મહાન સાધ્વીઓ/સાધ્વી સૈયદા નફસિયા

← સાધ્વી ક્લેરા મહાન સાધ્વીઓ
સાધ્વી સૈયદા નફસિયા
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી લુઈસા →



साध्वी सैयदा नफसिया


મુસલમાનોમાં એ તપસ્વીઓની સમાધિ સર્વશ્રેષ્ઠ યાત્રાના સ્થળરૂપે ગણાય છે. પુરુષોમાં ખ્વાજા મઇનુદ્દીન ચિસ્તીની અને સ્ત્રીઓમાં સૈયદા નફસિયાની.

એ પવિત્ર સન્નારીનો જન્મ હિજરી સન ૧૩૪ માં મુસલમાનોના તીર્થ મદિના શહેરમાં થયો હતો. બાલ્યાવસ્થામાં તેમને પ્રથમ કુરાન શરીફનું શિક્ષણ આપવામાં આવ્યું, વયવૃદ્ધિની સાથે સાથે તેમની બુદ્ધિમાં પણ અલૌકિક વધારો થતો ગયો અને તેમની જ્ઞાનતૃષ્ણા પણ તીવ્ર બની. થોડા જ સમયમાં તેમણે હદીસના વિશાળ સમુદ્રનું મંથન કરવાનો આરંભ કર્યો. પ્રત્યેક હદીસનો કેવળ પાઠ કરીને તેમણે સંતોષ માન્યો નહિ પણ એકે એક હદીસને મોઢે કરી નાખ્યો. એવી અસાધારણ શક્તિ કોઇ કોઇમાંજ હોય છે.

બગદાદના ખલિફા અન જાફર મન્સુરે હિજરી સન ૧પ૦ માં સૈયદા નફસિયાના પિતા મહાત્મા હુસેનને મદિનાના સુબા નીમ્યા. એ હુસેન હજરત અલીના વંશજ હતા.

એજ વર્ષમાં પ્રસિદ્ધ ઇમામ જાફર સાદેકના પુત્ર ઈસહાક મોતમાનની સાથે ૧૬ વર્ષની વયે સૈયદા નફસિયાનું શુભ લગ્ન થયું. એમના પતિ ઉંચા કુળમાં જન્મેલા અને સારું શિક્ષણ પામેલા વિદ્વાન તથા સાધુ પુરુષ હતા. એ સૈયદાને મક્કા શરીફ લઈ ગયા.

હિજરી સન ૧૫૬ માં અરબસ્તાન દેશના રાજનૈતિક આકાશમાં કાળાં વાદળાં દેખાવા લાગ્યાં. તેના પરિણામે બગદાદના ખલીફાએ હજરત અલીના વંશજોની વિરુદ્ધ થઈ ગયા. એ ઝગડાનું છેવટનું પરિણામ બહુ ભયંકર આવ્યું. સૈયદા નફસિયાના પિતા વૃદ્ધ હસન બધી માલમિલ્કતસહિત કેદ પકડાયા.

આ પરંતુ બે વર્ષમાં હસનનું ભાગ્યચક્ર બદલાયું. હિ. સ. ૧૫૮ માં ખલીફા મન્સુરનું મૃત્યુ થતાં તેનો પુત્ર મેહદીહુસેન ગાદીએ બેઠો. ખલીફા મેહદીએ હસનને કેદખાનામાંથી મુક્ત કર્યો અને તેની મિલ્કત તેને પાછી સોંપી દીધી; એટલું જ નહિ પણ તેને પોતાનો મંત્રી નીમીને પિતાના પાપ અને અન્યાયી આચરણનું પ્રાયશ્ચિત્ત કર્યું. હસન ઘણી હોંશિયારીસહિત રાજ્યતંત્ર ચલાવવા લાગ્યો. વિદ્યા, બુદ્ધિ અને ખંતને લીધે એ પોતાના સમયમાં એક પ્રવીણ અમલદાર ગણાવા લાગ્યો. તેણે દશ વર્ષ સુધી ખલિફા મેહદીનું મંત્રીપણું કર્યું હતું. ૧૬૮ માં ખલિફા મેહદી હજ્જ કરવા સારૂ ગયા ત્યારે વૃદ્ધ હસન પણ તેની સાથે ગયા; પરંતુ રસ્તામાં હાજર નામના સ્થળે ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

પિતા વિનાની થઇને સૈયદા નફસિયા સ્વામીની સાથે મિસર દેશમાં ગઈ. ત્યાંજ એણે બાકીનું જીવન ગાળ્યું.

મિસરમાં પગ મૂકતાંજ ત્યાંના લોકોને સૈયદાના ગુણોનો પરિચય મળ્યો અને ઘેરે ઘેર તેનાં વખાણ થવા લાગ્યાં. વળી તે છેલ્લા પેગંબરનાં વંશજ હોવાથી લોકો એમને ઘણું માન આપવા લાગ્યા.

મિસરના રાજ્યકર્તાએ સૈયદાના પતિને માસિક પગાર બાંધી આપીને તેના પ્રત્યે ભક્તિ પ્રગટ કરી. તે ઉપરાંત સૈયદાના પિતાએ મૂકેલી સંપત્તિ પણ ખલિફાએ તેની પાસે મોકલી આપી. એ મોટી મિલ્કત મળ્યાથી એ દંપતીની આર્થિક દશા એકદમ સુધરી ગઈ. તેઓ ધનવાન થઈ ગયાં, પરંતુ હૃદયમાં ઉચ્ચ પ્રકારનો ધર્મભાવ રહેલો હોવાથી તેમણે પોતાના દીન વેશનો ત્યાગ કર્યો નહિ. ધનદ્વારા તેઓ દરિદ્ર, ભિખારી, અનાથ અને વિધવાઓની સેવા કરવા લાગ્યાં. એમની એ દયા અને ઉદારતાથી આખા શહેરમાં ખુશી ફેલાઈ ગઈ.

ઇમામ શાફી જેટલા દિવસ મિસરમાં રહ્યા તેટલા દિવસ તે સૈયદાની પાસે આવીને હદીસ સાંભળતા. ઈમામ શાફી એ સમયમાં અદ્વિતીય વિદ્વાન ગણાતા હતા, છતાં તેઓ પણ સૈયદાના ઉપદેશામૃતનું પાન કરવા સદા ઉત્કંઠિત રહેતા.

હજરત સૈયદા નફસિયા ઉપર ઇમામ શાફિને એટલી બધી ભક્તિ હતી કે સન ૨૦૪ માં જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘‘મારું મૃત્યુ થાય ત્યારે શહેરનો સુબો મને સ્નાન કરાવે અને સૈયદા નફસિયા મારો જનાઝો ભણે, અને એજ મારા છેવટના સંસ્કાર કરે. આ ઉપરથી જણાઇ આવે છે કે, એ સમયમાં સૈયદાનું ગૌરવ કેટલું હતું.

હિ. સ. ૨૦૮ ના રમઝાન મહિનામાં ૭૪ વર્ષની વયે એ શ્રેષ્ઠ સાધ્વીએ સ્વર્ગવાસ કર્યો. તેમના સ્વામીની ઇચ્છા હતી કે, એમના પવિત્ર દેહને મદિના લઇ જઇને દફનાવવા; પરંતુ મિસરવાસીઓએ જણાવ્યું કે ‘‘મહાત્મન્ ! આપ એવું કરશો તો અમે ખુદાની મહેરબાનીથી બેનસીબ રહીશું.” એ લોકોની ઈચ્છાને માન આપીને તેમના શબને દીરાબુસસારા નામના સ્થાનમાં દફનાવવામાં આવ્યું.

મિસરનાં ઘણાં પ્રતિષ્ઠિત અને પવિત્ર કુટુંબો એમ માને છે કે, સૈયદાની સમાધિ પાસે પિતાની કબર હોય તો એથી પોતાના આત્માને અભય અને પરિત્રાણ મળે. ઘણા ખલીફાઓ અને અમીરોના દેહ હજરત સૈયદા નફસિયાની પડખે દફનાવવામાં આવ્યા છે. સંસારત્યાગી સાધુઓ અને સાધકો સદા તેમની કબ્રની યાત્રાએ આવે છે.

હિ. સ. ૬ર૫ માં ખલિફા મલેક અશરફે તેમની સમાધિ આગળ એક મોટો મહેલ બંધાવીને તેમાં મફત નિશાળની સ્થાપના કરી છે, તથા તેના નિર્વાહ સારૂ મોટી જાગીરનું દાન કર્યું છે.

ઈ. સ. ૭૩પ માં મલેક નાસિરે એ સમાધિને સમરાવીને એમાં ઘણા સુધારાવધારા કરાવ્યા છે.

ઇ. સ. ૭૭૩ માં સાયેફુદ્દીન કાઇતાબ મિસરની રાજ્યગાદી ઉપર બેઠો અને તેણે સાધ્વી સૈયદાની જયંતી ઉજવવાનું શરૂ કર્યું. એના જન્મદિવસે દર વર્ષે એક મોટો મેળો ભરાય છે અને ઘણા મુસલમાનો દૂર દેશાવરથી આવીને એમાં ભાગ લે છે. ખલીફા તરફથી બધા જાત્રાળુઓને જમાડવામાં આવે છે.

દરેક દેશમાં સાધુઓના ચરિત્રની સાથે અનેક ચમત્કારોની દંતકથાઓ પણ પ્રચાર પામે છે; અને પવિત્રાત્માઓ મરી ગયા પછી પણ અલૌકિક શક્તિ ધરાવે છે એવી માન્યતા દરેક દેશમાં છે. સૈયદા નફસિયાની બાબતમાં પણ એવી ઘણી કથાઓ મુસ્લિમ સમાજમાં પ્રચલિત છે. સ્થળસંકોચને લીધે અમે એ કથાઓનો ઉલ્લેખ કરતા નથી. સૈયદાની મહત્તા દર્શાવવા ઉપરનો સ્વલ્પ પરિચયજ પૂરતો છે.x[]



  1. x ‘કોહિનૂર’ નામના બંગાળી માસિક ઉપરથી.