મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર
← અનુભવ બીજો : બીજા સત્યાગ્રહીઓ | મારો જેલનો અનુભવ અનુભવ બીજો : કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ બીજો : વોકસર્સ્ટની જેલ → |
કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર.
હિંદીનો મુખ્ય ભાગ કાંકરી ફોડવા ઉપર હતો. તેથી મેં પણ તે કામની માંગણી કરી. પણ દરોગાએ કહ્યું કે વડા દરોગાનો તેને હુકમ હતો કે મને બહાર નહિ કાઢવો. તેથી તેણે મને કાંકરી ફોડવાની રજા નહિ આપી. એક દિવસે એમ બન્યું કે મારી પાસ સંચાનું કે બીજું સીવવાનું કામ નહતું. તેથી મેં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. હિસાબ એવો છે કે દરેક કેદીએ કંઇને કંઇ જેલનું કામ કરવું જોઇએ. તેથી દરોગાએ મને બોલાવીને પૂછ્યું "આજ તમે માંદા છો? "
મેં જવાબ આપ્યો " નાજી. "
સ○— ત્યારે તમે કેમ કંઇ કામ કરતા નથી ?
જ○— મારી પાસે કામ હતું તે પૂરૂ થયું છે. હું કામનો ઢોંગ કરવા ઇચ્છતો નથી. કામ મને આપો તો હું તે કરવા રાજી છું. નહિ તો નવરો બેઠો વાંચુ તેમાં શી હરકત છે ?
સ○— એ તો ખરૂં પણ જ્યારે વડો દરોગો કે ગવર્નર આવે ત્યારે તમે સ્ટોરમાં રહો તો સારૂં.
જ○— હું એમ કરવા રાજી નથી. હું ગવર્નરને પણ કહેવાનો છું કે સ્ટોરમાં પૂરતું કામ નથી તેથી મને કાંકરી ફોડવા મોકલે.
સ○— ત્યારે બહુ સારૂ. મારાથી તો રજા વિના તમને કાંકરી ફોડવા ન મોકલાય.
આ બનાવ બન્યા પછી થોડી વારે ગવર્નર આવ્યા. મેં તેની પાસે બધી હકીકત જાહેર કરી, તેણે કાંકરી ફોડવા જવાની પરવાનગી ન આપી પણ જણાવ્યું; કે તમારે તેમ કરવાની જરૂર નથી, કેમકે તમને બીજે દિવસે પાછા વોકસસર્સ્ટ મોકલવાના છે.