મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ આઠમું

← પ્રકરણ સાતમું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ આઠમું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ નવમું →



પ્રકરણ આઠમું

મૂરખરાજ શાંતિથી પોતાને ઘેર રહેતો હતો. પોતાના ઘરડાં માબાપનું ભરણપોષણ કરતો હતો. અને મૂંગી બહેનની સાથે ખેતરના કામમાં મચ્યો રહેતો હતો. એક દહાડો તેનો કૂતરો બીમાર થયો અને મરવાની અણી પર આવ્યો. મૂર્ખાને દયા આવી અને તેને રોટલીનો ટુકડો આપ્યો. આ રોટલીનો ટુકડો તેણે પોતાની ટોપીમાં ઘાલ્યો હતો. તેની ટોપીમાં પેલા ગુલામે આપેલાં મૂળિયાં પણ મૂર્ખો રાખતો. આમાંનું મૂળિયું રોટલીના ટુકડાની સાથે પડી ગયું. કૂતરો રોટલી સાથે તે પણ ગળી ગયો અને તુરતજ સાજો થઈ રમવા, ભસવા અને પૂંછડી હલાવવા માંડી ગયો. મૂર્ખાનાં માબાપ આ જોઈ આશ્ચર્ય પામ્યાં અને પૂછ્યું : " આ કૂતરાને તેં કઈ રીતે સાજો કર્યો?"

મૂર્ખે જવાબ આપ્યો : "હરકોઈ પણ દરદ મટાડવાને સારુ મારી પાસે બે મૂળિયાં હતાં. તેમાંથી એક આ કૂતરો ગળી ગયો તેથી સાજો થયો છે."

આ સમયે મૂર્ખાના ગામના બાદશાહની દીકરી માંદી હતી. બાદશાહે એવો ઢંઢેરો પિટાવ્યો હતો કે જે માણસ તે બાઈને સાજી કરે તેને ઇનામ મળશે અને જો તે માણસ કુંવારો હશે તો તે છોકરી તેને પરણશે.

આ ઢંઢેરાની વાત મૂર્ખાના બાપે મૂર્ખાને કરી અને કહ્યું : "બેટા, તું રાજાને ત્યાં જા. તારી પાસે મૂળિયું છે તે તેની છોકરીને આપજે, અને આથી તું સુખી થશે."

મૂર્ખો બોલ્યો : "ઠીક બાપા, હું જાઉં છું."

મૂર્ખો જવાને તૈયાર થયો. માબાપે તેને શણગાર્યો. જેવા તે બહાર નીકળ્યો તેવો જ એક લકવો થયેલ હાથવાળી ભિખારી ઓરતને મળ્યો. મૂર્ખાને જોઈ આ ઓરત બોલી : ' મેં સાંભળ્યું છે કે, તમારી પાસે દરદો મટાડવાની અક્સીર દવા છે, ભાઈ સાહેબ, મારો હાથ મટાડો. હું મારાં કપડાં પણ મારે હાથે પહેરી શકતી નથી." મૂર્ખો બોલ્યો : "ઠીક છે." એમ કહી તેણે મૂળિયું ભિખારણને આપ્યું. તે ગળી ગઈ અને તેનો લકવો તુરંત દૂર થયો. મૂરખાને આશીર્વાદ આપી દીધું અને તેની પાસે કંઈજ ન રહ્યું એમ જોયું ત્યારે તેઓ દિલગીર અને ગુસ્સે થયાં."

તેઓ બોલ્યાં : "ભાઇ, તને ભિખારણની ઉપર દયા આવી. રાજાની દીકરી સારુ તું બિલકુલ દિલગીર થતો નથી?" મૂરખાને તો તેની પણ દિલગીરી હતી, પણ તેની સામે આવી ઊભેલી ભિખારણને તે કેમ કાઢી મૂકે ? મૂર્ખો ગાડી જોડી તેમાં ડૂંડા નાખી ચાલવા લાગ્યો.

બાપે પૂછ્યું : "કેમ અલ્યા, ક્યાં જાય છે?"

મૂરખે જવાબ આપ્યો : " રાજાની દીકરીની દવા કરવા."

"પણ તારી પાસે તો દવા કંઈ રહી નથી." એમ બાપ બોલી ઊઠ્યો.

મૂર્ખે ધીમેથી વિનયપૂર્વક જવાબ આપ્યો : " બાપા, તમે ફિકર ન કરો. બધું સારું થઈ રહેશે." પછી તે રાજાને મહેલે ગયો, અને જેવો તે ઉંબર પાસે પહોંચ્યો કે તરત રાજાની દીકરી સાજી થઈ ગઈ. રાજા તેથી ખુશી થયો. તેણે આ મૂર્ખાને પોતાની પાસે તેડાવ્યો અને તેને ભારે પોશાક પહેરાવી રાજા બોલ્યો, "તમે આજથી મારા જમાઈ છો."

મૂર્ખે કહ્યું : " જેવી આપની મરજી."

પછી મૂરખરાજના વિવાહ થયા. થોડા કાળ પછી રાજા મરણ પામ્યો, ને રાજાને કુંવર ન હોવાથી મૂરખરાજ ગાદીપતિ થયો. આમ ત્રણે ભઆઈ બાદશાહી ભોગવતા થયા.