મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રિટોરિયાની જેલમાં

← અનુભવ ત્રીજો : પ્રિટોરિયામાં મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : પ્રિટોરિયાની જેલમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : કોટડીમાં →


પ્રિટોરિયાની જેલમાં.

ત્રીજી તારીખે પ્રિટોરિયા પહોંચ્યો. બધું નવું જણાયું. જેલ પણ નવીજ બંધાયેલી છે. માણસો નવા. મને ખાવાનું કહ્યું પણ તેની તો ઈચ્છા ન હતી. મારી પાસે મીલીમીલનો પૉરિજ મૂક્યો. તેનો એક ચમચો ચાખીને મેં છોડી દીધો. દારોગાને અચંબો લાગ્યો. મેં કહ્યું, મને ભૂખ નથી. તે હસ્યો. પછી બીજા દારોગાના હાથમાં હું ગયો. તે બોલ્યો "ગાંધી ટોપી ઉતાર". મેં ટોપી ઉતારી. પછી તેણે મને પૂછ્યું, "તું ગાંધીનો દિકરો છે?" મેં કહ્યું "ના મારો દિકરો તો છ મહિનાની જેલ વોકસર્સ્ટમાં ભોગવે છે." પછી મને એક કોટડીમાં પૂર્યો. મેં તેમાં આંટા મારવાનું શરૂ કર્યું. થોડીવારમાં દારોગાએ દરવાજામાં કેદીઓ તપાસવાનું કાણું હોય છે. તેમાંથી મને ચાલતો જોયો અને તે બોલી ઉઠ્યો, "ગાંધી તું આંટા ન મારા; મારી ભોંય બગડે છે." મેં આંટા મારવાનું બંધ કર્યું, અને એક ખુણામાં ઉભો. મારી પાસે કંઈ વાંચવાનું પણ ન મળે. હજુ મારી ચોપડીઓ મને મળી ન હતી. મને આઠ વાગતે પૂર્યો હશે. દશ વાગે ડાક્ટર પાસે લઈ ગયા. ડાક્ટરે મને કંઈ ચેપી દરદ છે કે નહિ તેટલું પૂછી રજા આપી. પાછો પૂરાયો. અગિયાર વાગે મને બીજી નાની કોટડીમાં લઈ ગયા તેમાં મેં બધો વખત ગાળ્યો. તેવી કોટડી એક એક કેદીઓને સારૂ બનાવવામાં આવી છે.