યુગવંદના/જલ-દીવડો
< યુગવંદના
← વીંજણો | યુગવંદના જલ-દીવડો ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
દીવડો ઝાંખો બળે → |
દીવડો તરતો જાય રે –
આજ મારો દીવડો તરતો જાય.
પવન-ઝપાટા ખાય રે –
તોય મારો દીવડો તરતો જાય.
આ રે કાંઠે હું દીવો જલાવું ને
સાયબોજી સામે પાર.
એ રે એંધાણીએ પિયુજી પારખે, હું
આ ઘરમાં છું કે બા'ર રે –
વાહ મારો દીવડો તરતો જાય. — દીવડો૦
લાખો લોકો તણે ગોખે ઝરૂખે
બહુરંગી બની પેટાય.
હું રે ગરીબ : મારું માટીનું કોડિયું
જ કેમ કરીને ઓળખાય રે –
વાહ મારો દીવડો તરતો જાય. — દીવડો૦
અંધારી રાત : મારો સાયબોજી જળમાં
જોઈ રહે થર થર જ્યોત;
ઘૂઘવતા પૂરમાં પંડ ઝંપલાવે
મીઠું કરીને મોત રે –
વાહ મારો દીવડો તરતો જાય. — દીવડો૦
ઝાંખેરી જ્યોતમાં દૂર દૂર દેખું
વાલીડાનાં વીંઝાતાં અંગ;
હાથ કેરી છાજલીમાં બળે મારો દીવડો,
પિયુ આવે મારતો છલંગ રે –
વાહ મારો દીવડો તરતો જાય.
દિવડો તરતો જાય રે –
વાહ મારો દીવડો તરતો જાય.