મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ ચોથું
← પ્રકરણ ત્રીજું | મૂરખરાજ અને તેના બે ભાઈઓ પ્રકરણ ચોથું મોહનદાસ કરમચંદ ગાંધી |
પ્રકરણ પાંચમું → |
સમશેરવાળા ગુલામે પોતાનું કામ પૂરું કર્યું એટલે અગાઉ કરેલા ઠરાવ મુજબ મૂર્ખાવાળા ગુલામને મદદ કરવા આવી પહોંચ્યો.તેણે ખેતર ઉપર આવીને આમ તેમ ખૂબ જોયું, પણ પોતાના ભાઈબંધને ન દીઠો. માત્ર એક ખાડો જ જોવામાં આવ્યો.
તેણે વિચાર્યું, "આ તો ચોખ્ખું દેખાય છે કે મારા ભાઈબંધ ઉપર કંઈક આફત આવેલી હોવી જોઇએ. હું હવે એની જગ્યા લઉં. મૂર્ખાએ ખેતર તો પૂરું કર્યું, હવે તો તેને વીડીમાં હંફાવવો જોઇશે."
વીડીમાં ગુલામે પાણીથી મૂર્ખાની ગંજીઓ ભીની કરી મૂકી અને મોટું પૂર આવેલું તેથી ઉપર કાદવ પથરાઈ ગયો.
મૂર્ખો સવાર પડતાં દાતરડાની ધાર કાઢીને ઘાસ કાપવા ચાલ્યો. તેણે કામ શરૂ કર્યું પણ એક બે વાર દાતરડું ચલાવ્યું તેમાં તેની ધાર વળી ગઈ, અને દાતરડું જરાયે ચાલે નહીં. મૂર્ખો તોયે મંડ્યો રહ્યો. પણ જ્યારે દાતરડું ન ચાલ્યું ત્યારે મનમાં બોલી ઊઠ્યોઃ "આમ કંઇ વળવાનું નથી. હું ઘેર જાઉં, ધાર કાઢવાનાં હથિયાર લઈ આવું અને સાથે ટુકડો રોટલો પણ લાવું. એક અઠવાડિયું જાય તોપણ શું થયું? ઘાસ તો કાપ્યે જ છૂટકો છે."
ગુલામ આ સાંભળી રહ્યો ને મનમાં બબડી ઊઠ્યો: "આ મૂર્ખો ચીકટ માણસ છે. મારાથી આમ તો એને પહોંચી નહીં વળાય. હવે બીજી યુક્તિ રચવી પડશે."
મૂર્ખો પાછો ફર્યો, દાતરડાની ધાર કાઢી અને ઘાસ કાપવું શરૂ કર્યું. ગુલામ ઘાસમાં પેસી ગયો, દાતરડાની અણી પકડવા લાગ્યો. આથી મૂર્ખાને મહેનત તો બહુ જ પડી. પણ જ્યાં બહુ ભેજ હતો, તે નાના ટુકડા સિવાય બધો ભાગ તેણે પૂરો કર્યો. હવે ગુલામ કાદવમાં પેઠો અને મનની સાથે નિશ્ચય કર્યો કે પોતાના પંજા કપાય તો ભલે, પણ મૂર્ખાને ઘાસ કાપવા ન જ દેવું.
મૂર્ખો ત્યાં પહોંચ્યો. ઘાસ આછું હતું તો પણ દાતરડું ચલાવતાં બહુ મહેનત પડતી હતી. આથી મૂર્ખો બહુ ગુસ્સે થયો અને પોતાનું બધું જોર વાપરીને દાતરડું ચલાવવા લાગ્યો. ગુલામ પાછો પડ્યો. મૂર્ખાનાં જોર પાસે તેનું કંઈ વળ્યું નહીં. એટલે તે ઝાડીમાં ભરાઈ ગયો. મૂર્ખાએ દાતરડું ઉગામ્યું તે ઝાડીમાં ભરાયું અને ગુલામની અડધી પૂંછડી કપાઈ. મૂર્ખાએ કાપવાનું પૂરું કર્યું. મોંઘીએ ઘાસ એકઠું કર્યું અને મૂર્ખો પોતે બાજરી લણવા ચાલ્યો. પણ અરધ પૂંછડિયો ગુલામ ત્યાં પહેલો પહોંચી ગયો હતો. તેણે બાજરીની એવી હાલત કરી હતી કે મૂર્ખાનું દાતરડું કામમાં જ ન આવે. મુર્ખો ઘેર દોડી જઇને બીજું હથિયાર લાવ્યો અને બાજરી પૂરી કરી નાખી.
મૂર્ખે વિચાર કર્યોઃ "હવે હું બીજા ભાગ ઉપર જાઉં."
અરધ પૂંછડિયાએ આ સાંભળ્યું અને મનમાં બોલી ઊઠ્યોઃ "ઘાસમાં ને બાજરીમાં તો મૂર્ખાને ન પહોંચાયું; હવે જોઉં છું, આમાં શું થાય છે." બીજી સવારે મૂર્ખો બહુ જ વહેલો જઈ પહોંચેલો હોવાથી અરધ પૂંછડિયો પહોંચે તેના પહેલાં મૂર્ખે પોતાનું કામ પૂરું કર્યું હતું. અરધ પૂછડિયો ગભરાયો અને ખિજાયો. તે બોલી ઊઠ્યોઃ"મૂર્ખાએ મને બધે જ હરાવ્યો અને થકાવ્યો. આ તો ખરેખર મૂર્ખો જ. મૂર્ખાને કંઈ શીંગડાં હોય? બેવકૂફ પૂરું સૂતો પણ નથી. એને તે કેમ પહોંચી વળાય? હવે તો હું દાણાના ઢગલામાં પેસી જાઉં અને બધા સોડવી દઉં."
આમ વિચારી અરધ પૂંછડિયો દાણાના ઢગલામાં પેઠો, દાણા સડવા લાગ્યા. તે દાણાને તેણે ગરમ કર્યા તેથી પોતાને પણ ગરમી છૂટી તેથી તેમાંજ ઊંઘી ગયો.
મૂર્ખો મોંઘીની સાથે ઘોડી જોડીને ચાલ્યો. દાણા ગાડામાં નાખવા લાગ્યો. બે ઝપાટા પૂરા કર્યા અને ત્રીજી વખત ભરવાને જાય છે તો દાંતલો અરધ પૂંછડિયાની પીઠમાં ગરી ગયો. ઊંચકે છે તો દાંતલા ઉપર તેણે અરધ પૂંછડિયાને તરફડતો ને નીકળી પડવાનો પ્રયત્ન કરતો જોયો.
તેને જોઈને મૂર્ખો બોલી ઊઠ્યોઃ "અરે અલ્યા! પાછો તું આવ્યો કે?"
અરધ પૂંછડિયો બોલ્યોઃ "હુ તે નહીં. પેલો તો મારો ભાઈ હતો, હું તો તારા ભાઈ સમશેરની પૂંઠે હતો." મૂર્ખો બોલ્યો:"ભલે , ભલે, તું ગમે ત હોય, તારી પણ એ જ વલે થશે" એમ કહીને મૂર્ખો તેને ગાડીની સાથે અફળાવા જતો હતો તેટલામાં તેણે કહ્યું:"મને તમે જવાદો; હું ફરી નહીં આવું અને તમે જે કહો તે કરું."
મૂર્ખાએ પૂછ્યું:"તું શું કરી શકે છે?"
ગુલામે જવાબ દીધોઃ "તમે કહો તો તેમાંથી હું સિપાઈ બનાવી શકું છું."
મૂર્ખો બોલ્યોઃ "તે મારે શું કામના?"
ગુલામે કહ્યું,"તમે જે ચાહો તે તેની પાસેથી કરાવી શકો છો."
મૂર્ખે પૂછ્યું:"તેઓ ગાઈ શકે?"
ગુલામ કહેઃ "હા."
મૂર્ખે કહ્યું: "ભલે ત્યારે થોડા બનાવ."
ગુલામે પછી કેટલાંક બાજરાનાં ડૂંડાં લીધાં અને પોતાને હાથે પછાડીને જણાવ્યું:"આમ તેને પછાડો અને હુકમ કરો એટલે ડૂંડાંમાંથી સિપાઈ પેદા થશે."
મૂર્ખાએ તેમ કર્યું અને ડૂંડાના સિપાઈ બન્યા. તેઓ એક નગારચી અને શંખ ફૂંકનારો પણ હતા. આને જોઈ મૂર્ખો હસ્યો અને બોલ્યો:"વાહ! આ તો ઠીક છે. છોડીઓ તમાસો જોઈ રાજી થશે." અરધ પૂંછડિયાએ કહ્યુઃ "હવે મને જવાની પરવાનગી આપો."
મૂર્ખે કહ્યું:"એમ નહીં જવાય. બાજરીના ડૂંડાંના સિપાઈ બનાવું તે મને મોંઘા પડે. મારે તો ઠૂંઠાંના બનાવવા છે. સિપાઈમાંથી પાછાં ડૂંડાં કેમ બનાવવાં એ પણ તારે શીખવાડવું જોઈશે." એટલે અરધ પૂંછડિયાએ સિપાઈનાં ડૂંડાં બનાવવાની રીત પણ શીખવી, અને જવાની રજા માગી.
મૂર્ખાએ તેને રજા આપી, અને અગાઉની જેમ બોલ્યો : "ઈશ્વર તારી સાથે સદાય રહેજો." મૂર્ખાએ ઈશ્વરનું નામ લીધું તેવો જ અરધ પૂછડિયો ગુલામ તેના ભાઈબંધની જેમ જમીનમાં પેસી ગયો અને માત્ર ખાડો જ જોવાનો રહ્યો.
હવે મૂર્ખો ઘેર આવે છે તો તેના ભાઈ ધન્વંતરિ અને તેની વહુને જોયાં.બન્ને વળુ કરતાં હતાં. ધન્વંતરિથી તેનું કરજ ચૂકવી શકાયું નહોતું. લેણદારોની પાસેથી ભાગીને બાપને ઘેર રહેવા આવેલો હતો. મૂર્ખાને જોઇ તેણે કહ્યું : "ભાઈ, હું ધંધો પાછો શરૂ કરી શકું ત્યાં લગી મને અને મારી સ્ત્રીને તારે ત્યાં રહેવા દેજે."
મૂર્ખો બોલ્યોઃ" ભલે સુખેથી રહો." પછી મૂર્ખો લુગડાં ઉતારી જમવા બેઠો. ધન્વંતરિની વહુ બોલી ઊઠીઃ "મૂર્ખો તો પસીનાથી ભીંજાયેલો છે. તેની પડખે બેસી આપણે કેમ જમીએ?" તેથી ધન્વંતરિએ મૂર્ખાને બહાર જઈ ખાવા કહ્યું.
મૂર્ખો કહેઃ" એ ઠીક વાત છે, મારે હજી બહુ કામ પણ છે" એમ બોલી થોડો રોટલો લઈ બહાર ગયો.