મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : બીજો દિવસ-૨

← અનુભવ બીજો : કાફરો સાથે મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : બીજો દિવસ-૨
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલમાં એક દુઃખદ અનુભવ →


બીજો દિવસ-૨.

બીજે દહાડે ઉઠતાંજ મને જ્યાં બીજા હિંદી કેદી હતા ત્યાં લઇ ગયા. એટલે મને ઉપરની બાબત ગવર્નરને કહેવાનો પ્રસંગ ન આવ્યો. જો કે તેવી રીતે હિંદી કેદીઓને કાફરાઓની કે બીજાની સાથે નહિ રખાય તેમ કરાવવાની લડત લેવાનું મનમાં રાખેલું છે. હું ગયો ત્યારે હિંદી કેદીઓ લગભગ પંદરેક હતા. તેમાં ત્રણ સિવાય બીજા સત્યાગ્રહી હતા. ત્રણ જણ બીજા ગુન્હાવાળા હતા. આ કેદીઓને કાફરોની સાથે રાખવામાં આવતા હતા. હું ગયો ત્યારે વડા દરોગાએ હુકમ કર્યો કે અમને બધાને નોખી કોટાડી મળે. મેં દિલગીરીની સાથે જોયું કે કટલાક હિંદીઓ કાફરાઓની સાથે સુવામાં રાજી રહે છે. તે એવાં કારણથી કે ત્યાં ચોરીથી તમાકુ વિગેરે મળી શકે છે. આ આપણને શરમ ઉપજાવનારૂં છે. આપણને કાફરા કે કોઇની તિરસ્કાર ન હોય. પણ તેઓની વચ્ચે તથા આપણી વચ્ચે સાધારણ વ્યવહારમાં એકતા નથી એ ન ભૂલાય તેવું છે. વળી જે તેઓની સાથે સુવા માગે છે તે જૂદાજ હેતુથી. એટલે જો આપણે ચઢવાના હોઇએ તો આવો ભાવ આપણા મનમાંથી નીકળવાની જરૂર છે.