મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : વોકસર્સ્ટની જેલ

← અનુભવ બીજો : કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : વોકસર્સ્ટની જેલ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : તે ઉપર વિચાર →


વોક્સર્સ્ટની જેલ.

વોક્સર્સ્ટની જેલ નાની હોવાથી કેટલીક છૂટ જે ત્યાં ભોગવાય છે તે જોહાન્સબર્ગની મોટી જેલમાં ન ભોગવાય. જેમકે વોક્સસર્સ્ટની જેલમાં મિ. દાઉદ મહમદને માથે બાંધવા સારૂ સાલ અને ઇજાર (તો બીજાને પણ) પહેરવા આપતા હતા. મિ. રૂસ્તમજી, મિ. સોરાબજી તા મિ. સાપુરજીને તેમની પોતાની ટોપી પહેરવા આપતા હતા. આ પ્રમાણે જોહાન્સબર્ગની જેલમાં બનવું મુશ્કેલ. તેમજ જોહાન્સબર્ગની જેલમાં કેદીઓ પહેલાં દાખલ થાય તેને ડાક્ટર તપાસે છે. આ તપાસનો હેતુ એ હોય છે કે કેદીઓને કંઇ ચેપી રોગ હોય તો તેની દવા કરવી, ને તેને બીજા કેદીથી નોખા પાડવા. આવા કારણથી કેદીઓને બરાબર તપાસે છે. કેટલાક કેદીને ચાંદી વિગેરેનો રોગ હોય છે, તેથી બધાના ગુહ્ય અવયવો તપાસવામાં આવે છે. આથી કેદીઓને તદન નાગા તપાસે છે. કાફરાઓને તો લગભગ પંદર મિનિટ સુધી નાગા ઉભા રાખે છે જેથી ડાક્ટરનો વખત બચે. હિંદી કેદીને ડાક્ટર આવે ત્યારે જ ઇજાર કઢાવે છે. બાકીને કપડા અગાઉથી ઉતરાવે છે. ઇજાર ઉતારવા સામે લગભગ બધા હિંદી હોય છે, છતાં ઘણા તો લડતને ખાતર આનાકાની કરતા નથી, પણ મનમાં કચવાય છે. આ બાબતની મેં ડાક્ટરને વાત કરી. તેણે કેટલાક હિંદી કેદીને ખાસ સ્ટોરમાં તપાસ્યા પણ હંમેશાં તે પ્રમાણે કરવાની તેણે ના પાડી. આ બાબત એસોસીએશને લખાણ કર્યું છે, અને તકરાર હજી ચાલે છે. તે બાબત તકરાર ઉઠાવવી એ વ્યાજબી છે. એ ઘણો જૂનો રિવાજ છે તે એકાએક બદલાવાનો નથી. છતાં તે વિષે વિચાર કરવા જેવું છે.