મિથ્યાભિમાન/અંક ૮ મો/પ્રવેશ ૧. જીવરામભટ્ટનો મંદવાડ

←  ફોજદારી ઈન્સાફ મિથ્યાભિમાન
જીવરામભટ્ટનો મંદવાડ
દલપતરામ
વૈદ્ય આવે છે →


अंक ८ मो

પાત્ર—૧ રંગલો. ૨ રઘનાથભટ્ટ. ૩ સોમનાથ. ૪ દેવબાઇ. ૫ જીવરામભટ્ટ. ૬ વૈદ્ય.

<——૦——>

સ્થળ—રઘનાથભટ્ટનું ઘર

પ્રવેશ ૧ લો.

(પડદો ઉપડ્યો, ત્યાં ખાટાલામાં જીવરામભટ્ટ સૂતા છે, અને પાસે રઘનાથભટ્ટ, દેવબાઇ, સોમનાથ બેઠા છે, અને રંગલો ઉભો છે.)

દેવબા૦—(રઘનાથને) હળદર અને ભોંયરસો ઉનો કરીને બધે શરીરે ચોપડ્યો હોય તો ઠીક.

રંગલો—બેક મરીને મસાલો ચોપડ્યો હોય તો ઠીક.

રઘના૦—હળદરને ભોંયરસાથી શું થાય? આવળ મંગાવીને બાફીને બધે શરીરે બાંધવી પડશે.

રંગલો—મારૂં કહ્યું માનો તો ડાક્ટરને બોલાવીને તેની સલાહ લો.

દેવબા૦—ના અમારે દાક્તરને નથી બોલાવવો. તેના ઓષડથી ન મટે તો એ તો ઝેર દઇને મારી નાખે.

સોમના૦—આપણા શહેરમાં ત્રીકમલાલ [] વૈદ્ય વખણાય છે, તેને બોલાવી લાવું ?

રંગલો૦—ત્રીકમલાલ વૈદ્યને ભક્ષ પાક્યો. જો આ ઉગરનારો હશે ને ઉગરશે, તો ત્રીકમલાલ વૈદ્યને ઓછામાં ઓછા પચાસ રૂપૈયા મળશે; અને કદાપિ આ મરી જશે, તો ત્રિકમલાલના બાપનું કાંઈ જવાનું નથી. છેલ્લી વારે જમવાનું તો મળશે જ.

રઘના૦— તે કરતાં પેલા જામનગરના વૈદ્ય અંબાશંકર થોડાં વર્ષ થયાં અહીં આવીને રહેલા છે, તે વધારે હુંશિયાર ગણાય છે. ઘણે ઠેકાણેથી તેમને આબરૂ મળી છે, તેમને બોલાવ.

રંગલો૦—અરે ! જામનગરના વૈદ્યનું શું કામ છે ? જામનગરના વદનેઆવવાને હવે વાર નથી.

સોમના૦—તેનું ઘર તો અહીંથી વેગળું છે, માટે ત્રિકમલાલને જ તેડી લાવું?

રઘના૦—ઠીક છે જા, ઝટ ઉતાવળો આવજે. (તે જાય છે.)

દેવબા૦—જીવરામભટ્ટ, તમે શી રીતે પકડાયા ?

જીવ૦—(છેક હળવે બોલે છે, માટે તે સઉને રઘનાથ કહી સંભળાવે છે.) હું રાતમાં લઘુશંકા કરવા ઉઠ્યો હતો, તે ખાટલાના પાયા સાથે પાઘડીનો એક છેડો બાંધીને બીજો છેડો હાથમાં રાખ્યો હતો, પણ વચમાંથી પાઘડી પાડીએ ચાવી ખાધી, તેથી તૂટી ગઇ તેથી હું તમારા ઉપર આવીને પડ્યો, એટલે તમે બૂમ પાડીને નાઠાં, કે ચોર છે ! ચોર છે !

દેવબા૦—તમે બોલ્યા નહિ કે, એ તો હું છું?

જીવ૦— મેં ઘણુંએ કહ્યું કે હું છું; પણ તે સોરબકોરમાં મારો બોલ કોઇએ સાંભળ્યો નહિ; અને ઘણું તો હું શરમમાં પડ્યો, તે બોલી શક્યો નહિ.

દેવબા૦—મેં એવું સાંભળ્યું હતું ખરૂં, કે હું માફી માગવા આવ્યો છું. તે શું તમે કહેતા હતા ?

જીવ૦— હા, હુંજ કહેતો હતો.

રંગલો૦—આઅગળ તો " અમે કહેતા હતા, અને અમે ચાલતા હતા" એમ મિજાજમાં બોલતો હતો. હવે કહે છે કે "હા, હું કહેતો હતો."

શેની માફી માંગતા હતા ?

જીવ૦—મેં જમતી વખતે તમને લાત મારી હતી, તેથી પછી જ્યારે હું તમારા ઉપર પડ્યો, ત્યારે, મારા મિથ્યાભિમાનને ખોડ ઢાંકવા સારૂં હું કહેતો હતો કે મેં તમને લાત મારી છે, તેની માફી માગવા આવ્યો છું.

રઘના૦—મેં જાણ્યું કે ચોરે ચોરી કરી છે, તેની માફી માગે છે.

સોમના૦—તમે રાતે દેખતા નથી, ત્યારે મને જગાડીને કહીએ નહિ કે મારે ખાળે જવું છે? ઓ હું તમને ખાળે લઇ જાત.

જીવ૦—હવે મને ઘણોય પસ્તાવો થાય છે, કે એમ કર્યું હોત તો ઠીક.

રંગલો૦

दोहरो

जे मति पीछे उपजे, ते मति आगे होय;
काज न विनसे आपनो, दुर्जन हसे न कोय। ७०

રઘના૦—દીવો નહોતો, તેથી અંધારામાં મેં આને સોમનાથે પણ તમારા ઉપર લાકડીઓના ઝપાટા માર્યા.

રંગલો૦—અને વળી બંદાએ કચાશ રાખી છે?

જીવ૦—અરે કાચી કેદમાં આખી રાત જે મેં જે પીડા ભોગવી છે, તેવી તો જમપુરીના કુંડમાં પણ નહિ હોય.

દેવબા૦—ત્યાં શું તમને સિપાઇઓએ માર્યા હતા.

રંગલો૦—માર્યા નહોતા. પાટલે બેસારીને પૂજા કરવા લઈ ગયા હતા.

જીવ૦—અરે ! ત્યાં એક લીમડાની ડાળે દોરડું બાંધી મૂકેલું છે, ત્યાં મને નવસ્ત્રો કરી ઊંધે માથે લટકાવ્યો.

રંગલો૦— ત્યારે દિગંબરાસન થયું

જીવ૦—અને ચારે તરફથી સિપાઇઓએ ધોકાના માર મારીને મારી પાંસળીઓ ભાંગી નાખી.

જીવ૦— ઠીક કર્યું.

જીવ૦—મને કહે કે બીજા ચોરોનાં નામ બતાવ, અને ચોરીનો માલ બતાવ. હું કેનું નામ દઉં ? ને શો માલ બતાવું ?

રંગલો— આ રઘનાથભટ્ટનું નામ દેવું હતું, અને મલમાં દેવબાઇ બતાવવાં હતં, કેમકે તેમણે પોતાની આબરૂ વાસ્તે ઊંચા કુળનો નઠારો વર જોયો માટે તે પરમેશ્વરના ઘરનાં ચોર છે.

જીવ૦—હું નામુકર જાઉં, તેમ તેમ સિપાઇઓને વધારે ગુસ્સો ચડાતો હતો, અને કહેતા હતા કે ખૂબ માર ખાશે ત્યારે માનશે.

રંગલો૦—ખરી વાત. ખૂબ માર ખાધો ત્યરે હવે માન્યું કે મિથ્યાભિમાન છે તે ખોટું છે. તે પહેલાં ક્યાં મનાતું હતું.

દેવબા૦—પછી તમને ક્યારે છોડ્યા ?

જીવ૦—પરોઢિયે હું છેક બેહોશ થઇ ગયો ત્યારે મને છોડીને ભોંય પર નાંખ્યો.

રંગલો૦—તે વખતે તો ખરેખરૂં ' शवासन ' થયું હશે

જીવ૦—પણ વળી સવારના દસ વાગતાં મારામાં લગાર ચેતન આવ્યું, એટલે વળી મને મારવા માંડ્યો.

રંગલો૦—એ તો ચડતા પહોરની ષોડશોપચાર પૂજા કરી.

જીવ૦—મોઢા ઉપર લાતો મારી.

રંગલો૦—એ મોઢું એજ લાગનું હતું

જીવ૦—મને મા બહેન સામી ગાળો દીધાનો તો પારજ રાખ્યો નહિ.

રંગલો૦—એ તો દેવબાઇએ વીવામાં ફટાણાં થોડાં ગાયાં હશે, તે સિપાઇઓએ પૂરા કર્યા.

દેવબા૦—અરર! મારા પીટ્યા સિપાઇઓ મહા જૂલમી.

રંગલો૦—સિપાઇઓ કાંઇ જૂલમી નથી. મિથ્યાભિમાન મહાજૂલમી છે, એમ જાણવું.

જીવ૦—મને પ્રત્યક્ષ કાળ—જમના દૂત જેવા લાગ્યા. તોપણ હું તેઓનો વાંક કાઢતો નથી, કેવળ મારા મિથ્યાભિમાનનોજ વાંક કાઢું છું.

રંગલો૦—હવે સમજ્યો.

જીવ૦—જે કોઇ મિથ્યાભિમાન ધરશે, તેને પરમેશ્વર, છતે દેહે અથવા નરકમાં, આવી પીડા ભોગવાવશે.

રંગલો૦—અલબત્ત.

જીવ૦—એવો મેં નિશ્ચય કર્યો.

<——૦——>


  1. જે ગામમાં આ નાટક થતું હોય તે ગામના વૈદ્યનું નામ લેવું પણ વેષમાં તેનું નામ ધરાવવું નહિ.