મહાન સાધ્વીઓ/સાધ્વી ટેરેસા
← સાધ્વી કેથેરિન | મહાન સાધ્વીઓ સાધ્વી ટેરેસા શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી ગેયાઁ → |
साध्वी टेरेसा
૧ – બાલ્યાવસ્થા
સ્પેનનિવાસી સાધ્વી ટેરેસા ધર્મપરાયણ અને મહાન સાધ્વી હતાં. એક શક્તિશાળી ધાર્મિક પુરુષમાં જેટલા સદ્ગુણો હોય છે તે બધા સદ્ગુણો ટેરેસાના જીવનમાં જણાયા છે. તેમની ઉજ્જ્વલ પ્રતિભા, તીક્ષ્ણ બુદ્ધિ, ઉંડો ધર્મવિશ્વાસ, કામ કરવાની અસાધારણ શક્તિ, મનુષ્યના હદય ઉપર પ્રભાવ પાડવાની અસાધારણ યોગ્યતા, વિપત્તિમાં ધૈર્ય, સંગ્રામમાં સાહસ એ બધા એમના ગુણો યાદ કરવાથી આપણને આપોઆપજ એ મહાન સાધ્વી માટે માન ઉત્પન્ન થાય છે. આ સંસારમાં અનેક વાર એવું જણાય છે કે, જેઓ ઈશ્વરને પ્રિય થવા ઈચ્છે તેઓ મનુષ્યોમાં પ્રિય થતાં નથી; જે લોકો માનવજાતિનું કલ્યાણ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેમનેજ મનુષ્ય પોતાના શત્રુ ગણીને દુઃખ દેવા માગે છે. સેન્ટ ટેરેસાએ સ્વદેશમાં ધર્મની ગ્લાનિ થતી જોઇને એ ધર્મને પવિત્ર અને ઉન્નત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એને લીધે એમને જીવનના આરંભમાં ઘોર સંગ્રામમાં ઉતરી અત્યંત જુલમ સહન કરવો પડ્યો હતો પરંતુ પાછલી વયમાં એ દેશના રાજા, પ્રજા, વિદ્વાન તથા મૂર્ખ સર્વ પ્રકારના લોકોની ભક્તિને પાત્ર તેઓ બન્યાં હતાં. એટલે સુધી કે તેઓ એ સન્નારીને મૂર્તિમતી દેવી ગણવા લાગ્યા હતા. ટેરેસાના મૃત્યુ પછી ઇ. સ. ૧૬૧૪ માં તેમનું ‘વિટિફીકેશન’ થયું – અર્થાત્ રોમના પોપે તેમને “સ્વર્ગસુખનાં અધિકારી” ગણીને જાહેરનામું બહાર પાડ્યું. એ સમયે સ્પેન દેશમાં એવો મોટો ઉત્સવ થતો હતો કે, અનેક રાજાઓના રાજ્યાભિષેક પ્રસંગે પણ એવો ઠાઠ ભાગ્યે થતો હશે.
આવાં એક પુણ્યશીલા સાધ્વીનું જીવનચરિત્ર લખવું એ પણ સૈભાગ્યની વાત છે; પરંતુ અમને એ બાબતનો વિચાર કરતાંજ સંકોચ આવે છે કે, અમે આ ક્ષુદ્ર લેખમાં એ તપસ્વિનીના જીવનચરિત્રને યથાયોગ્ય સુંદરરૂપે વર્ણવી શકીશું નહિ. એમના વિસ્તૃત જીવનચરિત્રના પુસ્તકમાંની બધી વાત અમે આ ગ્રંથનાં થોડાંક પાનાંઓમાં કેવી રીતે સમાવી શકીએ ? માટે આ લેખમાં સાધ્વી ટેરેસાનાં કાર્યોને સંક્ષેપમાં ઉલ્લેખ કરીને તેમના ધર્મજીવનની કથા જરા ખુલાસાથી લખવા યત્ન કરીશુ.
ટેરેસાએ ઈ. સ. ૧૫૧૫ માં માર્ચ માસની ૨૮ મી તારીખે સૂર્યોદયસમયે સ્પેન દેશના એવિલા નગરમાં જન્મ લીધો હતો. ટેરેસા શબ્દનો અર્થ ‘આશ્ચર્યજનક’ થાય છે. ટેરેસાનો પિતા ડી. સેપેડા એક પ્રદેશના રાજવંશમાં જન્મ્યો હતો. એમનાં માતાનું નામ બિયાટ્રિસ હતું. એ પરમ સુંદર અને ધાર્મિક સ્ત્રી હતાં. ટેરેસાના પિતૃકુળ તથા મોસાળમાં અનેક વીરપુરુષો થઇ ગયા હતા. એમના પિતા યુદ્ધને ગૌરવનો વિષય ગણતા હતા, એટલે સુધી કે ટેરેસાના સ્વભાવમાં પણ યુદ્ધ કરવાનો ભાવ રહેલો હતો. રણભૂમિમાં યુદ્ધ કરવાનો પ્રસંગ તેમને નહિ આવ્યો હોય, પરંતુ જીવનમાં ધર્મસંગ્રામ આવતાં તેઓ સાહસી સૈનિકની પેઠે એ યુદ્ધમાં ઝંપલાવતાં અને જય મેળવતાં. ટેરેસાએ કાર્મેલાઈટ ધર્મસંપ્રદાયમાં સુધારો કરવા જતાં પોતાના પ્રતિપક્ષીઓ સાથે જે સંગ્રામ કર્યો હતો, તે તેમના પૂર્વજોએ મૂર લોકો સાથે કરેલા યુદ્ધને અનુરૂપજ હતો. પરંતુ એ બંને યુદ્ધમાં ભેદ એ હતો કે, એમણે મનુષ્યના રક્તથી પૃથ્વીને રંગ્યા વગરજ સ્વદેશનું પુષ્કળ કલ્યાણ કર્યું હતું.
ટેરેસાને સાત ભાઈ અને બે બહેન હતાં. એમના પિતા અતિશય તેજસ્વી અને સદાચારી પુરુષ હતા. તેમના પિતાવિષે ટેરેસાએ જાતે લખ્યું છે કે “મારા પિતાજીનો સ્વભાવ ઘણોજ દૃઢ હતો; છતાં તે લાગણીવાળા અને દયાળું પણ બહુ હતા. એમના પુસ્તકાલયમાં ધર્મસંબંધી ગ્રંથો પુષ્કળ હતા. એ બધાં પુસ્તકો વાંચવાને પિતા અમને ઉત્સાહ આપતા. એમની ઉદારતા પણ વધારે હતી. નોકરચાકરો ઉપર એ અતિશય સ્નેહ રાખતા. એમણે પિતાના ભાઇના નોકરને પેટના છોકરાની પેઠે ઉછેરીને મોટો કર્યો હતો. મારા પિતા કદાપિ કોઇની સ્વતંત્રતામાં હાથ ઘાલતા નહિ. કોઈની નિંદા તથા વાતવાતમાં સોગન ખાવા, એ બે વાતો એમને અસહ્ય થઈ પડતી.”
ટેરેસાએ આ ટુંકા વર્ણનથી પોતાના પિતાના જીવનની એક સુંદર છબી ચીતરી દીધી છે. પિતા પ્રત્યે તેમની અત્યંત ભક્તિ હતી, એ વાત તેમનું લખેલું આ વર્ણન વાંચવાથી સમજી શકાય છે. ટેરેસાએ પેાતાની માતાના ધર્મવિશ્વાસ તથા વૈરાગ્યસબંધી પણ સંક્ષેપમાં ઘણું સારું વર્ણન લખી રાખ્યું છે. ધર્મ ઉપર એમનો સ્વાભાવિક અનુરાગ હતો. એવાં ધર્મશીલ માતાપિતાની કન્યા ઘણી સારી નીવડે એમાં કહેવું જ શુ ?
ટેરેસા પોતાની માતા જેવાં ઘણાંજ સુંદર અને સુશીલ હતાં. એમનો ચહેરો સહેજ લાંબો હતો, છતાં એમનાં બધાં અંગ પ્રત્યંગ વચ્ચે એક પ્રકારનું સુંદર સામ્ય દીઠામાં આવતું. વિશાળ અને ઉજ્જવલ લલાટ, દીર્ઘ સુંદર ભવાં, સુકુમાર ગંડસ્થળ, તેજસ્વી નયન, સુંદર દાંત, સુકોમળ હાથ એ સર્વને લીધે એમના આખા અંગમાં અપૂર્વ લાવણ્ય ખીલી રહેતું હતું. એમના મસ્તક ઉપર કાળા ગુંચળાદાર કેશ શોભી રહ્યા હતા અને એ ગુચ્છા જ્યારે કપાળ ઉપર આવતા ત્યારે તે ઘણાં જ સુંદર દેખાતાં. એમનાં નયનમાં અને હોઠમાં મધુરું હાસ્ય છવાઈ રહેતુ અને એમની પ્રસન્નમૂર્તિ જોતાંજ લોકોના મનમાં આનંદ થતો.
અમે જે સમયની વાત કરી રહ્યા છીએ તે સમયમાં સ્પેનદેશમાં છેકરીઓ બહુ થોડું ભણતી હતી. ઘરકામ અને રાંધવું સીધવું એજ તેમનું મુખ્ય કામ હતું. એવા રિવાજને લીધે પ્રતિભાશાળી ટેરેસાને પણ બાલ્યાવસ્થામાં માત્ર સાધારણ જ્ઞાન આપવામાં આવ્યું હતું, પરંતુ જ્ઞાન મેળવવાની ઇચ્છા એ વચથીજ એમનામાં સ્વાભાવિક રીતે રહેલી હોવાથી પિતાના પુસ્તકાલયમાં બેસીને પુષ્કળ ગ્રન્થો વાંચતાં. એ ગ્રંથમાંથી સાધુપુરુષો અને સાધ્વી સ્ત્રીઓનાં જીવનચરિત્રો તરફ તેમનું હદય વિશેષ આકર્ષાયું હતું. રાતદિવસ ધાર્મિક અને સંસારત્યાગી મનુષ્યોનાં જીવનચરિત્રો વાંચ્યાથી ઘણી નાની વયમાં જ તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો હતો. બાલ્યાવસ્થામાં તેઓ પોતાની સાહેલીઓ સાથે એક બગીચામાં રમવા સારૂ જતાં. ત્યાં આગળ સંન્યાસિનીનો વેશ ધારણ કરીને રમવામાં એમને બહુ ગમ્મત પડતી. નાના નાના પથરાઓ વીણી લાવીને એ સંન્યાસિનીના મઠ બાંધતાં.
આત્મચરિત્રમાં ટેરેસાએ પાતાની બાલ્યાવસ્થાનું' વર્ણન નીચે મુજબ આપ્યું છે:-“ મને બચપણમાં માતપિતા તરફથી હાથખર્ચ સારૂ થોડાક પૈસા મળતા. એ પૈસા બહુ થોડા હોવા છતાં પણ હું તે ગરીબ લોકોને આપી દેતી. ઘણી વાર એકાંતમાં બેસીને પ્રાર્થના કરવાનું મને ઘણું ગમતું. નાનપણમાં હું માતપિતાના કહ્યામાં રહેતી. તેઓ કોઈ પણ કામ કરવાનું બતાવે તો પછી એ કામ મારાથી નહિ થાય એવા શબ્દ કદી મારા મોંમાંથી નીકળતા નહિ. કોઈ પણ દિવસ પરાઈ નિંદા કરી હોય અથવા તો કોઈ મનુષ્યને તિરસ્કારની નજરે દીઠો હોય એવું તો મને સાંભરતું પણ નથી. હિંસા અને ઈર્ષાને પોષીને કેાઈ પણ દિવસ મારા મનને ઝેરી બનાવ્યું નથી.”
ટેરેસા અને તેમના મોટા ભાઈએ તરુણ વયમાંજ સારી કીર્તિ મેળવી હતી. બન્ને ભાઇબહેન રાતદિવસ સાધુઓનાં જીવનચરિત્રો વાંચ્યા કરતાં. એ સાધુઓમાં ઘણા એવા હતા કે જેમણે ઈશ્વરના કાર્યમાં પોતાના જીવનને સમર્પણ કર્યા હતાં. એ પુસ્તકો વાંચીને ભાઈબહેને પણ એ જ સંકલ્પ કર્યો હતો કે, આપણે પણ સાધુઓની પેઠે આપણું જીવન ધર્મકાર્યમાં અર્પણ કરીશું સંક૯પ કર્યો એટલુંજ નહિ પણ ઈશ્વરના કાર્યમાં જીવનને જલદીથી પરોવવાનું તથા ધર્મને ખાતર પ્રાણ આપવાનું બન્ને ભાઈબહેનને આવશ્યક જણાયું. પરંતુ જીવનને પ્રભુની ખાતર વિસર્જન કરવાનો ઉપાય શો ? તે ઉપાય શોધવામાં પણ વધારે વિલંબ થયો નહિ. તેમણે સારી પેઠે વિચાર કરીને નકકી કર્યું કે, આપણે બન્ને સંન્યાસ ગ્રહણ કરીને મૂર લોકોના દેશમાં જઈશું અને ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાથી મુસલમાન મૂર લેાકો ગુસ્સે થઈને આપણ બેઉનો વધ કરશે. એથી સાધુઓની પેઠે આપણો પણ ધર્મને ખાતર પ્રાણ જશે. એ બન્ને જણના મગજમાં આ ખ્યાલ ઘુસી જવાથી તેઓ કોઈને કંઈ કહ્યા કારવ્યા વગર મૂર લોકોના દેશ તરફ મુસાફરીએ નીકળી પડયાં. થોડે દૂર જઇને બન્ને જણ સ્પેન દેશના એક વિજયતલ આગળ બેસીને વિસામો ખાવા લાગ્યાં. માણસના મનમાં જે બાબતનો ભય હોય છે તેજ વાત પહેલી બને છે. ટેરેસા અને તેમના ભાઈ મૂર લોકોના દેશમાં જઈને ખ્રિસ્તીધર્મના પ્રચાર કરવાનાં સ્વ્પનાં દેખી રહ્યાં હતાં, તેવામાં એક નવી વિપત્તિ આવી પડી. એમના કાકા ઘોડે બેસીને જતા હતા તે એમની સન્મુખ આવીને ઉભા. બ્ન્નેનો પોશાક તથા હાવભાવ જોતાં વારજ એ સમજી ગયા કે આ લોકોના મનમાં કાંઇ ધૂન ભરાઈ છે અને તેઓ કાંઈ અવનવું કરવા સારૂ ક્યાંક જઈ રહ્યાં છે. તેમણે એમને ખુલાસો પૂછ્યો, એટલે ટેરેસાએ અંતઃકરણ ખાલીને બધી વાત કાકાની આગળ કહી દીધી. એમના કાકા ઘણા જબરા માણસ હતા. એ બંને જણને બળપૂર્વક ૫કડીને ઘેર પાછાં લઈ ગયા. બન્ને બાલક-બાલિકાથી ધર્મને ખાતર પ્રાણ આપવાનું પણ બન્યું નહિ, તેમ સાધુ પણ થવાયું નહિ; પરંતુ આ બનાવ ઉપરથી એટલું તો સમજાય છે કે, ટેરેસાના મનનું વલણ નાનપણથીજ કયી દિશામાં હતું.
ટેરેસાની ઉંમર બાર વર્ષની હતી તે સમયમાં એમનાં સ્નેહાળ માતાનું મૃત્યુ થયું. ઘરના બધા વહિવટ હવે એમની મોટી બહેનના હાથમાં આવ્યો; પરંતુ એ પરણવાની ચિંતામાં હતી. થોડા સમયમાંજ કેાઇ સુપાત્ર વર મળી આવ્યાથી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી. આટલા દિવસ તો ટેરેસાના ઉપર માતા દેખરેખ રાખતી હતી; પણ હવે તેની ખબરઅંતર રાખનાર કેાઈ રહ્યું નહિ. પરિણામ એ આવ્યું કે, બાલ્યાવસ્થામાં સારા સંસ્કારમાં ઉછરેલી ટેરેસાને પણ કુસંગમાં પડીને ઘણી દુર્ગતિ ભોગવવી પડી. પુત્રી આડે રસ્તે ન ચઢે એ વિષે એમના પિતા બહુ કાળજી રાખતા હતા, પરંતુ એમની એક બીજી ચંચળ, વિલાસી અને ધર્મહીન સગી ટેરેસાના ઉપર ઘણું હેત દેખાડતી હતી. ખરાબ પ્રકૃતિની સ્ત્રી ગમે તેટલી નિકટની સગી હોય તો પણ તેના સહવાસથી નિર્દોષ બાલિકા ઉપર કેવી ખરાબ અસર થાય છે, તે બાબત તરફ ટેરેસાના પિતાનું લક્ષ્ય ગયું નહિ. પરિણામ એ આવ્યું કે, એ સ્ત્રીએ ધીમે ધીમે ટેરેસાના સરળ મનમાં ઝેર રેડવા માંડયું. સંસારના જે અધમાધમ ભાવ આજસુધી બિચારી ટેરેસાની કલ્પનામાં પણ આવી શક્યા નહોતા, તે બધા વિષય તરફ પેલી ધર્મહીન નારીએ તેનું ધ્યાન ખેંચ્યું.
હવે ટેરેસા કાંઈ બાલિકા રહી નહોતી. એ તરુણ સ્ત્રીમાં ગણાવા લાયક બની હતી. પરંતુ કુસંગને લીધે તેના હૃદયની સુંદર કળીઓ ખીલતાં પહેલાંજ કરમાઈ ગઈ, તેની આધ્યાત્મિક જ્યોતિ ઝાંખી પડવા લાગી. 'હું રૂપાળી સ્ત્રી છું, ગમે તે પુરુષને પ્યાર સહજમાં મેળવી શકું એવી છું' એ વાત તેના હૃદયમાં પેસી ગયેલી તે કદી ખસતી નહિ. આજ દિનસુધી એ ધાર્મિક સ્ત્રીપુરુષનાં ચરિત્ર વાંચતી તેને બદલે હવે આડીઅવળી લૌકિક વાસનાઓ વધારનારી ચોપડીઓ વાંચવા લાગી. તેની જે દષ્ટિ અત્યારસુધી ઉંચે ઈશ્વરની તરફ હતી, તે હવે નીચે પૃથ્વીનાં મનુષ્યોના ઉપર પડવા લાગી. પોતાના જીવનમાં થયેલા આ ફેરફારવિષે ટેરેસાએ પોતે લખ્યું છે કેઃ “એ વખતમાં હું ઘણાં સારાં કપડાં પહેરવા લાગી. લોકો મને જોઈને ઘણા ખુશ થાય એજ મારા મનનો અભિલાષ હતો. વાળ ઓળવામાં તથા એ સંબંધી બીજી ટાપટીપ કરવામાં હું બહુંજ કાળજી રાખતી અને શરીરે ઉંચા પ્રકારનું અત્તર ચોળતી. એ સમયમાં ઠાઠમાઠ કરવાનીજ ઇરછી પ્રબળ થઇ પડી હતી."
પેાતાના આત્મચરિત્રમાં અન્ય સ્થાને ટેરેસા લખે છે કેઃ-
"એ સ્ત્રીની સાથે બહેનપણાં બાંધવાથી મારામાં ખૂબ ફેરફાર થયો. આત્માનો ધર્મભાવ નાશ પામવા લાગ્યો. એ સ્ત્રી તથા એક બીજા માણસે મારા હૃદય ઉપર એમનાં ચરિત્રની છાપ પાડી. એને માટે હું બીજાના દોષ શા સારૂ કાઢું ? વાંક તો મારોજ હતો. એમ છતાં પણ પાપ ઉપર મને અતિશય તિરસ્કાર હતો. એને લીધે મનમાં કેાઈ કોઈ વાર પાપની કંપારી છૂટવા ઉપરાંત બીજા કેાઈ મલિન વિચારો મારા હૃદય ઉપર અધિકાર જમાવી શક્યા નહોતા. * * જે યુવક પ્રત્યે મારો પ્રેમ બંધાયો હતો તેની સાથે લગ્ન કરવાથી કાંઈ ભયંકર અપરાધ થાય એમ નહોતું. ધર્માચાર્ય આગળ મારા જીવનની એ બધી વાત હૈયું ખોલીને કહી હતી. તેમણે કહ્યું હતું કે, એમાં ઈશ્વરાજ્ઞા વિરુદ્ધ કોઈ અયોગ્ય કાર્ય મેં કર્યું નથી. ”
મનસ્વી ટેરેસા એ હૃદય સાથે સંગ્રામ કરીને લગ્નની અભિલાષા પણ મનમાંથી કાઢી નાખી. થોડા સમય સુધી એક ધર્મહીન યુવક તરફ તેનું જે મન ઝૂકયું હતું, તે મનને ત્યાંથી હઠાવી લઈને હવે તેણે વિવેકને તાબે કર્યું. પરંતુ એ સમયે પણ બાલ્યાવસ્થાનાં સરળ વિશ્વાસ, ભક્તિ તથા વૈરાગ્ય તેમના હૃદયમાં પાછાં આવ્યાં હતાં કે નહિ એમાં સદેહ છે. ટેરેસાના પિતાએ કન્યાને હવે ઘેર રાખવી એ ઠીક ગણ્યું નહિ. કારણ કે એની મોટી બહેનનું લગ્ન થઈ ગયું હતું, અને ઘર આગળ તેની દેખરેખ રાખનાર કેાઈ સ્ત્રી હતી નહિં. એવી અવસ્થામાં ઉંમરલાયક છોકરીને ઘર આગળ કેવી રીતે રાખે ? તેના ઉપર દેખરેખ કોની રહે? એ બધા વિચારોથી લાચાર બનીને તેમણે કન્યાને સંન્યાસિનીઓના મઠમાં અર્થાત્ કોન્વેન્ટમાં મોકલી આપી. એ વખતે ઘણી કન્યાઓ મઠમાં રહીને શિક્ષણ મેળવતી હતી.
ટેરેસાએ દોઢ વર્ષ સુધી મઠમાં વાસ કર્યો. ત્યારપછી તેમને કોઇક વ્યાધિ થઈ આવવાથી તેમના પિતા તેમને ઘેર તેડી લાવ્યા; પરંતુ ઘર આગળ પણ તેમની સેવા-ચાકરી કરનાર કોણ હતુ ? એટલે ટેરેસા પોતાની તબિયત સુધારા ઉપર આવતાં બહેનને ઘેર ગયાં. એ જગ્યાનાં હવાપાણી ઘણાં સારાં હતાં. ત્યાં જતી વખતે રસ્તામાં નિર્મળ વાયુનું સેવન કરવાથી તેમના શરીરમાં સુધારો થવા માંડશે. એ ઉપરાંત એમના સ્વભાવમાં કવિત્વ અને સૌંદર્યપ્રેમ પુષ્કળ હતાં. રસ્તાની બંને બાજુનાં આકાશભેદી ગિરિશિખર, વૃક્ષલતા, વિશાળ અરણ્ય તથા નદીનાળાં અને રસ્તા ઉપર ઉગેલાં પાઈનનાં સુંદર વૃક્ષો જોઈને એ પુષ્કળ આનંદ અનુભવવા લાગ્યાં.
બહેનને ઘેર જતાં રસ્તામાં ટેરેસાના એક કાકાનું ઘર આવતુ હતું. એ એક પ્રતિષ્ઠિત જમીનદાર હતા. એમની પાસે પુષ્કળ સંપત્તિ હતી. રહેવાને મોટી હવેલી, ગાડીઘોડા, દાસદાસી વગેરે પુષ્કળ સાહેબી હતી. પરંતુ એટલો બધો વૈભવ હોવા છતાં પણ એ બહારથી ધનવાન અને અંદરખાનેથી ખરા સંન્યાસી હતા. સંસારના ધનવૈભવ, માણસોનો કોલાહલ એ બધું તેમને જરા પણ પસંદ ન હતું. એમનું ચિત્ત ક્ષણસ્થાયી સંસારથી અતીત એવા અવિનાશી પરમાત્મા તરફ જવા માટે ઉન્મત્ત થઈ રહ્યું હતું. એમને કોઈ મળવા જતું તે તેની આગળ ફકત એકજ વાત કહેતા કે "આ સંસાર બે દહાડાનો છે. બે દહાડા પછી બધું છોડી દઈને જવું પડશે. સંસારની ખટપટમાં રાતદિવસ પડયા રહેવું એ તો અત્યંત મૂર્ખ માણસનું કામ છે.”
ટેરેસાના એ ધર્મનિષ્ઠ કાકા ભત્રીજીને જોઈને ઘણાજ પ્રસન્ન થયા. તેમણે ટેરેસાને કહ્યું કે “ બેટા ! તુ જેટલા દિવસ અહીંઆ રહીશ તેટલા દિવસ તારા મધુર સ્વરથી મને એક ગ્રંથ વાંચી સંભળાવવો પડશે. ?"
એ ધર્મગ્રંથના સંબંધમાં ટેરેસાએ જે કાંઈ લખ્યું છે, તેનો સાર આ પ્રમાણે છે:-“ હું કાકાજીને ઉંચે સ્વરે ધર્મના ગ્રંથો વાંચી સંભળાવતી. એમની પાસે હું ઘણા થોડા દિવસ રહી હતી; પરંતુ એ ગ્રંથોમાં કેવીક જાદુઈ અસર હતી તે કોણ કહી શકશે ? એ શક્તિએ મને ખબર પડવા દીધા વગર ગુપ્ત રીતેજ મારા અંતઃકરણમાં પ્રવેશ કર્યો; અને હૃદયમાંના અંધકાર કાઢી નાખી જીવનમાં જે ચંચળતા હતી તે જતી રહીને બચપણનો ઉંચા પ્રકારના ધર્મભાવ્ પાછો હદયમાં જાગ્રત થવા લાગ્યો. મારા મનમાં ઠસી ગયું કે, કાકાજી જે કહે છે તે સાચું જ છે. ખરેખર જગત મિથ્યા છે, આ જગતનું સુખદુઃખ બધું ક્ષણિક છે. મને ઘણોજ ભય થવા લાગ્યો. હાય ! આજ ઘડીએ જો મારૂં મરણ થાય તો મારે અવશ્ય નરકમાંજ જવું પડે. જોકે મારી વાસના મને સંન્યાસિની થતાં રોકે છે, તોપણ હવે એ પણ સમજી શકું છું કે, મારૂં શ્રેય એજ માર્ગમાં રહેલું છે.”
ટેરેસા કાકાની પાસેથી વિદાય માગીને બહેનને ઘેર ગયાં. ત્યાં એમના મન અને શરીર બન્નેને ફાયદો જણાયો અને એ પોતાના ભવિષ્ય વિષે અત્યંત ચિંતા કરવા લાગ્યાં. ટેરેસાએ વિચાર્યુ કે, સંસારનું સુખ મનુષ્યને કદી પણ તૃપ્ત કરી શકે નહિ. ઈશ્વરને પ્રાપ્ત કર્યાથીજ સર્વ વિકાર અને પા૫ દૂર થઇને ખરી શક્તિ મેળવી શકાય છે. માટે ઈશ્વરપ્રાપ્તિને સારૂ સન્યાસિની થવાની જરૂર છે.
ટેરેસાએ લાગલાગટ ત્રણ માસ સુધી નાના પ્રકારની ચિંતાઓ કરી. તેમના મનમાં ઘોર સંગ્રામ જાગ્યો. એ વિચારવા લાગ્યા કે “શું હું વાસના ઉપર સંપૂર્ણ વિજય મેળવી શકીશ? શું હું ભોગવિલાસની લાલસાને દૂર કરીને ત્યાગના મંત્ર હૃદયમાં ઠસાવી શકીશ ? પિતાજીની આંખમાં આંસુ જોઈને મારું હૃદય ફરી નહિ જાય ?" એવા એવા હજારો વિચાર એમના હૃદયમાં આવવા લાગ્યા. પરંતુ એમણે એ બધી ચિંતાઓના ત્યાગ કરીને સંન્યાસિની થવાનોજ દઢ સંકલ્પ કર્યો. ટેરેસાને એ વખતસુધી ખબર નહોતી કે, સંન્યાસિની થઈને ઈશ્વરના કાર્યમાં સ્વાર્થ ત્યાગ-આત્મસમર્પણ કરવા અગાઉ પ્રથમ તો હૃદયને પ્રભુપ્રેમથી ઇશ્વરાનુરાગથી પૂર્ણ કરવાની જરૂર છે. કારણ કે સંન્યાસિની થતાં જ સર્વ સાંસારિક પ્રીતિ અને વાસનાઓ તથા કામનાઓને દૂર કરીને હૃદયને ખાલી કરવું પડે છે. પણ એવા ખાલી હૃદયે પણ માણસ કેટલા દિવસ ટકી શકે ? માટે એ હૃદયને પ્રભુ પ્રેમથી પૂર્ણ કરો; નહિ તો શુષ્કતા આવી જઈ લાગ મળતાં સાંસારિક વાસનાઓ અને કામનાઓ હૃદયદ્વારમાં જરૂર પ્રવેશ કરશે. હાય ! કેટલાં બધાં ત્યાગી અને લેખધારી મનુષ્યો એ વાસનાના ધકકા લાગવાથી આદર્શ ભ્રષ્ટ થઈને અધોગતિને પામ્યાં છે ! ! ! ટેરેસાના પ્રાણમાં એ વખતસુધી એવા પ્રકારની ઈશ્વરપ્રીતિ જોવામાં નહોતી આવી; પરંતુ કેવળ નરકના ભયથી અકળાઈ જઈને અને સંસારના ધનવૈભવથી તૃપ્તિ મળી શકે એમ નથી, એટલી જ સમજણથી એ સંન્યાસિની થવા ઇચ્છતાં હતાં.આ અધુરી સમજણને લીધે એક દિવસ એમને વાસનાની સાથે સંગ્રામ કરતાં કરતાં આંસુની ધારા વહેવરાવવી પડે અને પ્રભુને પુકારવો પડે એ સંભવિત હતું.
ટેરેસાએ સંન્યાસિની થવાના પોતાના સંક૯૫ પિતાને જણાવ્યો. હાય ! સ્નેહાળ પિતાના જીવને એથી જે સખ્ત ઘા લાગ્યો, તેની વેદના તેના અંતઃકરણ સિવાય કોઈ જાણી શક્યું નહિ. મા વગરની છોકરીને એમણે કેટલા યત્નથી મોટી કરી હતી ! આજ એ કન્યા સંસારસુખનો માર્ગ ત્યજી દઈ હમેશને સારૂ દુઃખને વરી રહી છે; એટલું જ નહિ પણ ટેરેસા ધર્મના જે ગિરિશિખર ઉપર ચઢવાને સારૂ યાત્રા કરવા માગે છે, તે ગિરિના માર્ગમાંથી પગ સરી પડવાની પણ આશંકા પુષ્કળ છે અને વળી એક વાર પગ લપસી ગયા પછી અધર્મની રસાતળ પુરીમાં પહોંચવાનો સંભવ છે; એ બધી બાબતોનો વિચાર કરીને પિતાએ એમને સંન્યાસના વિચારમાંથી પાછાં વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એમનો પ્રયત્ન જ્યારે વ્યર્થ ગયો, ત્યારે તેમણે કન્યાને કહ્યું કે :-
" હું તો હવે આ સંસારમાં થોડા દિવસનો મહેમાન છું; પરંતુ હું જ્યાંસુધી જીવું છું, ત્યાંસુધી તું મારું કહેવું માનીને સંન્યાસવ્રત્ લઈશ નહિ. મારું મૃત્યુ થયા પછી તારી મરજીમાં આવે તેમ કરજે. એ વખતે તને રોકનાર કેાઇ નહિ રહે"
બુદ્ધિમતી ટેરેસા પિતાજીના મનની વેદના સમજી શક્યાં; પરંતુ એ સમજ્યાનું ફળ શુ ? ઈશ્વરને પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સંન્યાસ ગ્રહણ કરવાનો તેમણે જે સંક૯૫ કર્યો હતો તેને તોડવાના ગંભીર અપરાધ તેમનાથી કેમ થાય ? ધર્મની સાથે એ પ્રમાણે નાના છોકરાની રમત જેવી ભાંજગડ કર્યાથી શું નરકનો રસ્તો તેમને માટે ખુલ્લો ન મૂકાય ? પિતાના કષ્ટના વિચાર કરતાં તેમને હાડોહાડ વેદના થવા લાગી, પરંતુ અધર્મ અને નરકના ભયથી તેમણે પોતાના સંકલ્પને દૃઢ રહેવા દીધો અને સંન્યાસિની થવા માટેની તૈયારીઓ કરવા માંડી.
ઇ. સ. ૧૫૩૩ નું વર્ષ હતું, નવેમ્બર માસ હતો. એ માસની બીજી તારીખ જાણે સ્વર્ગનો પ્રકાશ અને પવિત્રતા લઈને ટેરેસાની સન્મુખ આવી પહોંચી. એ પ્રકાશનો સ્પર્શ થતાંવારજ તેનું ચિત્તરૂપી કમળ ખીલી ઉઠયું અને તેના હૃદયનો તાર એક અવનવો સૂર વગાડવા લાગ્યો. આખરે ટેરેસાના અંતરમાં પવિત્રતા જાગી ઉઠી. પિતાના સ્નેહનું બંધન છોડી નાખીને-સંસારના સુખને લાત મારીને, સંન્યાસિની થવા સારૂ એ ઘરની બહાર નીકળી. એ વખતે ટેરેસાનું વય માત્ર અઢાર વર્ષનું હતું.
ટેરેસાએ પિતૃગૃહ છોડીને એક માઈલ દૂર એવિલા નગરમાં સંન્યાસિનીના મઠમાં પ્રવેશ કર્યો. પછી તેને સંન્યાસિની થવાનો દિવસ આવી પહોંચતાં તેમના સ્નેહાળ પિતા કન્યાને જોવા સારૂ ઉપાસના મંદિરમાં ગયા. હાય ! એક દિવસે જે સુકુમારી ટેરેસા સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને પેાતાના સૌંદર્ય માટે લોકોમાં વિસ્મય ઉત્પન્ન કરતી હતી, તેજ ટેરેસાના માથાના સુંદર વાળ આજે કાતરી નાખવામાં આવ્યા છે. અંગ ઉપર એક પણ દાગીનો નથી. પહેરવેશ સાદા સંન્યાસિનીના જેવું છે, પરંતુ એ અલંકારવગરની ટેરેસાની મૂર્તિમાં એક અપાર્થિવ જ્યોતિનું નિરીક્ષણ કરીને તેમના પિતા ચોંકી ઉઠયા. તેમના મનનું દુઃખ જરા શમી ગયું. જોતજોતામાં સંન્યાસવ્રતનો શુભ સંસ્કાર સમાપ્ત થઈ ગયેા અને પિતા ઉદાસ મને ઘેર પાછા ફર્યા.
ટેરેસાએ સંન્યાસિની થયા પછી પોતાની અસાધારણ શક્તિનો પ્રયોગ પોતાના હૃદય અને મન ઉપર કરવા માંડ્યો. દુર્જય પ્રતિજ્ઞાના બળે તેમણે એક વર્ષ સુધી આશ્રમના કઠેાર વ્રતનું પાલન કર્યું. પરંતુ કેવળ બહારના નિયમો પાળ્યાથી કાંઇ ધર્મની પ્રાપ્તિ થાય છે કે ઈશ્વર મળે છે ? એથી ટેરેસા એટલા દિવસ સુધી પોતાના હૃદયમાં ઈશ્વરનો આવિર્ભાવ અનુભવી શક્યાં નહિ. તેમનું ખાલી પડી ગયેલું મન માત્ર બાહ્યાચારવડે પ્રભુ પ્રેમથી ભરપૂર થયું નહિ, એ આશ્રમના બાંધેલા કાયદા પાળતાં હતાં, પરંતુ તેમનું શરીર એ બધુ કષ્ટ સહી શકયું નહિ. શરીર ભાંગી ગયું. વખતોવખત એમને મૂર્ચ્છા આવવા લાગી.
ઈ. સ. ૧૫૩૫ માં ટેરેસા દવા કરાવવા સારૂ પિતાને ઘેર જઈ રહ્યાં. પરંતુ દવાદારૂથી એમને આરામ જણાયો નહિ. ઈ. સ. ૧૫૩૭ માં એ પાછાં આશ્રમમાં ગયાં. પક્ષાઘાતના રોગને લીધે ત્રણ વર્ષ પથારીવશ રહેવું પડયું. મંદવાડના ખાટલામાં પડ્યાં. પડ્યાં એ હમેશાં ધર્મગ્રંથનો પાઠ કરતાં અને વ્યાકુળ ચિત્તે ઈશ્વરપ્રાર્થના કરતાં. ધર્માર્થી મુમુક્ષુજનને સારૂ તો ઉંડા આધ્યાત્મિક ભાવોથી ભરેલા ગ્રંથોનો પાઠ અને વ્યાકુળ ચિત્તે કરેલી પ્રાર્થના, એ એ બાબતો ઈશ્વર ઉપર વિશ્વાસ અને ભક્તિ જગાડવા અને ખીલવવાના સર્વોત્તમ ઉપાય છે. ટેરેસાએ એ પ્રમાણે કરતાં કરતાં જ ઈશ્વરને પરિચય મેળવ્યો , થોડા દિવસ સુધી તો તેમનું હૃદય વિશ્વાસ અને પ્રભુપ્રેમથી પૂર્ણ થઈ રહ્યું. ઈશ્વરના ઉપર પૂરો ભરોસો રાખીને તથા રોગની અવસ્થામાં પ્રેમસ્વરૂપ ભગવાનની પ્રીતિ મેળવીને તેમણે બધી શારીરિક વેદનાને હસતે મોંએ સહન કરી. આશ્રમવાસી બીજી સ્ત્રીઓ આ તરુણીનું ઈશ્વરવિશ્વાસનું બળ, વ્યાધિનું દુઃખ ખમવાની સહનશીલતા, પરનિંદા અને પરચર્ચા તરફ અણગમો ઈત્યાદિ દૈવી ગુણો જોઇને બહુ વિસ્મય પામી અને તેઓએ ટેરેસા પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ દર્શાવવા માંડચે. ટેરેસાએ લખ્યું છે કે “ હું આ સિદ્ધાંત કોઈ દિવસ વિસરી ગઈ નથી કે, મારા વિષયમાં કોઈ માણસ દ્વારા જે પ્રકારની વાત થયાથી મને નારાજી થતી હોય તેવા પ્રકારની વાત બીજા લોકેાના સંબંધમાં કરવી, એ જરાપણ વ્યાજબી નથી. જે લોકો મારી સાથે નિરંતર વાસ કરતાં, તેમના ઉપર મારા આ વિચારની અસર પડી છે અને જરૂર તેમણે પરનિંદાની ક્ષુદ્રતાનો ત્યાગ કર્યો છે. આશ્રમમાં બધાં એક વાત તો સમજી ગયાં છે કે, જે ઠેકાણે હું બેઠી હોઉં તે ઠેકાણે બીજું તો ભલે થાય, પણ પરનિંદા કદાપિ થઇ શકશે નહિ.”
ટેરેસાએ બીજે એક સ્થળે લખ્યુ છે કે “રોગથી પીડાતી વખતે મને ઈશ્વર તરફથી જે વિશ્રામ, સમજણ અને અનુભવ મળ્યાં છે તે પણ જે રોગની સાથે મારા અંતરમાંથી નીકળી જવાનાં હોય, તો તો હું સાજી થવાનું નહિ ઈચ્છતાં હમેશને માટે ખાટલેજ પડી રહેવા માગું છું. મેં જ્યારે જોયું કે, આ દુનિયાઈ દાકતરો પોતની ચિકિત્સાથી મને કાંઈ પણ આરામ કરી શકયા નહિ, ત્યારે મે સ્વર્ગીય ચિકીત્સક અર્થાત્ પરલોકવાસી સાધુ જોસેફના આત્માનું શરણ લીધું હતું; અને મારો વિશ્વાસ છે કે, એમનીજ કૃપાથી મે પક્ષાઘાત રોગમાંથી સંપૂર્ણ છુટકારો મેળવ્યેા હતો.”
સંન્યાસિની ટેરેસાએ રોગશય્યામાં જે ત્રણ વર્ષ ગાળ્યાં તેને તેમનામાં ધર્મજીવન જાગવાની પ્રાથમિક અવસ્થા કહી શકાય, ત્યારપછી તેમના જીવનમાં લાગેલગાટ આઠ વર્ષસુધી શ્રેય અને પ્રેમની વચ્ચે સંગ્રામ ચાલ્યો હતો. એ કાળને તેમના જીવનની બીજી અવસ્થા કહી શકાય.
ટેરેસા પક્ષાઘાતના રોગમાંથી બિલકુલ સાજાં થતાં શરીર સબળ થયું. મનમાં સ્ફ્રુર્તિ વધવા માંડી. થોડાક દિવસ તેમણે પુષ્કળ માનસિક સુખશાંતિમાં ગાળ્યા પછી એમના હૃદયમાં ધર્મભાવ ઝાંખો પડી ગયેા. લૌકિક લાલચોની કસોટીનો સમય આવી પહોંચ્યો. થોડા દિવસ તો જાણે સ્વપ્ન્ના આવેશમાં હોય તેવી રીતે ગયા. -
ભારતવર્ષના પ્રાચીન ઋષિ કહી ગયા છે કેઃ-
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गम पथस्तत् कवयो वदन्ति ॥
- અર્થાત્ પંડિત લોકો એ (સંન્યાસના) માર્ગને તીક્ષ્ણ ધારવાળા અસ્તરાની પેઠે દુર્ગમ કહી ગયા છે.
ઋષિના આ વચનમાં કેવું ગૂઢ સત્ય રહેલું છે ! ખરેખર સંન્યાસધર્મના માર્ગે ધાર કઢાવેલા અસ્તરાની પેઠે દુર્ગમ છે. એ માર્ગમાં ડગલે ને પગલે વિપત્તિનો સંભવ રહે છે. સંન્યાસિની ટેરેસા હજુ સુધી એ માર્ગનું અનુભવસિદ્ધ પૂરું જ્ઞાન મેળવી શક્યાં નહોતાં, તેથી એ ઘણાં બુદ્ધિમાન અને શક્તિશાળી હોવા છતાં પણ ચેતીને ચાલી શક્યાં નહિ. એ વખતમાં એવિલા નગરના આશ્રમના નિયમો પણ ઘણા શિથિલ થઈ ગયા હતા. ટેરેસાએ આશ્રમવાસિની સંન્યાસિની હોવા છતાં પણ બહારના લાકેા સાથે મળવા માંડયું. આશ્રમની પડોશમાં ઘણા સદગૃહસ્થો વાસ કરતા હતા. એમાંના ઘણાખરા સાથે ટેરેસાને કેાઈ ને કોઇ પ્રકારના કૌટુંબિક સબંધ હતા. એ સંબંધને લીધે એ લેાકો ટેરેસાને મળવા સારૂ મઠમાં આવતા. ટેરેસા પણ તેમને ઘેર જતી. એ લોકો સાથે ઘણી વાતચીત તથા ઠઠ્ઠા મશ્કરી પણ થતી. એ લેાકો ટેરેસાને ખબર ન પડે એવી રીતે તેના મનને જીવનના ઉરચ આદર્શથી ઘણે દૂર લઈ જવા લાગ્યા. એ સંસારી મનુષ્યોના સહવાસથી ટેરેસાના હૃદયમાં સુખની લાલસા પાછી પ્રબળ થઈ. સ્મરણચિંતનાદિથી ઇશ્વરના સહવાસમાં રહેવા કરતાં મનુષ્યોના સંસર્ગમાં તેને હવે વધારે આનંદ જણાવા માંડયો. જોતજોતામાં એવી સ્થિતિ આવી ગઇ કે પ્રભુના પ્રેમ કરતાં મનુષ્યચ્છ્વ પ્રેમ તેને અધિક ઇચ્છવા લાયક જણાયો. એ વિષે ટેરેસા એક ઠેકાણે લખે છે કે:-
“ હું પહેલાંની પેઠે હવે એકાંતમાં બેસીને ધ્યાન અને પ્રાર્થના કરી શકતી નહોતી; કારણ કે એ વખતે હું ઈશ્વરના કરતાં શયતાનની પાસે રહેવાને વધારે લાચક હતી. એવું છતાં પણ હું આશ્રમવાસિનીઓ સાથે બેસીને ઈશ્વરપ્રાર્થના કરતી; એ મારે માટે એક પ્રકારનું કપટ નહિ તો બીજું શું હતું? હવે તો મને એ બાબતનો વિચાર આવતાં પણ ઘણું દુઃખ થાય છે કે, મારા એ કપટને પણ લોકો તો ધર્મજ ગણતા હતા ! ! ”
ટેરેસાનું જીવનચરિત્ર લખનાર સન્નારી લખે છે કે “ એમનું એ સમયનું આત્મચરિત્ર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, ટેરેસા સંન્યાસિની અને કુમારીવ્રતધારિણી હોવા છતાં પણ કેાઈ પુરુષના પ્રેમથી આકર્ષાયાં હતાં; પણ એ વખતે એમની વિવેકબુદ્ધિએ ચેતવી દીધાથી એ ખૂબ સાવધાન થઈ ગયાં હતાં; અને લૌકિક પ્રેમનો તેમના હદય ઉપર અધિકાર જમાવવાની સગવડ મળી નહોતી. સંભવ છે કે, એમણે પોતાની પ્રબળ ઇચ્છાશક્તિનો ઉપયોગ કરીને એ માનવપ્રેમના અંકુરને ઉખાડીને ફેંકી દીધો હશે.” ટેરેસા પિતાના આત્મચરિત્રમાં એક સ્થળે લખે છે કે :-
" અનેક અન્યાયી કાર્યોમાંથી ઈશ્વરે પોતે હાથ પકડીને મને બચાવી છે. મારા કોઈ પણ કામને લીધે આશ્રમવાસિનીઓના પવિત્ર નામને કલંકિત કરવું તેને હું અતિશય અયોગ્ય કામ ગણતી હતી; છતાં ખરું જોતાં એ પણ મારે માટે કેવી આત્મપ્રતારણા જાતની સાથે છેતરપિંડી હતી ? મેં જે કાંઈ કર્યું હતું તેટલાથીજ શું આશ્રમની મર્યાદા સચવાઈ હતી ? હા, મારૂં પાપ તો હતું જ; પણ તે એવા પ્રકારનું નહોતું કે જેથી લોકો આશ્રમને તુચ્છકારી કાઢે.”
એ સમયમાં ટેરેસાના પિતા માંદા પડયા. પિતાની સેવાચાકરી કરવા સારૂ એ ઘેર પાછાં ગયાં. પિતાની પ્રત્યે તેમનો જે અતિશય પ્રેમ હતો તે જરા પણ ઝાંખો પડયો ન હતો એટલે જીવ દઇને એમણે પિતાની ચાકરી કરવા માંડી. પિતાની કેવળ સેવાથીજ તેમને સંતોષ થયો નહિ. તેમના રોગથી કંટાળી ગયેલા અંતઃકરણમાં પુત્રીએ ધર્મભાવની પણ સ્ફ્રુરણા કરી. ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને તેમના પિતા રોગની દારુણ વેદના શાંતચિત્તે અને વીલું મોં. કર્યા વગર સહન કરવા લાગ્યા, અને વખત આવ્યે ઇશ્વરના મંગળ નામનો જપ કરતા કરતા મૃત્યુને ભેટવા સમર્થ થયા.
ટેરેસાના મનમાંથી એક મોટી ચિંતા ઓછી થઈ, પરંતુ તેમના અંતરમાં સંગ્રામ તો એવો ને એવોજ ચાલવા લાગ્યો. ટેરેસામાં મનોબળ ઘણું હતું તેમજ તેમણે ઘણા મોટા માણસોને માનસિક શક્તિના પ્રયોગ કરીને વશ કર્યા હતા એ ખરું; પરંતુ એ પોતાના ચિત્તને વિવેકને આધીન કરી શક્યાં ન હતાં. હા, એટલું તો સ્વીકારવું પડશે કે, એ બાબતમાં પણ યત્ન કરવામાં ટેરેસાએ કસર રાખી ન હતી. વખતોવખત પ્રબળ ઇચ્છાશકિવડે તેઓ પોતાના હદયને ધર્મના ઉંચા શિખર ઉપર લઈ જતાં; ઈશ્વર પણ પોતાના શરણમાં તેમના હૃદયને સ્થાન આપતા અને તેથી એમના હૃદયમાં આનંદ પણ ઉભરાઈ જતો. પરંતુ એ પછીના ઉત્થાનકાળમાં તથા વિષયી લેાકના સહવાસમાં આ સંસારનાં લૌકિક સુખો વળી પાછાં મોહક મૂર્તિ ધારણ કરીને સેંકડો પ્રકારની લાલચોથી ટેરેસાના હદયને પોતાની તરફ ખેંચતાં. આથી પાછું એમનું હૃદય ધીમે ધીમે ઉંચા શિખરને બદલે નીચે પૃથ્વીની ધૂળમાં જઈ પડતું. ટેરેસાનું' જીવનચરિત્ર લખનાર લિઓ' નામના એક લેખક લખે છે કે "ટેરેસાના હૃદયમાં ઈશ્વરી અને શયતાની વિચારો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. શયતાન તેમને નાના પ્રકારના આમોદપ્રમોદ તરફ ખેંચતા; અને બીજી તરફ ટેરેસા જ્યારે ઉપાસના કરવા બેસતાં ત્યારે ઈશ્વર કરુણાનો વરસાદ વરસાવતા, તથા જાણે ટેરેસાને બતાવતા કે, શયતાન કરતાં મારી શક્તિ ઘણી વધારે છે. આખરે થયું પણ એમજ. પ્રભુપ્રેમનોજ વિજય થયો"
પ્રભુ પણ હવે કયાંસુધી પોતાની પુત્રીને સંગ્રામ અને પ્રલોભનમાં રાખી મૂકે? તેની કરુણાથી ટેરેસાના અંતઃકરણમાં નવી શક્તિ જાગી ઉઠી. તેમણે લૌકિક વાસના ઉપર જય મેળવ્યો. વાદળ દૂર થતાં પ્રકટતા પ્રકાશની પેઠે તેમના અંતરમાં આધ્યાત્મિક જ્યોતિ પ્રકાશી ઉઠી. ધર્મજીવનના શ્રેષ્ઠ આદર્શ પેાતાની સન્મુખ રાખીને એ જીવનમાર્ગમાં આગળ વધવા લાગ્યાં.
એ સમયથી ટેરેસા અનેક પ્રકારનાં આશ્ચર્યકારક દશ્ય જોવા લાગ્યાં. તેમણે જોયું કે, ભગવાન ખ્રિસ્ત પોતે જાણે તેમની પડખેજ બેઠા છે, અને મધુર સ્વરે વાતચીત કરી રહ્યા છે. એક દિવસ નહિ, બે દિવસ નહિ, પણ કેટલાએ દિવસસુધી ટેરેસાએ એવાં દૃશ્ય જોયાં હતાં કે જે વિચારતાં આશ્ચર્ય થાય છે. અલબત્ત એ બધી રહસ્યપૂર્ણ ઘટનાઓમાં શુ સત્ય સમાયેલું હતું તે અમે કહી શકતા નથી.
સાધ્વી ટેરેસાને ધર્મરાજ્યમાં પ્રવેશ કરવામાં ઘણી વાર ઠોકરો ખાવી પડી, પણ પાછાં તરત ઉઠીને ઉભાં થઈ જતાં. વળી પાછાં પડતાં અને ઉભાં થતાં. એમ કરતે કરતે એ હવે અતિશય સાવધાન થઈને ચાલતાં શીખ્યાં. હવે તેમની આત્મદૃષ્ટિ ઉઘડી ગઇ. પરમાત્મા સાથે આત્માનો યોગ સાધવા સારૂ તેમણે હવે સાધના કરવા માંડી. થોડાજ દિવસ પૂર્વે ટેરેસાને થોડાક ઉચ્ચકક્ષ સાધુઓનાં દર્શન-સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ સાચા સાધુઓનાં નિર્મળ ચરિત્ર, ઉંડો ધર્મવિશ્વાસ અને પવિત્ર પ્રભુપ્રેમ જોયો, ત્યારેજ ટેરેસા ધર્મજીવનનું ગૂઢ રહસ્ય સમજી શક્યાં હતાં. એ સાચા સાધુઓના સત્સંગ ઉપરાંત ચારિત્રરૂપી મૂગા અને અસરકારક ઉપદેશે તેમના અંતરમાં અસાધારણ તેજસ્વી ધર્મભાવ ઉત્પન્ન કર્યો હતો. ટેરેસા પોતે એ વિષે લખે છે કે:-
આ બે સાધુ પુરુષોમાંથી એકના સમાગમમાં આવતાંજ મારા હદયમાં એક આશ્ચર્યકારક આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન થઈ. મનમાં એમજ થવા લાગ્યું કે, મારાથી બની શકે નહિ એવુ આ જગતમાં કાંઈ પણ નથી.”
એ સમયથી ટેરેસાએ હઠયોગીઓની પેઠે દેહદમન કરવા માંડ્યું. એમની એ કઠોર સાધનાની વાત સંભારતાં પણ વિસ્મય ઉપજે છે. પોતાની પ્રકૃતિને જીતવાનો તેમણે સખ્ત યત્ન કર્યો. જાડા કપડાને એક ઝબ્બો બનાવ્ચે, કાંટાના બિછાના ઉપર સૂવા માંડયુ. એથી એમના સુકુમાર શરીરમાં ઉઝરડા થઇ લેાહી નીકળવા માંડયું. એમણે ઘણોજ થોડો આહાર કરવા માંડ્યો, મદ્યપાનને તે હવે એ સ્પર્શ પણ કરતાં નહિ. ઘેાડાઓને ઓઢાડવા માટે જે જાડી હલકા પ્રકારની ધાબળી વાપરવામાં આવે છે એવી ધાબળીનો એક ઝબ્બો એ પહેરતાં. એ ધર્મશીલા સાધ્વીનું અંત:કરણ સાધનાની ઉત્તમ અવસ્થાએ પહોંચવા સારૂ કેટલું વ્યાકુળ હતું, તે તેમના દેહદમનથી સમજાશે.
એ ઉપાયો દ્વારા ટેરેસાએ પ્રકૃતિના ઉપર જય મેળ્વ્યો . તેમના અંતરમાંના સંગ્રામ ઓછો થઈ ગયો. હવે એ પાતાના જીવનને એ આપત્તિમાંથી છૂટેલુ ગણવા લાગ્યાં. હવે એમને ખસી પડવાનો સંભવ રહ્યો નહિ. એમનું ચરિત્ર લખનાર સન્નારીએ ટેરેસાના જીવનની એ અવસ્થાને ધર્મજીવનનું પહેલું પગથીઉ ગણ્યું છે.
ત્યારપછી એ સાધક સન્નારીએ ધર્મસાધનાના બીજા પગથીઆ ઉપર ચઢવાનો યત્ન કરવા માંડ્યો. એ સમયની અવસ્થા વિષે તેઓ પોતે લખે છેઃ “ઈશ્વરેચ્છા અને ઈશ્વરાજ્ઞા પ્રમાણે વર્તી શકાય એટલા સારૂ મેં ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કર્યું. એ ઉપરાંત વિદેહમુક્ત સાધુ પુરુષો પાસે હુ શક્તિની ભિક્ષા માગવા લાગી કે, એમની સહાયતાથી હું ઈશ્વરનું ખરું તત્ત્વ પામી શકું. મારાં બે વર્ષ તે માત્ર એવી પ્રાર્થનામાંજ નીકળી ગયાં.”
ટેરેસા જે જે પ્રાર્થના કરતાં તે બધી લખી રાખવામાં આવી છે. એ હૃદયસ્પર્શી પ્રાર્થનાઓ વાંચ્યાથી તેમની આધ્યાત્મિક અવસ્થા ઉત્તમરૂપે જણાઈ રહે છે. અમે અહીંઆં એ પ્રાર્થનાઓમાંના કેટલોક ભાગ નીચે ઉતારીએ છીએ. પ્રસિદ્ધ વિદ્વાન અને ભક્ત કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પેાતાના ભક્તવાણી ગ્રંથમાં ટેરેસાની એ પ્રાર્થનાઓને સ્થાન આપ્યું છે.
“હે પ્રભુ ! પ્રત્યેક દિવસની પ્રત્યેક ક્ષણે મારું હૃદય તમારા પવિત્ર પ્રેમથી પરિપૂર્ણ થાઓ. હે અવિનશ્વર ! મારા હદયનો પ્રેમ તમારામાંજ જઈને વસે કે જેથી કેાઈ ક્ષણભંગુર મર્ત્ય પદાર્થ એને વિચલિત કરી શકે નહિ. તમારા મેળાપ સિવાય બીજું જે કાંઈ છે તે વિવેકી જીવાત્માને તો કંટાળોજ ઉપજાવનાર અને દુ:ખજનક છે. દુનિયાની સારામાં સારી વસ્તુ પણ તેની કોઈ આકાંક્ષા તૃપ્ત કરી શકતી નથી; પણ ઉલટી તેને વધારે વ્યાકુળ, લોભી અને ઉત્તેજિત કરે છે. હે પરમેશ્વર ! કેવળ તમારા મિલનથીજ-માત્ર આપને પામવાથીજ-એ અભાવ-એ આકાંક્ષા સદાને માટે અને પૂરેપૂરી દૂર થાય છે, અને હૃદય શાંતિ પામે છે. આપ હૃદયેશ્વર પરમાત્મદેવના અનુપમ સૌંદર્યે બધાંજ પાર્થિવ સૌંદયને હરાવીને ઝાંખાં કરી નાખ્યાં છે, એના સિવાય હવે બીજા કશાથી મારું વ્યાકુળ હૃદય તૃપ્ત થઈ શકતું નથી, હે પ્રભો ! કોઈ દિવસ હૃદયદ્વાર ઉઘાડું જોઈને કોઈ તુચ્છ ભાવ એમાં પ્રવેશ કરી જાય, ત્યારે હું હૃદયમાં છુપાઈ રહેલા સર્વજ્ઞ- સર્વશકિતમાન-દીનાનાથ ! તમારા અનુપમ સૌદર્યમાં મારી વૃત્તિને ડૂબાડી દેજો કે જેથી બધી ભ્રાંતિનો નાશ થઇ જાય.”
આ પ્રમાણે પ્રાર્થના અને ધ્યાન કરતાં થકાં ટેરેસા ધર્મરાજ્યના બીજા પગથીઆ ઉપર ચઢવા લાગ્યાં. તેમના હૃદયમાં એક સ્વર્ગીય પ્રેમના આવિર્ભાવ થયો. એ પ્રેમની શક્તિ ફક્ત તેમના અંતરમાંજ પ્રગટ થતી એવું નહોતું; શરીરમાં પણ પ્રભુ પ્રેમની આશ્ચર્યકારક ક્રિયા એ અનુભવતાં. પ્રભુ પ્રેમ વિજળીની પેઠે ટેરેસાના હૃદયને સ્પર્શ કરતો, અને તેથી તેમનું આખું શરીર રોમાંચિત થઈ જતું. પ્રભુ પ્રેમમાં ડૂબી જઈને એ ગાઈ ઉઠતાં કે:-
"મારા હૃદયને જાણે એક ધક્કો લાગ્યો છે. ઈશ્વર જાણે મારા હૃદયને સ્પર્શ કરીને આ શરીરમાં કંપારી ઉપજાવી રહ્યા છે. એ ધક્કો જાણે મને મૃત્યુની તરફ લઈ જઈ રહ્યા છે. પરંતુ એ મૃત્યુમાંજ હું જીવન પ્રાપ્ત કરી રહી છું "
ટેરેસાએ ઈશ્વરપ્રેમ મેળવ્યો, તેમનું ચિત્ત પવિત્ર થયું અને હદય અમૃતથી ભરાઈ ગયું; પરંતુ એટલાથી એ તપસ્વિનીને તૃપ્તિ કેવી રીતે વળે ? એમણે તો સાધનાના માર્ગે ઉતાવળાં ચાલવા માટે પ્રથમ કરતાં પણ વધુ તપસ્યા કરવા માંડી; શરીર રહેવાનું હોય તો રહે નહિ તો પડે, પણ જીવનમાં પૂર્ણતા તો મેળવવીજ; એ એમનો દઢ સંક૯પ હતો. એ સંક૯પની વાત સાંભળી બીજી સંન્યાસિનીઓ કહેવા લાગી કે, ટેરેસા જે વ્રત પૂરું કરવા માગે છે તે ઘણુંજ કઠણ છે.
પરંતુ બળવાન સાધ્વી ટેરેસાએ તે કઠોર વ્રતનો પ્રયત્ન પૂર્ણ બળથી ચાલુ કર્યો. એ વ્રત પૂર્ણ કરવાને એમણે પાંચ વર્ષ સુધી કઠણ તપસ્યા કરી હતી. છેવટે તેમના આચાર્ચે એ વધારા પડતુ કઠોર વ્રત અને દેહદમન તજી દેવાની તેમને સલાહ આપી. હવે તેમણે વધારા પડતા દેહદમનને છોડી દીધું, અને મુખ્યત્વે પ્રભુકૃપા ઉપર આધાર રાખીને ધ્યાન, પ્રાર્થના અને નામ સ્મરણ કરવાનું આરંભ્યું એ સાધનાથી તપસ્વિનીની ઉંચા પ્રકારની આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરવાની લાંબા વખતની અભિલાષા પૂર્ણ થઈ, એમનું સાધ્વીજીવન સફળ થયુ-કૃતકૃત્ય થયું.
સાધ્વી ટેરેસાએ પોતાના એ ધર્મસાધન તથા ધર્મજીવનની ગૂઢ કથા આત્મચરિત્રમાં લખી રાખી છે, તેમાંનો થોડોક સારાંશ નીચે ઉતારીએ છીએઃ-
"મારૂં હદય એક બગીચો છે. ઈશ્વર એ ઉદ્યાનના સ્વામી છે. મારા હૃદયોદ્યાનમાં કાંટાનાં જે ઘણાં ઝાડ ઉગી નીકળે છે, તેને ઉખાડી નાખીને ઉત્તમ છોડવાઓને વારિસિંચન કરવાથીજ એમાં સુગંધીદાર સુંદર પુષ્પો ખીલી નીકળે છે. અને તેમ થાય છે ત્યારેજ પવિત્રતાના સાગરરૂપ પરમાત્મા એ હદયોદ્યાનમાં છૂટથી અને નિરાંતે વિહાર કરે છે. "
"બીજી અવસ્થામાં અત્યંત કઠોર તપસ્યા કરવાની જરૂર પડતી નથી. મન આપોઆપજ ઈશ્વરચિંતામાં નિમગ્ન થાય છે. ઈશ્વરની કરુણા સહેલાઈથી આવીને હૃદયમાં અધિકાર જમાવે છે, એટલે મનની બધી ગ્લાનિ જતી રહે છે. બધી મનોવૃત્તિઓ ઈશ્વરમાં સમાઈ જાય છે, એ વખતે મનોવૃત્તિ નાશ પામે છે એવું નથી; પણ ઈચ્છા પોતાની સ્વતંત્રતા મૂકી દઈને ઈશ્વરનું દાસત્વ ગ્રહણ કરે છે. પ્રેમી જેવી રીતે પ્રેમાસ્પદનો આજ્ઞાનુસારી થવામાં દુઃખ કે અડચણ ગણતો નથી, તેવીજ રીતે ઇચ્છા પણ ઈશ્વરને તાબે થવામાં કાંઈપણ કલેશ અનુભવતી નથી. "
"હે ઈશ્વર ! તમારા પ્રેમની કેવી અપૂર્વ શક્તિ છે ! તમારા પ્રેમે મારી મનોવૃત્તિઓને આશ્ચર્યકારક રીતે જકડી રાખી છે. હવે તે તમારા સિવાય બીજા કોઈની વાત કરવી ગમતી નથી. મારી ઇચ્છા તમારાજ અમૃતરસનું પાન કરે છે અને મારાં મન તથા બુદ્ધિ પણ એ બાબતમાં ઇચ્છાને સહાય કરે છે. "
‘‘ત્રીજી અવસ્થામાં અંતઃકરણમાં રાતદહાડા પ્રભુકૃપાનો પ્રવાહ વહેતો રહે છે. આપણે માત્ર એ અંતઃકરણના સુખને એ કરુણાની તરફ ફેરવવું જોઈએ; એટલે પછી આપણી મનોવૃત્તિ પ્રભુચરણમાંજ આળોટે છે. એ વખતે આપણે આપેઆપ સમજીએ છીએ કે, એ મનોવૃત્તિ કયા પ્રકારના ભાવમાં રમી રહી છે ? એ અવસ્થામાં આત્માનો આનંદ, મધુરતા અને શાંતિ પહેલાંના કરતાં કેટલાં બધાં વધી પડે છે તેનું વર્ણન થઈ શકતું નથી. એ વખતે તો એવું જ લાગે છે કે, જાણે બળપૂર્વક ભગવાન પોતેજ કરુણારૂપી સુધારસનું પાન કરાવીને આત્માને પેાતા તરફ ખેંચી રહ્યા છે. એ વખતે માનવાત્મામાં પાછળ કે આગળ ચાલવાની શક્તિ રહેતી નથી અને આત્મા એક અનિર્વચનીય ભાવમાં રહે છે.”
“ ચેાથી અવસ્થાની કથા કહેવી એ દુ:સાધ્ય છે, છતાં પણ ઈશ્વરથી પ્રેરાઇને હું એ વિષયમાં લખું છું. મારી એ અવસ્થામાં હું ઇશ્વરની વાણી સાંભળવા પામી. ઈશ્વરે મને કહ્યું ' બેટી ! તારો આત્મા મારામાં મળી ગયો છે, મારી સાથે જોડાઈ ગયેા છે. હવે તારામાં તું નહિ રહે પણ હુંજ રહીશ.' ”
"એવી અવસ્થામાં મનુષ્યને શ્રમપૂર્વક કાંઈ પણ કરવું પડતું નથી. ઈશ્વરની કરુણા સર્વદા તેના આત્માને ઘેરી રાખે છે અને તેથી તે શાંતિમાં રહે છે, તેના હદયરૂપ બગીચા આનંદરૂપ પુષ્પથી સુશોભિત થઈ રહે છે. એ અવસ્થામાં આપણે શ્વાસેાચ્છવાસ પણ લગભગ બંધ થઈ જાય છે, નયન પણ આપોઆપ સિંચાઈ જાય છે, કર્ણમાં શબ્દ પ્રવેશ કરતો નથી, મુખ બોલતું નથી, શરીરક્રિયા બંધ થાય છે અને સર્વ શક્તિ આત્મશક્તિમાં ફેરવાઈ જવાથી આનંદમાં ઓર વધારો થાય છે.”
“પરંતુ એવી અવસ્થા થોડી વારજ ટકે છે, તે પછી મનમાં શુ થાય છે ? એ વખતે ઇશ્વરમાંથી નીકળીને (સમાધિદશામાંથી નીચે ઉતરીને) આપણે આપણા પોતામાં (ઉત્થાન અવસ્થામાં) આવી પડીએ છીએ. આથી મનમાં એક પ્રકારનો ઉદાસભાવ પ્રગટી નીકળે છે. સંસારના કામકાજમાં ચિત્તને રુચતું નથી. મનમાં સારા સારા સંકલ્પો જાગ્રત થાય છે. એ સંકલ્પોને અમલમાં લાવવાની ઈશ્વર જાતે શક્તિ આપે છે. એ ઈશ્વરી શક્તિ આશ્ચર્યકારક રીતે આત્માને બળવાન બનાવે છે અને એવો સબળ આત્મા પરમેશ્વરના નામે કોઈ પણ કાર્યમાં પાછી પાની કરતો નથી.”
“હાય ! હું કેટલી બધી ક્ષુદ્ર છું કે એ અવસ્થામાં આત્માએ કયું કામ કરવું જોઈએ, તે હજુસુધી પણ હું સ્પષ્ટપણે સમજી શકતી નથી, અને તેથી મને ક્લેશ થાય છે.”
"હે મારા પરમ સંપત્તિના સાગર ! તું મારા ઉપર દયા લાવ. હું તારી જેટલી ઋણી છું તે ઋણમાંનું જરા તરા પણ ચૂકવી શકું, એવા શુભ સંયોગ આણી આપ. હે પ્રભુ ! તારી સેવિકા તારી ઇચ્છાનુસાર કાર્ય સાધી શકે, એવો તું એને આદેશ અને ઉત્સાહ આપ ! મારા જેવી અનેક દુર્બળ નારીઓ કેવળ તારા પ્રેમપ્રભાવથી શકિતવાન થઈને અનેક મહાન કાર્ય કરી ગઈ છે. હે મારા પરમ ધન ! મને બળ આપો, આપના કાર્યમાં નિયુક્ત કરો. આ લ્યો મારુ જીવન, આ લ્યો મારી ઇચ્છા; મારી સર્વ મર્યાદા આપને અર્પણ કરું છું. હું આપનીજ છું. આપની ઈચ્છાનુસાર મારી વ્યવસ્થા કરો.”
તપસ્વિની ટેરેસાએ કોઈ ગ્રંથ વાંચીને અથવા તો કોઈ આચાર્યના ઉપદેશ સાંભળીને આટલી બધી ચિત્તાકર્ષક ધર્મકથા લખી નહોતી; સાધના દ્વારા એમને જે કાંઇ સમજાયું હતું, ધ્યાનદ્વારા જે કાંઇ જણાયું હતું, અંતરાત્મામાં જે કાંઇ શુભ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી, કે જેનો ઉપભોગ કરવાથી તેમનિ વાસનારૂપી અગ્નિ હોલવાઈ ગયો હતો અને માનવજન્મ સફળ-કૃતકૃત્ય થયો હતો; તેજ વાતો કશો પણ ઢોળ ચઢાવ્યા વિનાની સાદી અને હૃદયસ્પર્શી ભાષામાં લખી રાખી છે. તેમના એ ઉદ્ ગારોને વાંચવાથી આપણને સ્પષ્ટ જણાય છે કે, સાધ્વીશિરોમણિ ટેરેસા ખરેખર ઉત્તમોત્તમ અવસ્થાએ-સિદ્ધ દશાએ પહોંચ્યાં હતાં.
પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ ધર્મવૃક્ષનાં ફૂલ છે, અને સેવાકર્મ એ તેના ફળરૂપ છે; તેથીજ મનુષ્યના ઉન્નત ધર્મજીવનમાંથી પુણ્યકર્મની આકાંક્ષા જાગ્રત થાય છે. જે કોઈ ધર્મસાધના કરીને પ્રભુ પ્રેમમાં ડૂબી જાય અને તેના ચરણમાં જીવનનો ઉત્સર્ગ કરે તો શું દુનિયાનાં દીનદુઃખી અજ્ઞાની પ્રાણીઓના કલ્યાણ માટેનાં કાર્ય નહિ કરતાં માત્ર પેાતાનોજ સ્વાર્થ સાધીને સંતોષ પામી શકે ?
તપસ્વિની ટેરેસાએ સાધના સાધીને સિદ્ધિ મેળવ્યા પછી હવે ઈશ્વરનો આદેશ સાંભળીને અને તેની સેવિકા બનીને, જગતનીકોઈ મહાન સેવા કરવાને તેમનું હૃદય, આકુળવ્યાકુળ થવા લાગ્યું.
કર્મ ની બાબતમાં પણ સંન્યાસિની ટેરેસાનો એક ખાસ મત હતો, તેનો પણ અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. એ કહેતાં કે, માણસનાં બહારનાં કર્મથી પણ તેનો આંતરિક ભાવ સમજી શકાય છે. ઉપલકિયા ધર્મ જ્ઞાન અથવા પોથાંપાંડિત્ય તો માત્ર મનમાંજ આવીને અટકે છે; આચરણની બાબતમાં એવા મનુષ્ય ઉપરથીજ પુરુષ જેવો વેષ પહેરનારા નપુંસંકના જેવા હોય છે. સાધ્વીજી એ વિષે લખે છે કે :-
‘‘પ્રાર્થના ગમે તેટલી સુંદર કેમ ન હોય, પણ તેની સાથે જો કર્મનો યોગ ન હોય તો તે કદી સર્વાંગ સુંદર અને સંપૂર્ણ થઈ શકે નહિ. હાય ! કર્મહીન ભક્તિની વિહ્વળતા, પ્રેમનો પ્રભાવ, સંગીતનો મોહ, પૂજાનો ઉપચાર, બહારનો આડંબર એ બધું વ્યર્થ છે. પરાભક્તિથી ગદગદ્ થઈને એકાગ્રચિત્તે પરમાત્મદેવની સ્તુતિ અને સ્તવન જરૂરનાં છે; તેમ પૂજાદિ કર્યા પછી શ્રમસાધ્ય ધર્મગ્રંથના પાઠ અને દેવપૂજાદિ બાહ્યાચાર એ વ્યર્થ છે. કર્તવ્યભાર પણ ઉઠાવવાની અને તેને પાર ઉતારવાની પણ જરૂર છે; નહિ તો એ માત્ર ઉપલકિયા ઉભરો કયાંનો ક્યાંય શમી જાય છે. કેવળ એવી ઉપલકિયા ઉપાસનાદ્વારા હૃદયની સાચી ફળદ્રુપતા અને વિશાળતા તથા સંપૂર્ણતા સધાતી નથી. કર્તવ્યપ્રેમથીજ તેનો પૂર્ણ વિકાસ થાય છે. એ પ્રેમનો પરિચય વાક્યોથી નહિ પણ કાર્યથી મળે છે. કેવળ હાથ જોડીને મોઢાની સ્તુતિઓ કર્યાથી અથવા તો આચરણમાં નહિ ઉતારતાં માત્ર બીજાઓને દેખાડવા કે ઉપદેશવા માટે પોતાના અહંભાવથી ઉભરાતાં ઉત્તમ વિચારવાળાં ભજનાદિ ગાઈ સંભળાવવાથી એ પ્રભુપ્રેમ સાબીત થતો નથી; પરંતુ શ્રમ અને કષ્ટ વેઠીને તથા અનેકવિધ લૌકિક સ્વાર્થોનાં બલિદાન આપીને એ પ્રેમ દર્શાવવા જોઈએ છે. મેં પણ ઘણા કાળ સુધી મોઢાની સ્તુતિઓ ગાઈ છે, હવે મારે બીજું કાંઈ જોઈતું નથી પણ માત્ર એજ પ્રાર્થના છે કે, હું દિનપ્રતિદિન પ્રભુ પ્રેમની અને આદેશની અધિકારી બનું અને ઉન્નતિના માર્ગમાં આગળ વધી સદાને માટે તેના શરણમાં રહી શકું. હે પ્રભો ! એ મહ્દ ફળદ્વારા મારા પ્રેમનું સાર્થક હોજો !”
પોતે કયું કામ કરવું જોઈએ, એ બાબતમાં ઈશ્વરની શી ઈચ્છા છે? તે હવે એ સ્પષ્ટ રીતે સમજવા લાગ્યાં. એમણે નક્કી કર્યું કે, મારા દેશના ખ્રિસ્તી ધર્મમાં જે દ્દૂષિત રીતરિવાજો છે તેને કાઢી નખાવીને, દેશના લોકો આગળ ભક્તિ અને કર્મના સમન્વયવાળા ધર્મજીવનનો એક ઉજ્જવળ આદર્શ ખડો કરવો એ મારી ફરજ છે. એને માટે સૌથી પ્રથમ તો એવા ઉચ્ચ આદર્શને અનુકૂળ થાય એવો એક આશ્રમ સ્થાપવાની જરૂર છે. તેમણે એ આશ્રમના સંબંધમાં એક રાત્રે એક આશ્ચર્યકારક સ્વપ્ન જોયું. ઈસુ ખ્રિસ્તે જાતે સ્વપ્નમાં તેમની સન્મુખ પધારીને કહ્યું કે “તું તારી બધી શક્તિ વાપરીને એક આશ્રમ સ્થાપ. ' એક વાર નહિ, બે વાર નહિ, પણ ફરી ફરીને ખ્રિસ્તની એજ ઉપદેશવાણી ટેરેસા સ્વપ્મમાં સાંભળવા લાગ્યાં. આખરે એક નવો આશ્રમ સ્થાપવાના સંક૯પ તેમના મનમાં થયો.
એ સમયે યુરોપમાં ઘેાર ધર્મ વિપ્લવ મચી રહ્યો હતો. ઈ. સ. ૧૫૨૦ માં જર્મન દેશમાં મહાત્મા માર્ટિન લ્યુથરે ધર્મનું જે આંદોલન ઉભુ કર્યું હતું, તેજ આંદોલનનો પવન હજુ સુધી સર્વત્ર વાતો હતો. સ્પેનના ઘાતકી રાજા પાંચમો ચાર્લ્સ એ વખતે જર્મનીનો પણ બાદશાહ હતો. એટલે લ્યુથરનો ન્યાય કરવાનું કાર્ય તેને માથે આવી પડયું હતું. તે લ્યુથરે પ્રચાર કરેલા ધર્મનો ઘોર વિરોધી હતો. એટલે સ્પેનના લોકો લ્યુથરે પ્રવર્તાવેલા પ્રોટેસ્ટંટ-સુધારક-ધર્મનો સ્વીકાર કરી શક્યા નહોતા, બલ્કે જૂના કુસંસ્કારો તેમના હૃદયમાં વધારે ઉંડી જડ ઘાલી બેઠા હતા.
સ્પેનવાસી ટેરેસાએ પણ માર્ટિન લ્યુથરનો સુધરેલો ધર્મ સ્વીકાર્યો નહોતો. એમણે ભક્તિરસાત્મક અનેક ઉત્કૃષ્ટ ગ્રંથ રચ્યા હતા અને ધર્મ ભાવનાં ઉત્તમ અધિકારી બન્યાં હતાં. અનેક આશ્રમની સ્થાપના કરીને તથા સ્વધર્મમાં પેસી ગયેલા દુષિત રીતરિવાજો દૂર કરીને તેમાં તેમણે જે નવો પ્રકાશ નાખ્યો હતો, તે ઉપરથી પણ તેમની અસાધારણ આધ્યાત્મિક શક્તિનો પરિચય મળી આવે છે. એ આશ્ર્મોને લગતાં એમનાં કેટલાંક કામોનો અહી' સંક્ષેપમાં ઉલ્લેખ કરીશું.
જે સમયની વાત અમે લખી રહ્યા છીએ તે સમયમાં ધર્મયાજક, ધર્મસાધક અને સાધિકા સ્ત્રીઓ ઘણું ખરૂં આશ્રમમાંજ રહેતાં. એને લીધે એ આશ્રમ પ્રત્યે સર્વત્ર શ્રદ્ધા અને ભક્તિ જણાતી. આગળ એ આશ્રમમાં જે આધ્યામિક વાયુ ઉત્પન્ન થતો તે નગરો અને ગામોમાં ફેલાઇને નરનારીઓના આત્મિક સ્વાસ્થયનું રક્ષણ કરતો; પરંતુ એ સમયની આશ્રમની દશા ઘણી ખરાબ થઈ પડી હતી. આશ્રમનાં જે સંન્યાસી અને સંન્યાસિનીએાને માથે મનુષ્યોના અંતરમાં ધર્મભાવ જાગ્રત કરવાનું કામ હતુ, તેમનામાંનાં અનેકમાં જ્ઞાનનો અભાવ જણાતા અને કેટલાંક તો પોતાના મનમાં હિંસા, દ્વેષ, વિષયાસક્તિ અને અધર્મનું પોષણ કરી રહ્યાં હતાં.
પોતાના દેશનાં સાધુસંન્યાસિનીઓની આવી શોચનીય અવસ્થા જોઈનેજ ટેરેસાના મનમાં એક નવો આશ્રમ સ્થાપવાનો સંકલ્પ જાગ્રત થયો હતો. હવે એમણે એ મહાન ઉદ્દેશ અને નવો આદર્શ સ્થાપીને આશ્રમ સ્થાપવાનો યત્ન કરવા માંડયો, પરંતુ એક પ્રકારના જૂના વિચારના લોકો તેમના નવા આશ્રમની વાત સાંભળીને ચોંકી ઉઠયા. માર્ટિન લ્યુથરે એક જરા નવી વાત કરવા જતાં આખા યૂરોપમાં આગ સળગાવી મૂકી હતી. હવે ટેરેસા પણ એક નૂતન કાંડ રચવા માગતાં હતાં. હવે સ્પેન દેશના બધા લોકો આ સંન્યાસિની સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા. દેશના એ બધા સંરક્ષક દળના લોકોએ ટેરેસાનો વિરોધ કરવા સારૂ એક દિવસ ગંજાવર સભા ભરી હતી. પરંતુ એ સભામાં એક વિચારશીલ યુવકના ભાષણથી બધું કામકાજ ઢીલું પડી ગયું હતું. ટેરેસાનો પક્ષ લઈને તે એવું તેજસ્વી ભાષણ કરતો કે સભામાં જાણે અગ્નિ વરસી રહ્યો હોય એવું લાગતું. કોની હિંમત હતી કે એ યુવકની દલીલનું ખંડન કરીને તેની વાતનો જવાબ આપે ?
તેજસ્વિની સાધ્વી ટેરેસાએ હજારો વિઘ્નો હોવા છતાં પણ પોતાના સંક૯પને વજ્રની મુઠ્ઠીમાં ધારણ કરીને, પોતાના ઉચ્ચ આદર્શને અનુરૂપ એક આશ્રમની સ્થાપના કરી. ચાર સંન્યાસિનીઓએ તે આશ્રમમાં દાખલ થઈને નવી રીતથી કામ કરવા માંડ્યું. એમનાં ચિત્ત સત્ય અને ધર્મનાં પિપાસુ હતાં; એટલેજ માણસોના ગુસ્સા તથા નિંદાની જરા પણ પરવા ન કરતાં કેવળ ઈશ્વરની તરફ જોઈને તેઓ ટેરેસાનાં સંગી બન્યાં હતાં. એમના નૂતન આશ્રમમાં કેવા કેવા નિયમો રચવામાં આવ્યા હતા તે પણ થોડુંક કહીશુ.
(૧) જેઓ આશ્રમમાં પ્રવેશ કરશે તેમની પોતાની કોઇ સંપત્તિ રહેશે નહિ, બધી માલમત્તા આશ્રમનીજ ગણાશે. આશ્રમવાસીઓ માંસાહાર કરી શકશે નહિ. તેમણે સસ્તાં અને જાડાં વસ્ત્ર પહેરવાં પડશે. અને માથાના વાળ ઘણાજ આછા કરાવવા પડશે.
(૨) આશ્રમવાસી સ્ત્રીઓએ સવારમાં છ વાગ્યે પથારીમાંથી ઉઠવું પડશે. પછી આઠ વાગ્યા સુધી ઉપાસના થશે. આહારના સમયનો કાંઈ નિયમ નથી. ઈશ્વરકૃપાથી આશ્રમમાં ભોજનની સામગ્રી આવી મળશે ત્યારે ઘંટ વાગશે અને બધી સંન્યાસિનીઓ આહાર કરશે. ખોરાક ઘણોજ સાદો હશે. ભોજન કર્યા પછી એક કલાક વિશ્રામનો મળશે. બે વાગ્યે બધી સંન્યાસિનીઓ એકત્ર થઈને ધર્મગ્રંથોનો પાઠ કરશે. છ વાગ્યે છેવટની પ્રાર્થના કરશે.
(૩) આશ્રમનું સૂત્ર આ રહેશેઃ- 'જોકોઈ કામ ન કરે તો તેણે આહાર કરવો એ ઉચિત નથી. ”
(૪) આશ્રમવાસિનીઓએ ધન પ્રત્યે કેાઈ પ્રકારની આસક્તિ રાખવી નહિ. સ્વાર્થ ત્યાગ અને વૈરાગ્ય એ બેજ આશ્રમના મૂળમંત્ર છે. ચોથા નિયમ વિષે ટેરેસાએ લખ્યું છે કે:- “ધનાદિકનો અસંગ્રહ, વૈરાગ્ય અને સ્વાર્થ ત્યાગ, એ ત્રણ વાનાં મનુષ્યની અમૂલ્ય સંપત્તિ છે. જે લોકો એ સંપત્તિના અધિકારી છે તેજ અન્ય મનુષ્યો પર પ્રભાવ પાડી શકે છે. x x x હું મારા પિતાના અનુભવથી જોઈ શકી છું કે, ધનવૈભવ અને પદવીની મોટાઈ એ ધર્મમાર્ગમાં મુખ્ય વિઘ્ન છે. હું મારા આશ્રમમાંથી એ બંને વાનાંને જડમૂળમાંથી ઉખેડી નાખીશ. વૈરાગ્ય ઉપરજ મારા આશ્રમની સ્થાપના કરીશ. આપણે પ્રભુ ઈસુનો આદર્શ વિસરી જવો ન જોઈએ. તેમણે તબેલામાં જન્મ લીધો હતો અને પિતાની માલિકીનું તેમને કાંઈજ નહોતું.”
આ નાનકડા ગ્રંથમાં સ્થળસંકોચને લીધે અમે સંન્યાસિનીઆશ્રમના અનેક નિયમોમાંથી ફક્ત ચારજ નિયમોનો સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ટેરેસાએ હવે એ આશ્રમની ઉન્નતિ સારૂ ખરા દિલથી યત્ન કરવા માંડયો. સારાં કામમાં વિઘ્નો પણ ઘણાં નડે છે. એવાં વિઘ્નો નાખનાર વિરોધી દળોની સાથે તેમને સંગ્રામ પણ થયો. તેમણે ટેરેસા ઉપર સરકારી કચેરીમાં એક મુકદમો માંડી તેમના ઉપર એ આરોપ મૂકયો કે દેશના અમલદારોની મંજુરી મેળવ્યા વગર એમણે નવા પ્રકારનો આશ્રમ સ્થાપ્યો હતો. એમના નવા આશ્રમના ધર્મમત વચ્ચે અને દેશમાં પ્રચલિત ધર્મમત વચ્ચે ઘણી બાબતમાં ભેદ હતો. ઘણીક ભાંજગડ થયા પછી એ મુકદમામાં ટેરેસાના શત્રુઓએ નહિ ધારેલી એવી સફળતા તેમને મળી. ઘણા પ્રયત્ન કરીને એમણે પોતાના ધર્મના મુખ્ય ગુરુ પોપનું આજ્ઞાપત્ર પણ મેળવ્યું. હવે બાકી શું રહ્યું ? પેાતાના ધર્મના શ્રેષ્ઠ પુરુષે આશ્રમ સ્થાપવાની રજા આપવાથી આશ્રમના વિરોધી લેાકો મનમાં ને મનમાં બળી જવા લાગ્યા; પણ તેનું ખંડન કરવાનું સાહસ તેઓ કેવી રીતે કરી શકે ?
એમ છતાં પણ દેશમાં બે પક્ષ બંધાયા. એક પક્ષ પ્રાચીન રીતરિવાજનો પક્ષ લઈને ટેરેસાને પકડવા સારૂ નાના પ્રકારની યુક્તિઓ તથા તેમના આશ્રમની ખોટી નિંદા કરવા લાગ્યા. બીજા પક્ષનાં અનેક સુશિક્ષિત મનુષ્ય ટેરેસાના પક્ષમાં રહીને, પુષ્કળ સહાયતા આપવા લાગ્યાં. તપસ્વિની ટેરેસાનું કર્મક્ષેત્ર ધીમે ધીમે પ્રસરવા લાગ્યું. ઠેકાણે ઠેકાણે આશ્રમ સ્થાપીને તેમણે દેશના ધર્મને ઉન્નત કરવા માંડયો. તેમના પ્રયત્નથી એક કોલેજ પણ સ્થપાઈ. થોડાજ દિવસેમાં એ સાધ્વીની શક્તિ આગળ સેંકડો લેાકો મસ્તક નમાવવા લાગ્યાં. સાહસી યોદ્ધો જેવી રીતે અનેક અડચણો તથા વિધ્નોની પરવા ન કરતાં યાહોમ કરીને તૂટી પડે છે તથા પોતાના લક્ષ્યસ્થાન ઉપર પહોંચે છે, તેવી જ રીતે તપસ્વિની ટેરેસાએ વિરોધી દળ તરફ નજર પણ ન કરતાં, ઉતાવળે પગલે પોતાના આદર્શ તરફજ આગળ વધવા માંડ્યું. છેવટે ઉન્નત ધાર્મિક જીવન, શુદ્ધ બુદ્ધિ અને પ્રબળ માનસિક શક્તિદ્વારા ટેરેસાએ સ્પેન દેશમાં જાદુઈ અસર કરવા માંડી. એ અસરને લીધે અનેક ધનવાન લાકો એ આશ્રમને સારૂ પુષ્કળ ધન આપવા માંડયું; જ્ઞાની લોકોએ પોતાના કામથી સહાય કરવા માંડી; ધાર્મિક લોકોએ તેમણે સ્થાપેલા આશ્રમમાં પ્રવેશ કરવાનું આરંભ્યું સંન્યાસિની ટેરેસાએ એકલાં સોમાણસના જેટલી શક્તિથી પ્રબળ ઉત્સાહપૂર્વક એ મહત કાર્યને પાર ઉતારવા માંડયું. તેમનું જીવનચરિત્ર લખનાર બાઈએ એ બધાં કામોનો ઉલ્લેખ કરીને થોડા જ શબ્દોમાં એ કર્મનિષ્ઠ સાધ્વી નું સુંદર ચિત્ર આલેખ્યું છે. એનો મર્માનુવાદ આ પ્રમાણે છેઃ-
“ટેરેસા વીર સાધ્વી હતાં. તેમના ચરિત્રમાં ભિન્ન ભિન્ન ગુણોનો સમાવેશ થયો હતો. એ જયારે ધ્યાનમગ્ન થઈ જતાં ત્યારે તેમના અંતરમાં પુષ્કળ આનંદ વ્યાપી રહેતો. સંસારના કોઈ કાર્યમાં જ્યારે એ હાથ ઘાલતાં, ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ અને અસાધારણ શક્તિદ્વારા તેને એવી સરસ રીતે પાર ઉતારતાં કે ભવિષ્યમાં છેતરાવાનો ડર રહે નહિ. ટેરેસાના સંબંધમાં એવું કહી શકાશે કે, ધ્યાનની વખતે એમના અંતઃકરણમાં જે વિચાર અને ભાવના તરંગો ઉઠતા હતા, તેજ તરંગોને લઈને એ મનુષ્યોની સેવા કરવા પ્રવૃત્ત થતાં અને મોટા કામમાં હાથ ઘાલતાં. એજ ગુણને લીધે એ બધાં કામને ઉત્તમ રીતે સાધી શક્યાં હતાં.
જે લોકો તપસ્યાદ્વારા પુષ્કળ આધ્યાત્મિક શક્તિનો સંચય કરીને એ શક્તિદ્વારા હજારો જનોનું કલ્યાણ કરી શકે છે, એવા મનુષ્ય આગળ દુનિયા વહેલે મોડે મસ્તક નમાવ્યા વગર રહેતી જ નથી. સ્પેન દેશના કેટલાએ લોકો તપસ્વિની ટેરેસાના કામના વિરોધી થયા હતા, પરંતુ મનુષ્યના મનમાં કેવું આશ્ચર્યકારક પરિવર્તન થાય છે ! હવે કેટલાંયે સ્ત્રીપુરુષો તેમને દેવી ગણીને તેમના ચરણ આગળ ભક્તિપુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યાં. કેટલાએ ધનવાનો અને જ્ઞાની પુરુષો તેમનો ધર્મોપદેશ સાંભળીને ઉપકૃત થવા લાગ્યા. એમના કોઈ પણ શુભ કાર્યમાં પૈસાની મદદ આપવાથી પુણ્ય થયું એવી ખાત્રીથી લોકોના મનમાં વિશેષ સંતોષ થતો હતો. ટેરેસાએ હવે સ્પેન દેશમાં ઠેકાણે ઠેકાણે આશ્રમો સ્થાપીને નાના પ્રકારનાં મહાન કાર્યો કરવા માંડ્યાં. છતાં પણ એમને ધનનો અભાવ કોઈ દિવસ નડ્યો નહિ. ટેરેસાએ કોઈ સારું કામ કરવાનો દૃઢ સંક૯પ કરતાંજ એની ખબર વાયુવેગે ધનવાન લેાકોમાં પ્રસરી જતી, અને જાદુગરના મંત્રથી વશ થઈ ગયા હોય તેમ તેઓ તેમને જોઈતા ધનની સગવડ કરી આપતા.
સંન્યાસિની ટેરેસાનાં સત્કાર્યો સારૂ કેટલા એ મોટા મોટા લોકો એમને પૈસાની મદદ આપતા, પરંતુ એ પોતે એ લોકોનું મન મનાવવા માટે કદી પણ પોતાના આદર્શને હલકો પડવા દેતાં નહિં કે પોતાના વિચારોના કોઇની ખાતર ત્યાગ કરતાં નહિં. એ મહાન સાધ્વીએ પોતાના ચારિત્રના માહાત્મયથી પેાતાને સારૂ એક એવા ઉંચા આસનની રચના કરી હતી કે ખુદ સ્પેન દેશના બાદશાહ પણ તેમને એ આસન ઉપરથી નીચે ઉતારી શક્યા નહિ. બાદશાહે જયારે પણ કોઈ અન્યાયી કામ કરતો, ત્યારે એ તેજસ્વિની નારી નિડર થઈને તેનો વિરોધ કરતાં. એમના એ સાહસને લીધેજ બાદશાહ એમનાથી બ્હીતા અને ભકિત દર્શાવતા.
જે લોકો ટેરેસાને અઢળક ધનનું દાન કરતા તે લોકોજ જ્યારે કોઈ ગેરવ્યાજબી કાર્યો કરવા લાગતા, ત્યારે ટેરેસા કેવા સાહસથી એમની વિરુદ્ધ ઉભાં થતાં, તે બતાવવા અમે એક પ્રસંગનું વર્ણન કરીશું. સ્પેન દેશના કોઈ એક જમીનદારની સ્ત્રી ઘણીજ સુંદર હતી. સ્વામીના ઉપર તેની અત્યંત પ્રભાવ હતો. તેને એક નાનીશી રાણી કહીએ તોપણ અતિશયોક્તિ ગણાશે નહિ; કારણ કે તેના સ્વામીનો માનમરતબો સ્પેનના ખુદ બાદશાહથી બીજાજ નંબરનો હતો. એ સ્ત્રીના મનમાં એકાએક એ વિચાર સ્ફૂરી આવ્યો કે, મારે એક મોટો આશ્રમ સ્થાપવો. એથી મારી કીર્તિ અમર રહી જશે; લોકો ખૂબ વાહવાહ કરશે. એ સમયમાં આખા દેશની સંન્યાસિનીઓમાં ટેરેસાની ઘણી જ ખ્યાતિ હતી. એટલે એ ધનવાન જાગીરદારની સ્ત્રીએ એમનીજ દેખરેખ નીચે એક મોટા આશ્રમની સ્થાપના કરી. એ આશ્રમમાં તે બાઈના પૈસા પાણીની પેઠે ખર્ચાયા. થોડા દિવસ પછી એ બાઈના પતિનો દેહાંત થવાથી વૈધવ્ય દશામાં તેણે પોતે પણ એજ આશ્રમમાં પ્રવેશ કર્યો. પરંતુ એ ધુની બાઈની કેટલીક ગેરવર્તણું ક જોઈને આશ્રમવાસી બાઈઓ બહુ આશ્ચર્ય પામી. એ બાઈ આશ્રમની અંદર રહ્યા છતાં પણ પોતાનાં બધી જાતનાં સુખની વાસના તૃપ્ત કરવા માગતી હતી. એ એવું સમજતી હતી કે, આમ તો મારોજ સ્થાપેલો છે. હજુ પણ મારા આપેલા ધનથી એનો નિર્વાહ ચાલી રહ્યો છે. મારા અન્યાયી કાર્યની વિરુદ્ધ બોલવાની મગદૂર કોની છે ? પરંતુ એને ખબર નહોતી કે ન્યાય અને સદાચારનું રક્ષણ કરવા ખાતર સાધ્વી ટેરેસા કેવું અગ્નિસ્વરૂપ ધારણ કરે છે ! આખરે ટેરેસાનો હુકમ માથે ચઢાવીને તેને આશ્રમમાંથી ચાલ્યા જવું પડયું.
ધર્મશીલા સાધ્વી ટેરેસા આશ્રમની પવિત્રતા, ધર્મનો ઉચ્ચ આદર્શ અને ન્યાયનું રક્ષણ કરવા સારૂ અત્યંત કઠણ હૈયાનાં થઈને ઉભાં રહેતાં એ વાત ખરી, પરંતુ રોગ, શોક, પા૫ અને અશાંતિના સમયમાં લોકોની સેવા કરતી વખતે સગી માતાની પેઠે લોકો ઉપર સ્નેહ દાખવતાં અને સાંત્વના આપતાં. આથીજ પાપમાં પડેલાં, રોગથી પીડાતાં અને શોકની તીવ્ર દાહ સહન ન કરી શકનારાં સ્ત્રીપુરુષો શાંતિ મેળવવાની આશામાં તપસ્વિની ટેરેસાનું શરણ લેતાં. એ પણ એમને ઈશ્વરના પ્રેમની કથા સંભળાવીને સાંત્વના આપતાં.
એક દિવસ ટેલેડો શહેરના એક ધનવાનની પત્નીએ શોકની પીડાથી અધીરી થઇને ટેરેસાના આચાર્ય ઉપર એક પત્ર લખૉ મોકલ્યો.. આચાર્યના આગ્રહથી ટેરેસાને એ શોકાતુર ધનિક બાઈને ઘેર જવું પડ્યું. એમણે કેટલાક દિવસ એ આબરૂદાર મહિલાની હવેલીમાં રહીને જોયું કે એને ત્યાં ધન, ઐશ્વર્ય, દાસદાસી, ગાડીઘોડા, માનઆબરૂ બધું છે; નથી ફકત ધર્મ. એને લીધેજ આ શોકને વખતે એ બધું ધન અને એશ્વર્ય કશા કામમાં આવતું નથી. એનાં માનઆબરૂ એના હૃદયના ઘા રૂઝવી શકતાં નથી. અનેક દાસદાસીઓ ગડબડ મચાવીને તેની અશાંતિમાં :ઉલતો વધારો કરી રહ્યાં છે. તપસ્વિની ટેરેસાએ થોડાકજ દિવસમાં એ સ્ત્રીના અંતરમાં ધર્મભાવ જાગ્રત કરી દીધો. તેમની સાંત્વનાથી એ નારીના સંતાપ એકદમ જતો રહ્યો; એટલુજ નહિ પરંતુ સંન્યાસિનીના જીવનના પ્રભાવથી એ આખા કુટુંબની રીતભાતમાં એકદમ ફેરફાર થઈ ગયેા. ધનવાન ગૃહિણીની એક સહચરી તો ટેરેસાના મર્મસ્પર્શી ઉપદેશ સાંભળીને ધર્મ પ્રાપ્ત કરવાને અતિશય આકુળવ્યાકુળ થઈ ગઈ.
ટેરેસા જ્યારે પાકી વયનાં થયાં ત્યારે દેશના લોકો તેમને ધર્મ રાજ્યનાં અધિશ્વરી ગણીને તેમના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવવા લાગ્યા. એ આશ્રમમાંથી બહાર નીકળ્યાં છે અને અમુક રાજમાર્ગે થઈને જવાના છે, એવી ખબર બહાર પડતાંજ શહેરના એ માર્ગની બંને બાજુ લોકોની અત્યંત ભીડ જામતી. ગરીબ, તવંગર, બાળક, વૃદ્ધ-સૌ કેાઈ તેમનાં દર્શન કરવા તથા તેમના આશીર્વાદ મેળવવા સારૂ રસ્તામાં જઈને ઉભાં રહેતાં. પુષ્કળ લોકો તપસ્વિનીની ગાડીની સાથે સાથે દોડતાં. તેમની શક્તિ ઉપર લોકોનો વિશ્વાસ જાગ્યો હતો. વિલાનિઉવા શહેરમાં ઘણા દિવસથી વૃષ્ટિ થઈ ન હતી. ટેરેસા એકાએક એ સ્થાને જઇ પહોંચ્ચાં અને ત્યારપછી પુષ્કળ વરસાદ થયો. બધા લોકો એમજ માનવા લાગ્યા કે, આ પુણ્યશીલા નારીની અમારા નગરમાં પધરામણી થવાથીજ આટલા બધા દિવસે પછી વરસાદ થયેા છે.
ટેરેસાનું જીવનચરિત્ર લખનાર સન્નારી કહે છે કેઃ- “ સાધ્વી ટેરેસાને દેશના લોકો તરફથી જે પ્રકારનો આદર અને ભક્તિ પ્રાપ્ત થયાં હતાં, તેટલી શ્રદ્ધા અને ભક્તિ સ્પેન દેશના લોકોએ રાજા ફિલીપ અને તેના મુખ્ય સેનાપતિ ઉપર પણ બતાવી હશે કે નહિ તે બાબતમાં મને ઘણો સંદેહ છે. ” એક વાર એક ગામમાં થઈને જતી વખતે ટેરેસા એક સ્થળે વિસામો ખાઈને ભોજનની તૈયારી કરી રહ્યાં હતાં. એવામાં ગામમાં ખબર ફેલાવાથી કીડીઓની પેઠે લોકોની મેદની ઉભરાઈ આવી. સરકારી અમલદારોએ જાણ્યું કે, આથી સંન્યાસિનીને અડચણ પડશે; એટલે તેમણે ભીડ ઓછી કરવા સારૂ પોલીસને ઉભા રાખ્યા. એ વખતે સેંકડો લોકો સંન્યાસિની ટેરેસાનાં દર્શન સારૂ રસ્તામાં તથા અગાશીઓમાં અને કોટની રાંગ ઉપર જઇને ઉભાં રહ્યાં. આવા આવા બનાવો સાધ્વી ટેરેસાની લોકપ્રિયતાની સાક્ષી આપે છે.
ઈ. સ. નું ૧પ૮૨ મું વર્ષ હતું. આ વર્ષના સપ્ટેમ્બર માસમાં એલબારના ડયુક્ની પત્નીએ તપસ્વિની ટેરેસાને મળવા સારૂ ઘણીજ વ્યાકુળતા બતાવી. એ વખતે એ બાઇને સંતાન થવાનો પ્રસં'ગ હતો. એના મનને એકમાત્ર અભિલાષ એ હતો કે, ટેરેસા એક વખત પધારીને મારે ત્યાં પ્રાર્થના કરે. એના મનમાં કદાચ એ વિશ્વાસ હશે કે, પુણ્યશીલ ટેરેસાની પ્રાર્થના તથા આશીર્વાદથી મારે પેટે સારું સંતાન જન્મશે. પરંતુ ટેરેસા એ વખતમાં વૃદ્ધાવસ્થામાં હતાં. શરીર પણ ઘણું જર્જર થઈ ગયું હતું; દૂર જવા જેવી હાલત ન હતી; છતાં પણ ડ્યુકપત્નીની શ્રદ્ધાભક્તિથી પ્રેરાઇને એ તેની પાસે ગયાં. ત્યાં પહોંચતાંજ તેમની તબિયત બગડી આવી અને ખાટલે સૂવું પડયું. તેઓ પરમેશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને શાન્તચિત્તે રોગની વેદના સહન કરવા લાગ્યાં.
રોમન કેથોલિક સંપ્રદાયમાં ધર્મગુરુ આગળ પ્રસંગોપાત તથા ખાસ કરીને મૃત્યુની પૂર્વે પોતાનાં પાપનો ખુલ્લે દિલે સ્વીકાર કરવાનો રિવાજ છે. એ ધાર્મિક ઇકરારને 'કનફેશન' કહે છે. ટેરેસાના મૃત્યુના ત્રણ દિવસ પૂર્વે તેમનો ઇકરાર સાંભળવા સારૂ એક પાદરી આવ્યો. સંન્યાસિની ટેરેસા પ્રત્યે તેને અતિશય ભક્તિ અને પ્રેમ હતાં. જે સન્નારીને પોતે સદા પૂજ્યભાવથી જોતો હતો તે નારીને આજે મૃત્યુશય્યામાં સૂતેલાં જોઈને તે પોતાનાં આંસુ ખાળી શક્યો નહિ. તેમની આગળ શું ઘુંટણીએ પડીને અશ્રુવિસર્જન કરતાં તે બોલ્યો કે “મા ! તમે હમણાંજ શા સારૂ અમારો ત્યાગ કરીને ચાલ્યાં જાઓ છો ? ઇશ્વર તમને હજુ થોડા દિવસ આ પૃથ્વીમાં રાખે !”
સંન્યાસિની બોલ્યાં કે “પિતા ! આપના મુખમાં આવાં વચન શોભે છે ? મારૂ કામ પૂરું થયું છે અને હવે આ સંસારમાં રહેવાનું મારે કાંઇ પ્રયોજન નથી; હવે હું મારા પરમેશ્વરની સેવામાં જવા સારૂ તૈયાર થઈ છું.”
પેાતાના આશ્રમની સંન્યાસિનીઓને સંબોધીને તપસ્વિની ટેરેસા બોલ્યાં કે ‘‘મે તમને અનેક કુદૃષ્ટાંત દેખાડ્યાં છે, તેને સારૂ આજ મને ક્ષમા આપો. તમે મારાં ગેરવ્યાજબી કાર્યોનું કદી અનુસરણ કરશો નહિ. મારાં પાપ અનેક છે. હું શુ આશ્રમના બધા નિયમનું પરિપાલન કરી શકી છું ? ના, એમ તો બની શક્યું નથી. હું ઈશ્વરનું નામ દઈને તમને આગ્રહ કરૂં છું કે, તમે બધાં મળીને આશ્રમોને તેમના મહાન આદશને અનુરૂપ બનાવજો. તમે આશ્રમની અધિષ્ઠાત્રીની આજ્ઞા પ્રમાણે ચાલજો.”
મૃત્યુના આગલા દિવસની રાત્રે એ ભક્તિમતી સાધ્વી દુર્બળ શરીરે પણ પથારીમાં બેઠાં થયાં. એકાએક તેમનું મુખમંડળ દિવ્ય પ્રકાશથી ઝળકી ઉઠ્યું. તેમણે પ્રેમાર્દ્ર હૃદયે પ્રાર્થના કરવા માંડી કેઃ-
‘‘હે મારા પ્રભો ! હે મારા સ્વામી ! આજ મારા લાંબા સમયની અભિલાષાનો દિવસ આવી પહોંચ્યો છે; હવે તો તું મને જોઇશ, અને હું પણ તને જોઇશ. હે મારા પ્રભુ ! આ મારા પ્રયાણનો સમય છે, ત્યારે તો તું આવ ! હું તો તારી સાથેજ આ શુભ યાત્રા કરીશ. તારી ઈચ્છા પૂર્ણ થાઓ. હે પ્રભો ! આ તો મારે અરણ્યવાસનો ત્યાગ કરવાનો સમય આવી પહોંચ્યો છે. તારા સદાના મેળાપની આકાંક્ષા મેં ઘણા સમયથી રાખી હતી, આજ એ અવશ્ય ફળીભૂત થશે.”
- રાત એમ ને એમ વીતી ગઈ, પ્રભાત થયું; સંન્યાસિનીએ તે વખતે છાતી ઉપર ક્રોસ ધારણ કરીને એક પડખે શયન કર્યું. એ અવસ્થામાં ચોવીસ કલાક વીતી ગયા. એમના બન્ને હોઠ ફફડી રહ્યા હતા-જાણે કે નયન મીચીને કોઈની સાથે વાતચીત કરી રહ્યાં છે. ' આખરે ચોથી આક્ટોબરનો દિવસ આવ્યો. રાતના નવ વાગે તપસ્વિનીની મૂર્તિ અનુપમ જ્યોતિથી પ્રકાશવા લાગી. પાસે બેઠેલા લોકોએ જોયું કે, ટેરેસા એ વખતે પણ ઈશ્વરના ધ્યાનમાં નિમગ્ન હતાં. એ અવસ્થામાંજ એ જ્યોતિર્મયી સાધ્વી મૈયાનો આત્મા દેહત્યાગ કરીને સદાને માટે ઈશ્વરના પરમધામમાં પ્રયાણ કરી ગયો.
ઇ. સ. ૧૫૮૨ ની ૪થી ઓકટોબરે સંન્યાસિની ટેરેસાએ દેહત્યાગ કર્યો. ઈ. સ. ૧૬૧૪ માં રોમના પોપે પરલોકવાસી ટેરેસાને પરમધામની અધિકારી ગણીને જાહેરનામું બહાર પાડ્યું. એ સમાચાર જ્યારે સ્પેન દેશમાં જઈ પહોંચ્યા, ત્યારે દેશના બધા વર્ગના લોકો આનંદોત્સવ કરવામાં પ્રમત્ત થઈ ગયા. ઇ. સ. ૧૬૨૨ ની ૧૨ મી મેને દિવસે રોમના પોપે પુણ્યવતી ટેરેસાને સાધુઓના દળમાં શામિલ કરીને, એક ‘સેઈન્ટ’ અથવા સાધુતરીકે તેનો જાહેરમાં સ્વીકાર કર્યો.
હવે અમે એ પૂજ્ય નારીનું જીવનચરિત્ર લખનાર શ્રીમતી ગ્રેહામનાં કેટલાંક વાકય ઉતારીને આ લેખ સમાપ્ત કરીશુ. ગ્રંથની ભૂમિકામાં એ સન્નારી લખે છે કે:-
‘ટેરેસાએ ધર્મમાં જે સુધારો કરવાનો યત્ન કર્યો હતો, તે કામ સહેલું હતું, એવું કેાઈએ ધારવું નહિ. એમણે એકલે હાથે પ્રતિકૂળ અવસ્થાઓ સાથે ઘોર સંગ્રામ કર્યો હતો, એજ એમના સાધ્વીજીવનનું શ્રેષ્ઠ ગૌરવ હતું. એ પોતાના જીવનમાં ધર્મ અને કર્મ નો સમન્વય કરી શક્યાં હતાં. એમના જીવનનું અવલોકન કર્યાથી સમજી શકાય છે કે, મનુષ્યમાં કલ્પના કે સ્વપ્નથી અતિ શ્રેષ્ઠ એવો એક ધર્મનો સત્ય આદર્શ રહેલો છે.”*[૧]
- ↑ 'પિયર્સ સાઇક્લોપીડિયા' માંથી ટેરેસાના સંબંધમાં નીચેની વધુ વિગત મળી છે:-
તેઓ પોતાની પાછળ કેટલુંક સાહિત્ય મૂકી ગયાં છે, જે "પૂર્ણતાનો માર્ગ” અને “આત્માનો દુર્ગ” એ નામે પ્રસિદ્ધ થયું છે.