યુગવંદના/આખરી સંદેશ
← અભિસાર | યુગવંદના આખરી સંદેશ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
વીર બંદો → |
રાત ઘંટા ચાર વાગે,
જરી સૂતાં લોક જાગે,
ઘોડલાના પાય લાગે,
શેરીઓ મોઝાર;
હણહણે તોખાર.
આવિયો રણદૂત,
આવિયો રણદૂત;
દૂત આવ્યો, દૂત આવ્યો,
યુદ્ધમાંથી ખબર લાવ્યો,
વાહ ભાઈ ! વધાઈ લાવ્યો
સમરનો સરદાર;
આવિયો અસવાર
'બોલ, બાંધવ, બોલ.'
ઊઠે આકુલ શોર:
બો'લ ક્યાં સાથીડા તારા,
'કેટલે દૂર છોગલાળા,
‘કોણ જીત્યા કોણ હાર્યા;
"બોલ તતખણ, વીર !
'નથી રે'તી ધીર.'
મુસાફર મુખ મૌન,
ભયંકર મુખ મૌન.
ધરી છે મૂંગો મુસાફર
ઘોડલાને દઈ ટોકર.
છુપાવી મુખડું ભયંકર
પ્રવેશે સૂનકાર
દુર્ગ કેરે દ્વાર.
ચુપ ! સઘળા ચુપ !
દીસે ખબર અશુભ.
અશુભ આખી રાત કાળી,
આપણે ગઢ ચઢી ગાળી,
દીઠ ઝાંખા એદીપ બાળી
ભમન્તા ભેંકાર
ભૂતના આકાર.
અમંગળ એંધાણ !
અમંગળ એંધાણ !
આભ ચીરી ખર્યો તારો,
સાંભળ્યાં રોતાં શૃંગાલો.
ઘુવડ બોલ્યું : “મરો મારો !'
ફડફડ્યાં ગરજાણ,
રડ્યાં શ્વાન મસાણ.
હુઈ હાલકલોલ,.
બજ્યા બૂંગિ ઢોલ.
બુંગિયા ઢોલડ બજાયા,
સુણી સબ નરનાર ધાયાં,
ગઢે જઈ ધકબક મચાયા;
સૂતાં મૂક્યાં બાળ.
ઉઘાડાં ઘરદ્વાર.
કોણ રક્ષણહાર !
કોણ સાચવનાર !
ઘર ઘર થકી જોધાર જણજણ
સિધાવ્યા રમવા રણાંગણ,
રહ્યા બાકી માનવી ત્રણ:
ઘોડિયે રમનાર,
બૂઢાં ને આજાર.
'ખોલ કિલ્લેદાર !'
પુકારે પુરનાર :
'ખોલ કિલ્લેદાર ડેલા,
‘જાણવા દે ખબર છેલ્લા,
'જીવતા છે કે મરેલા
‘કુળવતીના કંથ ?
'કહો પિયુના પંથ.'
કડડ ઊઘડે દ્વાર
દેખિયો અસવાર.
અસવાર એકલ, જીભ સૂકી:
આંખ ધરતી પરે ઝૂકી :
ઊભો લમણે હાથ મૂકી
બાવરો બેહોશ,
કંઠ બાઝ્યા શોષ.
ક્યાં રહ્યાં હથિયાર !
ક્યાં રહી તલવાર !
અર્ધખંડિત અણીવાળો
માતની રજિયલ ઘજાળો
ઝગમગે છે હાથ ભાલો :
ફરફરે ઝંડો,
માતનો ઝંડો.
કમકમે કેકાણ
હેમરાં-કુળ ભાણ.
કેકાણ-તનથી ખૂન ટપકે,
નીર-ઝરતાં નેન ઝબકે,
ઝૂરે જાણે મૂંગે ઠપકે,
કાં ન છૂટ્યા પ્રાણ !
કમકમે કેકાણ.
'શમાણો સહુ ઘોષ !
'ધરો સહુ ખામોશ !'
'ખામોશ !' કહી દૂતે ઉઠાવ્યો
ભાંગલો ભાલો ઝુલાવ્યો,
ત્રિરંગી ધ્વજ ફરૂકાવ્યો,
શમ્યા સઘળા શોર;
સનસનાટી ઘોર.
'સુણો પુરનાં લોક !
'સુણો પુરનાં લોક !
'સુણો બુઢાં પિતામાતા !
'સુણો જોબનવતી વનિતા !
‘સુણો નાનાં બાળ રમતાં !
'જુઓ કોની વાટ ?
'રુઓ હૈયાફાટ !'
'કોઈ નહિ આવે !
'એ કોઈ નહિ આવે !
'તમારા સબ કંથ બેટા
'ખડગ હાથે હીંચ લેતા,
'માત-ઝડે નમન દેતા,
'ઢળ્યા હારોહાર,
'ધજાના રખવાળ.'
'માત-ધ્વજને કાજ
'માત-ધ્વજને કાજ;
'ધ્વજ ફરંતા વીંટળાતા,
'ધ્વજ તણે રક્ષણ કપાતા,
‘કાળ-ગર્તે ગયા ગાતા :
'માત-ધ્વજ આબાદ !
'માત-ધ્વજ આબાદ !'
'અમૂલખ અંઘોળ
'નીર રાતાંચોળ :
'અંઘોળ વરસી તોપ ગોળી
‘ઝીલતા છાતી હિલોળી :
'ન કો સૂતા દર્દ-ઝોળી
'તન હુવા તરબોળ,
'અમૂલખ અંઘોળ.'
'મેહુલા મલ્લાર !
'મેહુલા મલ્લાર !
'એક એક સપૂત ધાયો,
'ખોબલે નિજ રક્ત લાયો,
'માતધ્વજ મેહુલે ન્હાયો,
'નીતર્યો જયનાદ,
'માત-ધ્વજ આબાદ !'
‘ઉતાર્યા ઋણભાર,
'માતાના ઋરણભાર,
'માતનાં ધાવણ અનોધાં
'ચઢી હૈયે હતાં પીધાં
'કણેકણ ચૂકવી દીધાં,
'ધરી શોણિતધાર,
ઉતાર્યા ઋણભાર.'
વાહવા કુળ-દીપ !
વાહવા કુળ-દીપ !
દિયે બુઢ્ઢા હાથ મૂછે,
માવડી સુખ-નયન લૂછે,
ચૂડલાળી પ્રિયા પૂછે
પિયુના સંદેશ,
આખરી સંદેશ.
'આખરી સંદેશ !
'આખરી સંદેશ !
'સહુનાં ઉર-રક્ત વહેતો,
'સમર્પણની કથા કહેતો.
'વિપત્તિ-વેદના સહેતો
'ત્રિરંગી સંદેશ,
'આ આખરી સંદેશ !'