← સાધ્વી ઇલિઝાબેથ મહાન સાધ્વીઓ
સાધ્વી કેથેરિન
શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર
૧૯૨૯
સાધ્વી ટેરેસા →




साध्वी केथेरिन

(૧)

સાધ્વી કેથેરિન યુરોપનાં એક મહાન સાધ્વી હતાં. એ ઉત્તમ સાધકની પેઠે કઠેર ધર્મસાધના કરતાં. તેમને સમાધિ સાધ્ય હતી. આ સમાધિની સ્થિતિમાં ઈશ્વરમાં યોગયુક્ત (તન્મય-તલ્લીન) થઇને એ પરમ આનંદનો અનુભવ કરતાં. ચૌદમી શતાબ્દીમાં યુરોપમાં જે પૂજ્ય નારીઓ થઈ ગઈ છે, તેમાં કેથેરિનનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. ખ્રિસ્તી ધર્મના ઘણા લોકો તેમને દેવી ગણીને માન આપતા. હજુ પણ અનેક ધાર્મિક પુરુષો તેમના પ્રત્યે ભક્તિ દાખવે છે.

ઈ. સ. ૧૩૪૭માં કેથેરિનનો જન્મ થયેા હતા. ઈટાલિ દેશમાં સાયેના નગરમાં તેમનું જન્મસ્થાન હતું. તેમના પિતાનું નામ જેકોપો હતું. એ સરલચિત્ત, વિનયી, દયાવાન અને ધર્મ પ્રમાણે ચાલનારા ગૃહસ્થ હતા. કેથેરિનની માતાનું નામ લાપા હતું. એ એક સ્નેહમયી સુગૃહિણી અને સાધ્વી સન્નારી હતાં. માતપિતા કેથેરિનને તેના સરળ અને સ્નેહાળ સ્વભાવને લીધે ઘણું જ ચાહતાં હતાં. તેમનું મુખ ખીલેલા પુષ્પના જેવું અતિ સુંદર હતું. એ જે વખતે એક બાળક હતાં, તે વખતે પણ તેમના માધુર્યમય મુખની છટા જોઈને લેાકો અંજાઈ જતા. એને લીધે પડાશનાં સ્ત્રીપુરુષો તેમને ઘણુ જ લાડ લડાવતાં હતાં, એટલું જ નહિ પણ એ સરળપ્રકૃતિવાળી, પવિત્ર અને હસમુખી પાલિકાની હાજરીથી તેમનાં સગાંવહાલાંઓને ઘણો આનંદ થતો. તેઓએ એમનું નામ ‘આનંદમયી” પાડયું હતું.

કેથેરિન બચપણથીજ ધર્મને માટે ઘણાં વ્યાકુળ રહેતાં હતાં. તેમના જીવનચરિત્રમાં એવિષે એક સ્વપ્નનો ઉલ્લેખ છે. એક રાત્રે કેથેરિન ઉંઘમાં હતાં ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે, ઇસુ ખ્રિસ્ત જ્યોર્તિમય મૂર્તિ ધારણ કરીને તેમની સન્મુખ ઉભા છે. એ વખતે એમની વય કેવળ છ વર્ષની હતી. એ દિવસથી તેમના કોમળ મનમાં ધર્મવૃત્તિ જાગ્રત થઈ. એજ વયમાં કે જ્યારે બીજી બાલિકાઓ દોડવા-કૂદવામાં વખત ગાળે છે તે વયમાં કેથેરિન હમેશાં સંત સાધુઓના જીવનની કથા સાંભળતી અને એથી એના હૃદયને ઘણો સંતોષ થતો. એ બાલિકાના મનમાં એવા સંકલ્પ ઉત્પન્ન થયેલ કે, હું પણ સાધુઓની પેઠે પવિત્ર જીવન ગાળવાનો યત્ન કરીશ.

વય વધવા સાથે કેથેરિનના અંતરનો અસ્પષ્ટ ધર્મભાવ પણ ખીલવા લાગ્યો. એકાંતમાં બેસીને એમણે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. એમના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા કે “ હું ધર્મજીવન કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશ ? ”

અમે જે સમયની કથા લખી રહ્યા છીએ તે સમયમાં યુરોપમાં એક પ્રકારની સંન્યાસિનીઓ જોવામાં આવતી. એ સંન્યાસિનીઓના જીવનનું લક્ષ્ય તપસ્યા અને લોકસેવા હતું. તેમના ચરિત્રથી આકર્ષાઈ સંન્યાસિની થવાની વાસના તેના મનમાં ઉદ્દભવી.

એક દિવસ પ્રભાતનો સમય હતો, આકાશમાં પ્રકાશની રેખા નીકળી રહી હતી. બેએક પક્ષીઓનાં સુમધુર સંગીત કર્ણ માં પ્રવેશ કરી રહ્યાં હતાં. એવે સમયે કેથેરિન ઘર બહાર જવા લાગ્યાં. એક નિર્જન સ્થાનમાં જવાનો તેમનો ઉદ્દેશ હતો. કોણ જાણે શાથી આજે એમનું મન ઉદાસ હતું. ચાલતાં ચાલતાં એમણે એક રમણીય બગીચો દીઠો. એ સ્થાનના નિરુપમ સૌદર્યે તેમના ચિત્તને ખેંચ્યું. એ ધ્યાનમાં મગ્ન થઈ ગયાં. એકાએક સંસારનાં સેંકડો પ્રલોભનો -લાલચા-એ બાલિકા આગળ ખડાં થઈ ગયાં. રખે પેાતે એ લાલચાના ઉંડા ખાડામાં પડી જાય, રખે પેાતાના સંકલ્પમાં ભંગ થાય, એ ભયથી તેમણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરવા માંડી. એજ વખતે એ પ્રલોભનો દૂર થઈ ગયાં અને અંતરમાં દિવ્ય પ્રકાશ ચમકી ઉઠયો. ઈશ્વરે ઈશારાથી કેથેરિનને સમજાવી કે, તેને માટે કુમારીવ્રત ધારણ કરવું એજ શ્રેયસ્કર છે. ત્યારપછી બાલિકાના અંતરમાંથી ફરીથી પ્રાર્થના નીકળવા લાગી કે –“ "હે પ્રભુ ! હું તમનેજ હૃદયથી વરી શકું અને બીજા કોઈને પણ પતિરૂપે ન સ્વીકારું એવું કરો.”

કેથેરિને મનથી સંકલ્પ તો કર્યો કે, હું આખી જીંદગી કુમારી રહીને ધર્મ સાધના કરીશ; પરંતુ એ વાત માતપિતાની આગળ કહેવાની તેની હિંમત ચાલી નહિ. એ વાત જાણતાંજ એમને બહું આઘાત લાગત. કેમકે એમનાં મન ઘણાં કોમળ હતાં અને પ્રાણપ્રિય પુત્રીને યોગ્ય વર સાથે પરણાવી સુખી કરવાને આતુર હતાં. જનની લાપાએ તો કન્યાની બાર વર્ષની વયમાંજ તેનો વિવાહ કરવાનો યત્ન કર્યો હતો. બાલિકાના કોમળ અંગનું સૌદર્ય વધારવાના હેતુથી એ કેથેરિનને સુંદર વસ્ત્રાભૂષણથી શણગારવાની ઈરછા કરતી, પણ કન્યાને એ ઠાઠમાઠ જરા પણ પસંદ નહોતો.

કેટલાક દિવસ પછી જનની લાપાએ કન્યાની આગળ લગ્નની વાત કાઢી. માતૃવત્સલા કન્યા એ વખતે પણ સ્પષ્ટરૂપે પોતાના મનોરથ જણાવી શકી નહિ. તેણે અસ્પષ્ટભાવે કહ્યું કે “ હું મનુષ્યને પ્રિય હોય એવું કાર્ય કરવા કરતાં ઈશ્વરનું પ્રિય કાર્ય સાધવાને શ્રેયસ્કર ગણું છું. ”

એ વાક્યથી કેથેરિનના મનનો ભાવ ઘણો ખરો સમજાઈ ગયેા. એ શબ્દો સાંભળ્યાથી એમની માતાના મુખ ઉપર ખેદ છવાઈ ગયો.

કન્યાનું મન ફેરવવા સારૂ માતાએ ઘણોજ પ્રયત્ન કર્યો, તથા કેથેરિનને એક બહેન હતી તેણે પણ તેવા પ્રયત્ન કરવા હામ ભીડી; પણ આખરે એ બધી ચેષ્ટા વ્યર્થ ગઈ.

પરંતુ કેથેરિનનાં સગાંવહાલાંઓએ પોતાનાથી બનતું કરવામાં કચાશ રાખી નહિ. એક ચાગ્ય વર શોધી કાઢીને, તેને પોતાને ઘેર તેડાવ્યો. એ વર પોતાના કેટલાક સાથીઓ સહિત મનમાં મોટી મોટી આશાઓ બાંધીને આવ્યો હતો; પરંતુ કેથેરિન એ યુવકની સન્મુખ આવતાંવારજ ચમકી ઉઠી. “શુ મારી ઇરછા વિરુદ્ધ મારૂં લગ્ન કરવાનો આ પ્રપંચ રચવામાં આવ્યેા છે ? શુ આ યુવક મારૂ મન હરણ કરવા સારૂ આવ્યો છે ? એવા એવા વિચારો તેના મગજને ચગડોળે ચઢાવવા લાગ્યા. રખે પાતાના વ્રતનો ભં ગ થાય એવી શંકાથી એ વિજળીને વેગે એ ઓરડામાંથી બહાર ચાલી ગઈ અને પેાતાના ઓરડામાં દ્વાર બંધ કરીને બેસી રહી. હવે એ યુવકને માટે પોતાને ઘેર વીલેમોંએ પાછા ફરવા સિવાય ઉપાયજ ન રહ્યો.

આ બનાવથી એમના ઘરનાં બધાં માણસો કેથેરિનના ઉપર ઘણાંજ ગુસ્સે થયાં. એમની બહેને તો ગાળો પણ ભાંડવા માંડી; પણ એથી તે બાજી ઉલટી બગડશે એમ ધારીને જરા નરમ પડીને, ધીમે સ્વરે શિખામણના રૂપમાં કહેવા માંડયું કે “ જો બહેન ! આ તે તારી કેવી વિચિત્ર વર્તણુક છે! પરણવું ન પરણવું એ તો તારી મરજીની વાત છે, પણ એક સદગૃહસ્થ આપણે ઘેર સામા તને મળવા આવ્યા, તેમની સાથે બે મીઠી વાતો તો કરવી જોઈતી હતી ને ? એમાં તારું શું બગડતું હતું ? એમ કર્યાથી શુ તું નરકમાં જવાની હતી ? તારી આવી ગેરવર્તણુકથી અમારે ઘણું શરમાવું પડશે. ”

બાલિકાના સુકોમળ ગાલ આંસુથી ભિંજાઈ ગયા. તેણે કહ્યું "ખરેખર, બહેન! મારી મોટી ભૂલ થઈ છે. એ ભૂલને માટે તમારે મને જેટલો ઠપકો દેવો હોય તેટલો દો.”

થોડા દિવસ પછી કેથેરિનની એ ભગિનીનું મૃત્યુ થયું. એ બહેન ઉપર તેમને ઘણો પ્રેમ હતો, એટલે એ મૃત્યુથી એમને બહુ આઘાત લાગ્યો. એ વિચારવા લાગ્યાં કે “આ દુનિયામાં તો સઘળું જ આવું અનિત્ય છે. શુ આ અનિત્ય જીવનના લોભમાં પડીને નિત્યજીવનને હું ગુમાવીશ ? ” આ વિચારથી કેથેરિનનો વૈરાગ્ય વધી પડયો, દેહદમનની ઇચ્છા વધારે પ્રબળ થઈ રહી. તેમણે ઘણા દિવસ અગાઉથી માંસ ખાવાનું અને સારાં કપડાં પહેરવાનું છોડી દીધુ હતું, કોમળ શય્યા ઉપર સૂતાં નહોતાં; આમોદપ્રમોદ કે નાચતમાશા તરફ એમનું ચિત્ત ચોંટતું નહોતું. હવે એ બાલિકાએ એથી વિશેષ સંયમ પાળીને ધ્યાન અને પ્રાર્થનામાંજ પોતાનો સમય ગાળવા માંડ્યો.

એવામાં એક બીજો બનાવ બન્યો. કેથેરિનના માથાના વાળ ઘણાજ સુંદર હતા. એ આકર્ષક કેશમાંથી તેમનું અપૂર્વ સૌદર્ય દીપી નીકળતું હતું. એક પાદરીએ પ્રથમ તો એવી એવી ટાપટીપ ઉપરથી એમનું ચિત્ત ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને પછી એમને વૈરાગ્ય જોવા સારૂ કહ્યું કે ‘‘તમે તમારા સુંદર ગુચ્છાદાર કેશ કાપી શકશો ? ” કેથેરિન બોલ્યાં “તમે ધારતા હશો કે, આને કેશ ઉપર આસક્તિ છે; પણ આ લ્યો, હમણાંજ આ ચોટલો કાપી નાખું છું. ”

બાલિકાએ તરતજ પોતાના સુંદર કેશ કાપી નાખ્યા. એ વખતમાં સંન્યાસિની થનાર રમણીઓના કેશ કાતરીને ટૂંકા કરી દેવામાં આવતા. હવે કેથેરિનનાં સગાંસંબંધીઓને ફાળ પડી કે, એ સંન્યાસિની થઇ જશે. આથી તેમના શોકનો પાર રહ્યો નહિ. તેમણે એ બાલિકાના ઉપર કઠોર બંદોબ્સ્ત રાખવાના અને ઘરના કામકાજનો બોજો નાખવાનો વિચાર કર્યો. આ પ્રમાણે કામ આવી પડવાથી તેમનાથી ઘર છોડીને નિર્જન સ્થાનમાં ઉપાસના સારૂ જવાત નહિ; તેમજ ધ્યાનભજનની પણ સગવડ મળતી નહિ. સગાંવહાલાંઓ કેથેરિનને કહેવા લાગ્યા કે “હવે નોકર અને રસોઈઆને રજા આપવાની છે. તારેજ એ બધુ ઘરકામ કરવું પડશે. ?? કેથેરિને પ્રસન્નતાથી કહ્યું કે “મા ! હું બધું કરીશ.”

પછી રસોડાને ઇશ્વરનું મંદિર અને ઘરનાં કામકાજને ઈશ્વરની સેવા ગણીને પ્રફુલિત ચિત્તે કેથેરિને એ બધો પરિશ્રમ કરવા માંડયો. રાત્રે જ્યારે કુરસદ મળતી, ત્યારે તે જાગીને એકાગ્રચિત્તે ઈશ્વરપ્રાર્થના કરતાં. એમની એ સમયની અવસ્થા વિષે રેવર્ંડ બટલર, પોતે રચેલા “સંતજીવન” નામના ગ્રંથમાં લખે છે કે:

“ઘરનું હલકામાં હલકું કામ પણ કેથેરિનનેજ કરવું પડતું. એ આનંદપૂર્વક સઘળું કામ કરતાં. અપમાન અને જોરજૂલમ સહન કર્યા છતાં પણ તેમનું સુખ ઉદાસ થતું નહિ. દુઃખ ગમે તેવા રૂપે આવે તો પણ તેઓ તેને ભેટતાં. ત્યારે શુ તેમને વેદનાજ જણાતી નહોતી ? તેમને વેદના તો થતી હતી, પણ તે ઈશ્વરને ગુમાવ્યાથી. પરંતુ એમના અંતર્યામી ઇશ્વરે તેમના હૃદયપ્રદેશમાં પોતાનું આસન જમાવ્યું હતું, એટલે કામકાજ વખતે પણ એ એવોજ અનુભવ કરતાં કે તેમના અંતરમાં એક પરમાત્મદેવ બિરાજી રહ્યા છે. એમના અંતરાત્મા વારંવાર એ દેવમાં નિમગ્ન થઈ જતો. એને લીધે બહારનાં કામકાજની ગડબડ એમને વિક્ષેપ આપી શકતી નહિ.

એવે સમયે એક બનાવ બન્યો. એક ગંભીર રાત્રિ હતી. કેથેરિન એક સ્ટૂલ ઉપર બેઠાં હતાં. તેમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં નિમગ્ન હતું. એમનાં નયનો અશ્રુથી ભિંજાઈ ગયાં હતાં. લલાટ ઉપર દિવ્ય જ્યોતિ ઝળકી રહી હતી. એ પવિત્ર ક્ષણે એમના પિતાએ એમના ઓરડામાં પ્રવેશ કર્યો. દિવ્ય પ્રકાશથી ઝળહળી રહેલી કન્યાની મૂર્તિ જોઈને તેમનું ચિત્ત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. કન્યાના અંતઃકરણમાં ઈશ્વરી પ્રકાશ પ્રવેશ્યો છે એમાં પિતાને હવે સંશય રહ્યો નહિ.

(૨).

કેથેરિને સેઈન્ટ ડોમિનિક સંપ્રદાચની વિધિ અનુસાર સંન્યાસિનીવ્રત ધારણ કરવાનો વિચાર કર્યો, અને એ વિચાર ગુપ્ત રાખવાનું હવે પ્રયેાજન નહિ હોવાથી એક દિવસ માતપિતા, ભાઈ અને સગાંસંબંધીઓને એકઠા કરીને બોલવા લાગ્યાં:

“ હુ સરળભાવે કહી દઉ' છું કે, બાલ્યાવસ્થાથીજ કુમારીવ્રત પાળવાનો સંક૯પ મને થયેા હતો. હવે હું પરમેશ્વરના ચરણુંમાં જીવન સમર્પણ કરવા માગું છું. મારો સંક૯પ અતિશય દૃઢ છે. હવે હું નાની કીકી નથી. કિંવા એકાદ ધૂન ભરાઈ આવવાથી એ કામ કરું છું એવું પણ નથી. હું જાણું છું કે, મારું વ્રત અઘરૂં છે અને જવાબદારી ગંભીર છે. મેં એ બધી વાતોનો વિચાર કરીને જ આ મહાવ્રત ધારણ કર્યુ છે. પરમેશ્વર મારા સહાયક હોવાથી કોઈની મગદૂર નથી કે મારો એ સંક૯પ ટાળી શકે. હું કહું છું કે પર્વત પણ કદી ડગમગે, પણ મારૂ' ચિત્ત ડગશે નહિ. મે લૌકિક ભોગોની ઇચ્છા બિલકુલ છોડી દીધી છે; તો પછી એ બાબતમાં હું તમને કયી રીતે સુખી કરી શકવાની હતી ? તમે કદાચ એમ કહેશો! કે, હું તમારૂં ઘરકામ કરીશ, તમારી સેવા કરીશ; પરંતુ જે હૃદય ઈશ્વરને સમર્પણ કર્યુ છે, તે હવે કેવી રીતે માણસના હાથમાં અર્પણ કરી શકીશ ? હવે હું મારા પ્રભુ વગર બીજાની આજ્ઞા માની શકીશ? મારું વ્રત જેટલુ કઠોર છે, તેટલીજ મને સર્વશક્તિમાન પરમાત્માની સહાયતા છે. હવે મારે ભય કોનો ? ”

ક્ન્યાની આ જુસ્સાભરી વાણી સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા. જનની લાપા બહુ પ્રયત્ન કર્યા છતાં આંસુ ખાળી શકી નહિ. કેથેરિનના હૃદયનો આવેગ જ્યારે થોડોક શમ્યો, ત્યારે એ પણ જનનીનાં આંસુ સાથે પોતાનાં અશ્રુ વહેવડાવવા લાગ્યાં. એ સમયે પિતાએ કરુણ સ્વરે કહેવા માંડયું કે “પ્રિય કન્યા ! હવે અમે તારા વ્રતનો ભંગ કરાવવા યત્ન કરીશુ નહિ; એથી તો અમે ઈશ્વરના અપરાધી થઈએ. ભગવાનેજ કૃપા કરીને તને પોતા તરફ આર્કષી છે, એમાં કોણ સંદેહ લાવી શકે એમ છે ? જા, પ્રિય કન્યા ! તું તારા આદર્શ ને અનુસરીને જીવનમાં આગળ વધ; ' નિર્ભયચિત્તે વ્રતનું પાલન કર. પવિત્ર પરમાત્મા તને જે આજ્ઞા આપે, તેનું પાલન કર. તું અમારે સારૂ પણ પ્રાર્થના કરજે, કે જેથી અમે પણ તારી પેઠે ઈશ્વરના ચાકર થવા ભાગ્યશાળી થઈએ.”

હવે કેથેરિન સર્વ મહાવ્રતો પાળવાને તત્પર થયાં. એમને માટે એક જૂદું મકાન કાઢી આપવામાં આવ્યું. ત્યાં એમણે પરમાત્માના ધ્યાનભંજનદ્વારા તન્મય થવાનો ચત્ન આરંભ્યો. એને સારૂ પવિત્રતાવડે અંતઃકરણને સ્ફટિક જેવું સ્વરછ બનાવવું જોઈએ. કેથેરિને હવે પુષ્કળ શ્રમ લઈને સાધના કરવા માંડી. એ સાધના યાદ કરવાથી પણ આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. દેહને જીવતા રાખવા ખાતર એ ઘણુંજ સૂક્ષ્મ ભોજન કરતાં અનેક દિવસ ઉપવાસ કરીનેજ ગાળતાં, આથી નિદ્રા તો તેમને લગભગ આવતીજ નહિ, એમ કહીએ તો ચાલે. ધ્યાન અને ધારણામાં રાત્રિ વીતી જઈને વહાણું વાતું. એમની એ સમયની અવસ્થાવિષે રેવરન્ડ એલ્બાન બટલર લખે છેઃ– “કેથેરિન દીનદુ:ખીઓની સેવા અને સહાયતા કરતાં, તેમને ધીરજ અને આશ્વાસન આપતાં, રોટલી અને શાકભાજીથીજ નિર્વાહ ચલાવતાં. જાડાં વસ્ત્રોથીજ તેમનું અંગ ઢંકાતું, ભોંય ઉપરજ શયન કરતાં અને મોડી રાતસુધી જાગરણ કરતાં. પંદર વર્ષની વયથી આવા સંયમપૂર્વક એમણે જીવનયાત્રા કરવા માંડી હતી.”

એ સમયે સાધનાની બાબતમાં યુરોપમાં પણ આપણા હઠયોગીઓના જેવા સંસ્કારો હતા. ઘણાઓનો વિશ્વાસ એ હતો કે, આ પાપી દેહજ ધર્મપંથમાં આગળ વધવામાં મુખ્ય વિદ્મરૂપ છે. એને જેટલું સંયમી રાખીશુ તેટલોજ ઈશ્વરની પાસે જવાનો માર્ગ મોકળો થશે. એટલા સારૂ કેથરિન લાખંડની સાંકળોથી પોતાના શરીરને બાંધી રાખતાં. એનું પરિણામ એ આવ્યુ કે, એમના તદુરસ્ત શરીરનો બાંધો તૂટી ગયો, એમને પીડા થવા લાગી; પરંતુ એ વાત જવા દો. પાતાના હૃદયમાં જે ધ્ચેય રાખીને તપસ્વિની કેથેરિન કઠોર સાધના કરતાં હતાં, તે ધ્યેયનો વિચાર કર્યાથી પણ મન ઉન્નત થાય છે. ઇશ્વરની ખાસ કરુણા થયા વગર એવું’ ઉન્નત ધ્યેય, શ્રદ્ધા અને સાધના કેાઇથી પણ થઈ શકે ?

કેથેરિન અગાઉથીજ સેઈન્ટ ડોમિનિક સંપ્રદાયમાં દાખલ થયાં હતાં. ત્યારપછી જેતજોતાંમાં ઈ. સ. ૧૩૬૫ની સાલ આવી પહોંચી. એ વખતે એમની ઉંમર અઢાર વર્ષની હતી. એ વચે એ સંન્યાસિનીવ્રત ધારણ કરવાનાં હતાં. એને માટે એક અનુષ્ઠાન રચવાનું હતું. અનુષ્ઠાનનો દિવસ નક્કી થયો. એ દિવસે કેથેરિન પોતાના હૃદયમાં જે કાંઈ સુંદર,પવિત્ર અને મહાન હતું તે બધું જીવનદેવતાને અર્પણ કરી દેશે અને તેનેજ સ્વામીરૂપે વરશે. આવા વિચારોથી એમના હદયમાં આનંદની છોળો ઉછળવા લાગી. એ દિવસને ઘણોજ અગત્યનો અને માંગલિક ગણીને તેમણે માતપિતા તથા બીજા સગાંસંબંધીઓને નિમંત્રણ આપ્યું. એ બધાં ઉતરી ગયેલે દુઃખી ચહેરે ઉપાસના મંદિરમાં દાખલ થયાં. યથાસમયે કેથેરિનને મંદિરમાં લાવવામાં આવ્યાં, એમનું આખું અંગ શ્વેત અને કાળાં સંન્યાસિનીઓનાં વસ્ત્રથી ઢાંકેલું હતું, એ પોશાકમાં એ આજે દેવકન્યા જેવાં . જણાતાં હતાં. એમના અંતરનો મહિમા આજે એમના એ બાહ્યવેશમાં પણ દીપી નીકળતો હતો. સેંકડો માણસો વિસ્મયચકિત અને ભક્તિપૂર્ણ હૃદયથી એ અપૂર્વ સાધ્વીમૂર્તિનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. ત્યારપછી ઉપાસનાનો આરંભ થયો. ઉપાસના થઈ રહ્યા પછી કેથેરિનને સંન્યાસિની સંપ્રદાયમાં દાખલ કરવાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. દીનતા, પવિત્રતા અને પ્રભુસેવા, એ ત્રણ ભાવને પોતાના જીવનમાં વિશેષરૂપે ઉતારવા સારૂ કેથેરિને એ વ્રત ગ્રહણ કર્યુ.

હવે કેથેરિનની તપસ્યા પહેલાં કરતાં પણ વધી. તેમણે હિંદુ યોગીઓની પેઠે મૌનવ્રત ધારણ કર્યું. એક દિવસ નહિ, બે દિવસ નહિ, પણ લાગલગાટ ત્રણ વર્ષ સુધી એમણે એ વ્રત પાળ્યું. પાદરી બટલર લખે છે કે:-“કેથેરિન ત્રણ વર્ષ સુધી ફક્ત તેમના આચાર્ય સિવાય કોઈ સાથે વાતચીત કરતાં નહિ. એ સમયમાં તેઓ રાત્રિદિવસ ધ્યાનભજનમાંજ મગ્ન રહેતાં. ધ્યાનના આનંદથી એમનું હૃદય ઉભરાઈ જતું. તેમણે દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો હતેા. એમના અંતરમાં પ્રભુ પ્રેમ ઉછળી રહ્યો હતો. ”

પરંતુ એમ છતાં પણ કેથેરિનને એક પ્રલોભનમાં ફસાવું પડયું. ઇશ્વરે તેમનું અંતરબળ વધારવા સારૂ, તેમને એક સંગ્રામમાં નાખ્યાં. કેથેરિનનું જીવનચરિત્ર બારીકીથી વાંચતાં જણાય છે કે, એ સંગ્રામમાં ઘવાઈને જ્યારે એ રડવા લાગ્યાં, તે વખતે ભગવાન ખ્રિસ્ત તેમની સામે આવીને બોલ્યા: “ બેટા ! તારા ઉદ્ધારની ખાતર તું આ ક્રોસને પસંદ કર. તે શુ સાંભળ્યું નથી કે મેં કેલવારી પર્વત નીચે ધિક્કારવા લાયક માણસોની સામે શાંતિપૂર્વક મૃત્યુ સ્વીકાર્યુ હતું ? માટે એ ઇશ્વરી ઘડતર માટે મળતા બાહ્ય દુઃખને માત્ર શાંતિપૂર્વકજ નહિ પરંતુ આનંદપૂર્વક તારે વેઠી લેવું જોઈએ. યાદ રાખજે કે, એજ તને યોગસિદ્ધિમાં મહુવની સહાય આપશે."

સાધ્વી કેથેરિન કેટલોક વખત પાપ અને પ્રલોભનની વચમાં ઉભાં રહીને ભયાનક સંગ્રામ ખેલવા લાગ્યાં. તેમનું હૃદય પુષ્પના જેવું પવિત્ર હતું; છતાં પણ પાપે એ હૃદયમાં કુવિચારની રેખા દોરી. સંસારની સેંકડો કામનાઓ મોહક મૂર્તિ ધારણ કરીને તેમના અંતરમાં માયા વિસ્તારવા લાગી. શયતાન અથવા કુમતિએ તેમને અવળે માર્ગે લઈ જવા સારૂ કહ્યું કે :"હે બુદ્ધિહીન નારી ! તું પેાતાને હાથે તારા જીવનપુષ્પના ટુકડે ટુકડા કરી નાખીને શા માટે વૈરાગ્યની મરુભૂમિમાં ફેંકી દે છે ? તું તે ધર્મેને માર્ગે ચાલી રહી છે કે આત્મહત્યા કરી રહી છે ? હાય રમણી ! તારે શી વાતની ખોટ છે? એક વાર સંસાર તરફ પણ જરા જો તો ખરી કે, તારે માટે કેટલી બધી સુખની સામગ્રી પડી છે? તું શા માટે જાણી જોઈને તે નહિ ભોગવતાં દુઃખને વરે છે ? સેરા, રેબેકા, લિયા, રેચોલ વગેરે સાધ્વી સ્ત્રીઓએ શુ લગ્ન કર્યા નહેાતાં ? પરણ્યા છતાં પણ શુ એ રમણીઓ ધર્મને પ્રાપ્ત કરી શકી નહોતી ? વિચારી જો અને સંસારમાં પ્રવેશ કર; વિવાહ કરીને સુખી થા.”

એ સમયે કેથેરિનનુ મન શુષ્ક થઈ ગયું હતું, હદય ભક્તિશૂન્ય થયું હતું. એમનું જે હૃદય પવિત્રતાથી નિર્માણ, વિશ્વાસથી સમુજજવલ અને પ્રેમથી મધુમય બનેલું હતુ, તેજ હૃદયને આજે પાપનો સ્પર્શ થયો આજે તેના ઉપર પ્રલોભનની ચઢાઈ થઈ.

કેથેરિને આ સંકટમાં પણ પોતાના મહાન વ્રતને વજ્ર્ની મુઠ્ઠીમાં પકડી રાખ્યું. એ વખતે રાતદિવસ પ્રાર્થનાસિવાય બીજા કશા કામમાં એ ચિત્તને પરોવતાં નહિ અને પ્રાર્થનાની શક્તિ કેટલી બધી આશ્ચર્યકારક છે ! એ શક્તિની સહાયતાથી સાધ્વી કેથેરિને એ મહાસંકટમાંથી છૂટકારો મેળ્વ્યો. કૃપાળુ પ્રભુ તેની આ પ્રિય કન્યાનું રુદન અને પ્રાર્થના સાંભળીને તેને વધારે દૂર ફેંકી શક્યા નહિ, તેના આગળ પ્રગટ થયા. મહાભક્ત સાધ્વીએ આજે અનેક દિવસો પછી અંતરમાં ઈશ્વરનો આવિર્ભાવ અનુભવી મહાભાવમાં આવી જઈને ઉચે સ્વરે રોવા માંડયુ. તે કહેવા લાગ્યાં કેઃ

‘પ્રભો ! મેં કેટલીએ રાત્રિ અને કેટલા દિવસે રોઈ રોઈને કાઢયા તો પણ તમારાં દર્શન થયાં નહિ. તમે આટલા દિવસ ક્યાં હતા ?"

કેથેરિનના હૃદયમાંથીજ દીનાનાથ સર્વેશ્વરની નીચે પ્રમાણે વાણી પ્રત્યુત્તરરૂપે નીકળી કેઃ- “બેટા ! હું તારા અંતરમાંજ રહ્યો છું. શું હું તારો ત્યાગ કરી શકું ? તારાં નયનનું પ્રત્યેક અશ્રુબિંદુ, તારા હૃદયના પ્રત્યેક ઉચ્છ્વાસ મેં જોયા છે. તારી પ્રાર્થનાનું પ્રત્યેક વાક્ય મેં સાંભળ્યું છે. મે તને સુયોગ્ય બનાવીને યોગ્ય સમયે તારા અંતરમાં મારી જાતિ પ્રકટાવીને આત્મપ્રકાશ કર્યો છે. હવે તારું દુઃખ જતું રહ્યું, તારા હૃદયનો સંગ્રામ બંધ થઈ ગયો. તું જાણજે કે, તારા વિશ્વાસ અને સંગ્રામથી ખુશ થઈને હું તેના ઇનામતરીકેજ આત્મપ્રકાશ કરૂં છું.”

કેથેરિનના પ્રાણમાં આનંદની રેલછેલ થઇ રહી. તેમણે અનેક સાધના અને સંગ્રામ કરીને, અને અનેક દિવસો સુધી આંખોનું નીર વહેવરાવીને જીવનની આ નિરાપદ અવસ્થા પ્રાપ્ત કરી હતી. એ સમયથીજ તેમની પરમાત્મદર્શનની અભિલાષા અત્યંત પ્રબળ થઈ પડી.

(૩)

જે તત્ત્વજ્ઞાની અને પ્રભુપ્રેમી મનુષ્યોએ વિશ્વના રહસ્યનો પડદો ઉંચો કરીને ઈશ્વરની સૃષ્ટિલીલાનું દર્શન કરી શક્યા છે; તેઓ કહે છે કે, પ્રભુ પ્રેમ માટેજ નરનારી ઉત્પન્ન થયાં છે. તેનો પ્રેમ સફળ થાય એટલા સારૂજ તેણે મનુષ્યને પોતાને અનુરૂપ ગુણો સહિત ઉત્પન્ન કર્યો છે. એ જ્ઞાનસ્વરૂપ, પ્રેમસ્વરૂપ અને ઈરછામય પુરુષ છે. મનુષ્યમાં પણ એજ જ્ઞાન, પ્રેમ અને ઇચ્છાશક્તિ છે. એ જ્ઞાન, પ્રેમ અને ઇરછાશક્તિ ઉપરજ મનુષ્યનો આત્મા ટકી રહ્યો છે. પ્રેમસ્વરૂપ ઈશ્વર પ્રેમવડે માનવાત્માને પોતા તરફ આકર્ષે છે અને તેથીજ માનવાત્મા સંસારની કોઈ પણ સામગ્રીથી વાસ્તવિક અને સદાની તૃપ્તિ પામી શકતો નથી. જાણીને કે અજાણપણે પણ તે એ સદા અપાર સુંદર સત્ય પુરુષની તરફ જવા ઈચ્છે છે. માનવાત્મા જે ઈશ્વરની સન્મુખ દોડીને જઈ શકે, જે ઈશ્વરના અનંત પ્રેમની સાથે મનુષ્યના શુદ્ધ પ્રેમનું મિલન થાય, તો દૈવી પ્રકૃતિ પણ ચરિતાર્થ થાય અને માનવપ્રકૃતિ પણ ચરિતાર્થ થાય. એવું ન બને તો માનવજન્મ વ્યર્થ જાય અને ઈશ્વરનો પ્રેમ પણ સફળ ન થાય. એટલા માટેજ સૌંદર્ય અને પ્રેમનો દેવતા પરમેશ્વર વિશ્વનાં સકળ દૃશ્ય, સકળ સૌંદય, સકળ સંગીત અને સકળ રસદ્વારા પોતાની આકર્ષણશક્તિ પ્રગટ કરે છે અને આપણે પ્રેમ જગાડવા, સુધારવા અને વધારવા ચાહે છે. આપણે જાણીને અથવા અજાણતાં એજ અસીમ સુંદરના અનંત પ્રેમની તરફ જતા રહીએ છીએ. એ પ્રેમ વગર આપણા આત્માની અનંત આકાંક્ષાની તૃપ્તિ પણ ક્યાંથી થાય ?

જ્ઞાની અને પ્રેમી પુરુષોએ એ સત્યને પ્રાપ્ત કર્યું છે. એ સત્યને લીધેજ તેઓ આપણને સત્ય વાણી સંભળાવે છે; પરંતુ આપણાં દુર્ભાગ્ય છે કે, આપણે એ વાણીને સાંભળી ન સાંભળી કરી દઈએ છીએ. સાંભળ્યા છતાં પણ તેના ઉપર વિશ્વાસ કરતા નથી, વિશ્વાસ કરીએ છીએ તો તે પ્રમાણે વર્તતા નથી. પરંતુ સાચા જ્ઞાની અને પ્રભુ પ્રેમી મનુષ્ય જીવનની એ મહાન વાણી સાંભળીને તે પ્રમાણે ચાલે છે અને પરમાત્માના સાક્ષાત્કારરૂપી યુગ સાધીને કૃતાર્થ થાય છે.

કેથેરિન પ્રેમમયી સાધ્વી હતાં. પરમભકતોની વાણી તેમના કર્ણ માં પ્રવેશ કરી ચૂકી હતી, તેમનું ચિત્ત એ અસીમ સુંદર પ્રભુના પ્રેમ માટે અધીરૂં થઈ ગયું હતું. એટલે તેમના પ્રેમમય પરમાત્મદેવને પ્રાપ્ત કરવા સારૂ એમણે દિવસના દિવસ, મહિનાના મહિના અને વર્ષોનાં વર્ષ સુધી તપસ્યા કરવા માંડી. ત્યારપછી એ સાધ્વી નારીએ સત્ય સુંદર પરમ પુરુષને સ્વામીરૂપે પેાતાના હૃદયમાં વરી લીધા. ઈ. સ. ૧૩૬૭ પછી તેમના એ આધ્યાત્મિક વિવાહ થયો. હવે ઈશ્વરજ તેમનું સર્વસ્વ થઈ રહ્યા. સદાનું મહાન સતીત્વ પ્રાપ્ત કરવા માટે તેમણે પવિત્ર ચિત્તે ઈશ્વરનીજ મધુરી પ્રેમમય મૂર્તિનું ધ્યાન ધરવા માંડયું. છેવટે એ ભાગ્યશાળી સાધ્વીએ રોગની ગંભીર અવસ્થા પ્રાપ્ત કરી. એ સમયે એ ઇશ્વરની સાથે ગાઢો યોગ સાધીને બાહ્ય ચેતનાથી રહિત થઈ જતાં. રેવરંડ એળ્બાન બટલર સાધુઓનાં જીવનચરિત્ર ગ્રંથમાં લખે છે કેઃ-

"પ્રાર્થનાજ તેમની તૃષાનું જળ હતું. સર્વશક્તિમાનની સાથે યોગ સાધવાથી આત્માનું રહસ્યદ્વાર તેમની આગળ ઉઘડી ગયું હતું. તેમનામાં એવી આધ્યાત્મિક શક્તિ આવી હતી કે, તેમને મુખેથી મુક્તિની ગૂઢ કથા શ્રવણ કરવાથી શ્રેતાજનોનાં ચિત્ત સ્થિર થઈ જતાં. તેમના ઉપદેશો ગ્રંથાકારમાં પ્રગટ થયા છે. તેમનું આખું જીવન એક અલૌકિક વ્યાપાર હતો; પરંતુ સાધુઓ તેમની ધ્યાનપરાયણતાની ઘણી પ્રશંસા કરતા. ઘણાં મોટાં મોટાં કામમાં રોકાવા છતાં પણ એમાંના ઘણો ખરો સમય એમનો અંતરાત્મા ઈશ્વરધ્યાનમાં મગ્ન રહેતો. તેમણે ઘણાં વર્ષ સુધી તે પ્રભુના નૈવેદ્યમાંથી એકાદ ટુકડો ખાઇનેજ જીવન ધારણ કર્યુ હતુ. ઘણા લોકો તેમની વિરુદ્ધ મિથ્યા કુથલી કરતા હતા; પરંતુ એમાં પણ એ આનંદ અનુભવતાં. કોઈ પણ દુઃખ તેમને વેદના આપી શકતું નહિ. એક વખત એમણે એક ચમત્કારિક સ્વપ્ન દીઠું હતું. સ્વપ્નમાં ઈસુ ખ્રિસ્ત જાતે બે હાથમાં બે મુકુટ લઈને ઉભા હતા. એમાંનો એક મુકુટ સુવર્ણનો હતો અને બીજો કાંટાનો હતો. ખ્રિસ્તે કેથેરિનને કહ્યું કે, તારી જે ઈરછા હોય તે મુકુટ તું ગ્રહણ કર. તેમણે કાંટાનો મુકુટજ ગ્રહણ :કર્યો હતો.”

ઈ. સ. ૧૩૭૦ની સાલથી કેથેરિનના ઉન્નત જીવન પ્રત્યે મનુષ્યની દૃષ્ટિ પડવા લાગી. તેમને લાકો તરફ્થી અત્યંત ભક્તિ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા લાગ્યાં. પુષ્કળ લોકો તેમને દેવી સમાન ગણીને, તેમના ધર્મોપદેશ સાંભળવા લાગ્યા. ખરા ધર્મવિશ્વાસથી એ ધર્મનો એકેએક શબ્દ ઉચ્ચારતાં. તેમના વાક્યમાં દૈવી શક્તિ રહેલી જણાતી. તેથી જ તેમનો ઉપદેશ મનુષ્યના હૃદયમાં શક્તિ રેડતા હતા. તેમના ઉપદેશથી થોડા જ દિવસમાં પાપીઓનાં મન બદલાઈ જતાં, અનેક પાપી પુરુષો અને નારીઓ તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમની આગળ પોતાનાં પાપ દિલ ખોલીને કહી દેતાં તથા પશ્ચાત્તાપ કરતાં. તેમણે પોતાનાં પ્રેમ, સહાનુભૂતિ અને પ્રાર્થના વડે અનેક તોફાની તથા વહી ગયેલાં માણસોનાં હૃદયો. પેાતાની તરફ ખેંચ્યા હતાં. અને એવા લોકો પણ એ તપસ્વિનીનો ઉપદેશ સાંભળીને પાપનો ત્યાગ કરી દઈ ઈશ્વરનું શરણ લેતાં. ધર્માયાજક બટલર લખે છે કે -‘‘કેથેરિન પાપીઓનું ચરિત્ર સુધારવા સારૂ કઠિન પરિશ્રમ કરતાં. મનુષ્યો ઉપર તેમનો આશ્ચયકારક પ્રેમ હતો. લોકોને ઉન્નત કરવાના કામમાં ગમે તેટલા પરિશ્રમથી પણ એ કંટાળતાં નહિ. તેમનો બધો ઉપદેશ, બધુ કાર્ય, તેમની નીરવ પ્રાર્થના, જાણે બળપૂર્વક નરનારીઓને ધર્મના પથમાં ખેંચતાં હંતાં. પોપ દ્વિતીય પાયસ કહી ગયો છે કે, જે કેાઈ કેથેરિનની પાસે ગયો છે, તે પોતાનું હૃદય પવિત્ર કર્યા વગર પાછો ફર્યો નથી. એક વાર નેન્નીસ નામના એક તોફાની અને ખરાબ માણસ કેથેરિનની પાસે ગયેા હતો, તેના હૃદયમાં પરિવર્તન કરવા સારૂ એ પુણ્યશીલા નારીએ ઘણોજ પ્રયત્ન કર્યો; પણ તેમની બધી મહેનત ફોગટ ગઈ, ત્યારે તેમણે એ માણસને સારૂ નિરંતર પ્રાર્થના કરવા માંડી. એ પ્રાર્થનાથી ઈશ્વરની શક્તિ નીચે ઉતરી આવી અને થોડા જ સમયમાં એ માણસમાં આશ્ચર્યકારક ફેરફાર થયો. તેનાં બંને નયનોમાંથી પશ્ચાત્તાપનાં અશ્રુ ખરવા લાગ્યાં.ઈશ્વરે પોતાના પ્રેમના આકર્ષણથી તેને પોતાની તરફ ખેંચ્યો. તેના હૃદયમાંથી પાપનું વિષ નીકળી ગયું. તે કૃતજ્ઞતાપૂર્વક કેથેરિનના ચરણમાં ઢળી પડ્યો અને પોતાની એક સુરમ્ય હવેલી કેથેરિનને અર્પણ કરી; એ હવેલીમાં એમણે એક આશ્રમ બંધાવ્યો.” કેથેરિન દિવસે દિવસે ધર્મોન્નતિના માર્ગમાં આગળ વધવા લાગ્યાં. તેમનું અતિ ઉન્નત જીવન જઈને લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. ઘણાંઓ તેમને પ્રશ્ન કરવા લાગ્યાં “ આપે ધર્મના વિષયમાં આટલી બધી ઉચ્ચ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી છે ? ” એ બાબતમાં એમણે પોતાના ધર્માચાર્યને જે કાંઇ કહ્યું હતું તે 'કુમારી કેથેરિન' નામના ગ્રંથમાં લખેલું છે. એનો સાર આ પ્રમાણે છે :-

"મારા પ્રભુએ જાતે મને જીવનનો પંથ દેખાડયો છે. એ વિષયમાં મને મનુષ્યની તરફથી કાંઈ પણ સહાયતા મળી નથી, પ્રભુની આદેશવાણી સાંભળીનેજ મેં' જીવનપથમાં ચાલવાનો યત્ન કર્યો છે. શરૂઆતમાં તેમનો આદેશ સાંભળ્યા છતાં પણ નિઃસંશય ચિત્તે અને પૂર્ણ લાગણી સાથે તેનું અનુસરણ હું કરી શકતી નહિ. કારણ કે મનમાં હું વિચારતી કે, આ મારા પ્રભુની આજ્ઞા છે કે શયતાનના છળ છે તે હું કેવી રીતે પારખી શકીશ ? ત્યારપછી પ્રભુએ પોતાનો આદેશ સમજવાનો એક ગૂઢ સંકેત મને બતાવી દીધા. પ્રભુ બોલ્યા કે, મારા આદેશનો આરંભ ભયથી થાય છે, પણ પછી તે શાંતિમાં બદલાઈ જાય છે. મારો આદેશ સાંભળવાથી અને મારાં દર્શન થવાથી મનુષ્યનો આત્મા અત્યંત વિનયી થાય છે. અને મારા પ્રસાદથી મનુષ્ય પોતાની સર્વ અયોગ્યતા જુએ છે તથા બધા દુનિયા પદાર્થોની અસારતા અનુભવે છે.”

“ મારા પ્રભુએ એક દિવસ મારી આગળ પ્રગટ થઈને કહ્યું :- બેટા ! તું કોણ છે અને હું કોણ છું ? એ વાત પ્રથમ જાણી લે. X X એ પુરાણ પુરુષોત્તમ જે કાંઇ હું છું તેજ તું છું. બીજું કાંઈ પણ નથી. જો એ બે સત્ય ગંભીર ભાવથી તારા અંતરમાં ઉંડાં ઉતરી જશે યો કોઈ પણ શત્રુ તને છેતરી શકશે નહિ.' એક દિવસ પ્રભુ એ મને એવું કહ્યું કે બેટા ! તું મારૂં જેવું સમરણ કરીશ તેટલું હું પણ તારૂં સ્મરણ કરીશ. ”

કેથેરિનના મુખમાંથી ઉચારાયેલાં આ ઉંડા ભાવવાળાં ધાર્મિક વચનો કેટલાં બધાં સજીવન અને ચેતનાદાયક છે ! એને વાંચ્યાથી હદયના તાર કેવો સ્વર્ગીય સૂર બજાવે છે ! અમે ‘કુમારી કેથેરિન’ ગ્રંથમાંથી એ સાધ્વીના બેએક ઉપદેશો અહીં ઉતારીએ છીએ.

"એ આત્માજ સિદ્ધ છે, કે જે અત્યંત વિશાળ અને ઉન્નત થઇને અને આખી સૃષ્ટિને ભૂલી જઈને કેવળ સૃષ્ટા તરફજ સર્વ પ્રકારે દૃષ્ટિ રાખે છે.”

"જે આત્મા પોતાના તન અને મનની સર્વ પ્રકારે અયોગ્યતા અને નિર્મળતા જોઈ શકે છે અને તેને માટે જે કાંઈ સુખદાયક અને મંગળકારી છે તે બધું તે પ્રભુ તરફથીજ તેને મળે છે એવો અનુભવ કરે છે, તેજ આત્મા ઈશ્વરની આગળ પૂરેપૂરું આત્મસમર્પણ કરી શકે અને તેજ પરમાત્મામાં તલ્લીન-નિમગ્ન થઈ શકે છે.”

"આત્મા જેટલો પણ ઈશ્વરની સાથે યોગયુક્ત થઇને તેની સાથે મળી જાય છે, તેટલોજ તે પોતાનાં પાપ અને મલિન ભાવો પ્રત્યે ધૃણા પ્રગટ કરે છે. જેને એવી ધૃણા થતી નથી, તેના હૃદયમાં સાચા પ્રભુ પ્રેમ સંચાર પામતા નથી, એ વાત નિશ્ચયપૂર્વક જાણવી.”

“ તમે વિનયી થજો. તમારા ઘડતર અને દુ:ખના સમયમાં સહનશીલતા ધારણ કરજો. સૌભાગ્યના સમયમાં ફૂલાઈ જશો નહિ. પોતાને હમેશાં સંયમ અને શાસનમાં રાખજો. આ પ્રમાણે ચાલવાથી તમે ઈશ્વર અને મનુષ્યને પ્રિય થઈ રહેશો.”

(૪)

સંન્યાસિની કેથેરિનને સંસારના ભોગવિલાસ પ્રત્યે બિલકુલ આસક્તિ નહોતી, પરંતુ સંસારના લેાકો ઉપર તેમનો પ્રેમ હતો તથા પોતાનાં જનક-જનની અને ભાઈઓ તરીકે તેમના ઉપર હેત હતું. એમની સેવા એ તેમના ધર્મનું એક અંગ હતું. તેથી એ કામમાં ઝાઝો સમય રહેતાં, તેમની સેવાચાકરી કરવાથી તેમના હૃદયને ઘણી તૃપ્તિ થતી. એક વાર ઈશ્વરની આદેશવાણી તેમને એવી સંભળાઈ હતી કે તેમણે જીવને જોખમે પણ જનસમાજની સેવા કરવી, એવી ઈશ્વરની ઈરછા હતી.

પિતાના સ્વર્ગવાસ પછી આશરે ઈ. સ. ૧૩૭૦માં કેથેરિન માતા અને ભાઈઓની તથા દીનદુઃખીઓની સેવા કરવા સારૂ કોન્વેન્ટમાંથી ઘેર આવ્યાં હતાં. એ વખતે એ ખરેખર લોકોની સેવા સારૂ પોતાનું રક્ત આપવા લાગ્યાં હતાં. એક તરફ એ પીડિતાની સેવા કરતાં અને શાંતિ ખોઇ બેઠેલાં મનુષ્યને ધીરજ અને દિલાસો આપતાં; તો બીજી તરફ ગૃહકાર્ય અને જનનીની પરિચર્યાનો ભાર તેમના હાથમાં હતો.

ઇ. સ. ૧૩૭૪માં એમના દેશમાં ભયંકર મરકી ફાટી નીકળી. હજારો લેાકો દરરોજ મરી જવા લાગ્યા. મનુષ્યનાં દુઃખ અને પીડાનો પાર રહ્યો નહિ. એ સમચે કેથેરિને પીડા પામતા લેાકાની સેવામાં આત્મસમર્પણ કર્યું. એ વખતે એ માતૃસ્વરૂપિણી નારીની મનુષ્યોપ્રત્યેની પ્રીતિ જોઇને બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

એ વખતથી એ મહાન નારીનું સન્માન અને પ્રતિષ્ઠા આગળ કરતાં ઘણાં વધી પડ્યાં. દેશવિદેશના પુષ્કળ લોકો તેમના પ્રત્યે ભક્તિ દેખાડવા લાગ્યા. ઈ. સ. ૧૩૭૫ની સાલમાં ફલોરેન્સ નગરના નિવાસીઓએ પોપની વિરુદ્ધ એક વિદ્રોહ ઉભા કર્યો. એ વિદ્રોહનું સમાધાન કરવા સારૂ પોપે કેથેરિન ઉપરજ આધાર રાખ્યો હતો. સંન્યાસિની કેથેરિનની વિવેચક બુદ્ધિ તથા ધર્મભાવ જેઈને પોપ પણ વિસ્મય પામ્યા હતા. પોપે કેથેરિનને કહ્યું હતું કે “મારે શાંતિસિવાય બીજું કાંઈ જોઇતું નથી, આ વિવાદનું નિરાકરણ લાવવાનો બધો ભાર મેં તમારા હાથમાં સોંપ્યો છે. કેવળ એટલુંજ કહું છું કે, ચર્ચ(દેવળ)ના સન્માનનું રક્ષણ થાય એવું કરજો.” દેશના આગેવાન મેજીસ્ટ્રેટોએ વિવાદના નિરાકરણ સારૂ કેથેરિનને પત્રો લખ્યા. એ શક્તિશાળી નારીના પ્રયત્નથી એ વિવાદ શમી ગયેા. એ ફેંસલો પોપ ગ્રેગરીની હયાતિમાં થયો નહિ,પણ એમના મરણ બાદ થયેા હતો. વિવાદના સમયમાં એ તેજસ્વી સાધ્વીએ પોપને જે પત્ર લખ્યો હતો, તે પુનઃ પુનઃ વાંચવા યોગ્ય છે. અમે અહીં તેના થોડાક અંશનો મર્માનુવાદ આપીએ છીએ :–

“જે લાકો ઈશ્વરના કામમાં નિયુક્ત થયેલા દેખાય છે (અર્થાત્ જેમણે ત્યાગનો અથવા ઉપદેશકનો વેષ ધારણ કર્યો છે) તે લોકોજ જો આત્મસુખને માટે વલખાં મારતા ફરે, તો પછી તેમનાથી કોઇનું પણ મંગળ થઈ શકે કે ? એ ઉપરથી તો એવુંજ સમજાય કે, એમનામાં ધર્મ મરી ગયો છે અથવા તો જાગ્યોજ નથી. તમારા તાબાના જે બધા પાદરીઓ બીજા ત્રીજા કામમાં લિપ્ત રહે છે, તેમની ખામીઓ ટાળવાનો તમે પ્રયત્ન કર્યો છે કે ? એમને માઠું લાગશે અથવા કષ્ટ થશે, એવું ધારીનેજ તમે એમ નથી કર્યું ને? એવા માણસો તો ભાડુતી ભરવાડ જેવા છે, વરૂના મોંમાંથી ઘેટાનું ભક્ષણ કરવાના તો તેમનો ઉદ્દેશ જ નથી; પણ ઉલટા એ લેાકો પેાતેજ ઘેટાંનું ભક્ષણ કરવા માગે છે, અને એનું કારણ એ છે કે, એ લોકો ઈશ્વરને ચાહતા નથી પણ પોતાની જાતનેજ ચાહે છે. હું કહું છું કે, તમે બધાએ ઈસુના માર્ગ નું પોતાનો પ્રાણ આપ્યો નથી ? X X  આગળ થઈ ગયેલા મહાન ગ્રેગરી પોપની કથા સ્મરણ કરો. એમનો દેહ પણ આપની પેઠે રક્ત અને માંસનોજ બનેલો હતો. ઈશ્વર પણ એ વખતે જેવો હતો તેવોજ અત્યારે પણ છે–અર્થાત અત્યારે પણ અમારે માટે કઈ વસ્તુનો અભાવ નથી, પણ અભાવ છે કેવળ એકમાત્ર ધર્મપાલનનો. અમારામાં અમારા પોતાનાજ પરિત્રાણ- મુક્તિ-ને સારૂ વ્યાકુળતાજ ક્યાં છે ? અમારામાં પ્રભુ માટેની આંતરિક સાચી ભૂખજ કયાં છે ?”

જે સાધ્વી પોપનું અન્યાયી કાર્ય જોઈને તથા તેના તાબાના પાદરીઓનાં અધર્માચરણથી દુઃખી થઈને આ પ્રમાણે તીવ્ર ભાષામાં તેને પત્ર લખી શકે, તેનું મનોબળ કેટલું બધું હશે તે સહેલાઈથી સમજી શકાય છે.

આ શક્તિશાળી સાધ્વી ધર્મજીવનમાં અતિ ઉન્નત અવસ્થાએ પહોંચ્યાં હતાં, તે વાતનો અમે ઉપ૨ ઉલ્લેખ કરી ગયા છીએ. એમનું જીવન ધીમે ધીમે ઈશ્વરની સાથે ઉંડા ચેાગથી જોડાવા લાગ્યું’, એમની આશ્ચર્યકારક આધ્યાત્મિક શકિતની કથા સાંભળીને , જૂદા જૂદા દેશના લોકો એમનાં દર્શન કરવાને આકુળ વ્યાકુળ થઈ રહ્યાં. દૂર દેશાવરથી હજારો લોકો તેમની સેવામાં હાજર થવા લાગ્યાં. એ વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતાથી હૃદયને ભરપૂર કરીને પોતાના જીવનમાં અનુભવેલી સત્ય વાણી ઉચ્ચારવા લાગ્યાં. એમના ઉપદેશથી મનુષ્યનું હૃદય પીગળી જતું, અનેક અવિશ્વાસી લાકો પણ ધર્મમાં વિશ્વાસ રાખવા લાગ્યા. કેટલીક વાર તેમની આધ્યાત્મિક શક્તિ જાદુગરના જાદુની પેઠે મનુષ્યના શરીર ઉપર આશ્ચયકારક અસર કરતી અને અસંભવિત મનાતી વાત સંભવિત બની જતી. જે સત્ય અત્યંત દૂર માનવામાં આવતું:, તે સત્ય પ્રત્યક્ષ ખડું થતું. એ વિષયમાં અમે એક પ્રસિદ્ધ ઘટનાનો ઉલ્લેખ કરીશું.

પેરૂગિયા શહેરમાં એક ધનવાન યુવક રહેતો હતો. તેનું નામ ટેલેડો હેતુ. એ જમીનદાર હતો. સાયેના ગવર્નમેન્ટે તેની વિરુદ્ધ રાજ્યદ્રોહ અને પ્રપંચનો મુકદ્દમો ઉભો કર્યો. એ યુવકમાં બીજા સેંકડો જાતના દોષો હતા, પરંતુ તેણે રાજદ્રોહ કે કાવતરું કર્યું નહોતું. એનો દોષ કેવળ એટલોજ હતો કે, એણે સરકારને થોડાક સખ્ત શબ્દો સંભળાવ્યા હતા. બસ, આટલા અપરાધ સારૂ સાચેનાની સરકારે તેને પ્રાણદંડની સજા ફરમાવી. એ દંડની આજ્ઞા સાંભળતાંવારજ એ યુવકનાં રુવે રૂવાં ખડાં થઈ ગયાં. એ વિચારવા લાગ્યો કે “કેવી આશ્ચર્યકારક વાત છે ! એ ચાર સખ્ત વેણ કહેવા માટે દેહાંતદંડની સજા ! આનું નામ તે ન્યાય ? ત્યારે શું જગતમાં ધર્મ છેજ નહિ? ઈશ્વર છેજ નહિ ? આ સંસારમાં શું શયતાનની ક્રૂર રમતજ ચાલ્યા કરે છે ? આવા આવા વિચારોથી એ યુવક ધર્મ અને ઈશ્વરનો વિદ્રોહી થઈ ગયેા. હવે તેની દુર્ગતિનો પાર રહ્યો નહિ. તેની અવસ્થા ભયંકર થઈ પડી. એ અશાંતિની ઝાળમાં બળ્યો બળ્યો થઈને તરફડીઆં મારવા લાગ્યો. એવે સમયે યુવકની આ મર્મવિદારક કથા કેથેરિનના કાને પહોંચી કે તરતજ જનનીની પેઠે પ્રેમસુધાથી ઉભરાતા હૃદયે તે યુવકની પાસે ગયાં, તેમના પ્રેમના મંત્ર અને ઉપદેશની જાદુઈ શક્તિથી એ યુવકમાં આશ્ચર્યજનક પરિવર્તન થયું. એ ઇશ્વરના ચરણમાં ઢળી પડયો. એ વિષયમાં કેથેરિનનો એક ઉત્કૃષ્ટ પત્ર છે. એ પત્ર તેમણે ધર્માચાર્યને લખ્યો હતો. એ પત્ર છપાયો છે. યૂરોપમાં સર્વત્ર એ પ્રસિદ્ધ પત્રના ઘણો આદર થાય છે. અમે તેના થોડાક ભાગને સારાનુવાદ નીચે આપીએ છીએઃ-

‘હું તે યુવકને મળવા ગઈ હતી, મારા સ્નેહ અને સાંત્વનાથી તેને યથેષ્ટ શાંતિ મળી હતી. મારી આગળ તે પોતાનાં પાપ કબૂલ કરતાં સંકોચાતો નહિ. એ મૃત્યુને માટે સારી રીતે તૈયાર હતો. સવારે હું એ યુવકની પાસે ગઈ. એ વખતે દંડાજ્ઞા જાહેર થવાનો ઘંટ વાગ્યો નહોતો. તે મારી સાથે ઈશ્વરની ઉપાસનામાં સામીલ થયેા. એને કેવળ એકજ ચિંતા હતી કે જીવનની છેલ્લી પળે ધર્મ અને ઈશ્વરમાં તેનો વિશ્વાસ કાયમ રહેશે કે નહિ ? પરંતુ ઇશ્વરકૃપાથી યુવક મૃત્યુકાળે પણ તેનો વિશ્વાસ અને ભરોસો ટકાવી શક્યો હતો. તેણે મને કહ્યું હતું કે 'તમે મારો પરિત્યાગ કરશો નહિ. મારી સાથે જ રહેજો. એથી કરીને હું પ્રસન્ન ચિત્તે મૃત્યુને ભેટી શકીશ.' યુવકે મૃત્યુની પૂર્વે મારી છાતી ઉપર માથું મૂકયું હતું. હું તેના દેહના ધબકારા અને નિઃશ્વાસની અંદર એક સુમિષ્ટ ભાવ અનુભવવા લાગી, મારા હૃદયની પ્રીતિને મેં એ ભાવની સાથે ભેળવી દીધી. મે કહ્યું ' ભાઈ ! તું શાંત થા, સ્વર્ગમાં ઈશ્વરનું જે પ્રેમભેાજન થશે તેમાં આપણે જલદી જઈને શામિલ થઈશુ. ' એ સાંભળતાંજ યુવકનું મુખ આનંદથી પ્રકાશિત થઇ ગયું. તે બોલ્યો 'મારા ઉપર આપની કેટલી બધી દયા છે !' જે સ્થાનમાં તેનું મૃત્યુ થવાનું હતું તે સ્થાનને એ પુણ્યભૂમિ ગણતા હતા. તેણે કહ્યું ‘હું આનંદપૂર્વક વધસ્થાન તરફ જઈશ.’ એ ઇશ્વરની કરુણા અને મંગળભાવ સંબધી એ અતિ ચમત્કારી વાતો કહેવા લાગ્યો. તેની એ વાત સાંભળીને હૃદય પીગળી જતું હતું. x x જે લાકડા ઉપર યુવકને ફાંસી દેવામાં આવનાર હતી, તેના ઉપર પહેલાં મેં મારું માથુ ટેકવ્યું. મને એવી ઈચ્છા થતી કે યુવકને બદલે મારીજ હત્યા કરવામાં આવે તો સારું. પરંતુ મારી એ ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય ! કેમકે ખરું જોતાં તો મારા મનમાં ત્યાગનો અહંકાર છુપાઈ રહ્યો હતો. મેં પ્રાર્થના કરવા માંડી કે ‘હે ઈશ્વર ! આ યુવકને પ્રકાશ અને શાંતિ આપો, કે જેથી તે તમારા અલૌકિક સ્વર્ગમાં જઈ પહોંચે.’ વધસ્થળે પુષ્કળ મેદની જામી હતી. પરંતુ હું એ યુવક સિવાય બીજા કોઈને જોઈ શકી નહિ. હું તેનું સુંદર મુખ જોઇ રહી હતી. એને શાંત ઘેટાની પેઠે ધીમે ધીમે વધસ્થળે લાવવામાં આવ્યો. મને જોતાંજ પાછો તેનો ચહેરો હસમુખો થઈ ગયો. મે કહ્યું ‘પ્રિય ભાઈ ! હવે તું તારું મસ્તક નીચે નમાવ. તું તારા અનંત જીવનને બારણે આવી પહોંચ્યો છે, તૈયાર થઇ જા.’ યુવક ઢળી પડ્યો. મેં તેનું માથુ ફાંસીના લાકડા ઉપર ટેકવ્યું અને ઈસુની મૃત્યુકથાનું તેને સ્મરણ કરાવ્યું. ‘ઈશ્વર’ અને ‘કેથેરિન’ એ બે શબ્દો તેના મુખમાંથી નીકળ્યા. ‘તારી ઇચ્છા પૂર્ણ થજો’ એ વચનો બોલીને મેં મારાં નયનો મીંચી દીધાં. ત્યારપછી યુવકનું છેદાયલું મસ્તક મારા હાથ ઉપર આવીને પડ્યું.”

રાજદંડથી દંડિત એક ધર્મદ્રોહી યુવકના અંતરમાં ફાંસીની સજા ભોગવવા પહેલાં જે સાધ્વી ધર્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે, આશા અને આનંદનો વિકાસ કરી શકે અને તેની શાંતિ તથા મુક્તિને સારૂ પોતાના હૃદયનો બધો પ્રેમ ઠાલવી શકે તે સાધ્વી સામાન્ય મનુષ્યોથી કેટલે ઉંચે દરજ્જે ચઢેલી હશે, તેનો નિર્ણય કોણ કરશે ?

(૫)

તપસ્વિની કેથેરિનની સેવાનો ફરી ફરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ કોઢી અને ચેપી રોગવાળા મનુષ્યોની સેવા તેમણે કેવા પ્રકારે કરી છે તે કહેવામાં નથી આવ્યું. એ સેવાની કથા અતિ ચિત્તાકર્ષક છે. એ સાંભળવાથી આંખમાંથી આંસુ ઝરવા માંડે છે, અને એમ લાગે છે કે, જાણે ઈશ્વરી કરુણાજ માનવીરૂપ અને કેથેરિન નામ ધારણ કરીને મૃત્યુલોકમાં આવી હતી.

અમે અતિ સંક્ષેપમાં કેથેરિનના એક કાર્યનો ઉલ્લેખ કરીશું. એક સ્થાને એક દુર્ભાગી સ્ત્રીને કોઢનો રોગ થયો. તેનું નામ હતું ટેક્કા. તેનું વસમું દર્દ થોડાજ સમયમાં, ઘણું ભયાનક થઈ ગયું. રોગીના ઘામાંથી એવી દુર્ગંધ આવતી કે એક ક્ષણવાર પણ માણસ ઉભું રહે તો માથું ફાટી જાય. એ ગામના મેજીસ્ટ્રેટે તેને ગામબહાર ખુલ્લા મેદાનમાં નાખી મૂકવાનો હુકમ આપ્યો હતો. પરંતુ એ વાત કેથેરિનને કાને પહોંચી. એ દુર્ભાગી બાઇની સેવા કરવા તૈયાર થયાં. તેમનાં સગાંવહાલાંઓએ કહ્યું કે “આ તે કરી રહ્યાં છે ? તમે ટેક્કાની સેવા કરવા જઈને તમારા અમૂલ્ય જીવનનું બલિદાન દેશો ? એથી તે કાંઇ સારૂ પરિણામ નહિ આવે.”

પરંતુ કેથેરિનનો પ્રેમ એ અભાગી, દુઃખી, રોગી નારીની તરફજ વહેવા લાગ્યો હતો ! હવે એમને એ માર્ગમાં જતાં કોણ રોકી શકે એમ હતું ? તેમણે સગી બહેનની પેઠે ટેક્કાની સેવા કરવા માંડી. એ સ્ત્રીનો સ્વભાવ રોગની પીડાથી ઘણોજ ચીઢીઓ થઇ ગયો હતો. ધ્યાન અને પ્રાર્થનાને સારૂ કેથેરિન તેનાથી દૂર એક એકાંત સ્થાનમાં જતાં, એટલામાંજ એ ક્રોધી સ્ત્રી ચીઢાઇ જતી અને એમને ગાળો દેવા લાગતી. એ બધાં કડવાં વચનો સહન કરીને પણ કેથેરિન તેની ચાકરી કરતાં.

કેથેરિન જે આશ્રમમાં વસતાં હતાં, તેજ આશ્રમમાં એક સ્ત્રી વસતી હતી. તેનું નામ એન્ડ્રિયા હતું. એ પણ સંન્યાસિની હતી. તેના અંગમાં એક સ્થાને ઘા પડીને છાતી પાકી જવા આવી હતી. ઘામાંથી એવી દુર્ગંધ આવતી કે ત્યાં ઉભા રહેવાની કોની મગદૂર હતી ? છેવટે કેથેરિનજ તેની સેવા કરવાને તૈયાર થયાં.

પરંતુ હાય ! જે આશ્રમવાસિનીની સેવા કરવાને કેથેરિન જીવ દઈને યત્ન કરી રહ્યાં હતાં તે માનવી નહોતી પણ રાક્ષસી હતી. એ કંઇ ધર્મપ્રાપ્તિને ખાતર સંન્યાસિની થઈ નહોતી પણ એને તો મનુષ્યોની પ્રશંસાની વાંચ્છના હતી, એટલે એ બહારથી ધર્મનો ડોળ કરીને સૌને છેતરતી, બાકી એના મનમાં તો ભયંકર ભુજંગનું વિષ ભરેલું હતું. એણે લાગ જોઈને એ વિષ કેથેરિનના ઉપર ઢાળી દીધું. તેમનો ધર્મવિશ્વાસ, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ જોઈને એન્ડ્રિયાના મનમાં દ્વેષની આગ સળગી ઉઠતી. કેથેરિન એની પેઠે છળકપટ કરીને લોકોની આંખમાં ધૂળ નાખી નહોતાં શકતાં, એ એને મનથી એમનો મોટો અપરાધ હતો. એને લીધે એ હિંસાપરાયણ સ્ત્રીએ કોઈ ને કોઈ બહાને કેથેરિનના પવિત્ર નામને કલંક લાગે એવા ખોટા ગપાટા ઉડાવવા શરૂ કરી દીધા. એ વેશધારી રાક્ષસીએ સત્યના માથાપર પગ મૂકીને મિથ્યા વાતોના આડંબરથી ધર્માચાર્યોનાં મન ફેરવી નાખ્યાં. એન્ડ્રિયા કહેવા લાગી કે “કેથેરિન મારી ચાકરી કરવાને બહાને ગુપચુપ પાપનું સેવન કરે છે.”

કેટલાક પાદરીઓ અને સંન્યાસિનીઓ આ મિથ્યાવાદી સ્ત્રીની વાત ઉપર વિશ્વાસ કરવા લાગ્યાં. સ્ત્રીજાતિ બીજી બધા પ્રકારની નિંદા અને અપવાદ સાંખી શકે છે, પણ ચારિત્રસબંધી નિંદા અને અપવાદ તેને તદ્દન અસહ્ય થઈ પડે છે. પરંતુ કેથેરિને કેાઇની વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નહિ. એમણે એ માટે કેવળ કલંકભંજન પરમેશ્વરનેજ પુકારવાનું શરૂ કર્યું.

એક દિવસ આશ્રમની કેટલીક સ્ત્રીઓએ ખુલ્લી રીતે કેથેરિનની નિંદા કરવા માંડી. શુદ્ધ આચરણવાળાં કેથેરિનથી હવે ધૈર્ય ધરી શકાયું નહિ. એ હૃદયના આવેગથી બોલવા લાગ્યાં કે :– તમે ખાત્રી રાખજો કે, હું કુમારી છું – ચિરકુમારી છું. કોઇ પણ કલંક મારા કુમારીવ્રતને મલિન કરી શકશે નહિં.”

આ બધી વાતો કેથેરિનની માતા લાપાને કાને પહોંચી. એ છંછેડાયલી સિંહણની પેઠે ઉશ્કેરાઇ જઇને કન્યાની પાસે આવી. કેથેરિન પવિત્રતાની મૂર્તિ છે, એ વાત લાપા સારી રીતે જાણતી હતી. તેણે કન્યાને કહ્યું “હું તો તારું અપમાન સાંખી શકીશ નહિ. એ રાક્ષસી એન્ડ્રિયાની ચાકરી કરવા સારૂ તને નહિજ જવા દઉં. ને તે હવે પછી એ કમબખ્તના ઘરમાં જઇશ તો યાદ રાખજે કે, આજથી તારે ને મારે કોઈ સંબંધ નથી.”

કેથેરિને કહ્યું “મા ! મનુષ્ય તો ઈશ્વરનો કેટલીએ વાર અસ્વીકાર કરે છે, કેટલીએ વાર તેની આગળ અપરાધ કરે છે; છતાં શું ઈશ્વરની કરુણા મનુષ્યનો ત્યાગ કરી શકે છે ? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૂળીએ ચઢ્યા છતાં પણ શત્રુઓના કલ્યાણની કામના નથી કરી ? પ્રભુએ એન્ડ્રિયાની સેવાનો ભાર મને સોપ્યો છે, તો હવે એને છોડી દીધાથી હું ઈશ્વરની અપરાધી નહિં થાઉં ?”

કેથેરિનનાં વચનો સાંભળીને લાપાની આંખમાંથી દડદડ અશ્રુધારા વહેવા લાગી, પોતાની કન્યાનું હૃદય મલિન સંસારીઓથી ઘણુંજ ઉંચું છે અને સંસારની તુચ્છ નિંદા કે પ્રશંસાની પરવા કરે એવો સંકુચિત પ્રેમ તેના હૃદયમાં નથી, એ વાત તે હવેજ સમજી શકી.

આખરે ખરેખર પ્રેમથી પાષાણ પણ પીગળી ગયો. એ પીડા પામતી નારીના મનમાં પરિવર્તન થયું. એન્ડ્રિયાએ જોયું કે, જે બ્રહ્મચારિણીના ચરિત્રમાં કલંક લગાડવાના ઇરાદાથી તેણે ખોટા અપવાદો મૂક્યા હતા, તેજ નારી દરરોજ પોતાનું હૃદયપાત્ર પ્રેમથી ભરીને તેની પાસે હાજર થાય છે, અને જીવ દઈને તેની સેવા કરે છે. હવે ક્યાં સુધી એ પોતાના અંતઃકરણને દ્વેષથી ભરેલું રાખશે ? તેનું પાષાણતુલ્ય હૃદય પીગળી ગયું, અંતરમાં પશ્ચાત્તાપનો અગ્નિ સળગી ઉઠ્યો. તેણે કેથેરિનના પગમાં પડીને છાતીફાટ રુદન કર્યું તથા કહ્યું કે :–

બહેન ! તમે તો માનવી નથી પણ દેવી છો. હું દુર્ભાગી નારી આજ પશ્ચાત્તાપની વેદનાથી વ્યાકુળ થઈ જઈને, તમારું શરણ લઉં છું. મને ક્ષમા આપો. બહેન ! આજ મને ક્ષમા આપો.”

એન્ડ્રિયાથી હવે પશ્ચાત્તાપની આગ સહન થઇ શકી નહિ. તેણે એક દિવસ પાદરીઓ અને આશ્રમવાસીઓને એકઠાં કરીને કહ્યું કે “મેં આટલા દિવસ સુધી સાધ્વી કેથેરિનના ચારિત્ર વિરુદ્ધ જે જે કલંકની વાતો ફેલાવી છે તે બધી તદ્દન મિથ્યા છે. એ તપસ્વિનીનું ચારિત્ર સુગંધી પુષ્પ જેવું નિર્મળ છે. એ પ્રીતિ, કરુણા અને ક્ષમાની સાક્ષાત્ મૂર્તિમતી દેવી છે. પવિત્ર પરમાત્માજ સર્વદા એમના હૃદયમાં બિરાજીને એમના જીવનને દોરે છે. મેં શયતાનની શીખવણીથી કેથેરિનની વિરુદ્ધ જૂઠા ગપગોળા ઉડાવ્યા છે.”

આ બનાવ બન્યા પછી કેથેરિન પ્રત્યે લોકોની ભક્તિ અને શ્રદ્ધા પ્રથમ કરતાં પણ વધી પડ્યાં. બધાં એમને આધ્યાત્મિક શક્તિસંપન્ન સિદ્ધ સાધ્વી ગણીને તેમનાં યશોગાન ગાવા લાગ્યાં.

એ સમયથી કેથેરિનના હૃદયમાં પણ નવા નવા ભાવો સ્ફૂરવા લાગ્યા. તેમણે આત્માની અનંત ઉન્નતિના માર્ગમાં યાત્રા કરવા માંડી. હવે ઈશ્વરની સાથે પરાભક્તિથી (પરમ અનુરક્તિપૂર્વક) વારંવાર જોડાયા કરવું અને દીનદુઃખીઓની સેવા કરવી, એ સિવાય બીજી કોઈ આકાંક્ષા તેમના મનમાં રહી નહિ.

આ મહાન સાધ્વીની આવી ઉન્નત આધ્યાત્મિક અવસ્થાના સંબંધમાં ‘કુમારી કેથેરિન’ ગ્રંથનો લેખક લખે છે કે :–

“પુણ્યના પ્રકાશથી કેથેરિનનું આખું જીવન ઉજ્જ્વલ થયું હતું. શાન્તિ અને આનંદામૃત તેમના હૃદયમાં નિત્ય વિદ્યમાન રહેતાં. કેથેરિનના ભાવ અને રૂપમાં પણ અંતર પડી ગયું હતું. સ્વર્ગીય વિમલ જ્યોતિવડે તેમનાં ચક્ષુ રાતદિવસ પ્રભુનાં દર્શન કરતાં. તેમને સમાધિ થવા લાગી. ઈશ્વરદર્શનથી તથા પ્રભુના નામશ્રવણથી પણ એમનું મન એટલું બધુ તલ્લીન થઈ જતું કે તેમને બહારનું ભાન મુદ્દલ રહેતું નહિ, અને શરીર જરા પણ હાલ્યા ચાલ્યા વિના મડદા જેવું સ્થિર થઈ રહેતું – તેમનો આત્મા શ્રીહરિના પ્રેમાસ્પદ સ્વરૂપમાં હરાઈ જતો – ડૂબી જતો – તદ્‌રૂપ થઇ રહેતો – તન્મય બની જતો.

પરંતુ આ તપસ્વિની નારીનું શરીર યુવાવસ્થામાંજ લથડી ગયું. તેમણે પરલોકયાત્રાને માટે તૈયારી કરવા માંડી. આખરે ઈ. સ. ૧૩૮૦ ની ૨૯ મી એપ્રિલનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે કેથેરિને પોતાની પાસે બેઠેલાં સ્ત્રીપુરુષ પાસે એકે એકે વિદાય માગી. ત્યારપછી એમના કંઠમાંથી ફક્ત એકજ વાક્ય નીકળ્યું કે, “.... હે પ્રભો ! તમારા હાથમાં મારો આત્મા સમર્પણ કરું છું.”

કેથેરિનનું એ છેલ્લું વાક્ય હતું, એ વચન બોલવા સાથેજ તેમણે દેહત્યાગ કર્યો. એમના આત્માએ પ્રભુના અલૌકિક ધામમાં પ્રયાણ કર્યું. એ સમયે તપસ્વિનીનું વય કેવળ તેત્રીસ વર્ષનું હતું.

કેથેરિનના મૃત્યુ પછી ઈ. સ. ૧૪૬૧ માં રોમના પોપે તેમને ‘સેઈન્ટ’ (સાધ્વી) ગણવાનું એક જાહેરનામું બહાર પાડ્યું. તેમના જીવનના સંબંધમાં પાદરી બટલર લખે છે કે :– “તેમણે જગદીશ્વર તરફથી કેવો ઉંડો આનંદ અને આશ્ચર્યકારક કૃપા પ્રાપ્ત કર્યા હતાં ! ઈશ્વરે તેમનાદ્વારા કેવાં અસામાન્ય અને વિચિત્ર કાર્યો કરાવ્યાં ! એ આપણે સારૂ તેમના જીવનનો ઉત્તમ આદર્શ મૂકતાં ગયાં છે અને તે ઉપરાંત મૂકી ગયાં છે – છ પ્રબંધ, કુમારી મેરીસંબંધી એક ઉપદેશ અને ચોસઠ પત્ર કે જે તેમની પ્રતિભાના નમુનારૂપ છે.”