મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ ત્રીજું

← પ્રકરણ બીજું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ ત્રીજું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ ચોથું →



પ્રકરણ ત્રીજું

મૂરખરાજે એક નાનકડા ટુકડા સિવાય બધી જમીન ખેડી નાખી હતી, અને હવે તે ટુકડો પૂરો કરવા આવ્યો હતો. તેના પેટમાં દરદ હતું, છતાં ખેડ તો કરવી જ જોઈએ તેમ તેને લાગ્યું, તેથી હળ જોડ્યું અને કામ શરૂ કર્યું. એક ફેરો તો પૂરો કર્યો અને હળ પાછું વળ્યું ત્યારે કેમ જાણે સખત મૂળિયામાં ભરાઈ ન ગયું હોય એમ તેને લાગ્યું. પરંતુ એ તો પેલો ગુલામ હતો. તેણે પોતાના પગ અંદર ભરાવી દીધા હતા, અને હળને ખેંચી રાખવા માગતો હતો. મૂરખરાજે વિચાર્યું: "આ તે કેવું અજાયબ જેવું! મૂળિયું તો ક્યાંય દેખાયું નથી. પરંત પેલું હોવું જોઈએ." એમ કહી મૂરખરાજે હાથ ઊંડો નાખી આમતેમ ફેરવ્યો. અને જે હાથમાં આવ્યું તે પકડીને ખેંચી કાઢ્યું.એ મૂળિયાની માફક કાળું લાગતું હતું. પણ એના હાથમાં તે તરફડતું હતું.એ તો પેલો ગુલામ જ તો. મૂરખરાજ તેને હળની ઉપર ફેંકવા જતો હતો તેટલામાં ગુલામ બોલી ઊઠ્યો" "મને ઈજા ન કરશો. હું તમે જે કહેશો તે તમારે સારુ કરીશ."

મૂરખરાજે પૂછ્યું, "તું મારે સારુ શું કરી શકે છે?"

ગુલામે જવાબ આપ્યો, "જે તમે કહો તે."

મૂરખરાજે માથું ખંજવાળીને કહ્યુ : "મારા પેટમાં દુખે છે તે તું મટાડી શકે ખરો?"

ગુલામે જણાવ્યું: "એ હું કરી શકું છુ."

મૂરખરાજે જવાબ દીધો : "ત્યારે કર."

ગુલામે વાંકા વળી પોતાના પંજાથી ખોતરીને ત્રણ પાંખડીવાળું એક મૂળિયું ખેંચી કાઢ્યું અને તે મૂરખરાજને આપ્યું.

ગુલામે કહ્યું :"આ મૂળિયાની એક પાંખડી જે માણસ ગળી જાય તેને ગમે તે દરદ હોય તે મટે છે." મૂરખરાજે મૂળિયાની એક પાંખડી લીધી. તુરત જ તેનું દરદ શાંત પડ્યું.

ગુલામે કહ્યું, "હવે મને જવાદો, હું ધરતી માંહે સરી જઈશ અને કદી પાછો આવીશ નહીં."

મૂરખરાજ બોલ્યોઃ "ભલે જા, ઈશ્વર સદાય તારી સાથે રહેજો."

મૂરખરાજે જેવું ઈશ્વરનું નામ લીધૂં કે તરત જ જેમ પાણીમા ફેંકેલો પથરો તળિયે જ ઈ બેસે, તેમ ગુલામ ધરતી માંહે પેસી ગયો અને તેમાં માત્ર ખાડો જ દેખાતો રહ્યો.

મૂરખરાજે મૂળિયાની બીજી બે પાંખડી પોતાની પાઘડીમાં ખોસી દીધી, અને પાછું હળ હાંકવા મડી ગયો. ખેતી પૂરી કરીને ઘેર ગયો. ઘોડાને છોડીને પોતે ઝૂંપડીમાં દાખલ થાય છે તો સમશેરબહાદુર અને તેની વહુને વાળુ કરતાં જોયાં. સમશેરની જાગીર જપ્ત થઈ હતી અને તે મુસીબતે કેદખાનામાંથી ભાગી છૂટ્યો હતો. હવે પોતાના બાપની સાથે રહેવા તે દોડી આવ્યો હતો.

સમશેરે મૂર્ખાને દીઠો, ને જણાવ્યું, "હું તારી સાથે રહેવા આવ્યો છું. મને અને મારી વહુને જ્યાં સુધી મને બીજી નોકરી ન મળે ત્યાં સુધી ખવડાવીશ ને?" મૂર્ખો બોલ્યોઃ "ભલે, તમે મારી સાથે રહેજો."

પણ જ્યારે મૂર્ખો પાટાલા પર બેસવા જતો હતો ત્યારે સમશેરની સ્ત્રીને તેની વાસ ન ગમી. પોતાના પતિ પાસે જઈ તે બોલી ઊઠી," હું કંઈ એક ગંદા ખેડૂતની સાથે મારું વાળુ કરવાની નથી." એટલે સમશેર મૂર્ખા તરફ જોઈ બોલ્યો, "મારી સ્ત્રી કહે છે કે તું તો વાસ મારે છે. મને લાગે છે કે તું બહાર બેસઈને જમે તો સારું."

મૂર્ખાએ જવાન દીધો, "બહુ સારું. નહી તોપણ મારે ઘોડીને જોગાણ દેવા બહાર જ જવું પડત."

પછી મૂર્ખો પોતાનાં કપડાં અને થોડો રોટલો લઈને બહાર ગયો.