મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : એક ધર્મ સંકટ

←  અનુભવ બીજો : હિંદીઓનું અયોગ્ય વલણ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : એક_ધર્મ_સંકટ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કાફરોના ટંટા →


એક ધર્મ સંકટ.

જેલ અર્ધી પૂરી થઇ હતી. તેટલામાં ફીનીક્સથી તાર આવ્યો કે મિસિસ ગાંધીને મરણતોલ માંદગી છે ને મારે ત્યાં પહોંચવું જોઇએ. સહુ આ ખબરથી દિલગીર થયા. મારી ફરજ શી હતી, તેનો મને સંદેહ ન થયો. જેલરે પૂછ્યું તું દંડ આપી જવા માગે છે કે નહિ? ત્યારે મેં તુરત જવાબ આપ્યો કે મારાથી દંડ આપવાનું બનવા કાળજ નથી. અમારા સંબંધીથી છૂટા પડવું એ પણ અમારી લડતના ભાગ છે. જેલર સાંભળીને હસ્યો ને દિલગીર પણ થયો. આ વિચાર ઉપર વિચારતાં ઘાતકી જણાય એવો છે, છતાં મને તો ખાત્રી છે કે એજ ખરો વિચાર છે. સ્વદેશ પ્રીતિ એ મારા ધર્મનો હું ભાગ સમજું છું. બધો ધર્મ સચવાયો ગણાય નહિ. ધર્મનું પાલન કરવામાં બાયડી છોકરાંઓનો વિયોગ સહન કરવો પડે તે કરીએ, તેઓને ખોઇ બેસીએ તેમાં ઘાતકીપણું નથી એટલું નહિ પણ તેમ કરવું તે આપણી ફરજ છે. આપણે મરણ પર્યંત લડવાનું પણ છે તો પછી બીજો વિચાર થાયજ નહિ. લોર્ડ રોબટર્સે આપણા કામ કરતાં ઉતરતા કામમાં પોતાના એક-જ દીકરાને ખોયો અને લડાઇમાં પોતે હોવાથી છોકરા દફન કરવા સારૂ પણ તેનાથી નહિ અવાયું. આવા દાખલાઓથી દુનિયાનો ઇતિહાસ ભરપૂર છે.