મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ નવમું

← પ્રકરણ આઠમું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ નવમું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ દસમું  →



પ્રકરણ નવમું

આમ ત્રણે ભાઈઓ રાજકર્તા થઇ રહ્યા. સમશેર બહાદુર આબાદ થયો. ડૂંડલાના સિપાઈ વડે બીજા સિપાઈઓ પણ મેળવી શક્યો. ઘરદીઠ એક સિપાઈ આપવાની રૈયત ઉપર ફરજ પાડી. આમ તેની સિપાઈઓની સંખ્યા ઠીક જામી. અને જો કોઈ તેની સામે થાય તો તે તુરત તેની સામે લડી પોતાનું ધાર્યું કરતો. આથી તેના મનમાં એવો ભરોસો આવ્યો કે આવી સ્થિતિ હંમેશાં નભી રહેશે. ધન્વંતરિ પણ સુખે દિવસ ગાળવા લાગ્યો. મૂર્ખાની પાસેથી મળેલા પૈસામાં તેણે વધારો કર્યો. પોતાના રાજનું બંધારણ બાંધ્યું. લોકો ઉપર કર નાખી ખજાનો વધાર્યો. માથાદીઠ વેરો નાખ્યો. ગાડીવાળા પાસેથી તથા જોડ વગેરે વેચનાર પાસેથી કર લીધા. બધા તેની ગરજ ભોગવતા થઇ પડ્યા એટલે તેને પણ એવો વિશ્વાસ બેઠો કે તેવી સ્થિતિ સદાયે કાયમ રહેશે.

મૂર્ખરાજ તો રાજ્યના માલિક બન્યાં છતાં, હતો તેવો રહ્યો. પોતાના સસરાની મરણક્રિયા કરીને પોતાના રાજ્યનો ઝભ્ભો ઉતારીને એક કોરે મૂકી દીધો અને પોતાની પાણકોરાની બંડી અને ઓખાઈ જોડા ફરી ધારણ કર્યાં અને ખેતરમાં કામ કરવાનું ફરી શરૂ કર્યું. પોતાનાં માબાપ અને બહેન મોંઘી તેની સાથે જ રહ્યાં.

લોકો કહેવા લાગ્યા કે, "આપ તો હવે બાદશાહ છો. આપને કામ કરવું ઘટે નહીં."

મૂર્ખે કહ્યું: "ત્યારે શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?"

જે ધોરણે મૂરખરાજે વહેવાર રાખ્યો તેમાં પૈસાની લેવડ દેવડનો અવકાશ રહ્યો નહીં. તેથી સસરાના વખતના ચોવટિયા અમલદારો આવીને કહેવા લાગ્યાઃ"નામદાર, નોકરોના પગાર આપવાને સારુ ખજાનામાં પૈસા નથી." મૂરખરાજે કહ્યુઃ"ત્યારે તેઓને પગાર નહીં આપવા."

એક અમલદાર બોલી ઊઠ્યો: "આ પ્રમાણે તો કોઈ નોકરી નહીં કરે."

મૂરખરાજ બોલ્યો: "ભલે, આપણને તેઓની નોકરીનું કામ નથી. તેઓ જમીન ખેડશે તો બસ થશે. અને તેટલુંય નહીં કરે તો ભૂખે મરશે."

વળી લોકો મૂરખરાજ પાસે ન્યાય કરાવવા આવતા ત્યારે તેના ન્યાયનું ધોરણ વિચિત્ર લાગતું.

એક વેળા એક શેઠિયો પોતાના ઘરમાં ચોરીની રાવ લાવ્યો.

મૂરખરાજે ઇન્સાફ આપ્યો: "જે માણસ પૈસા લઈ ગયો તેને તેની જરૂર હશે. એટલે ફરિયાદીએ શાંતિ રાખવી ઘટે છે."

આમ થવાથી લોકોમાં મૂરખરાજ નામ પ્રમાણે ગુણવાળો ગણાવા લાગ્યો. એક વેળા તેની રાણીએ તેને કહ્યું: "તમને તો બધા તમારા નામ પ્રમાણે જ ગુણ છે એમ માને છે."

મૂરખરાજે કહ્યું: "એ તો ભલી વાત થઈ."

રાણી કંઈક વિચારમાં પડી ખરી. પણ પોતે મૂર્ખાના જેવી સાદી અને ભલી હતી.એટલે મૂર્ખાના જવાબથી નારાજ ન થઈ. મનમાં તેણે વિચાર્યું: "શું હું મારા ધણીની સામે થાઉં? એ તો બને જ કેમ? જેમ સોય ચાલ તેમ દોરી તો તેની પાછળ ચાલશે જ" તેથી તે મોંઘીની પાસે ખેતરનું કામ શીખવા લાગી. તે કામાં પાવરધી થઈ અને પોતાના ધણીને કામમાં મદદ કરવા લાગી.

પરિણામ એ આવ્યું કે ડાહ્યા-ડમરાઓ મૂર્ખાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા, માત્ર સાદા રહ્યા. કોઈની પાસે ધનદોલત ન મળે મહેનતમજૂરી કરી પોતાનું પોષણ કરવા લાગ્યા. અને તે ગામમાં વખતોવખત સાધુપુરુષો ચઢી આવતા, તેઓની આ બધા સાદા માણસો આગતાસ્વાગતા કરતા.