મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : કોટડીમાં

← અનુભવ ત્રીજો : પ્રિટોરિયાની જેલમાં મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : કોટડીમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : ગવર્નર પાસે ત્રણ માગણી →


કોટડી.

તેની લંબાઈ પહોળાઈ ૧૦×૧૭ ફૂટ હશે એમ ધારૂં છું. ભોંય કાળી ડામરવાળી છે તેને ચકચકિત રાખવા દારોગાઓ મથ્યા કરે છે. તેમાં હવા તથા અજવાળાને સારૂ એક કાચની તથા લોખંડના સળીયાની ઘણીજ નાની બારી છે. કેદીઓને રાતના તપાસવા ખાતર વિજળીની બત્તી રહે છે. આ બત્તી કેદીની સગવડને સારૂ નથી. કેમકે તેનું અજવાળું વાંચી શકાય તેટલું નથી હોતું. હું બત્તીની પાસે જઈને ઉભતો ત્યારે મોટા અક્ષરવાળી ચોપડી વાંચી શકતો હતો. બતી બરોબર આઠ વાગે બુઝાવે છે. પણ રાતના લગભગ પાંચ કે છ વાર પાછી સળગાવી કેદીઓને પેલા છિદ્ર વાટે દારોગાઓ તપાસી જાય છે.