મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કોટડી
← અનુભવ બીજો : હિંદીઓ માટે જુદી કોટડીઓ | મારો જેલનો અનુભવ અનુભવ બીજો : કોટડી મોહનદાસ કરમચંદ ગાંધી |
અનુભવ બીજો : ખોરાક → |
કોટડી.
કેદીઓને સારૂ નાની કોટડીઓ હોય છે. અને દરેક કોટડીમાં દશ પંદર કે વધારે કેદીનો સમાવેશ થાય એવી ગોઠવણી હોય છે. કેદખાનું બધું પત્થરનું ચણેલું છે. કોટડી ઊંચી છે, ભીંતોને પણ ઘણી વેળા ચુનો લગાડવામાં આવે છે તેથી હંમેશાં નવા જેવી લાગે છે. આંગણું કાળા પત્થરનું બાંધેલું છે, અને હંમેશાં ધોવાય છે, તેમાં ત્રણ ત્રણ સાથે ન્હાઇ શકે એવી ઝરાની ગોઠવણ છે, બે જાજરૂ છે, અને બેસવાના બાંકડા છે. ઉપર કાંટાવાડવાળાની જાળી જડેલી છે, તે કેદીઓ દીવાલ પર ચઢી નાસી જાય તેનો અટકાવ થવા સારૂ છે. દરેક કોટડીમાં અજવાળું તથા હવા ઠીક આવી શકે છે, તેમાં કેદીઓને સાંજના છ વાગે પૂરે છે. કોટડીને બહાર રાતના તાળું મારી રાખે છે. એટલે કોઇને રાતના કુદરતી હાજત થાય તો તે કોટડીની બહાર જઇ શકતા નથી, તેથી કોટડીમાં જ હાજત જવાનાં જંતુનાશક પાણીથી ભરેલાં વાસણ હંમેશાં મૂકવામાં આવે છે.