મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : હિંદીઓ માટે જુદું રસોડું

← અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : હિંદીઓ માટે જુદું રસોડું
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : હિંદીઓ માટે જુદી કોટડીઓ →


હિંદીઓ માટે જૂદું રસોડું.

બાકીના જે હિંદી કેદી રહેલા તેઓને સારૂ આપણા જ જણને રસોઈ કરવાની રજા હતી. તેથી મિ. ઉમિયાશંકર શેલત તથા મિ. સુરેન્દ્રરાય મેઢ અને પાછળથી જ્યારે કેદીઓ વધ્યા ત્યારે મિ. જોશી જોડાયા હતા. જ્યારે આ ભાઇઓને દેશપાર કર્યા ત્યારે બીજા રસોઈમાં મિ. રતનશી સોઢા, મિ. રાઘવજી તથા મિ. મવજી કોઠારી હતા. ત્યાર બાદ ઘણાજ માણ્સો થયા ત્યારે તેમાં મિ. લાલભાઈ તથા મિ. ઉમર ઓસમાન જોડાએલા. આ રસોઇ કરનારને સવારમાં બે વાગે યા ત્રણ વાગે ઊઠવું પડતું, અને સાંજના પાંચ થી છ વાગ્યા સુધી તેમાં ગુંથાવું પડતું. જ્યારે ઘણા કેદીઓને છોડવામાં આવ્યા ત્યારે રસોઈનો કારભાર મિ. મુસા ઇસાકજી તથા ઈમામ સાહેબ મિ. બાવાઝીરે લીધો. આમ જે હિંદીએ 'હમીદીઆ ઇસ્લામીક સોસાયટી'ના પ્રમુખ તથા વેપારી, જેમાંના કોઇએ કદી રસોઇ ખરૂં જોતાં નહિ કરેલી, તેના હાથની રસોઇ ખાધી તેના સારા નસીબ સમજું છું. જ્યારે ઇમામ સાહેબ અને તેમની સાથેના છૂટ્યા ત્યારે રસોઇનો વારસો મને ઉતર્યો. મને કંઇક અનુભવ હોવાથી જરાએ અગવડ નહિં આવેલી. ચાર દિવસજ મારે ભાગે તે કામ રહ્યું. હવે (એટલે આ લખતી વેળા સુધી) તે કામ મિ. હરિલાલ ગાંધી કરે છે. અમે જેલમાં દાખલ થયા ત્યારે રસોઇ કોણ કરતું હતું. તે બાબત ઉપરના મથાળા હેઠળ ન આવતી હોવા છતાં સગવડને સારૂ આપું છું.