યુગવંદના/દીવડો ઝાંખો બળે
< યુગવંદના
← જલ-દીવડો | યુગવંદના દીવડો ઝાંખો બળે ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
અનામી ! અનામી ! → |
દીવડો ઝાંખો બળે —
રે મારો દીવડો ઝાંખો બળે.
આજે ઘેર અતિથિ આવે :
પલ પલ પડઘા પડે;
સકળ નગર સૂતું છે, સ્વામી !
તારાં સ્વાગત કોણ કરે. — દીવડો૦
તારો રથ ગાજે છે ગગને :
ધરતી ધબક્યા કરે;
હે પરદેશી ! પોઢણ ક્યાં દેશું !
નયને નીર ઝરે. — દીવડો૦
‘સાંજ પડ્યે આવું છું સજની !' ,
એવું કહીને ગયો;
આજ યુગાંતર વીત્યે, વ્હાલા !
તારાં પગલાં પાછાં વળે. — દીવડો૦
સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;
હાય, પ્રભાત હવે;
ક્યાં રથ ! ક્યાં અતિથિ ! ક્યાં પૂજન !
નીંદમાં સ્વપ્ન સરે.
દીવડો ઝાંખો બળે –
રે મારો દીવડો ઝાંખો બળે.