← સાધ્વી સૈયદા નફસિયા મહાન સાધ્વીઓ
સાધ્વી લુઈસા
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી એનિટા →



साध्वी लुइसा


જે સાધ્વીઓ મસ્તક ઉપર સુવર્ણ મુકુટ અને ગળામાં રત્નોનો હા૨ ધારણ કરીને સિંહાસન ઉપર બેસવાનો અધિકાર ધરાવે છે, જેઓ રમણીય મહેલના ધનવૈભવમાં વાસ કરે છે, તેમણે તો ઈશ્વરની કરુણાનું સ્મરણ કરીને અવશ્ય ધર્મશીલા અને દયાવાન થવું જોઈએ. પરંતુ આ સંસારમાં જે કાંઈ થવું ઉચિત હોય તેજ કાંઈ સદા બનતું નથી. એટલા માટેજ ઘણાંખરાં રાજકુટુંબમાં ધર્મનું નામનિશાન નથી હોતું અને દુઃખીઓના દીર્ઘનિઃશ્વાસ રાજમહેલના અતઃપુરની પથ્થરની દિવાલોને ભેદીને રાજ્યેશ્વરીઓએના હૃદયમાં કરુણાનો સંચાર નથી કરતા.

એથી કરીને કોઇ એકાદ રાણીને આપણે દયાધર્મનું પાલન કરનારી જોઇએ છીએ ત્યારે આપણા વિસ્મયનો પાર રહેતો નથી. આપણે સ્વાભાવિક રીતે તેને દેવી ગણીએ છીએ અને તેના પ્રત્યે આપણી ભક્તિ જાગે છે.

અહીં અમે યુરોપની એવીજ એક દયાળુ રાણીની કરુણાની કહાણી વર્ણવીશું. હૃદયની મહત્તાને લીધે તેણે અસંખ્ય નરનારીઓની શ્રદ્ધા પોતાની તરફ આકર્ષી હતી. એના પુણ્યમય જીવનનો વિચાર કરતાં એમ લાગે છે કે, જાણે એ સ્વર્ગમાંથી દેવભાવ લઈને મૃત્યુલોકમાં ઉતરી હતી.

એ સાધ્વીનું નામ હતું લુઇસા. એ ઈ. સ. ૧૭૭૬ માં જર્મનીના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ્યાં હતાં. એમની માતા અતિશય બુદ્ધિમતી હતી. છોકરાંઓને કેવી રીતે કેળવવાં એ તે સારી રીતે સમજતી હતી. લુઇસા જ્યારે નાની સરખી બાલિકા હતી ત્યારથીજ માતાએ એના નિર્મળ મુખમાં સ્વર્ગીય ભાવની ઝાંખી કરી હતી. એને ખાત્રી હતી કે, લુઇસાના શિક્ષણનો સારો બંદોબસ્ત કરવામાં આવે તો એનું સુકુમાર હૃદય ધર્મભાવથી ખીલી નીકળશે. એ ઉદ્દેશથી એ કન્યાને અનેક પ્રકારના વિષયોનું શિક્ષણ આપવા લાગી. જનનીની સારી કેળવણીને લીધે બાલિકા લુઇસાના જીવનપુષ્પની પાંખડીઓ ખીલવા લાગી.

પરંતુ સ્નેહમયી માતાની દેખરેખ નીચે શિક્ષણ પામવાનું બહુ થોડા દિવસને માટેજ લુઈસાના ભાગ્યમાં હતું. એની અલ્પ અવસ્થામાંજ માતા સંસાર છોડી ગઇ. હવે લુઇસાને સુશિક્ષિત કરવાનો ભાર એની દાદીએ લીધો.

લુઇસાની વય વધવા સાથે તેનું રૂપલાવણ્ય પણ વધવા લાગ્યું, તેના ઉજ્જવળ હાસ્યમાં અપૂર્વ સરળતા અને પ્રકુલ્લિત નયનોમાં સુમધુર ભાવ દેખાવા લાગ્યા. લુઈસાનું પવિત્ર હૃદય શિશિરની કોમળતાથી ઘડાયેલું હતું. દુઃખીઓના રુદનથી એના મનને ઘણી વ્યથા થતી, ભક્તિ અને કરુણા તેના અંતરને શોભાવી રહ્યાં હતાં. તરુણ વયથીજ ઈશ્વરપ્રત્યે તેના હૃદયમાં અત્યંત વિશ્વાસ અને ભરોંસો હતો. એ દરરોજ સરળ હૃદયે ભક્તિપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરતી. એ પ્રાર્થના દ્વારા તેના હૃદયમાં સ્વર્ગીય પ્રેમ ઉતરી આવ્યો હતો. એટલે કોઈને પણ મંદવાડની પથારીમાં પડેલું જોતાં એમને દયા ઉપજતી અને એનું દુઃખ દૂર કરવા સારૂ સેવા કરવા તૈયાર થતાં. એ બાબતમાં એમના બચપણની એક ઘટના આપીશું.

એક વાર લુઈસાનાં દાદી અને શિક્ષિકા તેને ઘરમાં ન જોવાથી બહુ ચિંતાતુર થયાં. પાછળથી એમને ખબર પડી કે, લુઇસા એ વખતે એક માતાપિતાહીન નિરાધાર અને દુ:ખી બાલિકાની પાસે બેસીને બાઇબલ વાંચી રહી હતી અને મીઠા સ્નેહપૂર્ણ વાક્યવડે તેને ધીરજ આપી રહી હતી.

હવે લુઈસાની તેર વર્ષની વયની એક બીજી વાતનો ઉલ્લેખ કરીશું. પોતાને મનગમતી એક વસ્તુ ખરીદવા માટે એ ધીમે ધીમે થોડા પૈસા એકઠા કરી રહ્યાં હતાં, પરંતુ એટલામાં એક દિવસ એક કંગાળ દુ:ખી વિધવા તેમની પાસે ભીખ માગવા આવી. એ ભિખારણના દુ:ખની કહાણી સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયાં, અને પોતે એકઠાં કરેલાં બધાં નાણાં એને આપી દીધાં. ત્યારપછી લુઇસાના રૂપ અને ગુણની પ્રશંસા ચારે તરફ ફેલાવા લાગી. એમની સરળતા, પવિત્રતા, દયા અને ધર્મભાવ જોઇને બધા એના પ્રત્યે શ્રદ્ધા દેખાડવા લાગ્યા. પ્રશિયાના રાજકુમાર એ ધર્મશીલા અને કરુણામયી નારીના ગુણથી આકર્ષાયા અને રૂપથી મુગ્ધ થઈ ગયા. ઈ. સ. ૧૭૯૩ ની ૨૩ મી ડિસેમ્બરે એ રાજકુમારની સાથે લુઇસાનું લગ્ન થઈ ગયું.

લુઈસા રાણી થયાં. સ્વામીનો તેમના ઉપર બહુજ પ્રેમ હતો. એમના મનને સંતોષવા માટે રાજમહેલમાં પુષ્કળ ધન અને ઝવેરાત હતું. ધાર્યું હોત તો ધનગર્વિતા વિલાસી સ્ત્રીઓની પેઠે એ પણ સુખના મદમાં મસ્ત થઈને પોતાનું જીવન ગાળી શક્યાં હોત, ઈશ્વરને ભૂલી જઈને દુઃખીઓનાં દુઃખને વિસરી ગયાં હોત. પરંતુ બાલ્યાવસ્થાથીજ સારું શિક્ષણ મળેલું હોવાથી એમના હૃદયમાં અનુપમ ધર્મભાવ વિકાસ પામ્યો હતો. રાજમહેલનો વૈભવ એમના એ ધાર્મિક ભાવને ઝાંખા કરી શક્યો નહિ. એ ધર્મભાવને લીધેજ રાણી લુઇસા રાજસિંહાસને પણ બેસતાં અને દુઃખીઓને ઘેર જઈ તેમનાં આંસુ પણ લુછતાં. ગરીબોનાં અશ્રુ લૂછતાં તેમને કેટલો બધા આનંદ આવતો ! પરણ્યા પછી તેમણે પોતાની દાદીને લખ્યું હતું કે :–

“રાણી થઈને હું ગરીબોને મરજી પ્રમાણે સહાયતા આપી શકુ છું, એજ મારા જીવનનું સર્વશ્રેષ્ઠ સુખ છે.”

લુઇસાના લગ્ન પછી એક વાર તેમના સ્વામીએ કહ્યું “તને સાથે લઇ એક વાર હું મોટા ઠાઠ સાથે રાજમાર્ગ પર ફરવા નીકળીશ.”

રાણી લુઈસાએ સ્વામીનાં એ સ્નેહભર્યા વચનો સાંભળીને આનંદી મુખે ઉત્તર આખ્યો કે “વહાલા ! એટલું બધું નકામું ખર્ચ શા સારૂ કરશો ? એવા આમોદપ્રમોદથી શું લાભ ? એવા ખોટા ઠાઠમાં જે ખર્ચ કરવા ધારો છે તે વિધવા અને માબાપવગરનાં નિરાધાર બાલકબાલિકાઓનાં દુઃખ ટાળવામાં વાપરો તો કેટલુ સારૂં થાય ? હું તો એવાં પુણ્યકાર્યોથી જ સુખી થઈશ.”

રાણી લુઇસાને લગ્નસમયે બહુ કિંમતી વસ્તુઓની ભેટ મળી હતી. પરંતુ એમણે એમાંની ઘણી ખરી ગરીબ અને નિરાધાર દુ:ખીઓને વહેંચી દીધી હતી.

પરણ્યા પછી લુઈસાની વર્ષગાંઠ આવી. તેમના સ્વામીનો એમના ઉપર બહુજ પ્રેમ હોવાથી એમણે એમની વર્ષગાંઠ નિમિત્તે ગરમીમાં રહેવા લાયક એક સુંદર મહેલ બંધાવ્યો અને હસતે મુખે કહ્યું “તારે મારી પાસેથી બીજું કાંઈ જોઈતું નથી ?”

લુઇસા — “હા, જોઈએ છે.”

રાજા— “શું જોઈએ છે ?” લુઈસા — “હું ઈચ્છું છું કે, આપ મને હજુ ઘણું વધારે ધન આપો એટલે હું ગરીબ અને અનાથ લોકોની વધારે સેવા કરૂં.”

રાજા — “બોલ, કેટલું ધન આપુ ?”

લુઇસા —“એક દયાળુ રાજાનું હૃદય જેટલું આપી શકે તેટલું ધન મારે જોઇએ.”

રાણીની વાત સાંભળીને રાજાનું હૃદય હર્ષથી છલકાઈ ગયું.એણે તરતજ હસતે મુખે રાણીના હાથમાં પુષ્કળ ધન સોંપ્યું. એ ધનદ્વારા રાણી લુઇસા ગરીબ અને માંદાઓની સેવા કરી તેમનાં દુઃખ નિવારણ કરવા લાગ્યાં. ગરીબો તેમને દયામયી માતા ગણીને એમના તરફ ભક્તિ દાખવવા લાગ્યાં.

રાણી લુઇસા અને તેમના સ્વામી એક વાર પોસ્ટડેમની પાસે પારેઝ નામના એક ગામડામાં ગયાં. એ ગામ બહુ સુંદર હોવાથી એમણે થોડા દિવસ સુધી એમાં વાસ કર્યો. એ ત્યાં એવી સાદાઈથી રહેતાં અને એવા પ્રેમથી લોકો સાથે હળતાં કે એ રાણી છે એ વાત લોકો થોડા સમય માટે ભૂલી ગયા હતા. કરુણાભર્યા આનંદોજ્જ્વલ મુખ સાથે રાણી ગરીબોને ઘેર જતાં અને નાના પ્રકારની વાતોથી તેમને સુખી કરતાં. કોઈ કોઈ વાર મિઠાઇ મંગાવીને બાળકોને ખવરાવતાં. કદી કદી રસ્તામાંનાં નિરાધાર બાળકોને પોતાના ખેાળામાં લઇને રમાડતાં. પ્રશિયાની રાણીનું એ કાર્ય જોઇને લોકો વિસ્મય પામતાં. રાણી એ દિવસોને પોતાના જીવનના સુખી દિવસો ગણતાં અને કહેતાં કે, લોકો મને ‘શ્રીમતી મહારાણી સાહેબ’ કહીને બોલાવે છે તેના કરતાં એ લોકો ‘દયાળુ બાઈ’ કહીને બોલાવે છે તે વધારે ગમે છે.

લુઇસાને લખતાં વાંચતાં સારું આવડતું હતું. ઉત્તમ ગ્રંથો વાંચવાનું એમને બહુ ગમતું. એમણે વિદ્વત્તાપૂર્ણ અનેક નિબંધો લખ્યા છે. સરળતા, કોમળતા અને વિનયથી એમનો સ્વભાવ બહુ મધુર થઇ ગયો હતો. લોકોનાં દુઃખ જોઈને એમનું હૃદય રડી ઉઠતું, દુ:ખથી પ્રેરાઈને એ વિષાદ સંગીત ગાતાં. એમના કંઠમાંથી નીકળતાં વિષાદગીત સાંભળીને પથ્થરનાં હૈયાં પણ દયાથી પીગળી જતાં અને આંસુ ખાળવાં એ તેમને માટે વસમું થઇ પડતું.

ઇ. સ. ૧૭૯૭ માં લુઇસાના પ્રથમ પુત્રનો જન્મ થયો. એજ પ્રથમ વિલિયમ હતો. એને હાથે જર્મન સામ્રાજ્યની સ્થાપના થઈ.

રાણી લુઇસા જેટલાં વર્ષ જીવ્યાં તેટલાં વર્ષ દુઃખીઓના સેવાકાર્યમાંજ સુખ માણતાં. એ ફરવા નીકળતાં ત્યારે સડકની બન્ને તરફ ગરીબ લોકોની ભીડ જામતી. અંગરક્ષકો બહુ પ્રયત્ન કર્યા છતાં પણ એમને ખસેડી શકતા નહિ. રાણી લુઈસાને તો એ ભીડ જોઈને બહુ આનંદ થતો અને એ ગરીબોને ધન, ભૂખ્યાને અન્ન અને બાળઓને રમકડાં આપી ખુશ કરતાં. રસ્તામાં એકઠા થયેલા લોકો એ અપૂર્વ દૃશ્ય જોઈને આનંદપૂર્વક જયધ્વનિ કરતા કે “અમારી દયાળુ મહારાણી ઘણુ જીવો.”

સુખ પછી દુઃખ એ વિધાતાનો નિયમ છે. રાણી લુઇસાનું સુખી જીવન ઘણા દિવસ ટક્યું નહિ. મહાન નેપોલિયન સામે પ્રશિયા અને ઑસ્ટ્રિયા એકસંપીથી મળી ગયા હોત તો નેપોલિયન ફાવત નહિ; પરંતુ પ્રશિયા ઓસ્ટ્રિયાથી અલગ રહ્યું. થોડા સમય પછી નેપોલિયને પ્રશિયાની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. રાજાને બીજાઓની મદદની આશા નહોતી, પણ રાણી લુઈસામાં વીરતા અને મુત્સદ્દીપણાના ગુણ હતા. એણે નિરાશ થયેલા સૈનિકોને બોલાવીને વીરતાપૂર્ણ ભાષણ આપ્યું; પેાતાના દેશમાં થઈ ગયેલા પૂર્વકાળના મહાન યોદ્ધાઓની વીરતા અને સ્વતંત્રતાનું સ્મરણ કરાવી યુદ્ધ કરવાનો ઉત્સાહ આપ્યો.

ઇ. સ. ૧૮૦પ ના નવેમ્બરમાં પોસ્ટડેમ ગામના નાનકડા દેવળમાં રાજા, રાણી અને રૂશિયાનો બાદશાહ અલેકઝાન્ડર મળ્યા અને સ્વર્ગવાસી મહાન રાજા ફ્રેડરિકની સમાધિ આગળ પ્રતિજ્ઞા લીધી કે, અમે સ્વદેશને શત્રુઓથી બચાવીશું. એ પ્રતિજ્ઞાનુંપાલન કરવા એજ ક્ષણથી એમણે પ્રયત્ન કર્યો, અત્યંત દુઃખ સહન કર્યા. પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ઘણો સમય લાગ્યો; પણ વિજયનો એ શુભ દિવસ જોવા રાણી લુઈસા આ સંસારમાં રહ્યાં નહોતાં.

૧૮૦૬ માં નેપોલિયન સાથે લુઇસાના પતિને યુદ્ધ થયું. એ યુદ્ધ સમયે રાણી લુઈસા મહેલમાં બેસી રહ્યાં નહોતાં, એમણે પ્રભાવશાળી વ્યાખ્યાનોથી લોકોને દેશનું રક્ષણ કરવાને પ્રેર્યા; એટલુંજ નહિ પણ જાતે સૈનિક બન્યાં, એક ટુકડીના ‘કર્નલ’તરીકે પોતાનું નામ નોંધાવ્યું અને યુદ્ધભૂમિમાં રણચંડીની પેઠે સજ્જ થઈને ગયાં. પરંતુ રાણીમાં જેટલી વીરતા અને આત્મવિશ્વાસ હતાં તેટલાજ પ્રમાણમાં રાજામાં પોતાની શક્તિઓ માટે અવિશ્વાસ હતો. આંતરકલહને લીધે પાડોશીઓ અને બાંધવો તેને મદદ આપવા તૈયાર નહોતા. રાજનીતિના ગુંચવાડા અને દાવપેચ એને આવડતા નહોતા અને બીજાઓના ઉપર વિશ્વાસ રાખીને એને કામ કરવું પડતું.

આત્મવિશ્વાસની એ ખામીને લીધે રાજાથી સૈન્યની આગેવાની લેવાઇ શકી નહિ, અને ‘જેના’ના યુદ્ધમાંથી તેને પલાયન કરવું પડ્યું. બોનાપાર્ટે વિજેતાતરીકે બર્લિન રાજધાનીમાં પ્રવેશ કર્યો. રાણી લુઇસાના દુઃખ અને આપત્તિનો પાર રહ્યો નહિ. એ દુઃખ પતિમાં સાહસ, ધૈર્ય અને દૂરંદેશીની ખામીને લીધે આવી પડ્યું છે એ જાણવા છતાં પતિ પ્રત્યેના પ્રેમ અને ન્યૂનતામાં એમણે જરાયે ઉણપ આવવા દીધી નથી. પતિનો દોષ એક દિવસ પણ કાઢ્યો નથી, એટલું જ નહિ પણ એ દોષને હૃદયમાં પણ વસવા દીધો નથી. આપત્તિના સમયમાં એમનો પતિપ્રેમ વધારે દૃઢ થયો અને એક આદર્શ પત્નીતરીકે એમણે એમની સેવાચાકરી કરી. ઘોર આપત્તિના સમયમાં એક દિવસ પણ એમણે નિરાશાનો અનુભવ કર્યો નથી. પ્રશિયા એક દિવસ જરૂર સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરશે એ આશામાંજ એ જીવતા હતા. ધૈર્યની પરીક્ષા આપત્તિસમયેજ થાય છે. એ પરીક્ષામાં રાણી લુઇસા સારી રીતે પાર ઉતર્યાં હતાં. એમની એ સફળતાનો યશ એમણે બાલ્યાવસ્થામાં પ્રાપ્ત કરેલા ધર્મજ્ઞાનનેજ છે. ધર્મજ આપત્તિને સમયે ધૈર્ય પ્રદાન કરી સહાયતા આપે છે. રાજ્યભ્રષ્ટ થયા પછી તેમણે પોતાના પિતાને જે પત્ર લખ્યો છે તે ઉપરથી એમનો ઉંડો ધર્મવિશ્વાસ તથા રાજનીતિના જ્ઞાનનો પરિચય મળી આવે છે. એ લાંબા પત્રમાંથી થોડાંજ વચનો અને નીચે ઉતારીશું.

“પિતાશ્રેષ્ઠ !

અમારૂં સર્વસ્વ ગયું છે – સદાને માટે નહિ તો હાલ થોડા સમયને માટે તો જરૂર અમારૂં સર્વ નાશ પામ્યું છે. આ જીવનમાં મને અધિક સુખની લાલસા નથી. મેં હવે પ્રભુને આત્મસમર્પણ કર્યું છે અને પ્રભુના વિધાનને શાંતિપૂર્વક શરણે થાઉં છું. શાંતચિત્ત પ્રભુમાં વિશ્વાસ રાખ્યાથી મને સાંસારિક સુખ કરતાં ઘણી વધારે એવી કિંમતી માનસિક શાંતિ મળે છે. દરરોજ મારી ખાત્રી થતી જાય છે કે, જે બનાવો બન્યા છે તે બનવાજ જોઇતા હતા. જૂના જમાનાની, શિથિલ અને કઢંગી રાજનીતિ બદલાઈને રાજ્યતત્રમાં સુધારો કરવાની ભગવાનની સ્પષ્ટ ઈચ્છા હતી. મહાન સમ્રાટ ફ્રેડરિક, જે મહાન વીર પુરુષ હતા અને જેમણે આ દેશમાં નવીન યુગ પ્રકટાવ્યો હતો, તેની કીર્તિનાં બણગાં ફૂંકવા છતાં પણ અમે તો નિરાંતે ઘોર નિદ્રામાં જીવન ગાળીએ છીએ. અમે સમયની સાથે પ્રગતિ નથી કરી, બલકે ઉલટા પાછળ હઠ્યા છીએ. આ વાત રાજા જેટલી સ્પષ્ટતાથી સમજી શક્યા છે તેટલી સ્પષ્ટતાથી બીજું કોઇ સમજ્યું નહિ હોય. હાલમાંજ મારે એમની સાથે વાતચીત થઈ હતી, અને એમણે વિચારપૂર્વક કહ્યું હતું કે, આ બધું બદલાવું જ જોઈએ. આપણે સ્થિતિમાં ફેરફાર કરવોજ પડશે.”

“સંસારમાં સારામાં સારા અને ડાહ્યામાં ડાહ્યા માણસો પણ નિષ્ફળ નીવડે છે, અને એટલું તો નક્કી છે કે, ફ્રાન્સનો બાદશાહ રાજ્યનીતિકુશળ અને પ્રપંચી છે. રશિયા અને પ્રશિયાવાસીઓ સિંહના જેટલા પરાક્રમપૂર્વક લડ્યા હોત, અને અમે પરાજિત ન થયા હોત, તો પણ અમારે રણક્ષેત્રનો ત્યાગ કરવાવારો આવત અને શત્રુઓએ આ ભૂમિનો કબજો લીધો હોત. નેપોલિયનના જીવનમાંથી આપણે ઘણું શીખવાનું છે. એણે જે કાંઇ કર્યું છે તેના ઉપરથી શિખામણ લેવાનું અમે નહિ ભૂલીએ. ઈશ્વરે એને મદદ કરી છે એવું કહેવું એ તો ભગવાનની નિંદા કરી ગણાય, પણ ખરી વાત તો એ છે કે, વૃક્ષની જે શાખાઓમાંથી ચૈતન્ય ચાલ્યું ગયુ હતું, અને જેને લોકો ભૂલથી વૃક્ષ સમજી રહ્યા હતા તેમને કાપી નાખવામાં એ પ્રભુના હાથમાં ઓજારરૂપ બન્યો છે. સારા દહાડા પણ પ્રભુ જરૂર દેખાડશે. સર્વશક્તિમાન પ્રભુમાં દૃઢ વિશ્વાસ અમને એ બાબતની ખાત્રી આપે છે. આ સંસારમાં કેવળ શુભ કર્મોનું જ પરિણામ શુભ આવે છે, એટલા માટે હું નથી માનતી કે, બાદશાહ નેપોલિયન દૃઢતાપૂર્વક એ સિંહાસન ઉપર બેસી શકે. એકનિષ્ઠા, સત્ય અને ન્યાય, એ ત્રણજ ગુણ ચિરસ્થાયી અને અખંડ છે. નેપોલિયન ફક્ત રાજનીતિવિશારદ અને વ્યવહારકુશળ છે. એ ભગવાનના નિયમને અનુસરીને રાજ્ય નથી ચલાવતો,પણ સમય વર્તીને ચાલે છે; એટલે એનું શાસન અન્યાયથી કલંકિત છે. એ મનુષ્યો સાથે ન્યાયથી વર્તતો નથી તેમજ એના ઉદ્દેશો પ્રમાણિક અને વ્યાજબી નથી. એની બધી મહત્ત્વાકાંક્ષા પોતાની સત્તા વધારવા પૂરતી છે. એના વર્તનથી આપણને આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પોતાના પાસા સવળા પડતા જોઇને એ મદાંધ થયો છે અને માને છે કે, હું ધારું એ પાર પાડી શકું એમ છું. એને લીધે એનામાં વિનય અને નિરભિમાનતા નથી, અને જેનામાં એ ગુણ નથી તે છેવટે પોતાનું સમતોલપણું ખોશે અને એનું અધઃપતન થશે. ઈશ્વરમાં અને સાંસારિક બાબતોમાં એના ડહાપણભર્યા શાસનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એનું શાસન જોરજુલ્મમાં છે એ હું કદી સ્વીકારતી નથી; એટલે હું આશા રાખું છું કે, હાલની ખરાબ સ્થિતિમાંથી સારૂં જ પરિણામ આવશે. બધા સારા માણસો એજ ઇચ્છે છે અને એનીજ આશા રાખે છે. જે કાંઈ બન્યું છે અને જે કાંઈ બની રહ્યું છે તે અમારે ભોગવવાના પરિણામરૂપ નથી, પરંતુ વધારે સારા માર્ગે અમને પહોંચાડવાના માર્ગરૂપ છે એમ હું માનું છું. લક્ષ્ય બહુ દૂર છે; સંભવ છે કે, અમે એને પહોંચી પણન શકીએ, અને એ પ્રયત્નમાંજ મરણ પામીએ.”

“પ્રભુ જે ધારે છે તે ખરૂંજ હોય છે. એ વિચારથી અને મારા હૃદયમાં દૃઢતાથી અંકિત થયેલી આશાને લીધે મને આશ્વાસન, હિંમત અને શાંતિ મળે છે. આ સંસારમાં બધી વસ્તુઓ પરિવર્તનશીલ હોવાથી આપણે એ બધી ચઢતી પડતી સહન કરવી જોઈએ. આપણે તો એટલીજ કાળજી રાખવી જોઈએ કે, દરેક દિવસે આપણે દુ:ખ સહન કરવાને વધારે તૈયાર થઇએ.”

“પ્રિય પિતાજી ! હું એક અબળા મારા રાજ્યદ્વારી વિચારોનો એકરાર જેટલો કરી શકું તેટલો આ રહ્યો. સંભવ છે કે, મારા આ વિચારોમાં અપૂર્ણતા હશે. એ વિચારો આપની આગળ રજુ કરવા માટે મને ક્ષમા આપશો; પણ આપને એટલી તો ખાત્રી થશે કે, આપની પુત્રીએ આપત્તિના સમયમાં ભગવાનનું શરણુ લીધું છે, અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને પ્રભુના ડરના જે શિક્ષણને માટે હું આપની ઋણી છું, તેનું ફળ મળતું જાય છે. અને જ્યાંસુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાંસુધી એ શિક્ષણનું શુભ પરિણામ આવતુંજ રહેશે.”

“વહાલા બાપુ ! આપને જાણીને આનંદ થશે કે, અમારા ઉપર જે જે આપત્તિઓ આવી પડી છે તેથી અમારા દાંપત્યજીવન અને ગૃહસ્થાશ્રમના ધર્મના પાલનમાં જરા પણ અંતરાય આવ્યો નથી. એથી ઉલટું, અમારી સ્નેહગાંઠ વધારે મજબૂત થઇ છે અને અમને એકબીજાને માટે વધારે યોગ્ય બનાવ્યાં છે. મહારાજા સાહેબ મને પહેલાં કરતાં પણ અધિક ચાહે છે અને મારા ઉપર પહેલાં કરતાં પણ વધારે મમતા દાખવે છે. દરેક પ્રસંગે એ પોતાનો પ્રેમ બોલી બતાવ્યા કરતાં કર્મ દ્વારા પ્રગટ કરે છે. ગઈ કાલેજ એમણે મારા સામું પ્રેમથી નીહાળીને પોતાની સ્વાભાવિક સરળતાથી મને કહ્યું હતું કે ‘વહાલી લુઈસા ! તું મને પહેલાં કરતાં વધારે પ્રિય લાગે છે અને આ આપત્તિના સમયમાં મને તારી વધારે કદર થાય છે. અનુભવથી મને ખબર પડી છે કે, તારા સ્વામી બનવું એમાં કેટલી મહત્તા છે. આપણી એકતાની ગાંઠ ઢીલી પડતી ન હોય ત્યાંસુધી બહાર ગમે તેટલો વંટોળીઓ આવે તેની મને જરા પણ પરવા નથી. હું તને ઘણાજ પ્રેમથી ચાહું છું તેથીજ મેં આપણી સૌથી નાની પુત્રીનું નામ લુઇસા પાડ્યું છે.’ એમનો આ પ્રેમ જોઇને મારાં નેત્રમાં આંસુ ભરાઈ આવ્યાં. એ નાની છોકરી એમને માટે સાચી લુઇસાજ નીવડો. સંસારમાંના સર્વોત્તમ નરનો પ્રેમ અને વિશ્વાસ મેળવ્યાથી હું ગૌરવ, આનંદ અને સુખ અનુભવું છું. હું પણ ખરા અંતઃસ્કરણથી એમના પ્રેમનો બદલે વાળું છું; અને અમે એટલાં બધાં એકરૂપ થઈ ગયાં છીએ, કે એકની ઇચ્છા તેજ બીજાની ઇચ્છા થઈ પડી છે. એથી કરીને વર્ષો વીતતાં ગયાં તેમ તેમ એમનો વિશ્વાસ કાયમ રાખવાનું મારે માટે સહેલું થઈ પડ્યું છે. એક શબ્દમાં કહું તો એ મને દરેક વિષયમાં અનુકૂળ છે અને હું દરેક વિષયમાં એમને અનુકૂળ છું. અમે બંને જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે અમે સુખને શિખરે હોઇએ છીએ. પિતાજી ! અમારા આ આનંદજનક ઐક્યની વાત અભિમાનપૂર્વક કહેવા માટે મને ક્ષમા કરશો. આ તો મારા સુખમાંથી ઉદ્‌ભવેલા સ્વાભાવિક ઉભરા છે, અને એ બધું જાણ્યાથી મારા ઉત્તમ અને સ્નેહાળ પિતા કરતાં બીજા કોઇને વધારે આનંદ નહિ થાય એમ ધારીનેજ એ ઉદ્‌ગારો કાઢ્યા છે.”

આ પત્રમાંથી રાણી લુઇસાનો પતિપ્રેમ અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો પૂર્ણ પરિચય મળી આવે છે. કોણ કહેશે કે એ આદર્શ સાધ્વી આદર્શ પત્ની નહોતાં ? પતિ પ્રત્યેના પ્રેમને લીધે એમની એક નાની સરખી છબી હમેશાં એ પોતાના ગળામાં ધારણ કરતાં. એમના ઉપર દુઃખ પડવામાં ન્યૂનતા રહી નહોતી, પરંતુ ગમે તેવા સંકટમાં પણ એમણે ધૈર્યને વિસાર્યું નથી, આત્માને દબાવી દીધો નથી કે મનમાં હલકા વિચારો આવવા દીધા નથી.

પોતે પોતાનું દુઃખ તો બધું સહન કરતાં, પણ નિર્દોષ પતિનું દુઃખ એમનાથી જોવાતું નહિ. એમને રાતદિવસ ચિંતાગ્રસ્ત જોવાથી, પોતાના વહાલા સ્વદેશને દરરોજ પરતંત્રતા અને અ૫માનની દુર્દશામાં ફસાતો જોવાથી એમનું હૃદય પણ શોકગ્રસ્ત થયું. એમની તબિયત લથડવા માંડી અને એમનો અંતકાળ નજીક આવવા લાગ્યો. મૃત્યુના થોડા દિવસ પૂર્વે એમના ફેફસામાં વ્યાધિ થયો. એની વેદનાથી કાયર થઈને એ પ્રાર્થના કરતાં કે “હે ભગવાન ! મારો પરિત્યાગ કરશો નહિ. ?”

આખરે જ્યારે જાણ્યું કે, મૃત્યુને ઝાઝો વિલંબ નથી ત્યારે સ્વામીના હાથમાં પોતાના બંને હાથ મૂકીને કહ્યું “મારા સ્વામી ! વિદાય, હવે વિદાય આપો. સાંભળો, મારા પિતા પરમેશ્વર મને બોલાવે છે.” એટલું કહીને એ ધર્મશીલા અને કર્તવ્યપ્રેમી દયાળુ સાધ્વીએ આ સંસારનો ત્યાગ કર્યો. ઈ. સ. ૧૮૧૦ ની ૨૩ મી ડિસેમ્બરે તેમના દેહને દફનાવવામાં આવ્યો.

રાણી લુઇસા આ સંસારમાંથી ચાલ્યાં ગયાં, પરંતુ એમની પુણ્યકથા લોકોના હૃદયમાં અંકિત થઈ ગઈ. હજુ પણ કરુણામયી રાણીની દયાની વાત સંભારીને પ્રશિયાની સ્ત્રીઓ તેમનાપ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરે છે, અને તેમના દૃષ્ટાંતનું અનુસરણ કરીને પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્ન કરે છે.

લુઇસાએ પોતાના દેશવાસીઓને જાગ્રત કરવા જે પ્રયત્નો કર્યા હતા તે નિષ્ફળ ગયા નહિ. એમના મૃત્યુ પછી ત્રણ વર્ષે તે પ્રમાદની નિદ્રામાંથી જાગ્રત થયા અને સ્વતંત્રતાનું યુદ્ધ ફરીથી આરંભીને વિજયી થયા.