે બંદુકનો દારૂ ખૂટી જતો તેની કોથાળીમાં દારૂ ભરી દેતી; જેનાં હથિયાર ચાલ્યાં જતાં તેને હથિયાર લાવી આપતી, જેનો ઘોડો મરી જતો તેને નવો ઘોડો આપવાનું કામ પણ એનું જ હતું. રણક્ષેત્રમાં એ પાતે દશભુજા દેવીની પેઠે ગેરિબાલ્ડીની અને બીજા સૈનિકોની બધી જરૂરીઆતો પૂરી કરતી હતી. એનિટાને ઘા ઉપર પાટા બાંધતાં બહુ સારું આવડતું હતું. કોઈ સૈનિકનો હાથ કે પગ કપાઈ ગયો હોય, શરીરમાંથી લેાહી નીકળી રહ્યું હોય અને એ લોહીને કોઈ બંધ કરી શકતું ન હોય, તેવે વખતે એનિટા ત્યાં પહોંચતી અને એવા મલમપટ્ટા કરતી કે લોહી વહેતું તરતજ બંધ થઈ જતું. એ મલમપટ્ટાને લીધે સૈનિક થોડા વખતમાંજ સાજો થઈ જતો. એનિટાની દૃષ્ટિ ચારે તરફ ફરતી રહેતી હતી. એનું એક દૃષ્ટાન્ત નીચે આપવામાં આવે છે. એક દિવસ તે સેન્ટામિટોરિયા રણક્ષેત્રમાં કોઈ એક ઘવાયલા સૈનિકને મલમપટ્ટો કરી રહી હતી. એજ સમયે એણે જોયું કે કેટલાક ઘોડેસ્વાર મેંટિમિરિયો સૈનિક રણક્ષેત્રને છોડીને નાસી રહ્યા હતા. તરતજ એ ઘોડેસ્વાર થઈને એમની સામે આવી અને સૈનિકોને ધિક્કાર દર્શાવીને તેમને પાછા રણભૂમિમાં આવવાને ઉત્સાહિત કર્યાં. એ લોકો પણ એનિટાના ધમકાવ્યાથી બહુ શરમીંદા થયા અને એવી રીતે લડવા લાગ્યા કે થોડી વાર સુધી તો એવું જણાયું કે વિજયલક્ષ્મી જાણે ગેરિબાલ્ડીની હથેળીમાં આવી જશે. બરાબર એજ સમયે બાદશાહના પક્ષની સેનાની એક ગોળી આવીને એનિટાની ટોપીને વિંધતી ચાલી ગઈ. એનિટા સહેજમાં બચી ગઈ; પરંતુ બીજી ગોળીથી એનો ઘોડો મરી ગયો અને આખરે તે કેદ પકડાઈ.

સૂર્ય આથમી ગયો પછી શત્રુઓએ એનિટાને એક ઓરડીમાં કેદ કરી. એનિટાની તીક્ષ્ણ દૃષ્ટિ એકાએક એ ઓરડીના એક ખૂણા ઉપર પડી. એણે જોયું કે, એ ખૂણામાં એક બ્રેઝિલવાસી સૈનિકનો પોશાક લટકાવેલો છે. સમયસૂચકતા વાપરી એણે નાસી જવાના રસ્તા તરતજ શોધી કાઢ્યા. એ પોશાક પહેરીને બ્રેઝિલવાસી સૈનિક બનીને પહેરેગીરોની આંખમાં ધૂળ નાખીને તે સહેલાઈથી બહાર નીકળી આવી. અંધકારને લીધે કોઇએ એને ઓળખી નહિ અને કોઈ પણ પ્રકારની રોકટોક થઈ નહિ. આ પ્રમાણે એ વીર અને પતિવ્રતા નારી એનિટા શત્રુઓના બંધનથી મુક્ત થઈ નિર્ભય બનીને વિજળી, વજ્રઘાત અને મુસળધાર વરસાદમાં પતિની શોધમાં નીકળી. એ પ્રમાણે કેદખાનામાંથી એનિટા જ્યારે નીકળી ત્યારે આઠ વાગ્યા હતા. લેસેજ ત્યાંથી સાઠ માઈલ દૂર હતું. ત્યાં ગયા વગર સ્વામીનો પત્તો લાગે એમ નહોતું; એટલે એ ભયંકર રાતમાં ૫ણ એ લેસેજ જવા તૈયાર થઈ. રસ્તો ઘણોજ ઉજ્જડ અને ભયાનક હતો, પરંતુ એનિટાએ એવા માર્ગમાં પતિભક્તિથી પ્રેરાઈને એકલાં પ્રયાણ કર્યું. રાતનો અંધકાર એને શત્રુઓની નજરથી બચાવવા લાગ્યો. આકાશમાં ચંદ્રમા પણ નહોતો, તેમ એનિટાને રસ્તો બતાવવાને તારાઓનો ક્ષીણ પ્રકાશ પણ નહોતો; પરંતુ થોડી થોડી વારે વિજળીના ચમકાટ થવાથી એવા ગાઢ અંધકારમાં પણ એનિટાને રસ્તો સાફ દેખાતો હતો. એનિટા ઘોડા ઉપર સવાર થઈને એ ભીષણ રાત્રિમાં અનેક વિઘ્નોને ઓળંગીને પતિની શોધમાં જવા લાગી. એસ્વિન્યાના પહાડની આસપાસ જે ભયાનક અરણ્ય આવેલું છે, ત્યાં આગળ ઝેરી સાપો પુષ્કળ વસે છે. ત્યાં મનુષ્યોનો નિવાસ બહુજ થોડો છે. એવા ભીષણ સ્થાનની પાસે થઇને એનિટા જવા લાગી. એટલું સારું હતું કે એનો રસ્તો જંગલની એક તરફ થઈને જતો હતો અને જંગલની વચમાં થઈને જવાની જરૂર પડતી નહોતી; નહિ તો એ વાટ ભૂલી જઇને જંગલમાં તેનો પત્તો પણ લાગત નહિ.

આ પ્રમાણે ખાધાપીધા વગર કેટલાએ કલાક ચાલ્યા પછી તે વનની પાર સહીસલામત નીકળી આવી. પ્રાતઃકાળે તેણે જોયું કે ચાર એઝિલવાસી સિપાઇઓ ઘોડેસ્વાર થઈને એની પાછળ પાછળ આવી રહ્યા છે. એમને જોઈને એનિટા એક સ્થાનમાં સંતાઈ ગઈ અને છેક એમની પાસે થઈને તેઓ ચાલ્યા ગયા તો પણ એનિટા દૃષ્ટિએ નહિ પડવાથી નિરાશ થઇને પાછા ફર્યા. એમના ચાલ્યા ગયા પછી એનિટા કેનોઆસ નદીને કિનારે જઈ પહોંચી, વર્ષાઋતુ હતી. એ સમયે નદીમાં પુષ્કળ પાણી જોશથી વહેતું હતું. પરંતુ એનો ઘોડો સધાવેલો હતો, એ એનિટાને પોતાની પીઠ ઉપર બેસાડીને પાણીમાં કૂદી પડ્યો અને તરવાની કુશળતા દાખવીને સામે પાર પહોંચી ગયેા. ઘોડેસ્વાર એનિટાએ ત્યાં જઈ ઘોડાને ચરાવી લીધો અને પછી પહાડની ટેકરીઓ તથા પહાડી નદીઓને ઓળંગીને એક ગિરિ—ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં એક નાની સરખી મઢી બાંધેલી હતી. એ મઢેલીમાં વસતા આશ્રમવાસીઓએ આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું. ત્યાં એણે ઘણે દિવસે પહેલી વાર ભોજન કર્યું. ભોજન કર્યા પછી વિસામો ન ખાતાં એનિટા પાછી ઘોડેસ્વાર થઈને લેસેજ પહોંચી અને સ્વામીનાં દર્શન કર્યાં. આટલા અરસામાં એ બન્નેના ઉપર એટલી આફતો આવી હતી કે આ જીંદગીમાં તે બંનેના મેળાપની જરા પણ આશા નહોતી. એ આઠ દિવસો એમને માટે આઠ યુગ સમાન વીત્યા હતા. આ પ્રકારે નિરાશા તથા આશંકાના સમયમાં અકસ્માત બન્નેનો મેળાપ થતાં તેમનાં હૃદય આનંદથી પરિપૂર્ણ થઇ ગયાં, એ સમયના એમના આંતરિક ભાવોનું વર્ણન થઈ શકે એમ નથી.

એ મેળાપ થયા પછી એનિટા ગેરિબાલ્ડીની સાથે લેજેન્સ સેન્ટથી સાઈમન ગઈ. ત્યાં આગળ માંદી પડવાથી એનિટાને થોડાક દિવસ રોકાઈ જવું પડ્યું, અને ગેરિબાલ્ડીને એકલાજ યુદ્ધક્ષેત્રમાં જવું પડ્યું. એ સમયમાં ઇ. સ. ૧૮૪૦ની ૧૬ મી ડિસેમ્બરે એનિટાએ પોતાના પ્રથમ પુત્ર મિનોતીને જન્મ આપ્યો. પ્રસવના થોડાજ દિવસો બાદ એનિટા ત્યાંના રહેવાસીઓનો વિરોધ જોઈને પોતાના દશ દિવસના બાળકને લઈને ત્યાંથી ચાલી નીકળી. ઘોડા ઉપર બાળકને પોતાની સામે જીનની ઉપર સૂવાડીને જમણા હાથથી બાળકને ૫કડીને અને ડાબા હાથમાં લગામ ધારણ કરીને એ બીજા સ્થાનની શોધમાં ચાલી !

બ્રેઝિલની આંધી પ્રસિદ્ધ છે. પ્રવાસમાં નીકળ્યા પછી બીજેજ દિવસે એનિટાને મહાવિકટ આંધીની સામે થવું પડ્યું. એક તરફથી પવન જોરમાં ફૂંકાતો હતો. બીજી તરફ મૂસળધાર વરસાદ વરસી રહ્યો હતો, જાણે કે બન્નેમાં હરિફાઈ થઇ રહી હતી કે કોણ કોને હરાવે છે ! રક્ષણનો બીજો કાંઇ ઉપાય નહિ હોવાથી એનિટા ઘોડા ઉપરથી ઉતરી પડી અને પાસેના એક ઘોર અરણ્યમાં જઇ એક ઝાડ સાથે ઘોડો બાંધીને પેાતાના કોમળ બાળકને છાતી સરસો ચાંપીને એક મોટા વૃક્ષની નીચે ઉભી રહી. ત્યારપછી આંધી અને વરસાદ બંધ પડી જતાં એ પહેલાંની પેઠે ઘેાડા ઉપર બાળકને સૂવાડીને આગળ ચાલી. પાણીને લીધે પગ લપસી જતો હતો. તેથી ઘેાડો ઘણી સાવધાનીથી એક એક પગલું આગળ વધતો હતો. એમ છતાં પણ થોડે દૂર ગયા પછી તેનો પગ સરકી પડ્યો અને એનિટા તથા તેના બાળક સહિત નીચે પડી ગયો. એથી બાળકના માથામાં ઘા થયો અને માથું એક સ્થાનેથી ફાટી ગયું. તાત્કાલિક તે એ બાબત ઉપર કાંઈ પણ લક્ષ્ય આપી શકી નહિ. ત્યાં આગળ વિસામો ખાવાનું કોઈ સ્થાન નહિ હોવાથી એનિટા ઘોડા ઉપર પાછી સવાર થઈ અને નવકુમારને એવી સાવધાનીથી પેાતાના ખેાળામાં લીધો કે ઘોડા ઉપરથી ફરીને પડી જવાનો અને વાગવાનો સંભવજ રહે નહિ. વફાદાર ઘોડો પાછો બન્નેને લઇને ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા પછી એનિટાએ મેન્ટિમિરિયોના સૈનિકોનું એક લશ્કર જોયું અને ગેગરિબાલ્ડી એમાં અવશ્ય હશે, એમ ધારીને તેણે ઘેાડાને રોક્યો. એ સૈન્ય સેઇન્ટ સાઈમનની તરફથી આવી રહ્યું હતું અને ગેરિબાલ્ડી પોતાની ધર્મપત્નીને તેડી લાવવા સારૂ સૈન્યસહિત જઈ રહ્યા હતા. થોડીજ વારમાં સાગર અને સરિતાનું મિલન થયું. બંનેનાં હૃદય ઉલ્લસિત થયાં અને તેમણે ગુપ્તરૂપે એકબીજાને આલિંગન દીધું. એનિટાના ખોળામાં બાળકને જોતાં ગેરિબાલ્ડીના હર્ષનો પાર રહ્યો નહિ. એ બાળકનો હમણાંજ એક ઘાતમાંથી અણધારી રીતે બચાવ થયો છે, એ જાણતાં એના આનંદ અને વિસ્મયનો પાર રહ્યો નહિ.

પરંતુ એનિટાઓ જન્મ દુઃખ ભોગવવાને માટેજ થયો હતો, એટલે એનાં કષ્ટોનો પાર આટલેથી આવ્યો નહિ. મેંટિમિરિયો સેના બ્રેઝિલની સેનાથી ટેરિફામાં હાર ખાઈને સેઈન્ટ સાઇમનથી મેંટિમિરિયેાની તરફ નાસી રહી હતી. એ સેનામાં ગેરિબાલ્ડી સહાયક સેનાપતિના પદ ઉપર હોવાથી, લશ્કર છોડીને જવાનો અધિકાર એમને નહોતો; એટલે ગેરિબાલ્ડીને પોતાના નવજાત– બાળક તથા સ્ત્રીને સાથે લઈને સેનાની પાછળ પાછળ જવું પડ્યું.વરસાદ જોરમાં વરસી રહ્યો હતો, વળી રસ્તો પહાડો અને જંગલોમાં થઈને જતો હતો. એનિટાને પણ પોતાના બાળકને લઇને સૈનિકોની સાથે ઘેાડાની પીઠ ઉપર બેસીને રવાના થવું પડ્યું. એ ઘાડા જંગલમાં સૂર્યનાં કિરણ કદી પ્રવેશ કરી શકતાં નહોતાં. એ જંગલના ઘોર અંધકારને ભેદી એ પરાજિત સૈન્ય નાસવા લાગ્યું. હિંસક જંતુઓના વિકટ શબ્દથી એ વનની શાંતિનો કોઈ કોઈ વાર ભંગ થતો હતો. જે નદીઓ પહાડોના શિખરમાંથી નીકળી જંગલોને ભેદીને સમુદ્રની તરફ વહેતી હતી, તેમાં વરસાદનું પાણી ભળ્યાથી તે એવા જોશથી વહેતી હતી કે એમને પાર કરવાનું કામ ઘણુંજ વસમું થઈ પડ્યું હતું. એને લીધે મેંટિમિરિયો સૈનિકોને એ જોરાવર વહેળાંની વચમાં બેએક દિવસ રોકાઈ જવું પડ્યું. આનું પરિણામ ઘણું જ દુઃખદાયક આવ્યું. શત્રુઓની ગોળીઓ તથા તલવારથી ગેરિબાલ્ડીની સેનાની જેટલી હાનિ થઈ હતી તેના કરતાં ઘણું વધારે પ્રમાણમાં આ વનયાત્રામાં ભૂખમરાને લીધે થઈ. અનાહાર, અનિદ્રા અને વિશ્રામના અભાવને લીધે એટલાં બધાં માણસો માર્યાં ગયાં કે સૈન્ય જ્યારે બહાર નીકળ્યું ત્યારેજ ખબર પડી કે, લગભગ બધી સ્ત્રીઓ અને બાળકો નાશ પામ્યાં હતાં.

એ સમયે ગેરિબાલ્ડીના પુત્ર મિનોતીની ઉંમર કેવળ એક મહીનાની હતી. કોઈને સ્વપ્નમાં પણ વિશ્વાસ નહોતો કે, આવી કષ્ટજનક મુસાફરીમાં એ નિર્વિઘ્ન પાર ઉતરશે; પરંતુ કોઈ ભાગ્યબળને લીધે એનિટા આજે આટલાં વિઘ્નોમાંથી પણ સહીસલામત બહાર નીકળી આવી. સ્નેહમયી સાહસી એનિટાએ આ દુર્ગમ માર્ગમાં લગભગ બધે સ્થાને નવકુમારને પોતાના ખોળામાં લઈને કદી ઘોડા ઉપર તો કદી પગે ચાલીને મુસાફરી કરી હતી. વેગવંતી નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારેજ એણે પુત્રને પતિના હાથમાં સોંપ્યો હતો. ગેરિબાલ્ડી પુત્રને રૂમાલમાં બાંધીને અને એ રૂમાલની ઝોળી ગળામાં લટકાવીને પાણીમાં તરતા હતા. એ પહાડી નદીઓમાં બરફ પીગળી જવાથી પાણી એટલું ઠંડુ થઈ ગયું હતું કે ગેરિબાલ્ડીને એવી બીક લાગતી હતી કે, રખે આ ઠંડા પાણીથી બાળકનું લોહી ફરતું બંધ થઈ જઇ રસ્તામાંજ એના રામ રમી જાય. આથીજ એ એને ગરમ રાખવાને બનતા ઉપાય કરતા હતા. ઘોડો મરી જવાથી આ દુર્ગમ રસ્તામાં ચાલવું વધારે અઘરૂં થઈ પડ્યું હતું. જે રસ્તાઓમાં ઘેાડા પણ મરણ પામ્યા હતા, તેજ માર્ગોનું કષ્ટ મનુષ્યો કેવી રીતે સહન કરી શકે ? એથી પછી ગેરિબાલ્ડીએ એનિટા અને પુત્રને એક ભોમિયા સાથે સેનાની આગળ મોકલી દીધાં. કેમકે બધાની સાથે જવામાં વધારે વખત જઇ બધા ઘોડા મરી જાય તોપણ આશ્ચર્યું નહોતું. એનિટા એ ભોમિયાની સાથે નિર્વિઘ્ને જગલમાંથી બહાર નીકળી અને દેવદારના બનાવેલા એક સૈન્યવાસમાં આશ્રય લીધો. ત્યાં આગળ લાકડાં સળગાવીને તાપણી કરવામાં આવી હતી. એના તાપમાં મરણતોલ થયેલા બાળકને તપાવીને એનિટાએ પુત્રને બચાવ્યો. સદ્‌ભાગ્યે ત્યાં આગળ ફલેનલ પણ મળી ગઇ. એ ફલેનલમાં એણે પુત્રને લપેટી દીધો. કુદરતી ગરમીના અભાવે બાળક મિનોતીનું બધું અંગ ઠંડુગાર થઈ ગયું હતું. એનિટાને એના બચવાની જરા પણ આશા નહોતી, એણે ફલેનલ તથા અગ્નિની સહાયતાથી મિનોતીના શરીરને ધીમે ધીમે ગરમી પહોંચાડી અને એ પ્રમાણે એ બાળકનો પ્રાણ બચ્યો. એમના આશ્રયદાતા અમેરિટનોએ તેમને પૂરતાં લૂગડાં અને ભોજનસામગ્રી પૂરાં પાડ્યાં અને ગેરિબાલ્ડી આવતા સુધી નાના પ્રકારથી એમની સેવા ચાકરી કરી. પેલી તરફ બધા ઘોડા મરી પરવારવાથી ગેરિબાલ્ડીને રસ્તાના બાકીનો ભાગ પગે ચાલીને પૂરો કરવો પડ્યો. એથીજ એમને પત્નીની પાસે પહોંચવામાં ઘણી વાર લાગી.

આ બનાવ પછી પણ થોડાજ દિવસમાં એનિટાને સ્વામીની સાથે પાછા સમરભૂમિમાં ઉતરવું પડ્યું. જુલ્મી બાદશાહ રોજસ મેન્ટિમિરિયોનો ક્રૂરતાપૂર્વક નાશ કરવા માગતો હતો. એ ક્રૂર રાજાની ચઢાઈ રોકવા માટે ગેરિબાલ્ડી પોતાની સ્ત્રીની સાથે રણક્ષેત્રમાં ગયો. ગેરિબાલ્ડીની સેના આગળ એ ઘાતકી રાજાનું કાંઇ ન ચાલ્યુ. ત્યારપછી થોડા દિવસ બાદ એનિટા પતિની સાથે – પતિની જન્મભૂમિ, પ્રાકૃતિક સૌંદર્યનું વિકાસસ્થાન, વીરત્વની ખાણ, ઇતિહાસનું ઉત્પતિસ્થાન – પવિત્ર ઈટલિમાં ગઈ.

ઇ.સ. ૧૮૪૭ ની ૨૪ મી જૂને તેમના વહાણે ગેરિબાલ્ડીના જન્મસ્થાન નાઈસ નગરથી થોડેક દૂર લંગર નાખ્યું. જો કે એ સમયે પણ ગેરિબાલ્ડીની વિરુદ્ધ ફાંસીનો હુકમ જારી હતો, પણ કિનારે ઉતરતી વખતે તેમને કેદ પકડવામાં આવ્યા નહિ. એમણે જમીન ઉપર પગ મૂકતાંવારજ આખા ઇટલિ દેશમાં વિજળીનો સંચાર થઈ ગયો. ચારે તરફ મહોત્સવ થવા લાગ્યા. ઇટલિનું પ્રત્યેક નગર દીપમાળાઓથી સુસજ્જિત થઈ ગયું. ચારે તરફથી વીરોનાં દળ આવીને તેમને મળવા લાગ્યાં.

ગેરિબાલ્ડી પ્રિયતમા એનિટા અને પોતાના પુત્રને નાઈસ નગરમાં પોતાની માતાની પાસે મૂકીને પોતે રાષ્ટ્રીય સૈન્યને લઇને પ્રિન્સ આલ્બર્ટના તંબુ તરફ રવાના થયા. પ્રિન્સ આલ્બર્ટ એ સમયે ઑસ્ટ્રિયાની વિરુદ્ધ લડવાને કમર કસીને તૈયાર હતો, પણ એ ગેરિબાલ્ડીને મેઝિનીના જેવો ધારતો હતો. મેઝિની રાજતંત્રનો વિરોધી અને પ્રજાસત્તાક રાજ્યનો વિશેષ પક્ષપાતી હતો. એટલા માટે એને લશ્કરી ખાતામાં કોઈ મોટો હોદ્દો આપવાની તેની ઈચ્છા નહોતી. ગેરિબાલ્ડીએ એથી દુઃખી થઈને તા. ૧૨ મી ઑગસ્ટે ચાર્લ્સ આલ્બર્ટની વિરુદ્ધ પ્રચાર કરવા માંડ્યો કે, એ સ્વજાતિદ્રોહી અને સ્વદેશશત્રુ છે, એટલા માટે દેશપ્રેમી અને સ્વદેશભક્ત મનુષ્યોએ એનું કહ્યું ન માનવું જોઈએ. એ જાહેરનામું પ્રગટ કરીને એ સૈન્યની સાથે રોમની તરફ ગયા. મેઝિનીના લશ્કરે એજ અરસામાં પોપને ધક્કો મારીને પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી હતી. એમણે રોમના પ્રજાસત્તાક રાજ્યના સૌથી મોટા સભાસદ તથા સેનાપતિનું પદ સ્વીકારવાને ગેરિબાલ્ડીને નિમંત્રણ આપ્યું. ગેરિબાલ્ડીએ તેમના નિમંત્રણથી પ્રસન્ન થઈને સેના સહિત રોમની યાત્રા કરી. એમણે ૧૮૪૯ ની ૯ મી ફેબ્રુઆરીએ મેસિરાટા પ્રદેશના પ્રતિનિધિતરીકે રોમની મહાસભાના સૌથી મોટા સભાસદનું આસન ગ્રહણ કર્યું. એ વખતે વોઝેલ્લી રોમના પ્રજાસત્તાક રાજ્યનો મુખ્ય સેનાપતિ હતો. મહાસભાએ ગેરિબાલ્ડીને એના હાથ તળે સેનાપતિ પદ સ્વીકારવાનો આગ્રહ કર્યો; અને ગેરિબાલ્ડીએ એ આગ્રહને માન આપ્યું.

એજ સમયે ફ્રાન્સના રાજા ત્રીજા નેપોલિયને રોમની મહાસભાને નષ્ટ કરવા માટે ઓદિનોને રોમ મોકલ્યો. આદિનોએ સાઠ હજાર સૈનિકો સાથે ત્રીજી જૂનની રાતે એકદમ રોમ ઉપર ચઢાઈ કરી. એણે રોમવાસીઓને ચેતવણી આપી હતી કે, હું ૪ થી જૂને તમારા ઉપર ચઢાઈ કરીશ. એટલા માટે ૪થી જૂનની આગલી રાત્રે રોમના લોકો ઘોર ઉંઘમાં સૂતેલા હતા. નેપોલિયને દગો કરીને અચાનક ચઢાઈ કરી અને સહેલાઈથી એ રાત્રે રોમના કેટલાક ભાગ ઉપર કબજો કરી લીધો. પહેરેગીરોએ ‘ઈટલીનો જય’ પોકારીને એ સેનાનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ભીષણ સેનાએ તરતજ તેમના સંહાર કરી નાખ્યો. ચારે તરફથી ઘંટ વાગવા લાગ્યા અને જોતજોતામાં આખું રોમનગર જાગી ગયું અને સ્ત્રી તથા પુરુષ, વૃદ્ધ અને યુવાન બધાં નગરની રક્ષા કરવા ચઢાઈના મેદાન તરક દોડવા લાગ્યાં. આકુળવ્યાકુળ થયેલા રોમનિવાસીઓની દૃષ્ટિ એ સમયે ગેરિબાલ્ડીના ઉપર હતી, બધાએ રોમના રક્ષણનો ભાર એને સોંપી દીધો.

ત્રીજી જૂનથી ૨૮ મી જૂન સુધી એ ઘોર યુદ્ધ જારી રહ્યું. ગેરિબાલ્ડીની અલૌકિક વીરતાથી બધાં રોમવાસીઓમાં પણ વીરતાનો સંચાર થયો. પ્રબળ પ્રવાહથી વહેતી નદી જેવી રીતે સમુદ્રમાં જઇને ભળે છે અને થોડા સમય માટે તેને આકુલિત કરી દે છે, તેવીજ રીતે રોમની સેનાએ ફ્રાન્સના પ્રબળ સેના સાગરમાં થોડા સમયને માટે ખળભળાટ મચાવી મૂક્યો અને તેમના હુમલા સામે ઘણી વીરતા અને સાહસપૂર્વક ટક્કર ઝીલી.

એજ ભીષણ સમયમાં ૨૪ મી જૂનની રાતે ગેરિબાલ્ડીએ કેટલાક સૈનિકોને રાત્રિભોજનને માટે આમંત્રણ આપ્યું. નિરંતર ગોળા વરસવાથી એમનું ઘર ખડભડી ઉઠ્યું હતું, એટલે એને છોડીને બીજે કોઈ ઠેકાણે જવાની એમને ફરજ પડી. ઘરની બહાર આવીને આંગણામાં ટેબલ ઉપર જમવાને સારૂ એ લોકો બેઠા. એજ સમયે અચાનક એક ધગધગતો ગોળો આવીને એમની સામે પડ્યો. એ ગોળાથી બ્હીને બધા મહેમાનો નાસી ગયા, ફ્રેંચી નામનો એક મહાસભાનો સભાસદ પણ નાસવાની તૈયારી કરવા લાગ્યો; પણ ગેરિબાલ્ડીએ તેને પકડી રાખ્યો. એટલામાં પેલો ગોળો ફાટી ગયો અને બધે ધૂમાડો ફેલાઈ ગયો. એજ સમયે વીરતાની સાક્ષાત્ મૂર્તિ એનિટા વિજળીની પેઠે એકદમ ગેરિબાલ્ડીની સન્મુખ આવીને ઉભી રહી. ફ્રાન્સની અભેદ્ય સેનાની વચમાં થઈને એનિટા ત્યાં કેવી રીતે આવી પહોંચી, એ જોઇને ગેરિબાલ્ડી તથા તેમના મહેમાનોને ઘણું જ આશ્ચર્ય લાગ્યું. તેઓ સ્થંભિત થઈ ગયા.

ગેરિબાલ્ડી જે સમયે ચાર્લ્સ આલ્બર્ટથી હારીને જીનેવામાં માંદા પડ્યા હતા, તેજ સમયે એમની રજા વગર એનિટા એમની સારવાર સારૂ એમની પાસે જઈ પહોંચી હતી. ગેરિબાલ્ડીએ તેને નાઇસ નગરમાં માતાની પાસે પાછા જવાનું કહ્યું, પણ પતિને મંદવાડના ખાટલામાં મૂકીને પોતે સહીસલામત સ્થાને જવાનું એનિટાએ પસંદ ન કર્યું. ત્યારપછી ગેરિબાલ્ડીએ કદી એને પોતાનાથી વિખૂટા પડવાનું ન કહ્યું. એનિટા પણ સદા પતિની પાસેજ રહી. રોમના ઘેરાઓની શરૂઆતમાં એનિટાને ગર્ભવતી સમજીને ગેરિબાલ્ડી એને રોમની પાસેના વિયેટી નગરમાં મૂકી આવ્યા હતા; પણ ગેરિબલ્ડીનો જીવ જોખમમાં છે એવી શંકા થતાંજ એ ઝાઝી વાર ત્યાં રહી શકી નહિ. એટલા માટેજ અરિજેની નામના એક માણસને સાથે લઈને ફ્રાન્સના અભેદ્ય સૈન્યમૂહને ભેદીને – વરસતા ગોળાના વરસાદને વીરતાપૂર્વક પાર કરીને એ પતિને જઇ મળી. ફ્રેંચ સૈન્ય મંત્રમુગ્ધની પેઠે એના તરફ જોઇ રહ્યું; મના કરવાનું સાહસ કોઇનાથી થઈ શક્યું નહિ. એ સમય પછી એનિટાના જીવનના અંતપર્યંત ગેરિબાલ્ડીએ કદી તેને પોતાનો સાથ છોડીને જવાનુ ન કહ્યું.

અલૌકિક વીરતાપૂર્વક લગભગ એક મહિના સુધી લડ્યા પછી ગેરિબાલ્ડીએ જ્યારે જોયું કે, રોમની રક્ષા કરવાને કાંઈ ઉપાય નથી ત્યારે એ પાંચ હજાર ચૂંટી કાઢેલા સૈનિકોને સાથે લઈને રોમની બહાર નીકળી પડ્યા. બીજી જુલાઈએ એ વીર દળ વેનિસ નગર તરફ ગયું. ગેરિબાલ્ડીએ એનિટાને પ્રસવકાળ સુધી રોમમાં રહેવાને કહ્યું, પરંતુ પતિપ્રાણા સતીએ પતિને આવી વિપત્તિના સાગરમાં એકલા ન જવા દીધો. એ પુરુષવેશ ધારણ કરી ઘોડે. સ્વાર થઈને જીવનની છેલ્લી ઘડી સુધી પતિની સાથે રહી. સીતાજી જે પ્રકારે રામચંદ્રજીની સાથે ગયાં હતાં, દમયંતી જે પ્રકારે નળની સાથે વનગામી થઈ હતી, સાવિત્રી જે પ્રકારે સત્યવાનની સાથે યમસદનમાં જવાને તૈયાર થઈ હતી; તેવીજ રીતે ગર્ભાવસ્થાના પૂરા દહાડા છતાં એનિટા આજે ગેરિબાલ્ડીની સાથે મૃત્યુના સુખમાં જવાને તૈયાર થઈ.

ગેરિબાલ્ડીની આજ્ઞાથી એ પાંચ હજાર સૈનિકો વેનિસની તરફ ચાલ્યા. પરંતુ ઓસ્ટ્રિયા, ન્યુપલિટી અને ફ્રેંચ સેનાએ આવીને ત્રણે તરફથી એમને રોકી દીધા. એથી એ જરા પણ અકળાયા નહિ. શત્રુના એ સૈન્યવ્યુહને ભેદી તેઓ એટાની નામક સ્થાનની તરફ઼ ચાલ્યા. એમની સેના અત્યારલગી કાંઈ પણ બહાનું કાઢ્યા વગર કે જરાયે આનાકાની કર્યા વગર અહીં સુધી તેમની સાથે ગઈ હતી. પણ ૧૧ મી જુલાઇએ જ્યારે એમણે એ નગર છોડીને વેનિસ જવાની આજ્ઞા આપી, ત્યારે એ સેનાએ પણ બહુ મોટો બળવો મચાવ્યો. શત્રુસેનાએ રાતદિવસ પીછો પકડેલો હોવાથી વસ્ત્રના અભાવ તથા ટાઢના કષ્ટથી, અને અન્નના અભાવને લીધે જઠરાગ્નિ ઠંડો પડી જવાથી, તથા બહુ ઉતાવળે કૂચ કરીને બહુ થાકી જવાથી, ગેરિબાલ્ડીની સેના નિરાશ થઈ ગઈ હતી. એ નિરાશાને લીધે એમના ઘણા સૈનિકો પોતાની ફોજને છોડીને નાસી ગયા. પાંચ હજારમાંથી કેવળ છસો માણસો રહ્યા. એ સેનાને લઇને તેમણે આરોઝો નગરમાં આશ્રય પામવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં પ્રવેશ કરવા પામ્યા નહિ. આખરે એમણે સાનમેરિનોના પ્રજાસત્તાક રાજ્યની પાસે આશ્રયની ભિક્ષા માગવાનનો ઈરાદો કર્યો, પરંતુ એ પાદરીઓની સત્તા નીચેના, દરિદ્રતાથી પીડાતા અને દુર્દશા પ્રાપ્ત પ્રજાતંત્ર રાજ્ય ઓસ્ટ્રિયાના આધિપત્યથી મુક્ત થયું નહોતું. એટલા માટે ગેરિબાલ્ડી અને તેમના સૈનિકો જ્યાંસુધી હથિયાર છોડી ન દે ત્યાંસુધી એ પ્રજાસત્તાક રાજ્ય એમને આશ્રય આપવાને તૈયાર નહોતું. ગેરિબાલ્ડી તથા તેમના સૈનિકો આવું અપમાનજનક આત્મસમર્પણ કરવાને રાજી નહોતા. ગેરિબાલ્ડીએ ફક્ત સાઠ સાથીઓને રાખી બાકીના સૈનિકોને યુદ્ધભૂમિના નિયમથી મુક્ત કરી દીધા. એ બધા સિપાઇઓ પોતપોતાના આત્મરક્ષણને માટે ચારે તરફ ભટકવા લાગ્યા. એ સાઠ સાથીઓને સાથે લઈને ગેરિબાલ્ડી એડ્રિયાટિક ઉપસાગરના કિનારે સિસેનાટિકો બંદર પહોંચ્યા અને ત્યાં નાના નાના મછવાઓ પકડીને એમાં બેસીને વેનિસની યાત્રા કરી.

અનુકૂળ પવન આવતાં મછવાઓ તીરની ગતિથી વેનિસની તરફ જવા લાગ્યા, કેટલાક સમય સુધી સૌભાગ્યદેવી મુસાફરો ઉપર વિશેષ પ્રકારે પ્રસન્ન હતી, પરંતુ એની એ પ્રસન્નતા ચિરસ્થાયી નહોતી. વેનિસથી બાવીસ માઇલ ઉપર જ્યારે એ વહાણો પહોંચ્યાં ત્યારે મિસોલી નામના મંદિરમાં લંગર નાખી પડેલા ઓસ્ટ્રિયન નૌકાસૈન્યની દૃષ્ટિ તેમના ઉપર પડી. નજર પડતાંજ તેણે એ વહાણો ઉપર ચઢાઈ કરી અને તેમનામાંથી નવને પકડીને લઈ ગયા. બાકીનાં છ વહાણ કિનારા સુધી પહોંચી ગયાં. એ છમાંથી એકમાં ગેરિબાલ્ડી, એનિટા, યુગોવેસી, સિસેરો અને ડેયિયા તથા તેના બંને પુત્રો હતા. કિનારે પહોંચતાંજ મુસાફરો પોતાની પૂંઠ પકડનારા ઓસ્ટ્રિયનોથી બચવા સારૂ ચારે તરફ નાસવા લાગ્યા. હતભાગી સિસેરો, ડેયિયા અને તેના બંને પુત્રો તથા યુગોવેસી શત્રુઓના હાથમાં સપડાયા અને એમની ગોળીથી માર્યા ગયા. ગેરિબાલ્ડી તથા એનિટા રોમોનાની તરફ નાસી ગયાં. ત્યાં એમના ઘણા મિત્રો એમને મદદ આપી શકે એમ હતું, પરંતુ એનિટા પહેલેથીજ પીડા પામી રહી હતી અને હવે એની પીડા દિવસે દિવસે વધતી જતી હતી. અત્યંત સખત તાપ વેઠવાથી એનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. એની મુખાકૃતિ જોતાંજ જણાતું હતું કે, એનું મૃત્યુ નિકટ છે. એટલે બીજો કાંઈ ઉપાય ન દેખાતાં ગેરિબાલ્ડી પત્નીને લઈને મેંડિયાલી નામના એક ગામમાં એક ખેડુતના ખળામાં આશ્રય સારૂ લઇ ગયા.

એ ભલા ખેડુતનું નામ રાભિગલિયા હતું. એણે તથા એના ભાઈઓએ ગેરિબાલ્ડીનો બહુજ આદરસત્કાર કર્યો. સાન એલબેટી નામક નગરના પ્રસિદ્ધ ડોક્ટર નાનનિની અચાનક કોઈ કામસર ત્યાં જઈ પહોંચ્યા. એમણે એનિટાની નાડી જોઈને કહ્યું કે, એમને વિષમજવર થયો છે. ઘણા પ્રયત્નપૂર્વક એનિટાને ઉપાડીને એક ઓરડીમાં નરમ બિછાનામાં સૂવાડી. તરસથી એનો કંઠ સૂકાઈ રહ્યો હતો, એટલે તરસ છીપાવવા એક ગ્લાસ પાણી પાવામાં આવ્યું. ગેરિબાલ્ડી પોતાની પ્રાણપ્રિયા એનિંટાને ખેાળામાં લઈને પાણી પાઈ રહ્યા હતા. પાણીના બે ચાર ઘુંટડા પીધા પછી એ પતિવ્રતાનું મૃત્યુ થયું. પતિના ખોળામાં એ પૂર્ણગર્ભા સતીનો મૃતદેહ અપૂર્વ સ્વર્ગીય શોભા આપી રહ્યો હતો. એનિટાની જીંદગીભરની અભિલાષા આજે પૂરી થઈ. પતિની સન્મુખ પોતે પ્રાણ ત્યજશે, પતિના મૃત્યુ પછી જીવવા વારો પોતાને નહિ આવે એજ એમની એકમાત્ર અભિલાષા હતી. એટલા માટેજ એ રણક્ષેત્ર કે ગમે તેવા ભયાનક સ્થાનમાં પણ પતિથી વિખૂટી પડતી નહોતી. એની ઈચ્છા આજે પૂરી પડી. ઇ. સ. ૧૮૪૯ ની ૪ થી ઑગસ્ટની સાંજે લગભગ વીસ શોકાતુર સંબંધીઓની સન્મુખ પતિના ખેાળામાં આદર્શ નારી એનિટાની માનવલીલા સમાપ્ત થઇ. શોકાર્ત ગેરિબાલ્ડી મોટે સાદે રડવા લાગ્યા, પરંતુ એમના નસીબમાં હૈયું ખાલી કરીને પત્નીને માટે પૂરૂ રડવાનું પણ લખાયું નહોતું. એમની પૂંઠ પકડનાર શત્રુ ઓસ્ટ્રિયનોના ભયથી એમને સહધર્મિણીના મૃતદેહની અંત્યેષ્ટિ ક્રિયા કરવાનું કામ એ ખેડુતને સોંપીને નાસવું પડ્યું. એ ખેડુત ઓસ્ટ્રિયનોના ભયથી એનિટાના શરીરને સમાધિમાં મૂકવાની ક્રિયા જાહેર રીતે કરી શક્યો નહિ. એણે ભયભીત હાથે એનિટાના શબને ખેતરના એક ખૂણામાં ચિરવિશ્રામને માટે દફનાવ્યું. ગેરિબાલ્ડી જ્યારે ઓસ્ટ્રિયનોને ઈટાલીમાંથી હાંકી કાઢીને ડિક્ટેટરના પદ ઉપર બિરાજમાન થયા, ત્યારે એમણે એ સામાન્ય સમાધિ ઉપર એક મોટું સ્મરણચિહ્ન ઉભું કર્યું. એ સમયથી એ સ્થાન એક પવિત્ર તીર્થ મનાવા લાગ્યું છે.

એનિટાના જીવન ઉપરથી ભારતીય રમણીઓ વીરતા, સેવાપરાયણ પરાયણ પાતિવ્રત્ય અને કાર્યતત્પરતાનો બોધ ગ્રહણ કરશે ?

ભારતવાસી સન્નારીઓ ! ઇટાલીના ઉદ્ધારનું વ્રત સાધવાને એનિંટાએ જે પ્રમાણે આત્મજીવનની આહુતિ આપી હતી, પાતિવ્રત્ય ધર્મનું ઉદ્યાપન કરવાને જે પ્રમાણે તેણે આત્મબલિદાન કર્યું હતું, તેજ પ્રમાણે તમે પણ સ્વદેશસેવાના વ્રતમાં જીવનની આહુતિ નહિ આપો અને પાતિવ્રત્ય ધર્મનો પ્રચાર થવા સારૂ એજ પ્રમાણે પતિની સર્વ શુભ પ્રવૃત્તિઓમાં આત્મસમર્પણ કરતાં નહિ શીખો, ત્યાં સુધી આપણા પડતીમાં પડેલા દેશના ઉદ્ધારની કેાઈ પણુ આશા નથી.

સ્ત્રી એ મહાશકિત – મહામાયાના અંશસ્વરૂપ છે. એ શક્તિ બેપરવા રહે, દેશનાં કાર્યોમાં ભાગ ન લે તો પુરુષના પ્રયત્નો સફળ થઈ શકે નહિ. શક્તિસંચાર થયા વગર કોઈ પણ જાતિની ઉન્નતિની જરા પણ આશા રાખી શકાય નહિ. સ્ત્રીવર્ગ રાષ્ટ્રીય ઉન્નતિ અને જાતીય અભ્યુત્થાનથી પ્રતિકૂળ હોય, પતિ ગમે તેટલા સુધારા કરવા ઈચ્છતો હોય, પણ પત્ની તેમાં શામેલ હોય નહિ છે તો તે દેશ કદી ઉન્નતિ કરતો નથી, પણ અંધકારમાંજ ડૂબેલો રહે છે. પાશ્ચાત્ય દેશની ઉન્નતિનું મૂળકારણ ત્યાંની સ્ત્રીઓનો ક્રમપૂર્વક વિકાસ છે. ભારતીય આર્ય લલનાઓ જ્યારે સતીત્વમાં, પરોપકારમાં અને સ્વદેશસેવામાં જગતને આદર્શરૂપ જીવન વ્યતીત કરતી હતી, ત્યારે આ ભારત પણ સંસારમાત્રના મુકુટરૂપ હતો. શું એ દિવસ પાછો નહિ આવે ? કોણ કહે છે નહિ આવે ? શુભ ચિહ્‌ન દેખાવા લાગ્યાં છે. ઉચ્ચ આદર્શને દૃષ્ટિ આગળ રાખી, પુણ્ય માર્ગે જવાથી સફળતા અવશ્યંભાવી છે. પરમાત્મા ભારતમાં હજારો એનિટાઓ ઉત્પન્ન કરો.