યુગવંદના/છેલ્લી પ્રાર્થના

← ઊઠો યુગવંદના
છેલ્લી પ્રાર્થના
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ભીરુ →




છેલ્લી પ્રાર્થના


હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ :
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !

અમારા યજ્ઞનો છેલ્લો બલિઃ આમીન કે'જે !
ગુમાવેલી અને સ્વાધીનતા તું ફેર દેજે !
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે !
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે'જે !

પ્રભુજી ! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું —
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું !
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું.

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે :
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત ! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જન્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા :
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ પ્યારા !

ભલે હો રાત કાળી આપ દીવો લૈ ઊભા જો !
ભલે રણમાં પથારી -- આપ છેલ્લાં નીર પાજો !
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો !
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો !

તૂટે છે આભ ઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.