← દૂધવાળો આવે યુગવંદના
અભિસાર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
આખરી સંદેશ →


અભિસાર


મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો,
સંકોડી ઇન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.

*

પવનમાં પુરદીપ ઠરેલ છે,
જન તણાં ગૃહદ્વાર બીડેલ છે;
ગગનના ભર શ્રાવણ-તારલા
ઘનઘટા મહીં ઘોર ડૂબેલ છે.

*

ઓચિંતી અંધકારે ત્યાં ગુંજી છે પગઝાંઝરી :
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?
ચમકી પલક માંહે સંત જાગી ઊઠે છે,
સુખમય નિદરાના બંધ મીઠા તૂટે છે.
ઝબૂક ઝબૂક જ્યોતિ ગુપ્ત કો' દીપકેથી
કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે.

*

નામે વાસવદત્તા કો’ પુરવારાંગના વડી
ચડેલી છે અભિસારે, માતેલી મદયૌવના.
અંગે ઝૂલે પવન-ઊડતી ઓઢણી આસમાની,
ઝીણી ઝીણી ઘૂઘરી ઝણકે દેહ-આભૂષણોની;
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની.

*

અભાગી કોણ સૂતું તે દેખવા દીવડો ધરે :
યોગીને અંગડે ગૌર નવેલી રોશની ઝરે.
તરુણ સૌમ્ય સુહાસવતી વયે

નયનથી કરુણાકિરણો દ્રવે,
મધુર ઈન્દુ સમી સમતા-સુધા
વિમલ લાલ લલાટ થકી ઝરે.

*

લજાભારે નમ્યાં નેત્ર, લાલિત્યે ગળિયું ગળું;
આજીજીના સ્વરો કાઢી યાચે છે અભિસારિકાઃ
'ક્ષમા કરો ! ભૂલ થઈ, કુમાર !'
કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો.
તમે મૃદુ આ ધરતી કઠોર,
ઘટે ન આંહીં પ્રિય, તોરી શય્યા.'

*

કરુણ વચન બોલી યોગી આપે જવાબ,
ટપકતી અધરેથી માધુરીપૂર્ણ વાણી :
'નથી નથી મુજ ટાણું, સુંદરી ! આવ્યું હાવાં;
જહીં તું જતી જ હો ત્યાં આજ તો જા, સુભાગી !
જરૂર જરૂર જ્યારે આવશે રાત મારી,
વિચરીશ તુજ કુંજે તે સમે આપથી હું.'

*

ઓચિંતો આભ ફાડે લસલસ વીજળીજીભ ઝૂલન્ત ડાચું,
કમ્પી ઊઠી ભયેથી રમણી રજની-અંધાર એ ઘોર વચ્ચે;
વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફૂંકે કરાલ,
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કો’ની માંડે !

*

વીત્યા છે કૈં દિનો-માસો આષાઢી એહ રાતને;
વર્ષ પૂરું નથી વીત્યું – સંધ્યા ઢળાય ચૈત્રની.
ફરર ફરર ફૂંકી આકળો વાયુ વાય,

સડક પર ઝૂકેલા વૃક્ષને મ્હોર બેઠા;
ઊઘડી ઊઘડી મ્હેકે રાજબાગે રૂપાળાં
બકુલ, રજનીગંધા, પુષ્પ પારૂલ પ્યારાં.
વાયુની લ્હેરીએ વ્હેતા આવે દૂર સુદૂરથી,
મંદ મંદ સુરા-ભીના ધીરા કૈં સ્વર બંસીના.

*

નગર નિર્જન : પૌરજનો બધાં
મધુવને ફૂલ-ઉત્સવમાં ગયાં;
નીરખતો ચુપચાપ સૂની પૂરી
હસી રહ્યો નભ પૂનમચાંદલો.

*

સૂને પંથે નગર મહીં એ નિર્મળી ચાંદનીમાં,
સંન્યાસી કો' શરદ-ઘન શો એકલો જાય ચાલ્યો;
એને માથે તરુવર તણી શ્યામ ઘેરી ઘટાથી
વારે વારે ટહુ ! ટહુ! રવે કોયલો સાદ પાડે.

*

આવી શું આજ એ રાત્રિ યોગીના અભિસારની !
આપેલા કોલ આગુના [] પાળવા શું પળે છ એ !

નગર બા'ર તપોધન નીસર્યો,
ગઢની રાંગ કને ભમવા ગયો;
તિમિરમાં સહસા કંઈ પેખિયું :
વનઘટા તણી છાંય વિષે પડયું.

*

  1. ૧. આગળના.

પડી નિજ પગ પાસે એકલી રંક નારી.
તન લદબદ આખું શીતલાના પરૂથી;
વિષ સમ ગણી એની કાળી રોગાળી કાયા,
પુરજન પુરબા'રે ફેંકી ચાલ્યા ગયા'તા.

*

સંન્યાસીએ નમી નીચે, માથું રોગવતી તણું
ધીરેથી ઝાલીને ઊંચું પોતાના અંકમાં ધર્યું.
સૂકા એના અધર પર સીંચી રૂડી નીરધારા,
પીડા એને શિર શમાવવા શાંતિમંત્રો ઉચાર્યા:
ગેગેલા એ શરીર ફરતો ફેરવી હાથ ધીરો,
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.

*

પૂછે રોગી: 'મુજ પતિતની પાસ ઓ આવનારા?
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાય, દયાળા ?'
બોલે યોગી : 'વીસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા !
તારા મારા મિલનની, સખિ ! આજ શૃંગારરાત્રિ.'

ઝયાં પુષ્પો શિરે એને, કોકિલા ટહુકી ઊઠી :
પૂર્ણિમા રાત્રિની જાણે જ્યોત્સ્નાછોળ છલી ઊઠી.