માણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૪. ગાંધીજીની સભ્યતા

←  ૩. ઇચ્છાબા માણસાઈના દીવા
૪. ગાંધીજીની સભ્યતા
ઝવેરચંદ મેઘાણી
૫. માણસાઈની કરુણતા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૪. ગાંધીજીની સભ્યતા

તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દે ને કહે કે, 'તમે તમારે કાંતો, ભઈ !' પછી જમવા ટાણે જ બોલાવે : 'ઊઠો; ખઈ લ્યો, ભઈ !' ખવરાવવામાં ખીચડી હોય. ઉપર તો કંઈ ન હોય; પણ હું તો ખાતો જાઉં તેમ તળિયેથી ઘીનું દડબું નીકળી પડે ! જમી લઉં એટલે વળી કહે કે, 'કાંતવા બેસી જાવ, ભઈ !' પાણી પણ પોતે જ પાઈ જાય. મને રેંટિયા પરથી ઊઠવા ન આપે. ગાંધીજી કાંઠામાં આવેલા ત્યારે મેં એમને અહીં ઇચ્છાબાને ઘેર ઉતારેલા. મને એમ કે મહાત્માજી બોરસદમાં જ સ્નાનાદિક પતાવીને આવશે, પણ આવ્યા નાહ્યા વિના. સ્નાન એ મહાત્માજીની કેટલી નાજુક માવજતનો વિષય છે તે હું જાણતો હોઈને મૂંઝવણમાં પડી ગયો. છેવટે ઇચ્છાબાના અંધારિયા ઓરડામાં એક જૂની એવી નામની ચોકડીનું શરણું લીધું. એ બતાવતાં ગાંધીજી કહે : 'વાહ ! આ તો સરસ છે.' સાંકડેમાંકડે ગોઠવાઈ જઈને પોતે નાહ્યા. હું એમનું ભીનું પંચિયું નિચોવવા માટે લેવા ગયો. પણ પોતે એ પગ નીચે દબાવી રાખીને કહે કે, 'ના, તું નહિ; તને નિચોવવા નહિ દઉં'. એમ કહી, દેવદાસભાઈને બોલાવી નિચોવી નાખવા કહ્યું.”

“કારણ ?”

“કારણ એ કે હું બ્રાહ્મણ રહ્યો. મહાત્માજીની એ સભ્યતા : બ્રાહ્મણ પાસેથી એવું કામ લેવાય નહિ.”

ઇચ્છાબાને ઘેર પહેલી જ વાર મેં કાંઠાના ગરાસિયાનો પરિચય કર્યો. તેઓ 'ઠાકોર-ઠાકરડા' કહેવાય છે. પોતે પોતાને 'ગરાસિયા' કહેવરાવે છે : બારૈયા કે ધારાળા નામ તેમને અણગમતું થયું છે. સરકારી દફતરમાં 'પગી' એવી ઓળખાણ છે તે તો અણસમજુ પૂર્વજોએ પેસી જવા દીધી હશે એમ તેઓ માને છે. મહારાજના તેઓ મિત્ર જેવા છે. રીતભાત તદ્દન સુંવાળી. બોલવે-ચલાવે ધીરા ને સભ્ય. શરીરે લઠ્ઠ. મહીનો ત્રણ ગાઉનો પાણીપટ વટાવી પાર જવું, મહીની વાંસજાળ ભરતીમાં ખાબકી પડવું, મહીનાં ભયાનક કોતરો ભમવાં—એ તો એમને મન રમત. નવાઈ એ લાગી કે, આ ગરાસિયા ઠાકોરો દેહ–શણગારનો શોખ કાં ધરાવતા નથી ! ક્યાં કાઠિયાવાડી આંટીવાળી પાઘડીઓ, માથે ઓળેલાં ઓડિયાં, કમ્મરે પછેડીઓના ભેટ–લપેટ, ચકચકિત કડિયાળી ડાંગો; ને ક્યાં આ માથે જેમતેમ વીંટી લીધેલાં લાંબા લાંબા ફાળિયાં ! વરણાગી ઢંગ છો ન હોય, પણ પહેરવેશની રસિકતાયે નહિ ?