મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ખોરાક

← અનુભવ ત્રીજો : જેલમાં મળેલું કામ મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : ખોરાક
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : ઘીની માંગણી →


ખોરાક.

જેવી ઉપરની દશા તેવો ખોરાક હતો. સવારના પૂપૂ, બપોરના ત્રણ દહાડા પૂપૂ ને પટેટા અથવા ગાજર, ત્રણ દહાડા વાલ, અને સાંજના ઘી વિનાના ચાવલ. બુધવારે બપોરના વાલ તથા ચાવલ અને ઘી તથા રવિવારે પૂપૂની સાથે ચાવલ તથા ઘી; આમ મળે. ઘી વિના ચાવલ મુશ્કેલીથી ખવાય. ઘી ન મળે ત્યાં લગી તે ન ખાવાનો નિશ્ચય કર્યો. સવારના તેમજ બપોરના પૂપૂ કોઈ વેળા કાચું તો કોઈ વેળા રાબના જેવું હોય. વાલ કોઈ કોઈ વખત કાચ હોય. સાધારણ રીતે વાલ ઠીક પાકતા. શાક મળે ત્યારે નાની ચાર, પટેટી એ આઠ ઔંસમાં ગણાય ને ગાજરને દહાડે તે ગણ્યાં ત્રણ; તે પણ નાનાં. કોઈ કોઈ વેળા સવારના ચાર અથવા પાંચ ચમચા જેટલું પૂપૂ લેતો પણ સાધારણ રીતે દોઢ મહિનો મેં માત્ર બપોરના વાલ ઉપર ગાળ્યો. આમાંથી વોકસર્સ્ટના મારા જેલી ભાઈઓએ જાણવા જેવું છે કે, આપણે આપણા પોતાના રસોયા ઉપર કંઈ કાચું હોય અથવા ઓછું હોય ત્યારે રીસ કરતા તે ઠીક ન હતું. આપણા ભાઈ રસોઈ કરે ત્યારે રીસ કામ આવે. ઉપરની સ્થિતિમાં શું કરીએ? બેશક ત્યાં પણ કરાય, પણ તે રાવ ન શોભે એમ માનું છું. જ્યાં સેંકડો કેદી સંતોષ માનીને બેસે ત્યાં રાવ શી? રાવનો હેતુ એક જ હોવો જોઈએ. તે એ કે બીજા કેદીને પણ રાહત થાય. હું કોઈ કોઈ વેળા દારોગાને પટેટા થોડા છે, એમ કહું ત્યારે એ તે મારે સારૂ બીજા આણી આપે તેમાં દહાડા શા વળ્યા? એક વેળા મેં જોયું કે તે તો બીજાના કટોરામાંથી મને આપતો હતો એટલે મેં તે વાતજ છોડી દીધી.

ચાવલમાં ઘી સાંજના નહોતું મળતું તે મને અગાઉથી માલમ હતું, તેનો ઈલાજ કરવાનો નિશ્ચય હતો. મેં તુરત વડા દારોગાને જાહેર કર્યું. તેણે કહ્યું, "ઘી તો માત્ર બુધવારે તથા રવિવારે બપોરના ગોસ્તની અવેજીમાંજ મળશે. વધારે વખત જોઈએ તો ડાક્ટરને મળવું." બીજે દહાડે ડૉક્ટરને મળવા મેં અરજી કરી. મને તેની આગળ લઈ ગયા.