મુજને અડશો મા !
દયારામ



મુજને અડશો મા !

"મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!,
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં;
કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!"...મુજને૦

"તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!"...મુજને૦

"કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?"...મુજને૦

"તારે બીજા વરનું કામ શું છે? હું વર, તું વહુ ધન્ય!
જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય."...મુજને૦

સુણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિ ઉત્તર ના દીધો;
હોળીની હાંસી મિષે દયાપ્રીતમ બે એ આનંદ રસ લીધો. ...મુજને૦