મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં એક દુઃખદ અનુભવ

← અનુભવ બીજો : બીજો દિવસ-૨ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: જેલમાં એક દુઃખદ અનુભવ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કોર્ટમાં →


જેલમાં એક દુઃખદ અનુભવ.

જોહાન્સબર્ગની જેલમાં બીજો પણ એક દુઃખદ અનુભવ થયેલો. ત્યાં બે વિભાગ જૂદી જાતના છે. એક વિભાગમાં કાફરી તથા હિંદી મજુરીવાળા કેદી રહે છે. બીજા વિભાગમાં સાક્ષી કેદીઓને પૂરેલા હોય છે, ને તેમાં દિવાની જેલ ભોગવનારા હોય છે. તેમાં સખત મજુરીવાળા કેદીને જવાનો હક નથી હોતો. અમારૂં સુવાનું બીજા વિભાગમાં હતું. પણ બીજા વિભાગનું જાજરૂ વિગેરે અમે હકથી વાપરી ન શકીએ. પહેલા વિભાગમાં એટલા બધા કેદી હોય છે કે તેમં જાજરૂની મહા પંચાત પડે છે. કેટલાક હિંદીને આ બહુ દુઃખરૂપ વાત થઇ પડે છે. તેમાંનો હું એક હતો. મને દરોગાએ કહ્યું હતું કે બીજા વિભાગના જાજરૂમાં જવામાં હરકત નથી. તેથી હું તેમાં ગયેલો. આ જાજરૂમાં ભીડ તો હોય છે.વળી જાજરૂ ખુલ્લું હોય છે.તેને દરવાજા નથી હોતા. હું જેવો બેઠો કે તેવોજ એક જબરો મજબુત વિક્રાળ કાફરો આવ્યો. તેણે મને ઉઠી જવા કહ્યું. ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું હું હમણાંજ ઉઠું છું. તેટલામાં તો મને બાથ બીડીને ઉંચક્યો ને બહાર ફેંક્યો. સારે નસીબે મેં બારસાખ પકડી લીધી એટલે હું ન પડ્યો. આમાં કંઇ હુ ગભરાયો નહોતો. હસીને હું તો ચાલતો થયો; પણ એક બે હિંદી કેદી જેણે આ બનાવ જોયો તેઓ રડી પડ્યા. જેલમાં તેઓથી મદદ થાય નહિ, એટલે નિરૂપાય જાણીને તેઓને ખેદ થયો.આવી જાતનાં દુઃખ બીજા હિંદીઓને પણ ભોગવવા પડ્યા છે એમ મેં પાછળથી સાંભળ્યું. મેં ગવર્નરને વાત કરીને જણાવ્યું કે કાફરા કેદીઓની સાથે હિંદી કેદીઓને મુદ્દલ ન રાખવા જોઇએ. ગવર્નરે તરત હુકમ કર્યો કે મોટી જેલમાંથી જાજરૂઓ હિંદી કેદીને સારૂ કાઢી આપે; અને બીજે દિવસથી જાજરૂની તકલીફ મટી. હું પોતે ચાર દિવસ સુધી જાજરૂના ખુલાસા વિના રહેલો તેથી તબીયતને પણ જફા પહોંચી હતી.