મહાન સાધ્વીઓ/સાધ્વી ક્લેરા
← સાધ્વી કૉબ | મહાન સાધ્વીઓ સાધ્વી ક્લેરા શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી સૈયદા નફસિયા → |
साध्वी क्लेरा
પુણ્યશીલા ભગિની નિવેદિતાએ જેવી રીતે પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદના ઉપદેશનો ઉચ્ચ ભાવ હૃદયમાં ધારણ કરીને ભારતના કર્મક્ષેત્રમાં જીવન સમર્પણ કર્યું હતું; એમનું જીવન જેવી રીતે સ્વામીજીના ચરણમાં ભગવાનના નૈવેદ્યરૂપ હતું, તેવીજ રીતે સાધ્વી ક્લેરાએ ભગવત્સેવા અર્થે પોતાનું જીવન પ્રખ્યાત સાધુ ફ્રાન્સિસના ચરણમાં નૈવેદ્યરૂપે થયું હતું.
સાધુ ફ્રાન્સિસનો ઉન્નતભાવ જેટલો ક્લેરાના હૃદયમાં ઉત્તમરૂપે ઠસી ગયો હતો તેટલો તેમના બીજા અસંખ્ય સાધકો અને શિષ્યોમાંથી કોઇના પણ હૃદયમાં ઠસ્યો નહોતો. પોતાના આદર્શની વાત, પોતાના હૃદયના ઉચ્ચ ભાવની કથા ક્લેરા આગળ કરે ત્યારેજ સાધુ ફ્રાન્સિસને શાંતિ વળતી. કારણ કે એ એકલી જ તેમના ઉચ્ચ આદર્શને સમજી શકતી. ક્લેરાએ પોતાનું અંતર ગુરુના આદર્શની સાથે એકરૂપ કરી દીધું હતું, તેથી ગુરુને પણ એ શિષ્યાને ઉપદેશ આપવાથી તૃપ્તિ થતી. ક્લેરાએ પોતાના અસ્તિત્વનો નાશ કરીને બધું ભગવાનને અર્પણ કરીને સંતોષ માન્યો હતો. પોતાને માટે વિચારવાનું તેણે કઇ રાખ્યું નહોતું. કેમકે બાહ્ય પદાર્થો ઉપરાંત પોતાનાં મન, વાણી અને કર્મ પણ એણે ભગવાનને સમર્પણ કર્યાં હતાં.
સાધ્વી ક્લેરાએ એસિસિ નગરના એક સદ્ગૃહસ્થને ઘેર જન્મ લીધો હતો. બાલ્યાવસ્થાથીજ તેમનું ચિત્ત પવિત્ર અને ઉચ્ચ વિષયો તરફ જતું. હાથખર્ચને માટે માતાપિતા તરફથી જે કાંઇ રકમ મળતી તે એ ગરીબોને વહેંચી આપતાં. એટલે સુધી કે પોતાનું ખાવાનું પણ ગરીબ છોકરાંઓને આપી દઇને આનંદ માનતાં. માતપિતા એમને લગ્ન કરવાનું કહેતાં ત્યારે જવાબ આપતાં કે “હું પરણીશ નહિ, આખી જીંદગીસુધી કુંવારીજ રહીશ અને ભગવાનની સેવામાં જીવન ગાળીશ.” વસ્તુતઃ બાલ્યાવસ્થાથીજ એ પ્રભુને ચાહતાં શીખ્યાં હતાં.
યૌવનના આરંભકાળમાંજ તેમણે સાંભળ્યું હતું કે, પોતાનાજ શહેરમાં ફ્રાન્સિસ નામના એક મહાત્માએ યશ અને ધનનો ત્યાગ કરી ફકીરી ધારણ કરીને ભગવાનને આત્મસમર્પણ કર્યું છે. એ વખતથીજ એ મહાપુરુષનાં દર્શન કરવાને ક્લેરા આકુળ વ્યાકુળ થયાં. ભગવાને એ સુયોગ પણ જલદી સાધી આપ્યો. ફ્રાન્સિસની સાથે ક્લેરાનો મેળાપ થયો. ક્લેરાએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. ફ્રાન્સિસે શિષ્યાને ધર્મનું રહસ્ય સમજાવ્યું અને ભગવત્પ્રાપ્તિનાં સાધનો તથા યોગપદ્ધતિનું શિક્ષણ આપવા માંડ્યું. પોતે પણ ધર્મની સાધના સારૂ કઠણ તપ કરતા હતા. ધર્મ સાધનામાં સિદ્ધિ મેળવ્યાથી ભગવાનની કરુણા કેવી રીતે મેળવાય છે, એ બધું સાધુ ફ્રાન્સિસે એમને પેાતાના ઉપદેશ અને આચરણદ્વારા સમજાવ્યું.
શિષ્યા ક્લેરાને પણ હવે ભગવચિંતન અને ધ્યાન સિવાય બીજુ કાંઇ કામ રહ્યું નહિ. ધર્મનુ ચિંતન કરીને એ સદા સંસારની અનિત્યતાના વિચાર હૃદયમાં ઠસાવવા લાગ્યાં. ભગવાનની લીલા જોઈ પ્રભુના ધ્યાનમાંજ એમને આનંદનો અનુભવ થવા લાગ્યો. એમને ખાત્રી થઈ કે, સંસારનું સુખદુ:ખ ચાર દિવસનું છે. એ ચિરસ્થાયી નથી. ભોગવિલાસથી ખરો આનંદ કદી મળતો નથી. સુખપ્રાપ્તિનું એકમાત્ર સાધન ત્યાગ છે. સુખ અને દુઃખની પેલી પાર જઈને નિત્યાનંદને વરવું હોય તો એનો એકમાત્ર ઉપાય છે ત્યાગ. ત્યાગદ્વારાજ એ સચ્ચિદાનંદને પ્રાપ્ત કરી શકાય છે. આપણા ભારતવર્ષના ઋષિઓ પણ એજ વાણી ઉચ્ચારી ગયા છે.
ક્લેરાની વય એ સમયે કેવળ અઢાર વર્ષની હતી. યૌવનના આંગણામાં હમણાંજ પગ મૂક્યા હતા. એ ઉંમરેજ તેમણે સંસારનો ત્યાગ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને માતપિતા, ધનસંપત્તિ બધાનો ત્યાગ કરીને ફ્રાન્સિસના મઠમાં પ્રવેશ કર્યો. ફ્રાન્સિસે એમના કાર્યથી સંતુષ્ટ થઇને થોડા દિવસ સારૂ એમને સ્ત્રીઓના મઠમાં રાખ્યાં. ક્લેરાનાં માતપિતાએ તેમને રાજ મહેલ જેવી પેાતાની હવેલીમાં આવી રહેવા માટે ઘણીએ વિનતિ કરી, પણ ધર્મના વિમળ આનંદનો સ્વાદ એક વાર ચાખેલો હોવાથી - હરિરસસુધાનું પાન કરેલું હોવાથી સંસારસુખના મોહમાં ફસાવાનું તેમણે જરાયે પસંદ કર્યું નહિ. શ્રીહરિનું નામ દઈને પોતાનાં સઘળાં સુખવૈભવનો ત્યાગ કરી એમણે સદાને માટે દરિદ્રતા ધારણ કરી. તેમનાં માતાપિતાની બધી કોશીશ ફ્રોગટ ગઇ.
થોડા દિવસ પછી ક્લેરાને બીજા મઠમાં રાખવામાં આવ્યાં. એ સમયમાં એમની ચૌદ વર્ષની નાની બહેન એગ્નિસ પણતેમની સાથે રહેવા લાગી અને સંન્યાસિની થઈ. હવે એમનાં માતપિતાથી સહન થઈ શક્યું નહિ. આડોશી પાડોશીઓને સાથે લઈને તેમણે મઠ ઉપર હલ્લો કર્યો; અને એગ્નિસને જબરદસ્તીથી બહાર લાવ્યાં. એગ્નિસના ઉપર ત્રાસ વર્તાવવામાં તેમણે બાકી રાખી નહિ. સંસારના મોહમુગ્ધ જીવ ઘણા પ્રાચીન કાળથી એવીજ રીતે ભક્તો, સાધુઓ અને મુમુક્ષુઓ તરફ વર્તતા આવ્યા છે. આપણા દેશમાં પ્રહલાદ અને મીરાંના ઉપર ક્યાં ઓછાં દુ:ખ પડ્યાં છે ?
પિતા અને પાડોશીઓના જુલ્મથી એગ્નિસ મૂર્ચ્છિત થઇ ગઈ. પરંતુ એવી અવસ્થામાં એ બાલિકાનું શરીર એટલું બધું ભારે થઈ ગયું કે સગાંઓ તેને ઉંચકીજ શક્યાં નહિ ! નિષ્ફળ થઈને તેમને પાછાં ફરવું પડ્યું. ભગવાને ભક્તની એવી રીતે સહાય કરી. કેમકે તેની મોટી બહેન સાધ્વી ક્લેરા આટલી વાર સુધી બહેનને માટે પ્રાર્થના કરી રહી હતી. ભક્તવત્સલ ભગવાને ભક્તની હૃદયપૂર્વકની પ્રાર્થના સાંભળીનેજ એગ્નિસનું શરીર એટલું બધું ભારે કરી દીધું કે શત્રુઓ તેમને ઉપાડી શક્યા નહિ. આવી રીતે એ આપત્તિમાંથી એનું રક્ષણ થયું, ક્લેરા બહાર આવીને ભગિનીને પોતાની સાથે લઇ ગયાં.
ત્યારપછી ફ્રાન્સિસે તેમને એક બીજા મઠમાં રાખ્યાં. ત્યાં આગળ ક્લેરાએ સાધ્વીઓનો મઠ સ્થાપ્યો, અને બ્રહ્મચારિણીઓને ધર્મનું શિક્ષણ આપવામાં બાકીનું જીવન ગાળ્યું.
સાધુ ફ્રાન્સિસના દેહત્યાગ પછી ર૭વર્ષ સુધી ક્લેરા જીવ્યાં હતાં.x[૧]
- ↑ “ભારતમહિલા” ભાગ-૧૦, અંક ૭ માંના શ્રીમતી અબલા બાલા ઘોષના લેખ ઉપરથી અનુવાદ.